(આપણે આગળના ભાગમાં જોયુ કે એક અજાણી સ્ત્રીને પ્રવીણ અને કલ્લુ બન્ને અકસ્માત થતા હોસ્પિટલ લઇ જાય છે જેથી તેના પપ્પા પાસે જતા તેને મોડુ થઇ જાય છે ત્યાં તેને તેના પપ્પાની ખરીખોટી સાંભળવી પડે છે, રસ્તામાં તેના પપ્પા તેના ગુસ્સાવાળા સ્વભાવ પર ગીલ્ટી ફીલ પણ કરે છે. તેના પપ્પા તેની મમ્મીની માંફી માંગવા પણ રાજી થઇ જાય છે. આ જાણી પ્રવીણ મનોમન ખુબ ખુશ થાય છે. ઘરે પહોંચી જાણવા મળ્યુ કે તેના મમ્મી ઘરે ન હતા. પ્રવીણ બહુ તપાસ કરે છે તેના મમ્મીની પણ કોઇ પતો ન લાગતા તે હોસ્પિટૅલ તરફ ભાગે છે જ્યાં પેલી લેડી એડમિટ હોય છે. હવે ચાલો આગળની સફરે......)
“મારા એકએક પગલે મને મનમાં એક ભય વ્યાપી રહ્યો હતો. વારેવારે ડોક્ટરના એ જ શબ્દો યાદ આવી રહ્યા હતા કે તે લેડી કાંઇક પ્રવીણ એવુ બોલી રહ્યા હતા. બસ મનમાં એક જ વાત આવી રહી હતી કે કાશ.... તે મારી મા ન હોય તો સારૂ પણ મમ્મી ઘરે ન હતા એટલે હવે ખાત્રી કરવી પણ જરૂરી હતી. “હું આઇ.સી.યુ. વોર્ડ તરફ ચાલે જઇ રહ્યો હતો ત્યાં ફરજ પર હાજર નર્સે મને રોક્યો. “હેલ્લો મિસ્ટર અંદર ટ્રીટમેન્ટ ચાલુ છે, તમે અંદર જઇ નહી શકો. “ “મેડમ મારે ડોક્ટરને મળવુ ખુબ જરૂરી છે, પ્લીઝ મહેરબાની કરીને મને ડો.મહેરાને મળવા દો.” “અરે તમને કહ્યુ ને કે તમે નહી જઇ શકો અંદર. પેશન્ટની હાલત ખુબ નાજુક મોડ પર છે, તેને બચાવવા માટે ડો.મહેરા અને તેમના સાથી ડોક્ટર્સ અંદર ટ્રીટમેન્ટમાં છે તો પ્લીઝ તમે તેને ડિસ્ટર્બ ન કરો તો સારૂ.” “બાય ધ વે મેડમ, એ લેડીના કોઇ સગા-વ્હાલાઓનો સંપર્ક થઇ શક્યો છે? હું આજે સવારે જ એ સ્ત્રીને અહી દાખલ કરાવવા આવ્યો હતો.” “ના ભાઇ હજુ સુધી તો કોઇનો પતો લાગ્યો નથી.” કહેતી નર્સ ત્યાંથી નીકળી ગઇ.
મને ચેન પડતુ ન હતુ. હું ત્યાં જ આટા મારવા લાગ્યો. એક જગ્યાએ બેસી શકું એવી પરિસ્થિતિમાં પણ ન હતો હું. ત્યાં કલ્લુ કોઇ પેશન્ટને ચા આપવા આવ્યો હતો તે મને જોઇને મારી તરફ આવ્યો. “સા’યબ શું કેમ છે પેલી બાઇને? લ્યો ચા પીવો.” “તેની હાલત બહુ નાજુક છે. મારે ચા નથી પીવી. મારે તો બસ તે સ્ત્રીને મળવુ છે.” હજુ અમે બન્ને વાત કરી રહ્યા હતા ત્યાં ડો.મહેરાને બહાર આવતા મે જોયા. હું દોડીને ડોક્ટર તરફ ભાગ્યો. કલ્લુ પણ મારી સાથે આવ્યો. “ડોક્ટર કેમ છે હવે એ બહેનની હાલત? કાંઇ સુધારો છે તેની હાલતમાં કે નહી? બની શકે તો પ્લીઝ મને મળવા દો’ને. મારે એ બહેનને મળવુ ખુબ જરૂરી છે.” મે બહુ ઉત્તાવળથી બધુ જાણવાની જીજ્ઞાશાવશ પુછી લીધુ.
“મિસ્ટર, આઇ એમ સોરી ટુ સે ધેટ શી ઇઝ નો મોર. અમે તે બહેનને બચાવવા માટે ખુબ પ્રયત્ન કર્યો પણ તે બચી ન શક્યા. રીઅલી વેરી સોરી ફોર ધેટ પણ મને એ ન સમજાયુ કે તમે કેમ એ બહેનને મળવા ઇચ્છો છો?”
“સર મારે.......મારે.......મારે.......”
“લુક મિસ્ટર, ગભરાઓ નહી, તમે મને તમારી સમસ્યા કહી શકો છો?”
“સર, મારા મમ્મી બપોરથી ઘરે નથી. આજુબાજુમાં તપાસ કરતા માલુમ પડ્યુ કે તેઓ ઘરેથી નીકળી ગયા છે પણ હજુ સુધી ઘરે આવ્યા ન હોય મારે એ જાણવુ છે કે તે મારા મમ્મી......” હું વચ્ચેથી જ બોલતા અટકી ગયો પણ મારો કહેવાનો મતલબ ડોક્ટર સમજી ગયા. “ઓ.કે. ચલો મારી સાથે.” કહેતા ડોક્ટર મને મુર્દાઘર તરફ લઇ ગયા. “જાઓ અંદર જઇને જોઇ લો.” કહેતા ડોક્ટરે મને અંડર જવાની પરમીશન આપી દીધી. “મુર્દાઘરમાં વચ્ચે ટેબલ પર બોડીને રાખવામાં આવી હતી. હું ભારે પગલે ત્યાં સુધી પહોંચ્યો. મારા પગ ધૃજતા હતા, હ્રદયમાં એક અલગ પ્રકારનો જ ધ્રાસકો હતો કે હે ભગવાન!! આ સ્ત્રી કોઇ બીજી હોય તો સારૂ. હું નજીક પહોંચ્યો અને મે તે બોડીના ચહેરા પર ઢાકેલુ કપડુ ઉઠાવવા ગયો કે મારા ફોનની રીંગ વાગવા લાગી. હોયુ તો પાપાનો ફોન હતો. મે ઉત્તાવળે ફોન રીસીવ કરી લીધો કે સાયદ મમ્મીના આવવાના ન્યુઝ આવી જાય તો આ કસોટીમાંથી પસાર થવુ નહી મારે.” “પ્રવીણ ક્યાં છે તું? એક બાજુ તારી મમ્મીના કાંઇ સમાચાર નથી અને તુ પણ કહ્યા વિના નીકળી ગયો. ક્યાં છે તુ? જલ્દી આવને મારા બાપ.” ગુસ્સો ભભુકવા લાગ્યો હતો પપ્પાનો. “પપ્પા હું મમ્મીને શોધવા જ આવ્યો છું અહી બાલા હનુમાન મંદિરે, બસ હમણા આવું જ છું તપાસ કરીને.” “ઝટ આવ ઘરે. તારી મા ની તો આજે હું ખબર લેવાનો છું ઘરે આવે એટલે. જો તુ આજે અને કહી દઉ છું કે આજે તુ પણ વચમા આવજે નહી, નહી તો મારાથી બુરુ કોઇ નહી થાય.” “હા પપ્પા. પ્લીઝ તમે ગુસ્સો ન કરો. હું હમણા જ આવુ છું. તમે તમારી હેલ્થનું ધ્યાન રાખો.” ફોન કપાઇ ગયો અને વળી મારા મનમાં તોફાન શરૂ થઇ ગયુ. કફન ચહેરા પરથી હટાવવુ કે નહી એ ગડમથલ ચાલવા લાગી. આંખ બંધ થઇ ગઇ. હાથ ધૃજતા આગળ વધ્યા અને કફન ચહેરા પરથી ખસેડી નાખ્યુ. હવે બસ મારા અને એ સ્ત્રીના ચહેરા વચ્ચે માત્ર મારી આંખની પાંપણ જ પડદો બની રહી હતી. એ હળવી આંખની પાંપણ પણ એ સમયે જાણે સવામણ જેટલી ભારે બની ગઇ હોય તેવો ભાસ મને થતો હતો. મનોમન ગાયત્રી મંત્રના ઉચ્ચારણ થવા લાગ્યા.
ઉચાટ અને ગડમથલ વચ્ચે મે બોડી પર ઢાંકેલુ કપડુ ઉઠાવ્યુ કે મારા રોમટા ઉભા થઇ ગયા. આંખો ચકરાવા લાગી, આખુ જગત જાણે ભમવા લાગ્યુ, કાશ...... મારી આંખોને કોઇ વહેમ થયો ન હોય એ વિચારે આંખોને ભુંસી નાખી પણ સામે જે સ્ત્રી હતી તેનો ચહેરો બદલાયો નહી, એ બીજુ કોઇ નહી પણ મારી જન્મદાત્રી માતા જ હતી મારી એ જ મા જેણે મને જન્મ આપ્યો અને અહી સુધી સારો વ્યકિત બનવા માટે મદદ કરી, મારા માટે થઇને પપ્પાની ડાંટ ફટકાર સહન કરી, ન સાંભળવાના શબ્દો સાંભળ્યા અને છેક સુધી મને કાંઇ ખબર પડવા પણ ન દીધી. મા............ શું થઇ ગયુ તને?” “અરે............ મા તુ મારી નજર સામે જ હતી, તારા અકસ્માત વખતે મે જ તને અહી સુધી લાવી હતી પણ હું તારા સ્પર્શને ઓળખી ન શક્યો. ધુળ છે મારા જીવન પર મા. નાનો હતો ત્યારે મને રમતા ઠેંસ લાગતી અને હું રડતો ઘરે આવતો ત્યારે મને થતા દુઃખ કરતા મને દુઃખી જોઇને તુ વધુ દુઃખ અનુભવ કરતી અને આજે તારી સાથે આવડિ ગંભીર અકસ્માત થઇ ગયો અને હું તારી સામે હોવા છતા કાંઇ ન કરી શક્યો.”
પ્રેયની આંખમાંથી આંસુનો શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા, જાણે અત્યારે જ તેની નજર સામે તેની માતાનો અકસ્માત થયો ન હોય તે જોઇ તેનુ તાદ્રશઃ વર્ણન કરી રહ્યો હોય તેવો બધાને એહસાસ થયો. ઓઝાસાહેબ,પ્રતાપભાઇ અને બધા સાથીમિત્રોની આંખ પણ પ્રવીણની દુઃખદ કહાની સાંભળી રડી પડ્યા. પ્રવીણની આંખો બંધ જ હતી અને તે પોતાની આપવીતી કહે જઇ રહ્યો હતો અને રડી પણ રહ્યા હતા, હેમરાજભાઇ પ્રવીણને સાંત્વના આપવા હાથ લંબાવ્યો પણ ઓઝાસાહેબે તેનો હાથ પકડી રોકી લીધો અને હળવેથી કહ્યુ, “વહી જવા દે તેના દુઃખને, બોલવા દે તેને આજે. વર્ષોથી હ્રદયના ખુણે ખુણે સંઘરેલી આ દુઃખની નદીને આજે મન મુકીને વહી જવા દે. તેને થોડુ સુકુન મળશે.” “અચાનક મારા ફોનમાં રીંગ વાગી, હું ફોન ઉપાડવાની હાલતમાં ન હતો. ઘડી ઘડી ફોનની રીંગ વાગી જ રહી હતી, ફોન જોયો તો પાપાનો ફોન હતો.
“હેલ્લો પાપા..... પાપા.....” મારો અવાજ ભારે હતો વાત કરતી વખતે. “અરે પાપા પાપા શું કરે છે? ઘરે ગુડાવુ છે કે તુ પણ તારી મા ની જેમ ક્યાંય બેસી ગયો? તારી મા મળી કે પછી નાહી નાખુ તેના નામનું?” “પ્લીઝ પાપા.... અત્યારે આમ તો ન બોલો. મારી મા..... મારી.....મા.......” પુરુ વાક્ય પણ હું બોલી ન શક્યો. “શું બાયુ ની જેમ રડે છે? શું થયુ એ કે મને. મારો મગજ હવે આસમાને પહોચે છે, જલ્દી ફાટ નહી તો ઘરે આવ્યો ત્યારે મારાથી ખરાબ કોઇ નહી થાય.” “પાપા પ્લીઝ, ભગવાનની ખાતર અત્યારે ચુપ રહો તો પગે લાગુ તમને. હું આવુ છું ઘરે પછી વાત કરીએ.” ફોન કટ કરી હું મારી માતાને આખરી વાર થોડીવાર મન ભરીને નીહાળી પછી બહાર નીકળ્યો ત્યાં સામે કલ્લુ ઉભો હતો. “સા’યબ શું થઇ ગ્યુ? કેમ આમ રડો છો? કોણ છે એ બાઇ? કાંઇ સમાચાર થયા એના ઘરનાઓના? અરે મારા ભાઇ આમ રડો નહી, આય તો આવા ઘણા અનાથ અને લાવારીશને આ રીતે મરતા જોયા છે મે. બાપલીયા હવે બઉ થ્યુ, ખમ્મા કરો હવે રડો નહી.” “કલ્લુ એ લાવારીશ નથી કે નથી અનાથ. તેનુ પણ ઘરબાર છે, તેના ઘરવાળા અને એક દીકરો પણ છે, પણ બીચાળી તેના પરિવારને તેના અંતિમ સમયે જોઇ પણ ન શકી.” “શું? તમને ખબર થઇ ગઇ? કોણ છે એ બધા? ક્યાં ગ્યા એ મુવા? બેચારી આવી મનની નબળી બાઇને આમ એકલી ઘરની બહાર રખડાવે છે તી કાંઇ સમજે છે શું એના મનમાં? મરી ગ્યા બધા. કીડા પડે ઇને ત...” “બસ કર કલ્લુ બસ કર, મને આમ શ્રાપ દેવાનુ બંધ કર. એક તો હું અભાગ્યો બની ગયો કે મારી જનેતાને ઓળખી ન શક્યો અને અંતિમ ઘડીએ મારી મા એકલવાયી થઇ ગઇ અને અત્યારે તું આમ મને કટુ વચનો સંભળાવે છે?” “અરે સા’યબ એમા વચ્ચે તમે ક્યાં આયવા? હું તો પેલી બાઇના સગાવહલાઓને કહું છું ને?” “કલ્લુ એ બાઇનો સગો અને વહાલો એકનો એક દીકરો છું હું. એ મારી જ મા છે જેને આપણે અહી લાવ્યા હતા અને આજે એ મારી સાથે નથી. ખોઇ બેઠો હું મારી માતા ને કલ્લુ ખોઇ બેઠો.” કહેતો હું તેને ભેટી રડી પડ્યો. “સા’યબ મને માફ કરજો હો. મારા જેવા અભણ ગમારને કાંઇ ખબર ન હોય એમ મન ફાવે એ બોલી ગ્યો તો મને માફ કરજો સા’યબ અને આમ દ્ખી ન થાઓ. તમારા મા ને વધુ દુઃખ થશે.”
“ત્યાર બાદ મે ડોક્ટરને બધી વાત કહી અને નિયમાનુસાર કાર્યવાહી કરી મારી માતાના દેહને ઘરે લઇ જવાની તૈયારી કરી. ડોક્ટરે પોસ્ટમોર્ટમ કરવાનુ હતુ એટલે મને બે કલાક બાદ મ્રુતદેહ મળશે તેમ કહ્યુ. મારે હવે ઘરે જઇ પાપાને આ બધી ઘટનાની જાણ કરવી જરૂરી હતી એટલે ડોક્ટરની રજા લઇ કલ્લુને કહીને હું ઘરે જવા નીકળ્યો.” “આવી ગયા લાડ સાહેબ નગરની સવારી કરીને? તુ અને તારી મા બેય એક જ સરખા છો. ઘરબારની ચિંતા વિના એક મા છે એ ગમે ત્યાં ભાટકવા નીકળી ગઇ અને કુંવર તેને શોધવાનું બહાનુ કરીને નીકળી ગયા, પછી ભલેને અહી આ બાપ મરી જાય. તમને ક્યાં કાંઇ પડી છે?” “મારી આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. મને એમ થતુ હતુ કે આજે તો જેટલુ મનમાં છે એ બધુ કહી દઉ કે આ બધુ તમારા કારણે જ થયુ છે પણ હું સમજતો હતો કે આ સમય યોગ્ય નથી એટલે મનને મક્કમ કરીને પાપાની બધી વાત સાંભળતો રહ્યો અને આંસુઓને પાડતો રહ્યો.” “હવે શું આમ બાયુની જેમ રડે છે? મોઢામાંથી ફાટીશ કે તારી મા ક્યાં છે? મળી કે નહી? કે પછી ગઇ ભગવાન પાસે? હવે તો થાકી ગયો છું તારી મા થી અને તેના સ્વભાવથી.” “થાકી ગયા છો ને? એ પણ થાકી ગઇ છે પાપા. તમારાથી અને મારાથી. આપણા બધાથી થાકીને તે હવે આરામ કરવા ઇચ્છે છે. એટલે જ તો એ ન આવી મારી સાથે. મે તેને ઘણું કહ્યુ, ઘણી સમજાવી, જગાવવાની કોશિષ કરી પણ બધુ વ્યર્થ પાપા. મા એ ન તો મારી વાત સાંભળી કે ન તેની આંખ ખોલી. બસ તે તેની મીઠી ઊંઘમાં જ રહી.” “ક્યાં મરી છે તારી મા? મને કે ક્યાં છે એ? હમણા હાથ પકડીને ન લઇ આવુ તો મુંછો મુંડાવી નાખુ મારી. એમ શું ન આવે? ઘરબાર છે તેનો, સંસાર છે અને એ બધી જવાબદારી છોડીને તેને આરામ જોઇએ છે?”
“પાપા તેની પાસે પહોંચવુ હવે અશક્ય છે. તે આપણે નહી મળે હવે. ભવોભવના બધન અને આ સંસારની જવાબદારીઓથી પર થઇ ગઇ છે મારી મા. હવે નથી તેને કોઇ ઘરબાર કે નથી તેની કોઇ જવાબદારીઓ કે નથી તેનો કોઇ પરિવાર. બસ તે એકલી જ ચાલી નીકળી છે આપણે છોડીને પાપા.” “શું બકે છે તુ કાંઇ ગતાગમ છે કે નહી? ચોખવટ કર ક્યાં ગઇ તારી મા. મારી સામે આમ આડુ અવળુ ન બોલ.”
“તમારે સંભળવુ જ છે ને તો સાંભળો. તમારા આ ચિડિયા સ્વભાવથી થાકી હારીને મારી મા અને તમારી પત્ની આપણે બન્નેને હંમેશાને માટે છોડીને જતી રહી છે. આ સંસાર, આ મોહમાયા અને આ બધી જવાબદારીઓને પડતી મુકીને મારી મા ઇશ્વરને પામવાના અનંત માર્ગે નીકળી ચુકી છે પાપા એ નીકળી ચુકી છે. સમજ્યા કે નહી?” આંસુઓના પુર વચ્ચેથી મારા આ વેધક શબ્દો જેમજેમ નીકળતા હતા તેમ તેમ પાપાના ચહેરા પર પણ ગમગીનીના ભાવ અંકિત થતા હું જોઇ રહ્યો હતો. “પાપા મારી મા આપણે છોડીને જતી રહી પાપા એ જતી રહી. હવે ક્યારેય નહી આવે એ આ ઘરે.” બોલતો હું પાપાને ભેટી પડ્યો. “નહી આવે મારી મા ક્યારેય મારી પાસે નહી આવે.” પ્રવીણભાઇ બોલતા બાજુમાં બેઠેલા ઓઝાસાહેબને ભેટી રડી પડ્યા. “બસ કર દીકરા બસ. મા તો મા છે, તેનો હાથ આપણા પરથી જ્યારે ઉઠે છે ત્યારે સહન કરવાની બધી શક્તિઓ છિન્ન ભીન્ન થઇ જાય છે. ગમે તેવો કઠણ દિલનો માણસ હોય એ પણ મનથી ભાંગી જાય છે જ્યારે મા આપણો સાથ છોડે છે ત્યારે.” ઓઝાસાહેબે પ્રવીણભાઇને સાંત્વના આપતા કહ્યુ. “હા પ્રવીણ તારો જીવ કોચવાવ નહી. મા-બાપ તો જ્યાં હોય ત્યાં પણ તેના આશિર્વાદ હંમેશા આપણી સાથે જ હોય છે, તારુ આ રીતે રડવાથી તારા માતા-પિતાને કેટલુ દુઃખ થશે એ તને ખબર છે? હું એમ નથી કહેતો કે જે થયુ તે ભૂલી જા, પણ એ બધુ યાદ કરીને દુઃખી થશે તો તારા માતા-પિતા કેટલુ દુઃખી મહેસુસ કરશે તે તને ખબર છે???” હેમરાજભાઇએ પ્રવીણને સમજાવતા કહ્યુ “હા અંકલ તમે આમ રડો નહી, તમારુ આ રીતે રડવુ અમને નહી ગમે. પ્લીઝ તમે શાંત થઇ જાઓ.” પાર્થ,વ્રજેશ અને શિલ્પાએ કહ્યુ. “આઇ એમ ઑલરાઇટ મિત્રો. ઇટ્સ ઓ.કે.” પ્રવીણભાઇએ આંખોને પોંછતા કહ્યુ. આજે પ્રવીણભાઇની વાતો સાંભળતા ખુબ મોડુ થઇ ગયુ હતુ એટલે બધાએ વાતને અહી જ અટકાવી ઘરે જવાનુ નક્કી કર્યુ. બધા લોકો તેની મંજીલ તરફ જવા નીકળ્યા અને પ્રવીણભાઇ તેની માતાની યાદમાં બાલા-હનુમાને ચાલતી અખંડ રામધુનમાં મગ્ન બની ગયા અને ખરા અર્થમાં તેમની માતાને શ્રધ્ધાંજલી આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
To be continued……………