Acid Attack (Chapter_10) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Acid Attack (Chapter_10)

એસીડ અટેક

[~૧૦~]

“અચાનક થોડી વારમાં શાંત રહેલું હોસ્પિટલ પોલીસના સાયરનોમાં જાણે વીંટળાઈ વળ્યું હતું. વિજય અને સવીતા હજુ કઈ સમજે એ પહેલા શ્યામે આવીને બહાર જોયેલી આટલી બધ કારનો કાફલો આવવાની વાત જણાવી હતી. અનીતા હજુ હોશમાં આવી પણ ના હતી. ડોક્ટર અને પોલીસના ચાર પાંચ શસ્ત્રબદ્ધ અફસરો સાથે એક સફેદ કુર્તા અને એ ખાદીના ઝભ્ભાવાળો એમ બે વ્યક્તિ અંદર પ્રવેશ્યા. એમની સાથે જ ઓઝા અને ઝાલા પણ હતા જેમાં ઝાલા બંનેને રસ્તો દોરતા લઇ આવ્યો હતો. ઓઝા એ અનિતાના બેડ પાસે ઉભા રહી બનેલી આખી વિગતો કહી સંભળાવી, ડોક્ટરે પણ બધી માહિતી આપી, અને વિજય અને સવિતા સાથે પણ થોડી ઘણી વાતચિત થઇ. વિજય અને સવિતાના ચહેરા પરની મુંઝવણો અત્યારે વિચિત્ર પ્રકારે દેખાઈ રહી હતી. એ બે રુઅબદાર વ્યક્તિઓમાં એક હતા રાજ્યના મુખ્યમંત્રી નીલેશ દીક્ષિત અને બીજા રાજ્યના ગૃહ પ્રધાન જતીન પટેલ હતા. કલેકટર સાથેની મુલાકાત અંગે પણ વાત થઇ જેમાં એમણે ઈલાજ માટેના સહાયના નાણા અંગે પણ વાત કરી. છેવટે બંને જાણે વધુ સહાય અથવા કોઈ પણ મદદ અંગે જરૂર જણાય તો સીધો નિમેષ ઓઝા દવારા પોતાનો સંપર્ક સાધવા જણાવી દીધું.

