Law Pandit - Part-3 books and stories free download online pdf in Gujarati

Law pandit-3

કાયદાને વાંચવો,સમજવો અને પચાવવો અઘરો છે, વકીલો માટે રોજબરોજ ઉપયોગ માં લેવાયા બાદ કદાચ થોડો સહેલો બને છે પણ સામાન્ય લોકો નું શું? કાયદો દરેક એ સમજવો ખુબ જ જરૂરી છે અને એટલે જ આપણી રોજબરોજની ભાષા,પાત્રો અને પ્રશ્નોનો ઉપયોગ કરીને સાદી છતાં સાચી સમજણ બધાને મળી રહે તે હેતુથી ‘હેલ્લો સખી-રી’ ઈ-મેગેઝીન માં ‘લો પંડિત’ લખવાની શરૂઆત કરી હતી. જેનો પ્રથમ ભાગ ‘લો-પંડિત ભાગ -૧ તથા ૨ ’ આવી ગયેલ છે અને તેનો ‘લો-પંડિત ભાગ-૩ મુકતા આનંદ થાય છે. વાચકમિત્રોનાં અભિપ્રાય આવકાર્ય.

૧. પ્રોટેકશન ઓફ વીમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ-૨૦૦૫

૨. હિંદુ લગ્ન ધારો-૧૯૫૫ ની કલમ-૯

૩. કુલમુખત્યાર એટલે કે પાવર ઓફ એટર્ની

૪. જાગો ગ્રાહક જાગો

૧. પ્રોટેકશન ઓફ વીમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ-૨૦૦૫

રીપલનાં લગ્ન રીતેશ સાથે થયા. શરૂઆતમાં લગ્નજીવન સારું ચાલ્યું, ચાર-પાંચ મહિના પછી રીપલને તેના સાસરીયાનું વર્તન બદલાયેલું લાગ્યું, પહેલા તો તેને એમ થયું કે હજુ શરૂઆત છે એટલે મને સેટ થતા વાર લાગશે જ. તેની નણંદ, સાસુ-સસરા,જેઠ બધા જ તેની સાથે અલગ પ્રકારે વર્તન કરતા,રીપલને કહેતા કે જા તારા પિયરથી આ વસ્તુ લઈ આવ,તે વસ્તુ લઇ આવ,એટલે તે શાંતિથી જવાબ આપતી કે,લગ્ન સમયે મારા મમ્મી-પપ્પા એ જે આપવાનું હતું તે આપ્યુંજ છે, એમની એવી સ્થિતી નથીકે તમે જ્યારે મગાવો ત્યારેએ લાવી આપે અને આ બધાની વચ્ચે રીતેશ કશુંજ નાં બોલતો એટલે રીપલને દુઃખ પણ પહોચતું, પણ એણે એવું વિચાર્યું કે લગ્નજીવન ટકાવવું હશેતો થોડું સહન તો કરવું જ પડશે. તેને ઘરના દરેકનાં મોઢેથી કડવા શબ્દો સાંભળવા પડતા.

થોડા સમય બાદ પ્રેગ્નન્સી રહેતા તેને લાગ્યું કે હવે સમય બદલાશે,મારા માટે નહિતો બાળક માટેતો એ લોકો એવું નહિ જ કરે પરંતુ આ સમયમાં પણ કોઈના વર્તન બદલાયા નહિ અને એક વખતતો બધાની ચઢવણીમાં આવીને રીતેશએ તેના ઉપર હાથ ઉપાડ્યો. રીપલએ તેના મમ્મીને છુપાઈને ફોન કરીને આ વાત જણાવી અને કહ્યુકે તે હવે અહી રહી શકે તેમ નથી. તેના માતા-પિતા આવ્યા અને તેમણે વાતચીતની શરૂઆત કરી એટલે રીપલના સાસરીયા જેમ ફાવે તેમ બોલવા લાગ્યા, રીપલના મમ્મી પપ્પાએ મનોમન નક્કી કરી લીધુંકે હવે આપણી દીકરીને કોઈપણ સંજોગોમાં અહી રખાય તેમ નથી અને તેને લઈને આવી ગયા તેમના ઘરે.

