Unbeatable - Part-2 books and stories free download online pdf in Gujarati

Unbeatable - Part-2

અનબીટેબલ

૧૨૫ વન લાઈનર્સ

ભાગ ૨

સ્નેહા પટેલ

sneha_het@yahoo.co.in

૧૨૬. બીજાના સુખે દુઃખી કે બીજાના દુઃખે સુખી - બેય માણસ નામે કલંક.

૧૨૭. સ્વીકાર કે સ્પષ્ટતા કરી લેવાથી ભૂલ પુનરાવર્તનના હક નથી મળી જતાં.

૧૨૮. રચનાત્મકતાને સભાનતાથી યોગ્ય રસ્તે વાળવામાં ના આવે તો નાહકની રઝળપટ્ટી બની જાય છે.

૧૨૯. નિજાનંદ વગર કોઇ પણ સર્જન સપાટીએ તરતું જ દેખાય છે.

૧૩૦. ‘તારે આમ કરવું જોઇએ – તેમ કરવું જોઇએ’ની શિખામણો કરતાં ‘ચાલ આપણે આમ કરીએ’ આવું કહે એ સાચો મિત્ર, હિતેચ્છુ.

૧૩૧. ‘જે કાર્ય કર્યા પછી તમારું મન સ્વસ્થતા અને આંતરિક ખુશી અનુભવે એ હકારાત્મકતા, જેની વ્યાખ્યામાં વ્યક્તિની સમજ, તાકાત અને અનુભવો મુજબ થોડા ઘણા અંશે ફેરફાર હોય છે.’

૧૩૨. તર્કની હદ પૂરી થાય ત્યાં શ્રધ્ધાનો દીપ ઝળહળી ઉઠે છે.

૧૩૩. અપણો પ્રેમ સામેવાળાની જવાબદારી બની જાય એ પહેલાં ચેતી જવું સારું.

૧૩૪. સંબંધની ગૂંચો બને એટલી વહેલી ઉકેલી નાંખવી સારી.

૧૩૫. આવડત જેટલું જ દર્શાવવાની આદતનો એક મોટો ફાયદો – લોકોની અપેક્ષાઓ ક્યારેય ખોટી ના પડે, આપણા પરનો વિશ્વાસ જળવાઇ રહે છે.

૧૩૬. . આધુનિકતા દેખાડાથી નહીં વર્તનથી મપાય

૧૩૭. સ્માર્ટનેસ બતાવવા બહુ મહેનત કરવી પડે છે જ્યારે સરળતા આપોઆપ અલગ તરી આવે છે.

૧૩૮. કોઇ પણ વાતનો જવાબ અવઢવમાં ફસાયા વગર સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’માં આપવાનો રાખીએ તો બહુ બધા પ્રશ્નો ઊગતાં જ ડામી શકાય છે.

૧૩૯. જે વિદ્વતા તમારા વર્તનમાંથી છલકે એ જ ખરી, બાકી બધા તો નાહકના ઉધામા જ.

૧૪૦. સરળ માણસો આગળ પોતાની વિદ્વતા દર્શાવવાની કોશિશ કરનારા મૂર્ખા દેખાય છે.

૧૪૧. ‘જે નિહાળી નથી એવી દુનિયાનું અસ્તિત્વ જ નથી’ આવો વિચાર એક ભૂલ છે.

૧૪૨. એક બીજા પર દોષારોપણો હંમેશા સમય અને સંબંધો બગાડે છે.

૧૪૩. દરેક જગ્યાએ વધારે પડતી સમજદારી દાખવવાની જરુર નથી હોતી. સરળતા બહુ બધા પ્રશ્નોનું નિરાકરણ હોય છે.

૧૪૪. . આપણી નજીકનાં લોકો આપણાં ‘ડીપ્રેશન’ સહન કરવા નથી જન્મયાં.

૧૪૫. જીવનમાં આપણે અમુક લોકોને બહુ ઉચ્ચ આસને બેસાડી દઈએ છીએ પછી આપણી વિચારશક્તિને તાળા મારીને એમની પર આંધળો વિશ્વાસ કરવા માંડીએ છીએ.

૧૪૬. પ્રેમના સમીકરણ દરેક સંબંધે બદલાય છે.

૧૪૭. માનવી એના વર્તનના દરેક પરિણામ માટે પોતે જ જવાબદાર હોય છે.

૧૪૮. કોઇ તમારી ‘હા’ માં ‘હા’ ન મિલાવે તો એ માનવી ‘નેગેટીવ’ વર્તણૂક ધરાવે છે એમ માની લેવું સહેજ પણ યોગ્ય નથી. .

૧૪૯. સારું અને યોગ્ય દિશામાં થતું કામ એની જાતે જ બોલે છે.એને બહુ પુરાવાઓ આપવાની જરુર નથી પડતી.

૧૫૦. કોઇના અભિપ્રાયોના પાયા પર તમારા સંબંધોની ઇમારત ક્યારેય ના ચણશો. કુછ અપની અક્કલ ભી દોડાઓ…

૧૫૧. જે લગ્નજીવન પરસ્પર પ્રેમના બદલે બાળકોના સલામત ભાવિના લીધે ટકેલું હોય એમાં પ્રસન્નતાના ચાન્સ કેટલા એ મોટો પ્રશ્ન છે.

૧૫૨. જવાબદારી જવાબદારીપૂર્વક પૂર્ણ કર્યા જેવો સંતોષ દુનિયામાં બીજો કોઈ નથી.

૧૫૩. જીવનમાં અમુક ખાલી જગ્યાઓ ક્યારેય નથી પુરાતી.

૧૫૪. સાધનો વધતા રહ્યાં ને માણસાઇ ઘટતી ગઈ, ખુશીઓ બસ આમ જ હાથમાંથી સરતી ગઈ.

૧૫૫. જીવનમાં અમુક સપનાઓની બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે.

૧૫૬. સંબંધોમાં અહમ્ કે વહેમ બેય તમારી નબળાઈઓ દર્શાવે છે.

૧૫૭. જે વ્યકિતએ જીવનમાં ભુલો કરી છે, એનો પસ્તાવો પણ છે અને આગળ એવી ભૂલો ના થાય એ માટે સજાગ પણ છે - તો એ પ્રામાણિક, સારો અને વિશ્વાસ મુકવાની એક તક અચૂક આપવા જેવો માણસ છે.

૧૫૮. સમાજમાં ધીરજ વગરના અને ઉતાવળે બંધાયેલા સંબંધોના બાળમરણનો દર સારો એવો ઊંચો જોવા મળે છે.

૧૫૯. જીવનમાં રાગ, દ્રેષ જેવી લાગણીઓ ભલે સ્થાન પામે, પણ એ તમને અતિક્રમી ના જાય એનું ધ્યાન તો રાખવું જ ઘટે. હંમેશા બધાયનું સમતોલન કરીને જીવનને હળવું ફૂલ રાખો

૧૬૦. સાફ વાત બોલનારાના ભાગે હંમેશા બે વિરોધાભાસી વાક્યો સાંભળવાના આવે છે.

એક- તને બોલવાનું સહેજ પણ ભાન નથી

અને

બે – તને બહુ જ સરસ બોલતા આવડે છે.

૧૬૧. જે માણસને મળો ત્યારે તમારી વચ્ચે ‘એની અને તમારી’ જ વાતો વધુ થશે તો સંબંધ વધુ ગાઢ અને મજબૂત બનશે..

૧૬૨. જીવન- નામે-વાનગીમાં હક, અપેક્ષા, જવાબદારી, લાગણીના મસાલા હંમેશા ઓછા-વત્તા જ પડે છે..

૧૬૩. આપણું જીવન આપણી સમજ, તાકાત અને જાત અનુભવો પર જીવવાનું હોય છે. સમાજની અક્કલ, અભિપ્રાયો કે સવાલોના જવાબ આપવામાં આપણી શક્તિ અને સમય ક્યારેય ના વેડફાય.

