સાદગીમાં સૌંદર્ય Rekha Vinod Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાદગીમાં સૌંદર્ય

સાદગીમાં સૌંદર્ય

લે. રેખા પટેલ (વિનોદિની)

આ જગત આખું સુંદરતાનું પુજારી છે. હમેશાં લોકોની નજર સુંદર અને દેખાવડી વસ્તુને પહેલી પસંદ કરે છે. પછી તે લગ્નવિષયક જાહેરાત હોય કે ઘરનું કોઇ રાચરચીલું.

આ કારણે જ પોતાની બહેનથી ઓછી દેખાવડી શ્યામવર્ણી શીતલ નાનપણથી મનોમન હિજરાતી રહેતી હતી. વાત પણ સાચી હતી. બાળપણથી બીજા ભાઈ બહેનોની તુલનામાં તે રંગે શ્યામ હતી. ક્યારેક તો એનાં મા બાપ પણ તેની અવગણના કરતા. જ્યારે પણ ઘરમાં નવી વસ્તુ કે કપડાં આવતા ત્યારે પહેલી પસંદગી હમેશાં તેની મોટી બહેન કરતી, અને બાકીનું ‘લે, આ તને સારું લાગશે,’ કહીને શીતલને અપાતી હતી. નાનો ભાઈ કદી શીતલ નામથી બોલવતો નહી. એને હમેશાં કાળી કહી ચીડવતો હતો.એક માત્ર દાદી તેને ‘મારી શ્યામા’ કહી બોલાવતાં અને કહેતાં કે જે કૃષ્ણની પ્રિય સખી હોય તેને જ શ્યામા કહેવાય. દ્રૌપદી કૃષ્ણની પ્રિય સખી હતી તેથી જ તેને શ્યામા અને કૃષ્ણા ઉપનામ આપવામાં આપ્યું હતુ.

શીતલ રંગે શ્યામ હતી પણ તેની કાયા ઘાટીલી અને ત્વચા સુંદર અને ચળકતી હતી. બુદ્ધિમાં પણ એટલી જ તેજસ્વી હતી. સ્વભાવે નામ પ્રમાણે શીતળ અને સૌ સાથે સહજતાથી ભળી જતી. એની એક વિશેષતા એ હતી કે કોઇને પણ હમેશાં કામમાં મદદરૂપ થવાની. તેમ છતાં એનાં શ્યામ રંગના કારણે સ્કુલ અને હાઈસ્કુલમાં તેને આ રંગભેદ હંમેશા નડતો. જ્યારે વાર્ષિક મહોત્સવ નિમિત્તે કલ્ચરલ પ્રોગ્રામ થતા ત્યારે તેની અભિનય કળા બીજા બધા કરતાં વધારે વાસ્તવિક હોવા છતાં તેને ભાગે ખાસ સારૂં પાત્ર મળતું નહિ. આનું એક માત્ર કારણ હતું તેનો શામળો રંગ. તેમ છતાં તેના મળતાવડા સ્વભાવને કારણે મિત્રોમાં તે પ્રિય હતી.

મોટીબહેન રૂપા હંમેશા બ્યુટી પાર્લર અને સૌદર્ય પ્રસાધન પાછળ ખર્ચા કરતી અને જ્યારે પણ શીતલ આ માટે કંઈ કહે તો તેને તરત જવાબ મળતો કે, ”હું રૂપાળી છું અને એટલે જ મારા રૂપને સાચવવા હું પાર્લર જાઉં છું. તારે ક્યાં રૂપ સાથે નહાવા નિચોવા જેવું છે! તારે ક્યાં કોઈને બતાવવા તૈયાર થવાનું હોય છે.” આમ રૂપા દિવસે દિવસે અભિમાની થઇ ફરતી હતી.

શીતલ હંમેશા ચૂપ રહેવામાં માનતી પરંતુ ક્યારેક બહુ દુઃખી થાય તો તે મમ્મીને કે બાને આ બાબતે ફરિયાદ કરતી. મમ્મી હંમેશા કહેતી કે,”એ તો છે જ એવી. તું તેની સાથે શું કામ જીભાજોડી કરે છે?” કહી શીતલને ચુપ કરી દેતી. પણ બા ગુસ્સે થઈ રૂપાને કડવાં વેણ જરૂર કહેતાં.

હવે શીતલ કોલેજમાં આવી ગઈ હતી, જ્યાં રૂપા પણ ભણતી હતી. અહીં રૂપાને તેના મિત્રો સામે તેની બહેન તરીકે ઓળખાણ કરાવતાં બહુ સંકોચ થતો. શીતલ આ વાત જાણી ગઈ હતી તેથી તે સમજી કરીને તેનાથી દુર રહેતી હતી. કોલેજમાં બંને બહેનો હોવાં છતાં એક બીજાથી કિનારો કરી પોતપોતાનાં મિત્ર મંડળ સાથે રહેતા.

ધીમે ધીમે શીતલ એનાં મિલનસાર સ્વભાવને કારણે કોલેજના પહેલા વર્ષથી બધાને પ્રિય થઇ ગઈ હતી. જેમ જેમ ભણતર વધે તેમ ગણતર પણ વધે છે તેમ બધાનાં મન અને વિચારો બહુ સંકુચિત નહોતા રહ્યાં, તેથી સૌએ શીતલને પ્રેમથી અપનાવી લીધી હતી. એક બાજુ જેમ જેમ શીતલ બધામાં પ્રિય થતી જતી હતી તેમ તેમ રૂપાને તેની નાની બહેનની ઈર્ષ્યા થતી જતી હતી. તેમ છતાં બંને બહેનો હતી તો ઘરે આવતાં બધું બરાબર થઈ જતું હતું.

સમય જતાં રૂપાને કોલેજના ચાર વર્ષ પુરા થયા અને શીતલ હવે કોલેજના બીજા વર્ષમાં આવી હતી.

ઘરમાં હવે રૂપાનાં લગ્નની વાત ચાલવા લાગી. ક્યારેક મમ્મી બળાપો કાઢતાં, ‘મારે રૂપાની કોઈ ચિંતા નથી, પણ કોણ જાણે મારી આ શીતલને કેવો વર અને કેવું ઘર મળશે!’

તે દિવસે અમેરિકાથી આવેલો રવિ રૂપાને જોવા માટે આવવાનો હતો. ઘરમાં સહુ ખુશ હતા. રૂપા આગલા દિવસે પાર્લરમાં જઈ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી આવી હતી તેથી તેનો ચહેરો ખુશીથી ચમકતો હતો. તેનાં પગ તો જાણે જમીન ઉપર ઠરતા નહોતા. એ સુંદર રીતે તૈયાર થઈ રવિની રાહ જોતી હતી. ઘરમાં મહેમાન આવવાના હોવાથી શીતલે પણ સુંદર લાઈટ વાયોલેટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે લાંબા કાળા વાળને ખુલ્લા રાખ્યા હતા અને કપાળમાં નાની લાલ બિંદી ચોંટાડી હતી. બંને કાનમાં એનાં જ્ન્મદિવસમાં મામાએ આપેલા લાંબી સેર વાળા બુટિયાં પહેર્યા હતાં. ખુલ્લા વાળા અને નાકમાં જમણી બાજુ પહેરેલી વાળીને કારણે શીતલ બહુ સોહામણી લાગતી હતી.

રવિ તેના પરિવાર સાથે આવ્યો ત્યારે નાની બહેન હોવાના કારણે મમ્મી પાપા અને દાદી સાથે શીતલ બધાને આવકાર આપવા બહાર ઉભી હતી. રવિની નજર પહેલાં શીતલ ઉપર પડી અને તેને જોતોજ રહી ગયો. તે મનોમન બોલી ઉઠયો, “સાદગીમાં સૌંદર્ય તે આનું નામ”.

બારી પાસે ખુણામાં પડેલા કોતરણી વાળા કોર્નર ટેબલ ઉપર ઝીણી બારીકાઈથી ફૂલવેલની ગુંથણી ભરેલો ટેબલ ક્લોથ બેઠકખંડમાં આવનારા દરેકની નજરને ખેંચતો હતો. રવિ થોડીવાર પછી ત્યાં જઈને ઉભો રહ્યો અને ઘ્યાન પૂર્વક પેલા રૂમાલને જોઈ રહ્યો. તેને આમ જોતા રૂપાનાં બા ત્યાં આવી પહોચ્યાં.

” શું જોઈ રહ્યા છો, કશું જોઈએ?”

” બા આ સુંદર કલાત્મક ડિઝાઈનનો ટેબલ ક્લોથ ક્યાંથી લાવ્યા? આવી આર્ટ પરદેશમાં જોવા નથી મળતી,” રવિ અહોભાવપૂર્વક બોલ્યો.

” બેટા આ મારી દીકરી શીતલની હસ્ત કારીગરી છે, આવું તો કેટલુંય તે જાણે છે” બાના આવાજમાં આનંદ છલકાતો હતો.

આટલું સાંભળતાં રવિ શીતલ સામે જોઈ ગર્વથી હસ્યો. જવાબમાં શીતલ બોલી ” હા આવો બીજો ટેબલક્લોથ જતી વેળાએ હું તમને અમેરિકા લઇ જવા ભેટમાં ચોક્કસ આપીશ”.

થોડીવાર પછી રૂપા ચા – નાસ્તાની ટ્રે લઈને બહાર આવી. બધાએ સાથે મળી કેટલીક વાતો કરી. આ દરમિયાન અહીં બધાને શીતલના મૃદુ સ્વભાવનો, તેની સૌમ્યતા અને વાચાળતાનો અનુભવ થઈ ચુક્યો હતો. થોડીવાર પછી રૂપા અને રવિએ એકબીજા સાથે એકાંતમાં વાતચીત કરી. જતી વેળાએ રવિના માતા પિતાએ ‘બે દિવસ પછી જવાબ આપીશું’, કહી વિદાય લીધી. આ તરફ રૂપાને તો વિશ્વાસ હતો કે રવિ તેને હા જ કહેવાનો છે.

બે દિવસ પછી રવિના પપ્પાનો ફોન આવ્યો. તેમણે કહ્યુ,”નવીનભાઈ, રવિને તમારી દીકરી પસંદ છે પણ માફ કરજો તેણે રૂપા પર નહી, શીતલ પર પસંદગી ઉતારી છે.”

“શું…….? “આટલું બોલ્યા તો નવિનભાઈના હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો. ફકત એટલું જ બોલી શક્યા, “પણ રૂપા અમારી મોટી દીકરી છે, અને વધુ દેખાવડી પણ છે.”

“નવીનભાઈ, તમારી વાત સાચી છે પણ મારા દીકરો અમેરિકામાં રહે છે. અને ત્યાં છોકરીના એકલા રૂપ પરથી એનું મૂલ્ય અંકાતું નથી. દેખાવ સાથે સાથે એનાં આંતરિક ગુણોની પણ નોંધ લેવાય છે. ઉપરાંત ત્યાં કાળા રંગનો કોઇ છોછ નથી. તમારી શીતલ તો નાજુક નમણી અને સૌમ્ય સ્વભાવ અને મીઠી વાચાળતા ધરાવતી દીકરી છે.”

નવિનભાઈને શાંત થયેલા જોઈ તેમણે કહ્યું, “જુઓ નવિનભાઇ, અમને બધાંને પણ શીતલ પસંદ છે. જો તમારી હા હોય તો અમે શીતલનું માગું નાખીએ છીએ”. રવિના પપ્પાએ છેલ્લો જવાબ આપ્યો.

આટલું સારું ઘર અને છોકરો નવીનભાઈ છોડવા તૈયાર નહોતા આથી તેમને જવાબ આપ્યો, ”ભલે જેવી તમારી મરજી. હું ઘરમાં બધાને પૂછીને જવાબ આપું છું,” કહીને ફોન મૂકયો.

ઘરમાં બધાને આ જાણીને બહુ નવાઈ લાગી.બા એ મોકો જોઇને હસતા હસતા કહ્યું,”મારી શ્યામાને તો રૂડો રૂપાળો કાન મળ્યો”.

આજે પહેલી વાર રૂપાનું અભિમાન તૂટી પડ્યું. તેને સાક્ષાત્કાર થયો કે સુંદરતાના દાયરામાં એકલા રંગની ગણના નથી થતી. રૂપ અને રંગની કરતાં આંતરિક સૌંદર્યનાં મૂલ્યો વધુ મહત્વના હોય છે.

લે. રેખા પટેલ (વિનોદિની)