હું અને મારી યાદોં! Jasmin Bhimani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને મારી યાદોં!

હું અને મારી યાદો!

૧. રમેશ ધ અનબીટેબલ....

રમેશચંદ્ર ગોરધનભાઇ ત્રાંબડિયા પુરા નામ....ગામ - લિંબુડા , જીલ્લો - જુનાગઢ.. ઉમ્ર - ૫૭ વર્ષ , ધંધો - પ્રખ્યાત બિલ્ડર , રાજકોટ

રમેશ નામ સાંભળતા જ ચહેરા પર ખુશીની લહેરખી પ્રસરી જાય!! લોહીની સગાઈ વગર મારો એની સાથે મામાનો સંબંધ પણ સગ્ગા મામા કરતા ય વિશેષ. એમનું સમગ્ર જીવન બિન્દાસ, મોજ મસ્તી, ધમાલ અને મિત્રો સાથે શર્તો લગાવવામાં જ વ્યતિત થયું. નાનપણ થી લઈ આજ સુધી એને કોઇ પણ શર્તોમાં હારવું પસંદ જ નહિ ....ચાહે શર્ત કેરમમાં એક જ દાવમાં બધી કુંકરી પાડવાની હોય, ગાગર એક દુધ પીવાની હોય, વોલીબોલ કે ક્રિકેટમાં જીત હાંસલ કરવાની હોય, આંખે પાટ્ટા બાંધીને ૫ કી.મી. દૂર ભનુંશેઠની વાડીનો કૂંવો અડધા કલાકમાં શોધવાનો હોય, અમેરિકામાં પોલિસને ટીકીટ આપ્યા વગર નિયમો તોડવાની હોય ( અમેરિકાને તેઓશ્રીએ ૧૨ વર્ષ લાભ આપ્યો ), દુંહા છંદ અને ઇતિહાસ કંઠે કરવાની હોય, બે નાળિયેરને જમીન પર મુંકી મુઠ્ઠીઓ વડે એકી સાથે તોંડવાની હોય!!

શર્તમાં હારવું એને કદાપી પસંદ નહિ. ધુની મગજ અને ઉતાવળીયો સ્વભાવ હોવાથી એક જગ્યાએ બેસવું ગમે નહિ, દરેક કામ બસ ઉતાવળે પાર પાડવાની ઉત્કંઠા એના માનસ પર હંમેશા છવાયેલી રહેતી. પિતાશ્રી પાસે બહોળી ખેતી અને ત્રણ ભાઇઓ અમેરિકામાં વર્ષોથી રહેતા હોવાથી આર્થિક રીતે પણ કોઇ ખોટ નહિ. ગામમાં પ્રતિષ્ઠા પણ ખરી ઇન શોર્ટ સુખી અને સગવડિયુ ઘર!! એમનું આખું જીવન હાસ્યનો ખજાનો છે પણ એમની યુવા વયે કરેલ એક તરકટ આપની સામે કહેવાનું મન થઈ આવ્યુ.


નથુરામ શર્મા જેવા વિદ્વાન માણસ જે ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા તે લિંબુડા ગામ પહેલેથી જ શિક્ષણમાં અગ્રેસર, મોટા ભાઇઓ અમેરિકામાં સ્થાયી હોય રમેશનો પણ એક દિવસ અમેરિકા જવાનો મોકો અવશ્ય આવશે જ એવું વિચારી પિતાશ્રી અને ભાઇઓનાં આગ્રહથી રમેશે એક થી બાર ધોરણ ગામડામાં જ જેમતેમ કરી પાસ કરી સ્નાતક થવા માટે જુનાગઢની ઇ.સ.૧૯૭૫ની સાલમાં પ્રખ્યાત બહાઉદીન કોલેજમાં એડમીશન લીધું. પહેલી વખત ગામડાથી દુર રહી ભણતર અને હોસ્ટેલમાં રહેવાનું રમેશ માટે નવું હતું. તેની સાથે ગામડાનાં લંગોટીયા પણ સાથે હોવાને લીધે એમને જે જોતું હતું એવું વાતાવરણ પુરૂ પડ્યું. એમના ટીખળખોર સ્વભાવ અને વાચાળ હોવાને લીધે આખી કોલેજ અને હોસ્ટેલમાં નામનાં કાઢવામાં સમય ન લાગ્યો. ફિલ્મ પ્રત્યે પણ એને અપાર રૂચિ. એક પણ નવી ફિલ્મ જોવાનું ચુંકે નહિ, તે સમયમાં નવા પિકચરનાં ફોટા જોવાનો ખુબ ક્રેઝ હતો. બધા યુવાનો થિયેટર કે ભિડભાડ વાળા એરિયામાં કોઇ ઇમારતની છત પર કાપડમાંથી તૈયાર કરેલ બેનરોમાં ચિપકાવેલ ફોટા અને તેની નીચે હીરો-હિરોઇનનાં બ્લુ કપડા ધોવાની ગળીએથી લખેલ નામ નિહાળવાની જબરી તાલાવેલી હતી! ઘણા ફિલ્મ રસિયાઓ થિયેટરની અંદર ઘુસ મારી ત્યા પેસેજમાં જડેલી કાચની લાકડાનાં ફ્રેમથી મઢેલ પેટીમાં ફિલ્મનાં પાડેલ ફોટા અને દ્રશ્યો જોઇ ને જે તે ફિલ્મ કેવી છે એનો અંદાજો આપી દેતા!

૭૦-૮૦નાં એ દાયકામાં જુનાગઢમાં કાળવા ચોકમાં કાળવા પુલની બાજુમાં આવેલ ડિલક્ષ હોટેલ ફેમસ હતી. ડિલક્ષ હોટેલ રમેશ અને તેના મિત્રો રહેતાએ હોસ્ટેલથી નજીક હોય તેઓ પોતાનો ફુરસતનો સમય ત્યા જ વ્યતિત કરતા. ચોવીસ કલાક ધમધમતી હોવાને લીધે ડિલક્ષ હોટેલ ચા-પાણી, પાન મસાલા ખાવાવાળા કોલેજીયન માટેનો અડ્ડો હતો. કોલેજીયનોની બેઠક અને મોકાની જગ્યા હોવાનાં કારણે હોટેલની ઉપર અગાસી એ જ જે તે ટોકીઝોમાં ચાલનારી ફિલ્મોનાં બેનરો લગાડાતા. એ બેનરો અને શોનાં ટાઇમ બધા કોલેજીયનોને કંઠસ્ત રહેતા. ત્યારનાં જમાનામાં ઇન્ટરનેટના અભાવ અને ન્યુઝ્પેપરમાં આવી માહિતી ન આવવાને લીધે બેનરો દ્વારા જ લોકોને ફિલ્મની રિલીઝની ખબર પડતી. રમેશ તથા એના મિત્રો માટે ફિલ્મની ટીકીટો કાળા બજારમાં ન લેવી પડે એ માટે એક મિત્ર સવારથી જ ટીકીટબારી પરની લાંબી લાઇનમાં ક્રમશઃ ઉભા રહેવાનો શિરસ્તો હતો.

એ સમયે રમેશના હોસ્ટેલનાં રૂમમેટસ પણ એમનાં લંગોટીયા ભાઇબંધો જ હોય એમને ઘરની યાદ ન આવતી. આખો દિવસ કોલેજ-હોસ્ટેલોમાં ઠઠ્ઠા-મસ્તી, અવનવી રમતો, શર્તો, ફિલ્મ જોવા અને બહાર હોટેલોમાં જઇ જમવાનાં આનંદમય વાતાવરણ વચ્ચે દિવસો પસાર થઈ જતા.એ સમયે માં-બાપ પણ પોતાનાં સંતાનોને લીમીટેડ પૈસા મનીઓડર મારફતે મોકલતા હોય ક્યાં શોખને પ્રાયોરિટી આપવી એ પણ આવડત ગણાતી. આમતો રમેશને મબલક ખેતી અને ભાઇઓનાં અમેરિકા સ્થાયી થવાને કારણે પૈસાની કોઇ કમી નહોતી. શર્તોનાં શોખ અને હંમેશા જીતવાને લીધે શર્ત પણ રમેશ માટે એક આર્થિક ઉપાર્જનનું સાધન હતું.

શિયાળાનો એ સમય હતો. રાત્રીના દસ ની આસપાસનો સમય હતો. બધા પોતપોતાનાં રૂમમાં ઘુસીને ઠંડીથી બચવાની કોશિશ કરતા કરતા લેશન, મસ્તી કરી રહ્યા હતા. ઠંડીની એક માજમ રાતે ધડામ કરતો હોસ્ટેલનાં રમેશના રૂમનો બંધ દરવાજો ખુલ્યો!

" મનસુખીયા , મસ્ત પિકચર લાગ્યું પ્રદિપમાં " ગરમ શાલ ઓઢી ઠંડીથી ઠુઠવાતાં ઠુઠવાતાં ડિલક્ષેથી આવીને રમેશે રૂમ પ્રવેશ કરી મનસુખને સુખદ સમાચાર આપ્યાં.

" હાં ખબર છે ... 'મેરા ગાવ મેરા દેસ' " મનસુખ પોતાનાં ધોયેલ કપડા ઇસ્ત્રી કરવા માટે સંકેલી ગાદલું ઉંચકાવી નીચે મુકતાં પ્રવૃતિમગ્ન દશામાં રહી જવાબ આપ્યો.( એ વખતે સ્ટુડન્ટો ઇસ્ત્રી કરવાનાં પૈસા બચાવવાં માટે જાતે ધોયેલ કપડા વ્યવસ્થીત ક્રિઝ પડે નહિ એમ પલંગમાં પાથરેલ ગાદલાની નીચે રાખતા જેથી પોતાનાં વજનનાં લીધે ઇસ્ત્રી થઈ જતી...માહીતી પુરી )

મનસુખ હંમેશને માટે રમેશ સામે શર્તમાં હારી જતો..રમેશ કોઇપણ શર્ત માટે પહેલા મનસુખને જ પસંદ કરતો. રમેશને શર્તો જીતવાથી હોસ્ટેલની ખર્ચાળ લાઇફસ્ટાઇલનાં મોટાભાગના ખર્ચા નિકળી જતા! મનસુખ સ્વભાવે ભોળો હતો એટલે આસાનીથી રમેશની અવનવી રમેશની શર્તોના ચુંગાલમાં આવી જતો ...રમેશ પણ અવનવી લોભામણી શર્તો મનસુખ સામે લગાવતો.

" આહ્હ્હ્હ્હા.. ડાકું નું ફિલમ લાગેસ, વિનોદ ખન્ના બે નાય્ળ વારી બંધુક લઈ ને ઉભો તો , ધર્મેન્દ્ર ઇન્સ્પેક્ટર હય્શે જોજે " રમેશે સ્ટોરી કેવાનો પ્રયાસ કર્યો.

" લાગેસ તો એવું જ , હવારે જ માધિયાને ન્યા જોયું" મનસુખે ટુંકો ઉતર આપ્યો.

" હેમામાલીની ય મસ્ત લાગતી તી સાડી માં " રમેશે ઉમેર્યુ.

આ સાંભળીને મનસુખનાં કાન સરવા થયા તેણે કપડા એક બાજુ મુંકીને કહ્યું " એલા રમલા , હેમા માલીની ક્યાં સે એમા ? આશા પારેખ સે..તને નંબર આવી ગ્યા લાગેસ "

" ના ના ...મે પાક્કુ જોયું તું " રમેશે કહ્યુ

" માધીયાનાં દુકાન માથે પાટીયુ સે ન્યા ? "

" હાં ડીલક્ષે જ ..હમણા જ જોયુ " રમેશે થોડાક અટકતા અટકતા શ્વરે ઉતર આણ્યો.

મનસુખથી હવે નાં રહેવાયું " રમલા , એ આશા પારેખ હતી કોડા..માયર રવત(શર્ત)"

હવે રમેશ છંછેડાયો આ વખતે એને કોઇએ સામેથી પડકાર ફેંક્યો નોર્મલી એ જ મનસુખ ને શર્ત માટે ઉશ્કેરતો આજ મનસુખે સામેથી કહ્યુ એટ્લે રમેશ તાડુક્યો " થય ગય હાય્લ..હંધાય ને કાય્લ પ્રદિપમાં ફિલમ દેખાડવાનું અને મુરલીધરમાં ફુલ ડીશ? "

હંધાય એટલે કે પકલો, નલો, કાણીયો , સુર્યો ...પોતાને પણ મફતમાં પિકચર જોવા મળશે એટલે આ બધા પણ પોતાના ગોદડામાંથી બહાર નીકળીને ખેલ જોવા આવી ચડ્યા. આ લોકોને તો દર વખતની જેમ આ વખતે પણ મફતમાં જલસો કરવા મળશે.

સુર્યાએ નલા સામે આંખ મારીને ધીમાં શ્વરે કહ્યું “ નલા, પાસો મનસુખિયો બાટલીમાં ઉતરવાનો સે જોજે”

નલાએ મનસુખ સાંભળે નહિ એમ સુર્યાને ઠોહો મારી નાંકે આંગળી મુંકી હસ્તાં હસ્તાં ચુપ રહી ખેલ જોવાનો ઇશારો કર્યો.

હવે રમેશે આખરી શરત મુંકી " જો ડિલક્ષ પાનની માથેનાં બોરડ્માં હય્શે ઇ ગણાહે "

મનસુખે હવે ગોઠણીયે આવીને ઝનુન પુર્વક કહ્યુ " હા એલા ...ઇ જ ગણાહે , ને કાય્લ જ બતાવાનું હો..તું કય્સ્યારો સો…પસી તુ ફરી જાય્સ, પકલા નલા તમે હંધાય સાક્ષી "

પકલા એ સૂર પુરાવ્યો " હા પાક્કું , મનસુખ હુ નો ફરૂ તું મોજ કયર "

શરત લાગી ચુંકી હતી બધા એગ્રીમેન્ટ થઈ ચુક્યાં હતાં, હવે કોઇ શંકાને સ્થાન નહોતું. શિયાળાનો સમય હતો એટલે મનસુખને થયું સવારે જ જોઇશ અત્યારે ઠંડીમાં બહાર નથી નીકળવું એમ વિચારીને એ યમુનાષ્ટક બોલી સુઈ ગયો...રૂમ ની લાઇટ બંધ થઈ ચુકી હતી ..બસ બધાને સવારનો જ ઇંતેજાર હતો. મનસુખ અને રમેશ સિવાયનાં બીજા ચાર મિત્રોને તો મફતમાં સિધ્ધ્પુરની જાત્રા હતી!!

આજ મનસુખ સવારે વહેલો ઉંઠી ગયો હતો એણે ઝડપથી બધી પ્રાતઃક્રિયા પતાવી રીતસર ડિલક્ષે ચા પીવા દોટ મુંકી, મનમાં હરખાતો એ વિચારી રહ્યો હતો કે આજ તો હું રમલા ને શર્તમાં હરાવી જ દઈશ. એણે માધિયાને ચા નો ઓર્ડર આપી થોડે દુર જઈ ફિલ્મનો બોર્ડ દેખાય એ રીતે કપાળે નેજવું કરી બધું વાંચ્યુ...અને જાણે કાંપો તો લોહીના નીકળે એમ બોર્ડમાં ધર્મેન્દ્ર, હેમામાલીની, વિનોદ ખન્નાનાં નામ વાચ્યાં! ફરી ફરી ને ચાર-પાંચ વખત વાચ્યું, આશા પારેખનું નામ જ ન હતું!!

એ સ્વગત બબડ્યો “ આશા પારેખ ક્યાં ગઈ..?? કાલ તો હતી! મારી ભુલ થઈ છે કે રમલાએ કાઇક કડો કયરો!? “ આવું વિચારતા વિચારતા એનું મોઢુ પાકેલ કરમદા જેવું થઈ ગયું... ચા પણ માંડ માંડ ગળે ઉતરી. ઉતરેલ ચહેરેએ રૂમ પર આવ્યો.

રમેશે ગોદડામાંથી હાઉકલી કરતા નિંદરમાં જ પુછયું " શું થ્યુ મનસુખિયા ? કેમ કરમાઇ ગયો વોય એવો લાગસ ? "

મનસુખે કોઇ જવાબનાં આપ્યો ..ત્યા તો નલો, પક્કો, કાણીયો અને સુર્યો બધા જાગી ગયા . કાણીયો બગાસું ખાતા ખાતા તાડુકિયો " એલા, શું થ્યું કે તો ખબર પડે કાયક? હવારનાં પોરમાં ડાસુ કાં ભુંય્દરાં જેવું થય ગ્યું તારુ? ધમાયરો કોયે ?"

મનસુખે મોઢું વકાસીને કહ્યુ " મેરા ગાવ મેરા દેશ માં હેમામાલીની સે! " આટ્લું બોલતા એનો અવાજ પડી ગયો , ચહેરો રડમસ થઈ ગ્યો!

રમેશ ગોદડામાંથી બહાર આવ્યો અને આત્મવિશ્વાસ પૂર્વક બોલ્યો " મનસુખિયા, મને ખબર જ હતી ..હુ કવ ઇ તારે માની જ લેવું..તારા ચશ્માનાં કાચ બદલાય્વ ઘેલહાગરા.

“હાલોપ આજ જ જોય આવીએ નલા તું બુશકોટ પેરીને લાઇનમાં ઉભો રય જા નકર ટીકીટ નઈ મલે. ૧૨ થી ૩માં જ જોય આવીયે આય્જ, કોલેજ તો કાય્લેય જાહુ હેમામાલીની રોય્જ રોય્જ થોડી આવસે" રમેશે બધા સામે નજર ફેરવતા ફેરવતા કહ્યું

મનસુખ સિવાય બધા રાજી થઈ ગયા અને જે બે ચાર દિવસથી નાહ્યા નહોતા એ નાહવાની તૈયારી કરવા મંડ્યા. બાકીના પોતાના કપડા શોધીને ચા પીવા ડિલક્ષે જવા રવાના થવાની પેરવીમાં હતા.

મનસુખ નીચી મુંડીએ વિચારમગ્ન અવસ્થામાં ઉભો રહીને બોલ્યો " ના આ મહીને મેડ નય પડે , કાવડિયા નથી ...મુરલીધર વારો બાકી દ્યે સે તો ન્યા સાંજે તમે ક્યો તો ખવરાવી દવ"

રમેશે કહ્યુ " ના હો , આય્જ જ જોયે ..કાવડિયા ઉસીના ગોતી લે, પસી ફિલમ ઉતરી જાહે કાં તુ ફરી જા તો ? "

સુર્યા એ મધ્યસ્થ રસ્તો કાઢતા રમેશને કહ્યુ " વાંધો નય રમલા , હાલ્સે... આય્જ ખાય લયે . ફિલમ જમા રય કા બીજી શરતમાં મનસુખિયો ઉબરાવી દેહે "

મનસુખ તરફ જોઇને બધા ખડખડાટ હસ્યા.

બધા સવારે ૮ વાગ્યે ડિલક્ષે એકઠા થયા એક એક પોતપોતાને ખાતે અડધી ચા મંગાવી અને ફિલ્મનાં બોર્ડમાં નામ વાંચીને ખુબ હસ્યા.મનસુખ સિવાય સૌ ખુશ હતા આજ, સાંજ પડવાની તાલાવેલીમાં સૌ કોઇ કોલેજ ભણી નિકળી પડયા. સાંજે ૬ વાગ્યે બધા તૈયાર થઈ કાળવા ચોકમાં પાસે જ આવેલ મુરલીધર લોજમાં ફુળ ભાણુ ( ત્રણ જાત ના શાક, રોટલી પુરી, ફરસાણ, એક મિષ્ટાન્ન, દાળ-ભાત, છાસ પાપડ બધું અનલિમીટેડ તથા ખિસ્સાની સાઇઝ અને હિંમત મુજબ ૨-૩ ચમચી, નેપકીન અને બાથરૂમમાં લાઈટ માટે ચડાવેલ ગુલેબ(લેમ્પ) મેનેજરને ના ખબર પડે એમ) જમવા માટે ઠ્ઠઠા મસ્તી કરતા કરતા મનસુખને ચિડવતા ચિડવતા સીડી ચડવાં લાગ્યાં. એક મોટા ટેબલ પર રમલો, નલો, પક્કો, કાણિયો, સુર્યો અને મનસુખિયો એમ સૌ ખોઠવાયા.

મનસુખ હજી અવઢવમાં હતો , એને પોતાની આંખો કઈ રીતે ધોકો ખાય એ જ સમજાતું નહોતું..હજી એની સામે મેરાગાંવ મેરાદેશનું એ બોર્ડ તરવરતું હતું. શંકા ભરી નજરે એણે રમેશ સામે જોઇને પુછ્યું " રમલા, તે કાય કડો નથ કયરો ને ? માં ઉમિયા ના હમ ખાય ને હાચુ કે ? "

" તું પેલા મેનેજરને કે આજનું બીલ મારા ખાતે, પસી કવ " રમેશે કન્ફોર્મેશન માટે મનસુખને કહ્યું

મનસુખ માટે હવે હાં પાડવા સિવાય બીજો કોઇ રસ્તો નહતો એટલે એણે હાંમી ભણી

બધાનું મોઢું મલક મલક થતા રમેશની વાત એકીટસે સાંભળવા તેના તરફ દ્રષ્ટી કરી. હવે રમેશે આખી કથની કહી.... ” એમાં બય્નું એવું કે હું બપોરે ખાય ને માધિયાની દુકાને પાન ખાવા ગ્યો , ને ફિલમનું બોર્ડ જોયું! મને તયે જ વિચાર આયવો કે મનસુખિયાને કે`દીનો મુરઘો બનાય્વો નથ તો હાય્લ આજ કાયક કરીયે. રાય્તે આવી ને રવત(શર્ત) માયરી ,પસી તમે હંધાય હુય ગ્યા એટલે હું રાયતે સાય્લ ઓઢીને માધિયાની દુકાને ગ્યો. કાળુ ખાલીચુનો ડબ્બી કિમામ તુફાન જાફરો મિક્ષનું તાકાત વારૂ પાન ચડાય્વું અને બે તય્ણ પાનનાં રહના ઘુટડા ગરે ઉતારી લીધા એટલે અગાસીએ ચડતા ટાય્ઢ નો વાય…અને હા મનસુખિયા તારી ગાય છાપ ગળી એક કાગળમાં ભરીને લય ગ્યો તો, માધિયા પાહેથી ચુનો લીધોને બે તુફાનનાં ખાલી ડબલા લીધા..દુકાન વાહે જઈને ન્યા એક પાઇપ સે ઈ પકડીને અગાસીએ ચયડો! પસી એક ડબલામા ગળી નાય્ખી ને એક માં ચુનો પાણી નો ટાંકો ન્યા હતો જ એના થી ચુનો ને ગળી ભીના કયરા! પસી યાદ આય્વું કે લખવું શેનાથી ને હું ક્ડે ચયડો ..દુકાનની વાહે બાવર હતો એની એક જીણકીક ડાયર તોય્ડી ને મોઢેથી ચાવીને એક પીછી બનાય્વી...”

રમેશ એક શ્વાસે બધું બોલતો જતો હતો, બધા મટકુ પણ ન માર્યા વગર એને સાંભળતાં હતા. જરાક અટકીને રમેશે મનસુખિયાનો રડમસ ચહેરો જોઇને પુછ્યું “ બાકીની કથા કવ કે તું હમજી ગ્યો..!? “

બધા જોર જોરથી હસ્યા, મનસુખે ધીરે રહીને કહ્યુ “હાં, હવે પલાયરી સે તો મુંડાવી જ જોહે ને!! “

રમેશે એની સ્ટોરી આગળ વધારતા કહ્યુ “ પસી મારી સાલ પારી માથે રાખી પાનની પિચકારી મારી આજુબાજુ જોયુ કે કોઇ દેખતું નથી ને! અને ચય્ડો બોર્ડ માથે..ચુનાથી આશા પારેખ નું નામ સેકી નાય્ખુ ને ન્યા ગળી ને બાવરની પીછીથી હેમામાલીની લખી નાય્ખું…ગિરીરાજ ધરણ કી જે “

મનસુખ સિવાયનાં બધા એકી અવાજે બોલી ઉઠ્યા “ જે!!! મનસુખિયાની જે”

મનસુખે અંતે એટલું જ કીધું કે “ દિકરા, પાસો તું મને કડો કરીને જીતી ગ્યો …હવે નો છેતરાવ તું ય જોજે…”

આમ વધુ એક શરત રમેશ જીતી ગયો !

** ક્રમશઃ