Acid Attack (Chapter_4) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Acid Attack (Chapter_4)

એસિડ અટેક

[~4~]

“ચલ હવે મારે પણ ઘરે નીકળવું છે. અનીતા, તું બધી વાત તારા પપ્પા સાથે કરજે સમજી.” જીજ્ઞાએ થોડીક મૂંઝવણ ખંખેરીને મોબાઈલ પોતાના કોટન જીન્સના ખિસ્સામાં ખોસ્યો અને હાથ ફરી ટેબલ પર ટેકવી એક સ્મિત સાથે અનીતાને કહ્યું.

“મને મૂંઝવણ છે, કે યાર પપ્પાને કેવી રીતે કહું... કે...” એની આંખોમાં એક સુકા ભઠ્ઠ રણની સપાટી જેવો ખાલીપો હતો. એની આંખોની કીનારીઓમાં ભીનાશ હતી અને સુકાયેલા આંસુ. જીજ્ઞાએ સમયનો કાંટો સામે લટકતી મોટી દીવાલ ઘડિયાળમાં જોઈ રહી હતી. અત્યારે સમય અગિયાર વાગીને સાડત્રીસ થઇ રહ્યા હતા.

“પણ મારે જવું પડશે ચલ આપણે સાથે નીકળીએ, મારે પણ રીંગ રોડ તરફથી જ નીકળવાનું છે.” જીજ્ઞાએ ફરી વાર જવાબ આપ્યો.

“ચાલ...” અનુ એ પોતાનો બેગ ખભા પર ઉંચક્યો અને જીજ્ઞા સાથે ચાલવા માંડી.

થોડીક વાર પછી બંને જણે પૈસા ચૂકવીને કેન્ટીન માંથી નીકળીને મુખ્ય દરવાજા ભણી પગ માંડ્યા. બંને જણા હજુય કોઈક વાત પર ચર્ચા કરી રહ્યા હતા અને અનીતાના ચહેરા પરના ભાવ દરેક પળે બદલાતા જતા હતા. પવનની ગરમાશ સાથે ઠંડકની મીઠાસ ચહેરા પર અફળાતી હતી. જીજ્ઞા સતત કઈક સમજાવતા સમજાવતા અનીતા સાથે આગળ વધી રહી હતી. મુખ્ય દરવાજા તરફ ચાલતા બંને જણા ધીમા પગલે આગળ વધતા હતા.

~~~~~~~~~~

‘તુજે દેખા તો યે જાના સનમ... પ્યાર હોતા હે દીવાના સનમ...’ ધીમા અને સંગીતમય અવાજ આખાય વાતાવરણમાં એ મીઠો સુર ગુંજી ઉઠ્યો. અચાનક કાનમાંથી હેડફોન પર જ એણે એક કાન ખુલ્લો કરીને મોબાઈલ કાને મુક્યો અને સામેનો અવાજ સાંભળ્યો.

“શું વાત કરે છે?” મનન અચાનક હીંચકાના પાટા પરથી ઉભો થઇ ગયો.

“મને જેટલી ખબર છે એજ કહું છું, બાકી મેં એ જ જોયું, અને એટલા માટે તને કહ્યું.” સામેથી આવતો વિનેશનો અવાજ આટલું કહીને કપાઈ પણ ગયો હતો.

સમુદ્રના ખારા પાણીમાં રેલાઈને મીઠા પાણી પણ ખારા થઇ જતા હોય છે, એમ આજે દરેક ખુશીની વાત મનન માટે અનિતાના વાલોપાતીયા વિચારોના વહેણમાં તણાઈ જતી હતી. એ ચિંતા, એ વેદના અને એ યાદો ફરી ફરીને એની આંખો સામે દોડવા લાગતી હતી. એક સમય માટે એનું સપનું ભુલાઈ ચુક્યું હતું અને ત્યાં માત્ર એક ચહેરો હતો હસ્તો, ખીલખીલાતો, રમતે ચડેલો, નટખટ અને... અને... અચાનક આંખોના કિનારેથી ભીનાશ વહાવતો ચહેરો. મનન ના એ સમય માટે સામાન્ય થયેલા ચહેરા પર ફરી વાર સુન્નતાનું મોઝું ફરી વળ્યું હતું. ઘડિયાળમાં ૧૧:૩૫ થઇ ચુકી હતી. આજે સાડા અગીયાર વાગે એણે આપેલી ક્લાર્કની પરીક્ષામાં એ રાજ્યમાં ચોથા ક્રમે આવ્યો હતો એ વાત એને વિનેશે જણાવી હતી તેમ છતાં એના ચહેરા પર આજ એજ ખાલીપો યથાવત રહ્યો હતો.

“તારા વગર હું સાવ તૂટી જઈશ, અને તું જાણે જ છે કે મારામાં હવે ફરી બીજી વખત તૂટવાની ક્ષમતા નથી અનુ...” મનને કહેલા છેલ્લા શબ્દો એના દિલમાં પડઘાતા હતા અને સામે યથાવત રહેલા ભાવોમાં અનુની ઊંડાણમાં ઉછાળા માળતી વેદનાનના છાંટા એના પર ઉછળી રહ્યા હતા.

~~~~~~~~~~

સમય :- ૧૧:૪૫ સવારે

કોલેજની બહાર ચારે તરફ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. કઈક ધમાચકરી અને હોહાકાર મચી ગયો હતો. આખા કોલેજ કંપાઉન્ડમાં જાણે તોફાન સર્જાયું હોય એવી દોડધામ મચી ચુકી હતી. કોલેજના મેઈન દરવાજા પાસેના ડાબા ભાગમાં સહેજ દૂર એક આગના ગોટા ઉડાડતું કઈક સળગી રહ્યું હતું. જેના કારણે ધુમાડાના ગોટા ઉડી રહ્યા હતા અને ત્યાંથી દૂર લગભગ ૩૦સેક મીટરના અંતરે એક વ્યક્તિને ઢોર માર મરાઈ રહ્યો હતો. પાગલ બનેલા વ્યક્તિઓના ટોળા હડકાયા કુતરા કરતા પણ ભૂંડા હોય છે એ વાત આ ટોળાના ગુસ્સા પરથી વર્તાઈ રહી હતી,

કોલેજના મોટા અને વિશાળ દરવાજા અને એના બોર્ડની સામ સામે હજારો લોકો કોઈક ફિલ્મી હીરોને જોવા આવ્યા હોય એમ ઉભા હતા. હાઇવે પરના સાધનો અને પસાર થતા લોકોમાં કુતુહલ હતું અને સાથે જ ત્યાં ઉભેલા ટોળાઓમાં ખળભળાટ હતો. એકમેક ને બધા સવાલો પુછતા હતા કે શું થયું? લગભગ ચોક્કસ માહિતીના છેડા ખુબજ ઓછા લોકોના કાન સાથે અફળાયા હતા પણ ઉડતી વાતો કરનારા ગણા હતા.

થોડેક થોડેક અંતરે જામેલા ટોળાઓમાં નવી નવી વાતો થતી હતી. રોડ પર ટ્રાફિક જામ થઇ ચુક્યું હતું, મુખ્ય રોડની કિનારીઓ પર સાધનો જેમ તેમ પાર્ક કરાયેલા હતા અને લોકો આ આખી ઘટનાના અણસાર મેળવવા દોડી આવ્યા હતા. બધા ઉભા હતા ત્યાંથી થોડેક દૂર પેલા વિશાળ કોલેજના કંપાઉન્ડના દરવાજા પાસે એક છોકરી મોઢા પર હાથ દબાવીને બેઠી હતી. એણે પોતાના ઓઢણી અને રૂમાલમાં ચહેરો દબાવી રાખ્યો હતો એની વેદના દૂર દૂર સુધી પડઘાતા એના ડુસ્કાના અવાજમાં વર્તાઈ રહી હતી. એની પાસે ઝૂકીને એને સાત્વના આપતી છોકરી હાલ જ ફોન ખિસ્સામાં ખોસીને એની પાસે નમી હતી. એમનાથી થોડેક દુર એક મોટો કેલ્બો આડો પડ્યો હતો જેમાંથી છલકાતું પ્રવાહી જમીનની છાતી પર બળતી ઝળોળાટ મુકતું હતું અને હવાના પરપોટા પર જાણે ધમધમી રહ્યું હતું. લોકો મૂંગા મોઢે બધું જોઈ રહ્યા હતા અને એક તરફ વેદનાના સાગરો પેલી હાથ, રૂમાલ અને ઓઢણાની આડછમા રહેલી આંખોમાંથી ઉભરાઈ રહી હતી. પેલી છોકરી કોઈકના પાસેથી પાણીની બોટલ લઇ આવી અને ઢાંકેલા ચહેરા પર એણે એ આખી બોટલ ખાલી કરી નાખી.

~~~~~~~~~~

સમય :-૧૧-૫૦ સવારે

ગણતરીની પળોમાં ત્રણેય દિશામાંથી પોલીસ અને ૧૦૮ની ચીચીયારી વાતાવરણમાં ગુંજી ઉઠી હતી. લગભગ ૬૦ થી ૭૦ની સ્પીડે ૧૦૮ માનવો અને વાહનોના ટોળા ચીરતી પેલા કોલેજના મુખ્ય દરવાજા પાસે રોકાઈ હતી. બન્ને હાથે મો ઢાંકેલી છોકરી અને એની સાથેની છોકરી ને સાથે લઇ તરત જ પાંચેક સેકન્ડના અંતરાલમાં ૧૦૮ ફરી વાર એજ ગતિએ શહેરના ભીડ ભાડમાં ખોવાઈ ગઈ હતી.

એજ સમયે પોલીસની ત્રણેક ગાડીઓ સાયરનોના ગુંજતા અવાજ સાથે ધસી આવી હતી. મોટા દરવાજા આગળ ભેગા થયેલા ટોળામાંથી લોકો હવે ધીરે ધીરે વિખરવા લાગ્યા હતા, જાણે કઈ બન્યું કે કઈ જોયું જ ના હોય એમ પોતાના કામ તરફ વળતા દેખાઈ રહ્યા હતા. ત્રણેય ગાડીઓ એ દરવાજા તરફ ધસી અને રોકાઈ ગઈ. આજ ત્રણ ગાડીઓની પાછળ થોડીક વારમાં બીજી મોટી ડીશો અને કેમેરા સજ્જ ત્રણ વાન પણ ધસી આવી.

દરેક ઘટના અંગે માઈક અને કેમેરા સામે ઉલટતપાસ કરતા મીડિયા વાળા ભૂખ્યા વાઘની જેમ દોડી આવ્યા હતા. પોલીસની ત્રણે ગાડીઓમાંથી ઉતરેલા પોલીસના અફસરો પોઝીસન લઇ ચુક્યા હતા. એ પંદરેક અફસરોમાં ચાર જણે પેલા સળગતા અને ગોટા ઉડાળતા સ્થળે ઘેરો ઘાલી એને સુરક્ષિત બનાવી દીધો. પાંચ જવાનો આખી કોલેજના દરવાજા પર ચાંપતી નજર રાખતા હતા અને ૬ એક જણા PSI તેજેન્દ્ર સિંહ સાથે પેલા ટોળામાં ઢોરમાર મારતા યુવાન તરફ ધસી જઈ એને છોડાવ્યો. ચાર અફસરો એ એને કાબુમાં કરી પકડીને ગાડીમાં બેસાડી દીધો હતો. ત્યારે જ ચોથી બોલેરો ગાડી અને એના પાછળ સરસરાટ દોડી આવેલી ન્યુજ ચેનલ વાન પણ ત્યાં રોકાઈ અને એમાંથી ઉતરેલા અફસરે તેજેન્દ્ર સિંહને પોતાની તરફ આવવા હુકમ ફરમાવી દીધો.

~~~~~~~~~~

સમય :- ૧૧;૫૫ સવારે

લગભગ પાંચ મીનીટમા ૧૦૮ સિવિલ હોસ્પિટલના ઈમરજન્શી વોર્ડ સામે રોકાઈ હતી અને તુરંત જ પેલી મોહ પર હાથ ઢાંકી બેઠેલી છોકરીને તત્કાલ સારવાર અર્થે ખસેડાઈ હતી. એના ચહેરા પર ફેંકાયેલા પ્રવાહીની તપાસ થતા જાણ થઇ હતી કે એ ઉગ્ર અને ત્રીવ્ર એસીડ હતું જેના કારણે એને તરત જ વધુ સારવાર અર્થે આઈ.સી.યુના સ્પેશલ વોર્ડમાં ખસેડી દેવાઈ હતી.

~~~~~~~~~~

થોડીક જ વારમાં શૈલેશના ઘરના બધા આવવાના હતા આજે કદાચ સબંધની વાત પર બંને પરિવારની સંમતી મહોર લાગવાની તૈયારીઓ કરાઈ રહી હતી. સવિતા બધી જ તૈયારીઓ પતાવીને વિજય પાસે બેસી કઈક પૂછતા હતા. વિજય કોઈકને ફોન લગાડવા મથામણ કરી રહ્યો હતો અને સામેના છેડેથી ફોન બંધ આવતો હતો. એ સુરેશભાઈના મોબાઇલમાંથી આવતો સ્વીચ ઓફનો આવાજ વિજયના ચહેરા પર અનેકાનુંક બદલાવ સર્જતો હતો. છેવટે કંટાળી એને ફોન કટ કર્યો અને સામેની ટીપાઈ પર ફોન મુકીને ચિંતા ભર્યા અવાજે કઈક કહેવા માટે સવિતા તરફ નજર કરી, ત્યાજ મોબાઈલ રણકી ઉઠ્યો એ નંબર અનીતાનો હતો.

બે-ત્રણ શબ્દોની વાત થઇ “હું આવું જ છું” કહીને વિજયે ફોન કટ કર્યો અને ખિસ્સામાં ખોસતા એમણે તરત સવિતા ને પણ સાથે ચાલવા કહ્યું. વિજયના ચહેરા પરના ભાવ જોયા પછી સવિતા વધુ પૂછવા અંગે વિચારી જ ના શકી.

~~~~~~~~~~

“એનું નામ?” દવાખાનાના ઇન્ક્વાયરી વિભાગ પર હોસ્પિટલના અધિકારીએ જીજ્ઞાને સવાલ કર્યો.

“જી અનીતા” જીજ્ઞાએ ધીમા અને ધ્રુજતા અવાજે જવાબ આપ્યો. એનું સંપૂર્ણ ધ્યાન હજુ કણસતા અવાજ પર હતું, એ જાણે અનિતાની વેદના એના અવાજના આધારે અનુભવી રહી હતી.

“આખું નામ કહો મારે ફોર્મ ભરવું છે, અથવા લો આ ફોર્મ ભરી નાખો.” થોડુંક મક્કમ અને બેફિકરાઈ પૂર્વક એ લેડીએ જીજ્ઞા સામે ફોર્મ ધરી દીધું.

“ઓ કે, હવે હું જાઉં?” ફોર્મ ભરીને પેલી સ્ત્રીના હાથમાં આપતા જીજ્ઞા પૂછીને એની રજા મળતા જ અનિતાને જે તરફ લઇ ગયા હતા એ તરફ દોડી ગઈ. એની આંખોમાં વેદના હતી અને દર્દ પણ, કદાચ જે બન્યું એ એણે વિચાર્યું પણ ણા હતું કે આવું પણ થઇ શકે છે.

~~~~~~~~~~

“કોઈ પૂછતાજ કરી?” એસ.પી. નિમેશ ઓઝા એ ગાડીમાં બેઠા બેઠાજ તેજેન્દ્ર સિંહને પૂછતાં હતા.

“સર હમણાં અડધા કલાક પહેલા જ એણે ફોન કર્યો હતો અને હા,ના અડધા કલાક પેલા મનુભાઈ સાથે એની આખી વાતચીત થઇ હતી જેમાં એણે આખી વાત એમને કરી હતી. અને ત્યારથી અમે બસ એનેજ શોધી રહ્યા હતા...” તેજેન્દ્ર સિંહે જવાબ આપ્યો અને એમજ કોલેજના દરવાજા તરફ એક નજર ઘુમાવી લીધી.

“એણે ફોન કર્યો હતો...?” નિમેશ ઓઝાની આંખોમાં એક વિચિત્ર આશ્ચર્ય ભાવ ઉછળતો હતો. કદાચ આટલા વર્ષોના અનુભવોમાં આવા પ્રસંગો ખુબ જ ઓછા બનતા જોવા મળતા હોય છે. જયારે કે ગુનેગાર પોતે સામે ચાલીને અને એ પણ ગુનો કરતા પહેલા એની જાણ પોલીસ ખાતામાં કરી દેતો હોય છે.

“હા, પણ અમે આવીએ ત્યાં સુધીમાં તો...”

“ચલ છોડો, એણે શું કહ્યું હતું એ મને કહેશો?”

“હું મનુભાઈને મોકલું એ બધું સરખી રીતે સમજાવી શકશે.”

“ઓકે, જલ્દી મોકલો...” નિમેષ ઓઝા ડ્રાઈવરના કાનમાં કઈક કહી અને ફરી શાંત થઇ બેસી રહ્યા. ડ્રાઈવર શીટ પરનો અફસર ઉતરી ને પેલા વ્યક્તિને જે કારમાં રખાયો હતો એ તરફ ચાલી નીકળ્યો.

~~~~~~~~~~

“બેટા અનીતા ક્યાં છે?” વિજયે સવીલ હોસ્પિટલના પગથીયા ચડતા ચડતા જ જીજ્ઞાને ચાલુ ફોન પર જ પૂછી લીધું.

“ઓકે, હું આવી ગયો છું.” સામેથી સંભળાયેલા શબ્દો સાંભળ્યા અને ફોન કટ કર્યો. એમની સાથે આવેલી સવિતાના ચહેરા પર પ્રશ્નોં અને આશ્ચર્યના આઘાતી મારા એમજ યથાવત હતા. અનીતા સાથે બનેલી ઘટના અંગે હજુ ઘરમાં વિજય સિવાય કોઈને ખબર ના હતી.

“અનીતા શાહ..” વિજય ભાઈએ હોસ્પિટલના હેલ્પડેસ્ક પર નામ પૂછ્યું, પણ ચોપડાના પત્તા ઉથલાવતા રીસેપ્નીસ્ટને જોઈ એમને ફરી કહ્યું. “ આઈ.સી.યુ, બેડ નં. ૩”

“ઓહ ‘એસીડ અટેક કેસ’, સર જમણી તરફ ત્રણ રૂમ છોડીને ડાભી તરફ વળી જજો.” પેલી સ્ત્રીએ આઈ.સી.યુનુ નામ સાંભળી તરત જ જવાબ આપ્યો. અને સવિતા પોતાની ધીરજ ગુમાવી કઈ પૂછે એ પહેલા એનો હાથ પકડી ને વિજય પેલી સ્ત્રીએ બતાવેલી દિશા તરફ એને ખેંચી ગયો.

~~~~~~~~~~

મનનના કાનમાં સંભળાતા સુર એના ભૂતકાળ સાથે ભેળવાતા જઈ રહ્યા હતા. એના મનમાં કેટલાય સુરો ભેળવાઈ રહ્યા હતા અને છુટા પડી રહ્યા હતા પણ, છેવટે દરેકના કેન્દ્રમાં એક જ સુર એના દિલમાં સ્પર્શતો હતો એ અવાજ અનિતાનો હતો. “મનન તું ક્યારે સમજીશ મને...?”

~~~~~~~~~~

“લાવ બતાવ તો મને એ કોણ છે?” નિમેશ ઓઝા એ પાછા ફરેલા ડ્રાઈવરના મોબાઈલ ફોનમાં કેપ્ચર કરેલો ફોટો જોવા માટે મોબાઈલ લીધો અને સ્નેહલ વ્યાસે મોબાઈલ આપ્યો.

“વિચિત્ર કેસ છે... સર” ડ્રાઈવર સીટ પર બેઠેલા સ્નેહલે પૂછ્યું.

“હા લાગે તો છે પણ, એની અને મનુભાઈ વચ્ચે શું વાત થઇ એના પરથી વધૂ સમજાય.” નિમેશે કહ્યું અને ફોન લોક કરી ફરી સ્નેહલ ના હાથમાં આપી દીધો. નજર ચારે તરફ ફેરવતા એણે ક્લાસિક માઈલ સીગારનું પેકેટ કાઢીને એક સિગાર બંને હોઠો વચ્ચે મૂકી અને ગનવાળા લાઈટરથી ચેતવી. બે કસ ખેંચતા ખેંચતા પરીસ્થીતિનો ક્યાસ કાઢવાનું શરુ કર્યું.

~~~~~~~~~~

“જીજ્ઞા, બેટા અનીતા ક્યાં છે?” વિજયે આઈ.સી.યુ આગળના સોફામાં બેસેલી જીજ્ઞાને પૂછ્યું અને તરત જ એણે સામેના રૂમની બારી તરફ નજર કરી.

“જી સામે જ...” જીજ્ઞાએ પણ આંગળી વડે સામેના રૂમ તરફ જ ઇશારો કર્યો.

“શું થયુ છે અનિતાને, કોઈ મને કહેશે જરા?” છેવટે સવિતાની ધીરજ હવે ખૂટી પડી હોય એમ એણે બારીના કાચ માંથી અંદર નજર ફેરવી જોઈ અને પછી વિજયના ખભા પર કઈ જ સમજાતું ના હોય એવી મુંઝવણ સાથે હાથ મુક્યો. વિજય હજુ અંદરની હિલચાલ જોઈ રહ્યો હતો. રૂમના અંદર ડોકટરની ટીમ કોઈકનો ઈલાજ કરતી હતી એટલુંજ એ જોઈ શકતો હતો. એ વ્યક્તિ જે અત્યારે બેડ પર હતી એનો ચહેરો જોઈ શકવો મુશ્કેલ હતો.

“મને પણ હજુ કઈ ખબર નથી, સવિતા. એક મીનીટ માટે શાંતિ રાખ તો હું કઈક વિચારી શકું.” વિજયે ત્યાજ સોફા પર બેસી જઈને સવિતાને યુધ્ધમા હારેલા યોદ્ધાની જેમ ધીમા અવાજે જવાબ આપ્યો.

“તો કોને ખબર છે? કોને?” સવિતાની આંખો ભરાઈ આવી હતી. એના અવાજમાં દર્દના પડઘા પડતા હતા.

“ચલ હવે જીજ્ઞા આખી વાત કરવાનો સમય આવી ગયો છે. શું થયું હતું મને કે? અનીતા તો આજે વેહલા ઘેર આવવાની હતી ને?” વિજયે થોડીક વાર કઈ વિચાર કાર્યા પછી શાંત થઈ જીજ્ઞાને પૂછ્યું. સવિતા પણ જીજ્ઞા જે કહે એ સાંભળવા માટે જિજ્ઞાસાપૂર્વક જીજ્ઞાના ચહેરા તરફ જોઈ રહી હતી.

થોડીક વાર માટે આખી લોબીમાં શાંતિ વ્યાપ્ત થઇ હોય એમ નિરાશા ઘેરાઈ વળી હતી. વિજય અને સવિતાની આંખોમાં વેદનાના વમળો જાણે અતિવૃષ્ટિના આઘાતની જેમ ઝીંકાઈ રહ્યા હતા. સવિતાની આંખો જાણે ગંગા જમના વહાવતી હતી અને વિજયની મઝબુત છાતીમાં જાણે ઓચિંતું ખંજર ભોંકી દેવાયું હોય એવી વેદના એને વળગી પડી હતી. જીજ્ઞાનો અવાજ હવે અટકી ગયો હતો એના ગાળામાં ડૂમો બાજી રહ્યો હતો અને આંખોમાં ટપ-ટપ કરતા આંસુ વહેવા લાગ્યા હતા.

~~~~~~~~~~

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો...)