Najuk Namni Priytama - 12 books and stories free download online pdf in Gujarati

નાજુક નમણી પ્રિયતમા - 12

Najuk namani priyatama – 12

સુવર્ણપળો:

આશુ આ કેવી અજબ જેવી વાત છે કે મારી સખીઓ એમના પ્રેમપ્રસંગોનું વર્ણન કરે ત્યારે જે વાતો કરે એ વખતે મને હસવું આવી જતું હતું. જેમ કે,

'એણે મને 'આઈ લવ યુ' બોલવાનું કહ્યું, બહુ ફોર્સ કર્યો અને એમ છતાં હું બોલી ના શકી.' કોઇ બહેનપણી આમ કહે ત્યારે મને એમ થાય કે,'આજના આટલા ફાસ્ટ જમાનાની છોકરીઓ એક આઈ લવ યુ જેવા 'થ્રી મેજીકલ વર્ડસ' બોલવામાં આમ શરમાય એ વાત ગળે ઉતરે કે ? ના..ના. એ ચોક્કસ પોતાની વાતો વધારી વધારીને રસપૂર્વક કહે છે એટલે, એમનો પ્રેમ દુનિયાના બીજા પ્રેમીઓથી સાવ જ અલગ અને અલૌલિક એવું દર્શાવવા માટેના પ્રયત્નો જ, બાકી આવું બધું શક્ય છે ? ના હોં, હું આ વાત ના જ માનું.'

તો બીજી બહેનપણી કહે કે,' એણે કાલે મારો હાથ પકડ્યો તો મારા રુંવાડાં ઉભા થઈ ગયા - એક પુરુષનો પ્રથમ સ્પર્શ અદભુત હોય છે.' ત્યારે પાછું મારું મન ચકડોળે ચડ્યું,

'આ બધી કોન્વેન્ટીયણ પ્રજા કે જે નાનપણથી છોકરાં - છોકરીઓની સંયુક્ત સ્કુલમાં ભણતી આવી છે, એનાથી ય વધીને એ લોકો સ્પોર્ટસ પણ સાથે જ રમતાં આવ્યાં છે જ્યાં એકબીજાના સ્પર્શની કોઇ લિમિટ જ ના હોય - જોકે હા, દરેક જાતિ પોતપોતાની મર્યાદા સમજીને જ રમે છે એટલી એમની ખાનદાની ખરી ! અમુક અપવાદો બાદ કરતાં આજના જમાનાની પ્રજા એમને મળતી સ્વતંત્રતા પચાવી પણ જાણે છે એ એમના સંયમભર્યા વર્તન પરથી હું સમજી શકી છું, પણ તો ય આવી પ્રજાને 'એક હાથ પકડવા' જેવી ઘટનામાં આવી અનુભૂતિ !'

એનાથી ય વધીને પેલી સુહાસી તો મને કહેતી હતી કે,'એના મનગમતાએ એની સામે સતત ૧૦ મિનીટ નટખટ હાસ્ય સાથે ક્લાસરુમમાં જમણી બાજુની છેલ્લી બેન્ચ પરથી મારી પહેલી બેન્ચ પર મારી સામું સતત તિરછી નજરથી ફકત જોયા કર્યુ અને હું ભણવામાં સહેજ પણ ધ્યાન ના આપી શકી, મંત્રમુગ્ધ થઈ ગઈ હતી અને બધું ભાન ભૂલીને ડોક ઊંધી કરીને પહેલી બેન્ચ પરથી છેલ્લી બેન્ચ પર એની તિરછી નજરોનો જવાબ મારી શર્મિલી, વારંવાર ઢળી જતી નજરથી સતત આપ્યા કર્યો અને પ્રોફેસરે મારી આ ચોરી પકડી પાડી અને અમને બે ય ને આ 'નજરરમત'ની શિક્ષા સ્વરુપે ક્લાસની બહાર કાઢી મૂક્યાં.'

એણે આવું કહ્યું ત્યારે તો મને હસવું આવી ગયું ને બોલાઇ ગયું,

'અલી, એ માત્ર તને જોતો હતો ને તું આમ સુધબુધ વિસરી બેઠી ? તારો એ ગુલાબનો છોડ જ્યારે તારી સમક્ષ આવીને તને...' જો કે આગળના શબ્દો હું બોલી ના શકી અને હું જાતે જ શરમાઈ ગઈ.

આવી બધી વાતો મને માત્ર મારી સખીઓના મનના તુક્કા સમાન જ લાગતી હતી - તારા મળ્યાં પહેલાં, તારા પ્રેમમાં પડ્યાં પહેલાં !

મેં મારી અનેક સખીઓની આવી પ્રેમની વાતોની બહુ હાંસી ઉડાવી છે અને એમને મોઢામોઢ, 'આ બધું છોડીને ભણવામાં ધ્યાન આપવાની ઉંમર છે તો ભણવામાં ધ્યાન આપો' જેવી ચાંપલી ચાંપલી શિખામણો ય આપી છે. એ વખતે મને ખબર નહતી કે પ્રેમનું આ બૂમરેંગ એક દિવસ મારી પર જ પાછું ધકેલાવાનું છે અને મારી હાલત એ સંધી ય ઘેલીઓથી ય બદતર થવાની છે !

સાચું કહું તો આશુ ( પ્રભુએ મારી ઝોળીમાં નાંખેલ એક ખૂબસૂરત વરદાન - એમના આશીર્વાદ એટલે મારો 'આશુ' ) સખીઓના મુખેથી જે વાતો સાંભળી હતી એ બધી ય વાતો અત્યારે મારા ચક્ષુપટલ સમક્ષ લહેરાય છે અને મારા નાજુક દિલના એક ખૂણે લાખો ઇચ્છાના સળવળાટનો સમંદર હિલ્લોળે ચડે છે. તેં કદી સાંભળ્યું છે કે કોઇ સમુદ્રમાં સતત ભરતી જ ભરતી આવતી હોય ? નહીં ને ? તો આજે સાંભળ, આ મારા હ્રદયસમુદ્રમાં કાયમ તારા સ્મરણમાત્રથી ઉર્મિઓની ભરતી જ ભરતી આવે છે. તે હેં આશુ, આપણાં સંબંધોમાં આવી ભરતી જીવનપર્યંત રહેશે ને ? રહેશે જ - મને મારી - ના..ના તારી..ના-ના, આપણા અનન્ય, અદ્વિતીય પ્રેમ પર વિશ્વાસ છે કે આવી ભરતીઓમાં આપણાં સહજીવનની નૈયા આસાનીથી તરી જ જશે ! દિલના ખૂણે બીકનો એક ધક્કો વાગ્યો - રખે ને ક્યાંક શંકા, અવિશ્વાસની ઓટનું વમળ રચાયું તો નૌકા ગોળ ગોળ ભમરડાંની જેમ ઘૂમ્યાં જ કરવાની અને એ ચક્કરમાં આપણે નૌકામાંથી બહાર ફેંકાઈ જઈએ એની પૂરેપૂરી શક્યતાઓ પણ રહેલી છે. હાય રામ, આવું થશે તો તો હું કદાચ હું મરી જ જઈશ. પ્રભુને એક જ પ્રાર્થના કરીશ કે,'મને સતત લાગણીની ભરતીનો દરિયો જ આપે અને એ ભરતી સુધીનું જ મને જીવન આપે. કારણ મને તરતાં કે નૌકા ચલાવતાં નથી આવડ્તું. એમાં મને તારા સહારાની જરુર પડે અને ભૂલેચૂકે ય હું એકલી એ નૌકામાં રહી ગઈ તો સતત હિજરાતા રહીને, ડરી ડરીને બાકીનું જીવન વ્યતીત કરવું એ મને પસંદ નથી, મારા વશની વાત જ નથી. આપણા સંબંધોનું એક જ સત્ય - આ પાર એટલે આ પાર જ, બીજા કોઇ જ કિનારાની એમાં સહેજ પણ શક્યતા નથી. આ કિનારો છૂટયો કે જીવનતંતુ તૂટ્યો સમજવાનું. હું તારી બધી જ ભૂલો માફ કરીશ ને મારાથી કોઇ જ ભૂલ ના થાય એનું ધ્યાન રાખીશ. જો બધું માફ કરી દેવાની તાકાત ના હોય તો વ્યક્તિએ ક્યારેય પ્રેમમાં જ ના પડવું જોઇએ. વ્યક્તિએ પ્રેમ જેવી અનોખી અને ઇશ્વરી આશીર્વાદની ભેટ મેળવવી હોય તો અવિશ્વાસ, શંકા, સામેના પાત્રની નાની નાની ભૂલોને દિલમાં ભંડારી રાખવી, એનું અપમાન કરવું જેવી બદીઓથી કાયમ દૂર રહેવું જોઇએ,

હે ય આશુ, આ તું મનોમન હસતો હોય એવું મને કેમ લાગે છે ? રખે ને આ એક જુવાનીના મદમાં બોલાયેલ શબ્દો માત્ર સમજતો ! હું જે વિચારું છું એ જ બોલું છું અને જે બોલું છું એ જ વર્તન કરીને બતાવું છું પ્રિય ! મારા પ્રેમના પારખાં કરવાની ભૂલ ક્યારેય ના કરતો હોં કે !

