Nagar - 14 books and stories free download online pdf in Gujarati

નગર - 14

નગર-૧૪

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇશાન વિભૂતીનગરમાં પોતાના ઘર, તપસ્વી મેન્શન પહોંચે છે. ઘરમાં તેને આવેલો જોઇ હરખનો માહોલ સર્જાય છે....બીજી તરફ આંચલ ચૌહાણને તેનો ભાઇ મોન્ટુ દરીયા કિનારેથી મળેલો અરીસો સોંપે છે. એ અરીસા ઉપર છાપેલા હોલમાર્કનાં નિશાનો વીશે આંચલ ગુગલમાં સર્ચ કરતી હોય છે ત્યારે અચાનક કોમ્પ્યુટર બંધ થઇ જાય છે....હવે આગળ વાંચો...)

ઇશાન તૈયાર થઇને નગરમાં ટહેલવા નીકળ્યો. તે એકદમ તરોતાજા અનુભવતો હતો. વહેલી સવારે પથારીમાં તેની આંખો ખુલી ત્યારે કમરાની બારી બહારથી સંભળાતા પક્ષીઓનાં મધુર કલબલાટનો અવાજ તેના કાને અફળાયો એ સાથે જ તેના મનમાં પ્રસન્નતા છવાઇ ઉઠી હતી. નહાઇને ફ્રેશ થયા બાદ તેણે ગ્રે કલરનું જીન્સ અને બ્લેક શર્ટ ચડાવ્યું. લોકો તેને હેન્ડસમ કહેતાં.....સ્ત્રીઓ તો ઠીક પરંતુ ઘણાં પુરુષો પણ ઇશાનને તાકીને જોતા. એ નજરોમાં ઇશાનની પર્સનાલીટીની ઇર્ષા સ્પષ્ટ ઝલકતી દેખાતી. ઇશાનનાં વ્યક્તિત્વમાં એક અલગ જ પ્રકારનો ચાર્મ હતો જે બીજાને તેની તરફ આકર્ષતો. જો કે તેમાં ઇશાનનો પોતાનો કોઇ ફાળો નહોતો. તપસ્વી પરીવારનાં પારીવારીક જીન્સમાંજ આ ગુણ વણાયેલો હતો. વંશ પરંપરાગત આ ખાસીયત તેમનાં કુટુંબમાં ઉતરી આવી હતી. ઇશાનનાં દાદા દેવધર તપસ્વી આ ઉંમરે પણ એટલાંજ જાજરમાન લાગતાં જેટલાં તેઓ તેમની યુવાનીનાં સમયે દેખાતા. એ અંશ તેમના દિકરા ગુલશનરાયમાં ઉતર્યો હતો... અને હવે એ વારસો ઇશાને બરાબર જાળવ્યો હતો. ઇશાનને વ્યવસ્થિત દેખાવા બહુ વધુ મહેનત કરવી પડતી નહી. એક તો તે હતોજ એટલો હેન્ડસમ , અને આ ઉપરાંત તે કપડા પણ તેનાં શરીર ઉપર ઓપે એવા પસંદ કરતો, જેના કારણે તેની પર્સનાલીટીમાં એક અલગ નીખાર આવતો.

સવારનો નાસ્તો પતાવીને દાદાની રજા લઇ તે એકલોજ નગરમાં ટહેલવા નીકળ્યો હતો. તે તેના દાદા સાથે માથુર અંકલને ત્યાં જવા માંગતો હતો પરંતુ દેવધર તપસ્વીએ તેને “ ના ” પાડી હતી એટલે તપસ્વી મેન્શનનાં ગેરેજમાંથી “ સ્વીફ્ટ ” કાર લઇ તેણે નગરની વચ્ચોવચ આવેલા ટાઉનહોલ તરફ કારને હંકારી હતી. વિભૂતી નગરનો ટાઉનહોલ ગામનાં પ્રતિષ્ઠિત ગણાતાં લોકોનાં મેળાવડા માટે ઉત્તમ સ્થળ હતું એટલે ત્યાં બધાને મળી શકાશે એ ઉદ્દેશથી ઇશાન ત્યાં જવા નીકળ્યો હતો. ખાસ તો તે આંચલને મળવા માંગતો હતો. એ ત્યાં હશે કે નહી એ તેને ખબર નહોતી. તેમછતાં તેને આશા હતી કે આંચલ જરૂર ત્યાં મળશે.

તપસ્વી મેન્શનથી ટાઉનહોલ પહોંચવામાં ગણીને માત્ર પંદર મીનીટ લાગી હતી. ઇશાને “ સ્વીફ્ટ ” ને ટાઉનહોલના પાર્કિંગમાં લીધી અને ગાડી પાર્ક કરી તે હોલનાં મુખ્ય દરવાજે આવ્યો. ટાઉનહોલની બિલ્ડિંગનાં કાચનાં એન્ટ્રન્સ ગેટની આગળનાં ભાગે વિશાળ પરીસર હતું. એ પરીસરમાં સફેદ ગ્રેનામાઇટના પથ્થરો બીછાવેલા હતા. તદ્દઉપરાંત ત્યાં વૃક્ષો અને વિવિધ પ્રકારનાં ફુલઝાડનાં છોડવાઓ રોપીને પરીસરને એકદમ સુંદર ઓપ અપાયો હતો. અત્યારે ટાઉનહોલના પ્રવેશગેટથી મુખ્ય હોલમાં પ્રવેશવાનાં ગેટ વચ્ચેનાં લાંબા કોરીડોરમાં બરાબર વચ્ચે મંડપ બાંધવાનું કામકાજ ચાલતું હતું. ઇશાન એ જોઇને અટકયો, અને ત્યાં બંધાતા મંડપ તરફ આગળ વધ્યો.....મંડપમાં બે-ત્રણ માણસો કામ કરી રહયા હતા. સામાન્ય કૂતૂહલતાવશ ઇશાન ત્યાં પહોંચ્યો.

“ અરે...! આમ આવતો....” ત્યાં કામ કરતા એક વીસ-બાવીસ વર્ષની ઉંમરના દેખાતા યુવાનને તેણે હાંક મારી. એ યુવાન તેનું કામ પડતું મૂકી ઇશાન પાસે આવ્યો. “ આ મંડપ શું-કામ બંધાઇ રહયો છે....? કોઇ પ્રોગ્રામ થવાનો છે કે શું....? ”

“ હાં સાહેબ, અહી આ ગામ જેમણે વસાવ્યું છે એ લોકોનાં પુતળા મુકાવાનાં છે. આ મંડપ એ માટે જ બને છે. મંડપ બની રહયા પછી પુતળાઓનું ઉદ્દઘાટન થશે.....” એ દેહાતી યુવાને ઇશાનને માહિતી આપી. ઇશાનને તેની વાત સાંભળીને હસવું આવ્યું, પણ તેણે હાસ્યને પોતાનાં મનમાંજ દબાવી રાખ્યું. તેને કહેવાનું મન થયુ કે પુતળાઓનું ઉદ્દઘાટન ન હોય...સન્માન સહીત તેનું અનાવરણ કરવાનું હોય.

“ ઓહ....! અચ્છા, ઠીક છે....! ” તે બોલ્યો. પેલો યુવાન ત્યાંથી હટીને ફરી પોતાના કામે લાગ્યો. ઇશાને ટહેલતાંજ આખા મંડપ ફરતે એક ચક્કર લગાવ્યું. મંડપ ઘણી મોટી જગ્યામાં બની રહયો હતો. ચાર ખૂણે તેના ખાંભા ઉભા કરી દેવાયા હતા. તેની ઉપર આડા બામ્બૂ નંખાઇ ચૂક્યા હતા અને હવે તેનાં ઉપર રંગીન કાપડ બાંધવાની તૈયારી થતી હતી. એ મંડપની બરોબર વચ્ચે લગભગ બાર બાય આઠનો આરસનો એક ઓટલો હતો. એ ઓટલો તાજો જ બન્યો હોય એવું જણાતું હતુ. એ ઓટલા ઉપર મૂર્તિઓ મુકવામાં આવશે એવું અનુમાન ઇશાને કર્યું. ત્યાંથી હટીને ફરીથી તે કોમ્યુનીટી હોલના કાચના દરવાજા તરફ આગળ વધ્યો. તેને ખબર હતી કે સવારના પહોરમાં અત્યારે નીચેના હોલમાં કોઇ નહી હોય, જે કોઇપણ હશે તે કદાચ ઉપરના માળે આવેલા લાઇબ્રેરીવાળા વિભાગમાં હશે...! તેનું એ અનુમાન સાચુ નીકળ્યુ, નીચેના ફ્લોર પર કોઇ વ્યક્તિની હાજરી જણાતી નહોતી. તે ઉપર લાઇબ્રેરીમાં જવાના દાદર તરફ આગળ વધ્યો. દાદર ચડી તે લાઇબ્રેરીમાં આવ્યો. લાઇબ્રેરીવાળો હોલ ખરેખર વિશાળ અને વેલ-મેઇન્ટેડ હતો. માળના ડાબી તરફના ભાગે નગરનું નાનકડું મ્યુઝીયમ હતું, જ્યાં તરેહ-તરેહની એન્ટીક વસ્તુઓ ટેબલો ઉપર વ્યવસ્થિત મુકાઇ હતી. તદ્દઉપરાંત મ્યુઝીયમની દિવાલો ઉપર ઢગલો ફોટોગ્રાફ્સને કાચની ફ્રેમમાં મઢાવીને ટીંગાડવામાં આવ્યા હતા. મ્યુઝીયમની બરાબર સામે, એટલે કે હોલની જમણી બાજુ લાઇબ્રેરી હતી. મ્યુઝીયમ અને લાઇબ્રેરી બંને એકજ હોલમાં હતાં અને તે બંને વચ્ચે કોઇ પાર્ટીશન કરાયું નહોતું...એટલે અહી આવનાર વ્યક્તિ તે બંનેની સગવડતાનો લાભ એકસાથે લઇ શકે એવી કોઇ ગણતરી તેમાં હતી.

ઇશાને લાઇબ્રેરી ભણી ડગલા ભર્યા.

*************************

એલીઝાબેથ મુંબઇ એરપોર્ટ ઉપર ઉતરી. ઇશાનનું સરનામું તેની પાસે હતું. તેણે એરપોર્ટથી વલસાડ, વિભૂતી નગરની કાર હાયર કરી અને કારમાં બેઠી. થોડીવારમાં કાર હાઇવે ઉપર આવી હતી અને ગુજરાતના રસ્તે આગળ વધી.

**************************

શંકર મહારાજે સાંજની ફ્લાઇંગ રાણી ટ્રેનમાં વલસાડનું બુકીંગ કરાવી લીધુ. હવે મુંબઇમાં વધુ રોકાવામાં તેમને સાર દેખાતો નહોતો. તેમનું મન ઉડીને કયારનું વિભૂતી નગર પહોંચી ગયું હતું. તેઓ ટ્રેનમાં બેઠા ત્યારે તેમને ખબર નહોતી કે હવે પછી કયારેય તેઓ વિભૂતી નગરની બહાર જઇ શકશે નહી. કુદરતે એક શતરંજની રમત બીછાવી હતી. એ રમત લોહીયાળ અને ભયાનકતાની ચરમસીમા સમાન નિવડવાની હતી.

*************************

પુસ્તકોની લેવડ-દેવડનું કાઉન્ટર લાઇબ્રેરીના એક કોર્નરમાં હતું. ઇશાન એ તરફ ચાલ્યો. કાઉન્ટર ઉપર એક યુવાન ટેબલ ઉપર મુકાયેલા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કંઇક ખાંખાખોળા કરી રહયો હતો. ઇશાનને નજદીક આવતો જોઇ તેણે સ્ક્રીન પરથી નજર હટાવી. પહેલી નજરેજ તે ઇશાનથી પ્રભાવીત થયો હતો.

“ યસ...? ” તેણે પુછયું. તેની આંખોમાં ઇશાન પ્રત્યે અહોભાવ છવાયો હતો. આટલો હેન્ડસમ યુવક આજ પહેલા તેણે કયારેય જોયો નહોતો. ઇશાનને જોઇને તેને હોલીવુડના એકટર ટોમ ક્રુઝની યાદ આવી ગઇ. જરૂરી ના હોવા છતા તે તેની ખુરશીમાંથી ઉભો થઇ ગયો હતો.

“ આઇ થીંક, અહી મી.ડીકોસ્ટા કામ કરતા હતા, અંકલ પીટર ડીકોસ્ટા....! મારે તેમનું કામ હતુ. કયાં છે તેઓ....? ” ઇશાને સીધુજ પુછયું. જોકે ઇશાનને પીટર અંકલનું અત્યારે કંઇ કામ નહોતું. તેને જસ્ટ એમજ, યાદ આવી ગયું અને પુછી લીધુ હતું. લાઇબ્રેરીમાં દાખલ થયા બાદ તેને નિરાશા થઇ હતી. અહીં એવું કોઇ હાજર નહોતું જેને તે ઓળખતો હોય....એટલેજ ટેબલ પાછળ ઉભેલા છોકરાએ જ્યારે તેને પુછયુ ત્યારે અનાયાસે જ તેને પીટર ડીકોસ્ટા અંકલ યાદ આવી ગયા હતા.

પરંતુ ઇશાનના સવાલથી પેલા યુવાનને જાણે સાપે સૂંઘી લીધો હોય એમ તે સ્તબ્ધ બની ગયો. તેનાં ચહેરા ઉપર દુનિયાભરનું આશ્ચર્ય પથરાયું હતું અને સામે ઉભેલો યુવાન અચાનક તેને ભેજાગેપ લાગવા માંડયો હોય એવા ભાવો તેનાં ચહેરા ઉપર આવ્યા.

“ તમે આ નગરનાં રહેવાસી નથી લાગતાં...? ” ઇશાનને જવાબ મળવાને બદલે સામો સવાલ પુછયો.

“ કેમ વળી....! હું અહીં જ રહું છું....! ” ઇશાનને તેનો સવાલ સમજાયો નહી.

“ તો તમને ડીકોસ્ટા અંકલ વીશે ખબર જ હોય.....! ”

“ શું ખબર હોય...? ” ઇશાનને ખરેખર અચરજ થયુ હતું. તેને સમજમાં આવ્યુ નહી કે એક સીધા-સાદા પ્રશ્નના જવાબમાં આ યુવાન આટલી લાંબી પળોજણ શું-કામ કરે છે.

“ એજ કે પીટર અંકલ અત્યારે કયાં છે....! ” તે યુવાન બોલ્યો.

હવે ઇશાનને અકળામણ થવા લાગી...અને સામે ઉભેલા યુવાન ઉપર ગુસ્સો પણ આવ્યો હતો. “ દોસ્ત...! વાત એમ છે કે હું પાંચ વર્ષ બાદ અહીં આવ્યો છું એટલે સ્વાભાવિક છે કે પીટર અંકલ વીશે મને ખબર ન હોય....! એટલે તું ઉખાણાની રમત છોડ અને સીધી વાત કર, નહીં તો હું બીજા કોઇને પુછી લઇશ....” ઇશાને ત્યાંથી જવા માટે પગ ઉપાડયા.

“ અરે....! એક મિનિટ ઉભા રહો....” પેલો યુવાન તેની ખુરશી છોડી, ટેબલને ગોળ ફરી બહાર આવી ઇશાન સામે ઉભો રહી ગયો. “ તમેતો નારાજ થઇ ગયા...! ” તે બોલ્યો. “ તમે બેસો. હું જણાવું... ” તેણે ઇશાનને ત્યાં મુકાયેલી ખુરશી ઉપર બેસાડયો અને ફરી પાછો તે પોતાની ખુરશી ઉપર ગોઠવાયો.

“ સોરી...! મને એમ હતું કે તમને પીટર અંકલ વીશે ખબર હશે. કારણકે વિભૂતી નગરના એકે-એક બાશિન્દાને એ ઘટના વીશે જાણકારી હોવાની જ. ”

“ કઇ ઘટના....? ” ઇશાનનું કુતુહલ ખરેખર વધતું જતું હતું. પેલા યુવાને ઇશાનને પાછલા બે-ત્રણ દિવસમાં નગરમાં જે ઘટનાઓ ઘટી હતી તેના વીશે વિસ્તારથી જણાવ્યું. પીટર અંકલના પુત્ર માર્ગીનું મોત થયું એ જાણીને ઇશાનને ભારે આઘાત લાગ્યો કારણકે માર્ગીને તે સારી રીતે ઓળખતો હતો...અને તેનાંથી પણ વધુ આશ્વર્ય અને આઘાત એ વાતે થયું કે માર્ગીના મોત સબબ્ પોલીસે રોશન પટેલને પકડયો હતો. તે જાડીયો રોશન પટેલ તેનો ખાસ ભાઇબંધ હતો. ખૂન તો શું....!, તે કયારેય એક માખી પણ મારી ન શકે તેની ઇશાનને ખાતરી હતી.

“ રોશન અત્યારે કયાં છે....? ”

“ ટ્રસ્ટની હોસ્પિટલમાં .... ” પેલા યુવાને કહયુ.

“ થેંક્સ દોસ્ત....” ઇશાન બોલ્યો અને ઉભો થયો. અચાનક તેને રોશન પટેલને મળનાનું મન થયુ હતું. ઉભા થઇ ઝડપથી ચાલતો તે લાઇબ્રેરીમાંથી બહાર નીકળ્યો. તેના મનમાં જાત-ભાતનાં વિચારોના વંટોળો ઉઠવા લાગ્યા હતા. લાઇબ્રેરીવાળા યુવાને તેને જે કહયું એ સાંભળીને તે ચક્તિ બન્યો હતો. પહેલા માથુર અંકલના ડોગ બ્રુનોનું બીભત્સ મોત, અને પછી જલપરીમાં ત્રણ-ત્રણ ખૂન...! તેનાં મનમાં કંઇ ગડ બેસતી નહોતી. બ્રુનોનાં મોતને જો એક કુદરતી ઘટના પણ ગણવામાં આવે તો જલપરીમાં થયેલા ખૂન કોઇ કાળે કુદરતી ગણાય નહી. અને એ ખૂન રોશને કર્યા હોય એ કોઇ કાળે તેનુ મન સ્વીકારવા રાજી થતું નહોતું. જોકે હજુ ઇશાનને ગઇકાલે બપોરે માથુર અંકલ સાથે જે બનાવ બન્યો તેની જાણકારી નહોતી નહીતર તે વધુ અચંભીત થયો હોત.

કોમ્યુનીટી હોલની બહાર પરસાળમાં હજુપણ પેલા લોકો મંડપ તૈયાર કરતા હતા. ઇશાન નીચે ઉતર્યો હતો અને પાર્કિંગમાં મુકેલી પોતાની કાર તરફ ચાલ્યો હતો. ચાલતા-ચાલતા અનાયાસે તે ઉભો રહી ગયો અને પાછા વળી તેણે મંડપ તરફ જોયું, અને પછી જોઇજ રહયો. એક ન સમજાય એવી લાગણી અચાનક તેને ઘેરી વળી. કંઇક હતું એ મંડપમાં જે તેને પોતાની તરફ ખેંચી રહયું હતુ. અહીંથી એ મંડપની વચાળે બનેલો ચોતરો તેને દેખાતો હતો. એ ચોતરા ઉપર મૂર્તિઓ મુકાવામા આવવાની હતી. અત્યારે એ ઓટલો ખાલી હતો. તેની બાજુમાં ઉભા રહીને એક મજુર મંડપ ઉપર ઢાંકવાનું કપડુ સરખુ કરતો હતો. ઇશાન લગભગ ધ્યાનસ્થ બનીને એ તરફ ચાલતી બધી ગતીવીધીઓને નીરખી રહયો હતો. કે, સાવ અચાનક....તે ઉછળી પડયો. વીજળીના જીવંત વાયરને ભૂલથી અટકાઇ ગયું હોય એમ તેણે એક ઝટકો અનુભવ્યો. તેના શરીરમાં એકાએક જોરદાર કરંટ પસાર થયો એમ તે પોતાની જગ્યાએ ઉભા-ઉભા જ ઉછળ્યો. તેની આંખોએ હમણાંજ એક અવિશ્વસનીય દ્રશ્ય જોયું. જેણે તેને ઉછળવા મજબુર કર્યો હતો. માત્ર એકાદ સેકન્ડ પુરતો એ દેખાયો હતો અને પછી જાણે હવામાં ઓગળી ગયો હતો.....પરંતુ, એક ક્ષણના એ સાક્ષાતકારમાં ઇશાન સંપૂર્ણપણે ખળભળી ગયો હતો. તેને વિશ્વાસ થતો નહોતો કે ભર-બપોરે, દિવસના અજવાળામાં આવું કોઇ દ્રશ્ય તેણે જોયું છે....!

હજુ હમણાંજ તે કોમ્યુનીટી હોલમાંથી બહાર નીકળી પોતાની કાર તરફ જઇ રહયો હતો. તેના મનમાં ન જાણે કેમ પણ એક ગડમથલ ઉઠી હતી અને તે ઉભો રહી ગયો હતો. તેણે પાછા ફરીને ત્યાં બંધાતા મંડપ તરફ જોયું. બધું નોર્મલ જણાતું હતું. ત્યાં અચાનક પેલા ચોતરાની ઉપર, મુર્તિઓ મુકવાના ઓટલા ઉપર, બરોબર વચાળે....એક “ ઓળો ” પ્રગટ થયો. ઇશાને બરાબર તેને નીરખ્યો હતો. સફેદ, હવામાં લહેરાતું, ધુમાડાનું બનેલું એક શરીર તે ઓટલા ઉપર એકાએક પ્રગટ થયુ હતું. તેનું શરીર પારદર્શક હતું. તેણે પહેરેલો લાંબો ડગલો હવામાં લહેરાઇ રહયો હતો. તે કોઇ પુરુષ હતો, લગભગ છ, સાડા-છ ફુટ ઉંચો અને ખડતલ પુરુષ. તેની આંખોનાં ગોખલામાં આગ સળગતી હતી. સળગતી આંખોએ તેણે ઇશાન તરફ જોયું હતુ. સેકન્ડથી પણ ઓછા સમય માટે તેની અને ઇશાનની આંખો આપસમાં મળી. ઇશાન ધ્રુજી ઉઠયો. આજ સુધી ભૂત-પ્રેત વીશે, ગેબી શક્તિઓ વીશે તેણે ઘણું સાંભળ્યું હતુ, ઘણુ વાંચ્યુ હતું....ભયાનક હોરર ફિલ્મો જોઇ હતી......પરંતુ પોતાની સગ્ગી આંખોએ એવું કોઇ દ્રશ્ય તેણે કયારેય જોયું નહોતું. તે મજબુત મનનો નીડર આદમી હતો. તેમછતાં અત્યારે ભયાનક ડરનું એક લખલખું તેનાં શરીરમાંથી પસાર થઇ ગયું. જાણે યુગો-યુગોથી તેઓ એકબીજાની નજરોમાં જોઇ રહયા હોય એમ સમય ત્યાં જ થંભી ગયો હતો. એક ક્ષણ એક યુગ જેવડી લાંબી બની....અને અચાનક એ પુરુષનો ઓળો અદ્રશ્ય થઇ ગયો. ઇશાન સ્તબ્ધ બની જોઇ રહયો. સ્વીચ દબાવાથી લાઇટ બંધ થાય, બરાબર એ રીતેજ એ ઓળો ત્યાંથી ગાયબ થઇ ગયો. ભયાનક ડરનો માર્યો ઇશાન ત્યાંજ થીજી ગયો. તેને પોતાની આંખો ઉપર વિશ્વાસ આવતો નહોતો કે તેણે જે જોયું તે એક હકીકત હતી કે પછી એ તેના મનનો કોઇ ભ્રમ હતો. જોરથી તેણે માથુ ઝટકાવ્યુ....આંખો ચોળી અને ફરી ચોતરા તરફ જોયું. ત્યાં બધુ પૂર્વવ્રત હતું. મંડપ બાંધવાવાળા માણસો હજુપણ ત્યાં કામ કરી રહયા હતા. તેઓને કદાચ કંઇ દેખાયુંજ નહોતું. શું તેને કોઇ ભ્રમ તો નથી થયોને....? તેણે પોતાની જાતને જ પ્રશ્ન પુછયો. મિનિટો સુધી તે ત્યાં જ ઉભો રહયો. સૂરજ તેના માથે આવીને તપતો હતો. નજીકમાં ઉગેલા ઘેઘૂર લીમડાનાં વૃક્ષનો આછો છાયો તેને એ તડકાથી રક્ષણ આપવા મથતો હોય એમ તેનાં શરીર ઉપર આવીને છવાયો હતો. મંદગતીએ વહેતા પવનમાં થોડો ઉકળાટ વર્તાતો હતો. કોમ્યુનીટી હોલનાં ચૌ-રાહા ઉપરથી પસાર થતા વાહનોનાં અવાજ ઇશાનના કાને અફળાઇ રહયા હતા.

“ પીપ...પીપ...” અચાનક એક કારનાં હોર્નનો અવાજ આવ્યો અને ઇશાન જાણે તંદ્રામાંથી બહાર નીકળ્યો હોય એમ વર્તમાનમાં પાછો ફર્યો. રોડ ઉપરથી એક કાર કોમ્યુનીટી હોલના ડ્રાઇ-વે માં વળી હતી. કારે અંદર ટર્ન વળતા હોર્ન માર્યો. એ હોર્નનાં અવાજથી ઇશાન સજાગ થયો હતો. તે જ્યાં ઉભો હતો ત્યાંથી તેણે એ કાર જોઇ હતી. કોઇ યુવતી તે કાર ચલાવી રહી હતી. ઇશાનને કારના ફ્રન્ટ કાચમાંથી તે કોઇ યુવતી હોવાનું માલુમ પડયુ, પરંતુ તેનો ચહેરો બરાબર સ્પષ્ટ દેખાયો નહી.

હમણાં જે ભયાનક અનુભવ તેને થયો હતો તેને ખંખેરી તેણે પાર્કિંગ પ્લોટ તરફ કદમ ઉપાડયા. તે પીટર ડીકોસ્ટાના ઘરે જવા માંગતો હતો. લાઇબ્રેરીવાળા યુવાને જણાવ્યું હતુ કે માર્ગીના મોતનો સખત આઘાત પીટર અંકલને લાગ્યો હતો. આઘાતના કારણે સુનમુન બની તેઓ પોતાના ઘરેજ બેસી રહેતાં હતા. ઇશાનને તેમની ખબર કાઢવાની ઇચ્છા હતી. પછી ત્યાંથી તે રોશન પટેલને મળવા હોસ્પિટલ જવા માંગતો હતો. તે ચાલતો પોતાની કાર પાસે આવ્યો. હમણાંજ અંદર દાખલ થયેલી કાર થોડે દુર પાર્ક થઇ હતી અને એ કારને ચલાવી રહેલી યુવતી કારનો દરવાજો ખોલીને બહાર આવી હતી. ઇશાને એ તરફ જોયું. મંદ પવનમાં ઉડતાં યુવતીના સુંવાળા વાળ તેના ચહેરા ઉપર આવતા હતા. હાથના હલ્કા-સા ઇશારે યુવતીએ વાળને ચહેરા ઉપરથી ખસેડી કાન પાછળ ધકેલ્યા. ઇશાન ફરી વખત એક ધબકારો ચુકી ગયો.

“ આંચલ....” તેના મોંમાંથી શબ્દો સર્યા.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED