Unbeatable - Part-1 books and stories free download online pdf in Gujarati

Unbeatable - Part-1

અનબીટેબલ

૧૨૫ વન લાઈનર્સ

ભાગ ૧

સ્નેહા પટેલ

sneha_het@yahoo.co.in

૧. કોઇના દિલમાં પ્રવેશ એ મંદિરપ્રવેશથી પણ વધારે પવિત્ર છે, એનું જવાબદારીપૂર્વક જતન કરવું જોઇએ

૨. જેને સાચો પ્રેમ કરતા હો એને ’ગિલ્ટ’ની લાગણીનો અનુભવ ક્યારેય ના કરાવશો.

૩. લાગણીમાં ડૂબીને ગૂંગળાઈને મરી જવાનું ના હોય, એમાં તો હલકા થઈ તરવાની મજા માણવાની હોય.

૪. પ્રેમ એટલે શબ્દોની સીમા બહારની સંવેદનોથી ભરપૂર લાગણી.

૫. આપણી ધીરજ એ આપણું આભૂષણ છે.

૬. આજ કાલ લોકો ‘સુખી થવાના બદલે’, દુનિયાને ‘પોતે બહુ સુખી છે’ એવા ભ્રમમાં રાખવાના વ્યર્થ પ્રયત્નો કરતા જ દેખાય છે.

૭. પરિવર્તન હંમેશા શરુઆતના તબક્કે જ અઘરું લાગે છે પછી એનાથી ટેવાઈ જવાય છે.

૮. દરેક માનવી પોતાના ગજા અનુસાર મૂર્ખા બનવાનું સ્વીકારતો હોય છે, જોકે એની પણ એક હદ હોય છે.

૯. ઇચ્છાઓ પૂરી ના થાય ને દાનવ થઈએ એવા આપણે માનવ શું કામના ?

૧૦. ફૂલોનું આત્મવિલોપન દિવ્ય સુગંધ જ પ્રસરાવે છે.

૧૧. આપણને દુઃખી – હતાશ કરતી અમુક માંદગીઓ તો આપણે જીવનમાં સાચેસાચ સહન કરી હોય છે.

૧૨. ઘણીવખત માનવીને મોત નહી પણ જીવન ચૂપ કરી જાય છે.

૧૩. પ્રેમ એટલે આપણે જેને ચાહતા હોઇએ એની ખુશી.

૧૪. તમારા આત્મવિશ્વાસની ડોર ક્યારેય બીજાના હાથમાં ના સોંપવી.

૧૫. યોગ્ય પ્રમાણમાં ગર્વ એ ખુદ્દારી છે એને ટપી જવાથી અહં નામનું રણ રચાઈ જાય છે.

૧૬. સમય – સંજોગો પારખ્યાં વિના બોલાતું સત્ય પણ ઘણીવખત હાનિકારક નીવડે છે.

૧૭. જીવનમાં કોઇ તક એમ જ નથી મળતી. આપણે એને આવકારવા માટે પહેલા એનો રસ્તો બનાવવો પડે છે.

૧૮. લોકોની પાછળ બોલવામાં પોતાની શક્તિનો ગેર-વપરાશ કરવા કરતા લોકો જેવા છે એવા સાચા દિલથી સ્વીકારવામાં એ શક્તિ વાપરતા આપણી દુનિયા વધુ સુંદર બને છે.

૧૯. નવા વર્ષે મનના ખૂણેખાંચરે ભરાયેલો બધો કૂડો કચરો સાફ કરીને મહાભિનિષ્ક્રમણ કરવું જ ઘટે.

૨૦. નફરતના વાડામાં બંધાઈને કોહવાઈ જવા કરતાં મુક્ત મને પ્રેમના વહેણમાં વહી જઈને અસ્તિત્વને નેસ્તનાબૂદ કરી દેવું વધુ સારું.

૨૧. દુનિયામાં ઘણી લાચારીની કથા વણબોલી-વણલખી – વણસમજી જ રહી જાય છે.

૨૨. સમસ્યાને વાસ્તવિકતા તરીકે સ્વીકારતા ચોક્કસપણે એના ઉપાયો શોધી શકાય છે.

23. ચમત્કારો અને અકસ્માતોને ઘટના કહેવાય – જીવન નહીં.

૨૪. હકારાત્મક વિચારો અને સબળ આત્મવિશ્વાસથી કરાતો નિષ્ઠાપૂર્વક્નો શ્રમ કાયમ હકારાત્મક પરિણામને ખેંચી લાવે છે.

૨૫. દુનિયાના ૮૦% સંબંધો, 'તું પહેલ તો કર, પછી બાકીનું હું સંભાળી લઈશ' જેવી મનોમન ચાલતી વાતચીતની પ્રક્રિયામાં જ શ્વાસ તોડી દે છે.

૨૬. નકરી ધારણાઓ કરીને જીવન નથી જીવાતું, હકીકત ઘણી વખત અલગ રુપમાં જ મળે છે.

૨૭. દરેક સવાલ ઉત્તર લઈને જ નથી જન્મતો.

૨૮. જીવન ડહોળાયેલું હોય તો આપણે ધીરજ રાખીને એ સ્થિર થાય એની રાહ જોવી જોઇએ.કાદવ બેસી જતાં પરિસ્થિતિ સ્પષ્ટ દેખાય છે અને સમસ્યાનું નિરાકરણ શોધી શકાય છે.

૨૯. આટલી વિશાળ દુનિયામાં રોજ સવારે ઉઠીને બારીની બહાર જોતાં અજાણ્યા – નવા નવા ચહેરાઓ નજરે અથડાય છે અને સવાર સવારમાં ઇશ્વરની હયાતીનો સાક્ષાત્કાર અનુભવાય છે ને મનોમન એને વંદન થઈ જાય છે.

૩૦. ઘણા મૌનના પડઘા ગગનભેદી હોય છે.

3૧. લગ્નપ્રસંગ પાછળ થતી ધામધૂમ એ લગ્નજીવન સફળ જવાના પરસન્ટેજ વધારવામાં કોઇ ભાગ નથી ભજવતા.

3૨. ગર્વીલું દેખાતું ઉન્ન્ત મસ્તક ક્યાં ક્યાં - કોની કોની પાસે નમ્યું - કોને ખબર ?

3૩. થોડામાં શું છલકાઈ જવાનું ? બે કાંઠે ભરપૂર ઉભરાઈને વહી જવાની ઘટના અદભુત છે !

3૪. જીવન બહુ સરળ છે. આપણે એને ચૂંથીચૂંથીને, વાતોના લીરે-લીરા કાઢીને એને જીર્ણ -શીર્ણ અને ‘કોમ્પ્લીકેટેડ’ બનાવી કાઢીએ છીએ !’

3૫. જે વાત / વસ્તુ / પરિસ્થિતિને પૂર્ણ ધીરજ – ભરપૂર માન અને તીવ્ર લાલસાથી પ્રેમ કરશો એ કાયમ તમારી પાસે રહેશે.

( ઇર્ષ્યા કરવી – પ્રેમ કરવો – નફરત કરવી – હરીફાઈઓમાં રચ્યા પચ્યા રહેવું કે આપણા પોતાના પથ પર મક્ક્મતાથી વિશ્વાસપૂર્વક આગળ વધવું જેવી બધી ય સારી -નરસી વાતોમાં નિર્વિવાદપણે આ લાગુ પડે છે.)

3૬. તમારી સમસ્યાઓના નિરાકરણ બહાર શોધવા કરતા જાતમાં એક વાર થોડા ઊંડા ઉતરી જુઓ, મોટાભાગે નિરાશ નહી જ થાઓ.

૩૭. ઘણી વખત અજ્ઞાનતા આશીર્વાદનું કવચ પહેરીને માનવીનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે.

3૮. . સમય પ્રમાણે ખુશીઓની વ્યાખ્યા પણ બદલાય છે.

૩૯. માનવીના ‘અસ્તિત્વની શોધ’ જેટલી જ મહત્વની પ્રક્રિયા એના ‘અસ્તિત્વના સ્વીકાર’ની પણ છે.

૪૦. મારા અઢળક સપનાઓમાં મારી આવડત, મહેનત અને ધીરજ ઉમેરીને હું તે પામવા લાયક બની શકું એટલી મારી મહત્વાકાંક્ષા !

૪૧. અતિ આગ્રહ છુપી હિંસા સમાન છે.

૪૨. જે તટસ્થતાથી, ખુલ્લા દિલથી વખાણ કરી શકતા હોય એમનો ભૂલ બતાવવાના હકનો પ્રેમથી સ્વીકાર કરવો જોઇએ.

૪૩. કામ બે પ્રકારે થઈ શકે છે.

૧) થોડું કામ કરીને બૂમાબૂમ (માર્કેટિંગ) કરીને દુનિયાના છેડા સુધી તમારું કામ ત્વરાથી પહોંચાડી દો.

૨) ચૂપચાપ તમારું કામ કરતા જાવ અને હજુ એ બહેતર કેમ બને, પોતાના થકી વધુ સંતોષ કેમ મળે એના પ્રયાસોમાં વધુ ઊંડા ડૂબતા જાઓ.

પહેલાં પ્રકારના લોકો સ્માર્ટ અને પ્રસિધ્ધ કહેવાય છે, બીજા મૂર્ખા, ગધ્ધાવૈતરું કરનારા અને સફળ.

૪૪. દરેક ઘટનાની મુઠ્ઠીમાં નવી સમજની રેખાઓ હોય છે.

૪૫. પોતાના જીવનમાં બદલાવ લાવવા સૌ પ્રથમ સ્ત્રીઓએ પોતાની જુનીપુરાણી મેન્ટાલીટીમાંથી બહાર આવવાની જરુર છે, એ પછી સમાજ સામેથી તમારી વાતને ત્રણ ‘સ’ – સન્માન,સમર્થન અને સ્વીકાર આપશે.

૪૬. સંબંધોમાં ભૂલ કાયમ બીજા પક્ષની જ હોય છે. આ બીજો પક્ષ એટલે કોણ એના પર ધ્યાનથી વિચારાય, ખુલ્લા દિલથી હકીકતોનો સ્વીકાર થાય તો બધી સમસ્યાઓનો ઉપાય હાથવેંતમાં જ હોય છે.

૪૭. આપણા જીવનમાં કમ સે કમ એક વ્યક્તિ તો એવી હોવી જ ઘટે કે જે આપણને સમજદારી -પ્રેમ-આત્મીયતાથી સમજાવી શકે, જેની વાત આપણે વિશ્વાસપૂર્વક માની શકીએ.

૪૮. ગળાડૂબ પ્રેમમાં પડવું હોય તો નાકડૂબ વેદના સહન કરવાની તૈયારી રાખજો.

૪૯. જીવનપથ પર ભટકાતા દરેક અનુભવો એની રીતે મૂલ્યવાન જ હોય છે. ફરક આપણી એને વિશ્લેષણ કરવાની દ્રષ્ટિમાં જ હોય છે.

૫૦. દરેક સર્જક હંમેશા ઉત્તમ સર્જનકાર્ય નથી કરી શકતો. આ વાત સર્જકના જ હિતમાં છે જે એને હંમેશા જમીન પર રાખે છે.

૫૧. વરસાદ પડી જાય પછી બારી બારણાની જેમ ઉઘડી જઈએ, તો ઉઘાડ પછીના મેઘધનુનો આનંદ માણી શકાય.

૫૨. ચર્ચાઓથી પ્રખ્યાત ચોક્કસ થઈ શકાય, પણ લોકપ્રિય થવા માટે તો નક્કર પરિણામ જ જોઇએ.

૫૩. જીવન એક સીધી સાદી નોવેલ કરતા રહસ્યમય, થ્રીલર, અનપ્રિડિક્ટેબલ વાર્તા જેવું હોય એની અલગ જ મજા છે.

૫૪. ફેસબુક – મોબાઈલના મેસેજીસ, નેટ પર ચેટિંગ આ બધાએ મૈત્રીની વ્યાખ્યાઓ, અપેક્ષાઓ ધરમૂળથી બદલી નાખી છે.

(માનવી લાંબો સમય કલ્પનાઓમાં જીવી શકતો નથી. હકીકતની દુનિયામાં પગ મૂક્યા વગર છૂટકો જ નથી.)

૫૫. દરેક સમયની એક અલગ માંગ હોય છે, જમાના સાથે કદમ મિલાવવા એનો સ્વીકાર કરવો જ પડે છે.

૫૬. ‘હું’માં રહેલા ‘હું’ને પૂરી સભાનતાથી જાણી-સમજીને પચાવી જાણો તો ‘હું’ જેટલો સુંદર અને પ્રભાવશાળી શબ્દ બીજો કોઇ નથી.

૫૭. પ્રેમ – તક – સમજણ – સ્વતંત્રતા- વિકાસનો લ.સા.અ એટલે સુખ.

૫૮. સ્વીકાર અને સમજણ બે ય અલગ વાત છે.

૫૯. જીવનમાં આપણે કોઈને હેરાન કરવા નથી માંગતા હોતા. બધી ભાંજગડ તો એ જ્યારે આપણને હેરાન કરવા આવે ત્યારની જ હોય છે.

૬૦. જવાબદારી જવાબદારી હોય છે, એને નિભાવવામાં સ્ત્રી – પુરુષ જેવા ભેદભાવ ના હોય.

૬૧. છોડ વાવીને મહાન કામ કરતો માનવી એના ઉછેરની જવાબદારી લેવાનું વિસરી જાય છે !

૬૨. ‘કમ્પેરીઝન’ કોઇ પણ લગ્ન-જીવન માટે ઊધઈ જેવું કામ કરે છે

૬૩. બહુ ગડમથલમાં ના રહે જીવ, કે સહુને ખુશ રાખવા શક્ય નથી !

૬૪. પહેલાના જમાનામાં માનવી જંગલમાં રહેતો હતો – જોકે એ પોતાની આ અવસ્થાથી બહુ સભાન ન હતો.

આજના જમાનામાં માનવીઓના મગજમાં જંગલ વસે છે – આશ્ચર્યજનક રીતે આ હકીકતથી એ વાકેફ હોય છે.

૬૫. કોઇ વ્યક્તિ પર ભરપૂર વિશ્વાસ મૂકો ત્યારે એણે પણ તમારા વિશ્વાસનો ભંગ ના જ કરવો જોઇએ એવી કોઇ પૂર્વશરતો નથી હોતી.

૬૬. મારી તકલીફ કોઇને કહી નથી ત્યાં સુધી તો સલામત છે.

૬૭. બહુ જ મહાન અને બુદ્ધિશાળી માણસો ભૂલો પણ એટલી જ મહાન અને મ્રૂર્ખામીભરી કરે છે.

૬૮. ઘણી વાર જિંદગીમાં લોકોની ઇર્ષ્યા અને અવિશ્વાસથી હું હાંફી છું, ત્યાં બીજા દિવસે વિશ્વાસ – માસૂમિયતનો સૂર્યોદય લઈને જિંદગી ખિલખિલાતી પાછી મળે છે.

૬૯. જ્યારે જ્યારે લોકો મારા ઢગલો વખાણ કરે છે ત્યારે ત્યારે મારી ઊણપો મને વધારે તીણી થઈને ખૂંચે છે.

૭૦. વિચારોની ગતિને પહોચી વળવામાં ઘણીવાર હકીકત ખોડંગાઈ જાય છે.

૭૧. હંમેશા મગજ શાંત ના રહી શકે તો ગુસ્સો એનું ઓપ્શન નથી જ.

૭૨. સત્ય અને પ્રેમ – બેય કાં તો હોય છે અથવા નથી હોતા.

૭૩. કામ કરવું છે કે નહીં કે એ નકકી કરી લો બસ, તમારું મગજ તમારા નિર્ણયને સમર્થન આપતાં હજારો બહાના શોધી કાઢશે.

૭૪. માણસ સુંદર ચહેરા કરતાં એના સુંદર માનસથી વધુ શોભે છે.

૭૫. સ્થિતિ કે માણસના બદલાવની રાહ જોવામાં સમય અને શક્તિ વેડફવા કરતાં એનો 'એઝ ઇટ ઇઝ' સ્વીકાર વધારે સુખદ અને ચમત્કારિક પરિણામ આપે છે.

૭૬. વાત એક અર્થઘટનો અનેક થાય છે - વાત એમ જ ચૂંથાઈ જાય છે !

૭૭. શારીરિક તાકાત અને અહમ્ બેય એક બીજા જોડે અપ્રત્યક્ષ રીતે જોડાયેલ હોય છે

૭૮. દરેક માનવીની સમજશક્તિ અલગ અલગ હોય છે. એમની જોડે એમની ભાષામાં વાત રજૂ કરાય તો પ્રયત્ન મોટાભાગે સફળ થાય છે.

૭૯. દુનિયામાં મોટાભાગની તકલીફો – દુઃખ આપણે માની લીધેલા હોય છે. બે કદમ આગળની દુનિયા ચોક્કસ વધારે સુંદર છે આટલું જ ધારવાનું હોય છે.

૮૦. ઇર્ષ્યા – વેરના વાવેતર કરતાં વ્હાલને ઘૂંટવાનુ – રખોપા કરવાનું રાખીએ તો જીવ્યું સાર્થક.

૮૧. માનવીને બધું ય સમજાય છે, પણ એમાં કેટલું સાચું અને કેટલું ખોટું એ જ નથી સમજાતું.

૮૨. કોઈ પણ સર્જક માટે નમ્રતા સાથે ખુમારી જાળવવી એ અઘરું પરંતુ અનિવાર્ય કામ છે.

૮૩. સ્વતંત્ર થવા જેટલું જ મહત્વપૂર્ણ પોતીકાઓને આપણી ટેવ ના પડે એ ધ્યાન રાખીને એમને પણ સ્વતંત્ર રહેતાં શીખવાડવાનું છે.

૮૪. પ્રાથમિકતા નક્કી કરવી એ બહુ જ મહત્વનું અને અઘરું કામ છે.

૮૫. હોશની આહુતિ ચડાવીને ‘સ્વ’ની શોધમાં ફકત જોશ-ઝનૂનપૂર્વક વર્તવું એ સમયનો, શક્તિનો બગાડ જ છે.

૮૬. .ચૂપ્પીનો અનુવાદ શાંતિ ના કરો !

૮૭. તમે કેટલાં ‘સ્માર્ટ’ છો અને કેટલાં ‘મૂર્ખ’ એ ફકત તમારે જ સમજવાનું, જાણવાનું હોય છે. લોકો તો એમનું કામ એમની સમજ પ્રમાણે કરી જ લેતા હોય છે.

૮૮. પેરેલાઈઝડ્ તન કરતાં મન વધારે ખરાબ.

૮૯. દરેક અણગમતી સ્થિતિમાંથી બહાર નીકળવાના અવિરત પ્રયત્નો એ જ તમારું સાર્થક મનુષ્યત્વ.

૯૦. કવિતા એટલે ‘સા રૅ ગ મ પ ધ ની સા’ માં ગોઠવાયેલા જીવનના ખટમધુરા સૂર.

૯૧. ઘણી વખત અમુક પરિસ્થિતિ પર ઘણું બધું વાંચેલું હોય, વિચારેલું હોય એ જ સ્થિતિમાં જ્યારે પ્રત્યક્ષ મૂકાઈએ ત્યારે હકીકત નવા જ સ્વરૂપે સામે આવે છે.

૯૨.આપણી જાતની મૂલવણી સમજણપૂર્વક કોઇ જ પૂર્વગ્રહ કે લઘુતા-ગુરુતાગ્રંથિથી પીડાયા વગર જાતે જ કરવાની પ્રક્રિયા જીવનમાં ચોક્કસપણે આગળ વધારે છે.

૯૩. આપણું મગજ બહુ જ ડાહ્યું હોય છે. જીદ્દી બનીને કોઇ પણ વાત ના માનતું હોય તો થોડો તર્કનો રંગ ભેળવીને એને પીરસો - તરત માની જશે.

૯૪. દરેક લખાણ ઇતિહાસ નથી સર્જતું. થોડું ખૂણે-ખાંચરે ભટકતું, આમથી તેમ ફંગોળાતું હોય છે તો ઘણું – ખરું અધવચાળે જ શ્વાસ મૂકી દેતું હોય છે.

૯૫. થોડું નજીક અને થોડું દૂર રહેવું પડે છે, સંબંધમાં આટલું જ તો કરવું પડે છે.

૯૬. લખતા લખતા અમુક સમયે સ્વકેન્દ્રી બની ગયાનો અહેસાસ થાય છે. થોડું વિચારતા, ઊંડું ઉતરતા એમ લાગ્યું કે એ સમયગાળાને ‘એકાંત’ કહી શકાય. ’સ્વ’ સાથે સમય વિતાવતું ‘સ્વ’.

૯૭. નકરી લાગણીમાં વહી જવું કે ફક્ત દિમાગની હદોમાં બંધાઈને લખવું - બેય નકામું. દિલ અને દિમાગ બેયના સંતુલનથી રજૂ થતું સ્પષ્ટ અને મક્કમ લખાણ જ હંમેશા સફળ થાય છે.

૯૮. લોકોને આપણે જાતે આપણો પરિચય આપીએ અને બીજાઓ આપણો પરિચય આપે – આ બે પરિચય વચ્ચેની યાત્રા બહુ મહેનત અને લગનથી ખેડાતી હોય છે.

૯૯. ‘ભરોસો’ મૂકતા પહેલાં મનમાંથી ‘ભરાશો’ની ભાવના બાદ કરી નાંખવી આપણા માટે જ હિતાવહ.

૧૦૦. વિશ્વાસ મૂકવા માટે કોઇ આમંત્રણપત્રિકાઓ ના છપાવવાની હોય, એ તો એક સાહજિક પ્રક્રિયા છે. અંદરથી લાગણીની એક તીવ્ર લહેર ઉઠે અને આપોઆપ મૂકાઈ જાય.

૧૦૧. જમાનાથી આગળ ચાલવાની, મોર્ડન ગણાવાની તમારી લાલસાની સજા તમારા કરતાં તમને પ્રેમ કરતી વ્યક્તિઓ વધારે ભોગવે છે.

૧૦૨. મૂળ સુધી ઉતરીને જવાબ શોધવાની તાકાત હોય તો જ પ્રશ્નો ઉપાડવાની મહેચ્છા રાખવી. નહીં તો મહદઅંશે એ ટાઈમપાસ કે ગોસિપમાં ખપી જવાની સંભાવના રહે છે.

૧૦૩. બીજા પર આધાર રાખતી ખુશીની આયુ હંમેશા અલ્પ જ રહેવાની.

૧૦૪. સંસ્કાર-સિંચનમાં ‘છોકરા – છોકરી’ જેવી જાતિ કરતાં ‘સારા માણસ’ની જાતિ ધ્યાનમાં રહે એ વધારે મહત્વનું.

૧૦૫. સ્વતંત્રતા કોઇ પણ હોય, ઇમોશનલ, શારીરિક, માનસિક, આર્થિક - ચૂકવણીનું જોખમ ભારી-ભરખમ જ હોય છે .

૧૦૬. કોઇ પણ વાત જ્યારે અધૂરી જ સમજાય ત્યારે એ થોડી ‘ડિપ્લોમેટિક’ લાગે છે.

૧૦૭. હું મારી જાતને જાતે જ સમજું છું, જાતે જ મઠારું છું, જાતે જ એના વખાણ કરું છું અને જાતે જ એને ધમકાવું છું. 'સ્વ મૂલ્યાંકન'નું આ કાર્ય મારા આત્મવિશ્વાસની સપાટી હંમેશા વધારે છે.

૧૦૮. પોતાનામાં કુદરતી રીતે જ જે આવડત છુપાયેલ છે એને શોધીને વિકસાવવાના બદલે બધા જ વિષયોમાં પોતાની ચાંચ ડૂબાડવાના, સ્માર્ટ દેખાવાના અભરખામાં લોકો આખી જિંદગી મરણીયા પ્રયાસો કરતા ફરે છે. છેવટે નિષ્ફળતાને વરે છે.

૧૦૯. યોગ્ય વ્યક્તિના યોગ્ય વખાણ પણ એક વખાણવા લાયક વાત છે.

૧૧૦. લેખન એટલે આપણાં ઉપરાંત પારકાના સંવેદનોમાં ડૂબવાનું જોખમ લેવાની પ્રક્રિયા.

૧૧૧. પ્રસિદ્ધિ મેળવવા માટે માણસ પહેલાં મરજીયાતપણે કિંમત ચૂકવે છે, પછી ફરજિયાતપણે એની પાસેથી કિંમત વસૂલાય છે.

૧૧૨. ‘મને કોઇ સમજતું નથી’ જેવી પરિસ્થિતિમાંથી ઉદભવતી એકલતામાં ઊંડા ઉતરીને હકીકતોનો સમજણપૂર્વક સ્વીકાર કરાય ત્યારે એકાંતનો ચમકતો સૂર્યોદય થાય છે.

૧૧૩. આપણી સહનશક્તિની સીમારેખાઓ ગોપનીય રહે એ વધુ હિતાવહ.

૧૧૪. લેખકનો એના લેખનથી અલગ સ્વીકાર કરવાથી બેય પક્ષે તકલીફો ઓછી થાય છે.

૧૧૫. સતત ચર્ચા ઘણીવાર વાતની સુંદરતાને મારી નાખે છે.

૧૧૬. રોજે-રોજ બોલાતું ખોટું એક દિવસ સત્ય થઈ જાય છે. રોજેરોજ કરાતા કટાક્ષો, ખોટા દોષારોપણો, મજાકમાં બોલાતી વાતો, વાંકદેખી પ્રવૃતિ.. આ બધીય ક્રિયાઓ માટે આ કહેવત એટલી જ સચોટ છે.

૧૧૭. દુનિયાને આપણી અનુકૂળતા મુજબ બદલી નથી શકાતી, પણ આપણું વર્તન આપણી માનસિકતાને આધીન ચોક્કસ રહી શકે છે.

૧૧૮. સર્જન અને મન:સ્થિતિ એક સિક્કાની બે બાજુ છે.

૧૧૯. તમારી અપેક્ષાઓની જવાબદારી તમારી પોતાની છે.

૧૨૦. તમને કોઈ વ્યક્તિ સમજે એવું ઇચ્છતા હો તો, પહેલ કરીને થોડું એને પણ સમજતા શીખો.

૧૨૧. સરળતાને મૂર્ખતામાં ખપાવનારા જેવો મૂર્ખો બીજો કોઇ નથી.

૧૨૨. અપરિવર્તનશીલતા, દુરાગ્રહો અને દિશાવિહીન વાદ-વિવાદો સમાજ – માનવીના વિકાસને રોકે છે.

૧૨૩. દુનિયાની કોઇ પણ ભાષા નફરત, ભેદભાવ કે અહમ નથી શીખવતી. જ્યાં આ બધાની ગંધ હોય એને હું ભાષા તરીકે જ નથી સ્વીકારતી.

૧૨૪. ભવિષ્ય સુધારવાની ઘેલછામાં દૂરંદેશીઓ ઘણીવાર એકદમ નજીકની અને મહત્વની વાતો જોવાનું ચૂકી જાય છે.

૧૨૫. તમે જેને સ્વાભિમાન ગણો એને બીજા અહમ્ ગણી શકે છે.

-sneha h. Patel.

Email –

Ph. 99 25287440.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED