લગ્ન અને જમણવાર Jasmin Bhimani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લગ્ન અને જમણવાર

લગ્ન અને જમણવાર…

લગ્નમાં થતા જમણવારના મુખ્યત્વે બે પ્રકાર છે પંગત અને બુફે. પગંત એટલે જમીન પર લાઇનસર બેસીને જમવું. લાઈનમાં નીચે બેસાડીને જમાડવા માટે પિરસવાવાળાને ખુબ શ્રમ પડતો. થાકીને ટેં થઈ જતા,તેમની કમર ની કઢી થઈ જતી!! આજ કાલના યુવાનો એટલા શારિરીક રીતે સક્ષમ નથી કે ૫૦૦-૧૦૦૦ માણસોને લાઇનમાં બેસાડીને જમાડી શકે અને હવે યુવાનો આવા કામમાં નાનપ અનુભવતા હોય આજ ની મોર્ડન લાઇફમાં પગંત કાળ ધર્મ પામ્યો. …પણ આ રીતે જમવાની પણ એક મજા હતી. આજથી એક દાયકા પહેલા વાડી, સમાજ કે પાર્ટી પ્લોટોનું ચલણ નહોતું ત્યારે ગામડા કે શહેરોની ગલીઓમાં જ આવેલ જાન અને મહેમાનો ને લાઇનમાં બેસાડીની જમાડતા. ગલી અને શેરીઓમાં ધુળ, રજકણો અને તડકા સામે રક્ષણ મેળવવાના હેતુંસર ગલી અને શેરીઓની ભીંતો પર દોરડા વડે પ્લાસ્ટીક બાંધી છત જેવું બનાવતા. ક્યારેક ભોજન દરમ્યાન ગાયો અને કુતરાઓ આવી ચડી આપણી થાળીમાં મિજબાની માણતા. ગાયો જમતા હોય ત્યારે આવી ચડી શાક દાળના વાટકાથી ફુટબોલો પણ રમતી એવી પણ લોકવાયકાઓ છે. પંગતમાં જમણવાર વખતે અનાજનો બગાડ ઓછો થતો અને જમ્યા બાદ થાળીમાં વધેલ ખોરાકનો પણ વ્યય ન થાય એ હેતુંથી જમી લીધા પછી વધેલ ખાધ્ય વસ્તુ લેવા માટે થાળીઓ ફેરવીને એકત્રીત કરી સારા કાર્યમાં વાપરતા.

હવે પંગત માં રંગત ન લાગતા આધુનિક યુગમાં કોઇ એ ડાર્વિનનાં સિધ્ધાંતમાંથી પ્રેરણા લઈ આ પંગતને બુફેમાં પલટાવ્યુ…પણ પૈસા ઉઘરાવવાના ટેબલ ( ચાંદલો ) માં ડાર્વિન્નો સિધ્ધાંત કામમાં ન આવ્યો. પહેલાનાં જમાનામાં સ્ટીલની થાળીઓમાં જમાડતા જ્યારે બુફેમાં કદાચ વજન વધુ પડતો લાગવાને કારણે પ્લાસ્ટીકની થાળીનો ઉપયોગ થવા મંડ્યો. બુફેમાં જમવામાં પાછા જવાની આળસે ઠાંસીઠાંસીને થાળીઓ ભરી લેવાને લીધે ઘણું અનાજ બગડે એ આપ સૌ કોઇ જાણો જ છો.

બુફ ડિનરોની પણ મજા છે! આવા ડિનરોની શરૂઆત સ્ટાટરથી થાય. જેમા અવનવા શુપો રાખેલા હોય…શુપ પીવાથી વધારે ભુખ લાગે એવું વિજ્ઞાનિક કારણ હશે…પણ જમવાનાં અડધો-એક કલાક પહેલા પીવાથી. માણસોમાં એટલી અધિરાઈ હોય છે કે શુપ લીધા પછી પોતાની જાતને રોકી શકતા નથી અને સીધા જ ડિશો લઈ એક-બે વિઘામાં વિસ્તરેલ અવનવા કાઉન્ટર ટેબલો તરફ દોટ મુકે!! સ્ટાટરમાં શુપની. મારો એક વાસી અનુભવ કહું તો હું એક વખત આવા જ કોઇ કાયદેસર આમંત્રણ મળેલ જમણવાર માં જમવા ગયો ત્યારે મેં પણ શુપ લીધું, શુપનું નામ વાંચતા “હોટ એન્ડ સુવર’ જેવું કઈક હતું. દેખાવે લીલું અને સ્વાદમાં પાણીપુરીનાં પાણી જેવું! એની બાજુનાં જ કાઉન્ટર પર પીળા રંગનાં રોટલા પર લાલ સોસ નાંખેલ (પિત્ઝા) કઈક હતું. મેં એ પણ ઉપાડ્યો. મને નાં શુપમાં કઈ સ્વાદ આવ્યો કે નાં ઇવડા ઇ પિત્ઝામાં!! ઘણા લોકો નું ધ્યાન મારા તરફ ન હોત તો હું પિત્ઝાનાં રોટલાને ચોળીને શુપ નાંખી સંજીવકપુર નાં ખાનદાનમાં કોઇ એ નાં બનાવી હોય એવી ડીશ તૈયાર કરીને ગરસી જાત. પણ મારૂ પેલ્લેથી જ શરમાળ ખાતું એટલે પિત્ઝા અને પાણીને યથા જગ્યાએ રોકી વારાફરતી કમને અન્યાય કર્યો!

આ શુપો અને સ્ટાર્ટર પુરા થયા બાદ મુખ્ય દાગીનો અર્થાત ફુલ ડીશ લેવાનો સમય પાકી જાય. ડીશની લાઇન ગામડે ઘાસલેટ લેવાની લાઇનો કરતા ૩-૪ ગણી લાંબી હોય શકે એવું મારૂ નમ્રપણે માનવું છે. ડીશની સાથે એક પેપર નેપકીન તથા જમવામાં શું છે એની યાદી બનાવેલ કાર્ડ (મેનું, જાજુ ભણેલ લોકો એને મેન્યુ એવા લાડકવાયા શબ્દથી બોલાવે ) આપવામાં આવે છે. ચોથા ધોરણની પાક્કી પરિક્ષામાં મને સવાલ પુંછાયો હોત કે આવા મેનું કાર્ડ આપવાનાં લાભાલાભ જણાવો ? તો ગમે તેટલા મારક નો સવાલ હોય હું નીચઉક્ત જવાબ આપીને મારૂ ધ્યાન બીજા પ્રશ્ન પર ઠેરવું . જવાબ- જમણવારમાં મેનું કાર્ડ આપવાના મુખ્ય બે કારણ છે. ૧. આપણે ભોજન ગ્રહણ કર્યા પછી કોઇ પણ જાતની બિમારીમાં પટકાઇ તો ડોકટરને એ મેનું કાર્ડ ધરી દેવાથી શું ખાધું તું એવા ફાલતું પ્રશ્નમાં સમયનો વ્યય ન કરતા તે ત્વરિત ઇલાજ કરે! ૨. ભોજન ગ્રહણ કર્યા પછી દાંત સાફ કરવા માટે ટુથપીક ની અવેજીમાં ઉપરોકત કાર્ડનો ઉપયોગ કરી શકીએ. જવાબ પુરો. કોઇપણ જમણવારમાં હંમેશા અનુભવી લોકોની પાછળ લાઇનમાં ઉભા રહેવાય જેથી કરીને કોઇ પણ ટાઇપનો લોચો ( સુરતનો નહિ હો ) ન થાય. ઘણા મારા ગામડેથી શહેરમાં આવા પ્રસંગ અન્વયે આવતા ભોટ મિત્રો એટલા બધા અબુધ હોય છે કે આગળ લાઇનમાં ઉભેલ જો ઉંધી ડિશમાં ભજીયા અને ચટણી લે તો આ લોકો પણ એનું અનુકરણ કરે!

ડિશો લીધા પછી સૌ પ્રથમ મસાલા શિંગ, કાબુલી ચણા, ઘોડા ખાય એ ચણા, મગ, મઠ, સલાડ, કોબી અને મુળા જેવા વ્યંજનો પાસેથી તમારે પસાર થવું પડે. ઘણા ચરસીઓ આઇ મીન દારૂના બંધાણી લોકો કુતુહલવશ કાઉન્ટર પર ઉભેલા ભાઈ ઓ કે બહેનો ને પુંછે પણ ખરા “ આની સાથે લેવાનું ટેબલ કઈ દિશામાં છે!? “ આટલા બધા આચું કુચો લીધા પછી ૫૭% પ્લેટ ભરાઇ જાય! ત્યારબાદ નજીકમાં જ રોટલા, રોટલી, પરોઠા તેમજ ગુજરાતી શાકોનું ટેબલ હોય છે. જે બધુ લઈ લેવાથી મારા અંદાજે આખી પ્લેટો ભરાઈ જાય! મિષ્ટાન્ન, ભજીયા, ઢોકળા, પિત્ઝા અને અન્ય જંકફુડો, પંજાબી, ચાઇનીઝ, ઇટાલીયન, રશિયન, થાઈ કે પાકિસ્તાની ( યજમાનને જે પરવળે તે ) આઇટમો તો હજી બાકી હોય! આ બધી બાકી રહેલ કિંમતી ખાધ્યસામગ્રી ગ્રહણ કરવાથી જ ચાંદલો વસુલ થવાનો હોય પછતાવાની લાગણીસહ એક ઉદગાર છુંટી જાય કે “ કાશ…કોઇ અડધા ભાવે મારી આ ફિઝુલ વ્યજનો ભરેલ થાળી લઈ લે તો હું બજાર ભાવ કરતા અડધા ભાવે આપવા તૈયાર છું” …..પણ ત્યા આપણું વિશાલ ચોગાનમાં કૃષ્ણ એ અર્જુન ને આપેલ ગીતાસાર ને યથાર્થ ઠેરવે એમ કોઇ સગ્ગું નથી હોતું! ઇન્ફેકટ કોઇ કોઇ નું નથી રે લોલ …ભજન જેવું ;)

ઘણા બધા જમણવારમાં જમ્યા પછી હું એ નિષ્કર્સ પર પહોચ્યોં છું કે જમવાના એક કલાક પહેલા જ સમગ્ર સ્થળની આંતકવાદીઓ જ્યાં ત્રાટકવાનાં હોય તે સ્થળની બારીકાઇથી રેકી કરે એ રીતે રજેરજની માહિતી એકઠી કરી લેવી હિતાવહ છે. જેથી આપણે શું ખાવું, શું ન ખાવું એ વિષે મગજમાં પિક્ચર ક્લિયર થઈ જાય અને જે ભાવતી આઇટમો હોય તે દિશામાં જ ચડાઇ કરી શકાય. “ પેટને પુંછીને જમો જીભને નહિ “ આવું સુવાક્ય બોર્ડિંગના પાંચ વર્ષના અભ્યાસ દરમિયાન સવાર-બપોર-સાંજ જમવાની બેઠક ની સામેની દિવાલે વાંચીને ગોખાય ગયું હોવા છતા સદર હુ સુવિચાર આવી ખુશીની ઘડિમાં મને નિત્ય વિસરી જવાય છે.

બુફે જમણવાર ટેબલોનાં સુશોભન જ એટલા મસ્તીના અને ખર્ચાળ હોય કે એટલા કાવડિયામાં પહેલાનાં જમાનામાં કરિયાવર, લગ્ન, જમણવાર, હનિમુન અને પહેલું આણું થઈ જાય!! અવનવી ડેકોરેટ આકર્ષક લાઇટીંગ, ટેબલોની સજાવટ, આપણા ખાનદાનમાં કોઇએ ન જોયા હોય એવા જમવાના વ્યજનોને રાખવાનાં વાસણો, વાનગી સર્વ કરવા વાળાનાં મસ્ત પોષાકો આ બધું હવે આજના યુગની જરૂરિયાતો થઈ ગઈ છે!! જમવાની એક ડિશનો ભાવ ૨૦૦-૧૦૦૦ રૂપિયા પર ડીશ સુધીનો હોય, જો એક ડિશ નાના છોકરાની વધુ લેવાઇ ગઈ તો પણ મનોરથી ને ..આઇ મીન યજમાનને મુશ્કેલી. બુફે ડિનરોમાં દરેક પ્રકારની વાનગી ત્યા ટેબલ પર આપણી સામે જ લાઇવ બનાવવાથી ચોખ્ખાઇનો ખ્યાલ આવી શકે. હવે તો ૧-૨ વિઘાના ચોગાનોમાં બધી ભોજન વાનગીઓ આપણા સગ્ગા પગે ચાલી ને લઈ લઈ થાકી ન જાય એ માટે આપણી પાસે જ સર્વ કરવા ટુંકાટુંકા વસ્ત્રો પરિધાન કરેલી યુવતીઓ આવતી હોવાનું ખુલ્યું છે. ( સહપરિવાર વાંચવા જેવો લેખ(!) હોય ઉપરોક્ત યુવતીઓનું વર્ણન અહિ કરવામાં નહિ આવે )

ઘણી જગ્યાએ હવે મનલુભાવન નૃત્ય કરતી લલનાઓ પણ હોય છે! એનું અમો જમતા હોય ત્યારે નૃત્ય કરવાનું શું પ્રયોજન એ બાબતે હું અજાણ છું. પણ હાં ….એટલું હું ચોક્કસ કહીશ આપણે જમતા હોઇએ ત્યારે આપણી વાઇફોથી બચીને આવા ટાઇપનાં નૃત્ય જોવાથી બે-ચાર જલેબીનાં ઘુચરા વધુ ખાઇ શકાય એવું મારૂ નમ્રપણે માનવું છે. આ નૃત્ય કરવાનું સ્ટેજ મિષ્ટાન્ન જેવી કિંમત વાનગી નાં કાઉન્ટર ટેબલની બાજુમાં જ રાખેલ હોય ઘણા લોકો પોતાની સગ્ગી વાઇફો સામે ખુલાસો આપતા કહે પણ છે કે મિષ્ટાન્ન તો મને ભાવ્યું જ નહિ એટલે એ બાજુ તો હું ગયો જ નહિ!

બુફે જમણવાર આજના દેખાદેખી અને ફાસ્ટ લાઇફની એક જરૂરિયાત જ બની ગઇ માટે એને નિભાવ્યા વગર છુંટકો જ નહિ…ખેર પણ આવા સમયે ખુરશી શોધીને બેસવાની કે ડિશ રહી જાય એવો ખુણો ગોતીને જમવાની મજા જ કઈક ઓર છે!