ધક્ ધક્ ગર્લ
[પ્રકરણ-૧૯]
લેખક: અશ્વિન મજીઠિયા
બીજે દિવસે ઓફિસમાં રજા હતી અને હું ઘરમાં એકલો જ હતો.
મમ્મી મારી માસીને ત્યાં તેનાં દીકરાનાં જનોઈ-મુંડનનાં ફન્કશનની તૈયારીમાં મદદ કરવા માટે ગઈ હતી.
તે ફન્કશનને તો જો કે હજી ઘણા દિવસ બાકી હતા, પણ અહીં પુનામાં બીજી જ્ઞાતિઓ કરતાં બ્રાહ્મણોમાં આ જનોઈનાં રીવાજને બહુ બધું મહત્વ આપવામાં આવે છે, અને અમે ભલે ગુજરાતી-બ્રાહ્મણ રહ્યા પણ અહીંના મરાઠી બ્રાહ્મણોની દેખાદેખીમાં તેમનાં ઘણા રીવાજો અમે પણ અપનાવી લીધાં છે, અને જનોઈને એક ગ્રાન્ડ-ઇવેન્ટ બનાવી દીધો છે.
મારી મમ્મીનું પિયર અહીં પુનામાં જ હોવાથી તેનાં ખુબ બધાં રીલેટીવ્સ અહીં પહેલેથી જ વસેલા છે, એટલે કોઈ પણ પ્રસંગ હોય..પબ્લિક તો ખુબ બધી જમાં થઇ જાય, એટલે જનોઈ જેવા ઈમ્પોરટંટ પ્રસંગની તો પુષ્કળ તૈયારીઓ કરવી જ પડે તેમ હતી. તેને લીધે મમ્મીની તો હમણાથી જ માસીના ઘરે ફૂલ ટાઈમ ડ્યુટી લાગી ગઈ હતી.
જો કે તે ઘરમાં ન હોવાથી આજે મને એક ફાયદો થઇ ગયો કે મને પપ્પા સાથે અચાનક જ એક એવું એકાંત મળી ગયું જેની મને ખાસ જરૂર હતી.
મમ્મી મોટેભાગે ઘરે જ હોતી હોવાથી પપ્પા સાથે પ્રાઈવેટ ટાઈમ મને ભાગ્યે જ મળે.
આમ તો મારે જો કે તેવા ટાઈમની ખાસ જરૂર પડતી નથી, પણ ધડકન સાથેનાં મારા અફેરની વાત જો મારે ઘરમાં કરવી જ હોય તો ડાઈરેક્ટ મમ્મીને તો ન જ કરી શકાય. કારણ ત્યાંથી તો સ્ટ્રોંગ રીએક્શન્સની શક્યતાઓ અપાર હતી.
એટલે પપ્પા સાથે એકાંતમાં થોડી વાત થઇ જાય તેવું હું ઈચ્છતો હતો અને તે મોકો આજે સવારે મને મમ્મીનાં માસીને ઘરે જવાથી અનાયાસે જ મળી ગયો.
સવારે તેઓ પોતાનાં ઑફીસ કામકાજ માટે નીકળે તે પહેલાં જ મેં તેમની સામે મારા પત્તા ખોલી નાખ્યા.
.
"પપ્પા..!"
"યસ બેટા..?"
"પપ્પા આયે'મ ઇન લવ. પંજાબી છોકરી છે અને મારે તેની સાથે મૅરેજ કરવા છે. ઈન્ટર-કાસ્ટ મૅરેજ."
"વૉટ? શું બકે છે તું? ઇન્ટર-કાસ્ટ મૅરેજ? તારી અક્કલ તો ઠેકાણે છે ને..? ઈમ્પોસિબલ..! કોઈ કાળે નહીં."
"પણ તમે એકવાર તેને મળી તો જુઓ."
"નથીંગ ડુઈંગ..! મારી ઉપરવટ જઈને લગ્ન નથી કરવાનાં. અને કરવા જ હોય તો ગેટઆઉટ...!! મારા ઘરમાં બિલકુલ નહીં ચાલે આ ઇન્ટર-કાસ્ટ મૅરેજ."
.
.
રીલેક્સ ફ્રેન્ડસ...! આવું કંઈ જ નથી થયું.
હા, મારી વાતના જો પ્રત્યાઘાતો પડ્યા હોત તો તે કદાચ આવા જ હોત, કારણ પ્રત્યાઘાતો આવા જ હોય..એકદમ સ્પોન્ટેનીયસ.. અગલ પાછળનું વિચાર્યા વિનાના..સંબંધો બગડે કે તૂટે તેની પરવા ન કરનારા..
તે ઉપરાંત..
પ્રત્યાઘાતો કદી અપાતા નથી હોતા..પ્રત્યાઘાતો તો પોતમેળે જ પડી જતા હોય છે...મોટેભાગે આપણા કન્ટ્રોલ-બહારની જ વાત હોય છે તે.
બટ, મારા પપ્પાએ તો તેમનાં મનમાં ઉઠતાં પ્રત્યાઘાતોને સફળતાપૂર્વક ડામીને તેની બદલે પોતાની પ્રતિક્રિયાઓ આપી.
અને પ્રત્યાઘાતોની જેમ પ્રતિક્રિયાઓ આપોઆપ બહાર નથી આવતી..પ્રતિક્રિયાઓ તો હંમેશા અપાય છે..કંઇક સમજી વિચારીને..ઠંડે કલેજે..શાંત ચિત્તે..!
અને પ્રતિક્રિયાઓ ફાયદો કરે કે ન કરે...પણ નુકસાન તો લઘુત્તમ જ કરે.
.
[આ બધું જ્ઞાન મારી પ્રેયસી ધડકનને તેનાં સાઈકોલોજીનાં ક્લાસમાં મળ્યું છે, જે તેણે એકવાર ફુરસદમાં બેઠા બેઠા મને આપ્યું અને મેં હવે તમને લોકોને પાસ-ઓન કર્યું.. ]
.
એની વે, પ્રત્યાઘાત અને પ્રતિક્રિયાનો તફાવત મને ત્યારે જ સમજાયો કે જયારે પપ્પાએ મારી વાત પર આરામથી...ઠરેલ દિમાગે રીએક્ટ કર્યું.
"પપ્પા..!"
"યસ બેટા..?"
"પપ્પા આયે'મ ઇન લવ. પંજાબી છોકરી છે અને મારે તેની સાથે મૅરેજ કરવા છે. ઈન્ટર -કાસ્ટ મૅરેજ."
પપ્પાએ મારા તરફ એક ધારદાર નજરથી જોયું, અને એકાક મિનીટ સુધી જોતા જ રહ્યા,
[તે દરમ્યાન કદાચ તેઓ પોતાનાં મનમાં ઉઠતા પ્રત્યાઘાતોને ડામવાની કોશિષ કરતાં હતા..મારી વાત સમજવાની કોશિષ કરતા હતા..કે પછી પોતાની પ્રતિક્રિયાઓ તૈયાર કરી રહ્યા હતા.]
.
"મૅરેજ? ઇન્ટર-કાસ્ટ મૅરેજ? વેઇટ અ મીનીટ. આટલું જલ્દી ડીસીઝન ન લેવાય બેટા, આ તો આખી જિંદગીનો સવાલ છે. તું મને ડીટેઈલમાં બધું કહે. હાઉ ઈઝ શી લુકિંગ? એજ્યુકેશન કેટલું છે? આપણી કરતાં અલગ કાસ્ટ છે પણ એનું ખાનદાન કેવું છે? એમનાં સમાજમાં તેમનું નામ કેવું'ક છે? આપણે કંઇક તપાસ કરવી હોય તો આ જરૂરી છે."
મારાં પપ્પાનું આટલું પોઝીટીવ વર્તન મારા માટે અણધાર્યું તો હતું જ, પણ એક સુખદ આંચકો દેતું તે મારી હિમ્મત વધારનારું પણ હતું.
"દેખાવમાં તો ડીસન્ટ છે પપ્પા, ગ્રેજ્યુએશનનાં લાસ્ટ યરમાં છે. મારાથી ચાર-પાંચ વર્ષ નાની છે પણ ખુબ જ મેચ્યોર નેચરની છે. અને હું આપણા ફેમીલીનું ખરાબ તો નહીં જ ઈચ્છું ને પપ્પા? તમે એકવાર તેને મળી તો જુઓ. આયે'મ શ્યોર તમને પણ ગમી જ જશે."
"લીસ્સન, ઇન્ટર-કાસ્ટ આમ તો આપણે ચાલે જ નહીં..ડુ યુ નો સમાજમાં આપણું કેટલું ખરાબ દેખાય..? યુ શુડ હેવ થોટ અબાઉટ ધૅટ. પણ ઠીક છે. લેટ અસ મીટ હર અને જોઈએ શું થઇ શકે છે આમાં. બાકી તારી મમ્મીને કન્વીન્સ કરવી સહેલી નહીં જ હોય તે વાત તું સમજી લેજે."
.
તે પછીની દસ-પંદર મિનીટ મેં ધડકનની જ વાત કરી ને પપ્પાએ શાંતિથી સાંભળી, પણ કોઈ નક્કર જવાબ ન આપ્યો.
કોઈ મહત્વનો નિર્ણય ન લેવાયો પણ મારું મન હળવું જરૂર થઇ ગયું કે ઘરમાં કોઈક સામે તો હું મારું હૈયું ઠાલવી શક્યો છું.
મમ્મીને તો હમણાં પપ્પા કોઈ જ વાત નહીં કરે તેની મને ખબર જ હતી મને તેમનો સપોર્ટ કેટલો મળશે તેની કોઈ જ ખબર નહોતી પણ તોય..
મારા મન પરનો એક બોજો તો હળવો થઇ જ ગયો અને તે જ મહત્વનું હતું.
પપ્પાનાં ગયા પછી ઘરમાં હું સાવ એકલો અને નવરો જ પડી ગયો તો વિચારોમાં ને વિચારોમાં મગજનું દહીં થઇ ગયું.
આગલા દિવસની ઘટનાઓ ક્રમાનુસાર આંખો સમક્ષ આવતી જતી રહી.
ગઈકાલે ધડકનના ઘરે તન્વીએ ઉચ્ચારેલી અવળ-વાણીને કારણે ધડકનનો ઉતરેલો ચહેરો મારા હૃદયમાં સોંસરવો ઉતરી ગયો હતો અને ત્યાં રહી રહીને મને એકધારી વેદના આપી રહ્યો હતો.
"ઇટ્સ અ પે-બૅક ટાઈમ.." -એકાએક મારા મનમાં વિચાર આવ્યો.
તન્વીને તેનાં વર્તનનો જવાબ આપવાનો સમય આવી ગયો હતો તેવું મને ચોક્કસપણે લાગ્યું અને ફોન કરીને તેને બેચાર ચોપડાવી દેવાના વિચારે મેં ફોન ઉપાડી તેનો નમ્બર જોડ્યો.
"હાય તન્મય..ગુડ મોર્નિંગ..!" -બે રીંગ વાગતાની સાથે જ તન્વીએ ફોન ઉપાડ્યો.
"ગુડ મોર્નિંગ..માઈ ફૂટ..!" -હું ચિડાઈને બોલ્યો.
"કા? કાય ઝાલં? તારી નવી ગર્લફ્રેન્ડ સાથે ઝગડો થયો કે?" -તેણે કટાક્ષભર્યું હસતાં કહ્યું.
"શટ અપ તન્વી..!"
"નો..આઈ વોન્ટ..! બોલ તન્મય કાય ઝાલં? ફાલતું કારણસર તે ઝગડી કે તારી સાથે? મને ખબર જ હતી કે આવું જ થશે..એવી જ છે તે તન્મય. યુ વીલ નૉટ બી હૅપ્પી વીથ હર."
“ઓહ..આઈ કાન્ટ બિલીવ કે તું તે જ તન્વી છે કે જેને હું પ્રેમ કરતો હતો."
"હતો? નહીં તન્મય..! હતો નહીં છે. તું હજુયે મને પ્રેમ કરે...છે. કાલે મેં તારી આંખોમાં મારા માટેનો પ્રેમ જોયો છે."
"વૉટ..? તારું ઠેકાણે તો છે ને..?"
"જો ને તન્મય..તું જ જો ને. આપણે બંને જયારે એકત્ર હતા ત્યારે ક્યારેય તું આટલો ચિડાયો છે કે? હાઉ હૅપ્પી વી વેર ટુગેધર..! તો આતા કાય ઝાલં?”
"તન્વી જરા સમજ..યુ આર મૅરીડ નાઉ અને આપણું બ્રેક અપ થઇ ગયું છે."
"મૅરીડ? ઓકે, અગ્રીડ...પણ બ્રેકઅપ? તું તો આવું ક્યારેય બોલ્યો જ નથી અને મેં પણ બ્રેકઅપનું કહ્યાનું મને યાદ નથી."
"ઓ..કમઓન..એમાં કહેવાની શું જરૂર હોય. તું શાદીશુદા છે.. બસ..!"
"સો વૉટ? છોકરીઓ શું એક્સ્ટ્રા મેરીટલ અફેઅર્સ ન રાખી શકે કે? ઓકે..આપણે ડીસાઈડ કર્યું હતું કે આપણે મૅરેજ નહીં કરીએ..વિચ ઈઝ ઓકે. પણ આપણે ક્યારેય એવું નહોતું કહ્યું કે આપણે પાછા એકત્ર નહીં થઈએ.."
"તો..પાછા એકત્ર થશું એવુંય આપણે નહોતું કહ્યું...સમજી.?"
"ઓકે..તો હું કહું છું ને હવે અત્યારે. આઈ મિસ્સ યુ તન્મય."
"તન્વી મેં તને બીજા જ કોઈ મૅટર પર વાત કરવા ફોન કર્યો હતો બટ આઈ ગેસ્સ..તારી સાથે વાત કરવાનો કોઈ અર્થ જ નથી. ઠીકે..જો મેં પહેલા ન કહ્યું હોય...તો હવે કહું છું કે આઈ વૉન્ટ ટુ બ્રેકઅપ વિથ યુ. ગેટ લૉસ્ટ તન્વી નેવર ટુ સી યુ અગેઇન."
"આઈ નો તન્મય..તું ધડકનનાં વર્તનથી ને તેનાં ઈમોશનલ ડ્રામાથી ઇરીટેટ થયેલો છે. પણ મને એય ખબર છે કે મારા મૅરેજ થયા ત્યારે તું પૂર્ણપણે લથડી ગયો હતો. મે બી..ધડકને ત્યારે તને તેનો ખભો ઓફર કર્યો હોય...કે કદાચ બીજું પણ કંઈ ઓફર કર્યું હોય. પણ તું આવી છોકરીઓને ઓળખતો નથી તન્મય..ધડકન કોઈ બાજારુ છોકરીથી બિલકુલ જ કમ નથી..જસ્ટ અ વ્હોર...અ સલ્ટ...!"
"ઈનફ તન્વી..!!!" -હું શક્ય એટલા જોરથી બરાડી ઉઠ્યો. અમારા ફ્લોર પર તો શું આખી બિલ્ડીંગમાં મારો અવાજ કદાચ સંભળાયો હશે- "આજે હું તને પ્રોમિસ કરું છું કે દુનિયા ચાહે ઇધર કી ઉધર થઇ જાય પણ હું ધડકન સાથે લગ્ન કરીને જ દેખાડીશ ને ભગવાનની ય પહેલા..સૌથી પહેલી કંકોત્રી હું તને મોકલીશ. જા..બર્ન ઇન હેલ્લ.."
"તન્મય..પ્લીઝ..!"
તે આગળ પણ કંઇક બોલતી હતી પણ કંઈ સાંભળ્યા વગર જ મેં ફોન બંધ કરીને જમીન પર પટકી દીધો.
થોડીવારમાં ફોનની રીંગ ફરી વાગવા લાગી.
ચિડાઈને સોફા પરના બેચાર કુશન્સ અને સેન્ટર ટેબલ પરના મેગેઝીન્સ મેં ફોન પર ફેંક્યા. તન્વીનો ફોન લેવાની મને બિલકુલ ઈચ્છા નહોતી.
આમ ને આમ બે ત્રણ વાર ફોન વાગતો રહ્યો ને પછી બંધ થઇ ગયો. હું હજીયે સંતાપથી ધ્રુજી રહ્યો હતો. ધડકન માટે તન્વી આવા શબ્દો વાપરી જ કેવી રીતે શકે...!
પાંચ-દસ મિનીટ વીતી હશે કે ડોર-બેલ રણકી.
તન્વી હોય તેવી શક્યતા તો ઓછી જ હતી..આટલા ઓછા સમયમાં તે અહીં પહોંચી જ ન શકે.
કોઈ સેલ્સમેન વગેરે હશે તો આજે તો તેની ખેર નથી..એમ વિચાર કરતો હું ફડફડ કરતો ઉઠ્યો ને દરવાજો ખોલ્યો.
તો મારી સરપ્રાઈઝ વચ્ચે બહાર ધડકન ઉભી હતી.
ફિક્કા પીળા રંગના પંજાબી સુટ ને મોરપિચ્છ કલરની કોન્ટ્રાસ્ટ ચુન્નીમાં શોભતી, કાનમાં ખુબ જ લાંબા એવા લટકણ..હાથમાં આઠ-દસ બંગડીઓ ને લાઈટ પિંક કલરની લીપ્સ્ટીક.
હું તો બસ બધું ભૂલીને તેને જોતો જ રહ્યો.
"હું અંદર આવું તો ચાલશે કે?" -હસતા હસતા તે બોલી.
"ઓહ..સૉરી..! પ્લીઝ..પ્લીઝ કમ ઇન."
અંદર આવીને ધડકને આજુબાજુ નજર દોડાવી. કવર છોડીને જમીન પર પડેલો મારો ફોન..સોફા પરનાં કુશન્સ..મેગેઝીન્સ..છાપાંઓ..બધું નીચે જમીન પર વિખરાયેલું પડ્યું હતું
ને ફ્લાવર-પોટ પણ આડો પડી ગયેલો.
"મમ્મી નથી કે ઘરે?" -ધડકને આસપાસ જોતાં પૂછ્યું.
"અં..? મમી...? ના નથી તે ઘરે."
"શું થયું છે અહીંયા?” -જમીન પરથી બધી વસ્તુઓ ઠેકાણે મુકતા તે બબડી.
ફોનને ફરીથી કવરમાં નાખી ને ટેબલ તેણે પર મુક્યો ને ફ્લાવર-પોટ સીધો કરી તેમાંના તાજા ગુલાબની પાંખડીઓ સરખી કરવા લાગી.
હું હજુયે બાઘાની જેમ જ ઉભો હતો.
ધડકને તેનાં પર્સમાંથી કેસરી કલરનું જર્બેરાનું ફૂલ કાઢ્યું, ને મારા હાથમાં મુક્યું.
કેટલું સોહામણું હોય છે જર્બેરાનું ફૂલ..પણ ધડકનના હાથમાં તેનું રૂપ કંઈ જ વિસાતમાં નહોતું લાગતું.
હું તે ફૂલ હાથમાં પકડીને તેમ જ ઉભો રહ્યો.
"વૉટ હૅપન્ડ શોનુ? આટલો ડીસ્ટર્બડ કેમ લાગે છે?"
"તન્વીને ફોન કર્યો હતો.." -તેને કહેવું કે ન કહેવું તેવી દુવિધામાં જ હું બોલી પડ્યો.
સાંભળતા જ તેનાં કપાળ પરની કરચલીઓમાં જાણે કે ગુણાકાર થયો.
"મને ખબર છે..આઈ નો..! તને આ ગમશે નહીં, પણ કાલે જે પદ્ધતિથી તે તારી સાથે વર્તી..તો મારાથી રહેવાયું નહીં..એટલે.."
"શું થયું તેનાથી તન્મય? શું ફર્ક પડ્યો? આખરે ડીસ્ટર્બડ તો તું જ થઇ ગયો ને..! છોડ ને..વિસરી જા બધું.. ચલ ગેટ રેડી..ક્યાંક ફરી આવીએ."
"આટલી સવાર સવારમાં?"
"તું ચાલ તો..સમજાશે તને પછી. અને જીન્સ-ટીશર્ટ વગેરે નહીં પહેરતો. કુર્તો કે એવું કંઇક પહેર. ઓકે?"
મને કંઈ પૂછ્યા કર્યા વિના તેણે ટીવી ચાલુ કર્યું..ડ્રોઅરમાંથી રીમોટ કાઢ્યું ને ટીવી જોવા લાગી.
મારા ઘરમાં તેને આટલું કમ્ફર્ટેબલ ફીલ થાય છે તે જોઇને મને ખુબ જ સારું લાગ્યું.
બધું જો સમુંસુથરું પાર પડ્યું તો આવતા થોડા મહિનામાં જ ધડકન મારા આ ઘરમાં આવી જશે..મિસીસ ધડકન તન્મય ત્રિવેદી બનીને..!
મનોમન મલકાતો મલકાતો હું અંદર ત્યાર થવા ગયો.
.
લગભગ કલાકે'ક પછી અમે ગુરુદ્વારા સામે ઉભા હતા.
ધડકને પોતાના સેન્ડલ્સ કાઢીને એક ખૂણામાં મુક્યા.
ચુન્ની માથે ઓઢી અને હાથ જોડી આંખો મીંચીને કેટલીય વાર સુધી તે ઉભી રહી.
હું તો બસ તેને જ જોતો ત્યાં ને ત્યાં ઉભો હતો..એ જ વિચારતો કે એન્જલ્સ આવા જ દેખાતા હશે કે?
ગેટમાંથી અંદર પેસતા જ એક અજબની શાંતિ મનમાં અનુભવાઈ.
એક ખૂણામાં નીક વાટે ઠંડુગાર પાણી વહેતું હતું..તેમાં પગ ડુબાવી અમે અંદર ગયા.
માથે રૂમાલ બાંધીને મારું માથું ઢાંકી લેવાની સુચના ધડકને મને આપી, તે પછી તો અહીં એક્ચ્યુલી કેમ અને શું કરવાનું હોય તેની ખાસ કંઈ જ ખબર ન હોવાને કારણે હું ધડકનની પાઠોપાઠ જ..તે જેમ કરતી હતી તેમ કરતો ગયો.
ગ્રંથ-સાહિબ સામે માથું ટેકવીને અમે બહાર આવ્યા એટલે એક વિશાળ વૃક્ષ નીચે બેઠેલા કોઈક પુજારી તરફ તે ચાલી..એટલે હુંયે તેની સાથે સાથે ત્યાં ગયો.
ધડકનને જોઇને તેમનાં ચહેરા પર એક હાસ્ય રેલાઈ ગયું.
"ત્વ્હાડા કી હાલ હૈ જી?" -તે પૂજારીએ ધડકનને પૂછ્યું.
"ઠીક હી હૈ..વાહ-એ-ગુરુજી." -ગરદન નમાવીને ધડકને તેમનું અભિવાદન કર્યું અને પછી મારી તરફ ઈશારો કરીને કહ્યું- "ધીસ ઈઝ તન્મય."
"સત્ શ્રી અકાલ..!" -મારી તરફ જોઇને તેમણે હાસ્ય ફેલાવ્યું.
મેં ફક્ત સામું હસીને તેમને નમસ્કાર કર્યા.
ઘૂંટણભેર બેસીને ધડકન તેમનાં કાન તરફ પોતાનાં હોઠ લઇ ગઈ અને ધીમેથી કંઇક બોલી.
તે પૂજારીએ મારી તરફ હસીને જોયું અને બાજુમાં પડેલી એક નાની પેટીમાંથી એક પીળા-કેસરી રંગનો ધાગો કાઢ્યો.
આંખો મીંચીને કપાળે ચડાવીને પછી તે ધાગો તેમણે ધડકનના કાંડે બાંધ્યો ને તે પછી ફરી એક ધાગો કાઢીને મારા કાંડે બાંધ્યો.
અમે ફરી વાંકા વાળીને તેમને પગે લાગ્યા અને પછી ત્યાંથી થોડે દુર આવેલી એક લોઉનનાં ઠંડા લીલાછમ ઘાસ પર જઈને બેઠા.
"આ...? આ શેના માટે? -હાથના ધાગા તરફ ઈશારો કરીને મેં પૂછ્યું.
"એમ જ..! ધીસ વિલ પ્રોટેક્ટ યુ ફ્રૉમ બૅડ થિંગ્સ."
"બૅડ થિંગ્સ મ્હણજે?
"મ્હણજે..તે કે જેનું નામ આપણે નથી લેવાનું.." -આછું હસીને તે બોલી- “ઓકે..તો બોલ શું થયું હતું ત્યારે? કેમ એટલો ચીડાયેલો લાગતો હતો તું?"
મેં ધડકનને બધી જ વાત કરી.
મને લાગ્યું કે તે પણ ડીસ્ટર્બડ થઇ જશે મારી જેમ જ...પણ તે બસ શાંતિપૂર્વક સાંભળતી જ રહી.
"જવા દે. સાચું પૂછો તો તારે તેને ફોન કરવાની કોઈ જરૂર જ નહોતી." -આખરે તે બોલી.
"એવું કેવું? તેણે જે કાલે મારી ગર્લફ્રેન્ડ સાથે વર્તન કર્યું તેની મારે ભરપાઈ નહીં કરી આપવાની કે?" -હું ફરી ચિડાઈ ગયો.
"મને ત્રાસ થયો એટલે તને ગુસ્સો આવ્યો?" -ધડકને મારી આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.
"ઑફ કોર્સ..!"
"મૈ તૈનું પ્યાર કરના..!" -પોતાની નજરો ઢાળીને નીચે ઘાસનું એક તણખલું તોડી..તેની સાથે રમત કરતી કરતી તે શરમાઈને બોલી.
"અત્યારે? અહીં?" -જાણે શોકનો ધક્કો બેઠો હોય તેમ હું બોલ્યો.
"શું અત્યારે..અહિયાં? " -તેણે આંખો ઉઠાવીને પૂછ્યું.
"તે જ.. કે જે તું કહી રહી છે..મૈ તૈનું પ્યાર કરણા..આઈ મીન..તારે મને પ્રેમ કરવો છે ને..? પણ અહીં?"
"અરે યાર..એનો મતલબ કે આઈ લવ યુ, અને એમ નહીં કે..આઈ વૉન્ટ ટુ મેક લવ ટુ યુ. તું પણ એવો છે ને..! કુછ ભી..!" -પોતાનાં હોઠ પર હથેળી ચાંપીને દબાતા હાસ્ય સાથે તે બોલી.
હું લુચ્ચું હસ્યો તો કેટલીય વાર સુધી તે મારી તરફ તોફાની નજરે તે જોતી જ રહી.
"નાઉ વૉટ..?" -ન રહેવાતા આખરે મેં પૂછ્યું.
"કંઈ નહીં..!"
"કંઈ નહીં નહીં ચાલે.. બોલ કંઇક.."
"માય સ્વીટુ..કેટલો મીઠડો છે રે તું..!" -હસતાં હસતાં હળવે હળવે આમથી તેમ ગરદન હલાવતા તે બોલી.
કોણ કહે છે કે છોકરાઓને શરમાતા નહીં આવડતું..?
જસ્ટ લુક ઍટ મી ફ્રેન્ડસ..આઈ એમ બ્લશિંગ...!
[ક્રમશ:]
.
.
.
.
_અશ્વિન મજીઠિયા..