મનમાં વિચારોના તરંગો આમથી તેમ અફળાતા હતાં અને અચાનક જ મારા ગાલ પર કંઈક ગરમ ગરમ અથડાયું. હું ચમકી ગઈ ને જોયું તો આશીર્વાદ મારી એકદમ જ નજીક આવીને ઉભો હતો અને એના હાથમાં કોફીના બે કપ હતાં. એમાંથી નીકળતી વરાળ મારા ચહેરા પર અથડાતી હતી. ઓહ તો આ વરાળની ગરમી હતી હું તો બીજું જ કંઇક સમજીને મનમાં ને મનમાં જ લજવાઈ ગયેલી !

'સુગંધી, લે આ તારો કપ.' અને આશુએ મને થર્મોકોલનો કપ પકડાવ્યો.

કપ પકડતાં જ એમાંથી થોડી કોફી છલકાઈને મારા હાથ પર પડી ને મારાથી ચીસ નંખાઈ ગઈ, 'ઓહ માડી રે'

અને આશુએ તરત જ એનો કપ બાજુમાં મૂકીને મારી કોફીનો કપ લઈ લીધો ને બીજા હાથે એના બ્લ્યુ ડેનિમ જીન્સના ફ્રન્ટ પોકેટમાંથી રુમાલ કાઢીને મારા હાથ પર ઢોળાયેલી કોફી લૂછવા લાગ્યો. આશુએ મારો હાથ પ્રથમ વખત પકડ્યો હતો. એનો બાઈક ચલાવીને થયેલો થોડો રફ એન્ડ ટફ હાથ મારા કોમળ હાથને બહુ જ જતનથી સાફ કરતાં હતાં. આ કોફીની ગરમી હતી કે શું ખબર નહીં પણ મને નશો ચડી રહ્યો હતો અને આંખોના પોપચા બંધ થઈ જતાં હતાં. શું આશુ કોઇ વશીકરણની રીત જાણતો હતો કે ? હું હવા પર ચાલી રહી હતી, વાદળોમાં ઉડી રહી હતી, મારી ઓઢણીમાં આકાશના તારલિયાઓ ભરી રહી હતી, પગની પાયલની રુમઝુમ, દિલની ધકધક, આજુબાજુ ઉડતા પક્ષીઓનો અવાજ બધું ભેગું થઈને કોઇ અજબ પ્રકારની ધૂન હવામાં રેલાઈ રહી હતી. મેઘધનુષ્યના સઘળાં રંગ મારી ચામડીના સાતમા પડ સુધી ઉતરી ગયા હતાં, સૂર્યના કનકકિરણો મારા ચહેરાની કાંતિ બની ગયા હતાં. ચોમેર બધું અદભુત અદભુત લાગતું હતું ,

'પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યાં કરીએ,

સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યાં કરીએ!'

અને મનોવિશ્વના ચલચિત્રમાં ચાલતા 'હરીન્દ્ર દવે'ના ગીતની પંક્તિમાં બીજો કોઇ અવાજ ભળી ગયો, અચાનક મારી તંદ્રા તૂટી,

'સુગંધી, હવે કેમ છે ? ચામડી બળે છે કે રાહત થઈ ?'

અને મારી માયાનગરીની સફર અટકી ગઈ. આંખ ખોલીને જોયું તો તું મારા હાથ પર ઠંડા પાણીની બોટલમાંથી પાણી રેડી રહ્યો હતો અને મારા ખભા પર હાથ મૂકીને મને પૂછી રહ્યો હતો,

' શું થાય છે તને, આમ વારંવાર ક્યાં ખોવાઈ જાય છે પગલી?'

અને હું ચમકી. મારી બહેનપણીઓના બધા અનુભવો સાગમટે મારી સાથે ઘટી રહ્યાં હતાં, રોજ એમની વાતોની મજાક ઉડાવતી હતી પણ આજે હું જ એ સ્પર્શચક્રની ઘટમાળમાં ફસાઇ ગઈ હતી, અને સામે આશુ ઉભો ઉભો મને પૂછી રહ્યો હતો કે, 'શું થાય છે ?'

હવે આને મારે શું કહેવું કે શું થાય છે ? કંઇ નથી કહેવું જવા દે ને ...અમુક વાતો ફકત અનુભવવા માટેની જ હોય છે એને શબ્દ દેહ આપવા જતાં એની મિઠાશ, આકર્ષણ ખોવાઈ જાય છે. આમ પણ આશુને મારા અનુભવો કહેવાની મારામાં તાકાત ક્યાં હતી !

સમજુ છું પણ સમજાવી શકતી નથી

અને પ્રેમની રજૂઆત બાકી રહે !’

સ્ત્રીનું આભૂષણ એની શરમ એવું સાંભળેલું હતું, એનો મને આજે બરાબર અનુભવ થતો હતો.

મારા જીવનમાં તારા પ્રેમ થકી સુવર્ણપળોથી ઉજાસ રેલાવનાર મારા વ્હાલા આશુ, હું તારો સાથ જીવનભર નહીં છોડું એવું મનોમન મારી જાતને જ વચન આપું છું.

Sneha patel.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED