Aashka books and stories free download online pdf in Gujarati

Aashka

આશકા :

નાની શી આશકાને એક દિવસ ટીચરે સ્કુલમાં પૂછયું,

‘બેટા, મોટા થઈને તું શું બનીશ ?” આશકાની આકાંક્ષાઓ આભ જેવડી વિશાળ. મનમાં રંગબેરંગી પતંગિયા જેવા સપના ફડફડતા જ હોય કાયમ.

”એક મસ્ત સપનાની દુનિયા વસાવી છે મેં,
એને વળી સપ્તરંગી ચાદરેય ઓઢાડી છે મેં.

સૂર્યનાં કીરણો રોજ દોડ-પકડ રમે છે ,
પંખીઓ સુમધુર સંગીતે ડોલાવે છે.

આવ એક દિવસ તું યે તો બતાવું ત્યાં,
કેટ-કેટલાં ફુલોયે સલામી ભરે છે ત્યાં.”

એની ઘેલી ઘેલી સ્વપનીલ આંખો હીરા પેઠે ચમકી ઊઠી. એ રૂપાળું ગોરું ચટ્ટાક ગોળ-મટોળ મોઢું મરકી ઊઠ્યું. આંખોમાં ઈન્દ્ર-ધનુષ ઉતરી આવ્યાં. વિશાળ ફલકના સીમાડાને જોતા જોતા જવાબ આપ્યો.

“પાઈલોટ.આખી દુનિયા ફરવી છે મારે.દેશ-વિદેશ જોવા છે મારે.હું મોટી થઈને પાઈલોટ જ બનીશ.”

એના ટીચર તો ખુશ ખુશ. ”તથાસ્તુ બેટા.તારા અરમાનો ફળે એવી આશિષ.”

આશકા મોટી થઈ. પોતાની પસંદગી મુજબ જ એ પાઈલોટ જ બની. હેય ને મસ્ત મજાની જીન્દગી. આમથી તેમ વિશાળ આભમાં પંખીની જેમ ઊડવાનું. એમાં ને એમાં એને એક મસ્ત મજાનો સોનેરી જુલ્ફોવાળો,ગોરો ચીટ્ટો ,નીલી સી આંખો ને હસે ત્યારે તો દિલ એક ધડકન ચૂકી જાય તેવા અમન સાથે દોસ્તી થઈ ગઈ.

”ખબર જ ના રહી ક્યારે કોઈ પોતાના કરી ગયું,
મધઝરતી બોલીએ મારા શાન-ભાન ખોઈ ગયું,
એક નજર નાખી હૈયું સમૂળગું પીગળાવી ગયું,
લાગણીનાં એક નવાનવાઈના રંગે રંગી ગયું.”

હેય ને રાત દિવસ એના જ સપના..સોનેરી દિવસો ને રૂપેરી રાતો ક્યાંય એના વિચારોમાં દિવસો વીતવા માંડ્યા ખ્યાલ જ ના રહ્યો.ઘેલી ઘેલી પ્રણયઘેલી આશકા અને એનો રૂપનો અને બુધ્ધિનો દીવાનો એનો અમન. દુનિયા જાણે એમના પૂરતી જ સિમિત. વાસ્તવિકતાની જિન્દગી સાથે તો કોઈ જ લેવા દેવા જ નહી..!!.

“વી ડોન્ટ કેર. જબ પ્યાર કિયા તો ડરના ક્યાં?”

બેય જણ વાસ્તવિક અને સપનાની બેય દુનિયામાં હવામાં જ ઊડતાં હતાં.

અને લલકારતા…”તેરા સાથ હે તો મુજે ક્યાં કમી હૈ,અંધેરે મેં ભી મિલ ગઈ રોશની હૈ….

આ પ્રણય વળી કદી છુપો રહ્યો છે કદી અનુભવી જમાનાની આંખોથી તે આમનો બિન્દાસ્ત પ્રેમ છુપો રહી શકે. આશ્કાની બદલાયેલી ચાલ, આઈના સામે વધુ ને વધુ સમય ગાળવાની ઘેલછા, રાત દિવસ સેલફોન પર મેસેજ કરતી ને થિરક્તી રહેતી આંગળીઓ, કલાકો ના કલાકો અમનની કામ વગર વખાણ કરતી એની વાતો.રુપિકાબેન- આશકાની મમ્મીને તો ક્યારનોય શક જતો હતો આ બધી વાતોથી.પણ રમણલાલ માને તો ને..

” ના મારી દીકરી આવું કોઈ પગલું ના જ ભરે.મને પૂરો વિશ્વાસ છે એની પર.એ મારો વિશ્વાસ કદી નહી તોડે..!!”

અને એક દિવસ જે થવાનું હતું એ જ થયું..! અમનનો રોજની આદત પ્રમાણે ગુડનાઈટ મેસેજ આશકાના મોબાઈલમાં આવ્યો. એ વખતે એનો મોબાઈલ એના પપ્પા રમણલાલના હાથમાં હતો. આમ તો એમણે ઘણી સ્વતંત્રતા આપેલી દીકરીને. કોઈ દિવસ એની જાસૂસી ના કરે.પણ આ વખતે લોચો ત્યાં થયો કે રમણલાલ આશકાના મોબાઈલમાં એના યુ.કે.ના પાડેલા ફોટા જોતા હતાં અને એ મેસેજ એક્દમ જ ખૂલી ગયો…

“માય ડીયર આશુ, ગુડનાઈટ.આઈ લવ યુ, મીસ યુ સો મચ..”

આવું કંઈક એમની આંખે અથડાયું અને રમણલાલના માથે વીજળી ત્રાટકી..

“અચાનકનો એક આંચકો જ ભારે પડી ગયો અમને,
બાકી તો ભૂકંપ પણ ક્યાં નથી પચાવી જાણ્યાં અમે…”

જેવી કફોડી હાલત થઈ ગઈ એમની…

ક્રમશઃ

‘લોક પડકાર’માં ૧૩-એપ્રિલ,૨૦૧૦ ના રોજ છપાયેલ આશકા’નો બીજો હપ્તો..

વીસ બાય પચીસના બેઠકખંડમાં રમણલાલ એમના ઈમ્પોર્ટેડ લેધરવાળા સોફા પર સૂન-મૂન થઈને બેઠેલા. હાથમાં આશકાનું બાળપણ કેદ કરી લેવાની ઘેલછામાં બનાવેલું આલ્બમ હતું. તેની દરેક અગત્યની અને સુંદર પળોને કેમેરાના કચકડે કેચ કરીને ખૂબ જ લગનથી બનાવેલું. રમણલાલ આશકા પાસે જાતજાતના નખરાં કરાવતા અને દર વખતે નવા નવા પોઝમાં એના ફોટા પાડે રાખતાં. બહુ વ્હાલી હતી આશકા એમને. કોઈ દિવસ એને દીકરી માનતા જ નહીં. કહેતાં,

“આશકા તો મારો દિકરો જ છે.એને પાયલોટ બનવું છે તો ભલે બને.”

કેટલાય લોકોની વિરુધ્ધ જઈને એમણે આશકાને પાયલોટ બનવાની રજા આપી હતી.

“દીકરી,તારી જીન્દગી છે.તને જે ગમે તે જ કેરીયર ચોઈસ કરજે,પૈસાની કોઈ કમી નથી આપણે. તું તારી લાઈફ તારી રીતે શણગારજે. મજા કરજે. મને તારી પર પૂરો વિશ્વાસ છે.”

અને આજે એ આશકા આવું પગલું ભરે એ વાત માનવી એમને માટે અસહ્ય થઈ પડી.

હાથમાં આલબ્મ ખુલ્લું હતું .એની પર એમનો બેધ્યાનપણે મમતાથી હાથ પણ ફરતો હતો.પણ આંખો ઉપર ફરતાં પંખા પર. એના ઝડપથી ફરતાં જતાં પાંખીયાથી એક પછી એક કાળા,ભૂખરા વર્તુળો રચાતા જતા હતાં.એ જ વર્તુળો જોઈને જાણે એમને ચકકર આવી ગયા હોય એમ એ વિચારોથી થાકીને હાંફી ગયાં.

“મારા ઊછેરમાં હું ક્યાં ચૂકયો?

જીવનની દરેક નાની નાની વાત મારી સાથે શેયર કરતી આશકાએ આટલો મોટો નિર્ણય લેતાં પહેલાં મને કશું જ કહ્યું પણ નહી?

શું એને મારી પર, એના વ્હાલાં પપ્પા પર થોડો પણ વિશ્વાસ નહતો?”

એમની મનોઃસ્થિતિથી રુપિકાબેન પૂરેપૂરા જાણકાર હતાં.આશકા માટે બેફામ ખર્ચા કરતા,એની નાની નાની જીદ્દ માટે દિવસ રાત એક કરી દેતા, એમના માટે જીવન મરણનો સવાલ બનાવી દેતા રમણલાલનું આશકા માટેનું ગાંડુ-આંધળું વ્હાલ એમને ઘણી વાર ખટક્તું.તેઓ ઘણી વાર એમને ટોકતા પણ ખરા કે આમ ને આમ તમે આશકાની ટેવો બગાડી દેશો.થોડા અભાવો પણ આવવા દો એની જીન્દગીમાં.દુનિયાના હજારો લાખો લોકો કેમ જીવે છે એની પણ એને ખબર પડવા દો..કોક વાર એને હારતા પણ શીખવા દો.એના પ્રોબ્લેમ્સ એની જાતે સોલ્વ કરવા દો. બધે તમારી આંગળી પકડીને ચાલવાની ટેવ ના પાડો.આખરે એ મારી પણ દીકરી જ છે. દુશ્મન નહી.એનું ભલું જ ઈરછવાની ને હું. પણ બધુંયે પથ્થર પર પાણી.

“મારી આશકા જેવું કોઈ નથી દુનિયામાં.એ મારી દીકરી છે.રમણલાલની. એ કશામાં હારે એ શીદને સહન થાય?”

ભલે ને ફ્રેન્ડસ સાથે વીડિઓ ગેમ હોય કે વોલીબોલની સ્કુલની મેચ.એ બધામાં નં.૧ જ આવવી જોઈએ. એ ક્યારેય હારે જ નહી.અને દર વખતે રુપિકાબેન નાછુટકે હાર માની લેતાં.

પણ આજે સંજોગો એવા હતા કે એ જ, કદી ના હારનારી ગર્વથી માથું ઉંચું કરી દેનારી દીકરી એમને.. એના માવતરને જ હરાવવા બેઠી હતી.!!

કોઈ જ વાતે માનતી જ નહતી.અમન સાથે જ લગ્ન કરવાની જીદ લઈને બેઠી હતી. રમણલાલે ખાનગીમાં અમનનું બેકગ્રાઉન્ડ ચેક કરાવ્યું હતું. પણ એમને સંતોષજનક નહોતું લાગ્યું. અમનની બોલવાની છટા અને આકર્ષક પર્સનાલીટીથી જ આશકા એના તરફ આકર્ષાઈ હશે..નાદાન ઉંમરની અસર હેઠળ ફકત શારીરીક સ્તરના લેવલે જ આ પ્રેમનો પાયો નખાયો હશે. છેલ્લે રમણલાલ એવા નિષ્કર્ષ પર આવેલાં.પણ કદી ના હારવાની ટેવવાળી આશકા એ વાત સમજવા તૈયાર જ નહતી.

“તમે લગ્ન નહી કરાવો તો કંઈ નહી.આજના જમાનામાં લવમેરેજ કંઈ આટલી આઘાતજનક વાત નથી.૧૦ માંથી ૯ જણ લવમેરેજ કરે છે.તમે તો સાવ જૂનવાણી માનસ ધરાવો છો.ડૅડ, હું લગ્ન કરીશ તો એની જ સાથે. તમે કરાવો તો ઠીક. નહીંતો અમે થોડા સમયમાં રજિસ્ટર મેરેજ કરી લઈશું. અમે બંને કમાઈએ છીએ.સારી નોકરી છે. કોઈ તકલીફ નહી પડે ઘર ચલાવવાની. હું મારી જીન્દગીને મારી રીતે જ શણગારીશ.તમે જેમ શીખવ્યું છે તેમ જ.!!”

આટલું બોલતાં બોલતાં તો એનું ગોરું ચીટ્ટુ મુખડું લાલચોળ થઈ ગયું.ઉશ્કેરાટ્નો પારો જાણે કે મગજ નાંખશે એવું લાગતું હતું. ઘરમાં ૩૪ ડિગ્રીની ગરમીમાં તો જાણે વાતાવરણમાં ઉકળાટ ઉકળાટ ફેલાઈ ગયો. કાશ, ક્યાંક કોઈ વાદ્ળી વરસે ને આ બફારો થોડો ઓછો થાય. સામે ક્રીમીશબેઝ ધરાવતી દિવાલ પર લાગેલ પ્લાઝમા પર રુપિકાબેન અને એમનો લાડક્વાયો નિખિલ આઈ.પી.એલની મેચ જોતા-જોતા ડેવિડ સાનીએ પકડેલ અફલાતૂન કેચ પર રસા-કસી ભર્યુ ડિસ્કશન કરતાં હતાં.એ અવાજ પણ રમણલાલથી સહન થતો નહતો. છાતીમાં કોઈ હ્રદય પર જોર જોરથી મુઠ્ઠીથી પ્રહારો કરી રહ્યું હતું. હવામાં ઓકસીજન જ ના હોય એમ જાણે એક એક શ્વાસ પણ લેવો ભારે પડી રહ્યો હતો. મગજ જાણે હમણાં ફાટી જશે, હમણાં જાણે બધી જ ચિંતાઓનો એક સાથે અંત..!!

આહ્..છેલ્લે સહન ના થતાં એ બરાડી ઊઠ્યાં, ” આ એ.સી. ફાસ્ટ કરો,અને આ તમારી કલબલ બંધ કરો.”

હાથ આપો આપ જ છાતીની ડાબી બાજુ ચાલી ગયો..છેક ડાબા હાથના કાંડા સુધી એક તીખું દર્દ સડ-સડાટ જાણે એસિડની જેમ વહેતું હતું.રમણલાલ પરસેવે રેબ ઝેબ થઈ ગયા.એમની આ હાલત જોઈને રુપિકાબેન ગભરાઈ ગયા. બાજુમાં જઈને પહેલાં તો સુનંદાબેન,ભાર્ગવભાઈને બોલાવી લાવ્યાં.અને પછી ફેમિલી ડોકટરનો મોબાઈલ નંબર જોડ્યો.

ક્રમશઃ

૩.
દોડા-દોડ, ડોકટરોના સફેદ ડગલાં, દવાઓનાં બિલો, રીપોર્ટોના ખાખી કવરો.. આ બધાની વચ્ચે આશકાનું મન આમથી તેમ ફંગોળાતું હતું. ડેડની આ હાલત માટે એ પોતાની જાતને જવાબદાર ગણવા માંડી હતી.મન દારુ પીધેલાં બંદરની જેમ ઘડીકમાં વિચારતું કે અમનને છોડી દેવો અને મા-બાપ બતાવે એ મુરતિયા સાથે પરણી જવુ. એકદમ કહ્યાગરી પુત્રી બની જવું.મા- બાપના કરજનું ઋણ અદા કરી દેવું.

પણ અમનના આકર્ષણમાંથી બચવું એમ સરળ ક્યાં હતું? એને પોતાને જ ખબર નહતી કે કયારે એ એના તરફ આકર્ષાઇ ગયેલી.આમે સ્ત્રી-પુરુષ વચ્ચેના આકર્ષણનું કારણ કે ગણિત ક્યાં કદી શોધી શક્યું છે..? આકર્ષણનો કોઇ જ નિયમ નથી હોતો. બસ…દિલ ખેંચાણ અનુભવે અને મન એક-બીજા તરફ આકર્ષાઇ જાય છે.પણ મન મક્કમ કરીને એ કામ કરવું જ રહ્યું. ભૂતકાળનો કાગળ કોરો કરી નાંખવો અને નવેસરથી એના પર વર્તમાનના સંબંધોના સરનામા લખવા..એમ મનો મન પાકો નિર્ણય કરી એણે અમનને મોબાઇલ કર્યો. અને એને ઘર પાસેની કોફી શોપમાં બોલાવ્યો.

બ્લ્યુ ટાઇટ જીનસ પર લાઇટ પીંક ટાઇટ ટી-શર્ટ ચડાવ્યું. આદત મુજબ જ બોય કટવાળ પર હેયર બ્રશનો હાથ મારી લીધો.અને નેચરલી જ પિંક હોઠ પર એક આછો ગુલાબી લિપસ્ટિક્નો લસરકો.પોતાની જાત પર જ જાણે મોહીત થઈ ગઈ હોય તેમ બે ઘડી અરીસામાં જોયા કર્યું. પછી એકદમ જ જે કામ માટે જવાનું હતું એ યાદ આવતાં માથું હલાવી એ બધું યે જાણે ખંખેરી કાઢયું.એકટીવામાં ચાવી ભરાવી…સડ-સડાટ સ્પીડે ભગાવી મુકયું.

અમન હજુ આવ્યો નહતો. ત્યાં ગોળ ટેબલ ફરતે સરસ મજાની ચેર પર બેસીને એ અમનની રાહ જોવા માંડી. મન મક્કમ કરતી હતી.

”તું જે કરવા જઈ રહી છું બરાબર જ છે..મન મક્ક્મ રાખીને તારે આ કામ કરવું જ રહ્યું.યુ હેવ નો ઓપ્શન” જાતને જાણે એક સધિયારો આપતી હતી.

ત્યાં તો અમન એની ટેવ મુજબ આંગળીઓમાં બાઇક્ની ચાવી ઘુમાવતો ઘુમાવતો નીલી આંખોમાં શરારતી સ્મિત સાથે આવી પહોંચ્યો..

”હાય સ્વીટ હાર્ટ, હાઉ આર યુ? કેમ અચાનક જ યાદ ફરમાવ્યો?”

આશકાએ એની સામે જોયું અને બધુંયે જાણે ભૂલી ગઈ. તડકામાં થોડો તપીને લાલચોળ થયેલો તામ્રવરણો ચેહરો. થોડા વાળ વેર-વિખેર હતાં જે એને વધુ મોહક બનાવતા હતા.અને એ જ એનું જાનલેવા હાસ્ય. ભુરી ટાઇટ ટી-શર્ટમાં રેગ્યુલર જીમના લીધે કસાયેલું બદન જરા વધુ પડતું જ ઓપી ઉઠતું હતું. પાંપણ પલકારો ચૂકી ગઈ અને હ્રદય ધબકારો.

અને એને યાદ આવી ગયું આ જ એના મનનો માનેલો…જેની બાહોમાં એણે કેટલીયે રાતો ગાળેલી.આજના ‘લીવ – ઇન –રિલેશનશીપ’ના ફાસ્ટ જમાનામાં આ નવજુવાનિયાઓને લગ્ન પહેલાં શારીરીક સંબંધોનો કોઇ જ છોછ નહતો. નેટના પ્રતાપે બધી જાણકારી ધરાવતી આ ઓર્કુટીયણ અને ફેસબુકીયણ પ્રજા બધી જ તકેદારીઓ સાથે એક બીજાની નજીક કેટલીયે વાર આવી ગયેલાં. હા ,પહેલી વાર એ મર્યાદા તોડી ત્યારે થોડો ખચકાટ થયેલો પણ પછી તો બધીયે શરમ નેવે મૂકીને એ મજા અનેક વાર માણી ચૂકેલા.

“આનો મોહ તો કેમ કરીને છુટે ..આના વિના તો કેમ જીવાય હવે?”.

બધાયે વિચારો પડી ભાંગ્યા. મોઢે અવઢવના મણમણનાં તાળા વાગી ગયાં. ના..આના વગર તો ના જ જીવાય્ મા-બાપ પણ શોધશે એ પાત્ર આના જેવું જ હશે કે પછી હું તેની સાથે એડ્જ્સ્ટ ના થઈ શકી તો શું થશે? આખરે મારે જીવવાનું છે આની સાથે.મારી જીન્દગી છે.મારે જ શણગારવાની છે ને. એનો સ્વતંત્ર મિજાજ ફરી પાછો ઉથલો મારી જ ગયો.

અમન એની સામે જોયા કરતો હતો.એની ગડમથલ જાણે વાંચવાની કોશિશ કરતો હતો.

” શું થયું ડિયર, ઇઝ ધેર એની પ્રોબ્લેમ ..?’

”ના ના..એવું કંઇ જ નથી.”

” તો મને આમ જ અચાનક મળવા બોલાવવા પાછળનું કારણ..?”

એટલામાં વેઇટર એમની બે કોફી અને પેસ્ટ્રીનો ઓર્ડર લઇને આવ્યો.એટલે આશકાને થોડી રાહત થઇ.

“બસ તું બહુ યાદ આવતો હતો અને આજે રજા..તો તને મળવાનું મન થઈ ગયું..નથીંગ સ્પેશિયલ યાર..”

અને અમને આદતન આશકાનો હાથ હાથમાં લઈ, આંખોમાં આંખો પૂરોવી ને કહ્યું,” આમ પણ મળવાની મજા આવી.સાવ અચાનક જ તને મળવાનો પ્રોગ્રામ બની જાય એના જેવું રૂડું શું હોય વળી.?”

એ પછી તો બંને અલક- મલકની વાતોએ વળગી ગયાં.

આશકા બધુંયે ભૂલી ગઈ..એનો મક્ક્મ ઈરાદો,એ હોસ્પિટલ, ડેડ્ની કથળેલી તબિયત..માનો રડમસ ચેહરો, નાના ભાઈ નિખિલનો ઈન્સીક્યોર્ડ ફેઈસ…બધુંયે..

’એક તું ના મિલા, સારી દુનિયા મીલે ભી તો ક્યા હૈ…” મનમાં ને મનમાં જુના જમાનાનું ગીત અને અમન સાથે ગાળેલી રોમેન્ટીક પળો વાગોળતી વાગોળતી ઘર તરફ જવા ઊપડી.

ક્રમશઃ

૪.
તબિયત ધીરે ધીરે સુધારા પર હતી. ઘરે આવી ગયેલા. ” બસ, મગજને બહુ સ્ટ્રેસ ના આપશો અને ખોટા ખોટા ટેન્શનો કરીને તબીયત ના બગાડશો.”

ડૉકટરોની બધીયે શિખામણો કાન પર વારંવાર અથડાયા કરતી હતી.

પણ, સાચા સાચા ટેન્શનોનું શું?

આશકાએ એમને પ્રોમીસ તો કરેલું કે ,

“ડેડ, હું અમનને છોડી દઈશ. તમે તબીયત ના બગાડો. હું આજ કાલમાં એને મળવાની જ છું.”

આટ-આટલી પછડાટ ખાધા પછી રમણલાલે ફરી એની પર..પોતાની લાડકવાયી પર વિશ્વાસ તો મૂક્યો.પણ દિલ અંદરથી કંઈ આશંકાથી કાયમ ધક ધક કરતું જ રહેતું હતું. કંઈક અમંગળ બનવાની એંધાણી હંમેશા એમની રાતની નિંદર ઊડાડતું જ રહેતું હતું. આશકાને એ બહુ સારી રીતે જાણતા હતાં. એની ચાલમાં ફરી એક બેફિકરાઈ દેખાતી હતી. ‘આઈ ડોન્ટ કેરવાળો એટિટ્યુડ’ એના પગલામાં છલકાતો હતો.

આશકાએ કહ્યું તો ખરું કે, એ અમનને છેલ્લી વાર મળેલી અને એને કાયમ માટે બાય બાય , ટાટા..સાયોનારા કરીને આવી છે.

પણ રમણલાલ પણ જમાનાના ખાધેલ માણસ. એમણે છૂપી રીતે તપાસ કરાવી તો હજુ પણ એ પ્રેમી પંખીડા મળતા જ હતા.

ત્યાં એક દિવસ સાંજના એમની નજરે અચાનક જ ઈ ટી.વી.પર આવતો પ્રોગ્રામ ‘ઈમોશનલ અત્યાચાર’ નજરે ચડી ગયો. અને એમને મગજમાં એકદમ જ એક ક્લીક થઈ. અંધારામાં જાણે રોશનીની કિરણ ફૂટી નીકળી. મનોમન કોઈ નિર્ણય કરીને એ અચાનક ઊભા થયા.આખું યે શરીર જાણે ફુલ જેવી હળવાશ અનુભવવા માંડ્યું. એન પોતાની હોન્ડાની ચક્ચકતી સિલ્વર સિવિક કાઢીને ઈ.ટી.વી.ની ઓફિસ તરફ હંકારી.

ઈ.ટી.વી.ની ઓફિસે જઈને અડધો કલાકમાં પાછા આવ્યાં પછી એકદમ જ નચિંત બની ગયાં. અને રુપિકાબેનને બૂમ પાડી.

‘રુપિકા..આજે ગરમા ગરમ બટેટાવડા બનાવ. બહુ દિવસ થઈ ગયા આ ફીકું ફીકું ખાઈને.”

રુપિકાબેન એકદમ નવાઈ પામ્યાં.

“અરે ..હજુ થોડા દિવસ ખાવા-પીવાનું સાચવો તો સારું..”

રમણલાલ એકદમ ખુલ્લા દિલથી હસતા હસતાં બોલ્યાં.. ‘ડોન્ટ વરી રુપી..હવે મને કંઈ જ નહી થાય. ગળામાં ફસાયેલ કાંટો હવે કાયમ માટે નીકળી જશે..બસ થોડા દિવસ રાહ જો..એ ની્ચ…પોતાની જાત બતાવ્યા વગર નહીં જ રહે. અને …બસ, તું તારે જોતી જા આ રમણલાલે કંઈ આ વાળ તડકામાં સફેદ નથી કર્યા.”

અને એકદમ જ ઉભા થઈને રુપિકાબેનની કમર ફરતે હાથ નાંખી અને બીજો હાથ પોતાના ખભા સુધી ઊંચો રાખીને ગાવા માંડ્યા,

‘દુઃખ ભરે દિન બીતે રે ભઈયા, અબ સુખ આયો રે…રંગ જીવનમેં નયા લાયો રે….”

રુપિકાબેનને સુખદ આશ્રર્ય થયું. પણ બહુ દિવસના તણાવના ઊકળાટ પછી આ ઘરમાં વરસતા સુખના વરસાદને મનભરીને માણવા માંગતા હતા એટલે બહુ પુછ્-પરછના ચકકરોમાં પડયા નહી. સમય જીન્દગીનો જે નવો રંગ બતાવતો હતો તે રંગે રમણલાલ સાથે આખો બંધ કરીને રંગાઇ જવા જાતને તૈયાર કરી લીધી…. !!

“હર ઘડી બદલ રહી હૈ રુપ જીન્દગી,.શામ હૈ કભી…કભી હૈ ધૂપ જીન્દગી, .હર પલ યહા જી ભર જીઓ ..જો હૈ શમા કલ હો ના હો….!!” ગીત ગણગણવા લાગ્યા.

બીજા દિવસે રમણલાલ બ્લેકસુટ, રીમલેસ સોનેરી દાંડીવાળા ચશ્મા, ચક્-ચકિત બ્લેક શૂઝ પહેરીને સવાર સવારમાં તૈયાર થઇ ગયા, એ જોઇને રુપિકાબેનને નવાઇ તો લાગી..પણ નાહક ને એ છેડાઇ જશે એ ભયથી કંઇ જ પૂછ્યું નહી. અને એમનો ચા-નાસ્તો ડાયનિંગ ટેબલ પર ધરી દીધો. એ પતાવી પોતાની બેગ ઝુલાવતા ઝુલાવતા રમણલાલ મસ્તીભરી ચાલે અને હળવી સીટીમાં મ્યુઝિક વગાડતા વગાડતા ઘરની બહાર નીકળ્યા ત્યાં સુધી રુપિકાબે ને એક ખામોશ દર્શકની જેમ જ એમને જોયા જ કર્યુ. અંદરખાને ખુશ પણ થતા હતા..બહુ દિવસે આવો સુખનો સુરજ ઉગ્યો હતો એમના ઘરમાં..!!!

રમણલાલ ઇ ટીવીની ઓફિસે પહોંચ્યા. આગળથી કરેલા પ્લાનિંગ મુજબ જ ત્યાં એક સરસ મજાની રુપાળી ઢીંગલી જેવી છોકરી, આર્જવા પણ ત્યાં જ હાજર હતી..એને જોઇને વળી રમણલાલનો આત્મ-વિશ્વાસ ઓર વધી ગયો. આના પર ખેલેલ જુગાર વ્યર્થ તો નહી જ જાય્..ચોક્કસ..

પ્લાનિંગ મુજબ જ આર્જવા અમનને રસ્તામાં અચાનક જ ભટકાઇ. જાણે અનાયાસે જ ભટકાઇ ગઇ હોય તેમ નાટકીયું સ્મિત સાથે એક ‘સોરી’ પણ પેલા સામે ઉછાળી લીધું. બહુ બધી છોકરીઓના અનુભવ વાગોળતો અમને પાકકા નિર્ણય પર આવી ચડ્યો કે, ‘ આ માછ્લી ચોક્કસ એની જાળમાં ફસાશે જ… !!’

એની આંખોની ચંચળતા જાણે એને નજીક આવવા માટે ઇજન આપતું હતું.

પોતાના રુપને લઇને એક અભિમાન સાથે જીવતો એ સાપ ધીરેથી એના શિકાર તરફ સરક્યો.
હાય,.આઇ એમ અમન..મે આઇ નો યોર નેમ…. ??”

“ઓફ્કોર્સ…માય નેમ ઇઝ આર્જવા.”

ધીરે ધીરે બંને પોત-પોતાના ભાગની રમત રમવા લાગ્યા..અને એ બધુંયે એક વિડિયોમાં રેકોર્ડીંગ થતુ હતું એ વાતથી અજાણ અમન મનમાં ને મનમાં પોતાના આ ૨૫મા શિકારની [!!!] સફળતાનો પાયો બરાબર નખાતો હતો એ જાણીને હરખાતો હતો. એક બે- ત્રણ.બસ આટલા દિવસ તો બહુ થઇ રહ્યાં, અમનને પોતાના અસલી રંગમાં લાવવા માટે. આમેય આર્જવા સ્માર્ટ અને રુપાળી તો હતી જ અને આ કામમાં અનુભવી પણ ખરી..આ રમતમાં બેય અનુભવીઓ પોત-પોતાના અનુભવને એડી ચોટીના જોરથી કામે લગાડી રહ્યાં હતાં.

ત્રીજા દિવસે રમણલાલ આશકાને બહાર ફરવા જવાના બહાને ઇ ટીવીના બિલ્ડીંગમાં લઇ ગયાં, જયાં આ નાટક પરથી પડદો હટાવવાનો હતો..સ્ક્રીન પર ધીરે ધીરે સચ્ચાઇ એના પડળો ચીરીને બહાર આવી રહી હતી અને આશકાની આંખોમાંથી આંસુ બનીને વહેતી જતી હતી. એને પોતાને પણ ખ્યાલ ના રહ્યો કે રડતા રડતા એ રમણલાલનો ખભો ક્યારે ભીનો કરી બેઠી..છેલ્લે અમન જ્યારે સભ્યતાની બધી હદ પાર કરીને આર્જવાની શારિરિક છેડ-છાડના નફ્ફટ કહી શકાય તેવા તબક્કે પહોંચી ગયો, ત્યારે આશકાથી સહન ન થયું અને રુમનો દરવાજો ખોલીને અંદર ધસી ગઇ. અમનને કોલરેથી પકડીને એક જોરદાર તમાચો મારી દીધો. અમનના રુપાળા ગોરા ગાલ પર એની આંગળીઓના નિશાન સ્પષ્ટપણે ઉપસી આવ્યાં.

અમન હક્કો બક્કો થઇ ગયો..હવે એને સાચી હકીકતનું ભાન થયું. એને આશકા બહુ જ ગમતી હતી..એની સાથે પરણવાની હદ સુધીનો વિચાર પણ કરતો થઇ ગયેલો. એની નફિકરાઇ ભરી જીન્દગીની ડિકશનરીમાં ‘સપના’ જેવા શબ્દો સ્થાન લેવા માંડેલા…અને એકદમ જ આ બધુ યે કકડ્ભૂસ્..પત્તાના મહેલની જેમ જ સ્તો…. બઘવાઇ ગયેલા. અમને આશકાને સમજાવવાની અઢળક કોશિશ કરી પણ બધુંય પત્થર પર પાણી..!! સંબંધોમાં વિશ્વાસ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ફોલાદ જેવો નક્કર હોય, તેટલો જ કાચ જેવો નાજુક પણ હોય છે..કાચમાં તીરાડ પડી ચૂકી હતી. કોઇ જ પસ્તાવાના કે લોભામણા વચનો એ સાંધી શકવાના નહતા..

રમણલાલનો જીવ પોતાની લાડ્લીને રડતી જોઇને કળીએ કળીએ કપાતો હતો.. પણ અમન નામનો રોગ મટાડવા આ કડવી દવા એને પાવી જ પડે એમ હતું. નો ઓપ્શન્… એ બસ એક ખુણામાં ઉભા ઉભા પ્રભુનો પાડ માનતા હતા. ત્યાં આશકા તેમની પાસે આવી અને બોલી,

“થેંક્સ ડેડ, તમારી મદદથી બહુ સમીકરણો અને દાખલા ઉકેલ્યા છે.
આ વખતે પણ આ જીન્દગીનો દાખલો ખોટો પડતા તમે અટકાવી દીધો..મને માફ કરશોને…??”

અને હેતથી આશકાના માથે હાથ ફેરવતા ફેરવતા રમણલાલના માંડ માંડ રોકેલા આંસુનો ધોધ વહી નીકળ્યો.

સંપુર્ણ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED