પ્રવાસ- કુલ્લુ મનાલી Shloka Pandit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રવાસ- કુલ્લુ મનાલી

કુલ્લુ:

હિમાચલ પ્રદેશનાં આગળના અંકમાં આપણે શિમલા અને તેની આસપાસનાં ફરવાલાયક અને માણવા લાયક સ્થળો વિષે વાત કરી, આ અંકમાં આપણે કુલ્લુ તથા મનાલી અને તેની આસપાસના ફરવાલાયક સ્થળો વિષે વાત કરીશું અને એક ભાવવિશ્વમાં પહોચીશું.

સામાન્ય રીતે આપણી બોલચાલની ભાષામાં આપણે કુલ્લુ-મનાલી તથા કુલ્લુ-મનાલી-શિમલા એવી રીતે બોલીએ છે જેમ કે એ એક જ સ્થળ છે પણ હકીકતે આ દરેક જગ્યાની અલગ અલગ ખાશીયત છે. ટુર પેકેજીસમાં કુલ્લુ-મનાલીમાં મનાલી ઉપર જ વધારે ધ્યાન દેવામાં આવે છે અને સ્પેશિયલી રોહતાંગ પાસ, પણ કુલ્લુ-મનાલી રોહતાંગ પાસથી ઘણું જ વધારે છે.

કુલ્લુ જિલ્લોએ ‘વેલી ઓફ ગોડ’ એટલે કે દેવોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે કારણકે ત્યાં દરેક પ્રકારના ધાર્મિક સ્થળો આવેલા છે. બરફાચ્છાદિત પર્વતોની વચ્ચે આવેલ કુલ્લુ ખીણ બિઆસ નદી ઉપર આવેલ છે અને તેનું એક અનેરું આકર્ષણ પણ છે. અહીના ગગનચુંબી દેવદારના વ્રુક્ષો, મનને ઠંડક આપે તેવા દ્રશ્યો, સફરજનની વાડીઓ, ઝરણા અને અનેક મંદિરો આપણામાં એક અલગ જ શક્તિ પ્રદાન કરે છે. કુલ્લુમાં આવેલ ઢાલપુર મેદાનમાં વર્ષમાં એક વાર થતા દશેરાના આંતરાષ્ટ્રીય ઉત્સવ માટે પ્રખ્યાત છે આ ઉત્સવ દશેરાના બીજા દિવસ થી શરુ થઇને સાત દિવસ સુધી ચાલે છે જેમાં હિમાચલ પ્રદેશની સંસ્કૃતિને ખુબ જ નજીકથી માણવા મળે છે. રઘુનાથ મંદિર એટલેકે રામ મંદિર પાસે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. રઘુનાથ મંદિર આ ઉત્સવ સિવાય પણ જોવાલાયક સ્થળોમાનું એક સ્થળ ગણી શકાય પણ દશેરા ઉત્સવમાં કુલ્લુને આપણે ખુબ જ નજીકથી, રંગબિરંગી રીતે જોઈ શકીએ છીએ, માણી શકીએ છીએ, આ ઉત્સવ માટે દેશવિદેશથી અનેક સહેલાણીઓ આવે છે અને કુલ્લુને પોતાના માનસપટલ પર ચિત્રિત કરીને જાય છે. કુલ્લુ વેલીએ પીર પન્જાલની વચ્ચે આવે છે એટલે હિમાલયનો જ એક ભાગ ગણવામાં આવે છે. કુલ્લુંમાં પણ અનેક એડવેન્ચર સ્પોર્ટ્સ, ટ્રેકિંગ કેમ્પ થતા હોય છે.

કુલ્લુ જવા માટે ભૂંતર એ સૌથી નજીકનું એરપોર્ટ છે જે કુલ્લુથી આશરે ૧૦ કી.મી.નાં અંતરે આવેલ છે. કુલ્લુથી દિલ્હીનું અંતર ૫૧૨ કી.મી છે એટલે જો બસ દ્વારા જવું હોય તો કોઈપણ મહાનગરથી દિલ્હી અને ત્યાંથી બસ દ્વારા કુલ્લુ પહોચી શકાય અને તેના માટે હિમાચલ પ્રદેશની બસની પણ ખુબજ સારી સાગવડ છે. ટ્રેન દ્વારા જવા માટે સૌથી નજીકનું બ્રોડગેજ રેલ્વે સ્ટેશન ચંડીગઢ છે અને ત્યાથી બસ અથવા ટેક્ષી દ્વારા કુલ્લુ પહોચી શકાય.

કુલ્લુમાં ત્યાંની સ્પેશીયલ શોલ તથા મફલર, તિબેટીઅન કારપેટ, ત્યાંની પરંપરાગત જ્વેલરી ખરીદી શકાય છે. હિમાચલ પ્રદેશનાઆ પ્રદેશમાં ત્યાના રહેવાસીઓમાં એવી પરંપરા છે કે જ્યારે કોઈ નવપરિણીત યુગલ આશીર્વાદ લેવા કોઈના ઘરે જાય ત્યારે તેમને ત્યાંની પરંપરાગત બનાવટની શાલ અને મફલર આપવામાં આવે છે.

મનાલી:

મનાલી એ દરિયાઈ સપાટીથી ૬૭૩૦ ફૂટની ઊંચાઈએ આવેલ ભારતના ટોપ ડેસ્ટીનેશનમાનું એક. મનાલીને ભારતનું સ્વીત્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. મનાલીનો ઈતિહાસ જોઈએ તો મનાલી નામ મનું ઋષિ ઉપરથી પાડવામાં આવ્યું છે એવી લોકવાયકા છે. મનાલી એટલેકે મનુનું ઘર અથવા તો મનું સુધી પહોચવાનો માર્ગ. મનાલીએ કુલ્લુથી ૪૫ કી.મી નાં અંતરે આવેલ છે અને કુલ્લુથી મનાલી પહોચવાનો રસ્તો પોતાનામાં જ એક ડેસ્ટીનેશનનો આનંદ આપે છે. મનાલીની અમુક આગવી વિશેષતા છે જેના કારણે લોકો મનાલીને પસંદ કરે છે. ત્યાં પહોચીએ એટલે જાણેકે એક અલગ જ વિશ્વમાં પહોચી ગયાની અનુભૂતિ થાય. ત્યાના કુદરતી દ્રશ્યો જોઈને જાણેકે રોમ રોમ પુલકિત થઇ જાય. મનાલી એટલેકે રોમાંચ થી રોમાંસ સુધીની સફર. ત્યાં ગયા પછી તમે કુદરતના પ્રેમમાં નાં પડો એ શક્ય જ નથી. મનાલીમાં અનેક પ્રાચીન મંદિરો છે અને તેની બનાવટની શૈલી ખુબ જ સુંદર છે. મનાલી તેના સુંદર શૈલીના બૌધ્ધ ગોમ્પા અથવા તો મઠ માટે જાણીતું છે. આ ગોમ્પામાં પ્રવેશો એટલે તમે ભૂલી જ જાવ કે તમે મનાલીમાં છો.

મનાલી એટલે કે બર્ફીલી હવા, સફરજનની સુગંધ અને એડવેન્ચરનો સમન્વય. ત્યાં ગયા પછી આપણા તન મનમાં એક અલગજ જોમ-જુસ્સો ભરાય છે. મનાલીમાં આવેલ ગધન થેક્ચોક્લીંગ ગોમ્પાએ મુખ્ય આકર્ષણમાનું એક છે. આ ગોમ્પા પ્રખ્યાત પેગોડા શૈલીથી બનાવવામાં આવેલું છે અને તે તિબેટિયન સંસ્કૃતિને ઉજાગર કરે છે. અંદર પ્રવેશતાજ ખુબજ વિશાળ બુદ્ધની પ્રતિમા છે અને તેના બહારના વિસ્તારમાં નાની નાની દુકાનો છે જેમાંથી તિબેટિયન હેન્ડીક્રાફટની ખુબ જ સુંદર વસ્તુઓ તથા તેબેટિયન કાર્પેટ ખરીદી શકાય છે. આ ગોમ્પા સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લા રહે છે.

આ ઉપરાંત ઓલ્ડ મનાલીમાં મનુ ઋષિનું મંદિર પણ આવેલ છે જ્યાં ખુબ જ શાંતિ ની અનુભૂતિ થાય છે, મનાલી થી કુલ્લુનાં રસ્તે લગભગ ૧૦ કી.મીના વિસ્તારમાં કેમ્પ સાઈટ પણ આવેલી છે જ્યાં અલગઅલગ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટીવીટી અને એડવેન્ચર કરાવવામાં આવે છે. જે એક દિવસથી લઇને વધારે દિવસના હોય છે.

