ધુંઆધાર
મધ્ય પ્રદેશ માં આવેલું અને જબલપુર થી માત્ર ૨૫ કી.મી નાં અંતરે આવેલ ભેડાઘાટ નામના સ્થળે ધુંઆધાર નામનો ધોધ આવેલો છે, અહી નર્મદા નદી ધોધરૂપે પડે છે. ઉપરવાસમાં નદી નો વિશાળ પટ છે અને નીચે પડ્યા બાદ લગભગ ૩ કી.મી જેટલી સાંકડી ખીણમાં થઈને વહે છે. અહી માં નર્મદાનો ખુબ જ વિરાટ અને શક્તિશાળી ધોધ પડે છે એટલે પાણી ધુમાડા જેવું લાગે છે અને તેથી જ આ જગ્યાનું નામ ધુંઆધાર પડ્યું છે, દુર થી જ ધોધની ગર્જના સંભળાય છે અને શરુ થાય છે રોમાંચ ની સફર. ધુંઆધાર ને દુર થી જોતા તો એવું જ લાગે જાણે ધુમાડો થઇ રહ્યો છે. અને નજીક જતા જ એના પ્રેમ માં પડી જવાય. અહી આવ્યા બાદ એ ખ્યાલ આવે કે માનવી કુદરત સામે કેટલો તુચ્છ છે, ધુંઆધારને ભારતનો નાયગ્રા ધોધ કહેવામાં આવે છે,તેના ધોધનાં અવાજમાં જાણે આપણી જાત વહી જતી હોય એવું લાગે.
સુંદરતા આપણું મન મોહી લે, ત્યાં ધોધ સુધી પહોચવા માટે થોડા પગથિયા આપવામાં આવ્યા છે તથા સામેની બાજુ રોપ વે ની સુવિધા પણ કરવામાં આવી છે, ચારે બાજુ કઠેડા કરવામાં આવ્યા છે કારણ કે જો ભૂલથી પણ કોઈ પડી જાય તો ક્યારેય પાછું નાં આવી શકે તેટલો શક્તિશાળી ધોધ છે, એ અવાજમાંથી જાણે સંગીત રેલાતું હોય તેવો અનુભવ થાય. ધોધનો અવાજ એટલે જાણે કે કુદરતે પાણી સાથે મળીને કોઈ તાલ રચ્યા હોય તેવું લાગે. સહેલાણીઓ મન મુકીને ફોટોગ્રાફી કરે છે, ખાવા પીવા તથા શોપિંગ માટે અમુક દુકાનો પણ છે ધોધનું નયનરમ્ય દ્રશ્ય જોયા બાદ ત્યાંથી નીકળવું ખરેખર અઘરું છે. બસ જોયા જ કરવાનું મન થાય અને કુદરતએ જ નીર્મેલા સંગીતમા એકરસ થવાનું મન થાય તેવી જગ્યા એટલે ધુંઆધાર. ધુંઆધારમાં ઉગતા સૂર્યનાં કિરણો અથવા આથમતા સૂર્યના કિરણો જોવા તે એક લહાવો છે.
ભેડાઘાટ
ત્યાંથી આગળ ભેડાઘાટ એટલે માં નર્મદાને આરસ નાં કોતરો માંથી નીકળવાનો રસ્તો. આરસની કુદરતી કોતરણીની બેનમુન કારીગરી આપણને ત્યાં જોવા મળે. ભેડાઘાટ માં જાણે એક અલગ જ દુનિયા માં આવી ગયા હોય તેવું લાગે. ભેડાઘાટ ને માણવા માટે નૌકાવિહાર નો ઉપયોગ કરવો પડે. લગભગ ૨ કલાક ની રાઈડ થી શરુ થતુ બોટીંગ આપણા શોખ ને આધીન ૪ થી ૫ કલાકે પૂરું થાય અને આ સમય દરમિયાન આપણા માનસ માં ઉમેરાય સોનેરી સંભારણા. સફેદ આરસ ની વચ્ચે ખુબ જ સરસ ફોટોગ્રાફી થઈ શકે છે. આરસ નાં કોતરો કુદરતી જ એટલા સરસ રીતે કોતરાઈ ગયા છે કે જાણે એમ લાગે કે કુદરતના કયા આર્કિટેક એ આ ડિઝાઈન કર્યું હશે. જુદી જુદી અનેક આકૃતિઓ માં આરસ કોતરાઈ ગયા છે, નૌકાવિહાર વખતે નાવિક ખુબ જ સરસ રીતે તેના મનની કલ્પનાઓ આપની સામે તાદ્રશ કરતો હોય છે. એક અલગ જ દુનિયાની