એસિડ અટેક
[~૨~]
“મિત તું અહીં જ રે જે, હું આવું હાલ જ.” મનને આટલું કહેતી વખતે ફરી એક વાર સામેના છેડે સુધી નજર નાખી લીધી હતી. એની આંખોમાં હજુય કંઈક હતું, ન સમજી શકાય એવા અનેરા ભાવ હતા.
“હવે કંટાળો આવે છે, ચલ મારે ય આવવું છે.”
“અરે રે ને લા...” એ દિવસે મનને સાવ તોછડાઈ પૂર્વક જવાબ વાળ્યો.
“પણ મને તારી સાથે તો આવવા દે. હું પણ જાણું છું, કે તું જ્યા સુધી એ ઘરે જઈને સુઈ નહી જાય ત્યાં સુધી તું પણ નહીં જ જાય અને મને પણ નઈ જવા દે ક્યાંય.” મીતે જવાબ આપ્યો અને મનન ના ખભા પર હાથ મૂક્યો. અત્યારે એના ચહેરા પર હાસ્યના લીસોટા સ્પષ્ટ પણે જોઈ શકાતા હતા.
“વેઇટ યાર પ્લીઝ, મારે થોડુંક પર્સનલ કામ છે.” મનને આટલું કહ્યું ના કહ્યું ને પળભરમાં એ પેલા સામેના કિનારાની ભીડમાં મિતની આંખથી ઓઝલ થઇ ગયો.
કલાક જેવો સમય વિતી ચુક્યો હતો મનન હજુય છતના હીંચકા પર ઝોલા ખાતો હતો. એના માથામાં હાલ કોઈ કે હોકીના લાકડા વડે ઘુમાવીને ઘા કર્યો હોય એમ, એની વેદનામાં પડતા સણકાની જેમ અનીતાના અવાજ હજુ સુધી એના મનમાં પછડાઈ વેદના ઉપજાવી રહ્યા હતા. એ દરેક વખતે ફરી વાર ગીતોના ઘેનમાં ખોવાઈ જવા કુદકા મારતો હતો તેમ છતાં પણ એ દિશા તો ભટકી જ જતો હતો. મનમાં હજુય અનીતાના શબ્દો વલોવાઈ રહ્યા હતા “ના મને કઈ નથી ખબર અને મારે કઈ જાણવું પણ નથી, તું અહીંથી જા...” એની બંધ આંખોમાં એ ચહેરો અચાનક સામો આવી વારંવાર નવા શબ્દોના બાણ છોડીને પાછો ઓગળી જતો હતો. ફરી વાર આંખો ઉઘડી અને કંઈક યાદ આવ્યું હોય એમ એ સફાળો થઈ ચત્તોપાટ હીંચકામાં બેસી ગયો. એણે એક પળ માટે ઉશ્કેરાટમાં ભરાઈ ને કાનમાં થી ઈયરફોન ફગાવ્યા. બાજુના ટેબલ પરથી પાણીની બોટલ લઇ મોઢે લગાડી, અને મોટા ઘૂંટડે એ ત્રણેક ડચકારે આખી ગટગટાવી ગયો.
થોડીક વાર ખુલા આકાશમાં નજર ફેરવી ને સુરજના કિરણોના સપાટા નિહાળી રહ્યો. પાછા ઈયરફોન ઉપાડ્યા અને કાનમાં ખોસ્યા અને, વિચારોના વૃંદાવનની શેરી પર માતાની પકડ માંથી છૂટતા બાળ કાનુડાની જેમ જ એણે ખુલ્લી દોડ મૂકી દીધી. એની યાદો પાછળ, એ અવાજ પાછળ, અનીતા પાછળ એક અજાણી રાહે એ જઈ રહ્યો હતો પણ, ક્યાં? એની કદાચ જ એને જાણ હોય.
“મિત... મિત... મિત... આ મિત ક્યાં ગયો હશે મારું મગજ ઠેકાણે નથી અને એમાંય...” મનને પોતાનું કામ પતાવી ને આવતા વેત બૂમ પાડી. એણે આખા મેદાનમાં નજર નાખી રોબોટિક સ્કેનરના જેમ એણે આખું મેદાન પળવારમાં માપી છેવટે કોઈ ના મળતા એણે હાર સ્વીકારી લીધી. હાલ જ બે મિનિટ જેટલા જ સમય પહેલા એની સાથે અનીતાએ કરેલું વર્તન મગજમાં જાણે વેદનાના રણકાર ઉપજાવતું હતું. છેવટે એણે બંને કાનમાં આગળીઓ ખોસી અને ત્યાજ બંકાડાના ખૂણે ગોઠવાયો. એના મનમાં અનીતાના શબ્દો હજુય ઘુમળાઇ રહ્યા હતા અને એમાય આ નવરાત્રીના લીધે થતા વાજિંત્રો અને બેન્ડના અવાજો એના માથામાં જાણે હથોડાની જેમ ઝીંકાઈ રહ્યા હતા. છેવટે એણે ત્યાંથી એક નજર અનીતા તરફ ફેંકી ને બાઈકની કિક મારી, અને સડસડાટ એ ત્યાંથી ક્યાંય દૂર નીકળી ગયો.
