એસીડ અટેક
[~૯~]
“સવિતા...” વિજયે ધીમા અવાજે સવિતાને બહાર બોલાવી લીધી.
“શું થયું વિજય?” સવિતા તરત જ રૂમની બહાર દોડી આવી અને શ્યામને અંદરના રૂમમાં મોકલી દીધો.
“સવિતા... સુરેશ... સુરેશે... એક કામ કર આપણે હાલ જ એના ઘરે જવું પડશે?” વિજય એક વિચિત્ર પ્રકારે ડરી ગયો હોય અથવા બોલવા માટે શબ્દો શોધતો હોય એમ બોલતો હતો.
“પણ... શાં માટે હવે એમના ઘેર જવું જ પડે આપણે?”
“તું નઈ સમજે અને હું કઈ પણ નઈ કહી શકું, પણ તારે આવવું પડશે અને આપણે જવું પણ પડશે. આપણા ગયા વગર ચાલે એવું પણ નથી, તું કઈ સમજતી કેમ નથી...?” વિજય ધડાધડ જે મનમાં આવે એ બોલી રહ્યો હતો.
“મને કઈ સમજાતું નથી તમે શું કહેવા માંગો છો, જરા ચોખવટ બંધ કંઇક કહો તો સમજાય કે આપણે શાં માટે જવું પડશે જ.” સવિતા હજુય કઈ સમજી શકવા અસમર્થ હતી.
“ગજબ થઇ ગયો છે સવિતા, ગજબ... શું કહું તને કે સુરેશ હવે... હવે... અરે સુરેશ હવે...” વિજયના શબ્દો ગોળ ગોળ ફર્યા કરતા હતા અને ચહેરા પર ડર વ્યાપી રહ્યો હતો.
“સુરેશ હવે શું?”
“એ આ દુનિયામાં નથી રહ્યો...” વિજયે માંડ માંડ આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
“શું વાત કરો છો, તમે... તમે હોશમાં તો છો ને? કેવી રીતે થયું.” સવિતા જાણે ઓચિંતો ધડાકો થયા પછી દોડીને ભાગી હોય એમ આ સાંભળીને જ થરથરી ઉઠી હતી.
“એણે બારમાં માળેથી કુદીને જાન... એનો કોઈ વાંક ન હતો આમાં, તેજેન્દ્ર સિંહે આ વાત કરી છે.” વિજયે માંડ માંડ શબ્દોને વ્યવસ્થિત ગોઠવીને જવાબ આપવા પ્રયત્ન કર્યો અને બને જાણા તરત સુવર્ણનગર કોલોનીના રસ્તા તરફ નીકળી પડ્યા.
~~~~~~~~~~~
“પોસ્ટમોર્ટમમાં શું આવ્યું છે?” ઓઝાએ તેજેન્દ્રના મોબાઈલ પર કોલ કર્યો અને ફોન ઉપાડતાની સાથે જ પૂછી લીધું.
“સર, બ્લડ પ્રેશર હાઈ હતું એમના શ્વાસ રોકવાના ૧૦ મીનીટ પહેલા બાકી કોઈ કારણ આવ્યું નથી. હા એમના માથામાં પડ્યા પછી હેમરેજ અને લગભગ હાથ, પગ અને શરીરના કુલ ૨૩ જેટલા ફેકચર પણ થયા છે.” તેજેન્દ્ર સિંહે આખો રીપોર્ટ આપ્યો.
“ઓકે... વિજય પાસેથી શું જવાબ મળ્યો?”
“એ અત્યારે સુરેશના ઘેર જવા નીકળ્યા છે, ઓન વે હશે કદાચ...”
“ઓહ, બટ શૈલેષને તો આનાથી કોઈ જાજો ફર્ક પડ્યો નથી એવું મને લાગે છે.” ઓઝાએ જવાબ આપ્યો.
“એ રાક્ષસને કઈ ફર્ક પડતો હોત તો એ આવું પગલું ભરત ખરા?”
“ઓકે... છોડ બધું, કામ ટુ ધ પોઈન્ટ, તમે સીધા સુરેશના ઘેર પહોચો હું પણ ત્યાજ આવું છું.” ઓઝાએ આટલું કહી ફોન કટ કર્યો.
~~~~~~~~~~~
“નિષા ભાભી આ બધું કેવી રીતે?” ખૂણાના ભાગમાં સોફાના આડછે બેસીને રડતા નિષાને સવિતાએ પૂછ્યું. વિજય હજુ સુદી ત્યાજ ઉભો હતો એના ચહેરા પર એક વિચિત્ર વેદનાના તાંતણા ખેંચાઈ રહ્યા હતા.
“મને માફ કરી દો સવિતાબેન મારા દીકરા એ જે કર્યુ... એમાં... અમારો...” નિષાના આંસુ એમજ છલકાઈ રહ્યા હતા એનો અવાજ રૂંધાતો હતો.
“એ બધું પછી પેલા તમે શાંત થાઓ બેન...” સવિતાએ શાંત થતા જવાબ આપ્યો અને ફરી સુરેશભાઈ વિષે પૂછી લીધું.
“ત્યાંથી... ત્યાં... પેલી... આં... બાલ્કની પાસેથી એમણે...” નિષાએ માંડ બાલ્કની તરફ આંગળી ઉઠાવી અને કઈ વધુ બોલે એ પહેલા જ ડોરબેલ વાગી. વિજયે દરવાજો ખોલ્યો અને ઓઝા તેમજ તેજેન્દ્ર સિંહ અંદર પ્રવેશ્યા. એમણે અંદર આવતા જ વિજય સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું.
“મીસીસ શાહ, પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયો છે અને બોડી પણ તમને જલ્દી મળી જશે.” ઓઝાએ સીધોજ કઈ અન્ય વાત કહ્યા વગર જવાબ આપ્યો.
“શું આવ્યું રીપોર્ટમાં?” વિજયે પૂછ્યું.
“હાઈ બ્લડપ્રેશર.” ઓઝાને કઇક શોધતા જોઈને વચ્ચે જ તેજેન્દ્ર સિંહે જવાબ આપ્યો.
“ઓહ... નો...” વિજયે નિસાસો નાખ્યો. ફરી એક વાર ડુસ્કાનો અવાજ ઘરમાં સંભળાયો. નિષા માટે આ વેદના બેવડાતી જઈ રહી હતી. એક તરફ પતિની મૃત્યુ બીજી તરફ દીકરાના જીવન પર તોળાતો ખતરો.
“તમારા માટે કંઇક છે, મિ. વિજય” ઓઝાએ એક સીડી કેસેટ વિજયના હાથમાં મુકતા જવાબ આપ્યો.
“આ શું છે? ઇન્સ્પેક્ટર.”
“તમારા મિત્રના છેલ્લા શબ્દો, જે કદાચ એ તમારી સામે ન કહી શક્યા હોય. જે હોય તે તમે જાતે જ એને સાંભળી લેજો એ વધુ સારું રહેશે. અને હા એક બીજી વાત કહું વિજય ભાઈ” ઓઝાએ વિજયના ખભા પર હાથ ટેકવીને પૂછ્યું.
“જી ઇન્સ્પેક્ટર.”
“સંતાનના ગુનાઓમાં હમેશા માતા-પિતાની ભૂલ હોય એ જરૂરી નથી હોતું. કદાચ આ સીડી સાંભળ્યા પછી તમે એ વાત સમજી શકસો પણ દીકરી સાથે બનેલી ઘટના ધ્યાનમાં લેતા એ વાત ના પણ સમજાય એટલે કહ્યું. મારા અનુભવોના આધારે કહું તો એક વાર દિલથી વિચારી સુરેશ શાહને માફ જરૂર કરી દેજો. એમની કોઈ ભૂલ ન હોવા છતાં દોસ્તીના કારણે એમણે આવું પગલું ભર્યું છે. રહી વાત શૈલેષની તો એને કાયદાઓ એના કર્યાની સજા જરૂર થી આપશે.” ઓઝા આટલું કહી તેજેન્દ્ર સિંહ સાથે બહાર નીકળી ગયા.
~~~~~~~~~~~
“તને શું લાગે છે સવિતા...?” કાર હંકારતા રસ્તાના વચ્ચોવચ ચાલી રહી હતી ત્યારે બારીમાંથી અફળાતી હવાની લહેરો સાથે વિજયે સવાલ કર્યો.
“બીજું બધું ઠીક પણ, ઓઝા સાહેબની વાત મને યોગ્ય લાગી.”
“હા એતો સમજ્યો.”
“પેલી સીડી ક્યાં છે? લગાવો જરા સાંભળીયે.” સવિતાએ પેલા સીડી અંગે યાદ કરાવતા કહ્યું.
“હા એ વાત સાચી છે તારી, આમ પણ પેલા એમા શું છે એ આપણે જાણ્યા પછી જ અનીતા સામે કોઈ ફોડ પડવો પડે એમ છે.” વિજયે વાતમાં હકાર પુરાવતો જવાબ આપ્યો અને સીડીને સીડી પ્લેયરમાં નાખી અત્યારે શહેરની મધ્યમાં દોડતી મારુતી ૮૦૦માં પાણીના રેલાની જેમ સીડીનો અવાજ સીધો સંભળાઈ રહ્યો હતો.
થોડીક વારમાં સીડી શરુ થઇ સતત પંદરેક મીનીટ સુરેશનો અવાજ ગાડીના બંધ કાચોમા અફળાતો પછડાતો રહ્યો અને સીધો જાણે વિજયના દિલમાં ઉતરી ગયો. સરસરાટ પસાર થતા સમયમાં જાણે પંદરેક મિનિટનો અંતરાલ પડ્યો હોય એમ અનુભવાતું હતું. એ સુન્નતથી ભરાયેલા શબ્દોના સુસવાટા જાણે વિજય અને સવિતાની આંખોમાં ભીનાશ બની વર્તાઈ રહ્યા હતા. સમય સાથે વ્યક્તિ બદલાય છે એમ અહીં વ્યક્તિ વલોવાઈ રહ્યો હતો અને સમય બદલાઈ ગયો. આખરે એ લાગણીઓની ભીનાશ આંખોના ઝળહળિયા ઓલવાતા પહેલા હોસ્પિટલનો દરવાજો દેખાયો. ગાડી પાર્ક કરી બંને જાના ઉતર્યા અને સીધા અનિતાના રૂમ તરફ નીકળી ગયા.
~~~~~~~~~~~
રૂમમાં છવાયેલી શાંતિ વચ્ચે સવિતા અને વિજયે રૂમમાં પગ મુક્યો. શ્યામ જ્યા અનીતા સુતી હતી ત્યાજ પાસેના ટેબલ પર બેસીને મોબાઈલમાં કંઇક જોઈ રહ્યો હતો. શ્યામનું ધ્યાન બંનેના પગરવ સંભાળતા જ એ તરફ દોરાયું કદાચ અનીતા ભાર ઊંઘમાં હતી એ બસ એમજ સુતા સુતા બધું જોઈ રહી હોય અથવા કદાચ હોશમાં હોય પણ નઈ.
“દીકરા, અનીતા સુઈ ગઈ છે...?” વિજયે પાસે આવીને શ્યામના ખભા પર હાથ ટેકવતા પૂછ્યું.
“હા... પપ્પા હાલ જ દીદી સુઈ ગયા છે.” શ્યામે મોબાઈલ ખિસ્સામાં ખોસ્યો અને પાછા ટેબલ પર થી ઉઠીને પલંગ તરફ પગ માંડ્યા.
“સારું દીકરા, તો એમ કરજે, દી ઉઠે ત્યારે મને બોલાવી લેજે ત્યાં સુધી તું અને તારી મમ્મી અહીં બેસો હું ડોક્ટરની કેબીનમાં જઈ આવું છું.”
“હા, અમે અહીં જ છીએ.” સવિતાએ અનીતા પાસે બેસતા જવાબ આપ્યો.
વિજય આટલું કહીને રૂમની બહાર નીકળી ગયો. થોડોક સમય વીત્યો ત્યાં જ આખા રૂમમાં પથરાયેલી સુન્ન્તામાં ઓચિંતો અને ધ્ર્રુજતો અવાજ સંભળાયો. અચાનક સવિતાના વિચારોના વમળળો શમ્યા અને એણે અનીતા સામે નજર મંડાઈ. વિજય હજુ સુધી ડોકટર પાસેથી આવ્યો ન હતો એટલે, તરત સવિતા એ ઈશારા વડે વિજયને બોલવા શ્યામને મોકલી દીધો. “શું થયું દીકરા...?” સવિતાએ અનિતાના હાથને પોતાના હાથ વડે પસવારતા પૂછ્યું.
“મમ્મી... મનન આવ્યો હતો આજે...?”
“ના દીકરા પણ તને એક રેકોર્ડીંગ સંભળાવી છે, તું પપ્પા આવે પછી એ સાંભળી લે...” સવિતા એ અનીતા વધુ બોલવા જતા વેદના ના અનુભવે એ કારણે એક સાથે જ વાત ભેગી કરી નાખી.
“શું સાંભળવા... નું... નું... છે...” અનીતા બોલવા જાણે પ્રયત્ન કરી રહી હોય એમ એની જીભ લથડવા લાગી હતી.
“તું સાંભળ પછી કેજે, અત્યારે તું આરામ કર તારે વધારે નથી બોલવાનું તને તકલીફ પડે અને ડોક્ટરે પણ તને ના પડી છે બોલવાની.”
“જી મમ્મી...”
થોડીક વાર સમયનો કાંટો ઘડિયાળના ૩૬૦ અંસના ચક્રમાં ફરતો રહ્યો. વિજય પણ થોડીક જ વારમાં શ્યામના બોલાવતા ની સાથે આવી ચડ્યો હતો પણ એના ચહેરા પર અત્યારે મુંઝવણ હતી અને વેદનાના આછા લીટા પણ ઉપસી ઘટ્ટ બનતા અનુભવાઈ રહ્યા હતા. વિજયે આવતાની સાથે આખા રૂમમાં એવી નજર નાખી જાણે એ કોઈ છુપાયેલા શૈતાનો ને ના શોધતો હોય અને છેવટે અનીતા જ્યા સુત હતું એ તરફ આગળ વધ્યો. વિજય અનીતા પાસે આવીને બેઠા સુધી મૌન મૂર્તિની જેમ જ શાંત હતો. એ કઈ કહે એ પહેલા જ સવિતા એના ભાવ સમજી ચુકી હોય એમ એમના વચ્ચે નજરોની આપલે દ્વારા ઘણી વાતો થઇ ગઈ. વિજય કઈ બોલવાના હોશમાં ના હોય એમ હજુય શાંત થઈને શ્યામ પાસે જ બેસી ગયો.
“દીકરા તને એક વાત કરવી છે મારે” વિજયે છેવટે હિંમત એકઠી કરી બોલતો હોય એમ અનિતાને પૂછ્યું.
“હા... પપ્પા...” અનિતાનો એ ધ્રુજતો સાદ ફરી વાતાવરણમાં પડઘાયો.
“દીકરા, સુરેશ કાકાના કેટલાક શબ્દો છે, તારા માટે તું કહે તો તને સંભળાવું અને...” વિજય વધૂ બોલવાની હિમ્મત સુધ્ધા ના કરી શક્યો. પોતાના જીગરજાન મિત્રની મોતના સમાચાર એના ગળામાંથી નીકળતા પણ ના હતા. વિજય આટલું બોલતા બોલતા જ ભયના કાળા વાવટાઓમાં વલોવાઈ ગયો હતો.
“અને શું... શું... પ્... પપ્પા...” અનીતા જાણે પિતાના અવાજની વ્યથા પામી ગઈ હોય એમ બોલી ઉઠી.
“બીજું બધું પછી હાલ તો તું સાંભળે છે ને... તો શરુ કરું.”
“હા પપ્પા.”
“હા ચલ.”
થોડીક વાર બાદ વિજયે મોબાઈલમાં કોપી કરેલી એ ફાઈલ શરુ કરી અને ટેબલ પર મોબાઈલ મૂકી દીધો. શ્યામને કહી રૂમનો દરવાજો પણ બંધ કરાવી દીધો જેથી હોસ્પિટલનો ઘોઘાટ અંદર સુધી ન આવે. અને ટેપ શરુ થતા જ સુરેશનો એ વ્યથા ભર્યો અવાજ આખા રૂમમાં ગુંજી ઉઠ્યો.
[ સુરેશભાઈ ની રેકોર્ડીંગ....
વાતની શરૂઆત ક્યાંથી કરવી એનો આજે મને પોતાને જ ખ્યાલ નથી આવતો. કોને સંબોધીને મારે આ વાત કહેવી જોઈએ આ વાત અત્યારે મારા દિલ પર એક મોટી ચટ્ટાન રૂપે ત્રાટકી છે અથવા ખંજર સ્વરૂપે ભોંકાઈ ગઈ છે. એ અનુ દીકરીના ચહેરે પડેલા પ્રવાહીએ તો જાણે મારા માન, સ્વમાન, મિત્રતા, સંબંધો અને એટલે સુધી કે મારા જીવનને પણ ભસ્મ કરી નાખ્યું છે. શું કહું અને કોને કહું એજ નથી સમજાતું. અનુને, વિજયને, કે પછી એ ભાભીને જેની સામે એની ફૂલ જેવી દીકરી મુરઝાયેલી પડી છે અને એનું કારણ ક્યાંક ને ક્યાંક હું છું. પણ હા એક વાત તો સ્પષ્ટ છે કે જે કઈ પણ બન્યું છે એ મારા પોતાના માટે અસહ્ય છે તો પછી એ પરિવાર, એ મા, એ પિતા અને એ ભાઈના દિલ પર શું વેદના અનુભવાય જેની સાથે આ વીત્યું હોય. અને એ પણ મારા જ લોઈના હાથે...? આજ પ્રથમ વખત મને પોતાના બાપ હોવા પર પણ શરમ આવી રહી છે, ક્યારેક વિચારું મને સંતાનહીન કેમ ના રાખ્યો ભગવાને, અને તેમ છતાંય આપી જ દીધો હતો તો એ આવા કામ કરે એ પહેલા મરી કેમ ના ગયો. આવા દીકરા હોવાથી માં-બાપ તરે નહિ પણ પાપની આગે બળે છે, બળતા જ રહ્યા છે...
કદાચ હું નઈ હોય હવે તને કહેવા માટે વિજય પણ તું જરૂર સાંભળજે મારા છેલ્લા શબ્દો. મારી લાગણી તારા કે દીકરી પ્રત્યે જરા અમથી પણ ક્યારેય ડગમગી નથી અનુ આજ પણ મારા માટે પોતાની દીકરી કરતા પણ વધુ છે. તું તો મારો મિત્ર ક્યારેય હતો જ નઈ તને તો મેં હમેશા મારો ભાઈ જ માન્યો હતો. અને અનુને મારી જ દીકરી ગણી હતી અને એને મારા સ્નેહની છાયા મળે એજ હેતુ થી તારા ઘરે સબંધની વાત કરી હતી. તે મારી વાત સ્વીકારી જાણે મને જીવનની અમુલ્ય ભેટ આપી દીધી હતી. પણ દોસ્ત હું તારા એ વિશ્વાસને પણ સાચવી ના શક્યો, જે વિશ્વાસે તે તારા ઘરનું ફૂલ મને સોપ્યું હતું હું એણે મુરજાતા બચાવી ના શક્યો એની સજાતો મારે ભોગવવી જ રહી. પણ, દોસ્ત હું જાણું છું કે મારી ભૂલ તારા પરિવાર માટે જતી કરવી અશક્ય છે પણ થઇ શકે તો મને માફ કરી દેજે... માફ કરી દે જે... વિજય તારા આ અભાગા દોસ્તને એની ભૂલ બદલ માફ કરજે...
અનુ દીકરા... સાંભળે છે ને તું તો સાંભળ તારો સાચો ગુનેહગાર તારો બાપ નથી પણ હું છું. એને ક્યારેય આ સબંધ બદલ ગુનેહગાર સમાજની ભૂલ ન કરતી દીકરા. મારા પ્રત્યેનો તારા પિતાનો વિશ્વાસ છે, એવા દોસ્ત પર કરેલો વિશ્વાસ જે એના સગા ભાઈ કરતા વધુ એવા મિત્રના વિશ્વાસને પણ જાળવી ના શક્યો. કદાચ હું મારા દીકરાની ભૂલો થોડીક જાણતો હતો પણ, આટલી હદે, આ હદે બની જશે એની તો મને સપનેય આશા પણ ના હતી. કદાચ હું આ ઘટના રોકી શક્યો હોત પણ એક દીકરી ન હોવાની ખોટ અને તને આ ઘરની દીકરી સ્વરૂપે જોવાનો મોહ જ જોને આજ તારા જીવનમાં અંધકાર બનીને ત્રાટક્યો છે. મારી ભૂલ કદાચ તારા માટે પણ ભુલાય એવી નથી પણ, દીકરા એક વાત જરૂર કહીશ તને મેં હમેશા મારી દીકરી સ્વરૂપે જોઈ છે એ સબંધે આ અભાગા બાપની ભૂલ શક્ય હોય તો માફ કરજે...
માંના દિલની વેદના માપવી મારા ગજાની વાત નથી ભાભી... પણ હવે મારાથી કઈ થાય એમ નથી. હું લાચાર છું, કઈ પણ બદલી શકવાની ક્ષમતા નથી હવે મારામાં. પણ હા બે ત્રણ દિવસ તમારા ફોન રીસીવ ન કરવાની મારી ભૂલ જરૂર થઇ છે. પણ શું કરું? શું જવાબ આપું તમને? કયા મોઢે હું તમારી સામે આવું? એજ મુંઝવણે મને જકડી રાખ્યો હતો કદાચ ભાર એટલો ન વધ્યો હોત જો એ મારી દીકરી હોત પણ એ મારી માનેલી દીકરી જરૂર છે અને એના ન્યાય ખાતર મારે જરૂર આ સ્પષ્ટતા કરવી છે કે એ રાક્ષસ ને ભયંકરમાં ભયંકર સજા થવી જ જોઈએ...” ]
સુરેશનો અવાજ આખા રૂમમાં અને દીવાલો સાથે અથડાઈને વેદના સાથે બેઠેલા દરેકના દિલમાં પડઘાવા લાગ્યો હતો. એ દુભાયેલા જીવન ધ્રુજતા હૈયામાં દબાયેલી વેદના એમાં સ્પષ્ટ રીતે ઉજાગર થતી હતી. પણ હવે એ અવાજ આ સૃષ્ટિમાંથી વિલીન થઇ ચુક્યો હતો અને એ વ્યક્તિત્વ પણ હે અસ્તિત હીન થઇ ચૂક્યું હતું.
~~~~~~~~~~~~
[ ક્રમશઃ ]
લેખક :- સુલતાન સિંહ
મેઇલ :-
(તમારા અમુલ્ય પ્રતિભાવો જરૂરથી ઈ-બુકની નીચેના કમેંન્ટ બોક્ષમાં આપો એવી આશા સહ...)