વોઈસલેસ વેદશાખા - 2 Poojan Khakhar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

વોઈસલેસ વેદશાખા - 2

વોઈસલેસ વેદશાખા ૨

__________________________________________

પૂજન ખખ્ખર

૨. વેદાંત

અડધી કલાકના માવઠા પછી આકાશ જાણે ખૂલી ગયું છે. સંધ્યા જાણે નવી દુલ્હન પરણીને સાસરે આવી હોય એમ ખીલી ઊઠી છે. ઋતુના આ અંતિમ વરસાદમાંનો એક વરસાદ હશે એમ વાતાવરણ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એવામાં બારીએ ૬ બાય ૬ ના પલંગમાં બેઠા-બેઠા વેદાંત રસ્તા પર રમી રહેલા નાના-નાના ભૂલકાઓને જોઈ રહ્યો છે. તેમનો નિષ્ફિકર ચહેરો, ખિલખિલાટ હાસ્ય અને એમનો ઉત્સાહ જોઈ વેદાંતને પોતાને બાળપણમાં જવાનું મન થાય છે.

"બેટા, સરખું પેપર લખજે.. અને જે ના આવડે એ મૂકી દેજે.. કોઈના માંથી ના લખતો." આમ પોતાના માથામાં હાથ ફેરવતી માં અને તેના વાક્યો વેદાંતને હજુ યાદ છે. ૧૦ વર્ષની ઉંમરે તેના જીવનમાં આવેલો એ કપરો સમય એને જીંદગી ક્યા સમયે પોતાને રંગ બદલશે એ આપણા હાથમાં નથી એ સમજાવી ગઈ. બહુ નાની ઉંમરમાં જવાબદારીનું ભાન થઈ જવાથી અને સમય જતા અમૂલ્ય વસ્તુ ખોઈ નાખવાથી એ દુનિયાથી પર રહેવા લાગ્યો હતો. આગલા ૭ વર્ષોમાં પોતાની ખામી પર જીતવા તેને કરેલ સંઘર્ષો તે જીવનમાં ક્યારેય નહિં ભૂલી શકે. આજે આ ઘરમાં બેઠા-બેઠા તેને વિચાર આવે છે કે "સાલુ મારી હારે જ આ શુંકામ? આના કરતા તો જન્મજાત ખોડખાપણ હોવું સારું. જીંદગી પણ કેવી રમત રમી ગઈ! ૧૦ વર્ષની ઉંમરે એક જ ઝાટકામાં બધુ લઈ ગઈ!"

"મિત્રો, જ્યારે પણ તમને એમ થાય કે તમે સામાન્ય મનુષ્ય કરતા નીચા છો.. કુદરતે તમારી સાથે કંઈક ખોટું કર્યું છે ત્યારે તમારી આંખને બંધ કરીને તમારા મન અને મગજને જવાબ આપવાનું બંધ કરી દો." શાળામાં શીખવાડેલા આ મંત્રને યાદ કરી વેદાંત પોતાના મગજને સંપૂર્ણપણે જવાબ આપવાનું બંધ કરી દે છે. વેદાંત પોતાની આંખ બંધ કરીને ટટ્ટાર બેસી જાય છે.

*****

"વેદાંત ત્રિવેદી.. તમને તેડવા માટે કોઈ આવ્યુ છે." વેદાંત પગથિયાં ઊતરી નીચે જાય છે. તે મનોમન વિચારે છે કે મને અત્યારે કેમ અહિં બોલાવ્યો હશે? કાકાને નીચે રિસેપ્શનમાં જોઈ તેના મનમાં અઢળક પ્રશ્નો થાય છે. "કાકા, તમે અહિં?? કેમ શું થયુ?" કાકાનો પ્રત્યુત્તર ન મળતા તે વિચારવા લાગે છે. કાકાના હાવભાવ અને તેના ચહેરા પરથી કંઈ થયુ હોવાની આશંકા લાગે છે. બહુ વધારે ચર્ચા ન કરતા તે સીધો બાઈક પર બેસી જાય છે. ઘરની થોડે દૂર જ કાકા સ્કૂટર રાખી દે છે. ઘરની નજીક પહોંચતા રોવાનો અવાજ અને પોક સંભળાતા વેદાંત ગભરાઈ જાય છે. રૂમમાં દાખલ થતા પોતાના પપ્પાની લાશ જોઈ તે અવાક થઈ જાય છે. ઘટાદાર વૃક્ષનું થડ જાણે તૂટી ગયુ હોય ને સૂકાઈ ગયેલા પાંદડાની જેમ તેની માંની પરિસ્થિતિ જોઈ તે પોતે ભાન ખોઈ બેસે છે. આ ઉંમરે આવા સમયે શું કરવુ? એ તો ઠીક પણ રડવું પણ આવી શકતું નથી. બાળકને મન મા-બાપનું મૂલ્ય તે જ્યારે હાજર ના હોય ત્યારે જ થાય છે.

આ ઘટના બાદ વેદાંત જ્યારે આંખ ખોલે છે ત્યારે તે સીધો હૉસ્પિટલમાં જ હોય છે. તે કંઈ જ બોલતો નથી. સ્વરપેટીમાં આવતો સોજો અને કંઠસ્થાન પર આવતુ દબાણ તેને મૂંગુ રહેવા માટે મજબૂર કરે છે. ડૉકટર સહિત તેના પરિવારજનો ટેન્શનમાં છે. તેની માતાને હજુ ખબર પણ નથી કે તેને દાખલ કરવામાં આવ્યો છે. "બાળક છે તેના પર ગંભીર અસર પડી શકે.." એમ કહીને કાકાએ વાત ટેકવી છે. ૩ દિવસ પછી તે જ્યારે પોતાની માતા પાસે આવે છે ત્યારે તેને ભેટીને તે પત્નીએ પોતાના પતિના વિષાદમાં કરેલું રુદન હવે પોતાના સિવાય બીજો કોઈ તેની માતાનો આસરો નથી એ જવાબદારીનું ભાન સમજાવે છે."

*****

અચાનક દરવાજો ખૂલે છે ને વેદાંતની આંખો ખૂલી જાય છે. આંખ બંધ કરતા દેખાયેલી એ ઘટના ન જાણે કેટલી વખત એને જોઈ હશે. દરવાજો ખોલી તેનો મિત્ર હર્ષ અંદર આવે છે. વેદાંત પોતે મોબાઈલમાં કંઈક ટાઈપ કરીને હર્ષને બતાવે છે. હર્ષ હસવા લાગે છે. વેદાંતને જીવનમાં સગાવ્હાલા બહુ છે પણ આ ખામીને લીધે તેમના સંપર્કો ઘટી ગયા છે. વેદાંતને માત્ર એક જ મિત્ર છે હર્ષ. તેને વેદાંતની બધી જ પરિસ્થિતિની ખબર છે તથા તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. હર્ષ લગભગ એકાદ અઠવાડિયે વેદાંતને પોતાનું મોઢુ બતાવી જ જાય છે. જો તે ના આવે તો વેદાંત પોતાની મમ્મીને તેને બોલાવવાનો સંદેશો મોકલાવવાનું કહે છે. પોતાની બધી સુખ ને દુઃખની વાત વેદાંત હર્ષને કરે છે.

પિતાના અવસાન અને આ ખામીના કારણે વેદાંત હર્ષ કરતા એક વર્ષ પાછળ છે. ૧૨ સુધીનો અભ્યાસ શાળામાં કર્યા પછી હવે કૉલેજ વેદાંતને ઘરે બેઠા અથવા તો પર્સનલ ટ્યુશન રાખીને જ કરવી છે. હર્ષના પપ્પાની ઓળખાણથી તેઓ એક શિક્ષકને મળ્યા હતા. તેણે વેદાંતને શોખના કોઈપણ એક વિષય ભણાવવાનું કહ્યું હતુ. આ સાથે ડિગ્રી સર્ટિફિકેટ માટે તેને એક કૉલેજમાં એડમિશન પણ લઈ લીધું હતુ. વેદાંતને કંઈક એવું કરવુ હતું કે જેથી તેના જેવા બાળકો અને યુવાનોને પોતાના જેટલો સંઘર્ષ ન વેઠવો પડે. આ માટે કોમ્યુટર અને ટેકનોલોજીમાં વિશ્વાસ ધરાવતો વેદાંત તે જ વિષય પર આગળ વધવા માગતો હતો.

૧૦ વર્ષની ઉંમર પછી વાચાવિહોણા રહેવાના કારણે વેદાંત સમાજ સાથે બહુ ઓછો પરિચયમાં હતો. તેને ફેસબુક અને વોટ્સએપમાં અઢળક મિત્રો બનાવ્યા હતા. દેશ-વિદેશના મિત્રોથી લઈને તે અઢળક ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેતો હતો. હાર અને જીત એ જીવનના બે પાસા છે તે આ ઉંમરે પરિસ્થિતિ સમજાવતી હતી. હર્ષ સાથે તે મુખ્યત્વે લખીને અથવા ઈશારાથી જ વાત કરવાનું પસંદ કરતો. અત્યાર સુધીના વર્ષોમાં તેના ઈશારાઓ માત્ર બે જ માણસો સમજી શકતા હતા. એક એના મમ્મી અને એક હર્ષ. હર્ષને આજે કંઈક અજુગતું લાગતું હતુ. વેદાંતના મોઢા પરની ઉદાસીનતા કશુક કઈ જતી હતી. તેણે તે સમજવાનો પ્રયત્ન કર્યો.

"શું થયુ?"

"બે હાથ માથા પર રાખીને નકારમાં વેદાંતે માથુ ધુણાવ્યું."

"મને નહિં કહે કે શું તકલીફ છે..!"

"વેદાંતે ફરી માથું નકારમાં ધુણાવ્યું."

"ભલે.. તુ મને કહીશ તો ખરા જ.. પણ સમય આવતા.."

"વેદાંત હસવા લાગ્યો અને હર્ષને ભેટી પડ્યો."

હર્ષ સ્વભાવમાં શાંત એન સમજદાર હતો. એ વેદાંતની નજીક રહીને તેને સમજ્યો હતો. તે વેદાંત સાથે લગભગ જીવ્યો હતો. તે દરરોજ એને કહેતો કે.. "હું તારામાંથી જેટલું શીખું છુ એટલું પુસ્તક કે બીજા કોઈમાંથી નથી શીખતો.." વેદાંતને મળતી આ સાંત્વના અને એના પ્રત્યેની લાગણીથી જ હર્ષ પ્રત્યે વિશેષ લગાવ હતો. કહેવાય છે કે તમે જ્યારે દુઃખમાં હો ત્યારે તમારા સગા-વ્હાલા દુઃખ ઓછું ના કરે તો કંઈ વાંધો નહિં પણ સાથે રહે તો'ય ભલે. સુખ-દુઃખ જીવનના બે અભિન્ન અંગ છે. માણસ એ પ્રકારની પ્રકૃતિ છે કે જેને કંઈ પણ કાયમ માટે પસંદ નથી. પછી, ભલેને એ સુખ હોય કે સંપત્તિ. તેને બદલાવ ગમે છે. સ્ત્રી સ્વભાવ હોય કે પુરૂષ તે સહજ કોઈનાથી પ્રાપ્ત થતી હૂંફને ઝંખે છે. બાળપણમાં આ હૂંફ માતા-પિતા આપે છે તો યુવાનીમાં મિત્રો ત્યારબાદ પત્ની અને પછી પોતાના બાળકો. વેદાંત હર્ષને સંકોચ વિના તેના મનમાં જે હતું તે કહી શકતો હતો. હર્ષને ક્યારેય એની વાત પ્રત્યે અણગમો નહોતો. કદાચ, આ જ સ્વભાવ અને લક્ષણને લીધે તેમની મિત્રતા ટકી હતી. હર્ષ પરિસ્થિતિને પારખી ગયો અને તેને ત્યાંથી જવાનું નક્કી કર્યુ.

"ક્યારે ફરી આવુ..?"

"પ્રથમ બે આંગળીઓ બતાવીને તેને જાણે ગુલાટ મરાવતા હોય એમ વેદાંતે ફેરવી.."

"બે દિવસ પછી આવીશ અને હાં, ત્યારે વાત કહેવી જ પડશે.."

"વેદાંત હસવા લાગ્યો અને અંગૂઠાથી 'ઑકે' નો ઈશારો કર્યો."

વેદાંતના રૂમમાં ફરી સન્નાટો છવાય ગયો. તેણે ફરી પોતાની આંખ મીંચી દિધી.

"સાલી, કેવી ગજબની દુનિયા.. બધા જ પોતાના કરતા બીજાની ચિંતા વધુ કરે. હા, માબાપ હોય તો સમજ્યા. આ તો પોતાના છોકરાઓ કંઈ હોય નહિં ને આપણી પંચાત જાજી..! હું સ્કૂલમાં કેવો મજાનો હતો. કોઈ જ જાતની ઉપાધી નહિ. દુનિયા મારી બહુ જ નાની હતી. મિત્રો તો મારા ઘરનાથી પણ વિશેષ હતા. અમારા એ સાહેબોની અમારા પાછળની મહેનતનો જશ એમને કેમ કદી ના લીધો! એમની એ જ કઠોરતા અત્યારે હું યાદ કરી રહ્યો છું. મને સાહેબ ખીજાય એ જરાપણ ના ગમતું. હકીકત કંઈક અલગ જ છે એ મને હવે સમજાણું. અહિં તો બધા રોતલા મોઢે આવે છે. ને જાણે દુનિયા આખીનું દુઃખ મારી અને મારી માતા સાથે હોય એમ વર્તીને જતા રહે છે. એ સાહેબ અમે સામાન્ય નહોતા છતા 'સામાન્ય તો થવું જ પડશે' એમ કહીને વારંવાર ટકોર મારીને ઠપકો આપતા. એ ઠપકો આજે સમજાય છે. અહિં ઘરે આવ્યે એને હજુ તો એક જ મહિનો થયો છે ને લગભગ બધા સગા-વ્હાલા એક-એક વખત આવી ગયા છે. કોઈએ પણ મને પ્રોત્સાહિત કર્યો નથી. બધાએ 'કેવું થઈ ગયું..' 'શું કર્મ હશે આ છોકરાના..' 'બાળપણ તો આમ જ ગયુ હવે જુવાનીમાં આની સામું જોજે ભગવાન..' 'બેન તમે આનું ધ્યાન રાખજો હવે નવી કોઈ ટેક્નોલોજી આવશે ત્યારે જ ઉપાય થશે..' બસ આવુ-આવુ કહીને જતા રહ્યા. એક સામાન્ય માણસે મને તુ તારુ ધાર્યુ જ કરજે ના થાય તો હું બેઠો છું તને ઊભો કરવા માટે.. એમ નથી કહ્યું. શું એટલે જ અમને આ રીતની ટ્રેઈનિંગ અપાતી હશે? "

અચાનક જ દરવાજો ફરી ખૂલ્યો. આ વખતે વેદાંતના મમ્મી હતા. વેદાંતએ શાંત રહીને આંખ ખોલી. તેની આંખ નવા દિવસના ઉગેલા સૂર્યના લાલાશ પડતા કિરણો જેમ બારીને વીંધીને રૂમમાં જે રીતે અંદર પેસી જાય અને જે રૂમનો લાલ કલર સર્જાય એવી લાલ હતી. તેના મમ્મીને વેદાંતની આ પરિસ્થિતિ જોઈને ડૂમો ભરાઈ આવ્યો. તેને મન ભરીને રડવાની ઈચ્છા હતી પણ તે રોઈ નહોતા શકતા. કેવી રીતે રડે? વેદાંતને હજુ તો તેની માતા વગર પણ તૈયાર કરવાનો હતો. તેની માતાને વિચાર થઈ આવ્યો. "અત્યાર સુધી હું વેદાંતની ચિંતા કરતી.. તે ત્યાં બરાબર તો હશે ને! તેને કંઈ થઈ તો નહિં જાય ને! તેને બધુ ભાવતુ તો હશે ને.. અને અત્યારે તે ઘરમાં છે તો ય તેની સાથે હું વાતચીત નથી કરી શકતી.." "બે હાથથી વેદાંતે ઈશારો કર્યો જાણે પૂછતો હોય કે મમ્મી કામ છે?"

"બેટા..જમવાનું થઈ ગયુ છે..ચાલો.."

"જમણા હાથની પ્રથમ બે આંગળી બતાવીને કહેવા માગતો હતો કે બસ બે મિનિટ...."

"શું થયુ બેટા કેમ આંખ લાલ છે..?"

વેદાંત નજર ફેરવી ગયો.. તે પલંગના એક ખૂણેથી બેઠા-બેઠા બારી પાસે જોવા લાગ્યો.

" શું થયુ? મારા લાલ.."

વેદાંત એના મમ્મીને એની બાજુમાં જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. તે તેના મમ્મીના ખોળામાં સૂઈ ગયો. આ ખોળો વેદાંતને સાત વર્ષ પછી મળ્યો હતો. તે જ્યારે દર રવિવારે બહારે જતો ત્યારે તેના જેવડા બાળકને જોઈ ખૂબ રોતો. તેને હંમેશા એમ લાગતું કે જો તે ઘટના ન થઈ હોત તો આજે કંઈક પરિસ્થિતિ અલગ જ હોત. તે દરેક તહેવારમાં તેના મમ્મી-પપ્પાને સાંભરતો હતો. મૂંગાઓની શાળામાં પણ શિક્ષકોને વેદાંત પ્રત્યે એક અલગ જ લગાવ હતો. તેઓ વેદાંતને ખૂબ હૂંફ અને હેત આપતા કેમકે તે સ્કૂલમાં બધા કુદરતી રીતે કંઈક ખામીઓથી જન્મેલા હતા. આ પેલો કેસ હતો કે જેમાં કંઠસ્થાન પરના દબાણને કારણે તે મૂંગો થયો હતો. વેદાંતના કાકાની ઓળખાણથી અનેક રીતે વેદાંતને ટ્રેનિંગ અપાતી. તેને એવી રીતે ટ્રેઈન કરવામાં આવ્યો હતો કે જેથી તે કદી બીજા સાથે પોતાની જાતને સરખાવે નહિં. આમ તો લગભગ બધાને જ આ રીતની ટ્રેનિંગ અપાય છે પણ વેદાંતને પર્સનલ અપાતી. આ જોઈ વેદાંતનો લગાવ તેના કાકા પ્રત્યે ખૂબ જ વધી ગયો હતો. એ એક જ એવા વ્યક્તિ હતા કે જેણે વેદાંતને બધી જ પરિસ્થિતિમાં સાચવ્યો હતો.

"કેમ કશું કંઈ બોલતો નથી?"

વેદાંત અચાનક જ ઊભો થઈ ગયો. તેના મમ્મીને પણ થયું કે પોતે શું બોલી ગઈ! તેના મમ્મીની આંખમાં પણ આંસુઓની નદી વહી ગઈ. તે ઊભી થઈ ગઈ ને ફરી ગઈ. વેદાંતે તેની મમ્મીના ખભે હાથ રાખ્યો અને તેને ભેટી પડ્યો. આ બંને મા-દિકરાને એકબીજાને ખૂબ જ કસોકસ પકડીને ૨-૪ મિનિટ કંઈ પણ બોલ્યા વિના રડવું તેમની પરિસ્થિતિ તથા તેમની લાગણી સ્પષ્ટ કરતુ હતુ.

"બેટા.. તને ખબર છે હું હમણાં જ એ વિચારતી હતી કે મને તો તુ અવાચક થયો ત્યાર પછી સાત વર્ષે મળ્યો. હું તને દરરોજ યાદ કરીને એક વખત રોઈ લેતી. ને આ ઉપરવાળાને ફરિયાદ કરતી કે તે તો મારું બેય લઈ લીધું મારો ધણી ને મારો આશરો.. કોણ જાણે મારી આજે આ પ્રાર્થના ફળી ને તુ આવી ગયો. બેટા, મને ખબર નહોતી કે આટલું અઘરું પડશે રહેવું.. તારા મનમાં કંઈ કેટલું હશે મને કહેવા માટે. તુ જે મુશ્કેલીમાંથી પસાર થાય છે એની જાણ થતા જ મૈં અહિં રૂમમાં આવવાનું ઓછું કરી દિધું. હું બહુ જ ખરાબ માં છું ને..!"

તે ફરી ભેટીને રડી પડી. વેદાંતે બાજુમાં રહેલા પેન અને કાગળ હાથમાં લીધા. તેમાં કંઈક લખીને મમ્મીના હાથમાં આપ્યું.

"માં ક્યારેય ખરાબ હોય! તુ સામે નહોતી આવતી એ તો મનેય ખબર છે. તુ ચૂપકેથી આવીને હું શું કરુ છુ એ જોઈ જતી. ભલે મારી આંખ બંધ હોય પણ મને ખબર પડી જતી. મમ્મી તુ ચિંતા ન કર હું અહિં પણ જીવતા શીખી જઈશ. સ્કૂલના બદલાવે મને બધુ જ શીખવાડી દિધું છે. હા, શરૂઆત મારા માટે પણ અઘરી હતી. પછી આ સ્કૂલના શિક્ષણ અને ત્યાંનું વાતાવરણે મને સમજાવી દિધું કે હું એકલો આવો નથી. ઘણા છે પરંતુ આપણે બીજાની સાથે સરખામણી ના કરી એટલે સુખી જ છીએ. મૈં ત્યાં ઘણા પુસ્તકો વાંચ્યા છે. મારે પણ ધ્યેય સભર જીવન જીવવું છે. હું પણ આગળ વધીશ. એવું ભી નથી કે મારા જેવા લોકો આગળ ના વધી શકે. હજારો લોકોને લાખો મુશ્કેલીઓ હોય છે છતા તેને પાર કરીને તેઓ આગળ વધી જાય છે. હું પણ એ જ રીતે આગળ વધીશ. તુ ખરાબ નથી માં.. તે મને આજે તારી ચિંતા કહી મને એ જાણીને ખૂબ જ આનંદ થયો. મમ્મી તારી સાથે પપ્પા પણ નથી એટલે તુ તારી આપવીતી કોને કહીશ? વચન આપ મારી વ્હાલી મમ્મી આજથી તુ મને જ તારી બધી મુશ્કેલી કહીશ. મમ્મી એક માં માટે તેનો દિકરો જેમ તેનો આશરો હોય છે તેમ એક દિકરા માટે માં જ બધુ હોય છે. આ પરિસ્થિતિએ તારાથી જુદો કર્યો હતો હવે હું ક્યારેય અલગ થઈશ નહિં."

આટલું વાંચીને તો તે ભેટી પડી. બંનેએ જાણે એકબીજાને એવી રીતે પકડી લીધા કે વચન દેતા હોય કે હવે આપણે એકબીજાને ક્યારેય નહિં છોડીએ. આજે વેદાંતના મમ્મીને તેના ઉપર ગર્વ હતો. નાની ઉંમરે બાળક બહારે જાય અને તેની સંગત કે શિક્ષક સારા હોય તો બાળકની જીંદગી બદલી નાખે છે. એવું તેને સ્પષ્ટ દેખાતું હતુ. વેદાંતને તેને બહારે જમવા આવવાનું કહ્યું. વેદાંત પણ બહારે હાથ-મોઢું ધોઈ જમવા બેસી ગયો. છેલ્લા એક મહિનાથી મળતો અલગ સ્વાદ તેને ખૂબ જ ભાવતો હતો. બપોરનું જમવાનું પતાવીને બંને થોડીવાર આરામ કરવા રૂમમાં ગયા.

ક્રમશ..