રહસ્યજાળ-(૩) સંકેત Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(૩) સંકેત

પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.

ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.

તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.

આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.

- પરમ દેસાઈ (સંકલન કર્તા)

મો. ૮૪૬૯૧૪૧૪૭૯

સંકેત !

ગણપત મહેનત-મજૂરીમાં માનતો નહોતો. રાજકોટ આવ્યાને એને સાત-આઠ દિવસ જ થયા હતા. એ ધોળે દિવસે બપોરના દોઢેક વાગ્યે ગમે તેના ફ્લેટની ઘંટડી વગાડતો. આ સમયે પુરુષવર્ગ બહાર હોય છે અને ગૃહિણીઓ એકલી જ હોય છે એવી એની માન્યતા હતી. ગમે તેના ઘરમાં ઘૂસી જઈને એકલદોકલ સ્ત્રીને દબાવી, મારકૂટ કરી, લૂંટફાટ મચાવીને ત્યાંથી નાસી છૂટવાનો એનો મુખ્ય ધંધો હતો.

ત્રણ દિવસથી શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ એક બહુમાળી ઈમારતના એક ફ્લેટ પર એની નજર હતી. સાત નંબરના એ ફ્લેટ માંથી એણે બરાબર સવારે સાડા દસના ટકોરે ફ્લેટના માલિકને સ્કૂટર પર કામ ધંધે જતો જોયો હતો અને બપોરના બદલે તે છેક સાંજે સાત પછી ઘેર પાછો ફરતો હતો. આટલું એણે નજર રાખીને જાણી લીધું હતું.

દિવસ દરમિયાન એ ફલેટમાંથી એક સ્ત્રી બહાર નીકળતી અને ફ્લેટવાળી ઈમારત સામેની દુકાનમાં જઈને પાંચ મીનીટમાં જ ઘેર પાછી ફરી જતી હતી. આ ફ્લેટમાં બંને પતિ-પત્ની સિવાય બીજું કોઈ રહેતું હોય એવું એણે લાગ્યું નહોતું.

ગણપતે છેવટે નક્કી કર્યું કે આવતી કાલે બપોરે દોઢ વાગ્યે પોતે એ ફ્લેટમાં ઘૂસી જઈને ધાકધમકીથી જે હાથમાં આવે તે લઈને પોબારા ગણી જશે.

બીજે દિવસે નિયત સમયે એણે નિયત સમયે ફ્લેટ પર જઈને ડોરબેલ વગાડી.

જવાબમાં એક સ્ત્રીએ બારણું ઉઘાડ્યું. આ એ જ સ્ત્રી હતી કે જેને ગણપત ફલેટમાંથી બહાર નીકળીને સામેની દુકાનમાં જઈ પાંચ મિનીટ પછી ફ્લેટમાં પાછી ફરતી જોઈ ચુક્યો હતો.

‘કોનું કામ છે...?’ સ્ત્રીનો અવાજ કોમળ હતો.

‘તારું...!’ કહીને ગણપતે હાથમાં જકડાયેલા છાપા નીચે છુપાવી રાખેલી લાંબી છૂરી કાઢીને એની સામે લહેરાવી.

એ વખતે એના ચહેરા પર ખુન્નસ છવાયું હતું.

સ્ત્રી એકદમ ગભરાઈ ગઈ. એણે બોલવાનો પ્રયાસ કર્યો પણ કશું બોલી શકી નહી.

આ સ્થિતિનો લાભ લઈ અંદર ઘૂસી બારણું બંધ કરીને ગણપતે સ્ટોપર ચડાવી દીધી.

સ્ત્રીની આંખોમાં ભયના કૂંડાળા રચાયેલા હતાં.

‘ક...કોણ છો તમે...?’

‘છૂરી જોઇને જ તારે સમજી જવું જઈએ કે હું કોણ છું...!’ ગણપત ધમકીભર્યા અવાજે બોલ્યો, ‘જીવવું હોય તો ઘરમાં જે કંઈ રોકડ તેમ જ દર-દાગીના હોય તે તાત્કાલિક મારે હવાલે કરી દે. અગાઉ બે ખૂનો તો કરી ચૂક્યો છું, એટલે આનાકાની કરીશ તો ત્રીજું ખૂન કરતાં મને સહેજેય આંચકો નહી લાગે...!’ વાત પૂરી કર્યા પછી એની નજર ફ્લેટમાં ચારે તરફ ફરી.

નીરવ શાંતિ હતી. ક્યાંય કોઈ અવાજ નહોતો.

થોડે દૂર એક પલંગ પર બે-અઢી વર્ષનું બાળક સૂતું હતું. સાઈડ ટેબલ પર દૂધની બોટલ અને દવાની બે ખાલી શીશીઓ પડી હતી.

‘પણ...પણ મારી પાસે કબાટની ચાવી નથી.’ સ્ત્રીએ થોથવાતા અવાજે કહ્યું.

‘આ જાતનાં બહાનાંઓ હવે જુના થઇ ગયા છે.’ ગણપતના કારમી ઠંડક હતી, ‘મને ખબર છે કે તારો પતિ સાંજે સાત પહેલા કોઈ પણ સંજોગોમાં પાછો નથી આવતો, તેમ બીજું પણ કોઈ આવતું નથી. એટલે આમેય મને કોઈ ઉતાવળ નથી. તું જીવતી રહે અને સો વરસની થા એવી મારી ઈચ્છા હોય જ ! પરંતુ બિઝનેસ એ બિઝનેસ જ છે ! પછી ભલે એ ગમે તે પ્રકારનો હોય ! બિઝનેસમાં હું લાગણીને કોઈ સ્થાન નથી આપતો એટલે તને વિચારવા માટે એક કલાકનો સમય આપું છું. આશા છે કે તારું ખૂન કરવા માટે તું મને ફરજ નહી પાડે !’

સ્ત્રી ફાટી આંખે તેની સામે તાકી રહી હતી અને તે થરથર ધ્રુજતી હતી.

ફ્લેટમાં પ્રવેશ્યા બાદ ગણપતે ધાક-ધમકીથી તેને ખુરશી પર બેસાડી દીધી હતી અને પોતે પણ આરામથી હાથમાં છૂરી સાથે બેસી ગયો હતો.

અચાનક સ્ત્રી ઉભી થઇ.

‘બેસી જા...’ ગણપતે ધીમા પણ સૂસવતા અવાજે હુકમ ધણધણાવ્યો.

‘પણ...પણ...મારા બાબાને સખત તાવ છે, મારે એને દવા પિવડાવવાની બાકી છે. તમને વિશ્વાસ ન હોય તો તમે આવીને બાબાને તપાસી જુઓ...!’

સ્ત્રી સાચું બોલે છે કે ખોટું તે જાણવા માટે ગણપતે એની સાથે બાળક પાસે પહોંચીને તેના કપાળ પર હાથ મૂક્યો. સ્ત્રીની વાત સાચી હતી. બાળકનુ કપાળ ધગધગતું હતુ અને તેને ઓછામાં ઓછો એકસો ચાર ડિગ્રી તાવ હતો.

સ્ત્રીએ જોયુ તો દવાની શીશીમાં માત્ર થોડાં જ ટીપાં બાકી હતાં. એ એણે ચમચી વડે બાળકને પરાણે મોં ઉઘાડીને પીવડાવ્યાં. બાળક કણસવા લાગ્યું.

હવે દવાની શીશીમાં એક ટીપું પણ બાકી રહ્યું નહોતું. બંને ફરીથી ખુરશી પર બેસી ગયા હતાં.

પાંચેક મીનિટ નીરવતામાં પસાર થઈ ગઈ અને પછી અચાનક જ જોરશોરથી ટેલિફોનની ઘંટડી રણકી ઊઠી.

ગણપત સફાળો હેબતાઈને ઊભો થઈ ગયો.

સ્ત્રી પણ ફોન રિસીવ કરવાના હેતુથી ઊભી થઈ.

‘નહીં...! ફોન સાંભળવાની જરૂર નથી. ઘંટડી એની મેળે જ પૂરી થઈ જશે.’

‘પ્લીઝ, મારી વાત સાંભળો તો ખરા...! બાબાની તબિયત કેમ છે એ જાણવા માટે મારા પતિએ “હું ફોન કરીશ” એમ કહ્યું હતું અને તમે જોયુ ને...? દવાની શીશી સાવ ખાલી થઈ ગઈ છે. દર અડધા કલાકે દવા પિવડાવવાની ડોક્ટરની સૂચના છે. દવા ખલાસ છે એ મારા પતિને જણાવવાનું હું સાવ ભૂલી ગઈ હતી. મારે એમને દવા લાવવા માટે કહેવાનું છે. સાંજે તેઓ ઘેર પાછા ફરે ત્યારે ભૂલ્યા વગર મેડિકલ સ્ટોરમાંથી આ દવા લેતા આવે... કંઈ નહીં તો આ નાના બાળકને ખાતર મને ફોન સાંભળવા દો…’

ગણપતે દૂરથી જ પલંગ પર સુતેલા બાળક સામે નજર કરી. એ હજુ પણ સહેજ કણસતું હતું.

‘ઠીક છે...પણ જો તેં એણે સહેજેય ચેતવવાનો પ્રયાસ કર્યો તો હું લગીરે આંચકો ખાધા વગર કે પૈસટકાની લાલચ રાખ્યા વગર તારું ખૂન કરીને પાંચ જ મિનીટમાં નાસી છૂટીશ. આ વાત ખાસ યાદ રાખજે. તું જાણે રાબેતા મુજબ વાત કરે છે એવા જ ટોનમાં વાત કરજે. જે કંઈ કહેવું હોય તે કહેજે. બીજી કોઈ ચીજવસ્તુ લાવવાની હોય તો એ પણ કહેજે પણ ગફલતમાં રહીશ નહીં. નહી તો તારા પતિને બીજા લગ્ન કરવા પડશે.’

ગણપતના ધીમા અવાજમાં જે ભયાનક ધમકી હતી તે એ સ્ત્રી પારખી ગઈ.

એણે જોરજોરથી ઈન્કારમાં માથું ધુણાવ્યું અને બોલી, ‘હું બીજું કંઈ જ નહી કહું...તમને એવું લાગતું હોય તો છૂરી લઈને મારી બાજુમાં ઊભા રહોને...’

‘ઠીક છે, ચાલ...!’

આ દરમિયાન ઘંટડી એક વખત પૂરી થઈને ફરી થી રણકવા લાગી હતી.

સ્ત્રીના ચહેરા પર હર્ષની લહેર દોડી ગઈ. ટેલિફોનની નજીક પહોંચીને એણે રિસીવર ઊંચક્યું અને બોલી:

‘હલ્લો....કોણ...? ..........સારું થયું તમારો ફોન આવ્યો...! આપણા કિરણને લગભગ એકસો ચાર ડિગ્રી જેટલો તાવ છે. તમે ઘેરથી ગયા ત્યારે તમારી નજર સામે જ દવાની ચમચી મેં પિવડાવી હતી, પરંતુ ચિંતામાં ને ચિંતામાં દવા ખલાસ થઈ ગઈ છે એ વાત કહેવાનું હું ભૂલી જ ગઈ હતી. સાંજે તમે ઘરે આવો ત્યારે વિમલ મેડિકલ સ્ટોરમાંથી ડોકટરે લખી આપેલા પ્રિસ્ક્રીપ્શન મુજબ દવા લેતા આવજો...’ થોડી પળો સુધી એ સામે છેડે રહેલા પોતાનાં પતિનો અવાજ સાંભળતી રહી અને પછી જવાબ આપતા કહ્યું, ‘શું ? દવા લખેલો કાગળ તો મેં રાત્રે જ તમારી નજર સામે તમારા કોટના અંદરના ગજવામાં મૂક્યો છે ! ભગવાન જાણે ક્યારે તમારો આ ભૂલકણો સ્વભાવ જશે......ના...ના...’ એ સહેજ ઉતાવળા અવાજે બોલી, ‘હવે કાલે આપણાથી બહારગામ નહી જઈ શકાય માટે ટિકીટો કેન્સલ કરાવી નાખજો. ના, બીજું કશું લાવવાનું નથી. યાદ રાખીને દવા લેતા આવો તો પણ બસ છે.’ કહીને એણે રિસીવર મૂકી દીધું.

ગણપતે બાજુમાં ઊભા રહીને ચૂપચાપ આ બધો વાર્તાલાપ સાંભળ્યો હતો.

‘સાંભળ...’ ફરીથી એક વાર ખુરશી પર ગોઠવાયા બાદ દસેક મિનીટ પછી એણે કહ્યું, ‘તને આપેલા સમયમાંથી અડધો કલાક પૂરો થઇ ગયો છે. બાળક પ્રત્યે દયા ખાઈને મેં ફોન સાંભળવા દીધો એટલે એવું ન માનતી કે તારા પર પણ હું દયા રાખીશ. કાં તો તારે દરદાગીના ને પૈસા આપવા પડશે ને કાં તો જીવ ગુમાવવો પડશે.’

‘હું તમને સાવ સાચું કહું છું કે ચાવી...’

એનું વાક્ય અધૂરું રહ્યું.

એજ પળે ખૂબ જોરથી ડોરબેલ રણકી ઊઠી. ગણપત ફરીથી હેબતાઈ ઊભો થયો.

‘દૂધવાળો છે...!’ સ્ત્રીના અવાજમાં સ્વાભાવિકતા હતી, ‘મારા પર ભરોસો રાખો અને દૂધ લેવા દો. આ બાબા માટે તાજું દૂધ બનાવાનું છે. એટલું તો તમે પણ સમજી શકો તેમ છો કે દવા ઉપર પોષણ માટે દૂધ જોઈએ જ...!’

‘ઠીક છે, ચાલ...!’

સ્ત્રી રસોડામાંથી ખાલી વાસણ લઈને બારણા પાસે પહોચી અને તેને ઉઘાડ્યું.

પરંતુ ઉઘડતાંની સાથે જ તે એકદમ બાજુએ ખસી ગઈ. આગંતુકને જોઇને ગણપત એકદમ હેબતાઈ ગયો. તે એ સ્ત્રીનો પતિ જ હતો અને અત્યારે તેના હાથમાં જકડાયેલી રિવોલ્વરની નળી ગણપતના કપાળ સામે જ નોંધાયેલી હતી.

એણે આગળ વધીને ગણપતની છૂરીનો સહેજેય ભય રાખ્યા વગર ખૂબ જોરથી એના ગાલ પર તમાચો ઝીંકી દીધો.

આ અણધાર્યા બનાવથી ગણપત એટલો બધો ડઘાઈ ગયો કે ક્યારે હાથમાંથી છૂરી નીચે સરકી પડી એનું પણ તને ભાન ન રહ્યું.

‘તમે...તમે...’ એ થોથવાતા અવાજે બોલ્યો, ‘તમે તો દરરોજ સાંજે સાત વાગ્યા પછી આવો છો તો પછી અત્યારે અચાનક...? હજી હમણાં તો તમારી પત્નીએ ફોન પર તમારી સાથે તમારા બાબાની દવા લાવવા માટે વાત કરી હતી, તો પછી...’

‘બાબો...?’ યુવતીના પતિએ ખડખડાટ હસીને કહ્યું, ‘કોનો બાબો...? કેવો બાબો...? અમારે કોઈ સંતાન જ નથી તો બાબો-બેબી ક્યાંથી આવે...?’

‘તો આ પલંગ પર સુતેલું બાળક તમારું નથી...?’ ગણપતે ચમકીને પૂછ્યું.

‘ના...એ તો અમારા પડોશીનો બાબો છે...!’ યુવતીનો પતિ હસીને બોલ્યો, ‘સરલાને બાળકો રમાડવાનો બહુ શોખ છે એટલે લાવી હશે ! હવે સૌથી પહેલાં મારો પરિચય તથા હું અત્યારે અણધાર્યો અહી કેવી રીતે પહોંચ્યો એ સાંભળ...! હું એક સી.આઈ.ડી. ઓફિસર છું. ફોન પર જયારે સરલાએ જણાવ્યું કે, “આપણા કિરણને લગભગ ચાર ડિગ્રી જેટલો તાવ છે” ત્યારે જ મને અહી કશીક નવાજુની થયાની ગંધ આવી ગઈ. ત્યાર બાદ સરલાએ જ મને ખરેખર નવાજુની થયાનો સંકેત આપતી હોય એ રીતે ડોકટરના પ્રિસ્ક્રીપ્શનનો કાગળ મારા કોટના અંદરના ગજવામાં પડ્યો છે એમ જણાવ્યું. અંદરના ગજવામાં તો હું રિવોલ્વર સિવાય બીજું કશુંય નથી રાખતો. બસ, હું તરત જ સમજી ગયો કે સરલા પર ફોનમાં સ્પષ્ટ રીતે ન કહી શકે એવું જોખમ તોળાય છે અને કોટના અંદરના ગજવામાં પડેલી રિવોલ્વર તરફ સંકેત કરીને મને તાબડતોબ ઘેર પહોંચવાનું જણાવે છે અને હું અહીં પહોચી ગયો. હવે તારું સ્થાન જેલમાં છે એ તું સમજી ગયો હોઈશ.’

ગણપત ફાટી આંખે તેની સામે તાકી રહ્યો.

***

- કનુ ભગદેવ

Facebook Page: Kanu Bhagdev-Fans/Facebook

Feedback: Whatsapp no. 8469141479