Gappa Chapter 18 Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Gappa Chapter 18

પ્રકરણ : ૧૮

થોડે દૂર ઘર તરફ મોં કરીને ભોંદુ ઊભો હતો. બધા તેના જાડા શરીર, મોટા માથા અને પાછળની હાથી જેવી પીઠને જોઈ રહ્યા હતા.

“ભોંદિયા તું અમ્પાયર છે, તારે નિર્ણય આપવાનો છે.” શૌર્યએ ગંભીર અવાજમાં કહ્યું.

“તારો નિર્ણય આજ સુધી ક્યારેય તેં ખોટો નથી આપ્યો. બહુ સમજી વિચારીને બોલજે.”

ભોંદુ હજી પણ પીઠ ફેરવીને દૂર દૂર ક્ષિતિજ પર મીટ માંડીને ઊભો છે. થોડી વાર માટે જ રમાવા ધારેલી રમતે કલાકોના કલાકો લઈ લીધા હતા. હવે કોને જીત આપવી અને કોને હાર તે વાત પર ભોંદુ પણ દ્વિદ્ધામાં હતો. નજરથી હાથ લંબાવીને દૂરની ક્ષિતિજની તિરાડમાંથી જાણે તે પોતાનો અડગ નિર્ણય શોધી રહ્યો હોય તેમ હજી પણ એકધારો ક્ષિતિજ સામે તાકી રહ્યો હતો. તેના જાડ્ડા બાટલીના તળિયા જેવા કાચમાંથી તે બધું જ સ્પષ્ટ જોઈ શકતો હતો. હાથની બંને મુઠ્ઠીઓ તેણે ભીંસથી વાળેલી હતી. તેણે એક લાંબો શ્વાસ લીધો. ત્યારે સુથારને ત્યાં ચાલતું ધમણ જેમ હવા ભરવાથી મોટું થાય અને વળી પાછું સંકોચાય તેમ તે ચારે બાજુથી થોડો ફૂલાયો અને પછી સંકાચાયો.

“ભોંદ...” શબ્દ પૂરો થાય એ પહેલાં જ ભોંદિયાનો જમણો હાથ તેના માથા સુધી ઊંચો થયો અને શૌર્યની વાત અડધી જ રહી ગઈ. વહેતી હવા પણ ધીમી ધીમી સંભળાય એટલો સન્નાટો વ્યાપી ગયો હતો.

“હહહહ... હું નિર્ણય પર આવી ગયો છું.” ઊંધા ઊભા ઊભા જ ભોંદુ બોલ્યો. તરંગ અને કલ્પેને એકબીજાની સામે જોયું. કોઈને ખબર નહોતી કે ભોંદુ કોના ગળામાં વિજયહાર પહેરાવશે અને કોને હારેલો જાહેર કરશે. બધાના કાન માત્ર ભોંદુના મોંમાંથી નીકળતા શબ્દોની પ્રતીક્ષામાં હતા.

“તરંગે કલ્પાને હરાવ્યો.” ભોંદુ એટલું બોલ્યો ત્યાં તો તરંગ યસ્સ... કરીને કૂદી પડ્યો. પરંતુ ત્યાં જ ભોંદુ મોટેથી બોલ્યો, “એક મિનિટ, હજી મારી વાત પૂરી નથી થઈ.” શૌર્ય અને આયુ અને બીજા મિત્રો તો જાણે મૂક થઈને આખી ઘટના જોઈ રહ્યા હતા. ભોંદુના નિર્યણ પર બધાને પૂરો વિશ્વાસ હતો. તેમના માટે તો તે જ તેમની સભાનો સાચ્ચો જજ હતો.

“કલ્પાએ પણ અધડી હાર કબૂલી હતી. અને તે ‘ના હોય’ એવું બોલ્યો હતો.” કશું બોલ્યા વિના કલ્પેને હકારમાં માથું હલાવ્યું.

“પછી તેને એક છેલ્લો ચાન્સ આપવાની વાત થઈ. છેલ્લા ચાન્સમાં તેણે જે વાત કરી તે સાંભળીને તરંગે પણ ના પાડી હતી. આથી તે પણ હાર્યો છે.” નાનકડી સભાનો સન્નાટો વધુ ગંભીર થતો જતો હતો.

“મારા મત મુજબ બંને અડધું અડધું હાર્યા છે !”

“તો પછી જીત્યું કોણ ?” શૌર્ય અને આયુના મનમાં પ્રશ્ન રમી રહ્યો હતો.

“મેચની જેમ ગપ્પામાં પણ બંનેને સરખાં રન થયાં છે. આથી આપણે તેમાં પણ ટાઈ જાહેર કરીએ છીએ.” બધા એકબીજા સામે જોઈ રહ્યા.

“આવતા રવિવારે ક્રિકેટમાં પડેલી ટાઈને ક્રિકેટ રમીને જ ઉકેલવામાં આવશે.” કહીને ભોંદુ પાછળ જોયા વિના જ ઘર તરફ ચાલતો થયો.

શૌર્ય ભોંદુને બૂમ પાડવા જતો હતો, પણ આયુએ તેના ખભે હાથ મૂકીને નકારમાં માથું હલાવ્યું. કોઈ કશું બોલતું નહોતું. બધાનું મૌન જાણે અંદરોઅંદર વાતો કરી રહ્યું હતું. ઈશ્વર, જીવ, જગત, માણસ, બ્રહ્માંડ, ગ્રહો અને તે પોતાના અસ્તિત્વ વિશેના અનેક પ્રશ્નો કે અનેક ગપ્પાંઓ તેમના મનમાં શાંત રીતે ઘૂમરાઈ રહ્યા હતા. ક્રિકેટની નાની રમતમાંથી ઊભી થયેલી ગપ્પાંની રમતે તેમના મનમાં બીજી અનેક વાતો, વિચારો, કલ્પનાઓ દ્વારા પોતાના અસ્તિત્વ વિશે પણ પ્રશ્નો ઊભા કરી દીધા હતા. અનેક પ્રશ્નો પોતાના મનમાં લઈને કશું બોલ્યા વિના ક્રિકેટનાં સાધનો લઈને બધા ઘર તરફ રવાના થયા.

***