Ketlik Creative kathao books and stories free download online pdf in Gujarati

કેટલીક ક્રિયેટિવ કથાઓ...

કેટલીક

ક્રિયેટિવ કથાઓ

  • લેખક: મુર્તઝા પટેલ
  • દોસ્તો, ‘જસ્ટ ઈમેજીન’...

    તમે ઈન્ટરનેટની એક ખૂબ પ્રચલિત મીડિયા વેબસાઈટના એડિટર છો. મિનીટ-ટુ-મિનીટ દરેક પ્રકારના સમાચારોની વર્ષા તમારા કોમ્પ્યુટર પર, ટેલીવિઝન પર, મોબાઈલ પર, આઈ-પેડ પર. તમારી કારના રેડીઓ પર થતી જ રહે છે.

    તમે એવા ડિજીટલ વર્લ્ડ સાથે સતત વાંચન, લેખન અને મનન સાથે એક સૂત્રે સંકળાયેલા છો કે જેમાં માત્ર સુતી વખતે જ (કદાચ) અળગા રહી શકો એવી ‘કોન્સ્ટન્ટ અપડેટ’ થતી જિંદગી છે. ને એક દિવસ...અચાનક...

    તમારા દિમાગમાં વિચારનો એક કીડો સળવળે છે. તમે તમારી જાતને કહો છો:

    “જા! મારા સ્વાહાલા... આ બધાંજ ડિજીટલ ડિવાઈસીસને તિલાંજલિ આપી સાવ અલ-મસ્ત જીંદગી ગુજાર. આ બધું જ છોડીને એક અલગારી દુનિયા વસાવ. જ્યાં કોઈ મોબાઈલ ન હોય, કોઈ ટીવી કે નેટ-સર્ફિંગ ન હોય. કોઈ ઈ-મેઈલ, ટ્વિટર કે સોશિયલ મીડિયા પરનું સ્ટેટસ અપડેટ ન થાય.... ...હા ! માત્ર વૈચારિક કામ ચાલુ રહે એ માટે ક્યારેક (કોઈ પણ પ્રકારના નેટ કનેક્શન વિનાનું) લેપટોપ વાપરી શકાય. અને દોસ્તો અને સ્વપરિચિતો સાથે ટૂંકમાં અને ખપ પુરતી જ વાત ઘરની ફોન-લેન્ડલાઈન પરથી કરી શકાય.”

    બાકી દુનિયા જાવે...તેલ લેણે...બોલે તો અપણે કુ ક્યા?....રે’ણા હે તો બસ...”મૈ ઔર મેરી તન્હાઈ’ કે સાથ!

    ............તો દોસ્તો તમારો કેવા હાલ થાય?- (એક દોસ્તને પૂછ્યું તો તેણે કહ્યું કે ‘હું તો એક વિકમાં જ સાવ વીક થઇ મરી જાઉં. યાર !!!! જીવી જ કેમ શકાય?) પણ સાચે જ...આવી ઘટના બરોબર..૩૦ મી એપ્રિલ ૨૦૧૨ના દિવસે બની હતી.

    સુપર ટેકનોલોજીકલ સમાચારોની સેવા આપતી સાઈટ: ધ વર્જ.કૉમના (theverge.com) એડિટર પૌલ મિલર સાથે. પૌલે એક આ રીતે વર્ષ સુધી લાંબો ડીજીટલ ઉપવાસ કરવાની નિયત કરી. એ જોવા માટે કે માણસ આ બધી સેવાઓ વિના (પહેલા તો) જીવી શકે છે?- અને જો હા ! તો કઈ રીતે? અને તેની માનસિક અને શારીરિક અસર શું થાય છે?

    બરોબર એક વર્ષ પછી પૌલ મિલર તેની એડીટીંગ જોબ પર પાછો ફર્યો. અને મીડિયાના અનેક માધાંતાઓ તેની આ એક વર્ષની (ઈન્ટરનેટ વિનાની) હાઈબરનેટ વાળી (બેકાર દેખાતી) લાઈફ વિશે જાણવા બેકરાર થયા. ૩૬૫ દિવસમાં કેટલાંય અવનવા સમાચારો અને ઘટનાઓથી આઉટ-ડેટેડ રહેલો મિલર તેની ઈન્ટરનેટ દુનિયામાં પાછો ફર્યો ત્યારે તેણે શું શું નવું જાણ્યું?!?!?!?! તેના હજારો...હજારો ન વંચાયેલા ઇમેઇલ્સ, SMSs,થી ભરેલું મોબાઈલ ઈનબોક્સ ફરીવાર ખુલ્યા ત્યારે તેને કેવું લાગ્યું?.....

