રહસ્યજાળ-(૪) સૂટકેસ Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(૪) સૂટકેસ

પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.

ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.

તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.

આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.

- પરમ દેસાઈ (સંકલન કર્તા)

મો. ૮૪૬૯૧૪૧૪૭૯

સૂટકેસ

બાબુરાવને એની મા પર અપાર સ્નેહ હતો. ઘરમાં તેઓ બે જ સભ્યો હતા. માને મકાન પાછળ આવેલ આંબાવાડીમાં જઈને મોરના ટહુકા સાંભળવા ખૂબ જ ગમતા હતા. એ દરરોજ સવારે આ મીઠા ટહુકાઓ સાંભળવા અચૂક જતી. કોણ જાણે કેમ, પણ બાબુરાવને ગમે તે કારણસર આ ટહુકા પસંદ નહોતા. પછી એક પ્રસંગ એવો બન્યો કે ગમે ત્યાં મોર જોતાં કે એનો ટહુકો સાંભળતાં જ એ રોષે ભરાઈ જતો હતો. એક વખત આંબાવાડીમાં એની માને અત્યંત ઝેરી કાળોતરાએ ડંખ માર્યો અને એ ત્યાં જ મૃત્યુ પામી. હવે બાબુરાવ સાવ એકલો પડી ગયો હતો. માએ સારી એવી રકમ એના નામે બેંકમાં મૂકી હતી. દેખાવે એ પોતે આકર્ષક હતો. કમાવાની કોઈ ફિકર હતી નહી. વર્ષો જૂની ભાડાની ઓરડીમાં એ રહેતો હતો. માના અવસાનના આઘાતમાંથી બહાર નીકળ્યા પછી એ આખો દિવસ રખડતો, બાગ-બગીચામાં ફરતો કે ફિલ્મ જોઇને છેવટે લોકલ ટ્રેન પકડીને દહીસર પોતાને ઘેર આવી જતો.

સમયના વહેણ સાથે તેને રેશમા નામની એકલી-અટૂલી યુવતી સાથે પહેલા પરિચય અને પછી પ્રેમ થયો. જોકે રેશમા ખાસ રૂપાળી નહોતી. ચહેરે-મહોરે એ ઘઉંવર્ણી હતી. એકાકી જિંદગી હોવાથી બાબુરાવે સાધારણ દેખાવની રેશમાને પ્રેમિકા તરીકે પસંદ કરી હતી. બંને સાથે ફરવા જતાં...ક્યારેક નાટકો અને ફિલ્મો પણ જોતાં હતાં. રેશમા ગ્રાંટ રોડ પર એક ચાલીની રૂમમાં એકલી રહેતી હતી. લગ્ન કરી લેવા માટે રેશમાએ અવારનવાર બાબુરાવને આગ્રહ કર્યો હતો, પરંતુ એ કંઈક ને કંઈક બહાના હેઠળ એની માગણી હસીને ટાળી દેતો. જીવનસાથી તરીકે એને રેશમા પસંદ નહોતી. જીવનસાથી તરીકે તે કોઈક સારા પાત્રની શોધમાં હતો. છેવટે એની ધીરજ ફળી. એક અત્યંત લાવણ્યમયી એલિસ નામની એક ક્રિશ્ચિયન યુવતી સાથે એને બસમાં પરિચય થયો.

દિવસોના વહેણ સાથે બંનેએ લગ્નગાંઠથી જોડાવાનું નક્કી કર્યું. એલિસ તેના પિતા સાથે ચર્ની રોડ પર આવેલા એક મકાનના બ્લોકમાં રહેતી હતી. એની માતા મૃત્યુ પામી હતી. એલિસના આગ્રહથી એના પિતાને મળીને બાબુરાવે એલિસના હાથની માગણી કરી. પુત્રીની પસંદ હોવાથી એલિસના પિતા વિલિયમ ડિસોઝાએ વિરોધ ન કર્યો અને ક્રિશ્ચિયન ધર્મ પ્રમાણે થોડાં કુટુંબીજનો ની હાજરીમાં એલિસ તથા બાબુરાવના લગ્ન થઈ ગયા.

લગ્ન પછી પણ બાબુરાવ અને એલિસ અવારનવાર ખબરઅંતર પૂછવા માટે તેના પિતાને ત્યાં જતાં હતાં.

બાબુરાવના આ પરાક્રમની રેશમાને બિલકુલ પણ જાણ નહોતી. આ બાબતથી એ અંધારામાં જ હતી.

કોણ જાણે કેમ બાબુરાવે એલિસ, એના પિતા તથા કુટુંબીજનોને પોતાનું સાચું નામ ન આપતાં રાકેશ તરીકે આપ્યું હતું. અલબત્ત, રેશમા તેના સાચા નામ થી પરિચિત હતી.

એલિસ એક કંપનીમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી.

બાબુરાવને લાગ્યું કે હવે એલિસ સાથે શાંતિથી જિંદગી પસાર થશે. પોતાને જેવું પાત્ર જોઈતું હતું એવું મળી ગયું છે. દિવસે સમય મળે ત્યારે તે રેશમાને જરૂર મળતો હતો અને એની સાથે બિન્ધાસ્ત હરતો ફરતો હતો. પોતે લગ્ન કરી લીધા છે એ વાતની એણે રેશમાને સહેજેય ગંધ નહોતી આવવા દીધી. અલબત્ત, પોતે કામસર બહારગામ જાય છે તેવું રેશમા પાસે બહાનું કાઢી એલિસને લઈને તે પંદર દિવસ માટે માથેરાન પણ ફરી આવ્યો. ત્યાર બાદ રાબેતા મુજબ રેશમા સાથે એની મુલાકાતો થવા લાગી.

આ બધી દોડધામમાં એની સારી એવી બેંક-બેલેન્સ ઘટી ગઈ. હવે તેને જીવનનિર્વાહની ચિંતા પણ સતાવતી હતી. આ દરમિયાન રેશમા સાથે એની મુલાકાતો ચાલુ જ હતી. અલબત્ત, આ માટે તેને એલિસ પાસે કંઈક ને કંઈક બહાનું કાઢવું પડતું હતું, પરંતુ એલિસ રેશમાની જેમ સીધીસાદી નહોતી. તે સહેલાઈ થી બાબુરાવના બહાના કબૂલ પણ નહોતી રાખતી.

અચાનક પરિસ્થિતિએ વળાંક લીધો.

કોણ જાણે કેવીરીતે રેશમાને ખબર પડી ગઈ કે પોતાનો પ્રિયતમ એક જુદા જ મકાનમાં કોઈક ક્રિશ્ચિયન યુવતી સાથે રહે છે. એટલે આ બાબતમાં એણે સહેજ ચિડાઈને બાબુરાવની આકરી પૂછપરછ કરી. એના જવાબમાં બાબુરાવે કહ્યું, ‘તારી વાત સાચી છે, પણ મારે તેની સાથે કોઈ લફરું નથી. એ ફક્ત મારી મિત્ર જ છે. એથી વિશેષ કંઈ નહીં...!’

રેશમાએ કહ્યું કે, ‘તું હવે જલ્દીથી એનો પીછો છોડાવ અને મારી સાથે લગ્ન કરી લે. મારું જે કંઈ છે, એ બધું હું તને સોંપી દઈશ.’

બાબુરાવ સહેજ હસીને રહી ગયો. પછી એ જયારે ઘેર પહોંચ્યો એલિસે એને સખત ઝાટકી નાંખ્યો અને કહ્યું, ‘રાકેશ, તું ગ્રાંટ રોડ પર રહેતી રેશમા નામની ગામના ઉતાર જેવી એક છોકરીને મળવા જાય છે એની મને ખબર પડી ગઈ છે. પણ યાદ રાખજે કે હું આ બિલકુલ નહી ચલાવી લઉં. આજે જ હું એ ચૂડેલને મળીને બરાબર સમજાવીશ કે બીજાના પતિને ફસાવવાના ધંધા મૂકી દે !’ વાત કહેતી વખતે એલિસ ક્રોધ અને આવેશને કારણે થરથર ધ્રૂજતી હતી. તે જોઇને બાબુરાવને લાગ્યું કે એલિસ ખરેખર જ રેશમાને ત્યાં જઈને પોતાનો ભાંડો ફોડી નાખશે.

એણે મગજ પરથી કંટ્રોલ ગુમાવી દીધો અને એ જ વખતે લોખંડના એક દસ્તા વડે ઉપરાઉપરી ઘા ઝીંકીને એલિસને મારી નાખી. ત્યાર બાદ તરત જ એલિસના મૃતદેહને પડતો મુકીને રેશમાને ત્યાં ચાલ્યો ગયો અને બનેલી ઘટના તેને કહી સંભળાવી. ઘેરથી એણે એક સૂટકેસમાં જરૂરી વસ્તુઓ ભરી લીધી હતી.

બીજે દિવસે આ સમાચાર અખબારોમાં ચમક્યા. પોલીસ રાકેશ નામની વ્યક્તિની શોધમાં લાગી ગઈ. ઓળખાઈ જવાનો બાબુરાવને કોઈ ભય નહોતો, કારણકે એલિસ સાથે લગ્ન કર્યા પછી તે બીજે રહેવા માટે ચાલ્યો ગયો હતો અને ત્યાં તેને ખાસ કોઈ નહોતું ઓળખતું. રાકેશ તરીકે તો તે કંઈ વર્ષો જૂની ઓરડીમાં એલિસ સાથે રહી શકે તેમ નહોતો, કારણકે ત્યાં તો બધાં તેને બાબુરાવ તરીકે ઓળખતા હતાં. આ કારણસર જ તેણે સ્થળાંતર કરવું પડ્યું હતું. રાકેશ તરીકે ઓળખનારા જો કોઈ હોય તો તે એલિસના પિતા તેમ જ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા એલિસના સગાં-વ્હાલાં હતાં અને તેમની સંખ્યા પણ જૂજ હતી.

પોલીસની ચાર મહિનાની તપાસનું પરિણામ શૂન્યમાં આવ્યું. એલિસના ખૂનીનો પત્તો મળ્યો નહી.

વધુ ત્રણ મહિના વીતી ગયા. ત્યાર બાદ બાબુરાવે રેશમા સાથે લગ્ન કરી લીધાં. ઉપરાંત ફોર્ટ સ્થિત એક મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં તેને સારા પગારથી નોકરી મળી ગઈ. બંનેનું જીવન આનંદથી પસાર થવા લાગ્યું. દિવસોના વહેણ સાથે લોકો એલિસના ખૂનની વાત સદંતર ભૂલી ગયા. ખુદ બાબુરાવ પોતે પણ ભૂલી ગયો હતો.

પણ...કુદરત કોઈને છોડતી નથી.

એક દિવસની વાત છે. ડીપાર્ટમેન્ટલ સ્ટોરના મેનેજરે આવીને તેના કાઉન્ટર પર એક વસ્તુ મુકતા કહ્યું, ‘આ આઈટમ રાખવા જેવી છે. બજારમાં નવીજ આવી છે એટલે એક પીસ તારા કાઉન્ટર પર રાખ...! વેચાઈ જશે તો પછી બીજો પીસ રાખીશું.’

બાબુરાવે જોયું તો તે એક રબરનો મોર હતો ! મોરની પાંખ દબાવવાથી નીચેના ભાગે ફીટ કરેલી સિસોટીમાંથી તેના ટહુકાનો અવાજ નીકળતો હતો. મોર જોતાં જ બબુરાવનું માથું ફાટી ગયું, પણ એ કઈ બોલ્યો નહી. રિસેસમાં કોઈ નહોતું ત્યારે એણે પોતાનાં ખિસ્સા માંથી મોરની રકમ કાઢીને કેશમેમો બનાવી નાંખ્યો અને મોર પોતાનાં હેન્ડ પર્સમાં મૂકી દીધો.

બીજે દિવસે મેનેજરે બીજો મોર મોકલ્યો અને એમાં પણ બાબુરાવે ગઈકાલનું જ પુનરાવર્તન કર્યું. ત્રીજે દિવસે સવારે મેનેજર ખુશખુશાલ ચહેરે એની પાસે આવ્યો અને કહ્યું, ‘સરસ...સરસ...! આ ત્રણ ડઝનનું બોક્સ છે. બધા મોર કાઢીને એક કાઉન્ટર પર સજાવી દે. આઈટમ તો મજાની લાગે છે. માર્કેટમાં ચાલી જશે.’

બબુરાવનું ફક્ત માથું જ નહી, એ પોતે પણ આખો ફરી ગયો.

ચોથે દિવસે એ પોતાની એક સૂટકેસ લઇ આવ્યો. આ એ જ સૂટકેસ હતી કે જેમાં એલિસના ખૂન પછી તે જરૂરી ચીજવસ્તુઓ ભરીને રેશમાને ત્યાં પહોંચ્યો હતો. તેના પર પૂર્વવત રીતે મિલિટરી કપડાનું કવર ચડાવેલું હતું.

‘ક્યાંય બહારગામ જવાનો પ્રોગ્રામ છે કે શું બાબુરાવ ?’ એના હાથમાં સૂટકેસ જોઇને મેનેજરે પૂછ્યું.

‘ના રે સાહેબ ! સૂટકેસ જોઇને પૂછતા હો તો એમાં વોશિંગ કંપનીમાં આપવા માટેના કપડાં છે !’ બાબુરાવે જવાબ આપ્યો.

‘ઠીક ઠીક...’ મેનેજર કાઉન્ટર પર ગોઠવેલા મોર પર ઉડતી નજર ફેંકીને ચાલ્યો ગયો.

બપોરે તક જોઇને બાબુરાવે કેશમેમો બનાવી બધાં મોર સૂટકેસમાં ભરી દીધાં અને સૂટકેસ કાઉન્ટર નીચે મૂકી દીધી. સાંજે એણે પોતે જ સામેથી મેનેજરને જણાવી દીધું કે એક અનાથાશ્રમના સંચાલક બાળકોને ભેટ આપવા બધાં જ મોર વેચાતા લઈ ગયા છે.

મેનેજર ધીમેથી માથું હલાવીને રહી ગયો.

સાંજે સૂટકેસ લઈને બાબુરાવ રેલવે-સ્ટેશન પર પહોંચ્યો અને ઘેર જવા માટે લોકલ ટ્રેનની રાહ જોવા લાગ્યો. પ્લેટફોર્મ પર સખત ભીડ હતી અને એ જયારે આવી પહોચેલી ટ્રેનમાં બેસવાની તૈયારી કરતો હતો એ જ વખતે એકાએક બેસુમાર ભીડનો લાભ લઈને કોઈક ઉઠાવગીર એના હાથમાંથી સૂટકેસ આંચકીને જોતજોતામાં જ ભીડમાં અદ્રશ્ય થઇ ગયો. પહેલાં તો આ બનાવથી બાબુરાવ ડઘાઈ ગયો, પણ પછી આમ મોરથી છૂટવા બદલ એણે મનોમન ઈશ્વરનો ઉપકાર માન્યો.

પરંતુ એક વાતથી તે બિલકુલ અજાણ હતો. એ ઉઠાવગીર એક રીઢો ગુનેગાર હતો અને સ્ટેશનની બહાર જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોતે એક મુસાફરના હાથમાંથી સૂટકેસ આંચકી લીધી હતી એ વાત પણ એણે કબૂલી લીધી. તપાસનીશ ઈન્સ્પેક્ટરે બેગ ઉઘાડી. અંદર મોર ભરેલા જોઇને તેને સહેજ આશ્ચર્ય થયું. પછી એની નજર સૂટકેસના ઢાંકણા ના અંદરના ભાગ પર પડી. ત્યાં એક વેપારીની દુકાનના સરનામાવાળું સ્ટીકર ચોંટાડેલું હતું. વધુ તપાસાર્થે એણે બેગની ઉપરનું કપડાનું કવર પણ કાઢી નાખ્યું. એની નજર ઢાંકણની ઉપર સોનેરી અક્ષરે લખેલા લખાણ પર સ્થિર થઈ ગઈ. એમાં લખ્યું હતું, “ચિ. એલિસને પિતા વિલિયમ ડિસોઝા તરફથી નગ્ન પ્રસંગે ભેટ.”

સવારે ઈન્સ્પેક્ટરે સૂટકેસ વેચનાર વેપારી પાસે જઈને તેને ઉઠાવગીર પાસેથી મળેલી સૂટકેસ બતાવીને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ સૂટકેસ આઠેક મહિના પહેલાં વિલિયમ ડિસોઝા નામના તેમના એક સ્થાયી ગ્રાહકે ખરીદ કરી હતી. ઇન્સ્પેક્ટર તેની પાસેથી વિલિયમ ડિસોઝાનું સરનામું મેળવીને પોતાનાં એક સબ ઇન્સ્પેક્ટર સાથે વિલિયમ ડિસોઝાને ઘરે પહોંચ્યો. સૂટકેસ અંગે પૂછપરછ કરતાં વૃદ્ધ ડિસોઝાએ જવાબ આપ્યો, ‘હા, સાહેબ...! આ સૂટકેસ મેં મારી દીકરી એલિસના લગ્ન નિમિત્તે તેને ભેટ આપી હતી. આઠેક મહિના પહેલાં એલિસનું ખૂન થઇ ગયું છે અને ત્યાર બાદ તેના પતિ રાકેશનો કંઈ પત્તો નથી.’ રાકેશનું નામ લેતી વખતે તેના અવાજમાં રહેલી નફરત ઈન્સ્પેક્ટરે સ્પષ્ટ રીતે પારખી હતી.

‘તો તમે રાકેશના ગુમ થવા વિશે પોલીસમાં ફરિયાદ શા માટે નહોતી નોંધાવી...?’ ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

‘શું વાત કરું સાહેબ...?’ ડિસોઝા નિરાશ અવાજે બોલ્યો, ‘આ શહેરમાં એલિસ સિવાય મારું પોતાનું કહી શકાય એવું કોઈ જ નહોતું. એલિસને હું અનહદ ચાહતો હતો, પરંતુ તેના ખૂન પછી કોણ જાણે કેમ મને એમ થયું હતું કે એલિસનું ખૂન રાકેશે જ કર્યું છે...અને સાહેબ, ત્યારથી જ મને રાકેશ પ્રત્યે અનહદ નફરત થઇ ગઈ. હું એનું મોં જોવા પણ રાજી નહોતો. મારી એલિસ તો દુનિયામાંથી ચાલી ગઈ હતી. રાકેશ પ્રત્યેની નફરતને કારણે જ મેં ફરિયાદ નહોતી નોંધાવી. એટલું જ નહીં, એલિસના અંતિમ સંસ્કાર પછી બીજે દિવસે જ હું મારા પુત્ર પાસે પરદેશ ચાલ્યો ગયો હતો અને અઠવાડિયા પહેલા જ અહી પાછો ફર્યો છું.’

‘તમારી પાસે એલિસ તથા રાકેશનો કોઈ ફોટો હોય તો મને બતાવો.’ ઈન્સ્પેક્ટરે કહ્યું.

જવાબમાં ડિસોઝાએ એક આલ્બમમાંથી એલિસ તથા રાકેશના ક્લોઝઅપ વાળો બંનેનો સંયુક્ત ફોટો કાઢીને તેને બતાવ્યો.

‘સર...!’ ફોટો જોઇને અચાનક ઇન્સ્પેકટરની સાથે રહેલો સબ-ઇન્સ્પેક્ટર બોલી ઊઠ્યો, ‘આ માણસને તો હું ઓળખું છું. તે ફોર્ટમાં આવેલ ભગવતી ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. મને બરાબર યાદ છે. હું ઘણી વાર એ સ્ટોરમાં ખરીદી માટે જઈ આવ્યો છું.’

ઇન્સ્પેક્ટર તરત જ ડિસોઝાને સાથે રાખીને ભગવતી ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં પહોંચ્યો, જ્યાં ડિસોઝાએ બાબુરાવને રાકેશ તરીકે ઓળખી બતાવ્યો. આટલું નક્કી થયા પછી બાકીના પુરાવાઓ મેળવવાનું કામ પોલીસ માટે મુશ્કેલ નહોતું. સ્ટોરના મેનેજરે સૂટકેસ બાબુરાવ લાવ્યો હોવાની જુબાની આપી...જે દસ્તા વડે બાબુરાવે એલિસનું ખૂન કર્યું હતું તેના પરથી લેવાયેલ આંગળાની છાપ સાથે પણ તેની છાપ મળી ગઈ અને સૂટકેસ પર પણ એના જ આંગળાની છાપ હતી. આ બધાં મુદ્દાઓ પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે બાબુરાવ જ વાસ્તવમાં રાકેશ હતો અને એણે જ એલિસનું ખૂન કર્યું હતું.

આમ બાબુરાવ ગુનો કર્યા પછી પણ કાયદાની ચુંગાલ માંથી નહોતો છટકી શક્યો.

***

- કનુ ભગદેવ

Facebook Page: Kanu Bhagdev-Fans/Facebook

Feedback: Whatsapp no. 8469141479