આટલું થયા બાદ પણ રીપલના મનમાં હતું કે કોઈ નહિ પણ રીતેશ તો તેને મનાવશે જ તેના અને પોતાના બાળક માટે, પણ તે લોકોએ કઈ જ જાણવાની તસ્દીના લીધી અને બાળકના જન્મનાં સમાચાર આપ્યા છતાં રીતેશ કે તેના ઘરેથી કોઈજ નાં આવ્યું એટલે રીપલએ નક્કી કર્યું કે હવે મારે કાયદાનો સહારો લેવો જ પડશે.

તેણે તેના પપ્પાને કહ્યું કે આપણે કોઈ વકીલને મળીને સલાહ લઈએ અને તેઓ કહે તે રીતે કરીએ. રીપલ અને તેના પપ્પા વકીલને મળવા ગયા અને બધી જ હકીકત જણાવી અને તેમની આર્થિક સ્થિતિ સારી નથી તે પણ જણાવ્યું. એટલે વકીલે તેમને પ્રોટેકશન ઓફ વીમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ-૨૦૦૫ નાં કાયદા વિષે જાણકારી આપી.આ કાયદો મહિલાના રક્ષણ માટેજ બનાવવામાં આવ્યો છે અને આ કાયદા હેઠળ પ્રોટેક્શન ઓફિસર નીમવામાં આવે છે જે લીગલ એઇડમાં ફ્રી ઓફ કોસ્ટ મેજીસ્ટ્રેટ સમક્ષ કેસ કરે છે અને દરેક જિલ્લામાં જરૂરીયાત પ્રમાણેના પ્રોટેક્શન ઓફિસરની નિમણુક કરવામાં આવે છે ત્યારબાદ તે વકીલશ્રીએ રીપલ અને તેના પપ્પાને જે તે જીલ્લાના પ્રોટેક્શન ઓફિસર હતા તેમની પાસે મોકલ્યા.

પ્રોટેક્શન ઓફિસરને તે લોકોએ બધીજ હકીકત કહી અને ત્યારબાદ રીપલએ જણાવ્યું કે સર આ કાયદા વિષેની મહત્વની માહિતી મને આપો જેથી મારી લડત કેવી રીતે શરુ થશે તેની જાણકારી મારી પાસે હોય. એટલે પ્રોટેક્શન ઓફિસરએ કહ્યુંકે આ કાયદા હેઠળ સેક્શન-૨ પ્રમાણે કોઈપણ સ્ત્રી કે જે સામાવાળા સાથે કોઈપણ પ્રકારે ડોમેસ્ટિક રીલેશનશીપ ધરાવતી હોય તે આ કાયદા હેઠળ કેસ કરી શકે. સેક્શન-૩ પ્રમાણે ડોમેસ્ટિક રીલેશનશીપ એટલે કે કોઈપણ બે વ્યક્તિઓ કોઈ પણ સમયે એક છતની નીચે સાથે રહેલા હોય અને તેઓ વચ્ચે જન્મ દ્વારા, લગ્ન દ્વારા, અથવા લગ્ન જેવા જ કોઈ બીજા સંબંધે, દતક લીધેલ હોય અથવા એક કુટુંબ તરીકે સંયુક્ત કુટુંબમાં રહેલ હોય તેવી કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ એ ઘરેલું હિંસા કરેલ હોય તો તેની સામે આ કાયદો લાગુ પડે અને ઘરેલું હિંસાને ખુબ જ વિશાળ પરીપ્રેક્ષ્યમાં રજુ કરેલ છે. ઘરેલું હિંસા એટલે કે શારીરિક-માનસિક-આર્થિક ત્રાસ, અપમાન, વાતચીત દ્વારા મેણા-ટોણા મારવા, કોઈપણ પ્રકારે હાની પહોચાડવી, દહેજની માગણી કરવી તેનો સમાવેશ થાય છે.

આ કાયદા હેઠળ કેસ કરવા માટે તેનું એક ફોર્મ આવે છે તેના દ્વારા મેજીસ્ટ્રેટ સમક્ષ દરેક હકીકત જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ કેસ આગળ ચાલે છે અને આ બધીજ કામગીરી મફતમાં થાય છે જેથી સ્ત્રી પોતાની રીતે લડી શકે. ત્યારબાદ પ્રોટેક્શન ઓફિસરએ બધી જ માહિતી લઇ અને કેસ તૈયાર કરી દીધો જેમાં પતિ ઉપરાંત ઘરના બીજા સભ્યોને પણ શામેલ કરી શકાય જે લોકો એ ઘરેલું હિંસા આચરી હોય અને ખુબ જ જડપી મેજીસ્ટ્રેટશ્રી એ હકીકતો ધ્યાને લેતા ઓર્ડર કર્યો.

આમ, આ કાયદો ખરેખર સ્ત્રીલક્ષી છે અને સ્ત્રીના રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે, સ્ત્રીએ પણ મક્કમ મનોબળ કરીને પોતાનાં સ્વત્વનું કાયદાને સાથે રાખીને રક્ષણ કરતા શીખવું પડશે.

૨. હિંદુ લગ્ન ધારો-૧૯૫૫ ની કલમ-૯

આ વખતે મને એવી સુચના આપવામાં આવી હતી કે મારે કશુંક પુરુષપ્રધાન કાયદા વિષે લખવું. અઘરું છે પુરુષપ્રધાન કાયદાઓ વિષે લખવું કારણકે આપણો સમાજ પુરુષપ્રધાન છે એટલે કાયદાઓ સ્ત્રીપ્રધાન જ બને છે. આમપણ પુરુષને સહન ઓછું કરવાનું આવતું હોય છે એટલે ન્યાયિક મદદ સ્ત્રી તરફી વધુ છે તેમછતાં અમુક વિષય એવા છે જેમાં કાયદાએ પુરુષને પણ મદદ કરી છે.

સામાન્ય રીતે હિંસાનો ભોગ સ્ત્રીને વધુ પ્રમાણમાં બનવું પડતું હોય છે પણ પુરુષનું શું? ૧૦૦%માંથી ૭૦% હિંસાનો ભોગ સ્ત્રીઓ બને છે અને તેથી જ સ્ત્રી તરફે વિશેષ ધ્યાન અપાયું છે. આજ જે વિષય ઉપર વાત કરીશું તે છે હિંદુ લગ્ન ધારા -૧૯૫૫ ની કલમ-૯ કે જેમાં લગ્નજીવનના હક્કોના પુન:સ્થાપન વિષે વાત કરવામાં આવી છે.

