રહસ્યજાળ-(૬) મર્ડર પ્લાન Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(૬) મર્ડર પ્લાન

પ્રસ્તવના

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.

ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.

તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.

આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.

- પરમ દેસાઈ (સંકલન કર્તા)

મો. ૮૪૬૯૧૪૧૪૭૯

મર્ડર પ્લાન...!

બપોરના સાડા ત્રણ વાગ્યા હતા. ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર જયદેવે ટેલિફોનની ઘંટડી સાંભળી, રિસીવર ઊંચકીને કાને મૂક્યું.

‘સર...!’ સામે છેડેથી તેને પોતાના સહકારી સબ-ઈન્સ્પેક્ટર કામતનો પરિચિત સ્વર સંભળાયો, ‘આપ આજે ડોક્ટર માથુરને ત્યાં ગયા હતા...?’

‘હા...મને દાઢમાં સખત દુખાવો થતો હતો એટલે હું ત્યાં ગયો હતો.’

‘એ વખતે તેમનો મૂડ કેવો હતો...?’

‘બહુ સારો... પણ તમે આ બધું શા માટે પૂછો છો...?’

‘એટલા માટે કે આપના ત્યાંથી ગયા બાદ થોડી વાર પછી ડોક્ટર માથુરે આપઘાત કરી લીધો છે. આપ તાબડતોબ તેમને ત્યાં આવો...!’

‘ઓ.કે...’ કહીને જયદેવે રિસીવર મૂકી દીધું.

થોડી વારમાં જ તે કોલેજ સ્ટ્રીટ સ્થિત ડોક્ટર માથુરના ક્લિનિકમાં પહોંચી ગયો. બીજા માળ પર સબ-ઈન્સ્પેક્ટર કામત તેની રાહ જોતો ઊભો હતો.

જયદેવે તપાસનો દોર પોતાના હાથમાં લઈને સૌથી પહેલા ડોક્ટર માથુરના મૃતદેહનું ધ્યાનથી નિરિક્ષણ કર્યું. એ ઝિંદાદિલ માણસના હોઠ પર મર્યા પછી પણ સ્મિત સ્થિર થયેલું હતું. લમણાં પર થયેલો ગોળીનો જખમ સુકાઈને કાળો પડી ગયો હતો. મૃતદેહની બાજુમાં જ એક રિવોલ્વર પડી હતી. જયદેવે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેનો રિપોર્ટ તાત્કાલિક આપવાની સૂચના આપી દીધી. પછી એણે કામત સામે જોતાં પૂછ્યું, ‘તો ડોક્ટર માથુરે આપઘાત કર્યો છે એમ તમે માનો છો, ખરુંને...?’

‘જી, હા...લાગે છે તો એવું જ...!’ કામતે જવાબ આપ્યો, ‘પરંતુ છતાંય આ બાબતમાં હું ખાતરીથી કશુંય કહી શકું તેમ નથી. ડોક્ટર માથુરે શા માટે આપઘાત કર્યો હતો એ હજુ જાણવા નથી મળ્યું. તેમની આર્થિક હાલત સરી હતી. તેમને બીજી કોઈ પણ જાતની ચિંતા નહોતી. તેઓ ડરપોક પણ નહોતા. જિંદગી પ્રત્યે તેમને અનહદ ચાહના હતી. આવો હસમુખો અને સુખી માણસ આપઘાત કરે એ વાત ગળે નથી ઊતરતી. ઉપરાંત ગોળી છૂટવાનો અવાજ કોઈએ નથી સાંભળ્યો. અલબત્ત, ગોળી છૂટવાનો અવાજ સંભળાય તેમ પણ નહોતો, કારણકે, ડોક્ટર માથુરના ચિકિત્સાખંડ અને દર્દીઓને બેસાડવામાં આવે છે એ હોલની વચ્ચે બે રૂમ છે. ઉપરાંત સડક પર ટ્રાફિકનો શોર પણ હોય છે !’

‘આ બનાવની ક્યારે ખબર પડી...?’ જયદેવે પૂછ્યું.

‘લગભગ બે વાગ્યે ડોક્ટર મથુરનો ચપરાસી જગદીશ તેમના ચિકિત્સાખંડમાં ગયો ત્યારે...! બહાર હોલમાં બેઠેલા દર્દીઓ રાહ જોઈને અકળાઈ ગયા હતા એટલા માટે તે અંદર ગયો હતો.’

‘ડોક્ટર માથુર દર્દીઓને કેવી રીતે અંદર બોલાવતા હતા...?’

‘એક દર્દીમાંથી ફુરસદ મળતાં જ તેઓ બેલ વગાડતાં હતા. બેલ સાંભળીને ચપરાસી બીજા દર્દીને અંદર મોકલી આપતો હતો.’

‘તેમણે છેલ્લે કયા દર્દીને તપાસ્યો હતો...?’

‘ચપરાસીના કહેવા મુજબ તેનું નામ પીટર હતું ને તે એક હોટલમાં ઊતર્યો છે.’

‘વારુ, ડોક્ટર માથુરે પીટરને ક્યારે રજા આપી...?’

‘આ બાબતમાં કશુંય જાણવા નથી મળ્યું, કારણ કે દર્દીઓને જવા માટે જુદો માર્ગ છે.’

‘જે રિવોલ્વર વડે ડો. માથુરે આપઘાત કર્યો છે એ તેમની પોતાની જ હતી...?’

‘ના...ડો. માથુર પાસે કોઈ રિવોલ્વર નહોતી. તેમની બહેન પાર્વતીના કથન મુજબ આ જાતનાં શસ્ત્રો પ્રત્યે તેમને ખૂબ જ ધૃણા હતી, પણ ડો. માથુરે આપઘાત કરવાના હેતુથી કદાચ આ રિવોલ્વર ખરીદી હોય એ બનવાજોગ છે. ઉપરાંત એક બીજી વાત પણ મારા ધ્યાનમાં આવી છે. ડો. માથુરના મૃતદેહને ઘસડીને આ સ્થળે લાવવામાં આવ્યો છે. જમીન પર મૃતદેહ ઘસડાવાનાં ચિહ્નો છે.’

જયદેવે ચિકિત્સાખંડનું નિરીક્ષણ કર્યું. ચિકિત્સાખંડની બાજુમાં જ એક નાનકડી કેબિન હતી. કેબિનમાં બે-ત્રણ ખુરશીઓ અને એક ટેબલ પડ્યું હતું. એ કેબિન ડો. માથુરની સેક્રેટરી મિસ દિવ્યાની હતી.

કામત પાસેથી તેને જાણવા મળ્યું કે દિવ્યા આજે રજા પર હતી. અલબત્ત, બનાવ પછી કામતે તેને જરૂર બોલાવી લીધી હતી.

તેઓ વાત કરતા હતા ત્યાં જ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ડો. માથુરનું મોત લગભગ દોઢ વાગ્યે થયું હતું. રિપોર્ટ વાંચ્યા બાદ જયદેવ પુનઃ કામત સામે જોતાં બોલ્યો, ‘જો આ ખૂન હોય તો ખૂનની શંકા ઘણાં માણસો પર કરી શકાય તેમ છે. શંકાની આ પરિધિમાં ડો. માથુરના અંતિમ દર્દી પીટરનો પણ સમાવેશ થઈ જાય છે. સૌથી પહેલાં તો ખૂન શા માટે થયું એ આપણે જાણવું પડશે...!’

ત્યાર બાદ સૌથી પહેલા તેઓ ડો. માથુરની બહેન પાર્વતીને મળ્યા. જયદેવના સવાલનો જવાબ આપતા એણે કહ્યું, ‘ઈન્સ્પેક્ટર સાહેબ, મારા ભાઈએ આપઘાત નથી કર્યો. ચોક્કસ જ એનું ખૂન કરવામાં આવ્યું છે. મારો ભાઈ ખૂબ જ ભલો અને માયાળુ સ્વભાવનો હતો. આવા સજ્જન માણસ સાથે કોઈને શી દુશ્મનાવટ હતી એ મને નથી સમજાતું.’

પાર્વતીનો આભાર માનીને તેઓ ડો. માથુરની સેક્રેટરી દિવ્યાને મળ્યા. જયદેવે દિવ્યાને થોડી પૂછપરછ કરી અને પછી દર્દીઓનું રજિસ્ટર તપાસ્યું. રજિસ્ટરમાં દર્દીઓની મુલાકાતની વિગતો આ મુજબ લખેલી હતી – સવારે સાડા દસ વાગ્યે મિસિસ ડિસોઝા, અગિયાર વાગ્યે મિસિસ તરુલતા પટેલ, સાડા અગિયાર વાગ્યે જયદેવ, બાર વાગ્યે મિસ્ટર મધુસૂદન, બાર ને દસ મિનિટે મિસિસ આરતી પટવારી, સાડા બાર વાગ્યે મિસ્ટર પીટર...! – નામની સામે એ બધાના સરનામાં પણ લખેલા હતા. જયદેવે એ બધાં નામ-સરનામાં નોંધી લીધા. ત્યાર બાદ એણે ડો. માથુરના ચપરાસી જગદીશને બોલાવીને પૂછ્યું, ‘દર્દીઓ સિવાય ડો. માથુરને બીજું કોઈ મળવા આવ્યું હતું ખરું...?’

આ દરમિયાન દિવ્યા ત્યાંથી ચાલી ગઈ હતી.

‘હા, સાહેબ...!’ જગદીશે હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘માથુર સાહેબની સેક્રેટરી મિસ દિવ્યાનો મંગેતર સુબોધ આવ્યો હતો...!’

‘કેટલા વાગ્યે...?’

‘લગભગ સાડા-બારથી એક વાગ્યાની વચ્ચે...!’

‘તે શા માટે આવ્યો હતો...?’

‘તે મિસ દિવ્યાને મળવા આવ્યો હતો. મેં તેને જણાવ્યું કે મિસ દિવ્યા તો આજે રજા પર છે ત્યારે એણે ડોક્ટર સાહેબને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ ડોક્ટર સાહેબ ખૂબ જ વ્યસ્ત હતા એટલે થોડી વાર રાહ જોઇને એ ચાલ્યો ગયો.’

‘ખેર, આ સુબોધ કેવો માણસ છે ?’

‘ડોક્ટર સાહેબ સુબોધને પસંદ નહોતા કરતા, કારણ કે સુબોધ કંઈ કામ-કાજ નહોતો કરતો...!’ જગદીશ ખમચાતા અવાજે બોલ્યો, ‘દિવ્યા જેવી સુશીલ અને મહેનતુ યુવતી તેની સાથે લગ્ન કરે એમ તેઓ નહોતા ઈચ્છતા. જોકે તેમનો આ વિરોધ માત્ર સૈદ્ધાંતિક જ હતો.’

ત્યાર બાદ જયદેવ કામતને ત્યાંનું કામ સોંપીને ડો. માથુરના એક દર્દી મધુસૂદન પાસે પહોંચ્યો. મધુસૂદન પહેલાં ખૂબ જ ગરીબ હતો, પરંતુ રેણુકા નામની એક ધનાઢ્ય વિધવા સાથે લગ્ન કર્યા બાદ તે શ્રીમંત બની ગયો હતો. રેણુકાના અવસાન પછી એની તમામ સંપત્તિ તેને મળવાની હતી. મધુસૂદને જયદેવના સવાલોના જવાબમાં જણાવ્યું કે પોતે લગભગ બાર વાગ્યે ડો. માથુર પાસે ગયો હતો. એ વખતે તેઓ બિલકુલ સ્વસ્થ હતા અને તેમણે વ્યવસ્થિત રીતે પોતાની દાઢ તપાસી આપી હતી.

જયદેવ અને મધુસૂદન વાતો કરતા હતા ત્યાં જ બંગલામાં એક આલીશાન વિદેશી કાર પ્રવેશી અને પછી તેમાંથી એક સ્વરૂપવાન સ્ત્રી નીચે ઊતરી. મધુસૂદને જયદેવને એનો પરિચય આપતાં કહ્યું, ‘આ મારી ભત્રીજી સંધ્યા છે...!’

જયદેવે સંધ્યાનું અભિવાદન કર્યું. ત્યાર બાદ મધુસૂદનની રજા લઈને તે વિદાય થયો અને આરતી પટવારીને મળવા માટે તેની હોટલમાં ગયો તો જાણવા મળ્યું કે એ ક્યાંક બહાર ગઈ છે. આરતી વિશે પૂછપરછ કરતાં તેને માહિતી મળી કે - તે એક દૂબળી-પાતળી અને ગરીબ સ્ત્રી છે. વિશાળગઢ (કનુ ભગદેવની નવલકથાઓમાં આવતું સૌરાષ્ટ્ર બાજુનું એક કાલ્પનિક શહેર) માં અભ્યાસ કર્યા બાદ તે કલકત્તા ચાલી ગઈ હતી અને થોડા સમય પહેલા જ કલકત્તાથી વિશાળગઢ પાછી ફરી છે – આ બધી વાતો મગજમાં રાખીને જયદેવ ડો. માથુરના અંતિમ દર્દી પીટરને મળવા માટે તેની હોટલમાં પહોંચ્યો.

પરંતુ ત્યાં પહોંચીને તેને જાણવા મળ્યું કે પીટર અડધા કલાક પહેલાં જ મૃત્યુ પામ્યો છે ! એણે કામતને ફોનથી સમાચાર જણાવી દીધા અને પોતાને તાબડતોબ પીટરના મૃતદેહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આપવાની સૂચના પણ આપી. આટલું કર્યા પછી તે ઓફિસે આવીને બેઠો.

થોડી વારમાં જ કામતે ફોન પર પીટરના મોતનું કારણ તેને જણાવી દીધું. કામતના કહેવા મુજબ ડો. માથુરે પીટરને જે ઈન્જેક્શન આપ્યું હતું તેમાં એડરલીન અને નોવોકીનનું પ્રમાણ વધુ પડતું હોવાને કારણે એનું મોત નીપજ્યું હતું. આટલું જણાવ્યા પછી કામતે ઉમેર્યું, ‘સર, ડો. માથુરે ભૂલથી પીટરને વધુ માત્રાવાળું ઈન્જેક્શન આપ્યું અને પછી જયારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે તેમણે આબરૂ જવાના ભયથી આપઘાત કરી લીધો હોય એવું મને લાગે છે. મેં પીટરના ભૂતકાળ વિશે પણ માહિતી મેળવી છે. તે અગાઉ વડોદરામાં એક નાનકડી હોટલ ચલાવતો હતો. ત્યાર બાદ તે કલકત્તા ચાલ્યો ગયો હતો. આ ઉપરાંત પીટર વિશે એક બીજી પણ સનસનાટી ભરી વાત જાણવા મળી છે. તે એક બ્લેક મેઈલર હતો. એણે ડો. માથુરને કોઈક કારણસર બ્લેક મેઈલ કરવાનો પ્રયાસ કર્યો હોય અને ડો. માથુરે તેને મોતને ઘાટ ઉતારીને અપરાધબોધની ભાવનાથી પીડાઈને આપઘાત કરીને જિંદગી ટુંકાવી નાંખી હોય એ બનવાજોગ છે...!’

જવાબમાં જયદેવ હસીને રહી ગયો. એણે એક કાગળ પર પીટર વિશે નોંધ લખવાનું શરૂ કર્યું. લખતાં-લખતાં અચાનક જ તેને યાદ આવ્યું કે પીટર કલકત્તા પણ ગયો હતો ત્યારે તે એકદમ ચમક્યો. એ તરત જ જીપમાં બેસીને આરતી પટવારીને મળવા તેની હોટલે પહોંચ્યો. એ હજુ સુધી પાછી નહોતી ફરી. એણે કામતને ફોનથી બધી પરિસ્થિતિથી વાકેફ કરીને તાબડતોબ આરતીને શોધી કાઢવાનું જણાવ્યું.

ત્યાર બાદ એણે આરતીના રૂમમાં શોધખોળ શરૂ કરી. દરેક વસ્તુ યથાસ્થાને પડી હતી, જેના પરથી સ્પષ્ટ થતું હતું કે જનારી બહુ આરામથી ગઈ હતી. તલાશી દરમિયાન તેને ખાસ કોઈ ચીજ-વસ્તુ ન મળી. અલબત્ત, આરતી પર કલકત્તાથી આવેલા થોડા પત્રો જરૂર મળ્યા. થાકી-હારીને એ ઓફિસે પાછો ફર્યો.

થોડી વાર પછી અચાનક ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી. જયદેવે રિસીવર ઊંચકીને કાને મૂક્યું અને પોતાનો પરિચય આપ્યો. ફોન મધુસૂદનની કથિત ભત્રીજી સંધ્યાનો હતો અને એણે કોઈક વાતચીત કરવા માટે જયદેવને પોતાને ત્યાં બોલાવ્યો હતો.

સાંજે સાડા-છ વાગ્યે જયદેવ મધુસૂદનના નિવાસસ્થાને પહોંચી ગયો. મધુસૂદન એ વખતે પોતાની લાઈબ્રેરીમાં વિચારવશ ચહેરે બેઠો હતો. એ જ વખતે સંધ્યા પણ ત્યાં આવી પહોંચી. સંધ્યાની સાથે તેની મમ્મી શારદા પણ હતી. જયદેવે વેધક નજરે શારદાનું નિરિક્ષણ કર્યું અને પછી પ્રશ્નાર્થ નજરે સંધ્યા સામે જોયું.

‘ઈન્સ્પેક્ટર સાહેબ...!’ એની નજરનો અર્થ પારખીને સંધ્યા બોલી, ‘અખબારોમાં આરતી નામની સ્ત્રી ગુમ થયાના સમાચાર છપાયા છે; આપ એના વિશે કશુંય જાણો છો...?’

‘હા... ડો. માથુરનું ખૂન થયું એ વખતે તે પણ ત્યાં હાજર હતી. પોલીસ તેને શોધે છે !’

‘સાંભળો, ઈન્સ્પેક્ટર સાહેબ...!’ આ વખતે સંધ્યાને બદલે મધુસૂદન બોલ્યો, ‘થોડા દિવસ પહેલાંની વાત છે. હું ડો. માથુરને ત્યાં ગયો ત્યારે આ સ્ત્રી એક ટેક્સીમાંથી ઊતરી, મારી પાસે આવીને બોલી હતી, “મિસ્ટર મધુસૂદન, તમે મને ભૂલી ગયા કે શું...? હું તમારી પહેલી પત્ની કે જે મૃત્યુ પામી છે તેને બહુ સારી રીતે ઓળખતી હતી. અમે બંને ગાઢ બહેનપણીઓ હતી...!” જવાબમાં મેં તેને ઓળખવાનો ઈન્કાર કરી દીધો હતો. સાહેબ, ઘણાં લોકોને આ રીતે પૈસાદાર માણસોનો પરિચય કેળવવાની ટેવ હોય છે. પછી એ સ્ત્રી એ બહુ આગ્રહ કર્યો એટલે મેં તેને પાંચસો રૂપિયા આપીને તેનાથી પીછો છોડાવ્યો.’

‘તમે અગાઉ ક્યારેય કલકત્તા રહી ચૂક્યા છો...?’ જયદેવે પૂછ્યું.

‘હા...દસેક વર્ષ પહેલા હું કલકત્તા જ હતો...!’

જયદેવ ધીમેથી માથું હલાવીને રહી ગયો. ત્યાર બાદ તે મધુસૂદનની રજા લઈને રવાના થયો. સંધ્યા તેને વળાવવા માટે દરવાજા સુધી આવી. વાત વાતમાં જ એણે જયદેવને જણાવ્યું કે, ‘મધુસૂદન મારા નહીં, પણ મારી મમ્મીના કાકા છે અને તેમની સંપત્તિની હું જ એક માત્ર વારસદાર છું.’

જયદેવ વિદાય થઈ ગયો. એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા.

સાત દિવસ પછી કામતે ફોનથી જયદેવને જણાવ્યું કે આરતીની લાશ મળી આવી છે ! લાશ એકદમ દુર્ગંધ મારે છે. જયદેવ તરત જ બનાવના સ્થળે પહોંચી ગયો અને મૃતદેહનું નિરીક્ષણ કર્યું. મૃતદેહનો ચહેરો વિકૃત કરી નાંખવામાં આવ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ ફ્લેટ સુધા નામની ચાલીસેક વર્ષની એક સ્ત્રીનો છે. એનો પતિ ટ્રાવેલિંગ એજન્ટ હોવાથી બહુ ઓછો ઘેર આવે છે. આરતી ડો. માથુરનું ખૂન થયું એ દિવસે સાંજે લગભગ પોણા આઠ વાગ્યે આવી હતી. તે અગાઉ પણ અહીં આવ-જા કરતી હતી.

જયદેવે સુધાના રૂમની તલાશી લીધી પણ એને ખાસ કંઈ જાણવા ન મળ્યું.

જયદેવ કશુંક વિચારીને ડો. માથુરની સેક્રેટરી મિસ દિવ્યાના ભાવિ પતિ સુબોધને મળ્યો. એ વખતે દિવ્યા પણ જોગાનુજોગ ત્યાં હાજર હતી.

‘મિસ્ટર સુબોધ, તમે ડો. માથુરનું ખૂન થયું એ દિવસે તેમના ક્લિનિક પર ગયા હતા એવું મને જાણવા મળ્યું છે. એ વખતે ત્યાં શું બન્યું હતું તે જરા પણ છુપાવ્યા વગર વિગતથી મને કહો...!’

‘જરૂર...’ સુબોધે હકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો, ‘સાંભળો...હું ડોક્ટર સાહેબને એ વાત જણાવવા માટે ગયો હતો કે મને નોકરી મળી ગઈ છે એટલે હવે તેઓ દિવ્યા સાથે મારા લગ્નનો વિરોધ છોડી દે ! ક્લિનિકના ચપરાસી જગદીશ પાસેથી મને જાણવા મળ્યું કે દિવ્યા રજા પર હતી. મેં થોડી વાર સુધી ડોક્ટર સાહેબની રાહ પણ જોઈ હતી. ઈન્સ્પેક્ટર સાહેબ, હું દિવ્યાની કેબિનમાં બેસીને ડોક્ટર સાહેબના ફ્રી થવાની રાહ જોતો બેઠો હતો. થોડી વાર પછી માથુર સાહેબે બેલ વગાડી. બહાર બેઠેલા ચપરાસીએ બૂમ પાડીને આરતી પટવારીને અંદર જવાની સૂચના આપી. થોડી પળો બાદ આધેડ વયની એક સ્ત્રી ચિકિત્સાખંડમાં પ્રવેશી.’ આટલું કહીને એણે એ સ્ત્રીનું વર્ણન જણાવ્યું. પછી બોલ્યો, ‘એ સ્ત્રી ઘણી વાર સુધી અંદર રોકાઈ. એના બહાર જતાં જ ઘંટડી વાગી. ચપરાસીએ કોઈક મિસ્ટર પીટરના નામની બૂમ પાડી. થોડી પળો બાદ પીટર અંદર આવ્યો. તે કોઈક ક્રિશ્ચિયન જેવો લાગતો હતો. તે બહાર નીકળ્યો ત્યારે ધીમે ધીમે પોતાનું બાવડું મસળતો હતો. ડોક્ટરે તેને બાવડા પર ઈન્જેક્શન આપ્યું છે એ હું સમજી ગયો. એની પાછળ પાછળ એક અન્ય માણસ પણ ચિકિત્સાખંડમાંથી બહાર નીકળ્યો...!’

‘એ માણસનો દેખાવ કેવો હતો...?’ જયદેવે પૂછ્યું.

જવાબમાં સુબોધે એ માનવીના દેખાવનું વર્ણન જણાવી દીધું. પછી ઉમેર્યું, ‘એ માણસ પણ પીટરની પાછળ-પાછળ તરત જ ઉતાવળથી બહાર ચાલ્યો ગયો. હું રાહ જોઈ જોઈને કંટાળી ગયો હતો. ડોક્ટર સાહેબ બેલ વગાડીને બીજા કોઈને અંદર બોલાવી લેશે એવા ડરથી હું તરત જ દિવ્યાની કેબિનમાંથી બહાર નીકળીને ચિકિત્સાખંડમાં પહોંચી ગયો. પરંતુ અંદર પ્રવેશતાં જ મારી આંખો ફાટી પડી. મેં જોયું તો ડો. માથુર પડદા પાછળ મૃત્યુ પામેલી હાલતમાં પડ્યા હતા ! મૃતદેહની બાજુમાં જ એક રિવોલ્વર પડી હતી. તેમના લમણામાંથી લોહી નીકળતું હતું. આ ખોફનાક દ્રશ્ય જોઈને મારા ગભરાટનો પાર ન રહ્યો. હું તરત જ ત્યાંથી બહાર નીકળી આવ્યો. મેં દરવાજાના હેન્ડલ પરથી મારા આંગળાંની છાપ ભૂંસી નાખી અને ચૂપચાપ એ ઈમારતમાંથી બહાર નીકળી ગયો.’

‘થેંક યૂ...થેંક યૂ વેરી મચ, મિસ્ટર સુબોધ...!’ પ્રસન્ન અવાજે આટલું કહીને જયદેવ ત્યાંથી રવાના થઈ ગયો.

ત્યાર બાદ બે દિવસ સુધી તે તપાસમાં મશગૂલ રહ્યો. ત્રીજે દિવસે તે કામતને લઈને મધુસૂદનના બંગલે પહોંચ્યો.

મધુસૂદન એ વખતે લાઈબ્રેરીમાં બેઠો હતો. એણે સ્મિતસહ તેમનું સ્વાગત કર્યું.

‘મિસ્ટર મધુસૂદન...!’ ઔપચારિક અભિવાદન પછી છેવટે જયદેવ મુદ્દાની વાત પર આવતાં ગંભીર અવાજે બોલ્યો, ‘હું ડો. માથુર, પીટર અને આરતી પટવારીનાં ખૂનો કરવાના આરોપસર તમને ગિરફતાર કરવા માટે આવ્યો છું.’

‘વાહ... આપ મજાક બહુ સારી કરી જાણો છો, ઈન્સ્પેક્ટર સાહેબ...!’ મધુસૂદને હસીને કહ્યું.

‘હું મજાક નથી કરતો, પણ સાચું જ કહું છું. સાંભળો...’ જયદેવ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘તમે વિશાળગઢમાં એક સ્ત્રી સાથે લગ્ન કર્યા અને પછી તેને લઈને કલકત્તા ચાલ્યા ગયા. એ અરસામાં આરતી પણ કલકત્તામાં જ હતી. આરતીને તમારી તેમ જ તમારી પત્ની સાથે સારો એવો પરિચય થઈ ગયો હતો. ખેર, ત્યાર બાદ તમે તમારી પત્નીને કલકત્તા જ મૂકીને વિશાળગઢ આવ્યા અને વિશાળગઢ આવીને રેણુકા નામની એક શ્રીમંત વિધવા સાથે લગ્ન કરી લીધા. થોડા સમય પછી તમારી પહેલી પત્ની કલકત્તાથી વિશાળગઢ આવી. તમે અહીં એક શ્રીમંત વિધવા સાથે લગ્ન કરી લીધાં છે એ જાણીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. એ તમને મળી તો તમે એકદમ ગભરાઈ ગયાં. તમે તેમને તમારાથી દૂરની એક સંબંધી તરીકે ઓળખાવીને મિસિસ સુધાના નામથી એક ફ્લેટ લઈ આપ્યો. જયારે તમારી બીજી પત્ની રેણુકા મૃત્યુ પામી ત્યારે તમે પહેલી પત્નીને ભત્રીજી તરીકે ઓળખાવીને અહીં બોલાવી લીધી, પરંતુ એ ફ્લેટ મિસિસ સુધાના નામે જ રહ્યો.’ આટલું કહીને જયદેવ થોડી પળો માટે અટક્યો.

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ લંબાવી: ‘એક દિવસ જોગાનુજોગ આરતી ડો. માથુરના ક્લિનિક પાસે તમને મળી ગઈ, પરંતુ તમે તેને ઓળખવાનો ઈન્કાર કરી દીધો, પણ તેમ છતાંય તમારો ગભરાટ ઓછો ન થયો. જો આરતી લોકોને જણાવી દે કે રેણુકા સાથે લગ્ન કરતી વખતે તમારી પહેલી પત્ની જીવતી હતી તો રેણુકાની સંપત્તિ તમારી પાસેથી આંચકી લેવામાં આવે. એટલું જ નહીં, તમારે જેલમાં પણ જવું પડે. એટલે તમે તમારી પહેલી પત્ની સાથે ચર્ચા-વિચારણા કરીને આરતીને ઠેકાણે પાડી દેવાની યોજના બનાવી અને તેને મિસિસ સુધાના ફ્લેટમાં બોલાવીને મારી નાંખી તથા એનો ચહેરો વિકૃત કરી નાખ્યો જેથી પોલીસ તેને ઓળખી ન શકે, પરંતુ તમારા કમનસીબે આરતી પોતાના મિત્ર પીટરને કે જે થોડા સમય માટે કલકત્તામાં તેની સાથે રહ્યો હતો તેને તમારાં કરતૂતો વિશે બધું જણાવી ચૂકી હતી. પીટરે તમને પત્રો દ્વારા બ્લેક મેઈલ કરવાનું શરૂ કરી દીધું. તમે હંમેશને માટે પીટરનું મોં બંધ કરી દેવાની યોજના ઘડી કાઢી અને આ કામ માટે ડો. માથુરને નિશાન બનાવ્યા. પીટરને દાઢનો રોગ છે એ વાતની તમને ખબર હતી એટલે તે ક્યારે ડો. માથુર પાસે સારવાર માટે જાય છે એની તમે રાહ જોવા લાગ્યા. ખેર, જે દિવસે પીટર ડો. માથુરને ત્યાં ગયો એ દિવસે તમે પણ તમારી પત્નીને લઈને ત્યાં પહોંચી ગયા. તમારી પત્નીએ આરતીનું રૂપ ધારણ કરી રાખ્યું હતું. ક્લિનિકના રજીસ્ટરમાં પણ એણે પોતાનું નામ આરતી જ લખાવ્યું હતું. તમે ત્યાં પહોંચતા વેંત ડો. માથુરનું ખૂન કરી નાખ્યું. તમારા પછી તમારી પત્નીનો વારો હતો. તમે બેલ વગાડી. ચપરાસીએ એમ માન્યું કે ડોક્ટર સાહેબ બીજા દર્દીને બોલાવે છે. એણે આરતી અર્થાત્ તમારી પત્નીને અંદર મોકલી આપી. તમારી પત્ની ચિકિત્સાખંડમાં આવી એટલે તમે બંનેએ ભેગાં થઈને ડો. માથુરના મૃતદેહને પડદા પાછળ છુપાવી દીધો. ત્યાર બાદ તમારી પત્ની બહાર ચાલી ગઈ. એના ગયા પછી તમે બેલ દબાવી એટલે વારા મુજબ ચપરાસીએ પીટરને મોકલી આપ્યો. એ પત્રો દ્વારા તમને બ્લેક મેઈલ કરીને તમારી પાસેથી પૈસા પડાવતો હતો. તમે પીટરથી પરિચિત હતા, પરંતુ પીટરે અગાઉ ક્યારેય તમને જોયા નહોતા. તેમ તે ડો. માથુરથી પણ પરિચિત નહોતો એટલે એણે તમને જ ડો. માથુર માની લીધા. તમે એક ડોક્ટરની ભૂમિકા ભજવીને તેને ઓડરલીન અને નોવોકીનની વધુ માત્રા વાળું ઈન્જેક્શન આપી દીધું. આ રીતે તમે તમારા બંને દુશ્મનોથી છુટકારો મેળવી લીધો. પીટર રવાના થયો કે તરત જ તમે પણ બહાર નીકળી ગયા, પરંતુ તમારા નસીબે ડો. માથુરની સેક્રેટરી દિવ્યાના ભાવિ પતિ સુબોધે તમારી પત્ની, પીટર અને તમને બહાર નીકળતા જોઈ લીધાં અને આ રીતે તમારો ભાંડો ફૂટી ગયો. હવે તમે તમારો ગુનો કબૂલી લો તે વધુ યોગ્ય રહેશે. તમે તમારી પહેલી પત્ની સાથે સિવિલ મેરેજ કર્યા હતાં. મેં અહીંની સિવિલ કોર્ટમાંથી તેના દસ્તાવેજો મેળવી લીધા છે. સંધ્યાની મા શારદા તમારી પહેલી પત્ની છે અને એ જ આરતીના વેશમાં ડો. માથુરને ત્યાં આવી હતી તે પણ હું જાણું છું. સંધ્યા તમારી ભત્રીજી નહીં પણ સગી દીકરી છે. તમારી પત્નીને સુબોધ સહેલાઈથી આરતી તરીકે ઓળખી કાઢશે. બોલો....મારી વાત ખોટી હોય તો કહો...!’

મધુસૂદન નીચું જોઈ ગયો. એણે પોતાનો ગુનો કબૂલી લીધો.

જયદેવના સંકેતથી કામતે એના હાથમાં હાથકડી પહેરાવી દીધી. એટલું જ નહીં, તેને મદદ કરવાના આરોપસર એની પત્ની શારદાની ધડપકડ પણ કરવામાં આવી.

ઈન્સ્પેક્ટર જયદેવે અસીમ બુદ્ધિમતાના જોરે તર્ક-શક્તિ દ્વારા આ કેસનો અંત લાવી દીધો.

*** - કનુ ભગદેવ Facebook Page: Kanu Bhagdev/Facebook