પિન કોડ - 101 - 15 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિન કોડ - 101 - 15

પિન કોડ - 101

પ્રકરણ-15

આશુ પટેલ

સાહિલે સેલ ફોન ચાલુ કરીને નતાશાને કોલ લગાવવાની કોશિશ કરી પણ ફરી પેલા શબ્દો તેના કાનમાં ખીલાની જેમ ભોંકાયા: ‘ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ કરન્ટલી નોટ રિચેબલ. પ્લીઝ ટ્રાય અગેઇન લેટર.’
સાહિલ ફરી એક વાર નતાશા પર અકળાઇ ઉઠ્યો. પણ તરત જ તેણે પોતાની અકળામણ પર કાબૂ મેળવવાની કોશિશ કરતા વિચાર્યું કે આ સ્થિતિમાં તેણે શું કરવું જોઇએ. તેને અચાનક યાદ આવ્યું કે નતાશાએ તેને પેલા માણસનું નામ, ફોન નંબર અને તેનું એડ્રેસ મોકલ્યા હતા. તે માણસને કોલ કરવાનો તો કોઈ અર્થ નહોતો. સાહિલને થયું કે તેણે પોલીસ સ્ટેશનમાં જઇને મદદ માગવી જોઇએ. પછી તરત જ તેણે એ વિચાર ખંખેરી નાંખ્યો. તે પોલીસ પાસે જાય તો પણ પોલીસને શું ફરિયાદ કરે? એમ કહે કે મારી ફ્રેન્ડ કોઇ અજાણ્યા માણસને મળવા ગઇ છે અને એ માણસ પર મને શંકા છે? એમ કહે કે મારી ફ્રેન્ડ મિસિંગ છે, તેને શોધી આપો? કેટલાય કિસ્સાઓમાં પોલીસ ગુનો થયા પછી પણ ફરિયાદ નોંધવામાં ઠાગાઠૈયાં કરતી હોય છે તો અહીં તો કોઇ ગુનો થયો જ નથી. અને કોઇ માણસ ખરેખર ગાયબ થઇ જાય તો પણ મિસિંગની ફરિયાદ લેતા પહેલા પોલીસ ચોવીસ કલાક રાહ જોવાનું કહેતી હોય છે.
અકળામણ અને મૂંઝારો એક સાથે અનુભવી રહેલા સાહિલને આ સ્થિતિમાં એક જ રસ્તો દેખાયો. તેણે વિચાર્યું કે તેણે શકય એટલી ઝડપથી નતાશા જેને મળવા ગઈ છે તે માણસની ઓફિસે પહોચી જવુ જોઈએ.
તેણે ફટાફટ શૂઝ પહેર્યા અને તે લગભગ દોડીને ગોરાઇ બસ ડેપોવાળા મેઇન રોડ પર પહોંચ્યો. તેને ખબર હતી કે થોડી વારમાં જ બોરીવલી સ્ટેશન સુધી જવા માટે બેસ્ટની બસ મળી જશે, પણ મુંબઇ આવ્યા પછી આજે પહેલી વાર તેણે બેસ્ટની બસને બદલે રિક્ષા પકડી લીધી. રોડના કોર્નર પર એક રિક્ષા ઊભી હતી એના ચાલકને પૂછ્યા વિના જ રિક્ષામાં બેસીને તેણે કહ્યું: ‘સ્ટેશન લે લો.’
એ વખતે રિક્ષાવાળાએ તેને ના પાડી હોત તો તેણે તેને ફટકારીને પણ સ્ટેશન લઇ જવાની ફરજ પાડી હોત. જો કે રિક્ષાચાલકે રિક્ષા સ્ટાર્ટ કરીને સ્ટેશન તરફ મારી મૂકી. સાહિલને યાદ આવ્યું કે સારું થયું કે નતાશાએ ત્રણસો રૂપિયા આપ્યા હતા એ અચકાતા-અચકાતા પણ પોતે લઇ લીધા હતા નહીં તો અત્યારે તે આટલી ઝડપથી સ્ટેશન ના પહોંચી શક્યો હોત.
બોરીવલી સ્ટેશન પહોંચીને તે ફટાફટ રિક્ષા ભાડું ચૂકવીને એક નંબરના પ્લેટફોર્મ પર ગયો. ત્યાથી પાંચ નંબરના પ્લેટફોર્મ પર જવા માટે તે બબ્બે પગથિયાં કૂદાવતો ફૂટઓવર બ્રિજ પર ચડ્યો અને પછી એ જ રીતે પાછો પાંચ નંબરના પ્લેટફોર્મ પર જતા પગથિયાં ઉતર્યો. તે ઉતર્યો એ જ વખતે વિરાર-ચર્ચગેટ ફાસ્ટ લોકલ ઉપડી હતી. તેણે દોડીને એ ટ્રેન પકડી. સાંજનો સમય હતો એટલે ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનમાં બેસવાની જગ્યા હતી, છતા તે બેસવાને બદલે ઊભો જ રહ્યો.
અંધેરી સ્ટેશનમાં ટ્રેન હજી બિલકુલ ઊભી રહે એ પહેલાં જ સાહિલ એમાંથી ઊતરી ગયો. ટ્રેન હજી થોડી ગતિમાં હતી એ જ વખતે એમાંથી ઉતરવાને કારણે પડી ના જવાય એટલે તેણે ઉતર્યા પછી થોડુ દોડવું પડ્યું. લોકલ ટ્રેનમાથી ઉતરીને તે મેટ્રો સ્ટેશન તરફ દોડ્યો. તેણે હજી ટિકિટ ક્ઢાવી એજ વખતે મેટ્રો ટ્રેન આવી. દોડીને તે મેટ્રોમા ચડી ગયો. મેટ્રો થોડી મિનિટ્મા વર્સોવાના લાસ્ટ સ્ટોપ પર પહોચી એ સાથે તે ભાગતો-ભાગતો બહાર નીકળ્યો અને રિક્ષા પકડીને યારી રોડ પર આરામનગરમાં પહોચ્યો. રિક્ષામાંથી ઉતરીને તે નતાશાએ સેલફોન પર મોકલેલા ઍડ્રેસ તરફ ધસ્યો.
પચાસ હજાર રૂપિયા એડ્વાન્સ મળ્યા એટલે ઉત્સાહ સાથે ઓમરની ઓફિસમાથી બહાર નીકળેલી નતાશાના દિમાગમાથી એક વાત નીકળી જ ગઈ હતી કે તેણે પોતાની ઓળખ મોહિની મેનન તરીકે આપી ત્યારે ઓમરને જોરદાર ઝટ્કો લાગ્યો હતો અને તેણે ભારપૂર્વક કહ્યું હતું કે તમારું નામ શું છે એ મને ખબર નથી પણ તમે મોહિની મેનન તો નથી જ!
ઓમરની ઓફિસમાંથી બહાર નીકળીને નતાશાએ પોતાનો સેલ ફોન સ્વીચ ઓન ર્ક્યો એ સાથે તેને સાહિલના નંબરના મિસ્ડ કોલ એલર્ટ દર્શાવતા મેસેજીસ દેખાયા. નતાશાને સો ટકા ખાતરી હતી જ કે સાહિલ કોલ કરવાની કોશિશ કરતો જ હશે. તેને સાહિલની દયા આવી ગઇ અને બીજી ક્ષણે તેના પર પ્રેમ પણ ઊભરાઇ આવ્યો કે તે પોતાની તકલીફ ભૂલીને મારા માટે ચિંતા કરી રહ્યો છે. તેણે સાહિલનો સેલ નંબર લગાવ્યો. એ જ વખતે તેની નજર સાહિલ પર પડી. તે પાગલની જેમ, લગભગ દોડતો-દોડતો તેની દિશામાં આવી રહ્યો હતો. નતાશાને એક ક્ષણ માટે નવાઇ લાગી પણ પછી તેને યાદ આવ્યું કે તેણે સાહિલને ઓમરની ઓફિસનું એડ્રેસ વોટ્સ એપથી મોકલ્યું હતું.
નતાશાનું ધ્યાન સાહિલ તરફ ગયું એ જ વખતે સાહિલનું ધ્યાન પણ નતાશા પર પડ્યું. તેના પગમાં નવું જોમ આવ્યું અને તે દોડીને નતાશા પાસે પહોંચ્યો. તેણે નતાશાના બંને ખભા પકડીને તેને ઢંઢોળી નાંખતા કહ્યું: ‘આર યુ સેફ?’ પછી તે તરત નતાશા પર વરસી પડ્યો. અત્યારે તુ મને મળી ના હોત તો મારો જીવ નીકળી જાત. ‘પાગલપનની, ઈમ્મેચ્યોરિટીની પણ કોઇ હદ હોય કે નહીં?’
નતાશાએ કહ્યું, રિલેક્સ, સાહિલ. ‘હુ તારી સામે જીવતી-જાગતી ઊભી છુ મને કંઇ નથી થયું. પણ તારું રિએક્શન વધુ પડતું છે!’