જય અને રીચાના લગ્ન ધામધુમથી લેવાયા. બંને કુટુંબ ખુબ જ ખુશ હતા કે આંખ ઠરે એવું જોડું છે. લગ્ન પછી ધીમે ધીમે સમય જતો ગયો અને જય અને રીચા પોતાના નવા જીવનમાં સેટ થવાની કોશિશ કરતા ગયા પણ રીચાનો સ્વભાવ કૈક અલગ હતો. દરેક વખતે તેને અભાવ રહેતો, ઘરના બધા સાથે પણ જગડો કરતી હતી પણ બધાને એવું લાગતું કે નવું નવું છે એટલે સમયતો જશે જ અને એક દિવસ અચાનક રીચા હું મારા પિયર જાઉં છું એમ કહીને પોતાનો સામાન ભરીને નીકળી ગઈ. આ બાજુ બધા જ સભ્યો ચિંતામાં આવી ગયાકે અમારો કઈ વાંક નથી, તેને કશું જ ઓછું આવવા નથી દીધું તેમ છતાં એ જતી રહી અને જતાજતા કહેતી ગઈકે હવે તો મને કોર્ટમાં મળજો. એટલે જયએ તેના એક મિત્ર કે જે વકીલ છે તેને ફોન કરીને મળવા બોલાવ્યો અને જે હકીકત હતી તે બધી જ જણાવી. ઘરમાં બધા એટલે પણ ચિંતામાં હતાકે રીચા કઈ આડું અવળું પગલું ભરે અથવા પોલીસમાં ફરિયાદ કરે અને અમને બધાને જેલ ભેગા કરે તો શું કરવાનું એટલે જયના મિત્ર કે જે વકીલ હતા તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે કાયદો સ્ત્રીને વધારે રક્ષણ આપે છે પરંતુ આપણી પાસે કોઈ જ રસ્તો નથી એવું પણ નથી. આ સમયે આપણે હિંદુ મેરેજ એક્ટ ની કલમ -૯ પ્રમાણે આગળ વધી શકીએ. કલમ-૯ માં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે પતિ અથવા પત્ની કોઈ પણ વ્યવસ્થિત કારણ વગર દામ્પત્યજીવનના હક્કો પુરા કરી દે તો કલમ-૯ હેઠળ લગ્નજીવનના હક્કોના પુન:સ્થાપનનું હુકમનામું માગી શકાય.

આ કલમ પતિ અથવા પત્ની બંનેને લાગુ પડે છે પણ સામાન્ય રીતે આ કલમનો ઉપયોગ પુરુષ પક્ષે વધારે કરવામાં આવે છે. જ્યારે કલમ-૯ હેઠળ પીટીશન ફાઈલ કરવામાં આવે એટલે સામાપક્ષે પણ પોતાનો જવાબ રજુ કરવાનો મોકો આપવામાં આવે છે અને તેમાં જો સામા પક્ષે લગ્નજીવનના હક્કોનાં પુન:સ્થાપન માટે તૈયાર થાય તો બંનેની સંમતિ થી હુકમનામું મળે અને નહિ તો પછી શરતો ને આધીન હુકમનામું મેળવી શકાય છે.

આટલું સાંભળીને જયનાં પપ્પાએ કહ્યું કે અમારે મન તો રીચા પણ દીકરી સમાન જ છે અને અમે તો હજુ પણ જો એ આવવા તૈયાર હોય તો એને સ્વીકારવા તૈયાર જ છીએ. જય નો પણ એ જ સુર હતોકે કદાચ આટલા સમયમાં એ કુટુંબ સાથે યોગ્ય રીતે હળીમળી શકી નાં હોય તો એક તક તો આપવી જ રહી. આમ, સર્વાનુમતે વકીલની સલાહ પ્રમાણે એવું નક્કી કરવામાં આવ્યુંકે ફેમીલી કોર્ટમાં હિંદુ મેરેજ એક્ટની કલમ-૯ હેઠળ પીટીશન દાખલ કરવામાં આવે અને પછી રિચાને પણ સાંભળવામાં આવે કે એને શું કરવું છે. જો એ આવવા તૈયાર હોય તો ઘીના ઠામમાં ઘી પડશે અને ના આવવા તૈયાર હોય તો આગળ કાયદો શું કરે છે તે જોવું રહ્યું. વકીલની વાત સાંભળી એક રીતે તો બધાને થોડી હાશ થઇ કે આપણા સગા-સંબંધીઓ આપણને જે રીતે ડરાવતા હતાકે કાયદો ફક્ત સ્ત્રીલક્ષી જ છે અને તમે બધા તો જેલભેગા થશો એવું પણ નથી. કાયદાએ પુરુષને પણ ધ્યાનમાં રાખ્યો જ છે પણ કાયદાનો દુરુપયોગ નાં થાય તે ખાસ જોવું રહ્યું. સામાન્ય રીતે પુરુષ તરફે જ્યારે પત્નીને સીધી રીતે છુટ્ટી કરવી નાં હોય અથવા તો ભરણપોષણની રકમનાં ભરવી હોય ત્યારે આ કલમ-૯ ઢાલ તરીકે વાપરવામાં આવે છે.

