Acid Attack (Chapter_8) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

 • ચા ના બે કપ

  જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ...

શ્રેણી
શેયર કરો

Acid Attack (Chapter_8)

એસીડ અટેક

[~૮~]

“મનુભાઈ ગાડી કાઢો હાલ જ નીકળવું પડશે...” તેજેન્દ્ર સિંહે તરત કોન્સ્ટેબલને આદેશ આપ્યો અને પછડાતા અવાજોમાં એમણે પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ શરુ કર્યો. પણ સામે છેડેથી કોઈ જ અવાજ ના આવ્યો હજુય એ ચીખના પડઘા અને ભયંકર ખાલીપાના પડઘા પડી રહ્યા હતા. કોઈ જોર જોરથી ધમપછાડા કરતુ હોય એવી વેદનાના અવાજો ઘુમરાઈ રહ્યા હતા રીસીવરમાં.

~~~~~~~~~~~

લગભગ દસેક મીનીટમાં પોલીસની જીપ સુવર્ણનગર કોલોનીના કંપાઉન્ડમાં દાખલ થઇ. આખા કંપાઉન્ડમાં જાણે મેળા જામ્યા હોય એવી ભીડભાડ જામી હતી બધા લોકો ઘેરાઈને કોઈ એક જ વસ્તુને જોઈ રહ્યા હતા એમ લાગતું હતું. પોલીસની જીપના સાયરન સાંભળી અને જીપ આવેલી જોઈ થોડીક વસ્તીએ જગ્યા કરી પણ તેજેન્દ્ર સિંહ માટે હજુ ચોક્કસ પરિસ્થિતિ નક્કી કરી શકવી મુશ્કેલ હતી. એમણે જીપમાંથી ઉતરતાની સાથે જ બે કોન્સ્ટેબલને સુરેશના ઘર તરફ તપાસ માટે મોકલ્યા અને પોતે આ ભીડ તરફ આગળ વધ્યા.

આ ટોળા વચ્ચે કોઈ ઝોર ઝોરથી રોઈ રહ્યું હતું. એ અવાજ કદાચ તેજેન્દ્ર સિહના કાન ઓળખી શક્યા હતા. પોલીસના શાતિર મગજે જાણે આખી પરિસ્થિતિ ભાખી લીધી હોય એમ બમણી ગતિએ એણે ટોળા તરફ પગ ઉપાડ્યા. બારમાં માળથી અચાનક કપાયેલો ફોન અને બિલકુલ એજ ટાવરની નીચે ઝામેલું ઝુંડ, એજ રો-કકળાટ કરતો અવાજ... ઓહ નો, ઓહ માય ગોડ... તેજેન્દ્ર સિંહે તરત બંને કોન્સ્ટેબલને પાછા બોલાવી લીધા અને એમણે તરત વચ્ચે પ્રવેશ કર્યો. આજ ફરી તેજેન્દ્ર સિહની ધારણા હમેશની જેમ સાચી પડી એ ટોળાની વચ્ચો-વચ એક મૃતદેહ પડ્યો હતો જેના માથામાંથી પાણીના નળ ખુલ્લા મુકાયા હોય એમ લોઈ વહી રહ્યું હતું. હાથ અને પગ મરોડાઈ ચુક્યા હતા અને એની નજીક એક મહિલા જોર-જોરથી રડતી હતી એ, એ જ નિષા હતી અને પેલો પડેલો વ્યક્તિ બીજું કોઈ નહિ સુરેશ હતો. સુરેશ શાહ. શૈલેશ શાહનો અભાગો બાપ જેણે દીકરાની ભૂલ ખાતર જીવ ટૂંકાવવો પડ્યો હતો.

~~~~~~~~~~~

“અનીતા હવે કેમ છે?” અચાનક સુતેલી અનીતાના હાથ પર હાથ મુકતા જીજ્ઞાએ સવાલ કર્યો.

“જીજ્ઞા? જીજ્ઞા આ તું છે?”

“હા અનુ... હું જીજ્ઞા, કેમ છે તને હવે?”

“અંધકાર છે બસ, કાળો ડીબાંગ અંધાર પટ જેમાં કઈ પણ જોઈ શકવું મુશ્કેલ છે અને એટલી જ હદે બળતળા પણ...” દિલના પેટાળમાં વંટોળે ચડેલી વેદના એના શબ્દોમાં વર્તાઈ રહી હતી. અનીતાની આંખોમાં આંસુ વહી જવાની જાણે તૈયારીમાં હતા પણ ફરી માની વાત યાદ આવી જતા એ શાંત થઇ.

“તું નિરાશ કેમ થાય છે, બધું જ ઠીકઠાક થઇ જશે?” જીજ્ઞાએ એના હાથપર હાથ મુકીને કહ્યું.

“નિરાશ ના થાઉં તો શું કરું? તને ખબર છે મને કેટલી પીડા થાય છે? કેટલું દુઃખ? કેટલી વેદના? મારા દિલમાં એક વંટોળ ફૂંકાઈ રહ્યા છે જીગું અને એમાય મનન...” અનીતા કઈક વધુ બોલાઈ જવાયું હોય એમ અટકી ગઈ.

“મનન નું શું અનુ... કે મને મનને શું કહ્યું તને? એ મળ્યો હતો?” જીજ્ઞાએ એકી સાથે પૂછી લીધું.

“મનન અને મને મળે! શા માટે એ મળે જીજ્ઞા, મેં ક્યાં એને કદી એની ભાવનાઓને માન આપ્યું છે. અને એમાય આ ઘટના પછી એ શા માટે મને મળવા કે સમજાવવા આવે પણ...” અનિતાએ જવાબ આપ્યો એનો અવાજ ધીમો અને વેદના થી ભીંજાયેલો હતો.

“અનીતા તું જે સમજે છે એવું કઈ જ નથી...”

“છોડ એ વાત હવે એનો કોઈ અર્થ નથી રહ્યો, બીજું કે જીગું” જીજ્ઞા કઈ બોલે એ પહેલાજ આનીતા એ વાત વચ્ચે અટકાવતા પૂછી લીધું.

“જો તારા સમાચાર તો મને અંકલ-આંટી પાસેથી પણ રોજ મળે છે પણ મનન... મારે તને એક વાત કરવી છે તું સાંભળે તો અને ખાસ હું એટલા માટેજ આવી હતી.” જીજ્ઞા બોલી અને અનીતાના હાવભાવ સમજવા મથી રહી હોય એમ એની તરફ જોઈ રહી.

“મન... મનન... એનું શું?” અનીતાના શબ્દો લથડી રહ્યા હતા.

“એને તારી સાથે વાત કરવી છે... પણ...”

“પણ... શું...?”

“તારા મમ્મી-પપ્પાએ એને મળવા જ ન દીધો. એ મને પણ મળ્યો હતો અને સાચું કઉ એના ચાહેરાની વેદના મારાથી ના જોઈ શકાઈ એટલે મારે અહી તને જણાવવા આવવું પડ્યું”

“મનન... એ મળવા આવ્યો હતો? મને! પણ કેમ?” અનિતાના શબ્દો અસ્પષ્ટ હતા પણ દિલમાં ઉછળતી લાગણીઓના વહેણ સ્પષ્ટ હતા. મનનનું નામ એના દિલના ઊંડાણમાં જાણે શિયાળા ની સવાર જેવી શીતલ ઠંડક પાથરતું હતું પણ એનો ચહેરો હવે એ કદાચ ક્યારેય જોઈ નહિ શકે. આ કારમો બનાવ ફરી એના મનસપટ પર છવાઈ રહ્યો હતો, મનમાં દર્દ હતું અને એક અસ્પષ્ટ ચહેરો અચાનક એની આંખો સામે તરવરી ઉઠ્યો. એકજ શબ્દ એના મુખેથી સર્યો મનન... અને એની દિલની દુનિયામાં બહાર છવાઈ ગઈ અને એમાં એક ઘોર અંધકાર પણ...

“મારે એને નથી મળવું...”

“પણ કેમ?”

“હું એને શું કહીશ? શું મો દેખાડીશ હવે?”

“કેમ...? અનુ આવી વાતો કરે છે?”

“મારો ચહેરો જોવા લાયક નથી હવે.”

“એ એને કેમ નથી નક્કી કરવા દેતી, એ બધુજ જાણે છે જ્યાં સુધી હું જાણું છું. તારી સાથે બનેલી ઘટના, તારા મનની વેદના અને જે તું નથી જાણતી એ પણ કે હવે કદાચ તારા જીવનમાં હમેશ માટે અંધકારની કાળી હેલી છવાઈ જવાની છે, પણ...”

“પણ શું...? જીજ્ઞા?”

“તને ખબર છે હું એની વાત સાંભળવા તૈયાર ના હતી પણ એને કહ્યું કે એણે તને પોતાના દિલની વાત પણ ઘણી વાર કહી છે પણ તુજ નથી માની. મેં એની આંખોમાં એ લાગણીઓ સાચે જ જોઈ છે આનીતા, એઝ આઈ સેય હી લવઝ યુ સો મચ.” જીજ્ઞાએ પોતાની વાત પૂરી કરી.

“શું હવે એ પ્રેમ રહેશે ખરો? મારા મનને સમજનાર પણ કોઈક મળશે ખરા હવે મને?” એને પોતાના દિલમાં હિલોળે ચડેલી લાગણીના ઉભરાને છેવટે જીજ્ઞા સામે સ્પષ્ટ કરી.

“કદાચ પ્રેમ ચહેરાથી નથી થતો અનુ... સાચો પ્રેમતો દિલથી થાય છે અને હા જો તું ફરી આ વાત પર વિચાર કરજે અને શક્ય હોય તો એક વાર એઝ આઈ રીક્વેસ્ટ યુ, કે તું એને મળજે ખરા પોસીબલ હોય તો. મારે હવે નીકળવું પડશે ચલ હું તને મળતી રહીશ ફિલહાલ હાલ મારે જવું પડશે ધ્યાન રાખજે...” જીજ્ઞા આટલું બોલીને સીધી બહાર નીકળી ગઈ. એ ઝડપમાં હતી અને વારંવાર જાણે એનો ફોન એને ઝડપી નીકળવા માટે બુમો નાખતા હતો.

કદાચ જીવનની ઉતર-ચઢમાં વ્યક્તિ પોતાની લાગણીઓ અવગણી દેતું હોય છે પણ કેટલીક વાતો યાદો બનીને સદાયને માટે મનમાં સમાઈ જતી હતી હોય છે. આંખોમાં બળતળા, શરીરમાં દર્દ અને દિલના ઊંડાણમાં અસમંજસ હતી. એક ચહેરો આંખો સામે દેખાઈ રહ્યો હતો, મનમાં ઘણા સવાલો હતા, દરેક વાત આજ પણ યાદ આવતી હતી અને એમાંય “પ્રેમતો દિલથી થાય છે...” એ શબ્દો હજુય યાદ હતો. મનનનું વ્યક્તિત્વ વિચિત્ર હતું એના આચાર અને વિચારમાં સામ્યતા હતી, બસ એનો પ્રેમ અધુરો હતો અને એ અધુર પ્રેમની પૂર્ણતા નો આધાર એ જાણે એમ એ પોતે જ હતી. પણ... હવે... એની સુંદરતા છીનવાઈ ચુકી હતી એના સપના પણ કદાચ એ એસિડના અસરે દાજી ગયા હતા. એનો ચહેરો કદાચ આ પાટાના પડ પાછળનો એટલો ભયંકર બની ચુક્યો હતો કે પોતેજ કદાચ એનો સામનો કરવાની હિમ્મત એકઠી કરવા મથી રહી હતી.

~~~~~~~~~~~

“તે આ બધું શાં માટે કર્યું...” ઓઝા અને અન્ય કોન્સ્ટેબલ સાથે જ બેઠા હતા. સામેની ચેર પર શૈલેશ અને એની પાછળ બીજા બે કોન્સ્ટેબલ પણ ઉભા હતા. ત્યારે સીગારનો કસ ખેંચતા ઓઝાએ વેધક સવાલ કર્યો.

“હું બધું કહી ચુક્યો છું અને હવે મારે કઈ કહેવાનું બાકી રહેતું હોય એવું મને નથી લાગતું. આગળનું કામ તમારું અને અદાલતનું છે.” શૈલેષે એટલો જ સહેલાઈથી જવાબ આપ્યો જેટલો કોઈ શાહુકાર વ્યક્તિ આપી શકે.

“મતલબ આ બધું તે જાતે કર્યું કે કોઈના કહેવાથી.” નિમેષ પોતાની મુંજવણ સામે કરીને બોલી ઉઠ્યો.

“મને કોણ શીખવે સાહેબ....?”

“એ તો અમારે જાણવું છે.”

“મેં પોતે અને મારી જાતે જ કર્યું છે.”

“તને એનો પછતાવો નથી.”

“પછતાવો... કઈ વાતનો સાહેબ? મેં બધું વિચાર્યા પછીજ કર્યું છે.” શૈલેષે નફ્ફટાઈ પૂર્વક જવાબ આપ્યો.

“તને ખબર છે, આ ગુના માટે તને ફાંસી અથવા ઉમરકેદ થઇ શકે છે. એટલે પૂછ્યું સાચું બોલી જા તને કદાચ સજા ઓછી મળે.”

“છુટીને પણ હું નઈ બચી શકું કદાચ, એના કરતા જે સજા મળશે એ મને મંજુર છે.”

“પણ તારી સાથે કોઈ અન્ય.”

“કહ્યું ને કોઈ નથી. કેટલી વાર કહું એ નાલાયક છોકરી મારી સાથે રમત રમતી હતી. એ એના રૂપના ઘમંડમાં મારી વાતો સાંભળવાની મનાઈ કરતી હતી એટલે મેં એનાથી એનું રૂપ છીનવી લીધું બસ. જોઉં હવે કોણ એની પાછળ ફરે છે.” શૈલેષ બોલતા બોલતા અટક્યો અને ફરી ઓઝાની તરફ નજર કરતી બેસી રહ્યો.

“નાલાયક કહે છે, એને નાલાયક કહે છે અને એ પણ તું! અરે નાલાયક તો તું છે તારા જેવા દીકરા હોય એના કરતા ન હોય એ સારું...” બે ચાર તમાચા ઓઝાએ ઉઠીને એના જબડા પર ઠોકી દીધા અને તાડુકી ઉઠ્યો. એની આંખોમાં અત્યારે દાવાનળ ભભૂકી રહ્યો હતો એટલો ભયંકર ગુસ્સો હતો કે બે પળ કોઈ આંખોમાં જોઈ લેતો ત્યાજ ભસ્મ થઇ જાય. એણે ફરી બોલવાનું ચાલુ રાખ્યું. “તે એક સ્ત્રી પાસેથી એની સુંદરતા છીનવી, એક બાપ પાસેથી દીકરી, માં પાસેથી એની રાજકુમારી, એક ભાઈ પાસેથી રાખડી બાંધનારી એની બહેન તને શરમ આવવી જોઈએ પણ તું તો જલ્લાદ છે, જલ્લાદ. ચલ એ બધું પણ હું માની લઉં છું ઠીક કે એ લોકો તો તારા માટે કદાચ પારકા હોય પણ નીચ તે તો તારી જન્મ આપનારી માનો સુહાગ અને એનું સિંદુર પણ છીનવી લીધુ છે. મારું બસ ચાલે તો તને એન્કાઉનટરમાં હાલ જ મારી નાખું. તારા જેવા રાક્ષસોને જીવવાનો કોઈ હક નથી આ ધરતી પર.” એક લાત મારીને ઓઝાએ એને ભોય ભેગો સીધો કરી દીધો અને લોકપની બહાર નીકળી ગયો. એ પથ્થર જેવી છાતી આજે જાણે ખંજર ભોકાયું હોય એવી વેદના અનુભવી રહી હતી. આટલા વર્ષોની સર્વિસમાં ક્યારેય આવો કેસ એણે આજ પેલા જોયો જ ના હતો.

“મને ફર્ક નથી પડતો...” એણે હજુય બેફિકરાઈથી જવાબ આપ્યો.

“શું? તને તારી માનો સુહાગ છીનવાઈ ગયો તો પણ ફર્ક નથી પડતો?” કોન્સ્ટેબલે ફરી પૂછ્યું. ઓઝા બહાર ઉભા ઉભા સીગારના કસ ખેચી રહ્યો હતો.

“મારી માં...?”

“હા તારા બાપે બારમાં માળેથી કુદી જાન આપી દીધી છે.” ઓઝાએ બારના ભાગેથી જવાબ આપ્યો. અને ચિલ્લાઈ ઉઠ્યો અરે બહાર આવી જાઓ સડવા દો એને ત્યાં.

~~~~~~~~~~~

“હેલ્લો સર હવે કેમ છે દિકરી ને...?” તેજેન્દ્ર સિંહે હોસ્પિટલની લોબીમાં ફરતા ફરતા વિજયને પૂછ્યું.

“જી હવે રાહત છે, પણ તમે અહીં...”

“થોડીક કાર્યવાહી...”

“જી કહો.” વિજયે સોફા પર બેસવાનો ઈશારો કરતા કહ્યું.

“સુરેશભાઈ વિષે વાત કરી શકુ?” તેજેન્દ્ર સિંહે ટોપી હાથમાં પકડી સોફા પર નીચે મુક્ત જવાબ આપ્યો.

“મારે એનું નામ પણ નથી સાંભળવું, એને અને એના દીકરા બંને ને જેલમાં નાખી દો અથવા ગોળી મારી દો...” વિજયે ગુસ્સામાં ધુઆપુઆ થતા જવાબ આપ્યો.

“હું બધું સમજુ છું, પણ એ તમારો મિત્ર હતો એવી માહિતી તમે જ આપેલી ને?”

“મિત્ર... કેટલો બેકાર લાગે છે આ શબ્દ આજે, મારી દીકરીને જીવતે જીવ મારનારો મિત્ર! શું કામની આવી મિત્રતા સાહેબ? શું કામની આ મિત્રતા?” વિજયની આંખો ભરાઈ આવી.

“પણ હવે એમની કોઈ ભૂલ હોય તો પણ, મરેલા વ્યક્તિ માટે ગુસ્સો નિરર્થક છે... મને યોગ્ય નથી લાગતું મિ. વિજય.”

“હે... મરેલા વ્યક્તિ, તમે કહેવા શું માંગો છો? ઇન્સ્પેક્ટર?” વિજયે અચાનક કોઈ ઓચિંતો આઘાત લાગ્યો હોય એમ ચોકી ઉઠતા પૂછ્યું અને સોફા પરથી અચાનક ઉભા થઇ એ બારી તરફ સરી ગયો.

“જી... આઈ એમ સોરી પણ હમણાં બે કલાક પહેલા જ એમની ડેથ થઇ ગઈ છે. એમની બોડી અહીં પોસ્ટમોર્ટમ માટે આવી છે હું રીપોર્ટ માટે જ આવ્યો હતો અને તમને જોયા એટલે થયું વાતચિત કરી લઉં.” તેજેન્દ્ર સિંહે જવાબ આપ્યો.

“શું... શું થયું સુરેશને...? ઇન્સ્પેક્ટર હજુ કાલ સુધી તો ઠીકઠાક હતો ને, તો અચાનક એણે?” વિજયનો અવાજ તરડાઈ ગયો. અત્યાર સુધીનું બધું ભૂલી ગયો હોય એમ એના અવાજમાં ભીનાશ વર્તાઈ રહી હતી. એની આંખોમાં ખાલીપો, ડર અને ધ્રુજારી હતી.

“બધું પછી કહીશ, હાલતો એટલું સમજો કે દીકરાના કરતુત બીજું શું હોઈ શકે મિ. વિજય.” તેજેન્દ્ર સિંહે જવાબ આપ્યો. એ કઈ બોલે એ પહેલા ડોક્ટર કોઈક રિપોર્ટનું કાગળ આપી ગયા. રીપોર્ટ લઈને તેજેન્દ્ર સિંહ સીધા બહારના દરવાજા તરફ વધી ગયો.

~~~~~~~~~~~

“તમે લોકો ખોટું બોલો છો એમણે કૂદવું જ શું કામ પડે?” શૈલેષે કોન્સ્ટેબલ સામે નજર ફેરવતા કહ્યું.

“એણે પેલા ફોટોગ્રાફ્સ આપ...” નિમેશે લોકપના બહાર આંટા મારતા મારતા કોન્સ્ટેબલને આદેશ આપ્યો. થોડાક ફોટોગ્રાફ્સ એના સામેના ટેબલ પર મુકાયા અને રેકોર્ડર જેવું યંત્ર એની પાસે મુકાયું.

“ના... ના... એવું બની જ ના શકે, મારા પપ્પા...” થોડીક વાર માટે શૈલેષની આંખોમાં ભીનાશ આવી અને તરત જ ઓઝલ થઇ ગઈ. એણે ટેબલ પરથી રેકોર્ડર ઉઠાવ્યું અને પૂછ્યું. “આમા શું છે?”

“એના બાપના છેલ્લા શબ્દો છે, વિનોદ એને કે તો જરા સાંભળે એમ.” ઓઝાએ ફરી કોન્સ્ટેબલ પાસે કહેરાવ્યું.

“તારા અભાગ્યા પિતાના છેલ્લા શબ્દો છે, બીજું શું હોય તારા માટે.” કોન્સ્ટેબલ વિનોદે શૈલેષ સામે કરડાકી પૂર્વક નજર ફેંકતા કહ્યું. “તને સજા આપવા આ શબ્દો કાફી છે ને?”

“મને સજાની કોઈ પરવા નથી...” એણે કહ્યું અને ટેપ રેકોર્ડર ઓન કરી દીધું. સુરેશના શબ્દો રૂંધાયેલા અવાજ સાથે આખા જેલની દીવારોમાં પાછળવા લાગ્યા અને એ વેદનાના શબ્દોથી ત્યાં રહેલા દરેકની આંખો ભીની થઇ ગઈ. દરેકે દરેક એમાં વ્યગ્રતા પૂર્વક ખોવાઈ ગયા હતા અને સાંભળવા મજબુર બન્યા હોય એમ ઉભા હતા.

~~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો...)