    આઆઆઆઆઅહ! કેવી કલ્પના કરી શકાય? ખૈર, તે તેની શરૂઆતનો ‘ડિજીટલ મજૂર દિન’ કઈ રીતે ઉજવાયો છે એ વિશે તો અફકોર્સ તેના ફ્રેન્ડસ, ફોલોઅર્સ બધાંને અનોખું જાણવા મળ્યું.

    ૧લી મે ૨૦૧૩ના દિવસે પૌલ મિલર જ્યારે એક વર્ષિય ડિજીટલ-ઉપવાસ કરી (અન)‘રિયલ’ થઇ ઈન્ટરનેટની દુનિયામાં પાછો ફર્યો ત્યારે તેની કંપની વર્જ.કૉમની સાથે વિશ્વના ચંગી અને જંગી બ્લોગ-મીડિયાની ‘એક્ટસી’ નજર પણ તેના પર રહી.

    તેના ખુદના જ શબ્દોમાં જ્યારે તેણે એ ૩૬૫ દિવસી ઝિંદગીનું સરવૈયું બયાન કર્યું છે. તે વાંચ્યા પછી મને ખુદને તેના વિશે કેવો પ્રતિભાવ/અપડેટ આપવો તેની મીઠ્ઠી મૂંઝવણ થઇ ગઈ. માટે બીજા જ દિવસે તેની પર લખવાને બદલે આજે એક વિક પછી કાંઈક સૂઝયુ છે.

    તેના અપડેટમાં જે શબ્દો તેણે દિલમાંથી લખ્યા છે, તેવું લખવા આપણે તેના દિલમાં ઘૂસી આંગળીઓ વાટે બહાર નીકળવું પડે. છતાં તેના જ ઇન્ટરનેશનલ શબ્દોને નેશનલ ટચ આપવાની કોશિશ કરી છે.

    “૩૦મી એપ્રિલ ૨૦૧૨ની રાતે ૧૧:૫૯ કલાકે જ્યારે મેં મારા કોમ્પ્યુટરના પાવરનો, ઈન્ટરનેટ-વાઈ-ફાઈના કેબલનો, ટેલીવિઝનનો, અને મોબાઈલના ચાર્જરનો પ્લગ છૂટો કર્યો, ત્યારે શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. કેવી લાઈફ બનશે?

    કેવા ફેરફારો, કેવો અનુભવ થશે?- લાગે જાણે બધું જ એક સસ્પેન્સ કથાની શરૂઆત.... એક ઊંડો શ્વાસ લઇ ખૂબ શાંતિથી મારા પહેલા દિવસની શરૂઆત થઇ ત્યારે સામે ન તો કોઈ ફોન, ન કોઈ સમાચારો કે ન કોઈ છાપું...માત્ર હું અને મારા મગજનો થોડો બાકી રહેલો ‘શાંત કોલાહલ’ !

    કમાણીની ફિકર?- નો વે!...એટલા માટે કે વર્જ.કૉમના મારા બોસે મને ચાલુ પગારે પૂરા વર્ષ દરમિયાન જુના ધરોબાયેલાં સ્વપ્નાં, બાકી રહેલી ઈચ્છાઓ, કામ કરવાની છૂટ સાથે છુટ્ટી પણ આપી દીધી હતી. એટલે ક્રિકેટ-કિટ સાથે આઝાદ-મેદાન પણ મારી પાસે જ હતું એ લોકો તો માત્ર ફિલ્ડીંગ ભરી રહ્યા...

    પુસ્તકોના પોટલાએ, કાગળોના કન્ટેનરે, ભૂલાઈ ચૂકેલાં અને પછીથી મળી આવેલા અગણિત સ્વજનો-દોસ્તોએ એક અનોખું પ્રેરકબળ પૂરું પાડ્યું. જેઓને મારી અને મને જેમની જરૂર હતી તે સૌને પહેલી વાર (ને પછી વારંવાર) જાતે મળવાની-જાણવાની-ખોળવાની તકો મળી.

    વર્ષો સુધી ‘ડમ્બ’ જણાયેલો લેખિત-પત્રવ્યવહાર તો સ્માર્ટ-ફોનની સામે સાચે જ ‘સ્માર્ટ દેખાયો’. સોસાયટી-કોમ્યુનિટીના હોલમાં મેળાવડા વખતે ‘જુનવાણી’ દેખાતા વડિલોમાં મને જ્ઞાનનો પાવર વધારે દેખાયો. ને જ્યારે કોઈક ખૂબસૂરત માનૂનીએ અદ્રશ્ય થઇ મને પોતાના હાથથી માત્ર એટલો જ મેસેજ મોકલ્યો કે “તે જે કાંઈ કર્યું છે, તે સારું જ કર્યું છે.” ત્યારે એ પત્રએ વારંવાર ‘પાવર-હાઉસ’ની ગરજ સારી છે. મને સાચે જ એવી

    અદભૂત લાગણી થઇ છે એક વર્ષમાં હું ખુદ ‘રિયલ’ બની બહાર આવ્યો છું. મેં મારી જાતને મારી સાથે આટલી નિકટ ક્યારેય જોઈ ન હતી. કનેક્ટીવીટીની સાથે ડીસકનેકટેડ થયેલો હોવા છતાં ખુદની સાથે ‘કનેક્શન’ ફરી વાર એવું સ્થપાયું છે કે હવે માત્ર ‘એ લઇ લેવું, તે લઇ લેવું’ કરવા કરતા આપી દેવામાં વધારે ખુશીઓ મળે છે.

    હાથમાં પ્રિન્ટેડ નકશો લઇ સાયકલ પર અજાણી જગ્યાઓએ એકલો ભમી આવ્યો. જેનાથી નાકે ધૂળ ઉડાડતી ‘ફ્રીસ્બી’ ડીશ રમી આવ્યો, હોમરની ‘The Odyssey’ ના ૧૦૦ પાનાં એક સાથે વાંચી આવ્યો. Les Miserable નાટક જોયા પછી આંખો બંધ કરી રડી આવ્યો. ભાડે રાખેલા પોસ્ટ-બોક્સમાં આવતાં દોસ્તોના, વાંચકોના પત્રો વાંચી દિલ ખોલી હસી આવ્યો. અને હવે જાતને એવી પ્રાર્થના પણ કરું છું કે આ બધું જ સમયાંતરે ચાલુ રહે...

    ઓફકોર્સ, એક પણ દોસ્ત ન હોવો એ કરતા ફેસબૂક દોસ્તની પણ એટલી જ જરૂરીયાત લાગી છે, પળવારમાં હજારોને મન:સ્થિતિનો મેસેજ મોકલી શકતું ટ્વિટર ખૂબ મીસ કર્યું છે. ઘણું અગત્ય લાગતું કામ SMS થકી જલ્દી પૂરું થઇ શક્યું હોત જેની ખોટ ખૂબ રહી છે. પણ હવે લાગે છે કે...આ બધી જ સગવડોનું રિમોટ-કંટ્રોલ આપણા ખુદના હાથમાં જ છે.

    બસ જરૂરીયાત મુજબ તેનો ઉપયોગ કરાય તો સફળતાનું ટોનિક તમારી સામે હાજર થાય. મારી પાંચ વર્ષની ભાણી કેઝીયાને છેલ્લાં દિવસે સવાલ કર્યો. કે “તારા મતે ‘ઈન્ટરનેટ એટલે શું?”- ત્યારે અવાચક નજરે તે મારી સામે જોઈ રહી. પછી કોમ્પ્યુટર પર રહેલા ‘સ્કાઈપ’ નામના પ્રોગ્રામને આંગળી ચીંધી ઓળખી બતાવ્યું ત્યારે થયું કે એની માસૂમ દુનિયા હજુ આટલી જ ‘વિશાળ’ હતી.

    પછી આગળ પૂછ્યું કે “તો પછી તું આટલાં વખતથી મારી સાથે વાતો કેમ કરતી ન હતી?” ત્યારે તેના ‘ટંગી’ જવાબ પર મારા આંસુઓ પડી રહ્યા હતાં:

    “મામા ! મને લાગ્યું છે કે તમને જ મારી સાથે વાત કરવાનો સમય અને રસ નહિ હોય.” એટલે હવે આજે (ગયેલી નહિ) પણ સાચે જ મળી આવેલી ખુશીઓ વહેંચવાની આદત ટકાવી રહ્યો છું.....તમારા સૌના સાથ-સહકારથી...”

    પોલ મિલરી મોરલો:==> “જે ત્યજી શકે છે તે વધારે મેળવે છે.”

    ચાલો ફરી એક ઔર ‘જસ્ટ ઈમેજીન’...

    તમારા શહેરની એક ઘણી પ્રચલિત કૉફી-હાઉસમાં તમે વારંવાર એકલા કાં તો કોઈક વ્હાલા-વ્હાલી સાથે કૉફીની ચુસકી માણવા જાઓ છો. તમને ત્યાંની કૉફીના ટેસ્ટ સાથે તેની સર્વિસ, સ્ટાફ, સ્વભાવ અને ઓફકોર્સ... ભાવ પણ ગમે છે. ને એક દિવસ સવારે અચાનક...

    તમે આદત મુજબ ત્યાં પહોંચી જાઓ છો. પણ અંદરનું દ્રશ્ય સાવ બદલાઈ ગયું છે. એક નવું જ રિફ્રેશિંગ ઈન્ટીરીયર દેખાય છે. સવિતાને બદલે ‘સ્વિટી’ અને જયકિશનને બદલે ‘જેક્સન’ દેખાય છે. સાવ નાનકડા કૉફી-પ્યાલાને બદલે બંને હાથે પકડી શકાય એવો અલમસ્ત, કૉફીની સોડમ યુક્ત મોટ્ટો પેપર કપ દેખાય છે.

    અને ૨ વર્ષથી એકના એક વપરાયેલા ક્લાસિક ‘પ્રાઈઝ-કાર્ડ’ને બદલે...વાઉ ! ગ્લોસી પેપર વાળું ‘મેનુ’ દેખાય છે. ‘હોં સાહેબ!, હા બેન!’ બોલવાને બદલે એ લોકો સેક્સી વોઇસમાં “હેલોઓઓ, હાય ! વોટ કેન આઈ ડૂ ફોર યુ, સર?” સંભળાય છે. તમે ભલે ટેન્શનમાં આવી જાઓ છો પણ એ સૌ તમારા હાવભાવને વાંચી રોજીંદી આદત મુજબ જ કૉફીનો ઓર્ડર લે છે.

    પણ બધું જ અંગ્રેજીમાં બોલે છે અને તમને પણ બોલવાની આદત પાડે એવો માહોલ રચે છે. ટૂંકમાં, તમને થાય છે કે...હાઈલા ! મરી જ્યા આજ તો ! આ હવાર-હવારનું આપડું દેશી શપનું જ છ ક પ્હછી હાચે જ બાપાએ રાતોરાત વિહ્ઝા કરી આલીને ઈંગ્લીસ દેશમોં ક્યાંક ટ્રાન્ષપોર્ટ કરી કાઈઢો છ ?!??!?!?!? પણ એ લોકો ભલા છે તમને કૉફી આપવાની સાથે એક મસ્ત રંગીન બ્રોશર પણ આપે છે (યારો ! પ્લિઝ હવે અહીં ‘બ્રોચર’ ન બોલશો હોં !).

    અંગ્રેજીમાં પ્રોફેશનલ વાતચીતની કળા શીખો. થોડાં દિવસો માટે ‘તદ્દન મફતમાં’ અંગ્રેજી શીખવાના ક્લાસ એટેન્ડ કરવા માટે સમજાવવામાં આવે છે. તમે દેશી સ્ટાઈલમાં વિદેશી ભાષા શીખવા તૈયાર થઇ જાઓ છો. અને એ લોકો કૉફી-કપ દ્વારા તમને બાટલીમાં ઉતારી દે છે. બધાં જ જીતે છે. એક નવું પરિવર્તન સર્જાય છે.

    યેસ દોસ્તો! કૉફીના બહાને રશિયાનોને બ્રિટીશ-અંગ્રેજી શીખવવાની આ હટકે સ્ટાઈલ રશિયાના જ એક નાનકડા ટાઉન એક્ખાતરીનબર્ગમાં શરુ થઈ ચુકી છે. અને ત્યાંની પ્રજાએ આ મિશનને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે.

    તમે તમારી પ્રોડક્ટ કે સેવા સાથે એવું કોઈ ગતકડું કરી શકો છો? કે પછી એવો કોઈક આઈડિયા દોડ્યો હોય તો (કૉફી વગર) શેર કરી શકો છો.

    સંપર્કસૂત્ર:મુર્તઝા પટેલ

    ફેસબૂક પર:

    ટ્વિટર પર:

    વોટ્સએપ પર: +20 122 2595233

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED