Acid Attack (Chapter_1) Sultan Singh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Acid Attack (Chapter_1)

એસિડ અટેક

[ પ્રકરણ – ૧ ]

-: Writer :-

સુલતાન સિંહ

-: અર્પણ :-

મનમાં સ્ફુરેલા દરેકે દરેક વિચારને જેણે મને જીવનના અમૂલ્ય પ્રસંગો અને અનુભવોને કલમ દ્વારા કાગળ પર લખતો કર્યો.

-: પ્રસ્તાવના :-

હમણાં જ થોડાક સમય પહેલા મહેસાણા શહેરમાં બનેલી એસિડ અટેકની ઘટના જ્યારે મેં ટીવી અને સમાચાર પત્રોમાં છપાતી જોઈ કદાચ એજ સમયે મને આવી ભયંકર ઘટનાને અનુલક્ષીને કંઈક લખવાની પ્રેરણા મળી. એના બાદ મેં એસિડ અટેક વિષયને ગુગલના પાને-પાને ફેરવ્યો અને ઘણું બધું જાણવા મળ્યું. એક સ્ત્રી હદય પર એની પડતી અસરો, રાજનીતિ, પારિવારિક, સામાન્ય જીવન અને સામાજિક જીવનના અસ્તિત્વ પર જે અસરો સર્જાય છે એ ખરેખર વેદનાની ચરમસીમા સમી હોય છે.

છેલ્લે આ વિચારોને વાગોળીને મનમાં જે કઈ પણ ઉદભવ્યું એને મેં કલમ દ્વારા માત્ર એક જ સત્યઘટના ના દર્શાવીને એમાં ફિક્શન અને ઘણા બીજા પરિબળોનો પણ સમાવેશ કરતા જઈને જીવનમાં આ ઘટના બાદ આવતા દરેક પ્રસંગને દર્શાવવાની કોશિશ કરીને જ મેં આ લઘુ નવલ રચી છે. આશા રાખીશ વાંચ્યા બાદ આના વિષે આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો.

અભાર...

પ્રકરણ – ૧

“હું ઉપર જાઉં છું, જમવાના સમયે બોલાવી લે જે.” ઘરમાં થી ધાબાની સીડી ચડ્યા પછી છેક છેલ્લી સીડી પર પગ મુકતા મુકતા મનને કહ્યું. ત્યારે સવારનો કુમળો તડકો છેક બારણાની ઉપરની નાની બારીના બખોલામાંથી ઘરના અંદરની ઓસરી સુધી દોડી આવતો હતો. એક દમ ભરચક તેમ છતાં શાંત વાતાવરણ જેવા વિસ્તારમાં મનન નું ઘર હતું. લગભગ અંદાજીત મુખ્ય સડકથી ચારસો મીટરના અંતર પછી શરુ થતી એ સામાન્ય પરિવારોની ગીચોગીચ ઝૂમખાં જેવી એ ભરચક વસાહતમાં એનું ઊંચું અને બે માળનું ઘર હતું. ઉપર બેસવા માટે એણે એક હીંચકો મુકાવ્યો હતો જે ઝાળીદાળ અને મજબુત બનાવટનો હતો. જેમાં બેસીને રોજ મનન એકાંતના સમય દરમિયાન કોઈક ને કોઈક ચોપડી વાંચ્યા કરતો. તો ક્યારેક સાંજના છેલ્લા પહોરમાં અગાશી પર જઈ ઢળતા સુરજની સુંદરતા નિહાળતો અને પોતાની ડાયરીના પન્ના લખતો ક્યારેક આગળનું બધું વાંચી જતો અને ક્યારેક નવું સર્જન કરતો રહેતો. એની ડાયરી એના જીવનના બધા રહસ્યો જાણતી હતી લગભગ બધા કદાચ અત્યારે મનમાં સળવળાટ કરતી પેલી મુખાકૃતિ કરતા પણ વધુ. ઘણી વખત કલાકો સુધી એ કુદરતના અનુપમ કલા તત્વમાં ખોવાયેલો રહેતો હતો.

