આગલા અંકમાં રામેશ્વરમ પહોચવા સુધીની અને રામેશ્વરમ વિષેની વાત કરી, આ અંકમાં રામેશ્વરમની આસપાસનું એક એવું સ્થળ લઈશું કે જે ઘણી રીતે સામાન્ય સ્થળોથી અલગ તરી આવે છે. જે રામેશ્વરમ જેટલુ જ મહત્વનું છે તેના વિષે વાત કરીશું. આમ તો કોઈ ઓટો વાળા ને પૂછીએ કે અહી જોવાલાયક સ્થળો કયા કયા ? એટલે એક નાનક્ડું છાપેલું કાર્ડ બતાવશે જેમાં રામ કુંડ, સીતા કુંડ, લક્ષ્મણ કુંડ, પામ્બન બ્રીજ તથા એક બે મંદિરનાં નામ લખેલા હશે અને ૩૦૦ રૂપિયા જેવું લઈને ત્યાં આપણને ૩ કલાકમાં ફેરવીને લઇ આવશે. આ ટુર પણ કરી શકાય પણ અમે ધનુષકોડી પણ જવુ છે તેવું કહ્યું ત્યારે ઓટો વાળાએ અમને કહ્યું કે ત્યાં તો કશું જ નથી, એક એવો સમય હતો જ્યારે ધનુષકોડીનું મહત્વ હતું પણ હવે તો બસ ખંડેર જ છે.
પણ અંદરથી જ જાણે એ જગ્યા અમને બોલાવી રહી હતી અમે કહ્યું કે ના અમારે ત્યાં જવું જ છે, અમે નીકળી પડ્યા અને શરુ થઇ અમારી આંતરિક યાત્રા. ધનુષકોડી એટલે એ જગ્યા જ્યાં વિભીષણએ રામ ભગવાનને કહેલું કે, પ્રભુ હવે આ સેતુને આપ તોડી પાડો નહિ તો આનો ઉપયોગ કરીને અમુક રાજાઓ લંકાને હેરાન કરશે એટલે રામ ભગવાનએ તેમના ધનુષની એક ધારથી આ સેતુ તોડી પાડ્યો હતો તેવું કહેવાય છે અને એટલે જ આ જગ્યાનું નામ ધનુષકોડી પડ્યું. ધનુષકોડી રામેશ્વરમથી આશરે ૨૦ કી.મી નાં અંતરે છે અને અહીથી પહેલાનું સિલોન અને હવેનું શ્રીલંકા ફક્ત ૨૯ કી.મી. નાં અંતરે દરિયાઈ માર્ગે જોડાયેલું છે. એવું કહેવાય છે કે ધનુષકોડી જવું હોય તો સૂર્યોદય પછી જ જવું અને સાંજના ૭ વાગ્યા પહેલા પાછું આવી જવું કારણકે આ ૨૦ કી.મી નો રસ્તો માનવ રહિત છે તથા રહસ્યમય છે. હવે તો સરસ પાકો રસ્તો બની ગયો છે અને એટલે જ આ રસ્તે સફર કરવી એ પોતાનામાં જ એક સુંદર સફર છે. સતત પીળી રેતીનો સાથ તમને મળતો હોય, એકદમ ઠંડો પવન હોય અને જાણે એક અલગ જ અનુભવ થાય. અમે લગભગ બપોરે ૧૨ વાગ્યે રામેશ્વરમથી ધનુષકોડી જવા નીકળ્યા. આમ તો આ સ્થળ વિષે વધુ માહિતી નહોતી પણ એટલી ખબર હતી કે આ એ જ સ્થળ છે જ્યાંથી રામ નામના પથ્થરો દ્વારા પુલ બનાવવામાં આવ્યો હતો .
એ આખો લગભગ ૨૦ કી.મી નો રસ્તો એટલે સંપૂર્ણ માનવ રહિત અને નિર્જન કહી શકાય તેવો રસ્તો. પણ એક ગજબનું ખેચાણ છે એ જગ્યાનું. આપણને થાય કે બસ જોયા જ કરીએ, આ સફરનો અંત જ નાં આવે તો. હું વચ્ચે વચ્ચે ઓટો વાળા ભાઈને કહેતી જાઉં કે ભાઈ વળતી વખતે આ જગ્યાએ રાખજો થોડી વાર અને ૩૦ મિનીટની આ સફરના અંતે અમને કહેવામાં આવ્યું કે આ ધનુષકોડી બીચ. બને તેટલો ઓછો સમય અહી બગાડજો હજુ આપણે બીજે પણ જવાનું છે.
આહ અને વાહ મન બોલી ઉઠે તેટલી સુંદર જગ્યા. એક દોરી થી સીમા બાંધવામાં આવી છે કે આનાથી આગળ કોઈ પણ પ્રાઈવેટ વાહનને પ્રવેશ આપવામાં નહિ આવે. છુટા છવાયા ૮ થઈ ૧૦ દુકાનદારો સંખ, છીપલાં અને તેના દ્વારા બનાવેલ અરીસા ,બુટ્ટીઓ , દક્ષીનાવર્તી શંખ વેચે છે અને અમુક નંગ પણ. જેમાં ત્યાના દુકાનદારો પોખરાજ નંગ એવું કહીને વેચે કે આ શ્રીલંકન પોખરાજ છે, ત્યાના માછીમારો અને અહીના માછીમારોની લીંક દ્વારા મને પણ સસ્તામાં મળ્યા છે તમે પણ લો. શ્રીલંકન પોખરાજ એટલે કે ગુરુ નો નંગ દુનીયાભરમાં પ્રસિદ્ધ છે જેનો એક કેરેટનો ભાવ ૪૦૦૦ થી શરુ થાય. પણ આ લોકો તો પોતાનું પેટ ભરવા ગમ્મે તે ભરાવી દે એટલે એ વાતોમાં આવીને પૈસા નું પાણી નાં કરવું. ત્યાંથી થોડો ઢાળ ઉતરીએ એટલે સાક્ષાત સમુદ્ર દેવતા આપણું સ્વાગત કરવા તત્પર અને તૈયાર જ હોય છે. સોનવર્ણ રેતીનાં કારણે ખુબ જ સુંદર દ્રશ્ય સર્જાય છે. ત્યાં દરિયામાં નહાવાની મનાઈ છે તેવા બોર્ડ લગાવેલા છે . આ એજ જગ્યા છે જ્યાં બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર મળે છે. ધનુષકોડી બીચ પર સતત એવું જ થયા કરે કે બસ બેસી જ રહીએ અહી અને દરિયાવની મીઠી લહેરોને માણીએ. હવે તો ત્યાં ફોટોગ્રાફરો પણ તૈયાર જ હોય છે જે ફક્ત ૫ મીનીટમાં ફોટાની પ્રિન્ટ પણ આપી દે છે. અહી ફોટોગ્રાફીના શોખીનો માટે ઉત્તમ વાતાવરણ મળી રહે છે. બસ સમુદ્રને જોયા જ કરીએ અને પોતાનામાં ઉતારતા જ જૈયે તેવું લાગે. એકદમ આસમાની રંગનો અને ખુબ જ સ્વચ્છ દરિયો છે અહી નો. ત્યાં લગભગ એકાદ કલાક વિતાવ્યા બાદ અમે બહાર નીકળતા હતા જ્યાં અમને જીપ જોવા મળી અને બાઈક પણ જોવા મળ્યા અને અમે ઓટો વાળાને પૂછ્યું કે આ આગળ લઇ જાય છે ? તો તેણે નાં પાડી પણ પછી અમને ખબર પડી કે અહીંથી જ આગળના રસ્તે જવાય છે જે અમુક કી.મી નાં અંતરે છે અને એ જ જગ્યા કે જ્યાં ભારતની ભૂમી પૂરી થાય છે. જ્યાં ડેડ એન્ડ કહી શકાય એ જગ્યા છે જ્યાં બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર પૂર્ણત: મળે છે અને જમીનની સમાપ્તિ થાય છે. તે એ જ જગ્યા છે જે આપણી લોકવાયકા પ્રમાણે જ્યાંથી લંકા સુધીનો સેતુ સમુદ્રમ બન્યો હતો અને આજે પણ તેના અવશેષો મળે છે . નાસાએ સેટેલાઈટ દ્વારા જે ફોટા પાડેલા છે તેમાં પણ આ જગ્યાથી શ્રીલંકા સુધીની એક લાઈન દેખાય છે જેને આપણે સેતુસમુદ્રમ અથવા તો રામ સેતુ અથવા તો આદમ બ્રીજ તરીકે ઓળખીએ છીએ. આ બ્રીજ દેખાતો નથી પણ કહેવાય છે કે તે સપાટીથી અમુક મીટર નીચે છે . પણ ત્યાં સુધી પહોચવા માટે જીપ રાઈડ મળે છે જે ખુબ જ એડવેન્ચરસ હોય છે. રેતાળ રસ્તાઓની વચ્ચેથી જીપ પસાર થતી હોય અને સતત આપણા હમસફર તરીકે ખુદ દરિયો હોય , સાગર કિનારે કિનારે આપણે જઈ રહ્યા હોઈએ અને જ્યાં કોઈ પણ પ્રકારની ગંદકી નું પણ અસ્તિત્વ નાં હોય તે જગ્યા કેટલી સુંદર હશે. ઉબડ ખાબડ રસ્તાઓ એ થઇ ને , જીપ એક જગ્યાએ જઈ ને ઉભી રહે અને પછીનું અમુક અંતર પગપાળા જૈયે એટલે આપણે એ જગ્યાએ આવીને ઉભા રહીએ કે જ્યાં બે સમુદ્રનું તો મિલન થાય જ છે પણ સાથે સાથે આપણા મનનાં દરેક તરંગો શાંત થઇ જાય છે. માણસ કેટલો વામણો સાબિત થાય છે કુદરત સામે. બસ આ જગ્યાને મન ભરીને માણવી જ રહી. અહીથી પાછા ફરતા રસ્તામાં ખંડેર થયેલ ચર્ચ, રેલ્વે સ્ટેશન વગેરે જોવા મળે છે. રેલ્વે લાઈન નાં તૂટેલા પાટાનાં અમુક ટુકડાઓ આપણને ૧૯૬૪ નાં ચક્રવાતમાં લઇ જાય છે કે જ્યારે આખું ધનુષકોડી ગામ તહસ નહસ થઇ ગયું હતું અને લગભગ ૨૦૦૦ માણસોના મૃત્યુ થયા હતા જેમાં એક આખી ટ્રેઈન કે જેમાં લગભગ ૧૦૫ મુસાફરો હતા તેવી ટ્રેન પણ ગરકાવ થઇ ગઈ હતી. અને બસ આ જ ક્ષણે આપણા મનમાં એક શુન્યાવાકાશ વ્યાપી જાય છે. આહા કેટલી સુંદરતા અને એ સમયે તો ધમધમતું પોર્ટ કહેવાતું હતું ધનુષકોડી. મંડપમથી સીધી ધનુષકોડી સુધીની રેલ્વે લાઈન હતી, એક નાનકડું રેલ્વે સ્ટેશન, પોસ્ટ ઓફીસ, સ્કુલ,હોસ્પિટલ વિગેરે બધું જ હતું અહી અને ત્યારે સિલોન એટલે કે શ્રીલંકા પણ આ માર્ગે થઈને જવાતું હતું.
૨૨ ડીસેમ્બરની એ ગોજારી રાત્રે ચક્રવાતએ આખા ધનુષકોડી ગામને સાફ કરી નાખ્યું અને ત્યારબાદ ધનુષકોડીને ઘોસ્ટ ટાઉન એટલે કે ભૂતિયું ગામ તરીકે ઘોષિત કર્યું. જેનો અર્થ એવો થાય છે કે એવું ગામ કે જ્યાં લોકો ફરીથી રહેવા આવી શકે તેવી કોઈ જ શક્યતા નથી. ત્યારબાદ આટલા વર્ષો પછી પણ તેમાં કોઈ જ ખાસ સુધારો નથી થયો અને કદાચ એ જ સારું છે. એટલે જ તેની સુંદરતા જળવાઈ રહી છે. મન એ ચક્રવાત સુધી પહોચી જાય છે કે કેવી હાલત થઇ હશે ત્યારે. બધે પાણી પાણી અને આખા ગામમાં કોઈ જ એવું નહિ કે જે એકબીજાને સંભાળી શકે. તેના પછી બે પ્રકારની વાત વહેતી થયેલી એક કે તેમાં ફક્ત એક જ વ્યકતી જીવતો રહેલો જે ખુબ તરીને ત્યાંથી નીકળેલો અને પછી એક ગામ ને એ વ્યક્તિ નું નામ આપવામાં આવેલું સન્માન સ્વરૂપે. અને બીજી વાત એમ છે કે ત્યારે ૪ લોકો જીવતા રહેલા અને એ લોકોનું પછી સરકારે સન્માન કરેલું જેમાં એક તો સ્ટેશન માસ્તર જ હતા. પણ આ બધાની વચ્ચે ધનુષકોડીએ મારા મન પર જાણે કબજો લઇ લીધો છે. આંખ બંધ કરતા પણ એની જ છબી દેખાય છે. કેટલી સુંદરતા. પણ હવે લોકોએ ગંદકી કરવાની શરૂઆત કરી દીધી છે ત્યાં જ નારિયેળના છોતરા, ઠંડા પીણાની બોટલ, કુરકુરેનાં ખાલી પેકેટ્સ તથા પાણીની બોટલો લોકો જેમ ફાવે તેમ ફેકતા હોય છે. મારું માનવું છે કે જ્યાં જૈયે ત્યાં આપણા પગની છાપ છોડી ને આવવું જોઈએ નહિ કે આપણો કચરો. કચરો હોય તે બેગમાં મુકીને આવીને જ્યાં કચરા પેટી દેખાય ત્યાં નાખવાનો જ આગ્રહ રાખવો.
આમ, ધનુષકોડી જવું એ મારા જીવનની સુખદ ઘટના છે અને હું અનેક વાર ત્યાં જવાનું પસંદ કરીશ. ત્યાં કદાચ હું મને મળી છું એવું લાગે છે મને.
ત્યાંથી પાછા ફરવાની કોઈ જ ઈચ્છા નાં હોવા છતાં કમને અમે પાછા ફરી રહ્યા હતા રસ્તામાં કોથનંદરામસ્વામી મંદિર આવે છે. આ મંદિરમાં રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની સાથોસાથ વિભીષણની પણ મૂર્તિ છે. કહેવાય છે કે વિભીષણે અહીં જ ભગવાન શ્રીરામ સમક્ષ આત્મસમર્પણ કરેલું. અને ત્યારબાદ ભગવાન શ્રીરામ એ આ જગ્યાએ જ વિભીષણનો પટ્ટાભીષેક કરેલો. અહી દરિયાના બે અલગ સ્વરૂપ જોવા મળે છે. એક બાજુ એકદમ શાંત બંગાળાની ખાડી અને બીજી બાજુ તોફાની હિન્દ મહાસાગર. અને આ બનેની વચ્ચે થઈને રસ્તો આ મંદિર સુધી જાય છે. ખુબ જ સુંદર મંદિર છે અને તેમાં આખો જ ઈતિહાસ લખેલો છે.
આમ, ધનુષકોડીની યાત્રા અહી જ સમાપ્ત થઇ રહી હતી અને મન આ જગ્યાને છોડવા માગતું જ નાં હતું અને આ અસમંજસમાં અમે નીકળી રહ્યા હતા જાણે આપણા અસ્તિત્વના એક ટુકડાને ત્યાં મૂકીને અને કુદરત પાસેથી કોઈક વિશેષ તત્વ લઈને.
અહીંથી નીકળ્યા બાદ બીજા દિવસે અમે પામ્બન બ્રિજની મુલાકાતે ગયા. આ બ્રીજ એટલે રામેશ્વરમને ભારત સાથે જોડતી કડી. ટ્રેન આ જ રસ્તે થઈને જાય છે અને એનાથી થોડો ઉચો બ્રીજ અન્ય વાહનો માટે બનાવવામાં આવેલ છે. ત્યાં ઉભા રહીને ફોટોગ્રાફી કરવાની મજા જ કૈક અલગ છે. અને કઈ જ નાં કરિયે તો પણ ત્યાં જઈને બસ દરિયાને નિહાળવાની મજા માણવા જેવી તો ખરી.
ત્યારબાદ પાછા ફરતા રામેશ્વરમમાં રામ કુંડ, સીતા કુંડ અને લક્ષ્મણ કુંડ એ ગયા જ્યાં ફક્ત નાનકડા કુંડ આવેલા છે. તેની સાથે આપણી ધાર્મિક વાર્તાઓ વણાયેલી છે. અને આ સાથે જ એક સુંદર યાત્રાનું સમાપન થઇ રહ્યું હતું. મનમાં એક અલગ જ લાગણી થઇ રહી હતી. આપણા રાજ્યથી કેટલા દુરના રાજ્યમાં પણ આપણને કૈક આપણું લાગી રહ્યું છે. ત્યાનાં લોકો આપણી ભાષા નથી સમજી શકતા પણ સમજવાની કોશિશ કરે છે. ત્યાનું ફૂડ સરસ હોય છે જો તમે મનમાં થી ગુજરાતી થાળીને દુર કરો તો. ત્યાં દરેક જગ્યાએ કેળનાં પાંદડા નો ઉપયોગ થાય છે થાળી તરીકે અથવા થાળીમાં. એ એમની સંસ્કૃતિ છે. ખુબ ટેસ્ટી ઈડલી,વડા,ઢોસા,ઉત્તપમ મળે છે અને ત્યાની સ્પેશ્યલ થાળી પણ ખુબ જ ટેસ્ટી હોય છે. ત્યાં લોકો જમવાની સાથે ગરમાગરમ કોફી પીવે છે એ પણ પીવા જેવી ખરી. ત્યાંનાં ફૂડમાં નારીયેલ નો મોટા પાયે ઉપયોગ થાય છે. જેનાથી એક અલગ પ્રકારની અરોમા આવે છે.
ત્યાં ફરવા માટે ટેક્ષી અને ઓટો રિક્ષા મળી રહે છે જે રેઝનેબલ રેટ પર આપણને ફેરવી લાવે છે. શોપિંગમાં શંખની અલગ અલગ પ્રકારની વસ્તુઓ ખુબ જ સુંદર મળે છે. રામેશ્વરમ જવા માટે કોઈ પણ મોટા સ્ટેશનથી ટ્રેન મળે છે જેમાં એડવાન્સ બુકિંગ કરાવીને કમ્ફર્ટેબલી જઈ શકાય છે. આ ઉપરાંત નજીકના કોઈ સ્થળ થઈ બસમાં પણ પહોચી શકાય છે. મદુરાઈ જે રામેશ્વરમ થઈ ૧૬૩ કી.મી દુર છે ત્યાં સુથી નજીકનું એરપોર્ટ છે જેના દ્વારા ફ્લાઈટ માં જઈ શકાય છે.
રામેશ્વરમ માટે સૌથી સરસ સમય ઓક્ટોબરથી માર્ચ છે અને ઓગસ્ટમાં પણ વાતાવરણ સરસ હોય છે. બાકીનાં સમયમાં ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આમ, રામેશ્વરમ તથા ધનુષકોડી જીવનમાં એક વાર તો જઉ જ જોઈએ.