૧૬૪. મનગમતું બધું મળી જાય એમ તો ના બને, પણ જે મળે એને મનગમતું ચોક્કસ બનાવી શકાય.

૧૬૫. દુનિયાના લોકોની બાંહેધરી લેવાની મૂર્ખામી ક્યારેય ના કરવી. જાતની બાંહેધરી લો એ પૂરતું છે.

૧૬૬. ’આવતીકાલ’ ક્યારે આવતી હશે ? આવતા આવતા આજે તો એ ’આજ’ બની ગઈ !

૧૬૭. દુનિયાના મોટાભાગના કપલ એક ભ્રમને પંપાળતા હોય છે કે, 'પોતાના જીવનસાથી (spouse) સાથે જીવવું એક બહુ જ અઘરું કામ છે અને પોતે બહુ જ બહાદુરી, ધીરજ અને સમજદારીપૂર્વક એ કામ કરે છે.'

૧૬૮. તમે અંદરથી જેટલા શાંત થશો, તમારો આત્મવિશ્વાસ એટલો જ મજબૂત થશે.

૧૬૯. માણસ જેનાથી અપરાધભાવ અનુભવતો હોય અને એ જ વ્યક્તિ સમક્ષ આવે તો બે રીતે વર્તન કરે,

(૧) એની સાથે આંખોમાં આંખો પૂરાવીને વાત ના કરી શકે કાં તો

(૨) પોતાનો ગિલ્ટ છુપાવવા વધુ પડતો નફ઼્ફ઼ટ થઈ જઈને વાત કરે.

૧૭૦. બીજાને આપણા દુઃખનું કારણ માનવાનો રોગ આપણને કદી એના ઉપાયો નથી જોવા દેતો અને પરિણામે આપણે હંમેશા માંદા જ રહીએ છીએ.

૧૭૧. જરુરિયાત અને મોજ-શોખની વસ્તુઓ વચ્ચે બહુ જ પતલી અને લપસણી રેખા હોય છે.

૧૭૨. રોજબરોજ અનુભવાતું એક સત્ય - જે તમને સૌથી વધારે અનુકૂળ થઈને રહે એ દુનિયામાં સૌથી ડાહ્યું છે.

૧૭૩. દુનિયામાં સૌથી વધુ ખોટું બોલાતું વાકય છે… ‘I am fine’ હું મજામાં છું.

૧૭૪. માન્યતાથી હકીકતો ક્યારેય નથી બદલાતી.

૧૭૫. બહુ નાની નાની બાબતોમાં દર્શાવાતી લાગણીઓની અસર નવાઈજનક રીતે બહુ મોટી હોય છે.

૧૭૬.પ્રેમનું વિરોધી ધૃણા તો નથી જ.

૧૭૭. જે ભૂલ હું જાણું છું, સ્વીકારું છું એને પ્રયત્ન કરીશ તો અવશ્ય સુધારી શકીશ.

૧૭૮. સમયના અછતની બૂમો પાડવામાં લોકો પોતાનો ઘણોખરો મહત્વનો સમય વેડફતાં દેખાય છે.

૧૭૯. જેની ઇચ્છા રાખીએ ને મળે ત્યારે સફળતાનો અહેસાસ થાય છે અને જે મળે એ ગમે ત્યારે ખુશીનો !

૧૮૦.આંખે નીરખ્યું એ માન્યું પણ દિલે જાણ્યું એ હકીકત.

૧૮૧. જેને પ્રેમ કરતાં હો એ પાત્રનાં સારામાં સારા ગુણો શોધી શકવામાં મદદરુપ થનાર પ્રેમ આંધળો કેવી રીતે હોઇ શકે ?

૧૮૨. જાતને સૌપ્રથમ આપણે જાતે જ ઓળખતા – સ્વીકારતા શીખવું પડે છે પછી તો બધુ એની જાતે થઈ જાય છે.

૧૮૩. હકારાત્મક વિચારો ખુશીની જનેતા છે.

૧૮૪. ઘણી વખત બીજો ગાલ ધરવાથી વ્હાલ પણ મળે છે

૧૮૫. એક ને એક બે થાય એવું જાણતાં હોવા છતાં આધુનિક માનવી એને અગિયાર કરવાની કસરતમાં રચ્યો પચ્યો રહે છે.

૧૮૬. અંતર કોલાહલથી ભરપૂર હોય તો દુનિયાની કોઇ પ્રસન્નતા ખુશી નથી આપી શક્તી.

૧૮૭. સ્ત્રીઓની ઇર્ષ્યા અને પુરુષોનો અહમ આ બે ગુણ અસ્તિત્વમાં જ ના હોય તો દુનિયા કેવી ફીકકી હોત !

૧૮૮. આપણી જિંદગી ફકત અને ફક્ત આપણે જ બહેતર બનાવી શકીએ !

૧૮૯. સપનાં પર બાઝેલાં જાળાંને દૂર કરવા થોડી હિંમતના શ્વાસ જોઇએ, વધુ કંઇ નહી !

૧૯૦. રસ્તો કોઇ સુઝાડે, ચાલવું તો જાતે જ પડે !

૧૯૧. નાની નાની લાલચમાં સ્થિર રહીને પ્રામાણિક રહી જનાર માનવી નીતિવાન કહેવાય પણ મોટી લાલચોમાંથી ય સફળતાથી પસાર થઈ જાય ત્યારે એ ધાર્મિક બની જાય છે !

૧૯૨. ઘણાંની આખી જિંદગી લોકોને એન્ટરટેઇન કરવામાં જ વીતી જાય છે.

૧૯૩. ખોટી હાઈલાઈટસ અંતે પરિણામ બગાડે છે.

૧૯૪. સુગંધી સંબંધોની તો ઉજવણી કરવાની હોય, પજવણી નહીં !

૧૯૫. કિલો અનાજ લેવા સામેના પલડામાં દૂધની થેલીઓ મૂકીને ના મપાય..કિલોનું લોખંડનું બાટ જ મૂકવું પડે.

૧૯૬. બેશરમ દુઃખો નોંતરાની રાહ નથી જોતા, સ્વમાની સુખ આજીજી કરીને થાકો તોય એ એના નિસ્ચિંત સમયે જ આવે છે.

૧૯૭. ઇશ્વર તો પરમ કૃપાળુ છે બસ આપણે એના આશીર્વાદ સમજવાની ક્ષમતા કેળવવી પડે છે.

૧૯૮. જેની કદર ના કરી શકો એ તમારી પાસેથી ધીમે ધીમે દૂર થતું જાય છે અને એક દિવસ ગુમ !

૧૯૯. પ્રાર્થના એટલે ફકત હોઠથી નહીં પણ સંપૂર્ણ અસ્તિત્વથી હસવું !

૨૦૦. ‘છે’ એ ‘છે’ -એના અસ્વીકાર કે બળાપાથી ‘નથી’ નથી થઈ જવાનું.

૨૦૧. માનવીએ સમયાંતરે પોતાના ‘સ્વાવલંબન’ના સેલ્ફી લેતા રહેવું જોઇએ.

૨૦૨. તમે સાચા હો એનો મતલબ સામેવાળો ખોટો એવો તો નથી જ !

૨૦૩. લાગણી-ભિસરણ વિના સંબંધો મરી જાય છે.

૨૦૪. જિંદગીનું ‘ઓપ્શન’ ના શોધાય એની તો ‘ટેક કેર’ કરાય.

૨૦૫. આગળ વધીને પાછળ હટી જવાની નીતિ આપણા ખાતામાંથી શુભેચ્છકો અને મિત્રોની બાદબાકી જ કરે છે.

૨૦૬. સમજણની નજર કમજોર હોય ત્યારે પ્રેમના ચશ્મા યોગ્ય પરિણામ આપે છે.

૨૦૭. જ્યાં ખુદને અવિરતપણે સાંભળવાની જરુરિયાત પૂર્ણ થાય ત્યાં જ સાચો પ્રેમ શ્વસે છે – આ ‘સેલ્ફ સેન્ટર્ડ’ વિચારધારા છે.જ્યાં સાંભળવાની જરુરિયાત પૂર્ણ થાય ત્યાં જ સાચો પ્રેમ શ્વસે છે – આ ‘સેલ્ફ સેન્ટર્ડ’ વિચારધારા છે.

૨૦૮. ધુમ્રસેરોની વચ્ચેથી આગનું જન્મસ્થાન નહીં પણ અગ્નિથી બળેલો કાટમાળ જ નિહાળી શકાય છે.

૨૦૯. માનવી સુખી થવાના પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર સુખી થઈ જાય છે.

૨૧૦. માનવદેહ મેળવનાર ખુશનસીબ માનવીની સૌથી મોટી બદનસીબી કે એના જીવનની પ્રત્યેક પળ ‘પોતે માણસ છે’ સાબિત કરવામાં જ વીતે છે.

૨૧૧. દરેક બદલાતા સ્થાન સાથે માનવીએ પણ બદલાવું પડે છે અને આ પ્રક્રિયા અંતહીન છે.

૨૧૨. કોઇના ધંધા, ધર્મ કે શહેર પર ક્યારેય પૂર્વાગ્રહોથી પીડાઈને કોઇ વિશેષ ટિપ્પણીઓ ના કરવી.

૨૧૩. સંબંધોમાં સમજણ- બંધ ગુંગળાવી કાઢતી પરિસ્થિતી હોય છે.

૨૧૪. વાસ્તવિકતાની હથેળીમાં વિશ્વાસ નામના પંખીને જેલવાસ થાય ત્યારે ‘અશ્રુ-પાણી’ની દર્દનાક સજા થાય છે.

૨૧૫. આભાર માનવાની તાકાત હોય એટલી મદદ જ સ્વીકારવી જોઇએ.

૨૧૬. દિશા નક્કી કરી લેવા માત્રથી મંઝિલ સુધી નથી પહોંચી શકાતું, જ્યાં સલામતપણે ઉભા હોઇએ એ કાંઠો છોડવો જ પડે !

૨૧૭. ઇશ્વર આટલો સુંદર છે તો એને પામવાના રીતિ – રિવાજો કેમ આવા કુરૂપ ?

૨૧૮. પરિવર્તન અપનાવવામાં સમજશક્તિ અને વિવેક જેવી વાતો ભળે તો સોનામાં સુગંધ ભળે.

૨૧૯. ઘટનાજળને જે રીતે સ્પર્શાય એ રીતે જ એમાં વમળો ઉપસે છે

૨૨૦. અકારણના ય કારણો શોધીએ છીએ અને પછી રોજ જીવવાની કોશિશમાં મરીએ છીએ.

૨૨૧. માન્યું કે, ચારિત્ર્યથી ઘર નથી ચાલતાં પણ સુખ – શાંતિથી જીવવા જરુરી એવો આત્મસંતોષ જરુર જળવાઈ રહે છે.

૨૨૨. બુધ્ધિનું તીવ્ર આધિપત્ય દિલની કોમળ લાગણીઓનો સર્વનાશ કરે છે.

૨૨૩. લાખો ફૂલોની હત્યા કરી શકાય પણ વસંતને આવતી તો ના જ રોકી શકાય.

૨૨૪. સમય બદલાયો છે, ભૂલો બદલાઈ છે તો નિરાકરણની રીતો પણ બદલાવી જ જોઇએ.

૨૨૫. અમુક ભ્રમ જીવવા માટે જરુરી થઈ જાય છે.

૨૨૬. દરેક બાળકના જન્મ સાથે એના મા – બાપને નવી જિંદગી જીવવાના આશીર્વાદ મળે છે.

૨૨૭. પ્રેમ પહેલાં શારિરીક આકર્ષણમાં ખેંચાઈ જતી આધુનિક પેઢી પ્રેમની મધુરતા અને હળવાશ અનુભવવાની આહલાદક સ્થિતી માણવાનું ચૂકી જાય છે.

૨૨૮. માતૃભાષા સિવાય કોઇ પણ ભાષા ના આવડે એની નાનમ ના રાખવાનું વર્તન માતૃભાષા પરત્વેનો આપણો આદર – પ્રેમ -વિશ્વાસ પ્રદર્શિત કરે છે.

૨૨૯. સારા – નરસા કાર્યોના પરિણામ અંતે સારા- નરસા જ આવે છે.

૨૩૦. ક્યારેક ભગવાન પણ ‘એક ને એક બે’ નો સીધો સાદો દાખલો ખોટો ગણી લે છે.

231. સમસ્યાઓ સ્ત્રી કે પુરુષ જાતિ જોઇને ક્યારેય નથી આવતી.

232. ગેરસમજની વેલ હીરા જેવા સંબંધોનું હીર ચૂસી કાઢે છે.

23૩.જીવનમાં નાની નાની ખુશીઓને કોઇ પણ ભોગે કાયમ જીવંત રાખવી !

234. પ્રેમના પ્રિઝમમાં રીસામણા પછી મનામણાંના કિરણો પસાર કરવાથી સતરંગી આકર્ષણના મેઘધનુષ્ય રચાય છે.

235. આપણી જાતને સૌપ્રથમ આપણે જાતે જ ઓળખતા - સ્વીકારતા શીખવું પડે છે પછી તો બધુ એની જાતે થઈ જાય છે.

236.'જો' અને 'તો' ની શરતોથી મળે એ સફળતા શું કામની ?

237. આજે માણી શકાતી સુગંધ પાછળ અનેક વર્ષના પરિશ્રમનો ભૂતકાળ શ્વસતો હોય છે.

238. હકારાત્મક વિચાર સુખનું સાચુ સરનામું છે.

239. દરેક માનવી પોતાની લાગણી ના દુભાય એનું ધ્યાન રાખીને જ વર્તન કરે છે - એમાં ખોટું શું વળી ?

240. શબ્દો અને મૌન પ્રાર્થનાના જ બે રંગ છે

241. સુગંધ પર દુર્ગંધ ઢોળવાથી સુગંધ જ છોભીલી પડે છે.

242. ઘણી વખત બીજો ગાલ ધરવાથી વ્હાલ પણ મળે છે

243. અંધારાના સામ્રાજ્ય પાછળ ઘણી વખત બંધ રાખેલી બારીઓ પણ જવાબદાર હોય છે.

244. મને મારી લાયકાત જેટલું જ જોઇએ છે પણ મને મારી લાયકાત જેટલું તો જોઇએ જ છે - મારા સંઘર્ષથી સફળતા સુધીની સફર આ એક જ વાક્યમાં છપાયેલી છે.

245. એક ને એક બે થાય એવું જાણતાં હોવા છતાં આધુનિક માનવી એને અગિયાર કરવાની કસરતમાં રચ્યો પચ્યો રહે છે.

246. દરેક માતામાં અમુક અંશે એક 'સાસુ' અને દરેક સાસુમાં અમુક અંશે એક 'માતા' છુપાયેલી છે.

247. આપણું મગજ જેની સરખામણી કરીએ છીએ એ બે વ્યક્તિઓ વિશે ‘પૂર્વાગ્રહયુકત’ નામના બેકટેરીયાના સકંજામાં જબરદસ્ત રીતે સપડાયેલું હોય છે.

248. પશુઓની દુનિયામાં નર – નારીના હક -ફરજો વિશે ક્યાંય વિશેષ ઉલ્લેખ નથી કરાતા. બેય પક્ષ સમાન ! આ રીતે જોતા માણસો કરતાં તો પશુઓનો સમાજ સુધરેલો કહેવાય.

249. રેપીસ્ટો માટે ખાસ - 'ઇજ્જત આપો તો ઇજ્જત મળે’ એ જ રીતે ‘ઇજ્જત લૂંટનારની ઇજ્જત જાય’- આથી બળાત્કારનો ભોગ બનેલી બેનોએ આખી જીંદગી શરમમાં મૂકાઇને જીવ્યા કરવાની કોઇ જરુર નથી.

250. શબ્દોનો અર્થ સમજવાની તાકાત ઉછીની ના મળે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED