Priyadarshini... Indira Gandhi books and stories free download online pdf in Gujarati

પ્રિયદર્શીની.. ઇન્દિરા ગાંધી

પ્રિયદર્શીની..

મનોબળ નો લોખંડાભિષેક…

કોઈ વ્યક્તિ તરફ તમને ગુસ્સો હોય પણ એમ છતાં તમને એના માટે પ્રેમ હોય,આદરભાવ હોય.. એ કેવી વિરોધાભાસી સ્થિતિ છે..!! ચાંદીના ચમચા સાથે-રાજકારણના ગુણો ગળથૂથીમાં જ મેળવીને ઈ.સ.૧૯૧૭ના નવેમ્બરની ૧૯મી તારીખે આવું જ કંઈક નસીબ લખાઈને આવેલ એક બાળકીએ જવાહરલાલ નહેરુ અને કમળા નહેરુના ઘરે જન્મ લીધો. જેનું ‘ઓળી ઝોળી પીપળ પાન…ફોઈએ પાડ્યું ઇન્દિરા નામ..’

‘ઇન્દિરા પ્રિયદર્શીની ગાંધી’..અહાહા..આ નામ બોલતા બોલતા તો મ્હોં જાણે ભરાઈ જાય. ટટ્ટાર ગરદન.. પેટ અંદર સીના બહાર જેવી સિંહણચાલ, કડક આરબંધ ઈસ્ત્રીવાળી હેન્ડલૂમની સાડી, નાજુક નમણી થોડી બેઠા ઘાટની કાયા, મજબૂત મનોબળની ચાડી ખાતો લાખોની ભીડમાં અલગ તરી આવતો ચહેરો અને ઘોળા વાળની એક લટ જે બાકીના કાળાવાળની અને આખા વ્યક્તિત્વની શોભા વધારતી હતી..આ બધું તો બાહ્ય વર્ણન થયું ઇન્દિરા્જીનું. બાકી એમની અંદરની ઈન્દિરા તો શબ્દ-સીમાઓની બહાર જ હતી.

કદાચ ઈન્દિરા પોતાના સમય કરતાં થોડાં વહેલાં જન્મી ગયેલા. એ સમયે સ્ત્રીઓ આટલી સ્વતંત્ર નહોતી. એક સ્ત્રી પોતાના પર રાજ કરે એ વાત તે સમયનો પુરુષવર્ગ સહન નહીં કરી શકતો હોય. કદાચ એટલે જ ઈન્દિરા એ પુરુષોના સમાજમાં પોતાની ઇમેજ જાળવી રાખવા માટે સતત એક સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની વૃત્તિ, સરમુખત્યારશાહી, જીદ્દીપણાનું કોટલું સતત પોતાની આસપાસ વીંટાળીને જીવવાનો પ્રયાસ કરતા હતા. એમાં સાચા ઈન્દિરા સુધી ગણ્યાં ગાંઠ્યા જ પહોંચી શક્યા હતા. આ બધાના પરિણામરૂપે એમને ગૂંગી ગૂડિયા, ઘરડી ચૂડેલ, લુચ્ચું શિયાળ, દુર્ગા જેવા ઉપનામોની ભેટ પણ મળેલી. પિતા દેશભક્તિમાં રચ્યા-પચ્યા અને માતા માંદગીના બિછાને. એનું કુમળું બાળપણ નકરું એકલતાભર્યું હતું. એનો અભ્યાસ ઘરથી દૂર શાંતિનિકેતન, સ્વિટ્ઝર્લેન્ડ અને ઑક્સફર્ડમાં થયેલો. નાનપણથી જ જાત જોડે વાતો કરતા શીખી ગયેલી આ છોકરીમાં આમ જ ભાવિ નેતાના ઘડતરનો પાયો નખાતો જતો હતો. એકલતાની આગમાંથી તપીને એક કર્તવ્યનિષ્ઠ પુત્રી, સંવેદનશીલ પત્ની, વ્હાલસોયી મા,પ્રખર બુધ્ધિ ધરાવનાર નેતા, રાષ્ટ્રને બેફામપણે પ્રેમ કરનાર, મજબૂત મનોબળ ધરાવનાર, સોલિડ સેક્યુલર એવું ‘સો ટચનું સોનું’ થઈને એ બહાર આવ્યા.

બાર વર્ષની હજુ તો લંગડી કે ખોખો રમવાની ઉંમર હતી, ત્યારે ઇન્દિરાએ તેમની ઉમરના મિત્રોની એક ‘વાનર સેના’ રચી હતી.જે અંગ્રેજોની વિરુદ્ધ નારેબાજી કરતી, ઝંડા અને બેનર્સ લહેરાવીને લડવૈયાઓને પાનો ચડાવવાનું કામ કરતી હતી.

૧૮ વર્ષની નશીલી ઉંમરે એક ખુલ્લાદિલનો, આત્મવિશ્વાસી અને રમૂજી સ્વભાવનો ફિરોઝ નામનો પારસી યુવક આ લોખંડી મનોબળ ધરાવતી છોકરીનું દિલ ચોરી ગયો. પ્રેમના પ્રચંડ પૂરમાં તણાતા એમણે પોતાના પિતાની એક પણ વાત ના સાંભળી અને ૧૯૪૨માં એ પોતાના મનના માણીગરને પરણી ગયા..જેના ફલસ્વરુપ ભગવાને એમને સંજીવ ગાંધી અને રાજીવ ગાંધી એવા બે ફૂલ જેવા દીકરાઓનું વરદાન આપ્યું. જોકે, એ ખુશીની રેખા પણ ઇન્દિરાજીની હથેળીમાં ટૂંકી જ હતી.

મતભેદો અને પારસ્પરિક ઘર્ષણના કારણે એ દંપતી ૧૯૫૮ સુધી અલગ રહ્યું. એ દરમ્યાન ફિરોઝને હૃદયરોગનો હુમલો આવ્યો. એ સમયગાળામાં તેમનું ભાંગેલું લગ્નજીવન ભાવનાત્મકતાની દોરથી ફરી એક વાર સંધાઈ ગયું. પણ સપ્ટેમ્બર ૧૯૬૦માં ફિરોઝજીનું અકાળે અવસાન થવાથી આ પ્રેમ લાંબા ગાળા સુધી ટકી ન શક્યો. લોકોના કહેવા અનુસાર એના મોત પાછળ પણ ઇન્દિરાજીનો હાથ હતો. એક વાર છૂટું પડેલ દંપતી ફરીથી સાથે રહેવાનો નિર્ણય કરે તો એની પાછળ કેટ-કેટલી સમજદારી હોય, કેટલાં સમાધાનો હોય. તો શું એ બધાય બે વર્ષમાં ભસ્મીભૂત થઈ ગયેલા કે જેથી ઇન્દિરા જેવી સમજુ અને સંવેદનશીલ નારી ફિરોઝજીની હત્યા કરાવવાના અંતિમ પગલાં સુધી જાય..!! કદાચ એ ક્ષણે, આમ અણધાર્યા જ એમનો ચાંદ ખોઈને, ભીની ભીની આંખે આકાશને ફરિયાદ પણ કરી હોય એવું પણ બની શકે ને.? પણ હાય રે આ ગંદું અને નિષ્ઠુર રાજકારણ..એ કદી ક્યાં આ સંવેદનો સમજી શકવાનું..!

સતત ચર્ચાસ્પદ વાતાવરણથી ઘેરાતી રહેલી આ સ્ત્રી, એમના દીકરા સંજય ગાંધીના મોતના સમાચાર સાંભળીને તરત જ ઘટનાસ્થળે દોડી ગયેલી અને એ આઘાતની પળોમાં પણ ‘દીકરો મારો લાડકવાયો ભૂલીને’ સૌથી પહેલું કામ એમણે ત્યાં પડેલા મહત્વપૂર્ણ કાગળો અને ચાવીઓ લેવાનું કર્યુ..!!! લોખંડી મનોબળ ધરાવતી આ નારીએ પોતાના પતિ અને જુવાનજોધ દીકરાના મોતનો સામી છાતીએ સામનો કર્યો. નવાઈ એ કે એમને એ આઘાતોમાંથી બહાર આવવા કોઈ ‘સાઈક્રિયાટ્રીક’ના કાઉન્સેલિંગની જરૂર નહોતી પડી. જેટલા વેગથી તકલીફો આવતી એટલા જ ઝનૂનથી એ એને હંફાવતા.

એ સમયે નેટ કે મોબાઇલ જેવી લેટેસ્ટ સહૂલિયતો ઉપલબ્ધ નહોતી. તો પણ ‘ગરીબી હટાવો’ જેવા લલચામણા વચનો આપી અને પોતાના તેજાબી ભાષણોથી આમજનતાને ‘મેસ્મરાઇઝ’ કરીને (આ બધા માટે એ કોઈ પરફ્યુમ નહોતા છાંટતા.!!) મોરારજી દેસાઈને ૧૯૬૬માં હરાવીને ઈન્દિરા ગાંધી દેશના પાંચમા અને પ્રથમ મહિલા વડાપ્રધાન બની ગયા.

એમના પ્રભાવશાળી વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવવામાં સતત એક ટીમ એમની સેવામાં પ્રયત્નશીલ રહેતી. એમની સાડીની ડિઝાઇન, કડક આરબંધ ઇસ્ત્રી, એમની બોય કટ અને સફેદ લટવાથી આકર્ષક હેરસ્ટાઈલ, એમના જૂતા…સતત એ બધાંયનું ધ્યાન ખડે પગે રખાતું. એ રૂપગર્વિતા સ્ટાફની શરતચૂકને બીજી એક પણ તક નહોતા આપતા.

પાકિસ્તાનના ભાગલા ,પોખરણમાં પરમાણુ શસ્ત્રોનો બેધડક રીતે ધડાકો કરાવનાર, પોતાના શત્રુઓને ચપટી વગાડતાંક ને જેલભેગા કરી દેનાર, રાજાઓ અને મહારથીઓની સાડાબારી રાખ્યા સિવાય તેઓને મળતા સાલિયાણાઓ બંધ કરાવી દેનાર, જબરદસ્ત વિરોધ વચ્ચે પણ બેંકોનું રાષ્ટ્રિયકરણ કરી નાંખનાર, ઈ. ૧૯૭૧માં ‘ભારતરત્ન‘નો ખિતાબ મેળવનાર, કટોકટી લાદનાર, ભારતમાં હરિયાળી ક્રાંતિ લાવનાર, ‘લાઈન ઓફ કન્ટ્રોલ’ને કાયમી સરહદ ન બનાવવા બદલ પ્રજાની અઢળક ગાળો ખાનાર ઇન્દિરામાં પણ માનવસહજ નબળાઈ હતી.એમને ચમચા, ખુશામતિયાઓ બહુ જ ગમતા.

ઇન્દિરાએ ભારે ટણીથી સોવિયેત રશિયાની તરફેણ કરીને અમેરિકા સામે બાથ ભીડી હતી. એમની રગોમાં રક્તના બદલે સાહસ અને દ્રઢતાના ગુણો વહેતા હતા. એના માટે એમણે કોઈ જ ‘થમ્સ અપ’ પીને ‘ટેસ્ટ ધ થન્ડર’વાળી કરવાની કદી જરૂર નહોતી પડતી.

ઇન્દિરાને ટીકાકારો સહેજ પણ પસંદ નહોતા. તેમણે અખબારો અને સામયિકો સામે સેન્સરશિપ લાદી હતી. એમના રાજકારણમાં સર્વસંમતિ કે સલાહસૂચન સ્વીકારવાનો રિવાજ નહોતો. ‘પાસા – ટાડા’ જેવા ખરડાઓ પાસ કરીને કાયદો બનાવવા માટે એને કોઈ માઈના લાલની સંમતિની જરૂર નહોતી. એક તબક્કે તેમની આત્મકથા લખનારને કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી એટલે શું ? હું જ પાર્ટી છું.!!”

સમગ્ર જીવન દરમિયાન એકલતા, સંઘર્ષ, વેદના, દગાખોરીનો સામનો કરનાર ઇન્દિરાજીને ૧૯૮૪માં સુવર્ણ મંદિર પરના ઓપરેશન ‘બ્લૂસ્ટાર’નો સાહસથી ભરપૂર પણ દૂરંદેશીના અભાવવાળો નિર્ણય ભારે નુકસાનકારક નિવડ્યો. ‘Even if I died in the service of the nation, I would be proud of it. Every drop of my blood… will contribute to the growth of this nation and to make it strong and dynamic’ પોતાના આ જ ફેમસ વાક્યને સાચું ઠેરવતા શીખોના રોષને લીધે ૧૯૮૪માં તેમને જિંદગીથી હાથ ધોવા પડ્યા.

૧૯૬૬ થી ૧૯૭૭ એમ સળંગ ત્રણ સત્ર સુધી અને ૧૯૮૦ થી શરૂ થયેલા ચોથા સત્રમાં ૧૯૮૪માં તેમની હત્યા થઈ ત્યાં સુધી, એમ કુલ ૧૫ વર્ષ સુધી પ્રજાસત્તાક ભારતના પહેલા અને આજ દિન સુધીના એક માત્ર મહિલા વડાપ્રધાન હતા. ઇન્દિરા ગાંધીની નીતિઓ સાથે અસંમત થવાની સૌને છૂટ છે પરંતુ ઇન્દિરા સાચા અર્થમાં લોખંડી જવાંમર્દ મહિલા હતા એ મુદ્દે બેમત ન હોઈ શકે.

મરણના અઢી દાયકા પછી પણ આજે ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા એટલી જ અખંડ છે.

સ્નેહા પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED