કોફી હાઉસ - ૧૭ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - ૧૭

કોફી હાઉસ પાર્ટ – 17

વિષય – લવ સ્ટોરી

“અમે બન્ને તે લેડીને રીક્ષામાં લઇ હોસ્પિટલ લાવ્યા. રીક્ષામાં પાછળ કલ્લુ તે સ્ત્રીને લઇને બેસી ગયો અને હું આગળ રીક્ષાવાળા ભાઇની બાજુમાં બેસી ગયો. હજુ તો રીક્ષા ચાલુ થઇ ત્યાં મારા ફોનની રીંગ વાગવા લાગી, જોયુ તો પાપાનો કોલ હતો, મે ફોન કટ કરી નાખ્યો પણ તરત જ પાપાનો કોલ આવ્યો. હવે વારેવારે પાપાના કોલ આવી રહ્યા હતા.

હોસ્પિટલ પહોંચતા જ મે રીક્ષાવાળાને પૈસા ચુકવ્યા અને ક્લ્લુને પાંચ મિનિટમાં આવુ એમ ઇશારો કરતો હું હાર્ટ વિભાગ બાજુ ભાગ્યો, મનમાં ડર હતો કે અકારણ પાપા ત્યાં હોસ્પિટલમાં ગુસ્સે ન થઇ બેસે.

“ હું દોડીને પેલી લેડી પાસે ગયો ત્યાં ડોક્ટર મહેરા બહાર ઉભા કલ્લુ સાથે વાત કરી રહ્યા હતા. “આ લો સાહેબ આવી ગયા. ડોક્ટર સાહેબ તમે આ પ્રવીણભાઇને જ બધુ સમજાવો. હું રહ્યો અભણ માણસ. મને કાંઇ વધુ ખબર ન પડે.” “હા ડોક્ટર સાહેબ કહો શું કહેતા હતા તમે?” “મિસ્ટર તમે શું સબંધમાં થાઓ છો આ બહેનને?” “સાહેબ બસ અડધી-એક કલાકની ઓળખ છે મારી તો એ બહેન સાથે. મે હમણા જ થોડી વાર પહેલા તેમને રસ્તામાં બહુ દુઃખી હાલતમાં રસ્તે ભટકતા જોયા હતા. હું કલ્લુને ત્યાં નાસ્તો કરતો હતો ત્યાં માણસોની ભીડ જામી હતી, અમે બન્નેએ જોયુ કે એ મેડમને ખટારાએ બહુ ખરાબ રીતે ઠોકર મારી હતી એટલે બસ માનવતાના સબંધે હું તેને અહી લાવ્યો છું સાહેબ. મે તો હજુ તેમનો ચહેરો પણ જોયો નથી.”

“બહુ સારુ કર્યુ તમે જેન્ટલમેન. દર્દીને બહુ ભયંકર ઇજા પહોંચી છે. હાલ બહુ ખરાબ હાલત છે, કાંઇ કહી શકાય તેમ નથી કદ્દાચ બચે પણ નહી એટલી ક્રીટીકલ હાલત છે પેશન્ટની.” ડોક્ટર મહેરાએ પેલા લેડીની હાલતનુ વિવરણ કરતા કહ્યુ. “સાહેબ મારી પાસે તો બહુ સમય છે નહી. હું તો હમણા અહીથી નીકળી જવાનો છું પણ આ લેડી કોણ છે તેની ઓળખ ન થાય તો પણ શું તેનો ઇલાજ અહી શક્ય બની રહેશે?” મે મારી મુંઝવણ વર્ણવતા ડોક્ટર સાહેબને પુછ્યુ. “લુક મિસ્ટર, ટ્રીટમેન્ટ તો શક્ય છે જ પણ આ લેડીની હાલત બહુ ક્રીટીકલ છે તો તેમના ફેમિલી મેમ્બર્સની શોધ કરવી તો જરૂરી જ છે.ભગવાન ન કરે કાંઇ થઇ જાય આ લેડીને તો જવાબદારી કોણ લે? ઠીક છે સાહેબ, હું તપાસ કરૂ આસપાસ કે કોઇને કાંઇ ખબર હોય તો કાંઇક ક્લ્યુ મળી રહે.” એમ કહી હું પાપા પાસે ગયો અને જોયુ કે પાપા મારી જ રાહ જોતા ત્યાં બેઠા હતા. મારુ ધ્યાન હજુ પેલી લેડીમાં જ હતુ. મન સતત બેચેન હતુ કે તે લેડીનુ કોઇ સગુ-વ્હાલુ મળી જાય તો સારૂ, હે ભગવાન હવે તુ જે કરીશ એ સારૂ.” “આવી ગયા શહેજાદે પ્રવીણકુમાર??? બરોબર જ્મ્યા ને? પેટ ખાલી હોય તો કહો શહેનશાહ, હું કાંઇક મંગાવી આપુ?” પાપાના વચનથી મારુ ધ્યાન ભંગ થયુ. “પાપા જરા રોડ પર અકસ્માત થયો હતો ત્યાં......” “તારો બાપ અહી એકલો પડ્યો હોય અને તુ ત્યાં રોડ પરની કથા કરવા બેસી જાય છે, હવે ખબર છે મને બધી તારી, લાગે છે સિગારેટ કે તંબાકુના વ્યસને ચડી ગયો હશે તે આટલી વાર ત્યાં બેઠો રહ્યો.” “ના પાપા સાચે જ કોઇ લેડીનો અકસ્માત થયો હતો, બીચારી એકલી હતી તો હું અહી તેને દવાખાને લઇ આવ્યો એટલે મોડુ થઇ ગયુ મને, બીજી કોઇ આડી અવળી આદતો નહી મને. મે હસીને જ કહ્યુ. “બહુ સારૂ સેવારામ. હવે ચાલ ઘરે અને મારે ચા પીવી છે અહી બહારની હોટલે એટલે જરા ત્યાં જરા થોભજે. હવે એમ ન કહેજે કે ચા પણ નહી પીવાની મારે, એ તો લઇ શકુ કે નહી?” તેમના સ્વભાવમાં ચિડિયાપણુ દેખાઇ આવતુ હતુ પણ મે મારી જાતને કન્ટ્રોલ કરવાની મહેનત કરી. “હા પાપા હા. ચાલો ચા પીવા, હું તમને સરસ કડક ગરમાગરમ ચા પીવડાવું.” કહેતા હું અને પાપા કલ્લુની દુકાને પહોંચ્યા. “કલ્લુ મસ્તીની ગરમાગરમ ચા પીવડાવ જલ્દી.પાપાને પીવી છે તો જરા નવી બનાવજે.”

“હાસ્તો સાહેબ, બેસો હમણા જ બનાવુ.” કહેતો કલ્લુ ચા બનાવતા વાતો કરવા વળગ્યો મારી સાથે. “શું સાહેબ, પેલી બાઇને કેમ છે હવે? કાંઇ ખબર મળી તેના ઘરનાઓની?” “હાલત બહુ ખરાબ છે કલ્લુ પણ હજુ કાંઇ ખબર પડી નહી કે એ કોણ છે, ક્યાંથી આવે છે, શું વાંધો હતો??? ભગવાનને જ ખબર હવે તો.” “હા સા’યબ ભગવાન કરે બીચારી બાઇના ઘરવાળાની ખબર પડી જાય તો, નહી તો શું થાશે એનુ? બીચારા એ લોકો તેને ક્યાંક ભાળતા હશે, તેને તો ખબર પણ નહી હોય કે આ બીચારી તો અહી દવાખાને તેના છેલ્લા શ્વાસ ગણતી હશે,” કલ્લુ બોલતા તો બોલી ગયો પણ એકાએક તેને ભાન થયુ કે આ રીતનું અમંગળ બોલવુ ન જોઇતુ હતુ તેને. મારુ મન વારેવારે તે સ્ત્રીની ખબર કાઢવા માટે મથતુ હતુ પણ જો હવે અંદર જઉ તો પાપા નાહક ગુસ્સો કરવા લાગે એ વિચારે હું ત્યાં બેસી રહ્યો. “પ્રવીણ મારી ફાઇલ લાગે છે હું અંદર ભૂલી ગયો છું, જરા જઇને લઇ આવ ત્યાં સુધીમાં હું ચા પી લઉ.” પાપાએ કહ્યુ અને મને જોઇતુ હતુ એ મળી ગયુ તેમ હું દોડીને ફાઇલ લેવા નીકળી ગયો. પેલા હાર્ટ વિભાગમાં જઇ ત્યાં ફરજ પર હાજર કર્મચારી પાસેથી પાપાની ફાઇલ મેળવી સીધો વોર્ડ તરફ ભાગ્યો જ્યાં પેલી સ્ત્રીને એડમિટ કરાવી હતી મે અને કલ્લુએ. “સાહેબ પેલા બેનને હવે કેમ છે? શું કોઇ સગુ-વ્હાલુ મળ્યુ તેમનું?”

“નહી, હજુ સુધી તો કાંઇ પતો મળ્યો નથી અને તેની હાલત ખુબ જ ક્રીટીકલ છે. તે બેનને બચાવવા અમે પ્રયત્ન તો કરીએ છીએ પણ લાગે છે માનસિક તે એટલા ભાંગી ગયા છે કે તેનુ બોડી કોઇ રીકવરી લેવા સક્ષમ જ ન હોય. હમણા થોડીવાર પહેલા હોંશ આવ્યુ ત્યારે કાંઇ બોલબોલ કરી રહ્યા હતા, સમથીંગ પ્રવીણ એવુ કાંઇક નામ બોલી રહ્યા હતા.”

“પ્રવીણ નામ સાંભળતા જ હું જરા અચંભામાં પડી ગયો કે એ સ્ત્રીને મારુ નામ કઇ રીતે આવડતુ હશે? પણ પછી બહુ એ બાબતે ન વિચારતા મે ડોક્ટર પાસે તે સ્ત્રીને મળવા માટે રજા માંગી પણ તે અન્ડર ટ્રીટમેન્ટ હોવાથી મને મળવા દેવાની ડોક્ટરે રજા ન આપી. અને હું પણ બહુ આગળ વિચાર્યા વિના ત્યાંથી જવા નીકળી ગયો. “આટલી વાર લાગે એક ફાઇલ શોધતા? ફાઇલ શોધવા ગયેલો કે નવી ફાઇલ બનાવવા?” આવતાવેંત જ પાપાના ગરમાગરમ શ્લોક મને સાંભળવા મળ્યા. “ના પાપા, બસ જરા ડોક્ટર સાહેબ સાથે તમારી આવતીકાલની કસરતનો સમય ફિક્સ કરવાનો હતો તે મોડુ થઇ ગયુ.” “હા હવે બહુ આવ્યો તે સમય નક્કી કરવાવાળો તે ચલ જલ્દી ઘરે, અને આ શું તે તારી મા માટે કચોરીઓ પેક કરાવી છે? મને તો કાંઇ ખાવા દેતો નહી અને તેના માટે ગરમાગરમ કચોરીઓ પેક કરાવે છે? વાહ....” “હા પાપા તમે પણ આજે ચાખજો કચોરી બસ હવે તો ખુશ ને? તમે અને મમ્મી બન્ને સાથે બેસીને આજે કચોરીનો લુફ્ત ઉઠાવજો.”

“હવે રહેવા દે રહેવા. મને તો લુખુસુખુ ખાવાની આદત પડી ગઇ છે. તમે બન્ને જ ખાઇ લેજો કચોરીઓ અને આમ પણ આજે મારા ગુસ્સાથી તે કે તારી મા એ કાંઇ ખાધુ પણ નહી ને?”

“ત્યારે પાપાના હ્રદયમાં મમ્મી માટે અને મારા માટે કુણી લાગણી જોઇ મને ખુબ આનંદ થયો. કહેવાય છે ને કે જ્યારે આપણા કારણે કોઇને ઠેંસ પહોંચે પછી આપણે મનોમન પસ્તાવો તો થાય જ છે તેમ પાપાને પણ પસ્તાવો થતો મને આજે તેમની આંખમાં દેખાયો. મમ્મી માટેની તેમના દિલમાં લાગણી મને આજે તેમની આંખોમાં ઉભરતી દેખાઇ. “હા ચાલો પાપા જલ્દી.” કહેતા મે એક રીક્ષાવાળાને ઉભો રાખ્યો અને અમે બન્ને ઘર તરફ જવા નીકળ્યા.

“દીકરા એક વાત પુછું છું તને, મને સાચેસાચો જવાબ આપીશ?” "હા પપ્પા, પુછો ને. મે કોઇ દિવસ તમારી સામે જુઠ બોલવાની હિમ્મત કરી છે તે આજે આવી ગુસ્તાખી કરું? ‘તમે મા દિકરો બન્ને મારાથી કંટાળી ગયા છો ને?” “અરે પાપા, આમ કેમ કહો છો? આવુ ન બોલો પ્લીઝ.” “ના દીકરા, સાચી વાત પુછું છું અને આશા રાખુ છું કે તુ પણ મને સાચો જ જવાબ આપે.” પાપાને આટલા વર્ષોમાં પહેલી વખત આ રીતે ભાવુક થતા મે જોયા. “પાપા મને ખબર છે કે તમે પણ આ બિમારીથી કંટાળી ગયા છો અને હું એ પણ જાણું છું કે બિમારી માણસને મનથી ભાંગી નાખે છે અને આવી હાલતમાં તમારુ દુઃખી થવુ અને અમારા પર ગુસ્સે થવુ વાજબી છે પણ સાચુ કહુ પાપા, તમારા આ ગુસ્સાભર્યા વર્તનને કારણે મમ્મી બહુ દુઃખી થઇ જાય છે. મમ્મીને મે ઘણી વખત ખુણે બેસી એકાંતમાં રડતા જોયા છે. તમે મારી પર ગમે તેટલો ગુસ્સો કરો પણ બની શકે તો મમ્મી સાથે પ્રેમપુર્વક વ્યવહાર કરો એવી મારી ઇચ્છા છે. “હા દીકરા, હું પણ ઇચ્છું છું કે તારી મા સાથે હું આવો શુષ્ક વ્યવહાર ન કરું પણ શું કરું, આદતથી મજબુર છું. તારી મા સાથે આવો વ્યવહાર કર્યા બાદ મને પણ મનોમન ખુબ જ દુઃખ થાય છે પણ સાચુ કહું તારી મા સાથે દિલ ખોલીને કોઇ દિવસ વાત કરી શકતો નથી અને તારી મા સામે માંફી માંગી શકતો નથી.” “હમ્મ્મ્મ્મ તો એક કામ કરો. આજે તમે ખુદ મમ્મીને તમારા હાથેથી આ કચોરી ખવડાવજો એટલે મમ્મી ખુબ જ ખુશ થશે અને તમારે માંફી પણ માંગવી નહી પડે. મમ્મી ખુબ ખુશ થઇ જશે તમારો આવો વ્યવહાર જોઇ ને.” મે પાપાને કચોરીઓનુ પેકેટ બતાવતા કહ્યુ. “હા એ વાત સાચી બેટા. ચાલ આજે તો તારી મા ને હું મારા હાથે જ કચોરીઓ ખવડાવીશ અને તેને ખુશ કરી દઇશ.”

“વાહ ભગવાન વાહ, તારી લીલા તો અપરંપાર છે. આજે પાપાનું આવુ વર્તન જોઇ ખુબ આનંદ આવી ગયો ભગવાન. લાગે છે હવે બધુ સારૂ થઇ જશે. આજે મમ્મી પણ પાપાનો આવો સ્વભાવ જોઇ ખુબ આનંદિત થઇ ઉઠશે અને ભૂતકાળને ભૂલી વર્તમાનને વધાવી લેશે મારી મા.” હું મનોમન કુદરતને બે હાથ જોડી બેઠો. વાતોમાં ને વાતોમાં ઘર આવી ગયુ તે ખબર પણ ન પડી.

ઘરે પહોંચી જોયુ તો તાળુ લટકતુ હતુ. મમ્મી આજુબાજુમાં ગયા હશે માટે મારી પાસે રહેલી એક્સ્ટ્રા ચાવીથી મે લોક ખોલી હું અને પાપા અંદર ગયા.

“પાપા તમે આરામ કરો. લાગે છે મમ્મી બજાર ગયા છે, એ હમણા આવી જાય એટલે આપણે બન્ને તેમને સરપ્રાઇઝ આપીશું, શં કહો છો તમે?” “હા બેટા. આજનો આ દિવસ તારી મા ને આજીવન યાદ રહે એવુ કરવાનુ છે આપણે. મને જરા શીખવાડજે આપવાનુ, પેલુ શું કહ્યુ તે સરપ્રાઝ..” “પાપા સરપ્રાઝ નહી સરપ્રાઇઝ.” હું કહેતો હસી પડ્યો. “હા દીકરા હા, એ જ સરપ્રાઇઝ.” બોલતા બોલતા પાપા પણ હસી પડ્યા. હું તો પાપાને હસતા જોતો જ રહી ગયો. ઘણા સમય બાદ આજે પાપાને આ રીતે હસતા મે જોયા. હવે તો મમ્મી આવી જાય અને તે પણ પાપાનું આ રૂપ જોઇ લે તો જાણે આજે તો તેને દિવાળી આવી.

“આજે મારે મન ખુશીનો કોઇ પાર ન હતો. મમ્મીની હું કાગડોળે રાહ જોઇ રહ્યો હતો કે ક્યારે મમ્મી બજારેથી આવે અને પાપા મમ્મીને સરપ્રાઝ આપે...” હું પણ મનોમન હસવા લાગ્યો. લગભગ એકાદ કલાક થવા આવી છતા મમ્મી હજુ સુધી આવી નહી એટૅલે મને ચિંતા થવા લાગી કે મમ્મી કોઇ દિવસ આટલો સમય બહાર જાય નહી પણ આજે કેમ હજુ સુધી મમ્મી આવી નહી હોય??? હું વારે વારે બારીમાંથી બહાર પડતા રોડ પર નજર કરે જઇ રહ્યો હતો પણ મમ્મી ક્યાય નજર આવતી ન હતી. “પ્રવીણ એ પ્રવીણ , આ જો તો છ વાગવા આવ્યા પણ હજુ તારી મા ન આવી. કોઇ દિવસ તો એ આમ બહાર જાય નહી ને આજે જ ક્યાં જતી રહી? મને તો આ કચોરીઓ વિષે વિચારતા જ મોઢામાં પાણી છુટવા લાગે છે.” “હા પાપા હું પણ એ જ વિચારુ છું કે આજે મમ્મી ક્યાં રોકાઇ ગઇ હશે તે આટલી વાર લાગી ગઇ? સાયદ આજુબાજુવાળા સ્ત્રીઓ સાથે બાલા હનુમાન સુધી દર્શને ગઇ હશે. એક કામ કરું છું હું બાજુવાળા જયા આન્ટીને પુછી આવુ છું.” કહેતો હું બાજુના ફ્લેટમાં રહેતા જયા આન્ટીને ત્યાં મમ્મીની પુછપરછ માટે ગયો. “દીકરા હું તો આજે કમરનો દુખાવો હતો તે બહાર જ નીકળી નથી પણ ઉપરવાળા રમીલાબેન વાત કરતા હતા કે તારા મમ્મી બપોરના સમયે બહાર એકલા જતા તેણે જોયા.” હું દોડતો રમીલા આન્ટીને ત્યાં ગયો. “હા દીકરા હું જ્યારે બપોરે બહારથી આવતી હતી ત્યારે મે તારા મમ્મીને જોયા હતા, મે તેમની સાથે વાત કરવાની કોશિષ કરી પણ સાયદ તે હતાશ હોય તેવુ મને જણાયુ. તેઓ કાંઇ પણ વાતચીત કર્યા વિના બહાર જતા રહ્યા. “હવે મારા મનની બેચેની વધવા લાગી હતી. આ બધા સાથે વાત કરતા મને ટેન્શન વધી ગયુ હતુ, મનમાં ખરાબ વિચારો આવી રહ્યા હતા પણ મહાપરાણે બધા વિચારોને પડતા મુકી મમ્મીની તપાસમાં લાગી ગયો.

આજુ બાજુ બધાને પુછી લીધુ પણ કોઇને મમ્મી વિષે કાંઇ ખબર ન હતી. મને પરસેવો છુટવા લાગ્યો. વારેવારે મારા મનમાં ડોક્ટરના શબ્દો ઘુમરાઇ રહ્યા હતા કે પેલા સ્રીના મોઢે મારુ નામ કેમ આવી ગયુ હતુ?” “મને અવારનવાર અમંગળ વિચારો આવી રહ્યા હતા. મારા પગ સમર્પણ હોસ્પિટલ બાજુ જવા મથી પણ રહ્યા હતા અને પગ થંભી પણ રહ્યા હતા. મન ગડ્મથલો વચ્ચે ચકરાવા લઇ રહ્યુ હતુ પણ હવે એકવાર ત્યાં જઇને તપાસ કરવી એ જરૂરી પણ હતી. પાપાને આ બધી વાત કરવી કે કેમ એ બાબતે પણ હું દ્વિધામાં હતો. છેલ્લે તેમને કાંઇ કહેવુ નહી એવો મક્કમ નિર્ણય લઇને હું હોસ્પિટલ તરફ નીકળવા મે પગ ઉપાડ્યા. એક એક પગલે મને ટેન્શન વધવા લાગ્યુ હતુ. મન કહેતુ હતુ કે એ સ્ત્રી મમ્મી નહી જ હોય કારણ કે મમ્મી આટલી હિમ્મત ક્યારેય હારે જ નહી પણ બીજી બાજુ એ પ્રશ્ન પણ ખાઇ રહ્યો હતો કે તે સ્ત્રી પ્રવીણ શબ્દ કેમ બોલ્યા હશે?

“અરે નહી નહી, એવુ પણ બને કે એ સ્ત્રીના કોઇ સગાવ્હાલાનુ નામ પ્રવીણ હોઇ શકે.” અચાનક મારા મોઢેથી આ શબ્દો નીકળી ગયા. “શું સાહેબ ક્યાં ખોવાઇ ગયા છો? કોનું નામ પ્રવીણ હશે?” મારા આ રીતે અચાનક બોલવાથી રીક્ષાવાળો પણ મને પુછી જ બેઠો. “કાંઇ નહી ભાય. હું જરા બીજા વિચારમાં હતો. પ્લીઝ જરા જલ્દી કરજો ને, મારે અર્જન્ટલી સમર્પણ પહોંચવુ જરૂરી છે.” મનમાં ઉપડેલા તોફાનને સમાવવા મારે જલ્દી પહોંચવુ જરૂરી હતુ.

“જેમ જેમ હોસ્પિટલ નજીક આવી રહી હતી તેમ મારા મનમાં પ્રશ્નોનો મારો વધવા લાગ્યો. હોસ્પિટલ પહોંચતા જ રીક્ષાવાળાને પૈસા આપી છુટ્ટા લેવાની પણ તસ્દી લીધા વિના હું અંદર જવા દોડ્યો.” “અરે સા’યબ આટલી હળબળાટીમાં ક્યાં ભાગે જાઓ છો?” રસ્તામાં મને ક્લ્લુ મળ્યો તે મારો હાથ પકડી મને પુછવા લાગ્યો. “કલ્લુ કલ્લુ ભાઇ અત્યારે મારે બહુ જરૂરી કામ છે, હમણા મને જવા દે. પછી બધી વાત કરીશ તને.”

“ઠીક છે પણ એ તો કહો કે તમારા મા ને કચોરી ભા’યવી કે નહી?” “કલ્લુ મને જાવા દે પ્લીઝ. “ કહેતો હું તેનો હાથ છોડાવીને એ વોર્ડ તરફ ભાગ્યો જ્યાં પેલા સ્ત્રી એડમિટ હતા..................

To be continued