કડે ચડો અને ચડાવો... Jasmin Bhimani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કડે ચડો અને ચડાવો...

કડે ચડો અને ચડાવો ...

"ક્યાં છો તું?"

"પલંગ પર"

"કેટલા ફોન કર્યા!"

"૩૬ અને ૩૭માં એ મેં ઊચક્યો"

"ક્યારેક તો સિરિયસ થા"

"સિરિયસ થયો હોત તો હું પણ GPSC UPSC ક્લિયર કરી તમારી જેમ સાહેબ બની ગયો હોત"

"આઠ વાગ્યે નીકળવાનું હતું, સાડા નવ થયા! વર્લ્ડબેંકના અધિકારીઓ આવવાના છે તને કઈ ભાન છે?"

"હોવ... બસ નીકળ્યો એવો પહોચ્યો સમજો"

"કેટલી વાર લાગશે?"

"બ્રશ, નાહવું, ધોવું,...પત્ની નવરી થાય એટલે ચા મૂકશે. પાંચ મીનીટ એનું વહેલા ફાયદા પરનું ભાષણ સાંભળીશ, નવા કપડા શોધીને ચડાવીશ, તમે હજી ચાર-પાંચ મીનીટ લપ કરશો...કુલ મિલાકર બેતાલીશ મીનીટ થશે જ"

"પાગલ થઈ ગ્યો છો! દસ વાગ્યે તો એ લોકો સાઇટ પર વિઝિટ લેવા પહોંચી જ જશે. આપણા અધિકારીઓ નથી કે એક બે કલાકનો ડગ થાય"

"એમ?"

"તું હજી મને તેડવા આવીશ, મારા ઘરથી સાઇટ પોણા કલાક ના ડિસ્ટન્સ પર છે, અગિયાર તો એમનેમ વાગી જશે. જલ્દી કર હવે. સાઇટ પર તારા સુપરવાઇઝરને હું ફોન કરી દઉં છું. ગાડી લાવ્યો ને?"

"હ્મ્મ્મ... હાસ્તો..ફુલ્લી એ.સી., મારા સાળાની. ડીઝલ પણ ફૂલ છે એટલે મારો ખર્ચો બચશે. તમારા ખટારા કરતા સારી છે"

"હવે તું વાર્તા બંધ કર અને નીકળ જલ્દી. "

"તમે ફોન બંધ કરો એટલે તૈયાર થાવ ને- "

"આવા ને આવા કોન્ટ્રાકટર મળ્યા. પેલાઓ કંઈક આડું અવડું લખીને જશે તો મારી નોકરીની વાટ લાગી જશે"

"હવે ૪૫ મીનીટ થશે, ફોન મુંકુ કે તમારૂ વક્તવ્ય સાંભળું?"

"એલા મુક ને જલ્દી આવ ખોટા સિક્કાની જેમ"

ઉપરોક્ત સંવાદ મારા અને PWDના સેકસન ઑફિસરનો હતો. વર્લ્ડબેંકની ટીમ સાઇટ પર વિઝિટ કરવા આવવાની છે. એ લોકો ચેક કરશે કે એમને આપેલ નાણાનો સદુપયોગ થાય છે કે કેમ. કોન્ટ્રાકટરની મલાઈ. પૈસાનો તો સદુપયોગ થતો જ હશે એવું હું પલંગ પર સુતા-સુતા વિચારતો હતો. પણ એમા કોન્ટ્રાકટરોને શુ વધે? રાણીનો હજીરો! ખોંખારો ખાઈ પત્ની વર્લ્ડબેંકના અધિકારીની છટ્ટામાં કમરે હાથ દઈ બારણે ઉભેલી મેં દિઠી. એણે પણ આ ટેલિફોનીક કથા સાંભળી જ હશે એવો એના ચહેરા પરની ભાવ-ભંગીની જોતા મેં નિષ્કર્ષ કાઢ્યો. આજ એના વહેલાં ઊઠવાના વ્યર્થ ભાષણ સાંભળીને સમય વેડફવાનો મારી પાસે સમય નહોતો. મેં બાથરૂમ તરફ દોટ મુંકી, બધી પ્રાતઃક્રિયા એક સાથે સમેટી લીધી. મારા કબાટમાં પડેલ ચાર-પાંચ જોડી કપડામાંથી એક જોડી પસંદ કરી મેં પહેરી. મારો બગલથેલો અને ગાડીની ચાવી લઈ નીકળવા જતો હતો ત્યાં જ પત્નીએ ટોંક્યો "નિરાંતે ચલાવજો, મારા ભાઈએ ચાર મહીના પહેલા જ ગાડી લીધી છે."

"ખબર છે... કેટલાનું કરીને લીધી એ પણ ખબર છે" મેં વિસ્ફારિત નૈત્રે કહ્યું.

હવે મારી પાસે સમય નહોતો. હું લિફ્ટમાં દાખલ થયો નીચે ઉતારી મેં પાર્કિગમાં જોયું તો ત્યાં મારા સાળાની ગાડી પાસે મદારીનો ખેલ માંડ્યો હોય એમ ચોકીદાર બહાદુરનું આખું પરિવાર ઘુંઘલો વળી ડાબી બાજુના મોયલા ટાયરની સામે મીટ માંડી બેઠું હતું!

"પંચર!" મારા ગળામાંથી માંડ ધ્વનિ નાદ નીકળ્યો.

"સાબ્જી, હવા ચલી ગઈ" બહાદુરે ગોઠણિયા ભર બેસી તારણ કાઢ્યું. હવા, મારી કે ટાયરની એ હું સમજી ના શક્યો. ક્ષણભર હું, બહાદુર, એની પત્ની અને એના અવળચંડો નાનો છોકરો ગણપતિબાપાને જેમ ભાવિકો દૂધ પિતા નિહાળી રહ્યા હોય એમ પંચર થયેલ ટાયરને નિરખી રહ્યા! બહાદુરના આખા પરિવારે હોશિયારીમાં ડબલ

ગ્રૅજ્યુએટ કરેલું હતું.

"સાબ્જી, જૅક નીકાલીયે"

મેં જૅક શોધવા ગાડીની આખી પરિક્રમા કરી. આખરે જૅક માંડ મળ્યો. મેં શેઠની અદામાં બહાદુર પાસે જૅક, સળિયો, પાનું અને સ્ટેપની બહાર કઢાવ્યા. સાહેબના આવતા ફોન મારી મોબાઇલની બેટરીની પથારી ફેરવી રહ્યા હતા તથા મારૂ કોન્સન્ટ્રેશનમાં ખલેલ પહોચાડી રહ્યા હતા. મે એની દયા ખાઈ ફોન ઊંચક્યો "હાં"

"કેટલી વાર ? સાડા દસ થયા એલા..."

"પાર્કિંગમાં પંચર પડ્યું છે. હું નીકળું જ છું હવે"

"પાર્કિંગમાં!! પંચર!!"

"અરેરેરે....ગાડીમાં નાનકડું પંચર પડયું છે, ટાયર બદલાવ્યું. બસ આવ્યો પાંચ મીનીટ માં" આને કોણે સાહેબ બનાવી દિધો એવું સ્વગત બબડતા ફરી મેં ટાયર પુરાણ પર ધ્યાન આપ્યું.

"જલ્દી આવ...પેલા પહોંચી ગયા છે...સાઇટ પર " એના અવાજમાં ધ્રુજારી મેં પામી.

"હાં.. તમે ફોન મેકો, હું આવું જ છું"

"તું મને મરાવીશ...કમ ફાસ્ટ પ્લીઝ"

"ફાઇવ મીનીટ સરજી" આવું કહી મેં ફોન ગાડીના બૉનેટ પર મુંક્યો.

ટકો ખંજોરી મેં બહાદુર તરફ જોયું. એ ટુટીયું વારી જૅકને ગાડી નીચે ઘાલ-મેલ કરતો હતો. એનું જ અનુકરણ કરી રહેલા એના છોકરાને અડધી ઝાપટ મારી મેં આઘો ધકેલ્યો, હું પણ ભાખોડિયા ભેર જૅક ગોઠવવાનો યત્ન કરવા લાગ્યો. રિસાઇને નીચે બેસી ગયેલ ટાયરની બાજુમાં જ મને ઘન જગ્યા ભાસી. મેં બહાદુરને ત્યા જૅક ગોઠવવાનો ઑર્ડર કર્યો. બહાદુરે મારી સૂચના અનુસરી જૅક ગોઠવી સળિયો હાથમાં લીધો. સળિયાની એક બાજુ હુંક અને એક બાજુના પ્લેન ભાગને બે મોઢાળી બંબોઇ હોઈ એમ જોવા લાગ્યો. મેં એને ભણાવ્યું કે જૅકમાં વળયો કેમ ભરાવો. તે મારી સલાહ અનુસર્યો. બહાદુર જેમ-જેમ સળિયો ફેરવવા લાગ્યો એમ જૅક અંગડાઈ લઈ ઉંચો થવા લાગ્યો! મેં બહાદુરને પ્રોત્સાહન આપવા માટે તેની પીઠ થપથપાવી ઝડપથી સળિયો ધુમાવવાનું કહ્યું.

"શું કરી રહ્યા છો તમે લોકો?" બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી શીતલીએ બૉનેટ પર પોતાનું ટ્રાઉઝર ટેકાવી, એના ટી-શર્ટ પરનું મસ્ત ક્વોટ સંતાડતા અદબવાળી કહ્યું. એ કોઈ હાફ મેરેથોનમાં ગઈને આવી હોય એમ ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં સજ્જ હતી. એની જુલ્ફો ખુલ્લી હતી. પગમાં સ્પોર્ટસ શૂઝ ધર્યા હતા. એ રોજની જેમ સારી લાગતી હતી.

"એઇઇઇઇ.... તું ગાડીથી દૂર ખસ, જૅક છટકશે તો મારો પિતો પણ છટકશે" હું તાડૂક્યો. આજ એની સાથે ખપાવવાનો મારી જોડે લગીરેક ટાઇમ નહોતો.

"તમે લોકો બુધ્ધુ છો, પહેલા ટાયરના ચારેય બોલ્ટ થોડા-થોડા ખોલી નંખાય જેથી જૅક ઑફ થવાની ટ્રબલ ન થાય. હવે બોલ્ટ ખોલવા જતા જૅક છટકશે તો તમે લોકો કયાયના ન રહેશો" એણે ટાયર ખોલવાનો બ્યાસી વર્ષનો નિચોડ મારી સામે ઠાલવ્યો.

અચાનક બહાદુરનો હાથ સળિયો ફેરવવા જતા જમીન સાથે મસ્ત ઘસાયો. એની જમણા હાથની ચારેય આંગળીમાં લોહીના ટસીયા ફૂટી ગયા. એણે પોતાનો આખો હાથ મોમાં ઠુંસી દીધો. ઘાયલ યોદ્ધાની જેમ એ બે ડગલાં પાછળ હટી ગયો. એની પત્ની બહાદુર કરતા વધારે બહાદુર હતી. હવે તેણીએ મોરચો સંભાળ્યો. મેં એની મદદ કરવા નીચે નમાવ્યું, બહાદુર પત્નીના સિફતાઈથી ફેરવાવાતા સળિયાને લીધે પંચર ટાયર ઊંચું આવી રહ્યું હતું. મારામાં મોબાઇલમાં સતત આવતા ફૉનથી હું થોડો વ્યતીત થયો

.

"તમારો આજ સવારનો વોટ્સઅપ મૅસેજ મસ્ત હતો...શું સેન્સ ઑફ હ્યુમર છે તમારી! તમારી કલમ માં તાકાત છે હો" શીતલી એ મારી મનોદશા જોયા છતાં ચલાવ્યું.

"કલમમાં નહી મારા અંગૂઠામાં" મેં ટાયર તરફ મગ્નવસ્થામાં રહેતા જ એને કહ્યું.

"વોટટ!?" એ કડે ચડી. મેં એને ભાવ ન આપ્યો એટલે એણે લટકમટક ચાલે ચાલતી પકડી.

વાતવાતમાં બહાદુર પત્નીએ પંચર ટાયર ચાર આંગળ અધ્ધર કરી દીધું! બહાદુર હજી ઘાયલ અવસ્થામાં એક એક્ટિવા પર ટેકવીને બેઠો હતો. હવે મેં પણ બહાદુર પત્નીનો હાથ બટાવ્યો, સ્ટેપની ચડાવી ફટાફટ બાકીના હથિયાર ડેકીમાં મુકી ચાલતી પકડી. બહાદુર ઘાયલ થયો હોય મેં એને પ્રાથમિક સારવાર આપવા ગાડીનો દરવાજો ઝડપથી ચાવીથી ખોલ્યો. ગાડી ખિજાઈ,…બરાબરની ખિજાઈ. ચારેકોરથી બુમો પાડવા લાગી. એપાર્ટમેન્ટની ગલેરીની બારીઓમાથી ઘરે અવેલેબલ બધા લોકો મને જોવા લાગ્યા. મેં દરવાજો બંધ કરી કિ-રિમોટના વારાફરતી બધા બટનું દબાવ્યા. એકાદુ બટન કામ આવ્યું અને ગાડીના સાયરન બંધ થયા.પત્નીને ફડક પેસી ગઈ હતી, કપડા સુકવતા એ તાડૂકી “શું થયું?” મેં ઇશારાથી આખી આપવીતી જણાવી. બહાદુરને હાથ પર ટીંચર ઠાલવ્યું ને પાટો વિંટ્યો.

ગાડીનો સેલ્ફ માર્યો આગળ બૉનેટ પર જ ભુલાઈ ગયેલો ફોન જોઈ પાછો ઉતર્યો. દરવાજે ખુલ્લો રાખ્યો. સાહેબના સતત ફોન ચાલું જ હતા. હું સડસડાટ એપાર્ટ્મેન્ટથી બહાર નિકળ્યો. આમ તો સાહેબ ક્યારેય ફોન ના કરે ખાલી મિસકોલ જ કરે! પણ આજ એની પછેડી હલવાણી હતી, મેં ફોન ઉપાડ્યો.

“ક્યાં છો હજી?”

“બસ ….ગેઇટની બહાર નીકળ્યો”

“અત્યારે છેક… કેટલા ફોન કર્યા તને, પેલા લોકો આવી ગ્યા હશે”

“બસ ..જો આ ગાર્ડન ક્રોસ કર્યું”

“ગોપાલ ચોક થઈ અવાય ને“

“ના… ત્યા પેલો ડિલક્ષ પાનવાળો ઉઘરાણી માટે આડો ફરે”

“ તો પછી સનસીટી થઈ અવાય ને એ નજીક પડે”

“ત્યા RO System વાળાની ઉઘરાણી બાકી છે”

“તું ય ગજબનો છો…જલ્દી આવ જલ્દી”

“તમારૂ બીલ બળે છે, ફોન રાખો હું પાંચ મીનીટમાં પાન ખાઈને પહોચ્યો”

“ના…ફોન ભલે ચાલુ રહ્યો...નહિતર પાછો તું આડો અવડો જતો રહીશ”

“સારૂ. તમારી ઇચ્છા. કાર્યપાલક ઇજનેર કેમ હાજર નથી રહેવાના?”

“એ ભાવનગર એક મેરેજમાં જવાના, ત્યા એક જુના કોન્ટ્રાકટરની ટકાવારી પણ બાકી હતી. સાલ્લો ફાઇનલ બીલ કરીને વહીવટ આપ્યા વિના જ જતો રહ્યો! એટલે સ્પેશિયલ સાહેબ એક કાંકરે બે જનાવર મારવા ત્યા ગયા!”

“હ્મ્મ્મ…તમારા ભગત ડેપ્યુટી ક્યાં છે?”

“એ જુનાગઢ બાજુ કોઇ ગામમાં પૃષ્ટી સંપ્રદાયની હવેલી ના જિર્ણોધ્ધાર નિમીતે યોજાનાર પટોત્સવ પ્રોગ્રામમાં ગયા છે. તુ કેટલે પહોચ્યો?”

“બસ બે મીનીટ…પહોચ્યો જ. તમારો ઉઠિયાણ વર્ક આસિસ્ટન્ટ હમણા કેમ દેખાતો નથી?”

“અરે…એ સટ્ટામાં હારી ગયો એટલે ભૂગર્ભમાં છે. તું પંચાત છોડને ગાડી દોડાવ ઝડપથી”

“હુ ફોનમાં વાત ના કરૂ તો ગાડી ભટકાઇ જશે. બસ જો સાઇબાબાના મંદિરે પહોચ્યો. તમે બહાર નિકળો હાલોપ”

“અરેરેરે…બહાર જ છું. તારી ગાડી દેખાતી નથી”

ગાડી સાહેબના ‘પરિશ્રમ’ નામક આલીશાન બંગલા સામે ઊભી રાખતા મેં ગાડીનો કાચ ઉતારી આવવાનો ઇશારો કર્યો. એ ફાંદને હાઇજંપ કરાવતા રોડ ક્રોસ કરી આવી ચડ્યા. એણે દૂધિયા પાટલૂન અને ઑફ વાઇટ શર્ટ પહેર્યો હતો. શર્ટ હશે સફેદ જ પણ ઘણા સમયથી સાહેબ પહેરતા હોય એ પિળાશ પડતો થઈ ગયો હોય એમ લાગતું હતું. એણે ઇન્શર્ટ કર્યું હતું. ફાંદને આબાદ પકડી રાખતા બેલ્ટ તુટુતુટુ થઈ રહ્યો હતો, એનું વજન ૧૦૦ કીલોની આસપાસ હતું. ટાલ પર ક્યાંક ક્યાંક વાળ ઊગેલ હતા. ચશ્મા જ્યારે વાંચવાનું હોય ત્યારે જ પહેરતા. કાળો ભમ્મર એનો વાન હતો. બૂટ મારી રાહ માં ચાર-પાંચ વગર કરેલ પાલિસને લીધે ચગચગીત હતા. એના ખંભે કરોડો વર્ષો પહેલા વસાવેલ એક જુનો થેલો જુલતો હતો.

ગાડીનો દરવાજો ઉખેડવાનો હોય એમ ખોલ્યો. થેલો પાછળની સીટમાં મુકતા પરસેવે રેબઝેબ થોબડું લુછતા એ તાડૂક્યા “એલા, તું માણસ છો? સવા અગિયાર થયા! ભુપતને પુંછ સાઇટ પર શું સ્ટેટસ છે. એ ડોબો મારો ફોન પણ રિસીવ નથી કરતો.”

મેં ગાડી સાઇટ તરફ મારી મુંકી, સાઈટ સુપરવાઇઝર ભુપતને ફોન જોડયો.

“મિશન કમ્પ્લીટ!, હવે હંધાય હોફિસમાં જાયી સી” ભુપતે સુખદ સમાચાર આપ્યા.

“શાબાશ…મેરે શેર. એને ઑફિસમાં બેસાડજે. બીસલેરીની ૪-૫ બોટલું લઈ દેજે. ભૂંગરા-બટેટા, કાજુ-કતરી અને ગાંઠીયા મંગાવી લેજે. ઓલો ઇંગ્લીશની ઓલાદ ધીરીયો પટાવાડો સાથે હતો ને?” મેં ઠંડે કલેજે વાત કરી. મને હવે ધરપત થઈ.

“ હા ધીરૂ હતો ને..બધું બરાબર પતિ ગયું. તમે ચિંતા ન કરતા. પેલો સાયબ શું ફોન કયરા કયર થયો સે?” નિરાંતે આવજો ...અને હા મારો પગાર લઈ ને જ આવજો” ભુપતે ઉઘરાણી કરી. તેના જવાબથી મારી ચિંતા દૂર થઈ.

“સારૂ , બધાને ખુશ કરી દેજે ...હું ને સાહેબ આવીએ છીએ”

“અરે..તમે મોજ કરો..એ હંધાયને જામો પડી ગ્યો. ઈંગ્લીશમાં મારા અને કામના બોવ વખાણ કર્યા. બેન્કેથી મારો પગાર ઉપાડવાનો નાં ભુલાઈ, આયા હવે બીજું કાઈ કામ નથી પણ પગાર વગર નો આવતા”

“હા એલા, પૈસા લઈને જ આવું છું. ફોન કાઈપ હવે પોલીસ વારો હામો થ્યો ..પસી ફોન કરૂ” મેં ગાડી ટાપમાં નાંખી સાહેબ સામે એક ફર્સ્ટક્લાસ સ્મિત ફેંક્યું. એ પેલ્લી વાર જરા હસ્યાં. હજી એ અવઢવમાં જ હતા.

“શું થયું એ તો કહે?”

“કઈ નહિ વિઝિટ પૂરી, વર્લ્ડબેન્કની ટીમ કામ જોઈ ખુશ થઈ ગઈ. ઓફિસે પહોચીને નાસ્તો કરે છે” મે માહિતી આપી.

સાહેબની ફાંદ બે ઇંચ વધારે ફુલાઈ “તારા ભંગાર કામના એ લોકોએ વખાણ કર્યા! હું કદાપિ ન માંનું”

“હવે તમે શાંતિ રાખો” મેં ગાડી હાઈવે પર પેટ્રોલપંપની બાજુમાં એક પંચરની હાટડી પાસે ઊભી રાખી.

“અહી કેમ થોભાવી એલા?”

“પંચર કરાવી લઉં, નહીતો મારો સાળો ધગશે”

હું નીચે ઉતાર્યો. પંચર કરતા ગંજી પહેરેલ કાળો માણસને દીઠી મેં તાગ કાઢ્યો કે એ કેરાલીયન જ હશે. એ ખટારાના વ્હીલમાં ટ્યૂબ ચડાવી રહ્યો હતો. એણે ટાયરમાં ટ્યૂબ ચડાવતા મારી સામે એક નજર ફેંકી. મેં મારા સાળાના ગોગલ્સ ઉતારી એની નજીક જઈ આજીજી કરી, “ભાઈ, ઝડપથી એક ટાયરનું પંચર સાંધી આપશો?”

“પાંચ મિનિટ થશે, તમે જુઓ છો ને હું કઈ નવરો નથી?” એને તુમાખી ભરેલ ઊતર વાળ્યો. સાહેબ ઊંચાનીચા થતા હતા. મને એ કેરેલીયન પર બરાબરની રીસ ચડી. કિન્તુ મારી પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. મારી સતત રીક્વેસ્ટથી એણે એના હેલ્પરને મારી કારમાંથી ટાયર કાઢવાનું સૂંચન કર્યું. હેલ્પરે ટાયર કાઢી તેમાં હવા ભરી. તે મને હોશિયાર અને સૌમ્ય જણાયો. હવા ભરેલ ટાયરને એક પ્લાસ્ટિકની બોટલનાં સ્પ્રે વાટે આખા ટાયર પર ફુવારો મારી એણે પંચર તપાસી જોયું. આ ફુવારો વાળંદની દુકાનમાં હોઈ એવો જ હતો, કેરેલીયન શેઠ ખટારાનાં ટાયરમાં ટ્યૂબ ચડાવતા એ કોઈ પાઉડરનો ઉપયોગ કરતો હતો. મેં એ પણ નિહાળ્યું.

“પહેલા તમારે હેર કટિંગ સલૂન હતું?” મેં કેરેલીયન માલિકને પૂછ્યું.

એ કામમગ્ન અવસ્થામાં મારી સામે તાકી રહ્યો. કદાચ મનમાં ગાળો પણ દીધી હોય તો ખબર નહિ. હેલ્પરે મારા ટાયરમાં પંચર શોધી કાઢ્યું. એણે એના શેઠને બતાવ્યું. પેલો કેરેલીયન ખટારાનાં ટાયરને જ ન્યાય આપવામાં મશગૂલ હતો. મારા નીરસ ચહેરાને જોઈ એને મારા પર દયા આવી. એણે ખટારાનાં ટાયરમાં એક નળી ભરાવી હવા ભરવા મુંકી મારા ટાયરનું પંચર શાન્ધવા આવ્યો. એણે મારા ટાયરમાં પડેલ નાનકડા હોલમાં કંઈક ભુન્ગળી જેવું ઘાલ્યું. એ ટ્યુબલેસ ટાયર હતું. મેં એની ઝડપના વખાણ કર્યા. સાહેબ એનું કમરે ન રહેતું પેન્ટ સતત ઊંચું કરતા-કરતા અધીરા બન્યા હતા. મારા ટાયરનું પંચર બની ગયું હતું. મેં હેલ્પર પાસે ટાયર ડેકીમાં મુકાવી કેરેલીયન ને પૂછ્યું “કેટલા આપવાના?”

“૮૦ રૂપિયા” એને જવાબ આપ્યો.

મારી આંખો પહોળી થઈ ગઈ: “આટલા હોઈ?” મેં પાછળનાં ખિસ્સામાંથી વોલેટ કાઢવા હાથ નાખ્યો. વોલેટ નહોતું, એ ગાડી માં પડ્યું હતું. મેં એને ગાડી પાસે આવવા કહ્યું. ગાડીની સીટમાં બેસી ને ગાડીનો કાચ ખોલી વોલેટમાંથી સો રૂપિયાની નોટ આપી. તે તેના ખિસ્સામાંથી વીસ રૂપિયા છુટ્ટાં મને પાછા આપવા મથી રહ્યો હતો. સાહેબ બાજુમાંથી મને ઝડપથી નીકળવાની સૂચના આપી રહ્યા હતા. હું કેરેલીયનને તેની કમાણી, કેટલા સમયથી તે અહી છે એ બધું પૂછી રહ્યો હતો. તે મને છુટ્ટાં પૈસા આપવા માટે ખિસ્સામાં ફંફોસતા મને ઊતર આપી રહ્યો હતો. ત્યાં જ ધડામ કરતો એક મસ્ત જોરદાર અવાજ કેરેલીયનની પછીતે આવ્યો! આકાશમાં એક ટામી(સળિયો) ઉદ્ધવ દિશામાં ઊછળી. ખટારાનાં ટાયર કે જેમાં એ હવા ભરવા મુકીને આવ્યો હતો તેનું ટ્યૂબ વધુ હવાનું દબાણ સહન ન કરી શકતા મસ્ત ફાટ્યું હતું. એ કડે ચડ્યો! મેં વિશ રૂપિયા પાછા લેવા ન રોકાતા ગાડી રિવર્સ લઈ મારી મૂકી. રીઅર મિરરમાંથી જોતા મને લાગ્યું કે એ મને મોટી-મોટી ચોપડાવતો હતો. સાહેબ મારા પર બરાબરના ગિન્નાયા હતા. ફોનની રીંગ વાગી... એ ભૂપત નો ફોન હતો.

“ હં ..ભુપત ...બોલ”

“શેઠ, સાહેબો એ ચા-નાસ્તો કરી લીધો છે, હવે એ લોકો નીકળવાની તૈયારીમાં છે. શું કરૂ હવે? તમે કેટલે પહોચ્યા?”

“સરસ, એક કામ કર એ લોકોને અમૃત હોટેલ પર લઈ આવ, અમે ત્યાં જ પહોચ્યે છીએ”

“સારૂ...મારો પગાર...” એ ઉઘરાણી કરે એ પહેલા મેં ફોન કાપી નાખ્યો.સાહેબને કઈ સમજણ ન પડી. એ પણ કડે ચડ્યા! એ મને પૂછવા જતા હતા પણ મેં એને ધીરજ રાખવાની સલાહ આપી અને તે ચુપ થઈ ગયા.

પંદર મિનિટ પછી અમે અમૃત હોટેલ પર પર પહોચ્યા. એ હોટેલ આ વિસ્તારની ફેમસ હતી. ત્યાંની ચા વખણાતી, સાઈટની નજીક આવેલ હોઈ તથા ઉધારી આલતો હોય તે મારી ફેવરેટ હતી. અમે ગાડીમાંથી ઊતરી સાહેબોની પ્રતીક્ષા કરતા હોટેલની બહાર જ ઉભા રહ્યા. થોડીવાર માં ધૂવાળાના ગોટેગોટા કાઢતો ભુપત બાઈક લઈ હોટેલ પર આવી પહોચ્યો. તેની પાછલ એક ઈનોવા કાર આવી. મેં અંદાજો કાઢ્યો કે એમાં જ વર્લ્ડબેંક નાં અધિકારીઓ હશે.

હું અને સાહેબ એમને આવકારો આપવા ઈનોવા પાસે પહોચ્યા. તેમાંથી ઊંચા-ઊંચા બે ભુરીયાવ ઊતર્યા. તેમનો ગોરોગોરો વાન હતો. ગરમી અને તડકાને લીધે એનો ચહેરો લાલ ટમેટા જેવો થઈ ગયો હતો. એણે ફૉર્મલ કપડા પહેર્યા હતા. એમની સાથે એક ફાન્દાવાળાને જોઈ મને લાગ્યું કે એ કોઈ આપણા અધિકારી હશે.મેં સૌને ચા-નાસ્તો કરવા માટે હોટેલમાં આવવાની રીક્વેસ્ટ કરી. હોટેલ પર અમે પાંચ લોકો એક ટેબલ પર ગોઠવાયા. તેમણે વિઝિટ કરેલ કામ મેં જ કર્યું હતું એવું જાણી મારા પ્રત્યે માન થઈ આવ્યું. એક ભુરીયાયે મારા ખૂબ વખાણ કર્યા અને વિદેશોમાં પણ મારા જેવા ઇજનેર- કોન્ટ્રેક્ટરોની તાતી જરૂર છે એવું ભાર પૂર્વક કહ્યું.

મારા સાહેબ કડે ચડવાની ચરમશીમા પર પહોચી ગયા હતા. વેઇટર આવ્યો ને મેં તેને ત્રણ આખી ચા અને બે ખાલી કપ લેતો આવજે એવું કહ્યું. નાસ્તો ભુપતે ભરપેટ ખવડાવી દીધો હોય તેને નાસ્તાની મારી ઑફરનો અસ્વીકાર કર્યો. એમને બીજે પણ ઘણી જગ્યાએ વિઝિટ કરવાની હોઈ તેઓ મારો ખભો થાબડી નીકળી ગયા.

“એલા...સાચેજ તારા કામના વખાણ કર્યા! હું હજી માની શકતો નથી...સાચું કહે શું થયું હતું?”

મારાં સાહેબની ફાંદમાં ધમણ ઊપડી ગઈ હતી. એને વખાણનું કારણ જાણવાની જબરી ઉત્કંઠા હતી. તે મારી સામે અનિમેષ નજરે તાકી રહ્યા.

“કઈ નહિ સાહેબ, આપણી બાજુમાં એક મીનીસ્ટરનો બંગલો બને છે એની વિઝિટ એ લોકો કરી આવ્યા. આપણી સાઇટ પર તો તે લોકો ફરક્યા પણ નથી. મીનીસ્ટરને ક્યા પોતાના પૈસા નાખવાના હતા તે નબળું કામ કરે...તમે ય જોયું હશે કેવો ચકાચક બંગલો બનાવ્યો છે”

મારો જવાબ સાંભળી સાહેબ એવા કડે ચડ્યા કે.... એક હપ્તા સુધી નીચે જ ન ઊતર્યા.......