લગભગ પંદરેક મીનીટ બંને જણે અનિતાના ખબર અંતર જાણવાના આશય સાથે હોશમાં આવવાની રાહ જોઈ પણ ડોકટરના મતે એ શક્ય સમય ના હતો, જેથી એમણે વિદાય લીધી. સ્વયં મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન વધુ ઈલાજ માટે બરોડા ખસેડવા અંગે પણ સુચન કરતા ગયા હતા અને ખર્ચ મુખ્ય મંત્રી ગ્રાન્ટમાંથી આપવાની જાહેરાત પણ કરી હતી. પણ ડૉ. વી. એસ. પટેલના મતે USA થી આવેલ ડોક્ટરોની ટીમ વધુ અનુભવી હતી એ વાત જણાવતા એમણે અહીં રાખવાની વાત સ્વીકારી લીધી હતી. થોડીક વારમાં ફરી આખું હોસ્પિટલ જેમ હતું એમ શાંત થાઈઓ ગયું. જાણે ફરી એજ સુન્ન અને શાંત વાતાવરણ લગભગ પંદરેક મીનીટમાં આખા શહેરને ઘેરી વળ્યું હતું.

~~~~~~~~~~~

ત્રણેક દિવસ પણ આજે વીતી ચુક્યા હતા આજે પણ મનન દવાખાનામાં આવ્યો હતો પાછલા બે દિવસથી સતત એ અનીતા ને મળવાની જીદ કરતો હતો. પણ એના પિતા વિજયભાઈની લાલ આંખો નીચે એ જઈ શકતો ના હતો. કેટલાય ન્યુઝ ચેનલ અને મીડિયા વાળા મળવા આવતા હતા કેટલાય સવાલો પણ કરતાજ હશે. એ બધાના જવાબો કેમ કરીને આપતી હશે...? એને બોલવામાં તકલીફ પડતી હશે, એની લાગણીઓ દુભાય એવા પણ સવાલો પુછાતા હશે? અનું બસ પ્લીઝ મને એક વાર તો મળી જો... કાશ હું આ ઘટના ના દિવસે ત્યાં હાજર હોત અથવા એ પેલા પણ હું તને મળી શક્યો હોત... પણ એ વખતે.. તને... અનુ... અનુ... સાંભળને” વિચારોની ટ્રેન અચાનક રોકાઈ ક્યારનો એકલા એકલા જાણે એ પોતાના સાથે વાતો કરતો હોય તેમ ખોવાયેલો હતો. વર્તમાન કરતા સપનાની દુનિયા હમેશા જુદી જ હોય છે જેમાં ભાવનાઓના સાગર સુખ અને દુખ બંને સમાન પણે આપે છે પણ એનો અનુભવ કરી શકવો મુશ્કેલ છે.

એક મોટા ધડાકા સાથે બધા રૂમની અંદર દોડ્યા એક લાંબી ચીખ છેક બહાર સુધી સંભળાઈ “મને માફ કરી દે... તું મને શા માટે બાળવા માંગે છે...?” એ અવાઝ છેક બહાર સુધી સ્પષ્ટ પણે સંભળાય એટલો મોટો હતો તેમજ કરુણ અને દર્દનાક પણ હતો. એ અવાજની સાથેજ ડોક્ટરોની ટીમ અને બીજા અધિકારીઓ પણ રૂમમાં દોડી ગયા હતા કદાચ વિજયભાઈ હજુ કંઇક વિચારતા હોય તેમ ત્યાં ઉભા હતા અથવા અંદર જવાની હિંમત એકઠી કરતા હશે. એક એવી કટાર જે વિજય અને જાણે દિલના અંદર સુધી ઉતરીને એને તારતાર કરી દે આખું જગત સુન્નતામાં સપડાઈ ગયું હોય એવું લાગ્યું. મનન તરત ઉભો થઈને અંદર જવા ઉઠ્યો પણ વિજયભાઈની નજરો પાર કરી એ જઈ ના શક્યો અને ત્યાજ પાછો બેસી ગયો. કદાચ હવે એક પિતાની નજર પોતાની દીકરીની આ દુર્દશા બાદ સાવધિ બની હતી હવે એ જરા અમથી પણ જોખમી પરિસ્થિતિ ઈચ્છતા ના હતા. કલાક જેવો સમય થયો માં અંદર હતા અને ગણા ડોકટરો પણ અંદર ભરાયા હતા. બધાની બહાર નીકળતી વખતની વાતો પરથી મનન એટલું સમજી શક્યો હતો કે કોઈ ડરાવનું સ્વપ્ન અનીતાને પરેશાન કરતુ હતું.

ત્રણેક કલાક વીતી ચુક્યા હતા ફરી એક વાર આખી લોબીમાં શાંતિ છવાઈ ગઈ હતી. મનન હજુય ત્યાજ સામેના બાંકડા પર બેઠો હતો એના મનમાં કોઈક મહાયુદ્ધ ખેલાઈ રહ્યું હતું જેમાં પોતાના સિપાઈઓ દ્વારા પોતાની જાતને જ એ હારી રહ્યો હતો. વિજય ભાઈ કદાચ હજુય એને જોઈ રહ્યા હતા. મનમાં થોડીક મૂંઝવણ હતી પણ ચહેરા પરનો ગુસ્સો કાયમ હતો. દીકરીની ચિંતા પણ માં કરતાય એક પિતાને વધુ હોય અને એટલેજ કદાચ દીકરીને પિતાની રાજકુમારી કહેવાય છે. અત્યારે આ સમયે એ ચાળીસેક વટાવી ચુકેલા ચહેરા પર ઢળેલો વિષાદ દયનીય હતો.

~~~~~~~~~~~

“શું થયું સવીતા..?” વિજયભાઈએ દીકરીના સુતા પછી ધીમા અવાઝે પત્નીને પૂછી લીધું. અત્યારે ઘડિયાળમાં રાતના અગિયાર વાગી રહ્યા હતા ચારેકોર સુન્નતા હતી બધાજ સુઈ ગયા હશે એવું શાંત વાતાવરણ પરથી લાગતું હતું.

“મારાથી એની હાલત જોવાતી જ નથી...” સવિતા બેને રાખેલી હિમ્મત કદાચ હવે છૂટી જતી હોય એમ તૂટતા સાદે કહી એમની આંખોમાં વેદનાના વહેણ સારી પડ્યા.

“પણ શું થયું કઈશ મને કે નઈ?”

“એ સાવ તૂટી ગઈ છે.”

“પણ શું થયું... એ તો કે મને, એણે તને કંઇક તો કહ્યું જ હશે ને?”

“હા ઘણું બધું થોડાક જ શબ્દોમાં...” સવિતાબેનના આવજમાં ભારોભાર વેદના હતી. માંડ વિજયભાઈ કાન દઈને સાંભળી શકે એટલો ધીમો આવાજ હતો અને આંખોમાં વળેલા ઝળહળીયા એમની પીડા છતાં કરતા હતા.

“સમજ્યો નઈ...” સવિતાબેન ના ચહેરા પર વરસતી વેદના વિજયભાઈના મનમાં વધુ સવાલો છતાં કરતી હતી. વિજય હજુય ગહેરી ચિંતામાં ડૂબતો જઈ રહ્યો હતો, કદાચ દીકરીની આ હાલત એના માટે અસહનીય હતી. એટલે જ પોતે બહાર ઉભા રહીને એના ઊંઘવાની રાહ જોયા પછી જ રૂમમાં આવતા હતા.

“એના સવાલોના જવાબ હવે હું નથી આપી શકતી, માંડ મહા મહેનતે એ હાલ જ સુઈ ગઈ છે. મને નથી લાગતું અત્યારે આપણી વાતચિત માટે આ યોગ્ય જગ્યા છે.”

સુન્નટાના સપાટા સતત એ રૂમમાં વહી રહ્યા હતા કેટલાય વંટોળીયા વિચારોના મંથન બાદ બંને જણા ઉભા થઈને રૂમના બહાર નીકળી ગયા. શ્યામને અંદર બેસી ધ્યાન રાખવાનું કહી અને પછી બંને જણા ICUની સામે બહારના સોફા પર ગોઠવાયા. અત્યારે તેઓ ICUના દરવાજાની બરોબર સામેના સોફા પર બેઠા હતા બહાર આવતા જ સવિતાબેનની ઘરબાયેલી વેદના આંખોમાં ઉભરાઈ ગઈ..

“મારા આગળના જીવનનું શું થશે માં... મારા સપનાનું અને હા હવે કોણ મારો હાથ પકડવા માટે પણ તૈયાર થશે...?” અચાનક ચુપ્પી તોડતા સવિતા બહેન કરુણ સ્વરે બોલ્યા અને વહેતા આંસુઓમાં પોતાની ભાવનાઓને વહેતી અનુભવી રહ્યા. “મારી પાસે એના આવા કોઈ જ સવાલોના જવાબ નથી... કદાચ, તમે એના સવાલના જવાબ આપી શકો... તો...” એક આશાભરી નજરે એકમેક સામે નીરખી રહ્યા હોય તેમ સવિતાએ વિજયની આંખોમાં સીધી નજર પરોવી. બંને તરફ ઉછળતી વેદના અવિરત વહેતી હતી આંખોમાં કેટલાય સવાલો એક મેકને પૂછતાં હતા જાણે બંને એકમેકને કહેતા હોય તુજ કેને મારે એને શું કહેવું જોઈએ...? પણ કદાચ આ સવાલનો બેમાંથી કોઈ પાસે જવાબ નાં હતો. પોતાના સવાલોના પણ અને અનિતાના સવાલોના પણ... બસ વેદના હતી અને લાચારી...

“અરે હા, યાદ આવ્યું...” અચાનક સવિતાબેન ફરી હોશમાં આવ્યા હોય એમ નવી સ્ફૂર્તિ સાથે બોલ્યા “અનીતા કંઇક મનન વિશે પૂછતી હતી”

“મનન...” આ શબ્દ સાંભળતાની સાથેજ ચિંતા અને મૂંઝવણની રેખાઓ વિજયભાઈના ચહેરા પર ફરી ઉપસીને ઘટ્ટ બની ગઈ.

“શું થયું...” સવિતા આશ્ચર્યમાં પટકાયેલા વિજય સામે જોઇને બબડી.

“મનન... મનન વીશે શું કહ્યું...? જલ્દી કે મને...”

“કઈ ખાસ નઈ પણ એણે આપણી અનુને હંમેશા મદદ કરી છે અને એણે કહ્યું મને એની સાથે વાત કરવી છે. એ આવે તો એને મળવા જરૂર આવા દેજો પણ, આ મનન કોણ છે? હું તો એને ઓળખતી પણ નથી અને એ ક્યાં હજુ સુધી ખબર કાઢવા પણ આવ્યો છે...? મેં અનુને કહ્યું કે કાલે હું એને ગમેતેમ કરીને બોલાવી લઈશ... પણ...” બોલતા બોલતા ફરી જાણે અનુંનો વેદના ભર્યો અવાજ એમના દિલમાં પડઘાતો હોય અને મનન કેવી રીતે આવશે કાલે એની ચિંતાઓ ઉદ્ભવતી હોય તેમ પોતે ખોવાઈ ગયા. એમનો અવાજ સાવ ધીમો અને અસ્પષ્ટ થઇ ચુક્યો હતો કદાચ વેદના અને દુઃખના મારા ને કારણે એ દબાઈ ગયો હોય.

“પણ... આ પણ શું સવિતા? મને કઈશ જરા?” વિજયે ફરી ઉત્સુકતા ને આશ્ચર્ય સાથે પૂછી લીધું.

“એણે કહ્યું કદાચ હું મરી જઈશ તો મને તો એની સાથે કોઈ વાત કરવાનો પણ મોકો નઈ મળી શકે...” આ શબ્દો તુટક અને અસહનીય હતા. કાળજામાં ખોસાયેલી કટારને ખેંચીને કાઢતી વખતે જે અસહ્ય વેદના વર્તાતી હોય એમ એ તુટક અવાજે બોલતા હતા. ગાળામાં ભરાયેલો ડૂમો બોલવામાં મુશ્કેલી બની રહ્યો હતો.

“કાલે એ આવવાનો છે, ચિંતા ના કર... તારે કે મારે એને ક્યાંય શોધવા જવાની જરૂર નથી સમજી. હવે નિશ્ચિંત થઇ જા.” થોડોક વિચાર કરતા કરતા વિજય બોલ્યો અને પત્નીના ખભા પર હાથ મૂકી એને આશ્વાસન આપતા ત્યાં બેસી રહ્યો. એ આંખો જાણે અત્યારે એક માંને સાંત્વના આપતી હતી પોતાના દિલમાં ઉકળાટ હોવા છતાય એકમેકને સમજાવાની આવડતને જ કદાચ પ્રેમ કહી શકતો હશે.

“કઈ રીતે કાલે જ...?” અચાનક વાત સમજાઈ હોય એમ કાલે આવાનું કહેતા થોડીક વારની સુન્નતા બાદ સવિતા એ પૂછ્યું એના ચહેરા પર આશ્ચર્ય અને મૂંઝવણના મળતા ભાવો હતા.

“જો સવિતા હું એટલે આટલું ચોક્કસ પણે કહું છું કે, એ છોકરો જેનું નામ મનન છે પોતે ત્રણ દિવસથી રોજ આવે છે. રોજે રોજ આવી અનિતાના સમાચાર પૂછે છે અને અંદર આવવાની જીદ પણ કરે છે પણ, મને આ બધું બન્યા પછી એને અંદર આવવા દેવાનું ઉચિત નાં લાગ્યું એટલે મેં...” કદાચ કંઇક ખોટું કર્યા હોવાના ભાવ એમને સવિતાના ચહેરા પર જોયા અને એ વધુ બોલવા જતા અટક્યા.

“એટલે, તમે શું વિજય?” સવિતા આતુરતા પૂર્વક એ સવાલના જવાબ સંભાળવા એની તરફ જોઈ રહ્યા. જાણે એમની આંખો કેટલાય સવાલોનો મારો ચલાવી રહી હતી પણ શબ્દો કદાચ અત્યારે એમનો સાથ આપતા નાં હતા.

“છેવટે આજે મેં વિચારી લીધું હતું કે આજ તો અનુંને એના વિષે પૂછી લઈશ અને પછી કંઇક વિચારું એટલે જ મેં એને કાલે આવવાનું કહ્યું છે. કદાચ એ કાલે આવશે પણ ખરો...” એક લાંબો વિચાર કરતા કરતા વિજયે જવાબ આપ્યો અને ICUના દરવાજા પેલી પાર દેખાતી અનીતા પર એક નજર નાખી અને ઉપરની છત તરફ ખાલી નજરે જોઈ રહ્યા. કદાચ ઉપરવાળાને અનુની તબિયત માટેની પ્રાથના કરી રહ્યા હોય.

“અને એ નઈ આવે તો...?” અચાનક સવિતા બેનના મનમાં એક અવિશ્વાસની લાગણી ઉપજી હોય એમ એમણે પૂછી લીધું.

“અરે તું કેમ ચિંતા કરે છે, મેં એને આજે કહ્યું હતું કે હું આજે રાત્રે અનીતાને પૂછીશ અને એ જો હા કહેશે તો કાલે હું તને બોલાવી લઈશ એનો નંબર છે મારી પાસે. અને જો મારી દીકરીની આજ ઈચ્છા હોય તો કાલે સવાર પડતા જ હું એને બોલાવી લઈશ...” વિજયે છેવટે આખી વાત સમજાવી સવિતાને વિશ્વાસ અપાવ્યો. બંનેની નજરો મળી અને એક વાર ફરી દીકરીની સલામતી માટેની પ્રાથના એમના મનમાં અને શબ્દોમાં ઉદભવી. આંખો ભારે થઇ હતી આજે ત્રણ ત્રણ દિવસના ઉજાગરા બાદ થોડીક ઊંઘ કરવાની યોજના હતી એટલે જ શ્યામને આખો દિવસ આરામ કરાવી આજે એને અહી બોલાવી લીધો હતો. બહાર ચંદ્રનું આછું અજવાળું આખા હોસ્પિટલને ઘેરી વળ્યું હતું અને અંધકારની આછી ઉજાશ વાળી ચાદર ઓઢીને આખું શહેર ઘુઢ નિંદ્રામાં સરી પડ્યું હતું.

~~~~~~~~~~~~

“એક વાત કઉ મમ્મી...” અનીતા એ ધ્રુજતા અવાજે સવિતા ને કહ્યું. શ્યામ અને વિજય પણ આજ સવારથી અનિતાની પાસે જ હતા. અનિતાની તબિયત પહેલા કરતા થોડીક વધુ ગંભીર બનતી જઈ રહી હતી.

“બોલ બેટા...” સવિતા એ એનો ધ્રુજતો હાથ પોતાના હાથમાં લઇ બંને હાથ વડે જકડીને વ્હાલભરી લાગણીઓ સાથે પસવારતા કહ્યું.

“અંકલની ભૂલ હોય જ ક્યાંથી? એમણે એવું કર્યું જ શા માટે હશે મને તો પહેલાથી જ વિશ્વાસ હતો જ કે સુરેશ અંકલ ક્યારેય મારું અહિત વિચારી જ ના શકે...” અનીતા મુશ્કેલી પડતી હોવા છતાં સ્પષ્ટ શબ્દોમાં બોલવા મથી રહી હતી. વચ્ચે વચ્ચે વેદનાના ડચકારા પણ નીકળી જતા હતા.

“હા... બેટા પણ હવે જે થઇ ગયું, એ..”

“મો.. પ્... પ્... પ્પા... એક વાત કહું...” અનિતાના ધ્રુજતા સાદ હવે ફરી ધીરે ધીરે વધુ પડતા કથળી રહ્યા હતા.

“બોલ દીકરા અમે અહીંજ છીએ...” વિજયે તરત જવાબ આપ્યો.

“નિશા આંટી ને પણ માફ કરી દેજો ને...”

“હા દીકરા, તું કહીશ એમ... પણ, અત્યારે તું માત્ર શાન થઇ જા અને આરામ કર...”

“મમ્મી...મમ...મ્મી... મ... ન... ન.... ન...” થોડાક તુટક શબ્દો સર્યા અને અનિતાનો અવાજ બંધ થઇ ગયો એ અટકીને જાણે હોશ ગુમાવી ચુકી હોય એમ લથડી ગઈ પલંગમાં.

“ડોકટર... ડોક્ટર...” વિજયભાઈ બુમો પાડતા પાડતા બહાર દોડ્યા. અંદર સવિતા બંને હાથમાં દીકરીનું માથું લઈને એના માથે મમત્વ વરસાવી રહી હતી. શ્યામ પણ નિશબ્દ બનીને વારાફરથી મમ્મી અને દીદી સામે જોઈ રહ્યો હતો. થોડીક વારમાં ડોક્ટર સાથે નર્સ દોડી આવી અને એક ઇન્જેક્શન આપી ફરી શાંત થઇ ગયા. ડોકટરના કહ્યા મુજબ અશક્તિના કારણે બેહોશી હતી. અનિતાની સેહત એટલી લથડી ચુકી હતી કે વધુ બોલવાથી પણ એની તબિયત બગડી જતી હતી.

~~~~~~~~~~~~

“ફાઈનલી થોડાક દિવસે એનો ચુકાદો પણ આવી જશે કે એ પણ એમ જ છૂટી જશે?” ઓઝાએ ચાની ચુસકી લેતા લેતા સ્નેહલ વ્યાસને કહેતો હોય એમ સહસા બબડાટ કર્યો. બંને જાણા આજે એજ કોલેજ સામેની ચાની કીટલી સામે બોલેરો માં બેસી ચાની મોઝ માણી રહ્યા હતા.

“પણ કોર્ટમાં ચુકાદો આજે છે ને?” સ્નેહલે અચાનક ચાનો કપ બાજુ પર ખસકાવતા પાછળ નજર કરી પૂછ્યું.

“અનુભવ, સ્નેહલ અનુભવ” ઓઝાના ચહેરા પર આજે પ્રથમ વખત જ નિરાશાના વાદળો ઘેરાઈ રહ્યા હતા. મૌન એમના હોઠો પર જાણે હવે આવીને વિરાજમાન થયું હતું. દસેક મીનીટ માત્ર ચાની ચુસકી અને એના સબડકા સિવાયના અવાજમાં ભેળવાયેલા ટ્રાફિકના અવાજ સાથે જ વીતી ગઈ. એક ખાલીપો જાણે એ બોલેરોના આખા ભાગને નીગળીને બેઠો હોય એવું જ લાગતું હતું.

“કાર નિર્મળ ગાર્ડન તરફ લઇ લે...” ઓઝાએ સિગાર સળગાવતા જવાબ આપ્યો. લગભગ સતત વીસેક મિનિટના મૌન બાદ અચાનક સ્નેહલને પોલીસ સ્ટેશનના બદલે ગાર્ડન તરફ કાર હંકારવા આદેશ કર્યો. સ્નેહલ માટે ઓઝા સાહેબનો આવો નિર્ણય વીચિત્ર હતો પણ એણે આદેશ માનતા તરત જ ત્યાંથી બોલેરો ગુમાવી અને દસ કિમી દુર નિર્મળ ગાર્ડન તરફ ભગાવી મૂકી.

“સર કોઈ ખાસ વાત છે...?” સ્નેહલે નજીકના બાંકડા પર બેસેલા ઓઝા પાસે જઈને પૂછ્યું.

“સમય, સ્નેહલ સમયનો આ ખેલ નથી સમજાતો.”

“કઈ સમજ્યો નઈ હું સર,”

“નીલમની યાદ આવી ગઈ આજે બસ એટલે અહીં આવ્યો એ પણ મને સવાર સવારમાં આજ પાર્કમાં જોગિંગ માટે લઇ આવતી હતી...” ઓઝાના ચહેરા પર એક ઘેરી નિરાશા વ્યાપી રહી હતી.

“સમય સાથે ઘણું બદલાય છે સર અને આપણે પણ એ સ્વીકારીને...” સ્નેહલે વિચારોના વાદળોમાં ખોવાતા ઓઝાના ખભા પર હાથ પસવારતા કહ્યું. આજે જેનો હાથ ઓઝાના ખભા પર હતો એ સ્નેહલ એક પોલીસ ડ્રાઈવર નઈ પણ ઓઝાનો બાળપણીયો મિત્ર હતો.

“હા સમયની કરુણતા તો જો. આજે જ્યા આપણે ચા પીધી ત્યાજ માત્ર આજથી ત્રણ દિવસ પહેલા અનીતા નામની પેલી છોકરીએ જીવનનો ઉજાશ ખોઈ નાખ્યો. અને આજથી દશ વર્ષ પેહલા નીલમે પણ...” એ મજબુત હૈયામાં અને આંખોમાં અત્યારે જાણે અતિવૃષ્ટિના વાદળો ફંટાઈ રહ્યા હતા અને આંસુઓના એ રેલા વહીને દિલમાં રેડાઈ રહ્યા હતા.

“ઓહ તો એ વાત છે. પણ નીલમ સાથે થયું શું હતું.”

“નીલમ પણ આજ કોલેજના આર્ટસ વિભાગમાં અભ્યાસ કરતી હતી ત્યારે...” ઓઝાની આંખે બાજેલા ઝરમરિયા લુછી વધુ બોલે એ પહેલા ખિસ્સામાં રહેલો મોબાઈલ રણકી ઉઠ્યો અને ફોન એણે તરત કાને ધર્યો. થોડીક વાર વાત સાંભળ્યા પછી હાકારમાં ડોકું ધુણાવી વાત પતાવી અને આંસુ લુછી તરત કાર તરફ ચાલતા સ્નેહલને પોલીસ સ્ટેશન લઇ જવા કહ્યું.

~~~~~~~~~~~~

[ ક્રમશઃ ]

લેખક :- સુલતાન સિંહ

મેઇલ :-

(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો એવી આશા સહ...)