સફર હોય છે, બસ માં નર્મદા નો પ્રવાહ, આરસના કોતરો અને આપણી જાત નો એક સુભગ સંયોગ થતો હોય છે. એક જ જગ્યાના બે અલગ અલગ સ્વરૂપ આપણને જોવા મળે છે. માર્બલ રોકની વચ્ચે થી વહેતી નદીની ભવ્યતા વિષે તો શું કહેવું, ઈચ્છો તેટલા ફોટા પાડવા છતાં પણ આંખમાં જે દ્રશ્યો કંડારાઈ જાય છે જે ક્યારેય ડીલીટ નથી થતા. ખીણની ખાસિયત એ છે કે સતત એક જ રીતે નહિ પણ ક્યાંક સાંકડી થાય ક્યાંક પહોળી થાય એટલે દર એક ક્ષણે એક અલગ જ જો ખરા અર્થ માં સફેદ આરસ ને માણવો હોય તો પૂનમ નીઅ દેખાય. ખડકોના આકાર પરથી તેના નામ પાડવામાં આવ્યા છે, ક્યાંક મારુતિના આકારનો તો ક્યાંક શિવાજી, ક્યાંક ગુરુ ચેલો તો ક્યાંક જટા દેખાય. તેનો નાવિક સુંદર મજાના જોડકણા થી મજા કરાવતો રહે. આ સ્થળે અનેક ફિલ્મોના શુટિંગ પણ થયા છે, અને નૌકાવિહાર દરમિયાન વચ્ચે ઉતરી શકાય તેવો પર પણ આવે છે જ્યાં ઉતરીને સહેલાણીઓ ફોટોગ્રાફી તથા નાસ્તા પાણી કરતા હોય છે. આ ઉપરાંત નૌકા વિહાર દરમિયાન વચ્ચે જ અમુક એવા રોક છે જ્યાં સહેલાણી ઈચ્છે તો ઉતરીને તેના ઉપર બેસવાની પણ મજા માણી શકે છે. અહી આરસને તોડવાની સખ્ત મનાઈ છે. અને જો નૌકાવિહાર અને માર્બલ રોક નો ખરો અનુભવ કરવો હોય તો રાતે અનુભવ કરવો. પૂનમ ની ચાર દિવસ પહેલા અને ચાર દિવસ પછી રાતનાં નૌકાવિહારનો રોમાંચ જ અલગ હોય છે. જાણે કે, હીરા થી મઢેલ કોતરો લાગે.
અને આ જગ્યાઓ મસ્ટ વોચ પ્લેસીસમા ની એક કહી શકાય.
કેવી રીતે પહોચવું?
જો ટ્રેન અથવા બસ દ્વારા જવું હોય તો કોઈ પણ મહાનગર થી જબલપુર સુધી ની સીધી ટ્રેન/બસ ઉપલબ્ધ છે. અને ત્યાંથી ભેડાઘાટ ફક્ત ૨૫ કી.મી નાં અંતરે આવેલ છે એટલે ટેક્ષી અથવા બસ દ્વારા જઈ શકાય.
જો પ્લેન દ્વારા જવું હોય તો પણ નજીક નું એરપોર્ટ જબલપુર જ છે.
ક્યારે જવું?
ભેડાઘાટ જવા માટે નો શ્રેષ્ઠ સમય નવેમ્બર થી મેં સુધી નો છે. બને ત્યાં સુધી પૂનમ ની આગળ કે પાછળ નાં દિવસો માં જવું એટલે તે જગ્યા નો પૂરો આનંદ ઉઠાવી શકાય અને રાત્રી નૌકાવિહાર પણ કરી શકાય.
જોવાલાયક સ્થળો:
૧. માર્બલ રોક્સ
૨. ધુંઆધાર
૩. ચોસઠ યોગીની મંદિર.
રોકાણ :
ભેડાઘાટ માં ખુબ જ સારી સારી હોટેલ અને રિસોર્ટ બનેલા છે. અને બીજા ઓપ્શનમાં જબલપુર માં રોકાઈ ને વન ડે ટુર કરી શકાય અને સાથે સાથે જબલપુર નાં જોવાલાયક સ્થળો એ પણ જઈ શકાય.
શોપીંગ :
આરસની નકશીકામ કામ વાળી જ્વેલરી, ગીફ્ટ આર્ટીકલ ત્યાનાં પ્રખ્યાત છે.
આમ, ભેડાઘાટ તથા ધુંઆધાર નહિ દેખા તો કુછ નહિ દેખા. એક વાર તો આ જગ્યાએ જવું જ જોઈએ. આ જગ્યા માટે ફક્ત એક જ શબ્દ છે ‘અદભુત’, જીવનમાં ખરેખર એક વાર માનવા જેવું સ્થળ.