મચ્છર પુરાણ... Jasmin Bhimani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મચ્છર પુરાણ...

મચ્છર પુરાણ….

રાજકોટ અને મચ્છરોને અજીબનો નાતો છે! એવો કોઇ વિસ્તાર જોવા ન મળે જેમા મચ્છરો ન હોય. આમ પણ રાજકોટ રંગીલું શહેર હોય અહીના મચ્છરો પણ રંગીલા. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે રાજકોટના માણસો માણશીલા છે..એટલે જ તેમનું ખૂન ચૂસી-ચૂસીને મચ્છરો પણ માણશીલા થઈ ગયા, જેને કારણે હે વાચકો... એ ફલિત થાય છે કે મચ્છરો ને ત્યા પણ મહેમાનોનો ઘસારો વધુ રહેતો હશે, તેમની સંખ્યા આ પાવન શહેરમાં દિનપ્રતિદિન વધ્યે જ જાય છે. જેમ રાજકોટના માણસો પોતાના સંતાનોને અહી જ પરણાવી આ શહેરમાં જ ઠરીઠામ કરવાનું પસંદ કરે છે એમ મચ્છર સમુદાયોમાં પણ વેવિશાળ રાજકોટમાં જ કરી ગયધનાંવ અહી જ વસવાટ કરતા હોય તેમની સંખ્યા વધતી જ જાય છે, આવી આશંકા અસ્થાને તો નથી જ. મચ્છરોના આધારકાર્ડ નીકળતા ન હોય તેમની ચોક્કસ સંખ્યાનો આંકડો કાઢવો મુશ્કેલ છે.

બે શદિર ( બે શયનકક્ષ, દિવાનખંડ, રસોડું) વાળા શ્વશુરપક્ષના ન દૂર ન નજીકના અમેરિકા વસતા સગાએ મને મારા પત્નીશ્રી પર દયાભાવ રાખી અને ઘર સચવાય એવા બેવડા લાભના ધોરણે કાના માતર વગર (મફત) રહેવા આપ્યું. બે શયનકક્ષમાંથી એકમાં એમનાં સામાનનું અમે જતન કરીયે છીએ ...બીજા ખોબા જેવડા રૂમને અમે સુવા માટે ઇસ્તેમાલ કરીએ. દિવાનકક્ષ- હું અને મારો સુપુત્ર પરમ માંડમાંડ ટપ્પી કૅચ રમી શકીએ એટલો મોટો છે. બધું રાચરચીલું પહેલેથી જ મોજૂદ હોય અમારે કરિયાણું લઈને જ કૂદી પડવાનું હોવાથી મને જ્યા સુધી એ લોકો ખાલી કરવાનું ન કહે ત્યા સુધી આ ઘર મને સ્યુટેબલ લાગ્યું. રસોડામાં એક ગાદલું અને નાનકડું બાજુમાં ગોદડું પથરાઈ એવડું અર્થાત્ મહેમાન વધારે હોય ત્યારે એક મા અને નાનો છોકરો સમાઈ શકે એટલું મોટું છે. નાનક્ડુ શો કેસ,પારિયાણુ તથા એક પ્લેટફોર્મ આવેલું હોય અમે ચલાવી લઈએ છીએ.

દિવસ દરમ્યાન હું ખુલ્લા વિસ્તારોમાં કામાર્થે હોઉં મચ્છરોની કનડગતી ટેસ થી ખાળી શકું છું. રાત્રે તો આપણે ઘરે જવાનું હોય કે નહિ?? જેવા ઘરે પહોંચીએ એવા જ આ ટોપાઓ આપણું ભવ્ય સ્વાગત કરે! ગમે તેવા કપડાં પરિધાન કર્યા હોય...લૂગડા હહોરવા ચટકા ભરે. એવી મીઠી ચયર આવે કે...જવા દો ને એને શબ્દોમાં વર્ણવું અશક્ય છે. એક હાથે ખણતા-ખણતા જ રોજ્જે જમવાનું! જે દિવસે હું બે હાથે જમ્યો હોઉં તે દિવસે મને સવારની પ્રાત:ક્રિયામાં તકલીફો થાય.

રાત્રિની દિનચર્યા અમારા ઘરમાં એવી છેકે મારી પત્ની ભાવિશા ઉર્ફે ભાવુને સવારે પો ફાટતા કૂકડાને ઉઠાડવાના હોય એ દસ થાય ત્યાં ઘોંટાઈ જાય, પુત્રને સવારે વહેલું સ્કૂલે જવાનું હોય એને પણ વહેલો લુંડકાવી દેવામાં આવે! હવે બચ્યો હું પોતે...મને મોડે સુધી વાંચન તથા ટીવી અને સોશિયલ મીડિયામાં સળી-સંચો કરવાની ટેવ હોય, હું મોડે સુધી જાગતો પડ્યો હોઉં. શયનકક્ષમા મા-બેટા ને લાઇટોના કારણે ઊંઘમાં પડતા વિક્ષેપને લઈને મને દિવાનખંડમાં તડીપાર કરવામાં આવે. એ લોકોની બેત્રીતયાઉંસસસસ બહુમતી હોઈ મારે નમતું જોખી ગોદડાં ઓશિકા સાથે મોયલા રૂમમાં સૂવું પડે!

એક દિવસ હું સુતા-સુતા મચ્છરો સાથે તુમુલ યુદ્ધ ખેલતા વિચારી રહ્યો હતો. વિચારોની ફળશ્રુતિ પરથી હું એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે ...આ ટોપાવ મચ્છરો આળસુના પીર છે! જમીનની સપાટી પર તેવો વધારે દેદીપ્યમાન હોઈ...જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ એ લોકો ઓછા જોવા મળે..પલંગ પર સુતા હોઈ તેના કરતા જમીન પર આળોટતાં લોકો સાથે તેઓ વધારે તાદાત્મ્ય સાધે! એપાર્ટમેન્ટના ઉપરના માળે તેમની સંખ્યા ઘટતી જણાય. નીચેના માળે તેઓ વિપુલ પ્રમાણમાં હોઈ. તેઓ સંગીતના હિમેશ રેશમિયા જેવા જ શોખીન હશે એવું એના ગુંજારવ પરથી કયાસ કાઢી શકાય.

આમતો અમારા ઘરે મચ્છરો મારવા માટેનું બજારમાં પ્રાપ્ય સસ્તામાં-સસ્તું લિક્વિડ, અગરબત્તીઓ, રેકેટ, ટ્યૂબ-લોશનો તથા ધુવાળી કરવા માટે લીંબડાના પાન બધું હાથવગું રાખીયે. કિન્તુ દૃષ્ટ મચ્છરોમાં પણ સારા ડોકટરો અને વૈજ્ઞાનિકો પાક્યા હશે ... જેનાથી તેઓએ ઉપરોક્ત બધા જીવલેણ હથિયારો વિરુદ્ધ એવી રસી શોધી લીધી કે આ બધા હથિયારોની તેમના પર જોઇતી અસર જ થતી નથી.

અમારા ઘરમાં મચ્છર ભગાવો અભિયાનની દિનચર્યા અન્વયે રોજ સાંજના છ વાગ્યાથી એક છબલાંમાં લીંબડાના પાનની ધુવાળી કરવામાં આવે છે. ત્યારબાદ જેટલા અંગ-ઉપાંગ ખુલ્લા રહેતા હોઈ એ અવયવો પર ટ્યુબો-લોશનો ચોપડીયે, લિક્વિડ અગરબત્તીઓ માટે ઓડ-ઇવન ફૉર્મ્યુલા લાગુ પાડીએ ( એક દિવસ લિક્વિડથી એક દિવસ અગરબત્તીઓથી મચ્છર ભગાવવાનો વિનમ્ર પ્રયાસ કરીએ ) આમતો હું કસરતો કરતો નથી, પરંતુ રાત્રે રેકેટથી મચ્છરો મારવામાં એવી પારંગતતા આવી ગઈ છે કે જોકોવિચ,ફેડરર જેવાને ટેનિસમાં ગ્રીન કે ક્લે કોર્ટ પર સીધા સેટોમાં પરાસ્ત કરી શકું....પણ આવી રમતો અને આવા લલ્લુપંજુઓ ને હરાવવાનો મારી પાસે નકામો સમય નથી. આટલી ઉંમરે ટૂંકીટૂંકી ચડ્ડીઓ પહેરીને રમવાથી મને લજ્જા આવે! ખોટી વાત છે મારી?? ( ના પાડજો બકાવા.. ને બકીઓ હોતન)

કડકડતી શિયાળાની એક શનિવારની રાત્રે હું ફુલ્લી ગોદડું ઓઢી મચ્છરો પર આકસ્મિક પ્રહાર કરતો દિવાનકક્ષમાં વાંચતો હતો. પત્ની પુષ્ટિ માર્ગ સંપ્રદાયની ચોપડી અને પુત્ર એનું હોમવર્ક શયનકક્ષમાં કરી રહ્યા હતા. મચ્છરોનો ત્રાસ અમો સૌ કોઈ અનુભવી રહ્યા હતા.

“સાંભળો છો? આનું કઈ કરવું જોઇશે!” પત્ની મચ્છરો પર મુષ્ઠી પ્રહારો કરતી, યમુનાષ્ટક બોલતી-બોલતી, માળા ફેરવતી તાડૂકી.

“હાસ્તો...સાવ રમતમાં જ ધ્યાન છે એનું, ટયૂશનમાં મોકલી દઈએ. ડિશનો કેબલ કઢાવી નાંખીએ. રવિવાર સિવાય રમવા જવાનું પણ બંધ કરાવી દઈએ.” મેં આંખો વિન્ચી ને બેટ વિન્ઝીયું.

“અરે...પણ તમે પાછા વારી જાવ. હું આ મચ્છરોનું કહું છું.”

મેં બાફ્યું તું! બરાબર બાફ્યું તું. હું ગોદડું તન પર ઓઢી શયનકક્ષમાં દાખલ થયો. મારો પુત્ર ચોપડીમાં ડાચું નાખી હસતો હતો. તે હજી આઠ વર્ષનો હોવા છતાં હોશિયારીમાં ડબલ ગ્રૅજ્યુએટ થઈ ચૂક્યો છે. એ નારદજીનો આશરે યહી કોઈ નૈવાશી મો અવતાર હશે.

“આપણે એક કામ કરીએ, મચ્છરદાની લઈ લઈએ” મેં પ્રસ્તાવ મૂક્યો.

“હા ઈ પણ થાય..પણ સવારે દશ વાગ્યા સુધી ઘોર્યે રાખો તો મચ્છરદાની ક્યારે સંકેલવી?” પત્નીએ ક્વેરી કાઢી.

“થોડું ઘણું તો ચલાવવું પડે. મચ્છરોમાંથી કાયમીનો હલ મળી જશે. મચ્છરદાની ઉપર તું સૂતી હો એ બાજુ નાની ચાદર રાખી દેવાથી તને લાઈટ પણ નહિ નડે. પંખો ફૂલ હોઈ તો પણ પ્રૉબ્લેમ ન થાય. રાત્રે બે પંખા ચલાવવા ન પડે એટલે પાવરમાં પણ બચત થાય.” મેં મચ્છર પરનું મારૂ જ્ઞાન ઠાલવ્યું.

પ્રસ્તાવ બંને સદનમાં પારિત થઈ ચૂક્યો હતો. પત્ની અને પુત્રે સંમતિ દર્શાવી.

“વારુ, કાલે જ તપાસ કરો.” મોટી યોજનાનો ઓપ આપતી હોય અને કોઈ ખાસ દસ્તાવેજો પર દસ્તખત કરીને ફાઈલ પોતાના સેક્રેટરીને આપતી હોય એમ પત્નીએ હુકમ કર્યો.

પત્નીએ માળાઓની પુર્ણાહુતી કરી ગોદડું તાણ્યું. બીજે દિવસે રવિવાર હોઈ પુત્રે પાટી-દફતર પેક કરી શયનકક્ષની લાઈટો ઓલવી ટીવી જોવા આવ્યો. હું મોબાઈલ મન્ચડતો, વાંચતો, મચ્છરો મારતો મોડે સુધી જાગતો રહ્યો.

રવિવારની તે સવારના દશેક વાગ્યા હશે. ઘરમાં ચોમેરે ગુંજતી શ્રીનાથજીની ઝાંખી મને હાલેરડાની ગરજ સારી રહી હતી. પુત્ર જસ્ટ ઊઠીને સોફા પર બગાસાં ખાતો પડ્યો હતો. તે મને ગોદડું ખેંચી ઉઠાડવાનો વ્યર્થ યત્ન કરી રહ્યો હતો. પત્ની મારી બાજુમાં બેઠી-બેઠી ડીટીયામાંથી ભીંડા નોખા કરી રહી હતી. રજા હોય મને કોઈ ઉઠાડવાની હિંમત કરી શકે એમ નહોતું. અમારા ચાર ઇંચ ખુલ્લા મેઈનડોર પર કોઈ આંગતુકે નોક કર્યું. એપાર્ટ્મેન્ટનાં અધીરા, અકોણા પાડોશીઓના રોજ દરવાજો ખોલાવવા ના આહ્વાન માટે થતા મૃષ્ઠી પ્રહારોથી દરવાજાના મિજાગરાં મૃતપાય સ્થિતિમાં હોઈ, અમે અમારો મુખ્ય દરવાજો ક્યારેય બંધ નથી કરતા. આમ પણ મારા ઘરમાંથી ચોરોને હાંબેલુંય ન મળે.

દરવાજા પર ધીમે ધીમે નોક કરવાનું ચાલુ રહ્યું. ગોદડામાથી હાઉકલી કરતા મેં પત્ની સામે વિહ્વળ દ્ગષ્ટિ ફેંકી. અમારા દરવાજા ખખડાવવાનો અબાધિત અધિકાર દૂધવાળા, સમાચાર-પત્રનાં બીલવાળા, ડિશની ચેનલની ઉઘરાણી કરવાવાળા સિવાય કોઈ પાસે નહોતો. દરવાજા પર પડતા નોકના તાલનો કયાસ કાઢતા હું પામી ગયો કે કોઈ શિક્ષિત મનુષ્ય મારા પ્રવેશદ્વારે ઊભીને મારા ગરીબખાનામાં પ્રવેશ કરવા રજામંદી માંગે છે! એક ફિલમમાં શાહરૂખીયાની મમ્મીને શાહરૂખ આવવાનો છે એવી ખબર પડી જાય એમ કોઈ સારો-શિક્ષિત માણસ મારા ઘર આંગણે આવ્યો એવો મને અંદેશો આવી ગયો.

“યસ કમ ઇન... “ અષ્ટાવક્ર સ્થિતિમાં ગાદલા પર જ બેઠા-બેઠા મેં લહેકો કર્યો.

મારી પરમિશનની રાહ જ જોતી હોય એમ મધુર પ્રલંબિત શ્વરે “હાય” કહેતી સામેના એપાર્ટમેન્ટ્મા રહેતી શીતલ ઉર્ફે શીતલી આખી અંદર દાખલ થઈ. આવતા જ પત્નીએ એનું અભિવાદન કર્યું. મારી ભૃકુટી ઊંચી થઈ. હું હતરંગ બેઠો થઈ ગયો. નક્કી આજ દિવસ સારો જવાનો છે એમ માની હું મનોમન હરખાઈ કરસંપુટ સહ્સ્મિત શીતલીને પ્રણામ કરી “જયશ્રી ક્રિશ્ના” કહ્યા.

ગયા જન્મમાં શીતલી અને મારી પત્ની સગ્ગી માશિયાઈ બહેનો હશે એવું હું દ્રઢપણે માનું છું. આખો દીવાનખંડ એ બંનેનાં હાસ્ય અને કોલાહલથી ગુંજી ઊઠ્યો. બંને સોફા પર બેઠી, મારી આવી સ્થિતિને લઈ હું થોડો ક્ષોભિલો પડ્યો. શયનકક્ષમાં જઈ મેં મારા કપડા અને વાળ ઠીક કર્યા. પગરખા રાખવાના સ્ટેન્ડ પાસે જઈ મેં આજનું ન્યૂઝપેપર ઊંચકી લાવી એક સોફા પર ટેકાવ્યું. પોપટિયા રંગની લેગીઝ, શનિવારી(ગુજરીબજાર)માંથી લાવેલ જિન્સનાં બ્લુ જૅકેટ તથા ખુલ્લાવાળમાં શીતલી આકર્ષક દેખાતી હતી.

પત્ની અને શીતલી વાતોએ વળગ્યા. હું પણ મારી બંને આખાને ન્યૂઝપેપર અને શીતલી તરફ જોગીંગ કરાવતો સોફા પર પલાઠીવાળી બેઠો. એના હાથમાં એક ડ્રેસ લટકાવેલો જોઈ મને પામતા વાર ના લાગી કે કંઈક સિલાઈ કરાવવા ઘરવાળી પાસે આવી છે. પત્નીએ રસોડાના શો-કેસમાંથી નવો નકોર કાચનો ગ્લાસ કાઢી શીતલીને પાણી પાયું.

“ચા પીસ ને ?” ખાલી ગ્લાસ લેતા પત્નીએ આગ્રહસભર પૂછ્યું.

“હા” મેં છાપામાં જ સંતાઈને જવાબ આપ્યો.

“નાં હું ની પીતી દીદી” શીતલીએ નનૈયો ભણ્યો.

“શીતલ, ચા ન ચાલે તો કૉફી બનાવે” મેં સ્નેહભરી નજરે શીતલી સામે જોઈ મમરો મૂક્યો.

“નાં, એવી તકલીફની કશી જરૂર નથી, ચા ભી ચાલશે...બટ હાફ કપ ઓન્લી વિથ કમસક્કર હો દીદી” આવું ચાબું ચાબું બોલાતી એ પણ રસોડા તરફ ગઈ.

“ચાયગ્લીની ...બાપાના ઘરે કાળી ચા જ ઠપકારતી’તી ..ને આયા માલદાર અંકીતીયાને પય્ણી એટલે ...હાફ કપ ઓન્લી...હુહ” હું દબાતા શ્વરે બોલ્યો.

મારો હોશિયાર ચિરંજીવી મારા આ વાક્યને સાંભળીને ખડખડાટ હસ્યો. એને “ચાયગ્લીની” પાછું દોહરાવ્યું. આજકાલના અંગ્રેજી માધ્યમમાં ભણતા છોકરાઓ માટે આ નવો શબ્દ! શીતલી પાછળ ફરી, મારા સુપુત્ર સામે પ્રશ્નાથચિન્હ ફરકાવતી રસોડામાં અલોપ થઈ. મેં મારા પુત્રને ગુપ્ત ચીટીયો ભર્યો અને મૌન રહેવાની મૌખિક સૂચના આપી.

શીતલીના હાથની મૂઠીમાં પચાસ રૂપિયાની નોટની પપૂડી જોય પત્નીને પોરસ પંડમાં આવ્યો, રોકડી કરવાની લ્હાયમાં એ શયનકક્ષમાં રાખેલ શીવણ મશીન તરફ એનો ડ્રેસ ખૂલતો કરવા ઊપડી.

હવે દિવાનખંડમાં હું ને શીતલી એકલા હતા. મેં તીરછી આંખે એની તરફ નજર ફેંકી, એ મોબાઇલ મંચડતી હતી. હું છાપું વાંચવાનો ડોળ કરતો સોફા પર બન્ને ટાંટિયા ચડાવીને બેઠો હતો. મારો છોકરો છાપાની પૂર્તિમાં સ્ત્રીના ફોટાને મુછો અને દાઢી બનાવવામાં વ્યસ્ત હતો.

પત્નીએ શીવણનો સંચો ધગાવ્યો, સંચાના પેડલથી હું જેની આતુરતા પૂર્વક રાહ જોતો હતો એવો ઘરમાં થોડો શોર મચી ગયો. હવે મેં ચલાવ્યું " આજ ગુલાબી ઠંડી છે! નય? " મેં શીતલી તરફ એક સવાલ ગગડાવ્યો.

"હા, કાશ્મીરમાં બરફ પડયો, દિલ્હી ઠંડુંગાર થયું એટલે હમણા આપણે ય થોડી ઠંડી પડશે!" શીતલીએ વોટસઅપ પર કોકને બબાય કહી કમને કોઈ પ્રખર વાતાવરણશાસ્ત્રીની જેમ મને ઊતર આપ્યો.

"હા, હો ...જો ને હું બે ગોદડા ઓઢીને આજ સૂતો હતો"

"હમમમમ"

"અંકિત કેમ હમણા દેખાતો નથી? બહાર ગ્યો છે?"

"ચાઇનાથી સમ કલાયન્ટસ આર કમીંગ સો હી ઇઝ બિઝી ટુ હેન્ડલ ધેમ, આજ કલાયન્ટસને ઓલ ડે રાજકોટની ફેમસ ચીજો બતાવશે"

"તને ય બતાવશે!? "

" વોટટટ!!! "

એને ટયૂબલાઇટ થઈ, એ હસી..મસ્ત હસી. હું ય મારા જમણા હાથની કોણી ખંજવાળતો હસ્યો. મારો સુપુત્ર ય હસ્યો! એ કેટરીનાની આલંકીત મુછો બનાવી, એ જોઇ હસ્યો કે મારા લટ્ટુ થવાથી એ ખબર ન પડી. હજી પત્ની સંચાને પેંડલ મારતી હતી એ શયનકક્ષ તરફથી આવતા અવાજ પરથી મેં ધારી લીધું.

" તમારા ઘરમાં ખાસ્સા મચ્છરો છે! " એના ગાલ પર દ્રુષ્ટકૃત્ય કરતા એક મચ્છરને સ્વર્ગારોહણ કરાવતી એ બબડી.

" હાં.." મેં એક નમણો નિસાસો ખાધો. નેણ નચાવતા હું આગળ વધ્યો " સારા માણસો અમારા ઘરમાં કોક દિવસ જ દેખા દે- "

" તમે એક કામ કરો "

"હુકમ"

" સાંજ પડતા ઘરના બધા દરવાજા બંધ કરી દો, મચ્છર અગરબતી , મેટ યુઝ કરો , ઘર ક્લીન રાખો. ઇટસ સિમ્પલ" એણે સલાહનો મારો ચલાવ્યો.

"હેં?" હું એને જોવામાં એ શું બોલી એ જ વીસરી ગયો.

"ટ્રાય કરો..યુ વીલ સકસેસ"

" એ જ કરૂ છું "

"વોટટટ?"

"સ્યોર આય વોજ ટ્રાય વોટ એવર યુ ડુ એડવાઇઝ" મારામાં ય કોઈ ઇંગ્લિશ મહાજ્ઞાનીનો આત્મા ઘૂસ્યો હોય એમ ઇંગ્લિશમાં દોડાવ્યું.

એણે સ્મિત ફરકાવ્યું, શયનકક્ષમાં શીવણ મશીનનો અવાજ સમી ગયો હતો. પત્ની શીતલીનો લાલચટક કુર્તો લઈ દિવાનખંડમાં આવી ચડી. અમારા અર્થસભર વાર્તાલાપમાં વિક્ષેપ પાડયો. શીતલી સહસા સોફા પરથી ઊતરી. કુર્તો પત્ની પાસેથી લઈ એ આર્ટીફીસીયલ પહેરવા લાગી!

"પહેરીને જોય લે? " મારામાં જાગૃત થયેલ શકિતકપૂરે પોકાર્યું.

"ના, દીદીના કામમાં કચાશ ન જ હોય " એ ટેક ઑફ થવાની તૈયારી કરતા બોલી. અમે સપરિવાર એને વિદાય આપવા મુખ્ય દરવાજા સુધી પ્રયાણ કર્યું.

" અરે હાં...મારા હોમ પર એક જુની મચ્છરદાની છે, બેડરૂમની વોલનું મેચીંગ બગાડતી સાવ ફાજલ પડી છે.ઇફ યુ વાના યુઝ, યુ કેન, પરમ સાથે મંગાવી લેજો. ડોન્ટ માઇન્ડ હો " એનામાં દાનેશ્વરી કર્ણનું પોત પ્રકાશ્યું.

" શ્યોર, મફતમાં તો હું અલ્તાફ રાજાની સીડી પણ સાંભળું, પરમને હમણા જ મોકલું " મેં કહ્યું.પાછી એ હસી. "માય પ્લેઝર" બોલતી એ દાદરા ઠેકતી અલોપ થઈ ગઈ.

રાત્રે અમે સપરિવાર જમી પરવારી પોતપોતાના કામમાં મશગૂલ હતા. થોડીવાર પછી મારો સુપુત્ર પરમ શહેનશાહ ફિલ્મના અમિતાભ બચ્ચનની અદામાં શીતલી પાસેથી મચ્છરદાની લઈ ખભે ઝુલાવતો દાખલ થયો. મેં એને બિરદાવ્યો. મફતની મચ્છરદાની જોઈ હું ખુશ થયો. શુભસ્ય શીઘ્રમ ક્વોટને અનુમોદન આપતા હું મચ્છરદાની લગાવવાના અભિયાન પર ચાલુ પડીએ ગયો.

પત્નીને મેં ખીલ્લીઓ તથા હથોડી હાજર કરવાનો ઑર્ડર કર્યો. બાજીરાવને જેમ કાશી યુદ્ધમોરચે જવા હથિયારો અર્પે એમ મારી પત્નીએ મને મારા હથિયારો આપ્યા. કાશીને તેના શોહરની ફતેહ માટે જેટલો ભરોસો હતો એટલો જ ભરોસો મારી પત્નીને મારી સીક્સ્ત પર હતો. અત્યારના જમાનામાં વિજય તિલક કરી રણમેદાનમાં મોકલવાનો સત્યો નથી એટલે પત્નીએ મને હથોડી અને ખીલ્લીઓનું ડબલું આપી વિદાય કર્યો. પોતે ટીવી પર કોઈ ધારાવાહિક જોવા બેસી ગઈ.

હું અને મારો પુત્ર મચ્છરદાની લઈ શયનકક્ષમાં પહોચ્યા. મચ્છરદાની લગાડવી એ પણ એક આવડત છે. તેમાં ચારેય ખૂણે એક-એક નાકું હોય, આ નાકામાં દોરી બાંધી મચ્છરદાની ચાર-પાંચ ફૂટ ઊંચી લટકાઈ જાય એટલી દોરીનો બીજો છેડો ઊંચે બંધાવો પડે. દોરી બાંધી મચ્છરદાનીને લટકાવી તેના નીચેના ભાગને પલંગ પર રહેલ ગાદલામાં ભરાવીને એક પીંજરૂ તૈયાર કરવાનું હોય. આ પીંજરૂ મચ્છર પ્રૂફ હોવું જોઈએ. જો એક પણ બાજુ ખુલ્લું રહી જાય તો ગાઠનું ગોપીચંદન ગયા જેવા હાલ થાય!

મેં અમારા કબાટના નીચેના ખાનામાંથી જાડી દોરીનો દળીયો કાઢ્યો. ચારેય નાકાને કઈ-કઈ જગ્યાએ લગાવવાના એનું સ્થાન નક્કી કરી લીધું. બે દોરી વિરુદ્ધ દિશામાં આવેલી બારીઓની ગ્રિલ પર લગાવીશ. ત્રીજી દોરી એક ખૂણામાં પડ્યા પાથર્યા રહેતા ભગવાનના લાકડાના ગોખલાની ઊભી થાંભલી પર લગાવીશ. ચોથી દોરી માટે મારે એક દીવાલને ઊંચે ખીલ્લી મારવી પડશે. એમાં થોડોક શ્રમ થવાનો. મેં બધું નક્કી કરી જે દીવાલમાં ખીલ્લી મારવાની થતી હતી એના પર સૌ પ્રથમ ધ્યાન કેન્દ્રિત કર્યું. બાકીનો રસ્તો આસાન હતો. ચારેય નાકામાં જરૂરી માપ મુજબની દોરીઓ બાંધી બધી તૈયારી આટોપી.

એક હાથમાં ખીલ્લી, એક હાથમાં હથોડી સાથે ખુરશી પર ચડ્યો. દીવાલમાં ખીલ્લી રાખી હથોડીનો ઘા કરવા જતો હતો ત્યાં જ પુત્રે મને ટોક્યો.

“ડેડી, પહેલા દીવાલ પર બે-ચાર જોરથી હથોડીના ઘા મારી દીવાલને લૂઝ કરી દેવાય ..જેથી ખીલ્લી પેસવામાં આસાની રહે.

“તને કેમ આવી બધી ખબર?” મેં પૂછ્યું.

“સ્કૂલમાં એક દિવસ હોમવર્ક ન કરવાને કારણે મને ક્લાસની બહાર ઊભો રાખ્યો હતો. ત્યાં બહાર પેસેજમાં મહાન માણસોના ફોટા દીવાલમાં ટીંગાળવા કામ કરતા મજૂરોને મેં આવું કરતા જોયા...એટલે હું કહું છું.” પુત્રે બિન્દાસ ઊતર આપ્યો. મેં એની સામે ડોળા કાઢ્યાં. દાંત કચકચાવીને હથોડીનો જોરદાર પ્રહાર દીવાલ પર કર્યો. ખખડધજ દીવાલ પરથી પ્લાસ્ટરનું એક મસ્ત મોટું પોપડું નીચે પડ્યું. એ પ્લાસ્ટરનું પોપડું નીચે ઇલેક્ટ્રિક બોર્ડનાં પ્લગના ચાર્જર પર આરામ ફરમાવી રહેલ પત્નીનાં મોબાઈલ સાથે ટક્કરાયું. ચાર્જરનો કેબલ ટૂંકો હોય પત્ની પોતાનો મોબાઈલ ચાર્જર પર સુવડાવતી. મોબાઈલની ઊંઘમાં વિક્ષેપ પડયો! તે જરીક પડખું ફર્યો અને નીચે ગતિમાન થયો. ધડામ કરતો નાનકડો અવાજ થયો. મોબાઈલ બેટરી હોતો છૂટો પડ્યો. પત્ની એ બૂમ પાડી: “શું થયું?”

“ગ્રેવિટી ડાર્લિંગ....બીજું કશું નથી થયું” મેં પ્રેમસભર ઊતર આણ્યો.

પત્નીનો મોબાઈલ પણ આઠમો અજુબો છે. કાળોતરા વર્ષનાં એ મોબાઈલમાં ફોન લાગે તો સમોવડીયાનો અવાજ બરાબર સંભળાતો નથી. મોબાઈલ ઉન્ધો કરીને જ વાતો થાય, કારણ કે મોબાઈલનું સ્પીકર પાછળની બાજુ આપેલું છે. ક્યારેક મારા આઈફોનમાં એ વાત કરતી હોય તો પણ મોબાઈલ ઉન્ધો કાને રાખીને વાત કરે! મને ત્યારે એની વાકચતુરાઈ પર માન થઈ આવે. કંપનીવાળા સદરહુ મોડેલ ક્યારનું બંધ કરી ચૂક્યા છે..પણ અમારી ઈવડી ઈ હજી આ મોબાઈલ ધોકાવે છે!

મહા-મહેનતે દીવાલ ખીલ્લીમાં પેસી! મારૂ મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું. હવે ચાર દોરીઓને ચારો દિશામાં બાંધવાની જ બાકી હતી. મેં બે દોરી સામસામેની બારીની ગ્રિલો સાથે બાંધી. એક દોરી ભગવાનના ગોખાલાની થાંભલી સાથે વળગાડી. અંતિમ ગોખાલાની વિરુદ્ધ બાજી આવેલ દોરી કે જે દીવાલમાં મેં ખીલ્લી લગાડી તેની સાથે બાંધવા હું ખુરશી પર ચડ્યો. દોરી થોડી ટાઈટ થવાથી ભગવાનના ગોખલાની થાંભલી સાથે બાંધેલી દોરી જરા ખેંચાણી. ગોખલામાં ભૂકંપ થયો હોય એમ હલ્યો! બે-ચાર ભગવાન આડા પડ્યા!( તેઓ વચ્ચે મારામારી થઈ હોય તો ખબર નહિ) મેં દોરી સીફતાઈથી ઢીલી કરી, બાંધી ને રાહતનો શ્વાસ ખેંચ્યો. મારૂ મિશન કમ્પ્લીટ થઈ ચૂક્યું હતું. હું ખુરશી પરથી નીચે ઉતર્યો.

મારી સન્મુખ મારો વહાલસોયો પુત્ર હસતો હતો.

“કેમ એલા તું દાંત કાઢશ?” મેં તેને તબડાવ્યો. એણે ઉંગલીનિર્દેશ કરી મને મચ્છરદાની બતાવી.

“ડેડી, આ સિંગલ બેડની છે!”

મારૂ હવે ધ્યાન પડ્યું. ‘દેહ પાત્યામિ વા કાર્ય સાધ્યામિ’ અનુસરવામાં હું મચ્છરદાની જોવાની જ વીસરી ગયો હતો. મારા કપાળ પર ભર શિયાળે પ્રસ્વેદબિંદુ ચમક્યા. હું ક્ષોભિલો પડ્યો. મારૂ થોબડું ચોખ્ખું એરંડિયું પી ગયો હોઈ એવું થઈ ગયું. મીન વાઇલ પત્ની પણ આવી ટપકી. એ પણ મારી આબરૂનાં પાપડને ઈજ્જતનો આંટો થતા જોઈ રહી. તે પુત્ર સામે જોઈ વ્યંગમાં હસી.

“ડેડ, ફરી તમારો પેરોટ થયો!” પુત્રે મમ્મી સામે જોઇને મને ચોપડાવ્યું.

.....મેં મચ્છરો મારતાં દીવાનકક્ષ તરફ પ્રયાણ કર્યું.