જુગાર એક આનંદોત્સવ
દુઃશાસન ઉઠ અને દ્રોપદી ને અહિ રાજ-દરબાર માં ઢસડી ને લઇ આવ” વિજય ના ઉન્માદ માં રાચતા એ અહંકારી દુર્યોધન નું આવુ કટુ વેણ સાંભળતા જ એ નરાધમ,દ્રુષ્ટ,પાપી,વ્યાભિચારી એવા દુઃશાસને દ્રોપદી ના શયન કક્ષ તરફ દોટ મુકી ! અમારા ગામ ના નગરશેઠના ઘરના દીવાનખાના,ઓસરી અને ફળિયા માં થી બી.આર.ચોપરા ના મહાભારત ને નિહાળતા હકડેઠઠ દર્શકો માં સોપો પડી ગયો ! (પિન ડ્રોપ સાઇલન્સ યુ નો ?) આશરે બે દશકા પહેલા પ્રદર્શિત થતી આ મહાભારત સિરીયલને ગામડા ગામમાં થી નિહાળવાનો લાહવો જ અનેરો હતો ! એ જમાના માં ગામમાં એકાદ બે ટીવી હતા અને આખુ ગામ જેને ત્યા ટીવી હોય ત્યા જમા થતું . જે યજમાન ના સૌથી નજીક હોય તે દીવાનખાના માં આવેલ લોઢાના પલંગ , ખુરશી , પાથરણ કે નીચે અનુક્રમે શોભાવતા . એ પછી આવતી ઓસરી માં મોટા ભાગે સ્ત્રીઓ અને બાળકો આ મહાન ગ્રંથ નુ રસપાન કરતા અને છેલ્લે ફરિયા માં જેને બીડી પિવા ની ટેવ હોય , પાન-મસાલા ખાય ને થુંકવાની ટેવ હોય એવા રસિયાઓ માટે સીટ રિઝર્વ રહેતી. જો કોઇ ભારતભ્રમણ માટે આવેલ વિદેશી ધોળિયાવ આ દ્રષ્ય જુએ તો એકતા-અખંડતા અને ધર્મગ્રંથ પર ગ્રામિણ પ્રજાની રૂચિ માટે જરૂર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે ! ( ભલે ગમે એટલો ખરસો થાય!
મહાભારત માં દ્યુતક્રિડા અર્થાત જુગાર થી શું પરિણામ આવ્યા !!? એ આપણ ને સુપેરે વિદીત છે …..પણ “સર્વાઇવલ ઑફ ધ ફીટેસ્ટ “ તરીકે ઓડખાતો શ્રીમાન ડાર્વિનભાઇ નો ઉત્ક્રાંતિનો સિધ્ધાંત અનુસાર “ જડ , નક્કર કે ઠોસ વસ્તુ (અહિ માન્યતા રીડ કરવું) પ્રતિક્ષણ ઘણી જ ઝડપ થી ઉત્પન્ન થઇ નાશ પામે છે, તે પરિવર્તનશીલ અને અનિત્ય છે ! આપણું મન પણ પ્રકંપિત તરંગો છે અને પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે.” આ વાદ ને વ્યવહારૂ બનાવવા ની નેમ લઈ આપણી દ્યુતક્રિડા અંગે ની સંકુ્ચિત માનસિકતા કાળક્રમે દેવશરણ પામી …….અને જન્મ થયો એક નવો જ કૃષ્ણ જન્મ ના ઓઠા નીચે ઉજવાતો પૈસા ના વરસાદ સમો તહેવાર ! “જુગાર” !!
જુગારનો લુપ્ત જેઠ સુદ અગિયારસ (ભીમ ઇગિયારિહ) થી શરૂ થઇ ને ભાદરવા સુદ પાંચમ ( રયખ પાયચમ ) સુધી ઉઠાવી શકાય એવુ અત્યાર ના ખેલૈયાઓ માને છે ! ભગવાન શ્રીવિષ્ણુના આ આઠમાં શ્રીવસુદેવ રૂપે ધરેલ અવતારનું ‘માયતમ’ સૌથી વધારે છે અને એના જન્મદિવસ ને માણસો રંગેચંગે ઉજવે છે ! શું બીજા અવતાર રૂપે આ ધન્ય ધરા પર પાપીઓનો નાશ કરવા અવતરેલ ભગવાનોને ખોટુ નહિ લાગતું હોય !? ….(હશે જે હોય એ મંડો પતા બાટવા )…જુગાર ના બે એક માસ પહેલા થી જ રમતવીરો પૈસા , સ્થળ અને સંખ્યા નું નક્કર આયોજન કરી લે છે!( પછી છેલ્લે ધોડાધોડી નય ). મને પ્રાપ્ય જ્ઞાન અનુસાર જુગારની રમતોમાં મુખ્યત્વે ત્રણ પન્ના , તેર પન્ના , એકવીસ પન્ના , પાટલો જેવી દેશી રમતોનો સમાવેશ થાય છે . હાલ માં ઘણા લોકો પાશ્ચાત્ય રમતો નો પણ સમાવેશ કરતા જોવા મળેલ છે !
બીજી કોઇ પણ બાબતમાં સ્ત્રીઓ પુરુષ સમોવડી હોય કે ન હોય જુગાર રમવામાં એ પુરુષ સમોવડી બની ચુકી છે અથવા બે બંધ વધુ પણ ખેંચે એવા પણ અમુક કિસ્સામાં ધ્યાને આવેલ છે. “સાસુ-વહુ આ સંસાર ના એવા બે પાત્રો છે કે એમની વચ્ચે એક્સુત્રતા ક્યારેય જોવા મળતી નથી!! “ એવી લોકવાયકા છે…. પણ રમવાની બાબતમાં તેઓ સાથે બેસીને વહુની બાજુ માં દુડી , તીડી પછી એક્કો જ નીકળે એવો એક મત સાંધતા જોવા મળે છે . ઘરે મોડા આવતા પતિદેવો ને હંમેશા ઘરના પ્રવેશદ્વારે જ રણચંડી બનીને પોંખતી પત્નીઓ આ આરસામાં હસીને જવાબ આપતી જોવા મળે છે ! ( …નકર પતિઓ ની ચોટલી ખીતો થઈ જાય અને પેલીને રમવા જાવા નો દયે ! ) ઘણા કિસ્સામાં સ્ત્રીઓ અને પુરુષો સાથે રમતા દેખાય છે અને ત્યારે પણ સ્ત્રીઓ પુરુષોને “ તમે એક ચાલ વધુ કરી હોત તો નિલેશભાઇ બાજી મુકી દેત !” આવી સલાહો આદતવસ આપતી હોય છે !
જુગાર એ હવે ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ અને એમાં પણ પટેલ જ્ઞાતિ માટે એક અસ્મિતાપર્વ બની ગયો છે . નવા આવેલ પાડોશી , નવોઢા , નવા મિત્રો ને “ તમે રમો છો ને ? “ આ સવાલ પુછવાની પ્રથા દેદ્વિપમાન બની ચુકી છે . જુગાર માં વપરાતા પ્રચલિત ડાયલોગ ની વાત કરીએ તો ….
“ એલા તુ ખાંભી ખોય્ળ માં એટલે જ મને નથી આવતું ! “
“ ભાઇ પતો બદલાવો આમા મને કાંઇ નથી આવતુ “
“ જયે થી તુ આયવી તયે થી મારી બુંધ બેહી ગઈ !”
“જ્યા હુધી આવે નય તા હુધી બંધ કરવાનું બંધ “
“ કાતર મારજે એલા …એમ નમ બીટસ તી ..”
“ કાંઇક સેલીબ્રેશન કરો એટલે પત્તા ફરે “
“ હાલો જગ્યા બદલીએ … “
“ ઘરે થી પૈસા લયને આવતો હો તો …આયા આવી ને માંગશ ! “
“ ઉછી ના આપુ પણ સવારે આપી દે તો જ ? “
“ બે એક્કા ની હામે કલર હોય હોય ને હોય જ … “
હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠ માં દિવસે વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મદિવસ અર્થાત જન્માષ્ટમી નું અમારા નાનકળા શુ-શિક્ષીત ગામ માં અદકેરૂ મહત્વ છે !પરણિત સ્ત્રીઓ પોતાના પિયર માં તહેવારો ઉજવવા જતી હોય છે અને જન્માષ્ટમી પછી ના અનુકુળ દિવસે પતિ સાસરે જઈ ને પત્નીઓ ને પાછી લઇ આવતા હોય છે આવો સરક્યુલર ફેરા ફરે ત્યારે જ ગોર મારાજ આપી દેતા હોય છે ! અમારા નાનકડા ગામ માં આના થી ઉલ્ટુ છે … જમાઇઓ આ તહેવાર ઉજવવા માટે પધારે છે અને બે-ચાર વખત આડકતરી રીતે જવાનું ના કહીએ ત્યા સુધી જતા નથી ! , ઘણા કિસ્સામાં જમાઇઓ ને ધક્કા મારી ને પણ કાઢવા પડ્યા છે !કારણ કે અમારૂ ગામ ખુબ રમત પ્રિય છે ..જેને પરવળે એટલા રૂપિયાનો જુગાર રમી શકાય એવી જોગવાઇ અમારા ગામ માં કરેલ હોય છે. ઉચ્ચ-નીચ , નાના-મોટા , ગરીબ-તવંગર , શિક્ષીત-અભણ , શિક્ષક-વિધ્યાર્થી સહુ કોઇ પલાઠી ભટકાડી ને એક સાથે જુગારનો લાભ ઉઠાવતા જોવા મળે છે. વિદેશો માં કેસીનો માં જાવ તો જેમ એન્ટ્રી ફી આપવી પડે એમ અહિ ગામ માં પણ વાડી ,વાળા , ડેલાઓ , ગમાણ , મકાનોમાં આવી જ જાતના જુગારો રમાડવામાં આવે છે ! સદરહુ સ્થળે કેસીનો ની જેમ “નાલ” એટલે કે ફી આપવી પડતી હોય છે … આવા સ્થળો એ તમારી રમવા ની પુરતી સુવિધાનું ધ્યાન રાખવા માં આવે છે . જેમા જમવા ,સુવાની વ્યવસ્થા , પોલિસ પ્રોટેકશન , વ્યસનો ની પુર્તિ , બેસવા માટે ગાદલા આવી બધી સુવિધાઓનું જડબે સલાક બંદોબસ્ત કરવા માં આવે છે …. રાંધણ છઠ થી માંડી ને આઠમ ના બાર વાગ્યા સુધી નો ગાળો ખેલૈયાઓ માટે મહત્વનો છે અને લગભગ એક જ બેઠકે (જમવા પણ ડગે નય ! ) એનો લુપ્ત ઉઠાવતા જોવા મળે છે અને આ ગાળા દરમ્યાન પોલિસ પાલ્ટીની અનઓફિસીયલ પરવાનગી પણ હોય છે!. ઘણી વખત તો બંધુક ફુટે ( અમારા ગામ માં આઠમ ની રાયત ના બાર વાગ્યે હવેલી માં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે , કાનુડો જન્મી ગ્યો સે એ સમાચાર પુગાડવા અને જુગારીયો મંદીર માં આવી ને બે કાવડિયા ધરે એટલા હાટુ બંધુક નો ભડાકો કરવા માં આવે છે , બીજે આવી પ્રથા વિષે લેખ અજાણ છે ) ત્યા સુધી પણ લડી લે છે … આઠમે મહદ અંશે આ તહેવાર એટલે કે જુગાર નું સમાપન કરવામાં આવે છે પણ ઘણીવાર હારેલા લોકો આઠમ પછી પણ પોતાના પૈસા કવર કરવા માટે રમતા હોય છે . આજ સુધી ના મુલ્યાંકન અને પૃથક્કરણ બાદ લેખકશ્રી એ તારણ પર પહોચ્યા છે કે જુગાર માં પાનવાળા , ચાવાળા અને રમાડવા વાળા હંમેશા જીતતા હોય છે , બાકી રમવાવાળા માં થી માત્ર ૨૦ પ્રતિશત લોકો જ જીતે છે બાકી બધા હારે છે ! વિશ્વમાં જુગાર જ એક એવી રમત હશે જેમા હાર-જીત ની જાહેરાત ગોપનીય રાખવામાં આવતી હોય !
એવુ હરગીજ નથી કે આ તહેવાર ની ઉજવણી ઘરે ,ગામડે કે કોઇ સગા-સંબંધી ને ત્યા જ કરવી ….ઘણા ગુજરાતીઓ ખાખરા , થેપલા લઈ ને મિત્રો સાથે ફરવા પણ ઉપડી પડે , બોલો ! ગુજરાતીઓ ને તો ફરવા જાવા નો મોકો ને દસ્તુર જોઇએ બસ , અને ત્યા પણ જમાવે !!! જેમ નાના છોકરા ને આપણે ફોસલાવવા માટે પુછીએ બેટા તારે કાર માં એક ચક્કર મારવી છે કે આઇસ્ક્રિમ ખાવો છે તો એ નાનુ બાળ એક મુત્સદ્દી જવાબ આપે કે “ કાર માં બેસીને આઇસ્ક્રીમ ખાવો છે ! “ આવી જ રીતે પેલા ફરવા ગયેલા ખરા ને ? તે ભી મુત્સદી હોય ……સાલ્લુ ગમે ત્યા ફરવા- બરવા ગયા હોય પણ રાત પડે એટલે ત્યા પણ જમાવે ! ૧૦૦ નો ડબ્બો ને ૨૦ ની ચાલ ! આવા લોકો ફરવા સાથે જુગાર નો પણ આનંદ માણે છે !
બસ હો હવે હાવ કરો ને તમે પણ આ અભિયાન માં જોડાયેલ હશો કે જોડાવાના હશો જ … તો થઇ જાવ તૈયાર …બેસ્ટ લક “ હાયલ શિતલી વાતુ ના કયર …જલ્દી કયર , પત્તા વેચ ફટાફટ …સવારે તારી ડોહી ને કામ હુ બતાવશુ !? “
…. બોલ ઉમિયા માત કી જે