“અનીતા હવે તો હદ કરી યાર...” જીજ્ઞાએ ફરી વાર કેન્ટીનમાં પેલા છોકરાના કોફીના બે મગ મૂકી ગયા પછી કહ્યું. સતત ત્રીજી વાર કહ્યું તેમ છતાંય ના સાંભળતા છેવટે એણે અનીતાનો ટેબલ પર ટેકવેલો હાથ ખસકાવી લીધો.
“હા બોલ...” અનીતાએ અચાનક વાસ્તવિકતામાં પાછા ફર્યા ના અનુભવ સાથે જ ફરી સામાન્ય રીતે જ પૂછ્યું.
“આ કોફી ગરમ થાય છે યાર જો તો ખરા.” જીજ્ઞાએ કોફી તરફ હાથની આંગળી ટેકવી વ્યંગ કર્યો. કોફી મૂકી ગયેલા છોકરા ને પાછા વળ્યાને પણ પાંચેક મિનિટ વીતી ચૂકી હતી. પંખાની કીચુડાકી ભર્યો અવાજ સતત આખી કેન્ટીનના હોલમાં પડઘાતો હતો. પહેલા કરતા હવે બદલાવ એટલો જ કે ચાર ટેબલ વધુ ભરાયેલા હતા. લગભગ સમયનો કાંટો અત્યારે દસનાં આંકડા વટાવી રહ્યો હતો અને તડકો બારીમાંથી ટેબલ તરફ સરકી રહ્યો હતો. અંદાજે બીજું લૅક્ચર પણ પતિ ગયું હશે એવું મનોમન જીજ્ઞા બબડી રહી અને ફરી મોબાઈલમાં પરોવાઈ ગઈ. એની રોજની ટેવ મુજબ એ આજે પણ મોબાઈલમાં કંઈક ગડમથલ કરી રહી હતી.
અનીતા છેવટે કંઈક યાદ આવ્યું હોય એમ ઝબકી ગઈ હતી અને બે એક ઘૂંટડે ઠંડી કોફીનો મગ ખાલી કરી ચૂકી હતી. તેમ છતાંય અનીતાના ચહેરા પરની શૂન્યતા હજુય યથાવત હતી. હવાની ધીમી લહેરખી વચ્ચે પણ પરસેવાની બુંદ એના ચહેરા પર ઉપસી એના કપાળમાંથી લપસી ને છેક ગળાના ઉબડખાબડ ઢોળાવો માંથી વહીને છાતીના એ ઢોળાવો સુધી ધસીને અદ્રશ્ય થઇ જતી હતી. એ સરકતી દરેક બુંદમાં વેદના હતી, પછતાવો હતો, અજંપો હતો, અને શૂન્યતા સાથે ભેંકાર ખાલીપો પણ હતો જે મનમાં ઉદભવી હૈયામાં ભરાઈ જતો હતો. એણે ફરી વાર કીચડુક કીચડુક ફરતા પંખા તરફ નજર ફેંકી... અને જાણે કંઈક શોધતી રહી...
“કેટલો તાપ લાગે છે? બાપ રે, જોતો ખરા આ પરસેવો” અનીતા ગરબા ગાઈ ને થાક્યા બાદ પાણી પીવા માટે મેદાનના ખુણે મુકાયેલા પાણીના જગ પાસે પહોંચી ગઈ હતી. ગરબાના મેદાનમાં એક ખુણે ગરબા ગાતી વખતે પાણીની અગવડના પડે એ હેતુથી પાણીની પરબ જેવું બનાવાયેલું હતું. ત્યાં હારબંધ ચારેક મિનરલ વોટરના જગ મુકેલા હતા અને ઢોળાયેલું પાણી એક નાનકડી ખાળમાં વહી જાય એમ થોડુંક પાતળું નાળચા બંધ ખોદકામ પણ કરેલું હતું. મનન પણ મીતને એક મિનિટ માં પાછા ફરવાનું કહી એ તરફ આવ્યો હતો.
મનન આજે આખી વાત અનીતાને કરવાનો નિર્ણય કરી ચૂકયો હતો. મક્કમ પણે મન ને મનાવી પણ લીધું હતું એને વારંવાર આ જ વાક્યનું રટણ ચાલુ રાખ્યું હતું. આજે કોઈ પણ સંજોગે મારે એને બધું જણાવી દેવું છે. અનીતા અને એની આસપાસ બે બહેનપણી ઊભી હતી, ત્યાં થોડેક દૂર જગ્યા લઈને ગરબા જોતો હોય એમ મનન પણ ઊભો રહ્યો. એની નજર સતત અનીતા તરફ જ ફરતી હતી પણ એનું મન એની કાયાનું આકર્ષણ જોઇને થડકી ઊઠતું હતું. એનો અહેસાસ માત્ર એને મનોમન આનંદથી ભરી રહ્યો હતો.
પ્રસ્વેદબિંદુથી ખરડાયેલો એ ચહેરો, ગરબા ગુમીને થાક્યા હોવાથી ધબકતું હદય અને એની ગતિ સાથે એના ગરદન નીચેનો સતત ઊંચોનીચો થતો વિસ્તાર, એની ગરદન પર ગલગલીયા કરતી એ બુંદ સરસરાટ દોડતી એ બે ઉભારો વચ્ચેની રેખામાં સમાઇ જતી હતી. એક એક ક્ષણની જાણે સૂક્ષ્મ પણે નિરીક્ષણ કરતો હોય એમ મનન આ બધું અનુભવતો ઊભો હતો. એક ફફડાટ અનુભવાતો હતો તેમ છતાંય, એણે એ તરફ જોયા કર્યું જાણે આજે મનન અનીતાને જોવાનો એક પણ અવસર છોડવા માંગતો જ ના હોય. એની નજર સતત ત્યાં પછડાતી હતી જ્યાં થતો સળવળાટ એને બેચેન કરતો હતો. એ ભાગ જ્યાં એ ચળકતા મોતી સરકીને સમાઈ જતા હતા. એજ મોતીને હાથમાં લઇ નિહાળવા હતા, એ ભાગ સુધી સરી જતા આમ જ જોયા કરવા હતા. એજ મોતીના સરકતા રસ્તા પર નજર જાણે અંતિમબિંદુ થી ઉગમ બિંદુ તરફ દોડી રહી હતી. હજુ થોડા નજીક જતા સહેજ વધુ જોવાની લાલસા એને વધુ નજીક જવા આકર્ષી રહી હતી. પાણીના જગની નજીક ઉભેલી જાંબુની ચાણીયાચોળીમાં જાણે કોઈ સ્વર્ગીય અપ્સરા ઊભી હોય એટલા આનંદે મનન એને જોઈ રહ્યો હતો. બસ ચાહના એટલી કે એક વાર બાહોમાં ભીડીને એક એક મોતીડાઓનો આસ્વાદ માણી જ લેવો હતો પણ...
એ થનગણાટ એને થડકાવી દેતો હતો એ ભાગ જ્યાં એ ચળકતા મોતીડા સરકીને અદ્રશ્ય થઇ જતા હતા. એ મોતીને હાથમાં પંપાળવા હતા, એનો આસ્વાદ માણી લેવા, અત્યારે મનન અધીરો બની રહ્યો હતો. એણે થોડો નજીક જવાનો વિચાર કર્યો, એને પણ એ જાંબુની ચણીયાચોળીમાં ઉભેલી હુશ્નપરી ને આજ મન ભરીને જોઈ લેવી હતી, માણવી હતી અને એને બાહોમાં ભરીને એકે એક મોતીડાને પી જવા હતા.
“આ પરસેવો પણ બાપ...” રૂમાલથી મોં પરના પરસેવા અને ગરદનથી છેક પેલા અદ્રશ્ય કરી સંભાળ લેતા ભાગ સુધી એણે રૂમાલ ફેરવી નાખ્યો. આ રૂમાલ સુનામીના જેમ આવીને ચળકાટ અને ઝગમગાટ કરતા બધા મોતીડા ખાળી ગયો હતો. મનનથી સિસકારી અને નિસાસો નંખાઈ ગયો એણે ફરી વાર એના ગાલમાં પડતા ખંજન તરફ જોયા કર્યું આ દરમિયાન એની આંખો પર જડેલા ચશ્માના કાચ પરથી પડઘાતો પ્રકાશ એની આંખોમાં તણખલાની જેમ પછડાતો રહ્યો. એની નજર સહેજ વાર માટે ત્યાંથી ખસકીને આંખોમાં પડેલો અંજાસ ખાળવા મથતી રહી અને ફરી પાછી નજર એ તરફ અનીતા ઊભી હતી ત્યાં એના ચહેરા પર ચોટી ગઈ.
એની કમર પરનો એ ભાગ હજુય ઝગમગાહટ ભર્યો લાગતો હતો. જાણે કે એ સુનામીના છેડા એ ભાગને ખાળી શકવામાં અસમર્થ રહ્યા હતા એની નજર મનન તરફ પડી હતી એણે એક સ્મિત ફેક્યું પણ હતું. એજ સ્મિત જેણે સીધા દિલના અંદર ઘા કર્યો હતો, પણ હાલ મનન ની નજર ના પડી શકી. એણે ઈશારો કર્યો અને એ કઈ બોલે એ પહેલા અનીતા ગરબાની હરોળમાં ફરી જોડાઈ ગઈ.
અનીતા લગભગ બધું જ જણાતી હતી મનનની નજર એ વિના જોયે પણ અનુભવી સકતી હતી. પાછલા એકાદ વર્ષથી થતી રોજની મનન સાથેની વાતો એ એને એટલું તો જરૂર સ્પષ્ટ પણે જણાવી દીધું હતું કે મનન એને ચાહે છે. પણ આ કેવો પ્રેમ? આ જ સવાલ કદાચ એના મનમાં હર પળ આજેય વલોવાતો રહેતો હતો.
“તું એને બોલાવે જ છે શા માટે?” શૈલેશ કોલેજ થી થોડેક દૂર રસ્તાની કિનારે ઊભો રહીને અનીતા પર તાડૂકી રહ્યો હતો. મુખ્ય રસ્તાની કિનારે ઉભેલી અનીતા બસ એમ જ નીચી નજરો રાખી ઊભી હતી. આવતા જતા લોકોની તીર જેવી નજર થી બચવા રાણા પ્રતાપ જેવું કોઈ બખતર એની પાસે ભલે ન હતું પણ નીચી નજર રાખી એ અણીદાર તીરો ખાળવા મથતી જરૂર હતી.
“તું આમ નીચું જોઇને કેમ ઊભી છે મારી વાતનો જવાબ કેમ નથી આપતી.” શૈલેશ ફરી વાર કડકાઈ ભર્યા અવાજે ગર્જ્યો.
“તો શું કરું? તારા જેમ તારી સાથે હું પણ ભવાડા કાઢું એમ, અહીં રસ્તાની વચ્ચોવચ...?” અનીતા હજુય નીચું જોઇને જ બોલી રહી હતી. એની નજર જાણે જમીન ના ખડબચડા પડને આંખોની અણીએ ખોદી રહી હતી.
“ભવાડા...?”
“હા તો શું થઇ રહ્યું છે? અહીં કોઈ શૂટિંગ ચાલે છે?”
“ભવાડા હું કરું છું કે તું પેલા આવારા સાથે ભટકીને.”
“એ મારો ફ્રેન્ડ છે બસ, ધેટ્સ ઓલ. અને બોલતાં પહેલા જરા વિચાર કરી લીધા કર સમજ્યો.” અનીતાએ પ્રથમ વખત મક્કમતા પૂર્ણ જવાબ આપી દીધો.
“તું ભૂલે છે અનીતા કે તું મારી થનાર પત્ની છે?”
“તું પણ ભૂલે છે શૈલેશ કે આપણા સંબંધો હજી જો અને તો માં છે.”
“એટલે તારે ભવાડા કાઢતા જ રહેવાનું છે એમને?”
“મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી તું જઈ શકે છે.” અનીતા પોતાની વાત કહીને ત્યાંથી ચાલવા માંડી હતી.
“ઊભી રે નહિ તો?”
“નહિ તો શું?”
“જો અનીતા આજે છેલ્લી વાર કહું છું. મારે તને બીજી વાર એની સાથે જોવાની જરાય ઈચ્છા નથી એનું ધ્યાન રાખજે નઈ તો આવી બનશે એનું અને તારું, બંનેનું. આ રોજ-રોજના નાટક મને નથી ગમતા. અને રહી વાત ફ્રેન્ડની તો તું મારી થનાર પત્ની છે એટલે મારા કહ્યા બહાર તો તારે જરાય જવાનું નથી. નઇ તો તને મારી તો શું કોઈની પણ નઈ થવા દઉં સમજી.”
“એટલે તું કહેવા શું માંગે છે? અત્યારથી જ મારે તારી ગુલામી કરવાની મારે... જો લોકો સાંભળે છે, આ નાટક બીજે ક્યાંક કરજે હાલ જા.”
“તને આ રૂપનો જ ઘમંડ છે ને જોઈ લેજે તને હું મારા સિવાય તો કોઈની નહી જ થવા દઉં.”
“તું મને ધમકી આપે છે? પ્રેમ આ રીતે થાય?” અનીતાએ પૂછી લીધું.
“પ્રેમ! માય ફૂટ, તું મને ગમે છે બસ, તારું આ રૂપ અને આ...” શૈલેષની આંખોમાં હેવાનિયત ટળવળી રહી હતી. એના શબ્દોમાં જે ભાવ હતા એ અનીતાને કમ્પાવી મૂકે એવા હતા. “મારે અને પ્રેમને બારમો ચંદ્રમાં છે. પણ હા તું મને ગમે છે, ખુબ જ ગમે છે, અને એટલી ગમે છે કે કોઈ પણ હાલમાં હું તને પામી ને જ ઝપીશ.”
“છી.... આટલી ખરાબ અને નીચ સોચ છે તારી મારા માટે, મને હતું કે તારા ગુસ્સા પાછળ પણ કદાચ પ્રેમ હશે, પણ...” અનીતાને ઊબકા આવતા હોય એમ એ બોલી એની આંખોમાં ઓચિંતો આઘાત હતો.
“હવે મારી સામે ક્યારેય ભૂલથી પણ ના આવતો નાલાયક” અનીતાની આંખોમાં ગુસ્સાનો દાવાનળ સળગી રહ્યો હતો. હવે ભાગવાનો વારો શૈલેશનો હતો, અનીતાનો ગુસ્સો હવે અંકુશ બહારનો હતો. એની આંખોમાં પીડા હતી, અનહદ પીડા જેની કોઈ સીમા ના હતી. એ પીડા પરિવાર ની હતી, આ સમાજની, આ દુનિયાની, આ લાગણીની, માંના પ્રેમની, અને પિતાના વિશ્વાસની હતી. એની સગાઈ આવા છોકરા સાથે એના પરિવારે શું જોઇને કરી હશે એજ પીડા અત્યારે એની આંખોમાં વહી રહી હતી.
“હે અનીતા! યાર તું અચાનક આમ રડે છે કેમ...?” જીજ્ઞાએ મોબાઈલ માંથી સહેજ જીવ બહાર કાઢ્યો અને અનીતાની આંખોમાં ઉભરતા આંસુ જોઇને પૂછી લીધું. કેન્ટીનના છેલ્લા ટેબલ પર કીચુડાક ખખડતા પંખાના ઘેઘૂર અવાજ વચ્ચે આરતીનો ડુસકો જીજ્ઞાના કાને અથડાયો હતો. જીજ્ઞા ફરી આરતી સામે ફરીને એને જોઈ રહી.
“મારા કિસ્મત છે જીજ્ઞા...” અનીતા ડૂસકા ભરતી હતી એનો ચહેરા સામે શૈલેશ જાણે ઊભો હતો અને એને જેમ તેમ બોલી રહ્યો હતો. એની નજરો હવે અનીતાને ભોકાતા ખંજરની જેમ ચુભતી હતી. એના હૈયામાં ડૂમો ભરાઈ રહ્યો હતો એનો શ્વાસ રૂંધાતો હોય એમ એ ડૂસકા ભરી રહી હતી.
“એ ભાઈ પાણી લાવતો.” જીજ્ઞા એ કેન્ટીનના છોકરા તરફ નજર નાખીને બુમ મારી. એના અવાજમાં ચિંતા અને ભય બંને ભેળવાઈ રહ્યા હતા.
“બોટલ કે સાદું.” સામેથી અવાજ આવ્યો.
“હવે બબુચક લાવને જે હોય એ.” જીજ્ઞા વિકરાલ વાઘણ ના જેમ ગર્જી ઊઠી. એક તરફ અનીતાના ડૂસકા હતા તો બીજી તરફ રૂંધાતા શ્વાસમાં આવતી ઉધરસના અવાજો. અનીતાની હાલત એને વધુ ચિંતિત બનાવતી જઈ રહી હતી.
“લો બહેન...” પેલો કેન્ટીનનો છોકરો પાણીનો જગ મુકીને ચાલતો થયો.
“લે અનીતા પાણી પી..” જીજ્ઞાએ પાણીના જગ માંથી થોડુંક પાણી ગ્લાસ માં રેડ્યું અને અનીતાને આપ્યું. અનીતાએ ત્રણેક ઘૂંટડા પાણીના ભર્યા અને ફરી બારી બહાર કંઈક શોધતી હોય એમ જોઈ રહી.
[ વધુ આવતા અંકે...]
સુલતાન સિંહ
raosultansingh@gmail.com