Urdvagaman books and stories free download online pdf in Gujarati

Urdvagaman

ઉર્ધ્વગમન

કાગળ ઉપરની આ છેલ્લી લીટીએ પરીતાની આખો માં મુશળધાર આશુઓ લાવી દીધા. એણે મક્કમ મન કર્યું હતું કે હું નહિ જ રડું. આમ પણ રડવા જેવું ક્યા કશું હતું એના જીવન માં? પણ તેમ છતાં મન રડી રડી ને હળવું થયું. કાગળની ગડી વાળીને એકદમ સિફતપૂર્વક તેણે એ કાગળ તત્વમનાં ઓશિકા નીચે મૂકી દીધો અને પોતાને બેગ લઈ ને નીકળી પડી ઘર ની બહાર. પરોઢિયાનાં પાંચ વાગ્યા હતા. દિવસ નું આખું શીડ્યુઅલ પણ પેલા પત્ર ની સાથે મુક્યું હતું જેથી શરૂઆતમાં તેનાં પતિ તત્વમ અને દિકરી રાધા ને અઘરું નાં પડે.

છ વાગ્યા અને ડોરબેલ રણકી, દૂધવાળો હતો, ઘણી બધી વખત ડોરબેલ નો અવાજ આવ્યો એટલે તત્વમ ઉભો થયો અને દૂધ લેવા ગયો, દૂધવાળો કહે કે કેમ આજ તમે આવ્યા સાહેબ, ભાભી ની તબિયત તો સારી છે ને? અને દૂધ આપી એ જતો રહ્યો, તત્વમ આખા ઘરમાં ફર્યો પરિતા ને શોધી પણ મળી નહિ, બેડરૂમ માં ગયો અને તેનું ધ્યાન પેલા ગડી વાળેલા પત્ર તરફ ગયું અને એક ઉહકારો નીકળી ગયો કે શું હશે?

પત્ર ખોલ્યો અને અનિમેષ તાક્યા કર્યું એ પત્ર તરફ, કેટલા સુંદર અક્ષર હતા ને પરિતા ના? અને એક એક લાઈન વાંચવા લાગ્યો.

તત્વમ,

ઘણા સમય થી મન કૈક અજંપા માં છે ખબર નથી પડતી કે શું થાય છે. મન ગૂંગળાયા કરે છે કેટલા સમય થી, અને વિચારો નાં ધસમસતા પુર માં હું ક્યાંક ફંગોળાતી જાઉં છું. કેટલો સમય થયો ને આપણે બંનેને એકબીજા ઉપર પત્ર લખે? વર્ષો જતા રહ્યા છે અને હવે આ એક જ પ્રકારનાં રૂટિન માં મેં મને જ ક્યાંક ખોઈ દીધી છે. લગ્ન ની શરૂઆતનાં સમયમાં આપણે એક બીજા ને ઘણો જ સરસ સમય આપ્યો, અને રાધાનાં જન્મ બાદ તો જીવન જાણે બદલાઈ જ ગયું , ખુબ મજા કરી આપણે રાધા સાથે. અને પછી આપણે પતિ-પત્ની મટી ને માતા-પિતા બની ગયા. ફક્ત માતા-પિતા. હવે તો રાધા પણ મોટી થઇ ગઈ છે એટલે પોતાને અને તને સારી રીતે સંભાળી શકે તેવી. એટલે જ મને વિચાર આવ્યો છે કે મારે મને મળવું છે, ખુદને મળવું છે, હું તમને છોડીને ક્યાય નથી જઈ શકવાની પણ તેમ છતાં મારે મારા અસ્તિત્વ માટે કૈક કરવું છે. એક ગાડરિયા પ્રવાહ માં જીવી જીવી ને થાકી છું. હવે નથી તને સમય તારી પત્ની માટે કારણ કે એ સંબંધ ને આપણે ઘણા સમય પહેલા જ જાણે છોડી દીધો છે. અને એટલે જ હવે હું મારી સાથેનાં મારા સંબંધ ને જીવવા જાઉં છું. ખુશી ની વ્યાખ્યા કદાચ તારી અને મારી જુદી છે, તારી ખુશીઓ એટલે તારી નોકરી માં તારું સારા માં સારું પર્ફોર્મન્સ અને તેના થી થતા ફાયદાઓ જ્યારે મારી ખુશીઓ એટલે તારી સાથે વિતાવેલી એક એક પળ અને એ પળ ને સ્મૃતિ માં રાખવી. ખેર જવા દે આ કોઈ ફરિયાદ પત્ર નથી પરંતુ હું ક્યાંક જઈ રહી છું તેની જાણ કરતો પત્ર છે. ક્યા જાઉં છું તે હું તને નહિ કહું કારણ કે એ મારી જાત ને પણ હું સરપ્રાઈઝ આપી રહી છું. આમ જોઈ એ તો આપણા જીવનમાં ક્યા કોઈ દુઃખ છે બધી તરફ થી સુખ જ સુખ છે અને હું એ સ્વીકારું છુ. તું ખુબ જ સારો પતિ અને પિતા છે. રાધા એ આપણા જીવનમાં આવી ને જીવન ને જાણે સ્વર્ગ જ બનાવી દીધું છે પણ આ ચક્રમાં મેં મને ખોઈ દીધી છે એટલે હવે હું જઈ રહી છું મને શોધવા. પાછી જરૂર થી આવીશ કારણ કે હું તમને છોડીને નથી જઈ રહી પણ મને મેળવવા જઈ રહી છું.

જો ઈચ્છેત તો તને કહી ને, અને તારા દ્વારા જ બધું બુકિંગ કરાવી ને જઈ શકતી પણ કદાચ એમાં આ મજા નાં આવેત. ક્યારેક આ અલ્લડતા ની પણ મજા છે નહિ? તું તો કેટલીયે વાર તારા મિત્રો સાથે, કંપની માંથી આ રીતે જાય છે એટલે તને તો ખબર જ હશે, પણ મારા થી તો આ બધું એ જ દિવસે છૂટી ગયું જે દિવસે મેં તારી સાથે જીવનનાં ડગ માંડ્યા. આ ફરિયાદ નો સુર નથી પણ મારી લાગણી છે. થોડા દિવસ તું પણ તારી જાત ને અને રાધા ને સંભાળ, અને હું મને. ચિંતા નાં કરતો, હું ખુબ જ સરસ રીતે બધું જ મેનેજ કરી લઈશ, તારા વગર પણ.... હા કદાચ મારા તરફથી મારી જાતને જ ટ્રીટ છે અને એટલે જ હું ખુબ ખુશ છું. તો મળ્યા . કદાચ તને પણ સમય મળશે તારી જાત ને મળવાનો અને મારા વિષે વિચારવાનો. હવે જ્યારે હું તને મળીશ ત્યારે હું કૈક અલગ હઈશ, તું કૈક અલગ હઈશ અને રાધા પણ. કદાચ આપણે ત્રણેય એકબીજાનાં નવા જ અસ્તિત્વ સાથે મળીશું. હું તમને બંને ને ખુબ જ પ્રેમ કરું છું અને હંમેશા કરતી રહીશ. લવ યુ સો મચ માય લવ.

એજ તારી અને ફક્ત તારી જ પણ અસ્તિત્વ ની શોધ માં જઈ રહેલી પરિતા .”

પત્ર વાચી ને બે ઘડી તો તત્વમની આખે અંધારા આવવા લાગ્યા આ કોઈ સપનું છે કે હકીકત, પણ પછી તેને અહેસાસ થયો કે સાચે જ પરિતા ક્યાંક ગઈ છે. સાચે જ એના પ્રેમ માં કૈક ખોટ લાગી હશે પરિતા ને, હા કદાચ સમય નથી ફાળવી શકતો એટલે. તત્વમ વિચારવા લાગ્યો કે મારે જ મારી જાત માં બદલાવ લાવવો પડશે. એક સ્ત્રી ને શું જોઈતું હોય છે, પતિ અને કુટુંબ નો પ્રેમ, એક સરસ બાળક, અને ખુશીઓ. બીજી બધી વસ્તુઓ માટે તો તે હંમેશા ઓપ્શન માં જ ચાલતી હોય છે ને.

તેણે નક્કી કર્યું કે આ બાબતે તે રાધા ને કશું નહિ કહે. તે એવું જ કહેશે કે મમ્મી ક્યાંક ફરવા ગઈ છે આમ તો રાધા પણ નાની નથી એટલે સમજી પણ શકે તે પણ હવે ૧૬ વર્ષની થઇ છે પણ તેમ છતાં તત્વમ રાધા ને પત્ર બાબતે કશું નહિ કહે. તત્વમ ત્યાંથી ઉભો થયો અને દિવસ નાં શિડયુલ વાળો કાગળ હાથમાં લઇને દિવસની શરૂઆત કરી.

રાધાને ઉઠાડી અને થોડા જ શબ્દોમાં સમજાવ્યું કે તેની મમ્મી ક્યાંક ફરવા ગઈ છે તો જ્યાં સુધી મમ્મીનાં આવે ત્યાં સુધી પપ્પા જ તેની મમ્મી છે. રાધા એ ફક્ત એટલું જ પૂછ્યું કે મમ્મી એકલી ગઈ છે? એટલે સામે થી હા નો જવાબ મળ્યો. પપ્પાએ રાધાને કહ્યું કે હવે આ બાબતે આપણે ચર્ચા નહી કરીએ અને ખુબ મજ્જા કરીશું. ફરી થી રાધા નો પ્રશ્ન આવ્યો : મમ્મી વગર મજા કરીશું? તત્વમને ખ્યાલ આવ્યો કે હા યાર આજ સુધીની દરેક મજામાં પરિતા જ તો મુખ્ય હોય છે. તે કેટલી ઉત્સાહી છે નાની નાની વાતો ને કે નાના નાના પ્રસંગોને પણ મજા થી ભરપુર બનાવી દે. એના વગર મજા કરવી શક્ય જ નથી. પણ જેમ તેમ કરીને તેણે રાધાને સમજાવી અને રૂટીન શરુ થઇ ગયું.

પરિતા ને હરિદ્વાર જઉં હતું કદાચ ત્યાંની શાંતિમાં તેને પોતાની જાત મળી જાય.તેને પહેલાથી હરિદ્વારની ટ્રેન માટે બુકિંગ કરાવી લીધું હતું એટલે બેસી ગઈ ટ્રેનમાં. ટ્રેનની રફતારની સાથે સાથે આંતરિક મુસાફરી ની પણ શરૂઆત થઇ ગઈ. તે વાંચન પ્રેમી હતી,ઘણી બધી ચોપડીઓ સાથે લઇને આવી હતી. પણ આજ એને કશું વાંચવું નહોતું પણ બસ એમ જ વિચારોમાં મન હતું. તેને લાગતું હતું કે તે આમ નીકળી પડી એ સાચું હતું કે ખોટું. કદાચ તે તત્વમને જાણ કરી ને ગઈ હોત તો પણ શું ફેર પડવાનો હતો? પણ મન કહેતું હતું કે નાં દરેક ને પોતાનું મનગમતું કરવાનો હક્ક છે જ એને કશું જ ખોટું નથી કર્યું. સ્ત્રી હોવું એ કઈ ગુનો તો છે જ નહી કે બધા ને પૂછી પૂછી ને પાણી પીવું. બસ એને આ જ કરવું હતું અને તેને આ જ કર્યું. સડસડાટ ટ્રેન ચાલી રહી હતી અને વિચારતા વિચારતા તે ક્યારે સુઈ ગઈ એ પણ ખબર નાં રહી. હરિદ્વાર પહોચીને ગુજરાતી સમાજમાં ગઈ રૂમ પણ મળી ગયો, તેને કશે જવું નહોતું બસ સાંજની આરતીમાં જવું હતું પણ જરા વહેલી જ ઘાટ તરફ ગઈ, બેસી જ રહી નદીને જોતી રહી, સ્ત્રીનું જીવન પણ નદી સમાન જ છે ને, જેવા વળાંકો આવે તેમ વળી જવાનું પણ જો ઈચ્છે તો વળાંકો નાં પથ્થરોને પણ તોડી નાખે, મનમાં ધસમસતા પુર જેવા વિચારો હતા, તેણે કશુક નક્કી કર્યું, આરતી શરુ થઇ અને તેના જગમગાટમાં જાણે પોતાની જાત ઓગળી રહી છે તેવું લાગ્યું તેને, બધું જ ભૂલીને એક અલગ જ વિશ્વમાં પહોચી ગઈ, આરતી પૂરી થઇ અને ભીડની વચ્ચે થી નીકળી અને રૂમ પર ગઈ, તેને લાગ્યું કે બસ તેને આ જ મક્કમતા જોઈતી હતી જીવનમાં, આ જ નિર્ણયશક્તિ જોઈતી હતી, હવે તે પોતાને ગમે તે બધું જ કરશે,

આ બાજુ તત્વમ ઓફિસમાં બેસીને વિચારી રહ્યો હતો કે મેં પરીતાને બધું જ આપ્યું પણ સોનાનાં પીંજરાની જેમ, હવે મારે એનું આકાશ બનવું છે, મારે એને સમય આપવો છે, મારે એને ઉડવા દેવી છે, કેમ સ્ત્રીએ જ બધું લેટ-ગો કરવાનું, ક્યારેક હું એના માટે સવારે કોફી નાં બનાવી શકું? ક્યારેક હું એને સરપ્રાઈઝ પાર્ટી નાં આપી શકું? ક્યારેક હું એને એમ નાં કહી શકું કે કાલ તું મોડી ઊઠજે હું મેનેજ કરીશ બધું. તેને પણ લાગ્યું કે આ જ સાચો સમય છે એક બીજાનાં સંબંધને નવો આયામ આપવાનો.

પરિતા સ્ટેશને ગઈ અને તત્કાલ ટીકીટ લઇ આવી, તેને થયું કે બસ મને હું મળી ગઈ છું, તેનું મન એકદમ હળવું થઇ ગયુ હતું, તેને લાગ્યું કે બસ જલ્દીથી હું તત્વમને અને રાધાને મળીને બધું શેર કરૂં. ટ્રેનમાં બેસી ગઈ અને સવાર પડતા અમદાવાદ આવ્યું, ઘરે ગઈ તત્વમ અને રાધા જાણે તેની જ રાહ જોતા હતા, ત્રણેય ભેટી પડ્યા એકબીજાને, પરીતા ચોચાર આંસુએ રડવા લાગી, કઈ જ બોલ્યા વગર બધા એકબીજાને સમજી ગયા. તત્વમની આંખમાં પણ આંસુ આવ્યા.

પરીતાને લાગ્યું કે તેમના સંબંધોનું આ જ ઉર્ધ્વગમન છે, એને એક વાક્ય યાદ આવ્યું કે ‘ I m not fall in love but rise in love’.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED