Vaat Kumla Chhodni books and stories free download online pdf in Gujarati

વાત કુમળા છોડની

 • 1.
 • આશા છે એકની અને આદત બીજાની છે,

  હા હોય કે નકાર સમસ્યા કશી નથી.

  -રઈશ મણીઆર.

  ધરાની આંખો આંસુથી તગતગી ઉઠી.

  ઓમ – એનો એકનો એક દસ વર્ષનો લાડકવાયો એના બંગલાની બહાર આવેલા, મધ્યમવર્ગીય ફ્લેટના છોકરાંઓ સાથે ફટાકડા ફોડતો હતો. ઓમની પાસે લેટેસ્ટ સ્ટાઈલનું દારુખાનું હતું, એ જોઇને બીજા છોકરાંઓને એની ઇર્ષ્યા થતી હતી. માસૂમ ઓમ એના ફટાકડા મિત્રોની સાથે ભેગો મળીને ફોડતો હતો, કોઇ મિત્ર માંગે તો એ એમને પ્રેમથી પોતાના ફટાકડાં આપતો હતો. બધી આંગળીઓ સરખી નથી હોતી એમ એ મિત્રવર્તુળમાં બે ત્રણ છોકરાંઓને ઓમની એ ફટાકડાંની ભીખથી સંતોષ નહતો થતો. એમને તો એ બધાં ફટાક્ડાં ઉપર પોતાનો અધિકાર સ્થાપવો હતો. ઓમ અને બાકીના બધા છોકરાંઓનું ધ્યાન ફટાકડાં ફોડવામાં હતું ત્યારે એ છોકરાંઓ ઓમની દારુખાનાની થેલી હળ્વેથી સેરવી લઈને ત્યાંથી છુ..ઉ…ઉ થઈ ગયાં. ઓમને આ વાતનો ખ્યાલ આવતાં જ એનું દિલ તૂટી ગયું અને રડી પડ્યો.

  પાણી માંગતા આઇસ્ક્રીમના સ્કુપ ખવડાવીને મોટા કરેલ પોતાના લાડકવાયાને આમ દુઃખી જોઇને સંવેદનશીલ માતા – ધરા પણ રડી પડી. બે પળ એને ઓમની માસૂમિયત પર ગુસ્સો પણ આવ્યો પણ પછી થયું કે એ જે છે એ જ બરાબર છે, દુનિયા ભૂંડી હોય તો આપણે પણ એમની સાથે ભૂંડા બનવું જરુરી નથી. છેવટે એણે મનોમન એક નિર્ણય લઈ લીધો અને ઓમને બંગલાની બહાર એના મિત્રો સાથે રમવા જવાની મનાઈ ફરમાવી દીધી. બે ત્રણ દિવસ તો ઓમે કહ્યાગરા પુત્રની જેમ એની વાત માની પણ પછી એ સોરાવા માંડ્યો. પીંજરે પૂરાયેલા પંખીની જેમ એકલો એકલો અકળાવા લાગ્યો. ધરા એની સાથે થોડો વધુ સમય પસાર કરવા લાગી પણ એનાથી એને ફર્ક નહતો પડ્તો. ઘરની બહાર એના મિત્રોને ક્રિકેટ, સંતાકૂકડી, બેડમિંગ્ટન જેવી રમતો રમતાં જોઇને ઓમની એકલતા વધુ ઘેરી બની જતી.

  શિવાંગ-ધરાનો પતિ અને ઓમનો ડેડી ચૂપચાપ અઠવાડિયાથી આ ઘટનાઓને નિહાળતો હતો. એકાએક એના મનમાં શું આવ્યું તો એણે બંગલાના ગાર્ડનમાંથી ગુલાબ, તુલસી જેવા ધરાના મનગમતાં પ્લાન્ટસ સાચવીને મૂળ સમેત કુંડામાંથી કાઢવા માંડ્યાં. શિવાંગનું આવું વર્તન જોઇને ધરા અવા્ચક થઈ ગઈ. એણે આ બધાં પ્લાન્ટ્સ ખૂબ જતનથી ઉછેરેલા હતા અને શિવાંગ એની આવી અવદશા કરતો હતો એ એનાથી સહન ના થયું અને અકળાઈ જઈને એણે શિવાંગનો હાથ પકડી લીધો.

  ‘શિવાંગ, પાગલ થઈ ગયો છે કે શું ? અચાનક તારા મગજમાં આ પ્લાન્ટ્સ તોડી કાઢવાનું ભૂત કેમ ભરાયું ? ?’

  ‘ધરુ, પ્લાન્ટ્સ તોડતો નથી. જો તો ખરી દરેક પ્લાન્ટ્સ કાળજીથી એના મૂળ સાથે કાઢું છું.’

  ‘અરે પણ કેમ…શું કામ ?’

  ‘ધરુ, વાત એમ છે ને કે આજુ બાજુના લોકો કાયમ આપણા ગુલાબ, ચંપો, જાસ્મીન જેવા ફૂલો અને લીમડો - તુલસી પણ તોડી જાય છે. આપણે આટલી કાળજી લઈને ઉછેરેલા છોડોની આવી અવદશા મારાથી સહન નથી થતી. આપણે છોડ પરથી ફૂલ તોડતાં બે વાર વિચારીએ છીએ ને બહારના લોકો સાવ બોડીબામણીનાં ખેતરની જેમ એને વાઢી જાય છે એ મારાથી સહન નથી થતું... હું હવે આ બધા પ્લાન્ટ્સ આપણાં ડ્રોઈંગરુમની જમણી બાજુએ ક્યારો બનાવીને એમાં નાંખીશ અને ત્યાં જ ઉછેરીશ.’

  ‘આર યુ ક્રેઝી શિવાંગ ! આ શું ધડ માથા વિનાની વાત કરે છે ? દરેક છોડને યોગ્ય સનલાઈટ, પાણી,ખાતર, કાળજી જોઇએ, એ બધું ઘરના ડ્રોઈંગરુમમાં કયાં શક્ય છે? એના માટે તો બંગલાનો બગીચો જ યોગ્ય છે. લોકો તોડી જાય એ એમની મેન્ટાલીટી, એમાં આપણે કશું ના કરી શકીએ. પણ આપણો છોડ એવા એકાદ બે ફૂલ તૂટી જવાથી મરી થોડો જવાનો? એના ઉપર બીજા ફૂલો આવશે અને એ કાયમ મઘમઘતો જ રહેશે. લોકોની બીકથી આપણાં છોડને વગર વાંકે ઘરમાં પૂરીને મારી તો ના જ કઢાય ને?’

  ‘ એ જ તો સમજાવું છું ધરા તને..’

  અને ધરાને આખીય વાતનો સંદર્ભ સેકન્ડ્માં સમજાઈ ગયો. શિવાંગના બાહુમાં સમાઈ જઈને એના કાનમાં હળ્વેથી ‘સોરી’ કહીને માફી માંગી લીધી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એનું વચન આપ્યું.

  અનબીટેબલ : દુનિયાને બદલી નથી શકાતી પણ તમારું વર્તન તો તમારી માનસિકતાને આધીન રહી જ શકે છે.

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED