Acid Attack (Chapter_12) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Acid Attack (Chapter_12)

એસીડ અટેક

[~૧૨~]

એ સરસરાહટ વહેતી ઠંડી હવાની લહેરોમાં એના વાળની લટો ચહેરા પર દોડી આવતી હતી. એના મુખ પર એક પ્રભાવ હતો પણ એમાં ગમગીનીના વાદળો છવાઈને દોડાદોડ કરી રહ્યા હતા. બાંકડાના સપાટ ભાગે ટેકો લઈને અન્યમનસ્ક પણે બેસીને અનીતા જાણે ઘાસના નીચેની જમીન તપાસતી હોય એમ જોઈ રહી હતી. મનન ઉભો થઈને નીકળી જવા માટે ચાલવા લાગ્યો હતો કદાચ હવે અનીતા કઈ જવાબ આપવાની ન હતી. સુરજ સંપૂર્ણ પણે ઢળી ચુક્યો હતો બગીચાના ખૂણે ખૂણે ઠંડો પવન પણ જાણે દોડાદોડ કરીને થાકી લોટપોટ થઇ પડ્યો હતો.

“તું મને ભૂલી જા.” અનીતાએ સહેજ ઉપર જોતા ફરી વખત જવાબ આપ્યો એના બાંકડાથી જમણી તરફ થોડાક દુર ઉભો રહી મનન ખુલા આકાશમાં કઈ શોધતો હોય તેમ હાથ પર હાથ ચડાવી જોઈ રહ્યો હતો.

“જવાબ કેમ નથી આપતો.” અનીતા થોડીક વાર રાહ જોયા પછી ફરી વખત પૂછ્યું. આસપાસમાં કોઈ જ દેખાતું ના હતું. ચંદ્રનો સફેદ પ્રકાશ હવે એ ભાગમાં પડતો હતો. બરછટ પણે વાયરો જાણે અનીતાના અવાજ સાથે ભળીને મનન ના દિલ પર પછડાઈ રહ્યો હતો.

“તું તો ફેસલો આપી રહી છે તો હું જવાબ શું આપું...?”

“આ જવાબ છે, એવું સમજ...”

“તું એનો જવાબ આપવા જ ક્યાં માંગતી હતી.”

“મારે આજે પણ નહતો જ આપવો.”

“તો પછી કેમ...?”

“તું દરેક વાર આજ વાતે આવીને અટકી પડે છે અને મારે આ વાત તને કહેવી પડે છે. મારા મનમાં તારા માટે એવું કઈ જ નથી.” અનીતા એ ફરી વાર થોડુંક બાંકડાના છેડા પર સમાન પણે ગોઠવાતા જવાબ વાળ્યો. એના શબ્દોમાં ખાલીપાના પડઘા સંભળાતા હતા, પણ છતાંય મક્કમ પણે એણે શબ્દો છોડ્યા હતા.

“હશે...”

“આપણે માત્ર ફ્રેન્ડ્સ ન રહી શકીએ?”

“પણ શા માટે, જ્યારે તું તારા મનની વાતો મને કરી ચુકી છે તે દરેક વાતનો સ્વીકાર કર્યો છે તારી રીતે જ મને હા પણ કહી જ હતી તો પછી હવે...”

“તું દરેક વાતને વળગી રહે છે.”

“હું મારા દિલના સાદને પહેલેથી જ વળગેલો છું.”

“સમય સાથે બદલાવું જરૂરી છે મનન, મારે માટે એ સબંધ લગભગ અશક્ય છે જે તું કહે છે તારે સમજવું પડશે.” અનીતા નીચી નજરે જાણે ભૂલે ચુકે પણ એની આંખોમાં જોવાઈ ના જાય એમ મનન થી વિરોધી દિશામાં જોઈને બોલી રહી હતી.

“સમય...!!” આશ્ચર્ય અને વિસ્મયના ભાવ મનન ના ચહેરા પર ડોકાવા લાગ્યા હતા. રાત્રીનો અંધકાર છેક મનન પાસે ઉતરી આવ્યો હતો એનો આછો અંધકાર આખા બગીચામાં પથરાયો હતો. હવાની અસર એની હાજરી અપાવતી હતી અને આકાશમાં ઝંબુળાતો ગોળ ચંદ્ર એની હાજરી સ્પષ્ટ કરતો હતો. કદાચ વધુ બોલવાની હિમ્મત બંને માંથી કોઈ કરી ન શક્યા અ એ સમયે. અને આ સમય પણ જાણે ત્યાજ થંભી ગયો. એમના હાવભાવ સમજવા, અનીતાના જવાબો સાંભળવા અને મનનની વ્યથા સમજવા...

~~~~~~~~~~~~

“હવે કેમ છે?” વિજયે અંદર પ્રવેશી દવાની આખી થેલી અને બિલ બાજુના ટેબલ પર ગોઠવતા પૂછી લીધું. અત્યારે સામેની દીવાલ પર લટકતી ઘડિયાળમાં સાત અને ત્રીસનો સમય થઇ રહ્યો હતો. રૂમની બારીમાંથી ઠંડો પવન અંદર ડોકિયા કરતો હતો.

“ઠીક છે...” સવિતા વધુ ના બોલી શકી અને એમની નજર પણ ઘડિયાળ તરફ મંડાઈ ગઈ કદાચ એ ઈશારા વડે વિજયને કંઇક સમજાવી રહ્યા હતા. ડોક્ટરોની ટીમ આત્યારે રૂમમાં હાજર હતી, આખી ઘટના બન્યાને આજે પાંચમો દિવસ હતો પણ અનીતાની હાલત હજુય નાજુક હતી. બહારથી મોટા ડોકટરોને પણ બોલાવી લેવાયા હટા એવું ટીમ અંદરો અંદર વાત કરી રહી હતી. એમની ચર્ચા પરથી એ વાત સ્પષ્ટ હતી કે અનુની તબિયત ગંભીર હતી, પણ ડોકટરો કઈ સરખો જવાબ આપતા ના હતા.

“ડોકટરે કઈ કહ્યું...?” થોડીક વાર શાંત પણે ઉભા રહ્યા પછી વિજયે સવિતાને પૂછી લીધું. અત્યારે રૂમમાં શ્યામ ઉઠીને ઉભો થઇ ગયો હતો જે રાત્રે નીચે સુઈ રહ્યો હતો અને અનીતા પણ. વિજય અને સવિતા ત્યાજ અનીતા પાસે બેસેલા હતા.

“પહેલા કરતા ઠીક છે પણ... તબિયત લથડી રહી છે એવું મને લાગે છે” સવિતાનો અવાજ સતત પાછલા પાંચેક દિવસથી સાવ રૂંધાઇ ગયો હોય એમ ધીમો થઇ ચૂક્યો હતો એમણે અનુ સાંભળી ન લે એમ દબાતા અવાજે ફરી વાર વિજય ને પૂછ્યું “મનન આવ્યો?”

“અનુ જાગે છે કે નઈ?” સવિતાની વાત સાંભળી જ ન હોય એમ વિજયે પૂછ્યું અથવા કદાચ એ આ વાત સાંભળી ન જાય એ કારણે એમણે પૂછી લીધું હશે પેલા.

“હા... પ...પ..પા... મનન... આવ્યો હતો...?” અનીતાએ માંડ ધ્રુજતા અવાજે થોડાક શબ્દો ઉચ્ચાર્યા.

“હા બેટા... હમણા જ મોકલું એ બહાર જ હશે.” અનુની વેદના વિજયના દિલમાં આરપાર ઘા કરતી હતી પણ અત્યારે એને દાબવી જરૂરી હતી. એણે અનુના માથા પર પ્રેમભર્યો હાથ ફેરવતા સવિતાને પણ સાથે બહાર ચાલવા ઈશારો કરીને બંને જણા બહાર નીકળી ગયા. શ્યામ પણ ક્યારનો બહારના સોફા પર બેસી રહ્યો હતો અને હવે મનન સાથે કંઇક વાતો કરતો હતો.

“મનન બેટા અનુ તને બોલાવે છે... પણ જોજે હો એ વધુ વાત ન કરે એને વધુ બોલવાની ના પડી છે, ડોકટરે...” વિજયે જીણા અવાજે મનનને નજીક બોલાવી સમજાવતા કહ્યું અને આજે પ્રથમ વખત એમણે એને અંદર જવા મંજૂરી પણ આપી.

“જી અંકલ હું ધ્યાન રાખીશ અને એને નઈ જ બોલવા દઉં, તમે નિશ્ચિત રહો...” મનન વિજયની આશાભરી આંખોને ઘડી જોઈ રહ્યો. એ આંખોમાં વહેતો પુત્રી પ્રેમ અવિરત અને વિશાળ હતો કદાચ એ એમાં ખોવાઈ નાં જાય એમ વિચારી એણે ફરી કહ્યું “થેંક્યું અંકલ.” અને એ અંદર ચાલ્યો ગયો. એની આંખોમાં વહેતું નિર્દોષ વલણ આજે પ્રથમ વખત વિજય સમજી શક્યો હતો.

~~~~~~~~~~~~

“એક વાત યાદ રાખજે અનીતા...” મનન કઈ બોલે એ પહેલા શૈલેષે એની વાતને કાપી નાખી.

“અનુ મારી ફિયાન્સે છે અને મને જેમ ગમશે એમ જ હું એની સાથે વર્તન કરીશ સમજ્યો. તારે અને અનુને લેવા દેવા જ શું કે તું વચ્ચે પાડવા આવ્યો છે.” શૈલેષ રોડની કિનારીએ ઉભો ઉભો મનન પર તાડુકી રહ્યો હતો.

“તને જેમ ગમે એમ કરવા એ તારી નોકરાણી નથી સમજ્યો...” મનન બબડ્યો. એની આંખોમાં પારાવાર ગુસ્સો હતો એની આંખોમાં જાણે જવાળામુખી ફાટીને વેરાતા જઈ રહ્યા હતા અને દવાનળની જેમ વહી રહ્યો હતો.

“આજ નહિ તો કાલ એ પણ બની જશે.”

“એટલે...”

“અમારા લગ્નની વાતો ચાલે જ છે બકા. જલ્દી જ એ મારી પત્ની એટલે કે નોકરાણી બની મારા ઘરમાં પણ આવી જશે. અને તું કઈ નહિ કરી શકે, જોઈ લે જે...” શૈલેષે આટલું કહીને પાગલોની જેમ હસવાનું શરુ કરી દીધું. જાણે એ મનન ને ચુનોતી ભર્યું અટ્ટહાસ્ય કરતો હોય કે અનીતાને નોકરાણી બનાવી ને જ રહીશ તારાથી થાય એ કરી લે જે જા.

“એટલે તું એને પ્રેમ નથી કરતો...” મનને પૂછ્યું અને એમજ એની સામે અણીયાળી આંખે જોઈ રહ્યો.

“પ્રેમ! આટલા સુંદર શરીરને પ્રેમ કરાય. પ્રેમ તો થઇ જાય પણ પ્રેમ કરતા વધુ એને તો માણવામા હોય, એટલે ખાલી માણવાનું.”

“એટલે તું માત્ર...” મનન એથી વધુ બોલવા પોતાની જીભ સુધ્ધા ઉપાડી ના શક્યો.

“હા બરાબર સમજ્યો, નોકરાણી બીજું શું...” શૈલેષ ફરી દાનવોના હાસ્યની જેમ જોર જોરથી હસવા લાગ્યો.

“કેટલી નાલાયક જેવી વિચારધારાઓ છે તારી? એક સીધી સારી છોકરી માટે પાછળથી આટલા ખરાબ વિચારો... છી, શરમ આવે છે તારા પર કે એના પરિવારે તારા જેવા નાલાયકના હાથમાં એનો હાથ સોપી દીધો હશે. નસીબ ફૂટ્યા છે એમના બીજું કઈ નઈ.” મનનની આંખોમાં હવે સુરજના પેટાળમાં ધગધગી ઉઠતી પ્રચંડ જ્વાળાઓ જેવી અગ્નિ વરસી રહી હતી. એના શબ્દોમાં પણ આગના ગોળા છૂટતા હોય એવી ગરમીના ગોટા હતા.

“સારી અને સીધી... તને વધુ ખબર છે ક્યાંક તું પેહલા જ બધું કામ તો...” શૈલેષે નિર્લજતાથી મનન સામે જોઈને કહ્યું જાણે એના પર આરોપ ના લગાવતો હોય.

“નાલાયક...” આ સાંભળ્યા પછી મનન પોતાનો ગુસ્સો કાબુ ના કરી શક્યો અને જોરથી એણે બાઈક પર બેઠેલા શૈલેશને એક જ પતા ભેગો જમીન ચત્તો કરી નાખ્યો. મનનની લાત ખાઈને શૈલેષ છેક ફૂટપાથની કિનારી સાથે અફળાયો અને પછડાતા જ એ જગ્યા જ્યા વાગ્યું ત્યાં માથામાંથી લોઈ વહેવા લાગ્યું. મનને પાસે જઈને મોટો પથ્થર એના કપાળમાં પછાડી દેવા ઉઠાવ્યો પણ આસપાસના ટોળાએ એ લઇ લીધો. આ દ્રશ્ય જોયા બાદ શૈલેષ ધ્રુજી ઉઠ્યો હતો. એ વારંવાર પચ્ચીસ જણાની પકડમાં પણ ના રહે એમ બોલે જતો હતો ‘જો અનુને કઈ થયું તો તને જીવતે જીવ મારી નાખીશ, યાદ રાખજે...’ બસ આ ઘટના બાદ મનન ની યાદ માત્ર થી પોતે ધ્રુજી ઉઠતો હતો. મનન માથે ચડેલું જુનુન કોઈ શૈતાન કરતા અત્યારે ઓછું ના હતું અને શૈલેશે જાણે સાક્ષાત યમરાજને જોઈ લીધો હોય એમ ધ્રુજતો હતો. શૈલેષ ડરના માર્યો ચીલ્લાઈ ઉઠ્યો અને એની ચીખ આખા પોલીસ સ્ટેશનની દીવારોમાં પડઘાઈ ગઈ. એણે ધોળા દિવસે બંધ આંખે જે કલ્પના કરી એ ભયાનક હતી એના કારણે હજુય ધ્રુજતો હતો. કદાચ આ જ કારણે એણે ગુનો કબુલી લીધો હશે.

~~~~~~~~~~~~

લગભગ મહિના પછીની એમની મુલાકાત એમાય વેદનાના સાગરમાં ડૂબેલી અનીતા અને જોવાની અને મળવાની તડપમાં સળગતો મનન. કેટલાય દિવસો બાદ આજે બંને મળી રહ્યા હતા પણ આજ પ્રથમ વખત એવો હતો જ્યારે મનન નિશબ્દ હતો બસ અનુને પાટામાં વીંટળાયેલી જાણે કદીયે જોઈ જ ના હોય એમ જોઈ રહ્યો હતો. એ અનીતાને પાટાની પાર એજ જૂની મુસ્કુરાતી અનુને જોઈ રહ્યો હતો. એની લાગણી અને ભાવનાઓ કદાચ ડુમાઈ ચુક્યા હતા કઈ પણ બોલી શકવાની એનામાં હિમ્મત ના હતી. ક્યાંથી વાતની શરૂઆત કરવી એ પણ કદાચ અત્યારે એ સમજી શકતો ન હતો મનમાં વેદના ઉછાળા મારતી હતી. ઘણી દલીલો અને ઘણી ફરિયાદો પણ કરવી હતી પણ એની જીભ અહી આવ્યા પછી સાવ ઉપડતી જ ન હતી. એના પગ ધ્રુજતા હતા આંખો તો ક્યારની છળકી ઉઠી હતી. આજ એના માટે એવો દિવસ હતો જેના વિષે એણે કદી સપનામાં પણ વિચાર્યું કે એ દિવસ પણ એને જોવો પડશે જ્યારે એણે અનીતાને આવી હાલતમાં પણ જોવી પડશે.

ધ્રુજતા પગે એ અનીતા પાસેના ટેબલ પર ગોઠવાયો મનમાં કેટલાય સાગરો જાણે હિલોળા મારતા હતા પણ આટલા ઉદભવતા વિચારો છતાય એના શબ્દો ગાળામાં ગૂંઠાઈ ચુક્યા હતા. બસ આંખો હજુય એ ચહેરાને નિહાળી રહી હતી એટલીજ સહજતાથી એ પાટાની આડછ પાછળ ઢંકાયેલા ચહેરાને નિહાળી રહ્યો હતો જે એની સામે ક્યારેક સ્મિત વેરતો, કિલકાર કરતો એના અંતરવનમાં ભટકાયા પછડાયા કરતો હતો. મનનના મુખ પર એક આછું સ્મિત રેલાઈ આવતું હતું દિલમાં એક બહાર જાણે ખીલીને મહોરી ઉઠી હતી એજ મરકતો ચહેરો મારકણી અદા આજ પણ એને નજર સમક્ષ દેખાતી હતી કદાચ આ પ્રેમ હતો અને પ્રેમ આવોજ હોય છે. સપનાની દુનિયા વર્તમાનને બે ઘણો વધુ સુંદર બનાવી દેતી હોય છે આજની વાસ્તવિકતા અલગ હોવા છતાં મનન માટે એની એજ અનીતા જાણે એની સામે બેઠી હતી.

“અનુ...” અચાનક સપના ઓગળી ગયા હોય અને વેદનાની કટાર ફરીવળી હોય એવા ધીમા અને કરુણ અવાજે મનનના મુખેથી શબ્દો સરીને જાણે પછડાયા.

“મન... મનન... તું જ... તું... જ... છે...ને...?” અનીતાના શબ્દો જાણે એકબીજા સાથે અફળાતા પછડાતા નીકળતા હતા એમાં લાગણીઓ જાણે ગળાફાંસો ખાતી હોય એવો ચિત્કાર હતો. અને એ માંડ શબ્દો ઉચ્ચારતી હોય એવ સ્પંદને એ બોલી રહી હતી “તું આવ્યો ખરો ને...? મનન”

“હું... લગભગ રોજ આવું છું, જ્યારથી મેં સાંભળ્યું છે કે..” મનનની જીભ પણ એ ઘટના દોહરાવવા ઉપડી શકવા સમર્થ ના હતી. એના શબ્દોમાં વેદનાના વહેણો ધસમસતા પુરની જેમ દોડી આવતા હતા. પોતાના દિલની લાગણી કરતા અત્યારે એને અનીતાના દુઃખની વેદના વધું લાગતી હતી. એણે માંડ શબ્દો ઉચ્ચાર્યા “આજે જ મંજૂરી મળી શકી છે તને મળવાની... પણ મને વાંધો નથી આ બધું પણ તારા સ્વાસ્થ્ય માટે જ હતું ને, તને ઠીક તો છે ને હવે? તને બઉ દુખતું પણ હશે ને?”

“દુઃખ અને વેદનાના અર્થ હવે હું ભૂલી ગઈ છું મનન, મને નથી ખબર કે દુખ અથવા વેદના કેવા હોય પણ આ હૈયાનો ઉકળાટ અત્યારે મને દજાડી રહ્યો છે અને શરીરનો દુખાવો એના સામે ઝાંખો પડી જાય છે એટલે... મને નથી ખબર કે દુઃખ શું હોય.” લગભગ અટકતા લથડતા અને ધ્રુજતા સ્વરે અનીતાએ વાત પૂરી કરી.

“તને ઠીક તો લાગે છે ને...? હવે.” મનન ફરી એ વેદના યાદ અપાવવા ના માંગતો હોય તેમ એણે વાત બદલી.

“અંધકાર છે મનન, ઘોર અંધકાર સામે અનંત કાળી ચાદર પથરાયેલી પડી છે જેના કોઈ જ કિનારા નથી અને મારી આંખોમાં હવે પગલા સામે જોવાનીયે તાકાત બચી નથી. કદાચ હવે આજ કાળું સામ્રાજ્ય મારું જીવન બની જશે આદત અને મારી નિયતિ પણ...” અનીતા આજે ભારપૂર્વકની વાતો કરતી હતી. એના અવાજમાં વેદના હતી, કટાક્ષ હતો, અંધકાર હતો, એકાંત અને ખાલીપાના પડઘા એના અવાજમાં વાગતા હતા. એના શબ્દો સીધા મનનના હૈયા સોસરવા નીકળી જતા હતા.

“આવું કેમ બોલે છે તું અનુ, તને ખબર છે તું અનેરી વ્યક્તિ છે. you are so special girl on this earth...” મનને માંડ જવાબ આપ્યો અનીતાના વેદનાના બાણોથી છેદાઈ ગયા બાદ માંડ મનન બોલી રહ્યો હતો. એણે જેમ તેમ કરી અનીતાના ખભે હાથ મૂકી એને દિલાસો આપ્યો. એ શું બોલતો હતો અથવા એણે શું બોલવું જોઈતું હતું એની દશા અને દિશા એ અનુ સામે ભાન ભુલેલાની જેમ ભુલાવી બેઠો હતો.

“હવે નથી... મનન” અનીતાએ એક ઊંડો નિસાસો નાખ્યો અને જાણે હોસ્પીટલના છતની આરપાર સીધી ભગવાન સામે કટાક્ષ કરતી હોય એમ ઉપર તરફ નજર નાખી જોઈ રહી.

“કેમ હવે નથી એટલે?”

“મારો ચહેરો... મારી સુંદરતા... મારા સપના... અને મારું જીવન અંધકારમય થઇ ચુક્યું છે મનન અને તું...” અનુનો અવાઝ કાંપતો હતો એના શબ્દો માંડ બહાર આવતા હતા. એના શબ્દોમાં વેદના, અસ્પષ્ટતા, થડકાટ અને ભેકાર સુન્નતા વધતી જઈ રહી હતી. એના શબ્દો માંડ મનન સમજી શકતો હતો એને બોલવામાં પડતી વેદનાના પડઘા એના શબ્દોમાં ઉઘડી રહ્યા હતા.

“પણ...” મનને એક તીણો સવાલ પૂછી લીધો હોય એમ એ ચોક્યો.

“મને માફ તો કરી શકીશ ને?” અનીતા એ બંને હાથ ભેગા કરવા માટે હિમ્મત એકઠી કરતા કહ્યું અને ધીરે ધીરે એણે માંડ બંને હાથ એની સામે ભીડ્યા.

~~~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો એવી આશા સહ...)