રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક

હીરાની ચમક !

( સત્ય ઘટના પર આધારિત)

....રાત્રે બરાબર ૧૧ને ૨૦ મિનિટે ભીડથી ઊભરાતા સુરત રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા ટ્રેન ગર્જના કરતી આવીને ઉભી રહી. મુસાફરોની ચડ-ઉતર પૂરી થઈ ગઈ. ટ્રેન ઉપડવાનો સમય થયો. અચાનક જ સુરતની જાણીતી આંગડિયા પેઢી નટવરલાલ એન્ડ કંપનીમાં હિસાબનીશ તરીકે નોકરી કરતો કાંતિલાલ જયંતીભાઈ પટેલ નામનો યુવાન મુંબઈ જવા માટે હાંફળોફાંફળો પ્લેટફોર્મ પર આવ્યો. એની પાસે રિઝર્વેશન નહોતું એટલે એ બેબાકળો બનીને ભીડમાંથી માર્ગ કરતો કોમન ડબ્બા પાસે પહોંચ્યો. એ જ વખતે ટ્રેનના રાક્ષસી ચક્કરો પાટા પર સરક્યાં. ડબ્બામાં પારાવાર ભીડ હતી. બારણું ખોલીને તે જેમતેમ કરતો અંદર પ્રવેશી ગયો. ક્યાંય પગ મુકવાની જગ્યા નહોતી. એના શર્ટની નીચે પહેરેલી કાઠિયાવાડી બંડીમાં અઢાર લાખ રૂપિયાના સાચા હીરાનાં નાનાં-નાનાં પેકેટો હતાં. આ પેકેટો એક મોટા કવરમાં હતાં અને એ કવર એણે બંડીના ગજવામાં સલામત રીતે મૂક્યું હતું તથા પેન્ટ પર બંડીના ગજવા પર પકડ આવે એ રીતે બેલ્ટ ચડાવ્યો હતો. ક્યાંય જગ્યા ન મળતાં તે ટોઈલેટ પાસેના પેસેજમાં પગ લંબાવીને બેસી ગયો. ટ્રેન ગતિમાં આવીને મુંબઈ તરફ ધસમસતી હતી.

પાલઘર સુધી તો એ અર્ધનિદ્રામાં હતો પણ ત્યાર બાદ આવેલી ઊંઘ એની વેરણ બની ગઈ. દાદરમાં એની ઊંઘ ઊડી. એ પ્લેટફોર્મ પર ઊતર્યો. પછી બંડીની ભાળ મળતાં જ એની આંખે અંધારાં ફરી વળ્યાં. બેલ્ટ અને બંડીનું ગજવું, બંને કોઈક કીમિયાગર આંગળીના ઇલ્મીએ અત્યંત સિફતથી વેતરીને હીરાનાં પેકેટોવાળું મોટું કવર તફડાવી લીધું હતું. એનો ચહેરો જાણે સમગ્ર લોહી નિચોવાઈ ગયું હોય એમ એકદમ સફેદ પડી ગયો હતો. એ લથડતા પગે પ્લેટફોર્મમાંથી બહાર નીકળ્યો અને પછી મુંબઈમાંથી કોણ જાણે ક્યાં ગુમ થઈ ગયો.

બીજી તરફ મુંબઈની શાખાના વ્યવસ્થાપકે સુરતની હેડઓફિસે ફોનથી – “કાંતિલાલ હજુ નથી આવ્યો” – એવા સમાચાર આપ્યા તો ત્યાંથી જવાબ મળ્યો કે એ તો ગઈ રાત્રે જ સૌરાષ્ટ્ર જનતામાં મુદ્દામાલ સાથે મુંબઈ જવા નીકળી ગયો છે.

કાંતિલાલ હીરા સાથે ગુમ છે એ હવે નક્કી થઈ ગયું હતું. સૌ પહેલાં એનાં દરેક સગાં-સંબંધીઓ તથા મિત્રોને ત્યાં તપાસ કરવામાં આવી, પરંતુ ક્યાંયથી એનો પત્તો ન લાગ્યો. છેવટે સુરતની હેડઓફિસ તરફથી સુરતના મહીધરપુર પોલીસસ્ટેશનમાં કાંતિલાલ વિરુદ્ધ કાયદેસર ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસની તપાસના ચક્રો ગતિમાન થયા. પુષ્કળ દોડધામ કર્યા પછી પણ પોલીસ એને શોધી કાઢવામાં નિષ્ફળ ગઈ.

દિવસો પર દિવસો પસાર થતાં ગયા અને પછી એકાએક બનાવના પંદર દિવસ પછી કાંતિલાલ મુંબઈ શાખામાં હાજર થઈ ગયો. એને અણધાર્યો આવેલો જોઈને પૂરો સ્ટાફ ચમકી ગયો.

કાંતિલાલનો દેખાવ અને દિદાર બંને બદલાઈ ગયા હતા. એની આંખો નિસ્તેજ અને ઊંડી ઊતરી ગઈ હતી. કપડાં ઠેકઠેકાણેથી ફાટી ગયાં હતાં. દાઢી-મૂછ વધી ગયાં હતાં અને એ ઘણા દિવસોનો ભૂખ્યો હોય એવું લાગતું હતું. મુંબઈ પેઢીના વ્યવસ્થાપક આત્મારામભાઈએ પૂછપરછ કરતાં એ ચોધાર આંસુએ રડી પડ્યો અને પછી ધ્રુસકાં વચ્ચે એણે ત્રૂટક અવાજે પોતાની આપવીતી કહી સંભળાવી.

‘તું જો નિર્દોષ જ હતો તો પછી ગુમ શા માટે થઈ ગયો હતો ? સાચું બોલ....તેં હીરાઓનું શું કર્યું છે...? ક્યાં છુપાવ્યા છે, બોલ...?’

‘હું સાચું કહું છું... મારું ખિસ્સું કપાઈ ગયું છે.’

‘બહુ માઠું ફળ ભોગવવું પડશે તારે.’ કહીને આત્મારામભાઈએ સુરત પોલીસને ફોન કરી દીધો. પોલીસ મુંબઈ ધસી ગઈ અને સખતાઈથી એને પૂછપરછ કરી. પરંતુ કાંતિલાલે પોલીસને પણ પોતાની આપવીતી જણાવી દીધી.

દસ દિવસ સુધી પ્રયાસો કરીને પોલીસ થાકી ગઈ. છેવટે કાંતિલાલને જામીન પર છોડવામાં આવ્યો.

બીજી તરફ જે વેપારીઓના હીરા ગુમ થયા હતા તેમાંથી એક વેપારી ભીખાભાઈ પટેલે આંગડિયા પેઢી વિરુદ્ધ મુંબઈમાં વી.પી. રોડ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં મુંબઈ પોલીસે પણ તપાસ શરૂ કરી. એની સાથે સી.આઈ.ડી. ક્રાઈમબ્રાંચના ઇન્સ્પેકટર મોહનકુમાર અકલુજકર, તેમના સહકારીઓ સબ-ઇન્સ્પેકટર કાશીનાથ અને જ્ઞાનેશ્વર જાદવ પણ જોડાયા. કાંતિલાલ સોલીડ જમીન પર હોવાથી મુંબઈમાં જ હતો. એને શોધીને સી.આઈ.ડી. અમલદારોએ ખૂબ જ નમ્રતાથી પૂછપરછ કરી. એમના કૂણા વલણ અને ભરપુર આશ્વાસનથી કાંતિલાલનો આત્મવિશ્વાસ પાછો ફર્યો. એણે પોતાની વીતક જણાવતાં કહ્યું, ‘સાહેબ, પાલઘર વટાવ્યા પછી મને ઊંઘ આવી ગઈ હતી. દાદર સ્ટેશને હું જાગ્યો હતો. ખિસ્સું કપાઈ ગયું છે એ જોઈને મારા હોશ ઊડી ગયા. કોઈને મારા પર ભરોસો નહીં બેસે... ઇજ્જત, આબરૂ, જેલ...વગેરેના ભયથી ઓફિસે જવાને બદલે હું વિલેપાર્લે ગયો અને ત્યાંથી જંતુનાશક દવાની શીશી ખરીદીને ગટગટાવી ગયો. થોડી વાર પછી ઝેરની અસર થવા લાગી અને હું તરફડવા લાગ્યો.’ કહીને કાંતિલાલ થોડી પળો માટે અટક્યો.

થોડી પળો બાદ તેણે પોતાની વાત આગળ લંબાવી, ‘પછી રાહદારીઓએ મારી હાલત જોઈ દયાથી પ્રેરાઈને મને કોઈક પ્રવાહી પીવડાવ્યું અને ઉલ્ટી કરાવતાં બધી દવા નીકળી જતાં હું સહેજ સ્વસ્થ થયો. મારે મરવું હતું પણ ઈશ્વરની મરજી મને જીવાડવાની હતી. શું કરવું ને શું નહીં એ કંઈ જ સૂઝતું નહોતું એટલે ટ્રેન... બસ... જે મળે તેમાં વગર ટિકિટે મુસાફરી કરતો હું કરાડ, કોલ્હાપુર, મિરજ, અને બેંગ્લોર તરફ નીકળીને છેવટે પૂના થઈ મુંબઈ આવી ઓફિસે જઈને મેં મારી જ વીતકકથા કહી પણ કોઈને ભરોસો ન બેઠો. હું એકદમ નિર્દોષ છું, સાહેબ...!’ કહેતાં એની આંખો ભીની થઈ આવી.

(નોંધ : આ બનાવ બન્યો ત્યારે સૌરાષ્ટ્ર જનતા મુંબઈ સેન્ટ્રલ સુધી જતી હતી. ત્યાર બાદ સમયના વહેણ પછી હવે આ ટ્રેન સેન્ટ્રલને બદલે ફક્ત બાંદ્રા સુધી જાય છે.)

કાંતિલાલની વાત પર ઓફિસરોને ભરોસો બેસી ગયો. એ તેમને નિર્દોષ લાગ્યો. પરંતુ લાખો માણસોની વસતી ધરાવતા આવડા મોટા મુંબઈમાં ગુનેગારને શોધવો સહેલો નહોતો. પરંતુ ક્રાઈમ બ્રાંચના ઓફિસરો એમ હિંમત હારે એવા નહોતા. તેમણે બારીકાઈથી આ રીતે ટ્રેનમાં ગુનો આચરનાર અપરાધીઓનો રેકોર્ડ તપાસ્યો અને પછી બાતમીદારોને કામે લગાડી દીધા. (મુંબઈ પોલીસ નિખાલસતાથી કહે છે કે – બાતમીદારો વગર અમે અધૂરા છીએ !) ખૂબ દોડધામ પછી એક બાતમીદાર સફળ થયો. એણે પોલીસને જણાવ્યા મુજબ આ બનાવમાં યશવંત સીતારામ શિંદેનો હાથ હતો ને તે વિરાર સ્ટેશન પાસે ફૂલવાડી સ્થિત નરેશ કદમની ચાલીમાં રહેતો હતો. પણ એની રૂમ પર તાળું લટકતું હતું. પુષ્કળ પૂછપરછ પછી જાણવા મળ્યું કે તે સુરતના કીમ વિસ્તારમાં આવેલી એક દરગાહ પર ચાદર ચડાવવા ગયો છે. ૧૭મી ડિસેમ્બરે ઇન્સ્પેકટર મોહનકુમાર પોતાના સહકારીઓ સાથે સાદા વેશમાં સુરતના કીમ વિસ્તારની દરગાહમાં પહોંચી ગયા. ત્યાં તેઓ ચાદર અને ફૂલ ચડાવીને બહાર નીકળ્યા. દરગાહની બહાર કમ્પાઉન્ડમાં વાતો કરતા ચાર-પાંચ માણસો પર એમની નજર ગઈ. કોણ જાણે કેમ મોહનકુમારને શંકા ઉપજતાં એમણે તેમને સામાન્ય પૂછપરછ કરી.

‘કોણ છો તમે લોકો ? ક્યાંથી આવો છો ?’

‘જી, અમે અહીં સુરત...મુંબઈથી ચાદર ચડાવવા આવ્યા છીએ.’ એક જણે થોથવાતા અવાજે કહ્યું. એ જ પળે આ ટોળકીનો એક માણસ ગભરાઈને બીજી તરફ જોઈ ગયો. બાતમીદારે જણાવેલા વર્ણન પ્રમાણે એ માણસ યશવંત શિંદે હોવાનો આભાસ મોહનકુમારને થયો. તરત જ એને અટકમાં લઈને તેઓ સૌ સ્થાનિક પોલીસસ્ટેશને આવ્યા અને આગવી ઢબે તેને પૂછપરછ કરી. કઠોર વલણ અપનાવતાં જ છેવટે એ ભાંગી પડ્યો.

મોહનકુમારનું અનુમાન સાચું ઠર્યું હતું. એ માનવી યશવંત શિંદે જ હતો, એણે પોતાના ચાર સાથીદારોનાં નામો આ પ્રમાણે જણાવ્યાં : (૧) અરુણ ધર્મા (૨) ઉગ્રસેન પાંડે (૩) પ્રહલાદ ચવ્હાણ (૪) મહેન્દ્ર અગ્રવાલ. યશવંતના એકરારથી જે હકીકત બહાર આવી એ નીચે પ્રમાણે છે:

બનાવની રાત્રે તેઓ પાંચેય કોઈક મોટા શિકારની શોધમાં પાલઘર સ્ટેશનેથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનમાં ચડી ગયા. ડબ્બાની ભીડમાં એમણે ટોઈલેટ પાસેની ખાલી જગ્યામાં કાંતિલાલને ઘસઘસાટ ઊંઘમાં જોયો. પાસે જોખમ હોય અથવા તો કોઈ ભય હ્યદયમાં હોય ત્યારે અજાણપણે છઠ્ઠી ઇન્દ્રિય પોતાનું કામ કરે જ છે. એ મુજબ ઊંઘમાં જ કાંતિલાલનો હાથ અવારનવાર કમ્મરે પહેરેલા બેલ્ટ પર જઈ પડતો હતો. બસ, આટલા પરથી જ ચાલાક યશવંત સમજી ગયો કે જરૂર આ ઊંઘણશી પાસે મોટું જોખમ હોવું જોઈએ. તે આંગળીનો નંબર વન ઇલ્મી હતો. એણે ખૂબ જ સાવચેતીથી બેલ્ટ કાપીને અંદરનું બંડીનું ગજવું પણ વેતરી નાખ્યું અને મોટું પેકેટ તફડાવી લીધું. તે ગજવું કાપતો હતો ત્યારે કોઈ અન્ય પેસેન્જરો જોઈ ન જાય એટલા માટે એના સાથીઓ તેને ઘેરીને ઊભા હતા. પછી દહીસર સ્ટેશને ટ્રેન ધીમી પડતાં એ તકનો લાભ ઉઠાવીને પાંચેય બારણું ઉઘાડીને દહીસર સ્ટેશનના પ્લેટફોર્મ પર ઊતરી ગયા. જ્યારે ટ્રેન એ જ ધીમી રફતારથી બોરીવલી તરફ આગળ વધી ગઈ. એકાંતમાં એમણે પેકેટ ખોલ્યું તો એમની આંખો ઝગમગ કરતા હીરાઓની ચમકથી અંજાઈ ગઈ.

યશવંત અને એના સાથીદાર મહેન્દ્રએ બાકીના ત્રણેય અરુણ, ઉગ્રસેન તથા પ્રહલાદને એક એક નાનકડું પેકેટ આપી દીધું અને બાકીના પોતે રાખ્યાં. પોતાનો ભાગ હાથમાં આવતાં જ પ્રહલાદ ટોળકીથી જુદો પડી ગયો. યશવંત અને મહેન્દ્ર બાકીના પેકેટો સરખે ભાગે વહેંચવા ઈચ્છતા હતા, પરંતુ મહેન્દ્રને યશવંત પર પૂરેપૂરો ભરોસો નહોતો એટલે એણે અરુણને સાથે લીધો. એ જોઈને યશવંતે પણ ઉગ્રસેનને સાથે રાખ્યો. પછી ચારેય પહેલાં દહિસરથી અંધેરી સુધી લોકલ ટ્રેનમાં ને ત્યાંથી ટેક્સી મારફત મુંબઈ સેન્ટ્રલ તરફ ઉપડ્યા. રસ્તામાં જ હીરાઓ સરખે ભાગે વહેંચી લેવાની વાત પર તેમની વચ્ચે બોલાચાલી થઈ. અચાનક ચારેય જણ હીરાનું પેકેટ છીનવી લેવા માટે પરસ્પર મારામારી પર ઊતરી આવ્યા. આ ધમાધમીમાં હીરાનાં ચાર-પાંચ પેકેટો ટેક્સીમાં પડીને ખૂલી ગયાં. હીરાઓ પાછલી બેઠકમાં નીચેના ભાગે વેરાઈ ગયા. ડ્રાઈવરે ટેક્સી ઊભી રાખી દીધી. એ જોઈને ભયના માર્યા તેઓ વેરાયેલા હીરા લીધા વગર જ બારણું ઉઘાડીને છલાંગો મારતા નાસી છૂટ્યા.

યશવંતે પોતાના ભાગના હીરાઓ વિરાર સ્ટેશન નજીક પોતાના શેટ્ટી પાનવાળા નામના દોસ્ત મારફત વેચી નાખ્યા હતા.

ઉપર્યુક્ત ખુલાસા પછી ઇન્સ્પેકટર મોહનકુમાર યશવંતને સાથે લઈને મુંબઈ પહોંચ્યા અને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા. ત્યાર બાદ યશવંત એકદમ સીધી લાઈન પર આવી ગયો. એણે બધી હકીકતો કહી નાખી. મોહનકુમારે વિરાર જઈને શેટ્ટીને પૂછપરછ કરી. શેટ્ટીએ હીરાઓ આચાર્ય નામના માણસને આપ્યા હતા. તપાસ કરતા એ પણ મળી ગયો. એણે હીરાઓ મલાડ માર્કેટમાં ચાર વ્યક્તિઓને વેચ્યા હતા. યશવંતે થોડા હીરાઓ વિરારના જ મુચ્છડ મારવાડી મારફત ઝવેરીબઝારમાં વેચ્યા હતા. મોહનકુમારે પુષ્કળ દોડધામ કરીને ઉપર્યુક્ત તમામ શખ્સો પાસેથી રૂપિયા બે લાખ ત્રેસઠ હજારના એકસો પાંસઠ હીરાઓ પાછા મેળવ્યા.

બીજો ગુનેગાર અરુણ ધર્મા જી.ટી. હોસ્પિટલની બહાર ફૂટપાથ પર પાઉંભાજીની લારી ઊભી રાખતો હતો. તે ચેઈન સ્નેચર તરીકે અગાઉ બે-ત્રણ વખત જેલવાસ પણ ભોગવી ચૂક્યો હતો. અરુણે પોતાના ભાગે આવેલા હીરાઓ ફોર્ટમાં ફેરી કરનાર પોતાના મિત્ર વિજયને વેચવા આપ્યા. વિજયે પોતાના એક પરિચિત વિષ્ણુ મારવાડીને અને વિષ્ણુએ ઝવેરીબજારના હેમંત શાહ તથા કાલબાદેવીમાં વિજય પારેખને વેચ્યા હતા. વેચાણમાં મદદરૂપ થયેલા આ વચેટિયાઓએ પોતાનું કમિશન કાપીને બાકીની રકમ અરુણને સોંપી દીધી. પૈસા હાથમાં આવતાં જ તે પોતાની પ્રેમિકા હંસા સાથે નૈનપુર ગામે ચાલ્યો ગયો હતો. મોહનકુમારની સુચનાથી સબ-ઇન્સ્પેકટર કાશીનાથ નૈનપુર જઈને એ બંનેને પકડી લાવ્યો. અરુણે ગુનો કબૂલીને સવા લાખ રૂપિયાના હીરાઓ સોંપી દીધા. ત્યાર બાદ મોહનકુમાર તથા તેમના સહકારીઓએ મુંબઈ સેન્ટ્રલમાંથી ઉગ્રસેન પાંડેને પણ ઝડપી લીધો. એણે પોતાના ભાગના હીરાઓ મલાડમાં આર.એસ. પટેલ અને એન.બી. બોરડેને વીસ હજારમાં વેચ્યા હતા. મોહનકુમારે એ બંને પાસેથી પણ મુદ્દામાલના હીરાઓ જપ્ત કર્યા અને તેમને અટકમાં લીધા. હવે બે જ ગુનેગારોને પકડવાનાં બાકી હતા જેને માટે બાતમીદારો તથા ઓફિસરોની કામગીરી ચાલુ જ હતી. બાતમીના આધારે ૨૫મી ડિસેમ્બરે ગોરેગામથી પ્રહલાદ ચવ્હાણ પણ ઝડપાઈ ગયો. પોતાના હીરા એણે પોતાના બનેવી જે.કે. ઠક્કર મારફત વસઈ રહેતા એમ.પી. પંડ્યાને વેચ્યા હતા. એની પાસેથી બાર હજારના હીરા કબજે કરાયા.

પણ...મહેન્દ્ર હજુયે ફરાર હતો. એના વિશે કોઈ જ નક્કર સમાચાર નહોતા મળતા. ટોળકીના આગેવાન યશવંત પર થર્ડ ડિગ્રી અજમાવતાં જ એણે માહિતી આપી દીધી કે એના બનેવી બિશનકુમારને મહેન્દ્રની ખબર હોવી જોઈએ. એણે પોતાના ભાગના હીરા ધર્મપૂરા ખાતે સવા ત્રણ લાખમાં એ.આર. જૈન તથા એસ.આર. જૈનને વેચ્યા હતા. એ બંને પાસેથી પણ હીરાઓ જપ્ત કરવામાં આવ્યા. ઉપરાંત નેવીનગર, મુંબઈવાસી એના કાકાના પુત્ર ડી.કે. અગ્રવાલ પાસેથી પણ દોઢ લાખના હીરા પરત મેળવી લેવાયા.

આમ મુંબઈની બાહોશ ક્રાઈમ બ્રાંચના ઈમાનદાર ઓફિસરોએ કુલ સાડા નવ લાખના હીરાઓ પરત મેળવ્યા.

બધી તપાસ પૂરી કરીને તમામ ગુનેગારોને ૩૦-૩-૮૪ના રોજ ચાર્જશીટ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં કેસ ચાલી જતાં તમામ ગુનેગારોને ત્રણ-ત્રણ વર્ષની સખત જેલની સજા થઈ.

ટેક્સીમાં વેરાઈ ગયેલા હીરાઓનો અને ટેક્સી ડ્રાઈવરનો ક્યાંયથી પત્તો નહોતો લાગ્યો.

અને, મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચની કુનેહભરી કામગીરીથી કાંતિલાલ પટેલ સદંતર નિર્દોષ ઠર્યો હતો.

***

- કનુ ભગદેવ

(Facebook.com/Kanu Bhagdev)