૩. કુલમુખત્યાર એટલે કે પાવર ઓફ એટર્ની

સામાન્ય રીતે એવી માન્યતા છે કે જેને કાયદા નું જ્ઞાન નાં હોય તેવી વ્યક્તિ કાયદા નો ઉપયોગ નાં કરી શકે. ઘણી જગ્યા એ એવું જોવા મળે છે કે વ્યક્તિ પાસે સંપતિ હોય પણ તેમ છતાં તે ગરીબ ની જેમ જ રહેતા હોય કારણ કે તેઓને એવો ખ્યાલ નથી હોતો કે આ સંપતિ નો પોતે શું અને કેવો ઉપયોગ કરે જેથી તે સમૃદ્ધ બની શકે. ઘણી વખત કાયદા ની અજ્ઞાનતા નાં લીધે લોકો બીજા કોઈ જાણકાર ની મદદ લેતા હોય છે.

આ બાબતે ધી પાવર ઓફ એટર્ની એક્ટ-૧૯૮૨ એ વરદાન સમાન છે. આ કાયદા અન્વયે કોઈ પણ એક અથવા એક થી વધુ પોતાની વિશ્વાસુ વ્યક્તિ ને કુલમુખત્યાર એટલે કે પાવર ઓફ એટર્ની બનાવી શકાય જેની વિસ્તૃત માહિતી નીચે પ્રમાણે છે.

પાવર ઓફ એટર્ની નાં બે પ્રકાર હોય છે એક રદ્દ કરી શકાય એવો પાવર ઓફ એટર્ની અને બીજો ઈ-રિવોકેબલ એટલે કે રદ્દ નાં કરી શકાય એવો પાવર ઓફ એટર્ની. ફક્ત રદ નાં થઇ શકે એવો શબ્દ ઉપયોગ કરવાથી રદ્દ નાં થઇ શકે એવો પાવર બનતો નથી પણ એના પાવર નાં શબ્દો અને ભાવાર્થ પણ એવા હોવા જોઈએ. પાવર નાં આધારે થતા વેચાણ દસ્તાવેજો માં ઘણું ખોટું થવા લાગતા ૨૦૧૪-૨૦૧૫ ની સાલમાં ગુજરાત સરકારે લોહીની સગાઇ સિવાય ની વ્યક્તિ ને આપેલા પાવર નું રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન એકટ ની કલમ-૧૭ મુજબ ફરજીયાત બનાવામાં આવ્યું અને તેના પર સ્ટેમ્પ ટ્યુટી પણ વસુલવા નું શરુ કર્યું જેથી પાવર નો દુરૂંઉપયોગ અટકાવી શકાય , નોટરાઈઝ પાવર હાલની તારીખે પણ જૂની તારીખ નો અથવા તો લોહી ની સગાઇ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે નો હોય તો અમલી જ છે , સ્પેશલ પાવર ઓફ એટર્ની પણ એક શબ્દ છે જે કોઈ એક કાર્ય હેતુ જ અપાય છે અને એ કાર્ય પૂર્ણ થાય ત્યારે આપો આપ એ પાવર રદ્દ થાય છે. જનરલ પાવર પણ નોટીસ આપી ને રદ્દ કરી શકાય છે પણ જ્યારે પાવર માં અવેજ સ્વીકારમાં આવ્યો હોય અથવા તો એની જોડે નાં બીજા સંલગ્ન બાનાખત કે કોઈ કરાર માં અવેજ ની સ્વીકૃતિ થઇ હોય તો એ ઈ-રિવોકેબલ એટલે રદ્દ નાં થઇ શકે તેવો પાવર બને છે જેનો અમલ વ્યક્તિના મરણ બાદ પણ કરી શકાય છે જે અંગે ની જોગવાઈ કરારધારા ની કલમ ૨૦૨ માં આપવામાં આવી છે . જે અંતર્ગત પાવર આપનાર વ્યક્તિ ગુજરી જાય તો પણ સદર પાવર ચાલુ અને અમલમાં રહે છે અને તેના આધારે કરેલ કાર્યવાહી આ પાવર આપનાર નાં વંશ , વાલી , વારસો ને પણ બંધનકર્તા રહે છે .

આમ, પાવર ઓફ એટર્ની નો જો સારો ઉપયોગ કરવામાં આવે તો તે ઘણું જ ફાયદાકારક છે. ફક્ત અમુક વસ્તુઓ નું ધ્યાન રાખવું પડે. પાવર આપનાર વ્યક્તિ કરાર કરવા સક્ષમ હોવો જોઈએ એટલે કે તે પાગલ નાં હોવો જોઈએ, નાદાર નાં હોવો જોઈએ તથા પુખ્ત હોવો જોઈએ. પાવર એટલે કે કુલમુખત્યારનામુ બનાવવા માટે ની મહત્વની બાબતો આ પ્રમાણે છે. હાલ નાં સમય માં જનરલ પાવર બનાવવા માટે ૧૦૦ રૂપિયા નાં સ્ટેમ્પ પેપર નો ઉપયોગ કરવો ફરજીયાત છે અને જ્યારે કોઈ ચોક્કસ જગ્યા નાં દસ્તાવેજ માટે જ્યારે પાવર આપવાનો હોય ત્યારે જે તે જમીન ની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય.

આ ઉપરાંત એક મહત્વ નો મુદ્દો એ છે કે પાવર માં હંમેશા પાવર આપનાર તથા પાવર સ્વીકારનાર બંને ની સહી જોઈએ. કારણ કે , પાવર ફક્ત વિલ ની જેમ આપી નથી દેવાતો પરંતુ તેની સ્વીકૃતિ પણ એટલી જ મહત્વની છે. અને પાવર હંમેશા અત્યંત વિશ્વાસુ અને ભરોષાપાત્ર વ્યક્તિ ને જ આપવો જોઈએ જેથી ભવિષ્ય માં છેતરપીંડી નો ભોગ નાં બનવું પડે અને પાવર માં બે સાક્ષીઓની સહીઓ અનિવાર્ય છે. આ એટલા માટે કે બે સાક્ષીઓની સહી થી એ પુરવાર થાય કે આ પાવર શુધ્બુધીપુર્વક આપવામાં આવેલ છે. આમ નાના મોટા કાયદાકીય કામ માં પણ પાવર ખૂબ જ ઉપયોગી છે.

૪. જાગો ગ્રાહક જાગો

વેકેશનની સિઝન આવી એટલે હરવા, ફરવા અને મજ્જા કરવાની પણ સીઝન કહી શકાય. એવરેજ ૫ માંથી ૩ કુટુંબો વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોય છે, ઘણા લોકો જાતેજ બધું મેનેજ કરીને જતા હોય છે.જેમ કે, ટીકીટ બુકિંગ, હોટેલ રૂમ બુકિંગ, ટેક્ષીબુકિંગ બધું જ બુક કરાવીને અથવા તો એવી તૈયારી સાથે જતા હોયછે કે જોયું જશે ત્યાં જઈને જેવું મળે એમાં ચલાવી લઈશું, આજકાલ તો ઈન્ટરનેટનાં કારણે ઘણું સારી બુકિંગ પણ થાય છે અને બીજા વિકલ્પ તરીકે આપણે કોઈ ટુર ઓર્ગેનાઈઝરનાં ત્યાં બુકિંગ કરાવીએ છીએ અને વેલપ્લાન્ડ ટુરમાં જૈયે છીએ જેમાં થોડા રૂપિયા વધારે થાય છે પણ આપણે એવી સમજ ધરાવીએ છીએકે ઓર્ગેનાઈઝ્ડ ટુરમાં આપણે કઈજ મેનેજ ના કરવું પડે એટલે સારું. જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ ઓર્ગેનાઈઝ્ડ ટુરનાં પણ ફાયદા તથા ગેરફાયદા છે. આ બાબતે હું મારો જ એક અનુભવ શેર કરવા માગીશ.

અમે કન્યાકુમારીથી રામેશ્વરમ જવા માટે એક ટુર ઓર્ગેનાઈઝર પાસે ૪ દિવસ ૩ રાત્રીની ટુર બુક કરાવી હતી અને અમે સ્પેસીફીકલી કહેલુંકે અમારે રામેશ્વરમમાં સવારે ૪ વાગ્યે થતા સ્ફટિકના શિવલિંગની આરતી જેને વિભીષણ આરતી પણ કહેવાય છે તેનાં દર્શન અમારે કરવાજ છે અને તેના માટે અમે વધારે રૂપિયા પણ પે કરેલા અને એ લોકોએ ત્યારે અમને કહેલું કે હા એની વ્યવસ્થા અમે કરાવી આપીશું. કન્યાકુમારીથી અમને મદુરાઈ રાત્રે પહોચાડી દીધા અને કહ્યુંકે રામેશ્વર માટે કાલ સવારે બસમાં જવાનું છે એટલે અમને લાગ્યું કે, જો સવારે જઈએ તો તે આરતીમાં ના જઈ શકાય એટલે અમે કહ્યું કે અમારે ટુર બુક કરાવતી વખતે વાત થયેલી છે અને અમારે ત્યાં સવારે ૪ વાગ્યા પહેલા પહોચવું છે, એટલે અમને કહેવામાં આવ્યું કે આખી બસના આટલા પેસેન્જર છે બધાને એક સાથેજ સવારે લઇ જઈશું. અમે પહેલા શાંતિથી એમને સમજાવ્યુંકે અમે આના માટે વધારે રૂપિયા પણ આપેલા છે અમારે એ રીતે જ જઉં છે જો એ ના કરી શકતા હોયતો અમને અમારા ચૂકવેલા રૂપિયા અને એ ઉપરાંતના અમને જે હેરાન કરો છો તેના માટે રૂપિયા ચૂકવો તો અમે અમારી રીતે જતા રહીશું. એ લોકોને ફક્ત અમારા માટે મદુરાઈથી રામેશ્વર એક ગાડી મોકલાવી પડે અને ત્યાં રૂમ રાખવો પડે તેનો ખર્ચ વધારે થાય એ તકલીફ હતી અને અમે અડગ રહ્યા કે જો તમારાથી થાય એમ નહતું તો કેમ વધારે રૂપિયા લીધા અને આ બધા વચ્ચે એક બીજું ફેમિલી પણ આગળ આવ્યું કે અમારે પણ રાત્રે જ જઉં છે, અંતે એ લોકોએ ઝૂકવું પડ્યું અને અમારા માટે સ્પેશિયલી એક ગાડી મોકલી, ત્યાં રૂમ પણ રાખવો પડ્યો અને અમે સવારની વિભીષણ આરતી કરી આ સાથે જ એક ક્યારેય ના ભૂલાય તેવો અનુભવ મેળવ્યો.

આમ, ટુર ઓર્ગેનાઈઝર પાસે ટુર બુક કરાવતા પહેલા કઈ-કઈ તકેદારી રાખવી તે જાણવું જરૂરી છે અને જો ટુર ઓરગેનાઈઝર દ્વારા તેમની સર્વિસમાં કઈ ખામી રહી જાય તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ,૧૯૮૬ હેઠળ ફરિયાદ પણ કરી શકાય છે. તો ટુર બુક કરાવતા પહેલા આટલી વસ્તુની તકેદારી અવશ્ય રાખવી જેથી છેતરાવાય પણ નહિ અને કદાચ કોઈ તકલીફ થઇ તો પ્રોટેક્શન મેળવી શકાય.

* પેકેજની રકમ અને વધારાનો ખર્ચ: ટુર બુક કરાવતા પહેલા આપણું બજેટ જણાવીને એ પ્રમાણેજ ટુર ઓર્ગેનાઈઝ કરાવવી અને એ પણ પૂછી લેવું કે છુપા ખર્ચ અથવા તો ટેક્ષ, સર્વિસ ટેક્ષ, અમુક જગ્યાએ સ્વખર્ચ કરવાનો હોય છે તો એ બધા સાથે કુલ ટોટલ કેટલા રૂપિયા થશે. જેનાથી પછી થનાર ખર્ચ વિષે પણ આપણે ગણતરી મૂકી શકાય અને તેના ટર્મ્સ અને કંડીશન જરૂરથી વાચવા જેથી પછીથી ટુર ઓપરેટર હાથ ઉચા ના કરે.

* રેપ્યુટેશન: જે ટુર ઓર્ગેનાઈઝર પાસે બુક કરાવીએ છીએ તેની રેપ્યુટેશન વિષે થોડું નોલેજ મેળવી લેવું, ઈન્ટરનેટ દ્વારા રીસર્ચ કરી લેવું જેથી બીજાનાં અનુભવ દ્વારા પણ ખબર પડે કે મેનેજમેન્ટ કેવું છે.

* શિડયુલ અને વધારાની સગવડો : ટુર બુક કરાવતા પહેલા તેનું શિડયુલ જાણવું ખુબ જ જરૂરી છે કઈ કઈ જગ્યાઓ નો સમાવેશ છે અને રોકાણ કેટલું છે, આ ઉપરાંત તમારી ગમતી વધારાની જગ્યા અથવા તો તેમના શીડ્યુલ પ્રમાણેની હોટેલ ગમે નહિ અને તમારી ચોઈસની હોટેલ બુક કરાવવી હોય તો એ, શેરીંગનું મેનેજમેન્ટ, ટ્રેનમાં જવાનું હોયતો કયા પ્રકારના કોચમાં બુકિંગ કરાવવું અથવા તો પ્લેનમાં બુકિંગ કરાવવું,આ દરેક વધારાની સગવડ માટે જો એડવાન્સમાં પે કરવાના હોય તો કેટલા અને પછીથી પે કરવાના હોય તો પણ જાણી લેવું જરૂરી છે.

* ગ્રુપ અથવા તો લોકોની સંખ્યા: આ બાબતે પણ પહેલાથી જાણી લેવું સારું પડે કે ગ્રુપમાં ટોટલ કેટલા લોકોનો સમાવેશ કરવામાં આવે છે ક્યારેક વધારે લોકોના કારણે મેનેજમેન્ટ બગડી જતું હોય છે.

* વધારાનું ડિસ્કાઉન્ટ : આ ઉપરાંત આવા ટુર ઓર્ગેનાઈઝર અમુક કરતા વધારે બુકિંગ આપના રેફરન્સથી થાય તો આપણને ડિસ્કાઉન્ટ આપતા હોય છે તો એ પણ જાણી લેવું જેથી વધારે ફાયદો મળે.

* સેવામાં ખામી: બધું જ જોઈ જાણીને બુક કર્યા બાદ પણ જો સેવામાં ખામી લાગે તો કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ કરી શકાય છે જેની વિસ્તૃત ચર્ચા ફરી ક્યારેક.

આમ, ગ્રાહક જ રાજા છે તે યાદ રાખીને ખુશીથી ફરવા જાવ અને જલસા કરો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED