ભજીયું Jasmin Bhimani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભજીયું

ભજીયું…

આષો માસની એ કાળી ડિબાંગ રાત હતી. નવરાત્રીનો તહેવાર એની ચરમસીમા પર હતો. મોરબીની એન્જીનીયરીંગ કૉલેજમાં અભ્યાસર્થે રૂમ ભાડે રાખી વસવાટ કરતા વલ્લભ, જેન્તી, કિશોર, માધવ અને વસંત ગરીબડી ગાયની જેમ મોઢું વકાસીને આકાશ સામે મોરલો થઈ રૂમમાં ભરાયેલ હતા. કારણકે બહાર ઝરમર મેઘ વરસતો હતો, કૉલેજના આ છાત્રોને ગરબા જોવા ગામમાં જવાની ઉત્કંઠા હતી. માવઠાંએ એમનો સારો ખેલ બગાડયો હતો. સૌ કોઈ ખેડૂતપુત્રો હોય ખેતીનો મોલાત પણ બગડશે એવો ભાવ બધાના કરમાયેલ ડાચા પર સ્પષ્ટ દેખાતો હતો.

વરસાદ પણ એની માં ને જાયમો હતો. ડકવર્થ-લુઇસ મેથડની જેમ થોડીવાર પણ વરસાદ રહી જાયતો હળી કાઢીને ગામમાં પૂગીને જોવાઈ એટલાં રંગબેરંગી લૂગરા જોઈ આખા દિવસ દરમિયાનની ધીમી પડેલ નેટ રનરેટ વધારવા સૌ ભાઈબંધો તત્પર હતા...પણ વરસાદ એની આખી મેચ બગાડવા મંચી પડ્યો હતો. અભી હાલ કરાવેલ દાઢી અને પહેરેલ નવા કપડા આજ ફોગટ જવાનો વરતારો દેખાતો હતો.

આમતો આ બધા જિગરીયાવ બહાર મેસમાં જ જમતા પણ આજ એ લોકોને બહાર ગરબા જોવાનું તથા હોટલનું વ્યજન આરોગવાનું આયોજન હતું. વસંત રૂમના ઉંબરે બારસાખને અડખેલીને ઊભો-ઊભો વરસાદ બંધ રે એવી માં અંબાને પ્રાર્થના કરતો હતો, કારણકે આજ એને કોઈ એ માં-અંબા ગરબી મંડળ હોસ્પિટલ ચોકે મળવાનું વચન જો આપ્યું હતું. એ પિયા-મિલનના વિરહમાં અર્ધો થઈ ગયો હતો.

"જો કેવો મજનું જેવો લાગે સે" જેન્તીએ વલ્લભને ઠોહો મારી વસંતને ઉલ્લેખીને કહ્યું.

"ભઈ, ભૂખ લાગી સે, ગરબા જોવા ના જવાઈ તો તેલ લેવા ગયું" બેબાકળા કિશોરે પેટમાં દોડતા ઉંદરને સાંત્વના આપતા પ્રસ્તાવ મૂક્યો.

"ચણાનો લોટ પયડો સે હો" વલ્લભે કહ્યું.

"ભજીયાં થાય એટલું તેલ સે? જોતો એલા કિટલા માં?" માધવે કિશોરને હુકમ કર્યો.

કાઠીયાવાડીને વરસાદ આવે ને ભજીયાં યાદ આવે! એકલા રહેતા હોય, વાડીની ઓરડી હોય, પોતાના ધંધા ના સ્થળો કે જ્યાં ચા-નાસ્તો બનતું હોય ત્યાં ...ચણાનો લોટ, તેલ, બકડિયું અને અન્ય ભજીયાં બનાવવા માટેની સામગ્રી હોય હોય ને હોય જ. ભજીયાં બનાવવા આમતો સહેલા છે. વિકટ પરિસ્થિતિમાં ભજીયાં જ જલ્દી બને! કટપ્પાએ બાહુબલિને કેમ માર્યો એના કરતા પણ એક યક્ષ પ્રશ્ન એ છે કે “આ તય્ડ નકર તીનું ને મઈ બટેટું ચ્યમ?“ (બટેટાની પતરી વાળા ભજીયાં ખાઈ રહેલ કોઈ ધોળિયા અંગ્રેજને સૂઝેલ પ્રશ્ન)

"થય રેંહેં" કિશોરે તેલનો કિટલો ફમ્ફોસી નિષ્કર્ષ કાઢ્યો.

"હાયલ જેન્તી થય જાય આય્જ તો" વલ્લભે રૂમના એક માત્ર પંકાયેલ ધરાર કંદોઈને બુચકારતા કહ્યું.

આ બધાએ રૂમ પર એક સેડાયરો પ્રાઈમસ, થોડા ઘણા રાંધણ ઓજારો, કરિયાણું એવું બધું વસાવેલ હતું. જેથી કરીને રાત્રે ભૂખ લાગે તો કંઈક બનાવવા થાય. સવારની ચા પણ તેઓ રૂમ પર જ બનાવતા. ઘરેથી દર મહિને મોકલાતા ટૂંકા મનીઑર્ડરમાં કેમ નિર્વાહ કરવો એ બાબતે બધા સુપેરે વિદિત હતાં. બધા મિત્રો ગરીબ પરિવારમાંથી જ ઇજનેર બનવા માટે આવ્યા હતા. માં-બાપના અરમાનોને લઈ બધા ગંભીર પણ હતા.

"ધાણા-મેંથી, આંબલી પય્ડા સે ને?" જેન્તીએ કંદોઈની છટ્ટામાં પૃચ્છા કરી. જેન્તીને બધી ખાદ્ય-સામગ્રી બનાવવામાં કાચી-પાકી હથરોટી ખરી. એનો સ્વભાવ જ એવો કે કોઈ વસ્તુ બનાવવાની ના જ ન પાડે. ગમે તે વસ્તુ બનાવવાનું કહો તરત જ બોલે "ડાયરી કાઢ...લખી લે શું-શું જોશે." મગજ જરાક ગરમ. કિલોમાંથી સાડા નવસો ગ્રામ કંદોઈના મગજ ગરમ જ હોય. જેન્તી એક લોતો કંદોઈ હોય બાકીના બધા મિત્રો એનો પડ્યો બોલ ઝીલતા. નહિ તો ગુસ્સામાં બકડિયા સહિત તેલ અને ભજીયાંની ગારી (ચણા ના લોટનું રબડી જેવું ભજીયાં બનાવવા માટે બનાવેલું મિશ્રણ) ગટરમાં પધરાવી દીધાંના દાખલા ય મોજૂદ હતા.

"હા હંધુય સે....પણ લોટ કદાચ ઘટશે" વસંતે આખું રસોડું ફેંદીને કહ્યું.

"હોય કઈ!! દુનિયાનો હતો...જિણકાક આણાંમાં થઈ રયે એટલો હતો" વલ્લભે પરખાવ્યું. આખા રૂમનો હિસાબ-કિતાબ વલ્લભ જ રાખતો. તે કાલ જ કિલો એક ચણાનો લોટ લાવ્યો હતો. તેઓ ભજીયાંની મિજબાની અઠવાડિયામાં ત્રણ વખત માણતા, જેથી ભજીયાં બનાવવાની સામગ્રી ખૂટે તે કેમ પરવડે? કરિયાણું, લાઈટબીલ, રૂમભાડુ તથા અન્ય સહિયારા ખર્ચાનો હિસાબ તે એક નોટબુકમાં ખર્ચ કર્યે તરત જ તારીખ સહિત ટપકાવી લેતો. ટૂંકમાં એ રૂમનો મહેતાજી હતો. બધામાં એ જ સૌથી વિશ્વાસપાત્ર અને નિયમિત.

"વલ્લભ, વસંત હાચો સે... આય્જ હું હવારે મોડો ઉય્ઠો , એકલો હતો ભૂખ લાયગીતી એટલે મેં ને બા એ હવારમાં પૂડલા કરીને ખાધા તા" જેન્તીએ ટોપીયું લઈ ગોરામાંથી પાણી ભરતા-ભરાતા જવાબ આપ્યો.

બા, કૌશલ્યા-કૈકેયીનાં મિક્સ અવતાર સમા બે-માળના નાનકડાં મકાનના મકાન-માલિક હતા. એકલાં જ જીવન વ્યતીત કરતા, એમના બે દીકરાઓ રાજકોટ મુકામે ધંધાર્થે રહેતા હોય ક્યારેક જ આવતા. આ બધાને પોતાના છોકરા તરીકે જોતા, ખિજાતા. ઉપરના માળે આવેલ એક રૂમ અને રસોડું આ છોકરાઓને ભાડે આપેલું હતું. આ છોકરાઓ કઈ-પણ ખૂટે બેરોકટોક બાના ઘરમાંથી પૂછયા વગર લઈ આવતા. બા એમને ધમકાવતા ય ખરા, પણ એમનામાં એક અફાટ માતૃવાસ્તલ્ય ટપકતું. એ ગુસ્સો ઉપર છલ્લો જ રહેતો. પોતાના એકલાપણામાં આ છોકરાઓ જ એક તેનો સહારો હતા.

"હાલોપ એલાવ, વાતું કરોમાં , ભજીયાં બનાવો જપટ, ભૂખ લાગી હવે" વલ્લભે ઑર્ડર આપ્યો.

બધા પોતપોતાનો કાર્યભાર સંભાળવા લાગી ગયા. જેન્તી મુખ્ય કંદોઈ હોય એણે બાથરૂમમાંથી પાટલો લઈ પ્રાઇમસ પાસે ગોઠવી એના પર સવાર થયો. પ્રાઇમસમાં કેરોસીન તપાસી લીધું. પાણીનું ભરેલ ટોપિયું પ્રાઇમસ પાસે ગોઠવ્યું. એક મોટું ટોપિયું કબાટમાંથી કાઢી ચણાનો લોટ એમાં ઠાલવ્યો. બકડિયું લઈ તેમાં જોઈતું તેલ રેડી તૈયારી કરી. માચીસ લઈ પ્રાઇમસને હવા ભરી પેટાવા લાગ્યો. બીજી બાજુ કિશોર અને વસંતે ધાણા-મેંથી શોધી ચપ્પુ વડે સુધારવાનું ચાલું કર્યું. માધવે ડામચિયા નીચે રેલાઈને જતા રહેલ મરચા પકડી પાડી એકઠા કર્યા. મરચાની નાનકડી કટકી કરી થોડી ખાંડણીમાં નાંખી, બાકીની મરચાની કટકી ભજીયાંમાં નાખવા માટે એક કાગળમાં એકત્રિત કરી જેન્તીને આપી. લસણ ફોલી તથા આદુના નાનકડા કટકા ખાંડણીમાં નાંખી દસ્તો લઈ ખાંડવા મંચી પડ્યો. તે ચટણીમાં નાખવા માટેની લૂગદી બનાવી રહ્યો હતો. આ બાજુ વલ્લભે કબાટમાંથી આંબલીનું પડીકું કાઢ્યું. નાનકડા ટોપિયાંમાં પાણી ભરી તેમાં આંબલી હોમી દીધી. હાથ વાટે આંબલીને છુટ્ટી પાડી નિસાસા નાખતાં પ્રાઇમસ પર ગરમ કરવા મૂકી દીધી.

ભજીયાં છાસવારે બનતા હોય તમામ મિત્રોને પોતાને શું કરવું તે પહેલેથી જ નક્કી રહેતું, આ બધા કામમાં એમની હથરોટી બેસી ગઈ હતી. આ મિત્રો જેટલી ઝડપથી તો કદાચ સુવિખ્યાત ભજીયાં-હાઉસ વાળા પણ ભજીયાં બનાવી શકતા નહી હોય! વરસાદના કારણે લાઈટ જતી રહી. ખંતથી કરી રહેલ તમામના કામમાં વિઘ્ન પડ્યું.

"વલ્લભ, દીવો પેટાવ તો" પ્રાઇમસ પૂર્ણ પ્રજ્વલિત થાય એ માટે અષ્ટાવક્ર સ્થિતિમાં પીનથી પ્રાઇમસને ઘોંચપરોણો કરતા-કરતા જેન્તીએ વલ્લભને કહ્યું. વલ્લભ એક જ નવરો હોય તે માચીસ લઈ ઊઠ્યો.

વલ્લભે માચીસ પેટાવી દીવો શોધવાનું આખા ઘરમાં શોધ-અભિયાન ચલાવ્યું. અંતે પાણિયારા પાસે તેને દીવો દીઠો. દીવો એટલે એક મોટી કાચની બોટલમાં કેરોસીન ભરી, એક જાડું કપડું વણી તેની વાટ બનાવી તેને કેરોસીનમાં ડુબાડી તેનો બીજો છેડો બોટલના ઢાંકણામાં કાણું પાડી વાટ કાણાં વાટે બહાર કાઢી હોય તેવું સાધન. દીવાની વાટ થોડી બહાર ખેંચી તેણે દીવો જલાવ્યો. નાનકડા રૂમમાં આછેરો પ્રકાશ રેલાયો. દીવો લઈ વલ્લભ પ્રાઇમસ પાસે આવી એક ડબરા પર મૂક્યો. હવે કામચલાઉ અજવાળું વ્યાપેલું ભાળી બધાએ પોતપોતાનું કામ થોડીવારમાં જ સમાપન કર્યું.

આંબલી ગરમ થઈ ચૂકી હતી. જેન્તીએ તે નીચે ઉતારી. પ્રાઇમસને પાછી થોડી હવા ભરી, જેથી તે પુરબહાર ખીલ્યો. ( હવા ભરવાથી બધા પુરબહાર ખીલે જ! આ કુદરતનો સનાતન સત્ય નિયમ છે ) તેલનું ટોપિયું પ્રાઇમસ માથે ચડાવ્યું. બધાએ પોતે તૈયાર કરેલી જરૂરી સામગ્રી જેન્તીને સુપ્રત કરી હાશકારો અનુભવી જેન્તીની આજુબાજુ ગોઠવાયા. હવેનું કામ જેન્તીનું જ હતું, હવે ખાલી બધાને જેન્તીના હેલ્પર તરીકે મૂંગા મોઢે ઉભા રહી નજારો જોવાનો હતો.

પ્રાઇમસના તાપથી બકડિયાનું તેલ ગરમ થઈ રહ્યું હતું. એક તપેલાંમાં રહેલ પાણી જેન્તીએ લોટમાં રેડ્યું. બાજુમાં પડેલ ધાણા-મેંથી તથા મરચા પણ એમાં ઉમેર્યા. મીઠું અને સોડાની ચપટીઓ ભરી નાખી.

"જેન્તી, જો જે માપે પાણી નાખજે" કિશોરે સલાહ આપી. જેન્તીએ વિસ્ફારિત નજરે કિશોર સામે જોયું. પાણી ઠાલવી તે લોટને આમથી તેમ હલાવી રહ્યો. ફરી થોડું પાણી ઘટ્યું એવું લાગતાં તેણે બે-ત્રણ ખોબા પાણીના ભરી લોટમાં રેડયા. જાણે કોઈ નવચંડી યજ્ઞના સુજ્ઞ પંડિત હવનમાં પાણીની અંજલિ ન આપતા હોય, એની માફક! ફરી પાછું તેણે લોટને ધમરોળ્યો. બધાની નજર તે લોટ પર જ જડાયેલી હતી.

આ શું? લોટમાં સાચેજ પાણી વધારે પડી ગયું હતું! બધાએ એ નિહાળ્યું. જેન્તીને કહેવાની કોઈની હિંમત ન ચાલી....અંતે કિશોરે પાછું દોહરાવ્યું : "મેં ન્હોતું કીધું પાણી વધી જાહે, ધ્યાન રાખજે...પણ તું કોઈ દી મારૂં માનસ?"

જેન્તીએ બધો લોટ ઠલવી દીધો હોય હવે વધારે પાણી પડી જવાને લીધે તેમા થોડો લોટ નાંખવો જરૂરી હતો. બધા વિમાસણમાં મુકાયા. શું કરવું કોઈને સૂઝતું નહોતું.

"વસંત, જા ને બા પાહે લોટ હયસે.. લય આય્વ" જેન્તીએ લોટવાળા હાથ બાજુમાં પાણીના તપેલાંમાં ઝબોળી સાફ કરતા સૌની તંદ્રા તોડી.

"ના હો, હું ના જાવ...બા મને દેખશે તો ધકશે" વસંતે પરખાવ્યું.

"એલા, લાઈટ નથી...આમેય બા ને રાયતે ઓસુ હુજે...અંધારામાં દેખાહે ય નય...તું જા કાઈ નય કયે...અમે બેઠા સિયે ને" વલ્લભે મુશ્કેલીનું નિરાકરણ કરતા વસંતને ખંભે હાથ મૂકી હિંમત બક્ષી.

વસંત તૈયાર થયો. એક પ્લાસ્ટિકનું ઝબલું સાથે લીધું. વરસાદ બહાર અનરાધાર વરસી રહ્યો હતો. છત્રી લઈ એ ચોર પગે નીચે ઉતાર્યો. લાઈટ ન હોવાના કારણે બાના ઘરમાં અંધારૂ વ્યાપેલ હતું. તે ઘરમાં દબાતા કદમે પ્રવેશ્યો. ચારે બાજુ જોયું. બા કદાચ અંદરના રૂમમાં હશે એવો તાગ કાઢી દીવાનકક્ષમાં સળગતો દીવો હતો એ લઈ રસોડામાં કૂદયો. કબાટ ખોલી ચાર-પાંચ ડબ્બામાં ખાંખાંખોળા કર્યા. એક ડબ્બામાં એને લોટ દેખાયો, મુઠિયો ભરી એણે લોટ પ્લાસ્ટિકના ઝબલાંમાં ઠાલવ્યો. બધું પાછું પોતપોતાની જગ્યાએ આબાદ ગોઠવી એ ઘર બહાર નાઠો. ઉપર આવી એણે લોટ જેન્તીને સુપ્રત કર્યો. ગરમી અને વરસાદથી ભીંજાયેલ દેહ અને કપડાં લૂછયા.

જેન્તીએ પ્લાસ્ટિકના ઝબલામાંથી જરૂરી લોટ કાઢી તપેલાંમાં નાખ્યો. લોટને હલાવ્યો. હવે બધું બરાબર થઈ ગયું હતું. માટે જેન્તીએ બધા સામે વારાફરતી જોઈ સ્મિત વેર્યું. સૌ કોઈ એને ઝડપથી બોલાય એવી ગાળો ચોપડાવતા હતા. તેલ ગરમ થઈ ગયું હતું. તેલમાં જેન્તીએ પાણીની એક જાલક મારી, છમમમમ.... એવો મસ્ત મનલુભાવન અવાજ થયો. વલ્લભે આ કડાકૂટ વચ્ચે ચટણી તૈયાર કરી લીધી. એક છાપું પાથરીને ગરમ-ગરમ ભજીયાં ઠાલવવા માટેની તૈયારી પણ થઈ ચૂકી હતી.હવે માત્ર ભજીયાં ઊતરે એની જ રાહ જોવાતી હતી.

"જેન્તી, તેલ આવી ગયું સે હો... પ્રાઈમસ ધીમો કયર નકર ભજીયાં લાલ થય જાહે" માધવે ધીમેકથી કહ્યું.

જેન્તીએ પ્રાઇમસ ધીમો કર્યો. એ આજ પહેલી વખત કહ્યાગરો જણાયો. લોટની ગારીને હલાવી આખરી ઓપ આપ્યો. એણે મૂઠીમાં તૈયાર લોટની ચપટી ભરી તેલમાં હોમી. સૌ કોઈ બકડિયાની આજુબાજુ ગરબા કરવાના હોય એમ ગોઠવાયા! ભજીયું તેલમાં ડૂબ્યું...પણ ઉપર ના આવ્યું! કોઈ તરવાની કળા ન જાણતો શખ્સ તળાવમાં ડૂબે એમ ભજીયું તેલમાં ડૂબ્યું! વિજ્ઞાન હજું એટલું આગળ નથી વધ્યું કે ભજીયાંને પણ લાઇફ જૅકેટ પહેરાવીને તેલની ઉપરીની સપાટી પર તરતું રાખી શકે!

બધા અચંબિત થયા. ભૂખેય લાગી હતી. કિશોરે કહ્યું: "જેન્તી, તેલ નથી આવ્યું લાગતું ... પ્રાઇમસ ફુલ કર" જેન્તી એ સૂચના અનુસર્યો. રિસાઈ ગયેલ ભજીયું બહાર ન આવ્યું તે ન જ આવ્યું! બધા એકીટશે તેલમાં મઈં પેહી ગયેલા ભજીયાં સામે મીટ માંડી ગોઠણીયે આવી ગયા. જેન્તીએ ઝારો લઈ ભજીયાંને તેલમાંથી બહાર કાઢ્યું. ભજીયું ઊંડા પાણીમાં એક મિનિટ ડૂબકી ખાધેલ કોઈ પામર મનુષ્ય જેવું રાતુંચોળ થઈ ગયું! બધા અવઢવમાં પડ્યા. કોઈને કશી ગતાગમ પડતી નહોતી.

"ઘુંઘલો વળી શું કરો સો એલાવ....મારા ઘરમાં કોણ આય્વું તું? જબાબ દ્યો" બા એ અંધારામાં ઓરડે પ્રવેશી ત્રાડ નાંખી. બાનું ઓચિંતાં આગમન અને ઘૂઘવાયેલ અવાજથી સૌ કોઈ હતપ્રભ થઈ ગયા.

"બા અમે આયા જ હતા. આ ભજીયાં બનાવીએ સિયે" કિશોરે ધીરેથી કહ્યું.

"તમે હંધાય ખોટાડીના સવો....હાચું કયો શું લેવા આય્વા તા?" બા નો ગુસ્સો સમ્યો નહોતો. હવે ખોટું બોલવાનું નિરર્થક લાગતા વલ્લભે બા ને સમજાવવાના આશયથી કહ્યું: " બા ચણાના લોટની ગારીમાં આ જેન્તીડાથી પાણી વધુ પડી ગ્યું...લોટ ખલાસ થઈ ગ્યો વોય આ વસંત તમારા ઘરે લોટ લેવા આય્વો તો, થોડોક લોટ રહોડામાંથી લય આય્વો.... એલા બા ને નોતું પૂય્સુ તે?"

" મારા રોયાવ.... મારા ઘરમાં ચ્યણાનો લોટ જ નથી... શું ઉપાડિયાયવો આ વસંતડો!" બા એ પ્રાઇમસ પાસે પહોંચતા કહ્યું. જેન્તીએ પ્લાસ્ટિકની કોથળી કે જેમાં હજી થોડો લોટ બચ્યો હતો એ બા ને દેખાડ્યો. બા એ કોથળી દિવા સમીપ લાવી આંખો ઝીણી કરી લોટ તપાસી જોયો. તેમના મુખેથી ઉદ્ગાર નીકળી ગયો: "મરો એટલે હાંવ.... તમારો હગ્ગો આ બાજરાનો લોટ સે.."

હવે બધા સમજી ગયા કે ભજીયાં માં શું લોચો થયો. છુપાવવાથી કઈ ઉકળવાનું નહોતું એટલે માધવે ફોડ પાડ્યો, "હ્મમમમ... એટલે ભજીયું ઉપર નઈ આવતું! માધવે બા સામે જોઈને બકડીયામાંના ભજીયાં તરફ આંગળી ચીંધી આગળ વધાર્યું "બા જુઓ આ ભજીયું તેલમાંથી બહાર જ નથી આવતું. ઝારા થી બાયર કાયઢું તો લાલ-ચટક થઇ ગ્યું!"

બા ની અનુભવી આંખો સઘળી સ્થિતિ પામી ગઈ. તેણે બધા સામે વારાફરતી સ્મિત રેલાવ્યું, ધમકાવતાં સૂરે એ બોલ્યા: "તમારા હંધાયમાં તો મીઠાની તાયણ રય ગઈ સે... ચ્યણાના લોટમાં બાજરાનો લોટ ભેળવીએ તો ભજીયાં થાય? મેલો લપ... હાલો હું તમને બાજરાના રોટલાને ઓળો બનાવીને ખવારવું... હાલો હંધાય મારા ઘરે જપટથી"

જેન્તીએ પ્રાઇમસ બંધ કર્યો. તેલ નીચે ઉતાર્યું. બધો સામાન કાળજીપૂર્વક કબાટમાં મૂકી દીધો. કિશોરે ચણાના લોટની ગારી ભરેલું તપેલું ઉઠાવ્યું ને સવાલ કર્યો " આનું શું કરવું હવે?"

"ભૂંડળાવ નોરતા ના રયે.... જાંપા પાહેં કુંડી સે એમાં રેડી દે એટલે ઈ ય મોજ કરે આયજ" વલ્લભે કહ્યું

સૌ હંસી પડ્યા....પેટનો ખાડો પુરવા બા ની ઘર તરફ બધાએ પ્રયાણ કર્યું.