સ્કીઈઁગ, હાઈકીઁગ, પર્વતારોહણ, પૅરાગ્લાઈડીઁગ, રાફ્ટીંગ, માઉન્ટેઈન બાઈકીંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સ માટે પણ મનાલી જાણીતું છે

કુલ્લુ તથા મનાલીની આસપાસના જોવાલાયક સ્થળો :

૧.રોહતાંગ પાસ : રોહતાંગ પાસ મનાલીથી ૪૦ કી.મીનાં અંતરે આવેલું છે, જે સ્કીઈંગ માટે પ્રખ્યાત છે. ત્યાં બરફઆચ્છાદિત પર્વતોની વચ્ચે પોતાને માણવાની મજા જ કૈક અલગ છે. જો સ્કીઈંગ કરવા માગતા હોય તો તેના સાધનો મનાલીથી પણ ભાડે લઇ શકાય છે અને રોહતાંગ પાસ પર પણ મળે છે, અને તેના માટે એક ગાઈડ રાખવો આવશ્યક છે જેથી આ રમતની પુરેપુરી મજા લઇ શકાય. આવા ગાઈડ આખો દિવસ આપની સાથે રહીને આ રમત શીખવે છે. આ ઉપરાંત ત્યાં પહેરવા માટેના કપડા પણ અલગથી ભાડે લેવા પડે છે. સામાન્ય રીતે મનાલી એટલે રોહતાંગ પાસ એવીજ એક ઈમેજ છે અને તેમાં થોડું ઘણું તથ્ય પણ છે. જો અહી આવી એડવેન્ચર એક્ટીવીટી ના કરાવી હોય તો પણ બરફથી ખુબ સારી રીતે રમી શકાય છે. આ જગ્યા હનીમુન સ્પોટ તરીકે અને ફેમીલી આઉટીંગ માટે ખુબ સરસ છે.

૨.કોઠી : મનાલીથી રોહતાંગ જવાના રસ્તે મનાલીથી લગભગ ૧૫ કી.મીનાં અંતરે આ જગ્યા આવે છે અહી ખુબ જ સુંદર માઉન્ટેન વ્યુ મળે છે, ફોટોગ્રાફરના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે.

૩.ગુલાબા : મનાલીથી આશરે ૨૦ કી.મી નાં અંતરે ગુલાબા નામનું સ્થળ આવે છે જે રાજા ગુલાબ સિંહ પરથી પાડવામાં આવ્યું છે. જ્યાં ખુબ જ સુંદર,રંગબિરંગી ફૂલો જોવા મળે છે અને એકદમ શાંત જગ્યા પણ છે જેથી આપણે કુદરતને ખુબ જ નજીક થી માણી શકીએ. આ જગ્યાએ જવા માટે વહેલી સવારે નીકળવું આવશ્યક છે જેથી ટ્રાફિક જામ થી બચી શકાય.

૪.રહાલા ધોધ : મનાલીથી આશરે ૩૦ કી.મીનાં અંતરે રહાલા ધોધ આવેલ છે જે શિયાળામાં જામી જાય છે પણ મે મહિનાથી ઓક્ટોબર સુધી આ ધોધ ધોધમાર હોય છે. રહાલા ધોધ દેવદાર નાં વ્રુક્ષોથી ઘેરાયેલો પ્રદેશ છે અને તેની સુંદરતા આપણી આંખોમાં વસી જાય છે.

૫.મણીકરણ : પાર્વતિ નદીનાં કિનારે આવેલ ગુરુદ્વારા અને ગરમ પાણી માટે આ જગ્યા પ્રખ્યાત છે. અહી કુદરતની સુંદરતા અને ધાર્મિકતાનો સમન્વય જોવા મળે છે ત્યાં લંગર પણ છે જેથી જમવાની વ્યવસ્થા પણ ખુબ સારી રીતે થઇ જાય છે અને ગરમ પાણીના કુંડમાં પણ સરસ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્વચ્છતા જળવાઈ રહે છે. અહી જ રૂમની પણ સગવડતા છે જો રોકાણ કરવું હોય તો.

૬.હિડિમ્બા દેવીનું મંદિર : ઓલ્ડ મનાલીથી નજીક આવેલ હિડિમ્બા દેવીનું મંદિર ઈ.સ. પૂર્વે ૧૫૫૦ માં બંધાવવામાં આવેલ છે. આ મંદિર આખું લાકડામાંથી બનાવવામાં આવેલ છે. અનેક વ્રુક્ષોની વચ્ચે આવેલ આ મંદિરની શોભા કૈક અનેરી જ છે.

૭.સોલંગ વેલી :સોલંગ વેલી ત્યાં થનારા વિન્ટર ફેસ્ટીવલ માટે જાણીતી છે. દરેક પ્રકારના એડવેન્ચર સ્પોર્ટ્સની મજા અહી લઈએ શકાય છે જેમ કે પેરા ગ્લાઈન્ડીંગ, સ્કિઈન્ગ, ઝોર્બીંગ, પેરાશુટીંગ. અહી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વિન્ટર ફેસ્ટીવલ હોય છે જેણે શોખ હોય તેણે અચૂક આવવું જોઈએ.

૮.બીઆસ કુંડ :બીઆસ કુંડ એટલે જ્યાંથી બીઆસ નીકળે છે તે જગ્યા. અહી પણ મોટા પ્રમાણમાં એડવેન્ચર સ્પોર્ટ્સ થાય છે. અચૂક જવા જેવી જગ્યા.

૯.બિઆસ નદી : મનાલીમાં બીઆસ નદી નો પ્રવાહ છે એ એક સ્પેકટેક્યુલર દ્રશ્ય ઉભું કરે છે ત્યાં ફક્ત શાંતિ મેળવવા પણ જઈ શકાય. જાણેકે એક અલગ જ વિશ્વ, ઉચા ઉચા પર્વતો, વ્રુક્ષો અને વચ્ચે વહેતી બીઆસને જોવાનો લ્હાવો ચૂકવો નાં જોઈએ.

આ ઉપરાંત વશિષ્ઠ મંદિર અને કુંડ, જોગણી વોટર ફોલ, જાના વોટર ફોલ, ક્લુબ હાઉસ, કસૌલ પણ અહીના જોવાલાયક સ્થળો છે.

અહી જવા માટે ૫૦ કિમીનાં અંતરે આવેલ ભુન્તર નજીક નું એરપોર્ટ છે , જો ટ્રેન દ્વારા જવું હોય તો ચંડીગઢ સુધી ટ્રેનમાં અને ત્યાંથી બસ દ્વારા અથવા ટેક્ષી દ્વારા જઈ શકાય છે અને બસમાં જવા માટે દિલ્હી થી જઉં હોય તો ૫૫૦ કી.મીનું અંતર છે અને એ.સી. વોલ્વો પણ ખુબ મોટા પ્રમાણમાં મળી રહે છે.

ક્યારે જવું?

જો વિન્ટર ફેસ્ટીવલમાં રસ ધરાવતા હોયતો ડીસેમ્બર થી ફેબ્રુઆરીમાં જવું જોઈએ પણ એ સમય દરમિયાન રોહતાંગ બંધ હોય છે. અને સામાન્ય રીતે મે થી ઓક્ટોબર અહી જવા માટે સાનુકુળ સમય છે.

ટ્રાવેલ ટીપ્સ : વુલન કપડા ફરજીયાત લઇ જવા જરૂરી છે .આ ઉપરાંત ગોગલ્સની પણ ખુબ જ જરૂર પડે છે જેથી એડવેન્ચર સમયે બરફથી પરાવર્તિત થતા કિરણોથી આંખને નુકશાન નાં થાય. આ ઉપરાંત ત્યાં બાઈકિન્ગ પણ થાય છે જેની મજા લઇ શકાય છે. કેમેરો ખુબ જ આવશ્યક છે. અહીના સૌન્દર્યને કેપ્ચર કરવાની મજા જ અલગ છે. આ ઉપરાંત બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત છે બારગેનીંગ . અહી સહેલાણીઓને જેમ ફાવે તેમ દરેક વસ્તુના ભાવ કહેવામાં આવે છે એટલે ભાવતાલ કર્યા બાદ જ વસ્તુ ખરીદવી અથવા ભાડે લેવી.

રોકાણ : દરેક જગ્યાએ દરેક પ્રકારની હોટેલ, ધર્મશાલા , ટ્રિ હાઉસ, રિસોર્ટ આવેલા છે.

શોપિંગ : તિબેટિયન કારપેટ, શોલ, પરંપરાગત જ્વેલરી ત્યાંની ખાસિયત છે આ ઉપરાંત માલ રોડ પરથી બીજી અનેક પ્રકારની વસ્તુઓ મળે છે.

તો નીકળી પડો જાતે જ ટુર ઓર્ગેનાઈઝ કરીને અને ખોવાઈ જાવ કુલ્લુ-મનાલીનાં અમાપ સૌન્દર્યમાં, સફેદ બરફની ચાદરોમાં ઓગાળી દો પોતાને અને કુદરતી સૌંદર્યને ભરીને આવો મનમાં, તાજગીથી તરબતર.