વધુ પડતું?’ સાહિલનો અવાજ લગભગ ફાટી ગયો એટલા જોરથી તેણે કહ્યું, ‘તને કંઇ થયું હોત તો...’
તો?’ નતાશાએ કહ્યું.
તો હું જીવી ના શકત, બેવકૂફ!’ સાહિલે તરડાઇ ગયેલા અવાજે કહ્યું. અને બીજી ક્ષણે તે આજુબાજુમાંથી પસાર થઈ રહેલા લોકોની પરવા કર્યા વિના આવેગપૂર્વક નતાશાને વળગી પડ્યો.
આઇ લવ યુ, નતાશા. ‘પ્રોમિસ મી કે તુ ફરી ક્યારેય આવું નહીં કરે.’ સાહિલે રૂંધાતા અવાજે કહ્યું.
આઇ લવ યુ ટૂ, સાહિલ. પ્રોમિસ...’ નતાશા આગળ ના બોલી શકી. સાહિલના શબ્દોએ અને એમાં છલકાતી લાગણીએ, કાળજીએ તેના હૃદયના તારને ઝણઝણાવી દીધા હતા.
નતાશા રવાના થઇ એ સાથે ઓમરે કોઇને કોલ લગાવીને કહ્યું: ‘ચીડિયા પીંજરે મે આ ગઇ હૈ!’
બહોત બઢિયા! મુઝે તુમપે પૂરા ભરોસા થા કી તુમ યે કામ જરૂર કર લોગે.’ સામેના માણસે કહ્યું.
સામા છેડેથી કહેવાયેલા શાબાશીના શબ્દો સાંભળીને ઓમરના ચહેરા પર હળવું સ્મિત ફરકી ગયું.
ઉસે ડાઉટ તો નહીં ગયા ના? તુમ કુછ ઘંટે પહલે કહ રહે થે કી થોડા મુશ્કિલ લગ રહા હૈ. ‘જરા ભી ગરબડ હુઇ તો હમારા ખેલ બિગડ સકતા હૈ.’ સામેવાળા માણસે એક જ શ્ર્વાસમાં સવાલ પણ કરી નાખ્યો અને પોતાની ચિંતા પણ વ્યક્ત કરી દીધી.
ઓમરે તેને ધરપત આપતા કહ્યું: જનાબ, આપ ફિકર મત કીજીયે. ઉસે જરા સા ભી ડાઉટ નહીં હૈ. પહલી બાર જબ બાત કી તો થોડા મુશ્કિલ લગતા થા. લેકિન જીતના મુશ્કિલ લગ રહા થા ઉતના મુશ્કિલ નહીં રહા. ઔર કભી-કભી સ્માર્ટ લોગો કો શીશેમે ઉતારના બહોત આસાન હો જાતા હૈ! સિર્ફ પચાસ હજાર રૂપિયે મે બાત બન ગઇ. કલ દીખાવે કે લિયે એગ્રીમેન્ટ ભી સાઇન કરવા લેતા હૂં. ‘ઉસે પૈસો કી સખ્ત જરૂરત હૈ ઇસ લિયે વૈસે તો એગ્રીમેન્ટ કી ફોર્માલિટી કી ભી જરૂરત નહીં હૈ પર ઉસે ભરોસા દીલાને કે લિયે એગ્રીમેન્ટ કર લેતે હૈ.’
કબ કામ હાથ પે લે સકતે હૈ હમ?’ સામેથી પુછાયું.
આપ જબ ચાહો, જનાબ. વૈસે તો મૈંને પરસો કા બોલા હૈ પર આપ જબ ભી બોલો તબ કર લેગે. ‘આપ બસ લોકેશન ફાઇનલ કર કે મુજે બતા દીજીયે. બાકી સબ મૈં સંભાલ લુગા.’ ઓમરે આત્મવિશ્ર્વાસપૂર્વક કહ્યું.
વો લડકી વાપસ કબ મિલેગી તુમકો?’ સામેથી વધુ એક સવાલ પુછાયો.
મૈંને ઉસે કલ એક બજે ઓફિસ મે બુલાયા હૈ. અગર આપ તબ તક લોકેશન ફાઇનલ કરકે મુજે બતા સકતે હો તો મૈં ઉસ સે બાત કર લુ ઔર શૂટિંગ શેડ્યુલ ફાઇનલ કર લુ.’ ઓમરે કહ્યું.
ઠીક હૈ. જીતના હો સકે ઉતના જલ્દી મૈં લોકેશન ફાઇનલ કરવાતા હૂં. જૈસે તય હોતા હૈ મૈં તુમકો બતાતા હૂં. ખુદા હાફિઝ.’ સામેવાળા માણસે વાત પૂરી કરી.
ખુદા હાફિઝ.’ કહીને ઓમરે કોલ ડિસ્કનેક્ટ કર્યો.
એ પછી તેણે બીજો કોલ લગાવ્યો. સામા છેડેથી હલ્લો સંભળાયુ એટ્લે તેણે કહ્યુ: ‘મોહિની મેનન મિલ ગઈ હૈ!’

(ક્રમશ:)