“એણે શા માટે એવો જવાબ આપ્યો હતો, કે જેનો કોઈ અર્થ ના હતો અથવા એ એના અર્થ તારવવામાં થાપ ખાઈ જતી હતી. એ આખરે શું ઇચ્છતી હશે અને એ દિવસે એણે મને જે મેસેજ કર્યા હતા એ અને હવે અચાનક, આ પરમ દિવસની સાંજ...” એનું દિલ આ વિચાર માત્ર થી થડકી ઊઠયું. મનોમન મનન આમ જ ઘણી વાર પોતાના વિચારોના વલોણાને વલોવ્યા કરતો, ક્યારેક એમાંથી વલોપાત ઝરતો અને ક્યારેક આનંદ. પણ એની દલીલો જાણે એના પોતાના સાથે જ હોય એમ હંમેશની જેમ આજે પણ એજ વીતી રહ્યું હતું. આજ વલોણામાં એનું અંતરમન અને દિલ વલોવાતું હતું. ભૂતકાળની ભૂતાવળ જેવી યાદો આજે એક પછી એક માખણની જેમ તરીને સપાટી પર આવી રહી હતી. જ્યાં નીચે જવાની સીડીઓ હતી એની બરાબર ડાબી તરફની એકાદ મીટર ઊંચી પછીત પર ગોઠવેલા જુદી જુદી વેલાના અને તુલસી કુંડના પાછળથી સૂર્યની કિરણો એના પગ પર પછડાઈ રહ્યા હતા. મનન શાંત ચિતે હાલ પ્રકાશના કારણે રચાતા સફેદ કુંડાળા જોઈ રહ્યો હતો. એણે ફરી એક વાર પગના ટેકા વડે હીંચકો ઝોળાવ્યો અને ફરી વાર ધીમે ધીમે ઝોળો ખાતા હીંચકામાં એ શાંત ચિતે વિચારોના વમળમા ખોવાતો બેસી રહ્યો.

થોડીક વાર એમ જ બેસી રહ્યા પછી મનને છેવટે પગના પછડાટ વડે ઝડપભેર ઊતરીને ઘરમાં નીચે જવાની સીડી પર પગ માંડ્યા. એ સપાટા બંધ નીચે ઊતરીને ટીવી નજીકથી કંઈક કાળા તારના ગુચ્છ જેવું લઈ ખિસ્સામાં સરકાવી તરત જ પાછો સીડી ચડી ગયો. જરાક અમથું ધ્યાન ભંગ થતા એનો પગ લપસ્યો પણ એણે બૅલેન્સ જાળવ્યું અને એ સીડીઓ ચઢતો રહ્યો. પાછળ પડેલો સાદ એના કાને અથડાયો પણ નહિ અથવા પછડાયો હોવા છતાં એ સાદ છેક કાનના સોસરવો ઉતરી જ ના શક્યો. ઘરમાં બધાને એના વર્તન પ્રત્યે કેટલીક અટકળ તો પહેલાથી હતી જ એમાં સાચું શું હજી સુધી કોઈ સમજી શક્યું નાં હતું. પાછળના બે દિવસથી એ સવારે ઉઠતો અને આખો દિવસ મોજ-મસ્તી અને હસવાનું ભૂલીને બસ સ્નાનાદી પરવારી પુસ્તક હાથમાં લઈને ધાબાના હીંચકા પર બેસી જતો હતો. કાલના દિવસથી ઘરમાંથી જાણે કે એ બે દિવસ પહેલાનો ઉછળકૂદ કરતો મનન ક્યાંક ખોવાઈ ચુક્યો હતો. અને હવે જે મનન હતો એ કોઈ અલગ દુનિયાનો હોય એટલો વિચિત્ર હતો. શાંત અને ઓછાબોલો મનન જે માત્ર પાણી પીવા અને જમવા સિવાય ઘરમાં નીચે પણ આવતો ન હતો.

“આઈ વોન્ટ ટુ ફરગેટ હર...” છેવટે બધી યાદો ખંખેરી મન મક્કમ કરતો હોય એમ એણે પોતાને જ કહ્યું અને નીચેથી લઇ આવેલા ઈયરફોન કાનમાં ખોસી ગીતો સાંભળવા લાગ્યો. દિલમાં ઉછળતી યાદો અને વેદનાના સુરો આજે એના કાનમાં સંભળાતા સંગીત સામે બળાપો પોકારી રહ્યા હોય એવું લાગતું હતું. એના દિલના અંદર લાગણીઓ જાણે મસળાઈ રહી હતી એ વેદના, એ દર્દ, એ યાદો કાનમાં સંભળાતા સંગીતના અવાજમાં ભૂલી જવાય અને એના વાવળમાંથી છટકી શકાય એટલા હળવા પણ ના હતા.

છેવટે મનને આવેશમાં આવી યાદોને ખંખેરવા માટે કાનમાં ભરાવેલા ઈયરફોન ઠીક કરી અવાજની ત્રિવ્રતા બમણી કરી દીધી. હવે એ અવાજો કાનમાં ઘુઘરાવા લાગ્યા હતા અને યાદોના વહાણ યાદોના વહેણ જે વેદનાના પ્રવાહમાં દોડે જતા હતા એ ઘડી ભર માટે હળવા થઇ ગયા.

    

“તું કેમ ગુમસુમ છે અનીતા?” બેંચીસ થોડીક પાછળ સરકાવીને બાજુમાં ચાલતા-ચાલતા જીજ્ઞાએ પૂછી લીધું. હજી સુધી એ લોકો માંડ રૂમના દરવાજા પાસે પહોંચ્યા હતા. બપોરનો આછો કુમળો તડકો બહારના ભાગમાં વરસતો હતો. બીજું લૅક્ચર હજુ માંડ પત્યુ હતું. ના જાણે કેમ પણ અનીતાનું ધ્યાન આજે સાવ જ ક્લાસ રૂમમાં લાગતું ન હતું. જ્યાં સુધી એના વર્તાવનો સવાલ હતો કાલના દિવસથી જીજ્ઞા એના ચહેરા પર ઝંબોળાતા વિચિત્ર ભાવો જોઈ રહી હતી. પણ તેમ છતાંય આજે તો એણે સાવ હદ જ કરી નાખી હતી. બીજા લૅક્ચર દરમિયાન છેલ્લે તો જ્યારે હિસ્ટ્રીના પ્રોફેસર મીણા સાહેબે એને પ્રશ્ન પૂછ્યો એ સમયે પણ અનીતા કોણ જાણે ક્લાસની કઈ દિશામાં હાજર હતી કે નહીં. છેક સવારે સાતના ટકોરે આવી ત્યારથી એ કંઈક ગહન અમુઝણમાં ગળોટિયા ખાઈ રહી હતી. “અનીતા ચલ આ બોર્ડ પર લખેલા પ્રશ્નનો જવાબ આપ...” આવું લગભગ મીણા સાહેબ પાંચમી વાર એની સામે ઘૂરકિયા કરતા બોલ્યા હતા. આખા ક્લાસની નજરો અત્યારે એના તરફ મંડાયેલી હતી અને જીજ્ઞા બાજુમાં બેસીને કોણી મારી એને ચેતવવા પ્રયાસ કરી રહી હતી. પણ અનીતા શૂન્ય મસ્તકે ત્યારે પણ ક્યાંક ખોવાયેલી હતી અને અત્યારે પણ, એ પોતાના વિચારોના મોટા ખોરડાના કોઈક ખુણે ચોટી હોય તેમ ખોવાયેલી હતી અને સાવ કોઈ મૂંગા માણસની જેમ બેસી રહી હતી. એનું શરીર ત્યાં હતું પણ માનસિક રીતે એ કોઈ અગોચર વિશ્વના ખૂણાના ખડકલાઓમાં ખોવાઈ ચૂકી હતી.

“હું તને પૂછી રહી છું, અનીતા” જીજ્ઞાએ એના હાથ પર ભીંસ ભરી જવાબ આપ્યો એ લોકો રૂમની લોબી પર ચાલતા મુખ્ય દ્વાર તરફની લોબી પરથી નીચેની સીડીઓમાં ઉતરવા આગળ વધી રહ્યા હતા. આજુ બાજુ બે-ચાર વિદ્યાર્થીઓ હારબંધ રીતે પોત-પોતાની સાથે ચાલતા મિત્રો સાથે વાત કરતા હતા. કોઈનું ધ્યાન અત્યારે અનીતા તરફના હતું હોય પણ કેમ એની તરફ ધ્યાન દેનાર પણ આજે કોઈ હતું જ ક્યાં આજે. કાલના દિવસથી જ એ બે દરેક પળે એની તરફ ટળવળતી બંને આંખો આજે ગુમ હતી. જે નજરો એના પર ફરતી અને કદાચ એના દિલના ઊંડાણના કોઈક ખુણે પડઘાતી પણ હતી. આજે એ કુમાશ ભર્યા અનીતાના ચહેરા પર પરસેવાની બુંદો નીતરી રહી હતી એની આંખોમાં એક ખાલીપો હતો અને એના ચહેરા પર એજ ખાલીપા ના પડઘા પછડાતા હતા. એનો ચહેરો આજે સાવ જ ભાવ શૂન્ય હતો. કોઈક ગહન વિચારોના વંટોળ એના દિલમાં અત્યારે તોફાને ચડી રહ્યા હતા, જેનું કોઈ નામ તો નહોતું આપી શકાયું પણ એની અસરો મસ-મોટી વમળ સર્જતી હતી.

    

“જીજ્ઞા મારા માટે એક કોફીનું કહે જે...” પંખાના ફરતા કિચૂડ કિચૂડ અવાજની સાથે હવાની આછી અને ઠંડી છાલક અનીતાના ચહેરા પર ફેંકાઈ રહી હતી. પંખાની વીંઝાતી પાંખોમાં કાટ લાગી ગયો હતો જે અવાજમાં એની સમસ્યા બયાન કરતો હતો. થોડીક વારે પાછળની બારીમાંથી ફેકાયેલા પવનની સબરકીએ જાણે અચાનક અનીતાની તંદ્રા તૂટી હોય એમ એણે ટેબલ પર હાથ ટેકવીને જીજ્ઞાને કહ્યું. શિયાળાના હળવા દિવસો હોવાથી ખાસ ગરમી ન હતી પણ બપોર અને સવારના વચ્ચે જોળા ખાતો સમય અને માથે ચડતો સૂરજ રોષ ઠાલવતો હોય એમ ગરમાશ ફેંકતો હતો. અનીતાના ચહેરાના ભાવ વિચાર શૂન્ય હતા હજી સૂધી એ વિચારોના બંધનોમાં જોળા જ ખાઈ રહી હતી. કેન્ટીનમાં વીસેક ટેબલ રહી શકે એવા લાંબા સપાટ ફર્શને વટાવી એ લોકો છેક છેલ્લી બારી પાસેના ટેબલ પર બેસી હતી. સામાન્ય રીતે આ ટેબલ અનીતા માટે ખાસ હતું એણે પહેલેથી જ એ જગ્યા ગમતી હતી અને મનન સાથે પહેલી મુલાકાત અને જીજ્ઞા સાથે મૈત્રી પણ આજ ટેબલ પર બંધાઈ હતી. જ્યારે પણ એ મનન સાથે આવતી ત્યારે આ ટેબલ પર બેસીને એની સાથે કોફી પીતી હતી. આ ટેબલ સાથે બંને એની ખાસી યાદો તાંતણાઓ સ્વરૂપે સંકળાયેલી હતી.

અનીતાએ આપેલો ઓર્ડર જીજ્ઞા બરાબર સાંભળી શકી હતી તેમ છતાંય આખો દિવસ બક-બક કરતી અનીતા બે દિવસમાં આટલી હદે કયા કારણે બદલાઈ ગઈ હતી એજ વિચારોની વેલ એને અંદરથી હચમચાવી રહી હતી. જીજ્ઞા દિગ્મૂઢ બનીને અનીતાના ચહેરા પર નીતરતી લાગણીના પારખા કરવા મથામણ કરી રહી હતી. કદાચ આજ પ્રથમ વાર જ જીજ્ઞા એના લાગણીશૂન્ય ચહેરા પાછળની વેદના પામી શકવામાં થાપ ખાઈ જતી હતી અથવા એ એના પાછળનું કારણ શોધવામાં વ્યસ્ત હતી. છેવટે એણે ટેબલ પાસે આવી ઊભેલા છોકરાને બે કોફીનો ઓર્ડર આપ્યો. અત્યારે કેન્ટીનમાં માંડ ચારે ટેબલ પર છુટા છવાયેલા લોકો બેઠા હતા.

બારીના એ પારદર્શક કાચના આસપાસ ટેબલના ટેકા વડે અનીતા બગીચાના વચ્ચે બેઠેલાં બે જણાને જોઈ રહી હતી. કોઈક વાત પર તકરાર હતી કદાચ એમના વચ્ચે.

    

“તું શું ઈચ્છે છે, મનન” પોતાનો હાથ છોડાવતા અનીતા ગર્જી ઉઠી હતી “તને ખબર પણ છે કે તું ક્યાં અને શું વાત કરી રહ્યો છે.”

“મને પણ બધું નથી ખબર.” મનન હજુય એમ જ ઊભો હતો પણ એની નજર સતત અનીતાના ચહેરા પર ભાવોના બદલાતા સ્વરૂપને જોવામાં વ્યસ્ત હતો.

“પેલા તો તું મને એ સમજાવ, કે તે મને અહીં બોલાવી શા માટે હતી! આ બધા ભજંગર કરવા...?” અનીતાનો અવાજ ગુનેગાર પર બરાડતા પોલીસ અધિકારીની જેમ મક્કમ હતો એના અવાજમાં મક્કમતા તો હતી પણ સાથે જ એમાં નરમાશ ભારોભાર હતી. નવરાત્રીના મેદાનમાંથી ખખડતા વાજિંત્રો અને મોટા મોટા સ્પીકરોના કારણે શેરીઓમાં છેક સુધી દોડી જતો અવાજ અનીતાના મક્કમ અને ભારે અવાજને અત્યારે દબાવી રહ્યો હતો.

“તને નથી ખબર અનીતા કે મેં તને...” મનન વધુ બોલવા ના હતો માંગતો અને એ બોલી પણ ના શક્યો. એણે પોતાની નજર માત્ર અનીતાની આંખો અને એના ચહેરા પાછળના ભાવ સમજવામાં પરોવી રાખી હતી.

“ના મને નથી ખબર! મારે હવે જાણવું પણ નથી... અને તું...” એણે આટલું કહ્યું અને જાણે અચાનક કંઈક ઘટ્યું હોય એમ એ ઝડપભેર ત્યાંથી નીકળી ગઈ.

અંધારી શેરીમાં જાણે કે આકાશમાંથી તૂટેલા તારા દ્વારા સર્જિત પ્રકાશનો લિસોટો પસાર થાય એમ લટક-મટક ચાલતી અનીતાને મનન ફાટી આંખે જોઈ રહ્યો હતો. આ એજ દિવસ હતો જ્યારે એણે માંડ હિમ્મત એકઠી કરી હતી અને દિલની વાત પ્રથમ વખત જ પૂછી લીધી હતી અને... એણે આવેશમાં આવી જે કર્યું એના કારણે જ કદાચ અનીતા ત્યાંથી કઈ પણ સાંભળ્યા કે કહ્યા વગર નીકળી ગઈ હતી. હજુય એ સરતા પ્રકાશ જેવા તેજને ચાલ્યા જતો મનન પેલા આડછની દિવાલના ટેકે ઊભો રહીને બસ જોઈ રહ્યો હતો. કદાચ પાછી વળતી એ આંખમાંથી ફેકાતી એ નજરને ઝપટી લેવાની એ આશા સેવી રહ્યો હોય, પણ અનીતાએ નીકળીને વળાંક લીધો ત્યાં સુધી એક વાર પાછા ફરીને એક પળ માટે પણ જોયું નાં હતું.

    

નવરાત્રીનો સાતમો દિવસ હતો અને લોકોના કતારબદ્ધ ગવાતા ગરબાની રમઝટ વચ્ચે ચંદ્ર આવેશમાં ધરતી પર દોડી આવ્યો હતો. આ મેદાનના ઝુંડમાં એ ઝરમર પ્રકાશ અને ચારેકોર લગાવાયેલી માનવસર્જિત લાઈટોના પ્રકાશમાં થનગનાટ કરી રહ્યો હતો. ચાંદની પણ આજ એના આસ-પાસ ઝગમગાટ કરતા ઢોલ અને વાજિંત્રોના તાલે ગરબા ઘૂમતી હતી. મેદાનમાં હારબંધ સ્ત્રીઓ અને નવોઢા ચણિયા-ચોળી અને ભાતભાતના વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈને ઢોલને ધબકારે પગ ઉપાડી રહી હતી. ત્યાંથી થોડેક જ દૂર ભીતની અડછેલે ઊભો રહીને મનન આજે આખું મેદાન અને જ્યાં ગરબાની તાલ ગુંજી રહી હતી એ સપાટ વિસ્તાર બન્ને આખું આંખોમાં સમાવી રહ્યો હોય એમ ઊભો હતો. આજે પણ એ આંખોમાં એક જ ચહેરાની તલપ વર્તાતી હતી. નવરાત્રીના સાતમાં દિવસે આજે બરાબર એક વરસ વીતી ચૂક્યું હતું જ્યારે એના દિલની કોઈક ઊંડી પરતમાં ફૂટી નીકળેલા એ કૂંપળની આજે વર્ષગાંઠ હતી. આજે બરાબર દશના ટકોરે એના લાગણીના સંબંધો ને એક વર્ષ પૂર્ણ થવાનું હતું. “કોઈ પણ હાલતે આજે તો હું એને પૂછી જ લઇશ.” આજ મનને મનોમન બધું વિચારી આખી યોજના ઘડી કાઢી હતી. આ વાત પૂછવા માટે એણે જુદા જુદા કેટલાય રસ્તા વિચારી પણ મનોમન રાખ્યા હતા. તેમ છતાંય છેવટે એણે આ નિર્ણય હાલ પૂરતો પંપાળીને એવા ખુણે ગોઠવ્યો જેથી એ ભૂલાય પણ નઇ અને ભયના કોઈ પણ કંપનમાં એ છટકી ના જાય.

એ ગોરો વર્ણ, ગાળામાં લટકતું એક મોટા મણકાઓ અને વચ્ચોવચ માનવસર્જિત હીરાની જડતર જડેલું મોટું ભવ્ય બનાવટનું નકશીકામ કરેલું સોનેરી પેન્ડંટ, એના છાતીના એ સતત ઊંચનીચ થતા ધબકારા સાથે ઉપરનીચે થતા વક્ષસ્થળના ઉભારો, એની વાળની ઊડીને નાનકડા બાળકની જેમ ઉછળકૂદ કરતી લટ, એ ગાલના ખંજનોમાં પડઘાઈને શરમાતો ચંદ્ર, પગમાં ખનકતી પાયલનો તાલબદ્ધ સુર, એની કમરથી સહેજ પાસે અને જ્યાં ચંદ્રનો પ્રકાશ એ ખુલા ભાગે ચૂમી શકે તેમ ખોસેલો એ બાંધણીનો છેડો, અને એની કમનીય માંસલ કમર પર પથરાયેલી કુમાશ, એની બાંધણીના છેડે લટકાવેલા કાચમાંથી પડઘાઈને આવતો પ્રકાશ સીધો જ મનનની આંખમાં પછડાટ ખાઈ રહ્યો હતો. મનનની નજર સતત એ ચહેરા અને એના વ્યક્તિત્વને માણવામાં અભિભૂત હતી.

મનનની નજર એની સાથે ઉભેલી ત્રણેક છોકરીઓ સાથે મેદાનમાં ગરબામાં જોડાવાની એની તલપ અનુભવી રહી હતી. થોડીક વારમાં છેવટે એ ચહેરા પર એક ઉન્માદ છવાયો કંઈક ઈશારો કર્યો જેના કારણે ત્રણેય જણે ગણતરીની પળોમાં મેદાનમાં સરીને ગરબાના તાલે ઝૂમતી ટોળીમાં સ્થાન લઇ લીધું હતું. હારબંધ કતારમાં ત્રણેય એક પછી એક જોડાઈ ગઈ હતી જેમાં આગળ પાછળ પેલી બંને હતી અને વચ્ચે અનીતા જોડાઈ ને તરત જ ગરબાના તાલે ઝૂમવા લાગી હતી. એક મખમલનો ટુકડો હવાના વીંઝાતા હીંચકા સાથે થનગનાટ કરે એમ અનીતાને એ મેદાનમાં ફરકડી ખાતા, આગળ પાછળ વધી સુર સાધતા, ઘૂમતા, તાળીનો પછડાટ આપતા અને એના ચહેરા પર બદલાતા ભાવમાં પ્રગટતી આનંદની રેખાઓ એ બસ જોયા કરતો હતો. એના દિલમાં કેટલીયે તરંગ પરપોટાની જેમ છીછરી સપાટી સુધી આવી જઈને ફૂટીને જાણે દમ તોડી રહી હતી. ગરબે રમતી વખતે વલોવાતી અને થનક ખાતી અનીતાની કમરની કુમાશ અને એના પર પછડાટ ખાતો પ્રકાશ જાણે મનનના દિલની આંખને આંઝી દેતો હતો. એજ લાગણી અને એજ તરખાટ જે એને પ્રથમ દિવસથી આકર્ષિત કરતો હતો. એના ખંજનમાં રમતો એ સોનેરી પ્રકાશ જાણે આજે પણ દિલમાં મહોરી ઉઠતી ફૂલગુલાબી લાગણીને ઝીલવાનું કેન્દ્ર બની જતો હતો. અને એના હોઠ પર મદમાતું એ સ્મિત... એક આહ નંખાઈ ગઈ ત્યારે મનનથી. એ હોઠ જેના સૂક્ષ્મ થી અતિસૂક્ષ્મ સળવળાટ ને જાણે અનુભવી રહ્યો હતો. એના હોઠ પર થતી એની ભાવનાત્મક વર્ષાની ભીનાશ એને મદહોશ કરી રહી હતી અને એ જાણે સંપૂર્ણ પણે આજે આરતીના સ્વરૂપમાં મંત્રમુગ્ધ થઇ ખોવાઈ ગયો હતો.

“મનન... મનન... ઓય મનન, અરે ભાઈ... યાર તું ક્યાં છે...?” બાજુમાં ઊભેલા મીતે એને ઝંઝોળી નાખ્યો.

    

~ અનીતા ક્યાં વિચારોમાં વણાયેલી હતી...?

~ મનન એવા કયા વિચારમાં હતો...?

~ અનીતા શા માટે કઈ કહ્યા વગર નીકળી ગઈ...?

~ એસિડ અટેક...?

[ .... વધુ આવતા અંકે ]

-: લેખક વિષે :-

જે પ્રોફાઈલમાં જોઈ શકાય છે હા એજ મારું નામ અને એના પાછળનું ‘જીવન’ એજ મારું ઉપનામ. હું મુખ્ય મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિદ્યાર્થી છું. અત્યાર સુધી કોઈ ઝાઝી મોટી સફળતા મારા જીવનમાં મેં પામી નથી, કંઇક શોધું છું, શીખવામાં મસ્ત છું અને બસ આમ જ મારે હર-હંમેશ શીખતા રહેવું છે. મારા લક્ષ્ય મુજબ મારે કોઈ ટોચ પર નથી પહોચવું, બસ મારે આ સફળતા અને દિલના પહાડી માર્ગમાં ચાલતા પડતા અને ઉઠતા આગળ વધતાં રહેવું છે. અટકવું નથી અને કોઈને ખટકવું પણ નથી. કહેવાય છે કે પડેલું તો પાણી પણ ગંધાય છે અને વહેતું હર હમેશ તાજગી સાથે વહેતું જાય છે. માન્યતામાં નથી માનતો પણ આ વાત સાચી છે. માનવામાં હું શૂન્ય છું અને જાણવામાં વિદ્યાર્થી, દરેક પળે નવી રાહ શીખતો વિદ્યાર્થી. જાણવાની જિજ્ઞાસા સદાય મારા દિલમાં રહી છે. અને આમજ રહેશે... સતત... નિરંતર... અને અવિરત... અખંડ જ્યોત સમી...

અત્યાર સુધી મારા ખાસ્સા આર્ટિકલ માતૃ ભારતી પર આવ્યા છે. અને મારી એક નૉવેલ [સ્વપ્નસૃષ્ટિ- દુનિયાદારી થી દિલની મંઝીલ સુધીની કહાની] પણ પ્રકરણ સ્વરૂપે ૩૧ ભાગમાં પ્રકાશિત થઇ ચૂકી છે જે બધાજ ભાગ તમે માતૃ ભારતી પર વાંચી શકો છો.

માતૃ ભારતી સિવાય પણ હું જે કઈ પણ લખું છે એ મારા બ્લોગમાં મળી રહેશે.

Mobile: - +91-9904185007

Mail-id: -

Blog: -

[twitter, LinkedIn, Facebook] :- @imsultansingh