Rahasyjaal - 10 books and stories free download online pdf in Gujarati

રહસ્યજાળ-(૧૦) ગફલત

ગફલત

એ ૭મી એપ્રિલ, ૧૯૮૮નો દિવસ હતો.

સવારના સવા પાંચ વાગ્યાની આસપાસના સમયે દોઢેક કલાક પહેલાં મુંબઈના વિક્ટોરિયા ટર્મિનસ (વી.ટી. રેલવે સ્ટેશન) પર આવીને ખાલી થઈ ગયેલી મુંબઈ-ભુસાવળ-મુંબઈ પેસેન્જર ટ્રેનના સેકન્ડ ક્લાસના રિઝર્વેશન કોચમાંથી એક નાની બાળકીનો મૃતદેહ રેલવે-પોલીસને મળી આવ્યો. બાળકીની લાશ એક સાધારણ કદની પતરાની પેટીમાં છુપાવવામાં આવી હતી. મૃતદેહની ગંધ ન ફેલાય એ માટે ખૂનીએ એમાં સાત-આઠ ડુંગળીઓ મૂકી હતી. પેટીમાંથી મળી આવેલા અન્ય સામાનમાં એક નાની સુંદર ઢીંગલી, પ્લાસ્ટિકની થેલીમાં રાતના ભોજન માટે પૂરી, સૂકી ભાજી, પિત્તળના એક ડબ્બામાં બેસનના લાડુ, એક ચાદર અને બાળકીના એક જોડી કપડાં હતાં. ડબ્બા પર શ્રીમતી પાર્વતી નારાયણ જૈતાપુરકર નામ કોતરેલું હતું. એ રિઝર્વેશન કંપાર્ટમેન્ટ પર મુંબઈ-ધુળે-મુંબઈ (ધૂળિયા)નું બોર્ડ હતું. ભુસાવળથી મુંબઈ આવતી ટ્રેનમાં ચાલીસગાંવથી જ આ કોચને જોડી દેવામાં આવતો હતો. કોચનો નંબર ૦૮૫૭૨ હતો. મુંબઈ શહેરને આ ખૂન કેસ સાથે કશુંય લાગતું-વળગતું નહોતું. તેમ છતાંય કુતૂહલવશ રેલવે-પોલીસને મદદરૂપ થવાના હેતુથી શહેરની સી.આઈ.ડી. ક્રાઈમબ્રાંચનો બાહોશ ઈન્સ્પેક્ટર જયદેવ પોતાના બે ચુનંદા સહકારીઓ કામત અને કાંબલે સાથે ધટનાસ્થળે જઈ પહોંચ્યો. રેલવે-પોલીસના અધિકારીઓ જયદેવને ઓળખતા હતા. એણે પોતાની રીતે લગભગ વીસ મિનિટ સુધી મળેલા સામાનનું, મૃતદેહનું તથા કંપાર્ટમેન્ટનું ખૂબ બારીકાઈથી ચૂપચાપ નિરીક્ષણ કર્યું અને પછી નીચેના મુદ્દાઓ તારવ્યા :

ખૂન ગળું દબાવીને કરવામાં આવ્યું હતું. શ્રીમતી પાર્વતી જૈતાપુરકર નામની સ્ત્રી સાથે મરનાર બાળકીનો સંબંધ હતો. કદાચ એ સ્ત્રીની જ એ બાળકી હતી. રાત્રિભોજન માટે પૂરી-શાકની થેલી હોવાથી પુરવાર થતું હતું કે ખૂનીએ બપોરના સમયે મુસાફરી શરૂ કરી હશે. લાશને પેટીમાં છુપાવીને તે ધૂળિયાથી જ એ કંપાર્ટમેન્ટમાં બેઠો હતો. અધવચ્ચેથી પેટી સહિત અન્ય સ્ટેશનો પર આ કામ કરવાનું સરળ નહોતું. આરક્ષિત ડબ્બામાંથી લાશ મળી હતી એટલે ખૂનીએ અગાઉથી જ ટિકિટ બુક કરાવી હતી. સવાલ એક જ હતો. ખૂની ધૂળિયા સ્ટેશન પર કંપાર્ટમેન્ટમાં બેગ છુપાવીને નાસી છૂટ્યો હતો કે પેટી સાથે એણે છેક વી.ટી. – મુંબઈ સુધી સફર કરી હતી...? કોચ-કંડક્ટરનો ચાર્ટ જોતાં જાણવા મળ્યું કે બધી સીટો પેસેન્જરથી ભરેલી જ હતી. કોઈ જ ખાલી નહોતી કે કોઈ કેન્સલ થઈ નહોતી કે જેથી અધવચ્ચેથી બીજાને ફાળવી શકાય ! જે સીટ નીચેથી બેગ મળી હતી એનો નંબર આઠ, વચ્ચેનો સાત, અને સૌથી ઉપરની સીટનો નંબર છ હતો. છ નંબર કોઈક જી.કે.કર્વે, સાત નંબરની સામે નામ લખ્યું હતું – નારાયણ જૈતાપુરકર...! લાડુના ડબ્બા પરનું નામ શ્રીમતી પાર્વતી જૈતાપુરકર હતું. ચોક્કસ જ એ બંને પતિ-પત્ની હતાં. બરાબર સામેની સીટના નંબરો હતા એકથી ત્રણ...! ચાર્ટમાં એ નંબર પર સફર કરનારાઓના નામ શ્રી અને શ્રીમતી શાહ તથા એમનો પુત્ર નીતિન શાહ હતો. નામની સામે તેમની વય લખવામાં આવી હતી. આ બધાંએ ધૂળિયાથી જ સફર શરૂ કરી હતી. શાહ પરિવાર અને નારાયણ જૈતાપુરકર દાદર ઊતરી ગયાં હતાં. એની ટિકિટનો નંબર ૬૯૫૩૨ હતો અને ચાર્ટ પર નામની સામે ડી.એચ.એલ. એટલે ધૂળિયા અને ડી.આર. એટલે કે દાદર લખેલું હતું. વધુ માહિતી કંપાર્ટમેન્ટના એટેન્ડન્ટ સોની પાસેથી મળવાની શક્યતા હતી, કારણકે સોની મુંબઈ-ધૂળિયા-મુંબઈ ડબ્બા સાથે મનમાડ સુધી આવ્યો હતો. આટલી તપાસ પરથી એ તો હવે સ્પષ્ટ જ હતું કે નારાયણ જૈતાપુરકર નામનો માનવી ધૂળિયાથી જ આવ્યો હતો.

જયદેવે દાદર રેલવેસ્ટેશનના ટિકિટ કલેક્ટરની મુલાકાત લીધી. એણે કલેક્ટ કરેલી ટિકિટોમાં ૬૯૫૩૨ નંબરની ટિકિટ મળી આવી. જયદેવના આનંદનો પાર ન રહ્યો. પોતે સાચી દિશામાં જઈ રહ્યો છે. નારાયણ દાદર સુધી એ બેગ સાથે જ ધૂળિયાથી આવ્યો હતો તે હવે સ્પષ્ટ થઈ ગયું. તપાસમાં સીટ નીચેથી લાલ દોરો બાંધેલી બીડીનાં અસંખ્ય ઠૂંઠાઓ અને ‘ફ્લાઈંગ હોર્સ’ માચીસની ખાલી ડબ્બી પણ મળી આવી હતી.

જયદેવ પોતાની ટીમ સાથે બીજે દિવસે સવારે ટ્રેન મારફત ધૂળિયા પહોંચીને સ્ટેશન-માસ્તરને મળ્યો અને પોતાના આગમનનું કારણ જણાવ્યું. સ્ટેશન-માસ્તર જયદેવને લઈને રિઝર્વેશન ક્લાર્ક પાસે ગયા. એમના કહેવાથી કલાર્કે પોતાનું રજીસ્ટર જોઈને તરત જ નારાયણ જૈતાપુરકરના નામનું એડવાન્સ બુકિંગ રિઝર્વેશન ફોર્મ કાઢીને જયદેવની સામે મૂકી દીધુ...પણ ફોર્મ જોઈને એ ક્લાર્ક પોતે પણ એકદમ ચમકી ગયો. એનું નામ વૈરાલે હતું. એણે જયદેવને પૂછ્યું :

‘સાહેબ, તમે આ માણસ વિશે શા માટે પૂછપરછ કરો છો...? આને તો હું ઓળખું છું. ત્રણ-ચાર દિવસ પહેલાં...હા, શનિવારે આ માણસ મુંબઈ જવા માટે રિઝર્વેશન ટિકિટ લેવા આવ્યો હતો. એને ફોર્મ ભરતાં નહોતું આવડતું એટલે તેના કહેવાથી મેં ફોર્મ ભરી આપ્યું હતું અને પછી એ ફોર્મ ઉપર એની સહી કરાવી લીધી હતી.’

‘ભાઈ વૈરાલે...!’ જયદેવના અવાજમાં ઉત્સાહ હતો, ‘તમે તો મારું કામ એકદમ સહેલું કરી દીધું ! વારુ, આ ફોર્મ હું જ રાખું છું. તમારું સ્ટેટમેન્ટ હું પાછળથી લઈશ. હવે એક કામ બીજું છે...એકથી સાત નંબરના મુસાફરોના સરનામાં મારે જોઈએ છે.’

‘જરૂર સાહેબ...’ વૈરાલેએ ફટાફટ ૧થી ૭ નંબરના રિઝર્વેશન ફોર્મ કાઢીને એની સામે મૂકી દીધાં. જયદેવે જોયું – ૧થી ૩ નંબરની સીટો શાહ પરિવારની હતી. તેઓ ધૂળિયામાં વિઠ્ઠલ મંદિર પાસે રહેતાં હતાં. ૬ નંબરના કર્વે નહેરુચોક અને સાત નંબરના સપ્રે જયહિંદ કૉલોની તથા નારાયણ જૈતાપુરકર પારોલા રોડ પર રહેતા હતા.

મુંબઈ રેલવે-પોલીસ મારફત કદાચ મૃતદેહ મળી આવ્યાની સૂચના ધૂળિયા પોલીસને મળી હોય એવું અનુમાન કરીને જયદેવે પોલીસસ્ટેશને પહોંચી, પોતાનો પરિચય આપ્યો અને પૂછપરછ કરી. ત્યાં આવો કોઈ રિપોર્ટ મળ્યો નહોતો. ઉપરાંત ધૂળિયાના કોઈ પણ પોલીસસ્ટેશન કે ચોકી પર કોઈ પણ બાળક ગુમ થયાની ફરિયાદ આવી નહોતી. આથી એક કારણ જયદેવે એ કાઢ્યું કે – આ ખૂનમાં ચોક્કસ એના પિતા, મામા કે ફુઆનો હાથ છે. એ નારાયણને ઘેર પહોંચ્યો ત્યારે પલંગ પર એક પુરુષ અને નીચે ચાર-પાંચ સ્ત્રીઓ દુઃખી, રડમસ ચહેરે બેઠાં હતાં.

જયદેવે તેઓને જણાવ્યું કે – અમે મ્યુનિસિપાલિટી તરફથી નળ કનેક્શન ચેક કરવા આવ્યા છીએ. પછી ગમગીનીનું કારણ પૂછ્યું તો પુરુષે રડમસ અવાજે જવાબ આપ્યો, ‘સાહેબ, મારી દીકરી ગુમ થઈ ગઈ છે.’ એને – ‘તમારી દીકરી મળી જશે’ એવું આશ્વાસન આપી નામ પૂછતાં એણે જયદેવને કહ્યું, ‘સાહેબ, મારું નામ નારાયણ જૈતાપુરકર છે.’

જયદેવ એકદમ ચમક્યો. નારાયણ જૈતાપુરકર તો મુંબઈ હોવો જોઈતો હતો. એના નંબરની રેલવે ટિકિટ દાદરના સ્ટેશનમાં મોજૂદ હતી ! મનના ભાવ છુપાવીને એણે પૂછ્યું :

‘દીકરી ક્યાં ને ક્યારે ગુમ થઈ ગઈ છે, ભાઈ...?’

‘વેકેશન હોવાથી હું એને મુંબઈ એના મોસાળમાં નાના-નાની પાસે બે દિવસ પહેલાં મૂકવા ગયો હતો. ગઈકાલે સવારે હું વી.ટી. ઊતર્યો અને બે મિનિટ માટે યુરિનલમાં ચાલ્યો ગયો હતો. મારી દીકરી પુષ્પા પ્લેટફોર્મ પર પેટી સાથે ઊભી હતી. પાછો આવ્યો ત્યારે પેટીની સાથે એ પણ ગુમ થઈ ગઈ હતી. ઘણી શોધ પછી છેવટે મેં વી.ટી. પોલીસમાં ફરિયાદ લખાવી દીધી. દીકરીના ગુમ થવાના સમાચાર તાબડતોબ મારી પત્નીને આપવાના હેતુથી મારી સાળીને સાથે લઈને હું રાતની ટ્રેનમાં અહીં ધૂળિયા મારે ઘેર પાછો આવ્યો છું.’

બાળકીનું ખૂન તેના પિતા – જન્મદાતા નારાયણે જ કર્યું છે એની જયદેવને પૂરી ખાતરી થઈ ગઈ. એ તદ્દન ખોટું બોલ્યો હતો. એની ટિકિટ વી.ટી. સુધીની નહીં પણ દાદર સુધીની હતી. બીજું, રિઝર્વેશન ચાર્ટમાં પુષ્પાનું નામ જ નહોતું. વી.ટી. સ્ટેશનના પ્લેટફોર્મ પર પેટી પાસે પુષ્પાના ઊભા રહેવાની વાત પણ એના જવાબ પરથી ખોટી ઠરતી હતી. સૌથી મોટું જુઠાણું તો એ કે એણે પુષ્પાના ગુમ થવાની કોઈ ફરિયાદ જ વી.ટી.માં નહોતી લખાવી. લખાવે પણ ક્યાંથી....? એ તો દાદર જ ઊતરી ગયો હતો. પોતાનો શિકાર નારાયણ જ છે એ વાત જયદેવ તરત જ સમજી ગયો.

ત્યાર બાદ એ સૌને પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા.

વી.ટી. સ્ટેશન પર પુષ્પાનો મૃતદેહ મળ્યા પછી ફક્ત અડતાલીસ કલાકમાં જ જયદેવે ખૂનીને મુંબઈથી દૂર – ધૂળિયા પહોંચીને પકડી પાડ્યો હતો. શરૂઆતમાં તો એણે ગલ્લાંતલ્લાં કર્યાં પણ કાંબલેના એક જ જડબેસલાક તમાચાએ એને થરથરાવી મૂક્યો. એકદમ ઢીલા થઈને એણે પોતાનો ગુનો કબૂલી લીધો. એક કલાક સુધી એની કબૂલાત ચાલી. એ બધી રેકોર્ડ કરી લેવામાં આવી. સગી દીકરીનું ખૂન કરવાના હેતુથી પાછળથી જે હકીકત બહાર આવી એ જોઈ-સાંભળીને જયદેવ, કામત, કાંબલે અને અન્ય પોલીસ અધિકારીઓનાં હૈયા હચમચી ઊઠ્યાં. એક હવસખોર પિતાએ પોતાની સાળી સાથેના આડા સંબંધો પાછળ અંધ બનીને વાસનાપૂર્તિમાં આડખીલીરૂપ જણાતી વ્હાલસોયી દીકરીને ગળું દબાવીને મારી નાંખી હતી. પૂરી દાસ્તાન સાંભળ્યા પછી કાંબલેએ પોતાના “સાહેબ”ની પરવાહ કર્યા વગર રોષે ભરાઈને મગજ પરથી કંટ્રોલ ગુમાવી નારાયણને વધુ બે તમાચા ઝીંકી દીધા હતા.

જયદેવે માંડ માંડ એને ઠંડો પાડ્યો હતો. પૂરી હકીકત આ પ્રમાણે હતી :

***

પાર્વતીનું પિયર મુંબઈમાં જ હતું. પિયરમાં માતા-પિતા અને એનાથી ત્રણેક વર્ષ નાની બહેન સુનંદા હતી. એનાં લગ્ન ધૂળિયાના નારાયણ જૈતાપુરકર સાથે થયા હતાં. પુષ્પાના જન્મ પછી બીજું કોઈ સંતાન થયું નહોતું. વર્ષમાં બે-ત્રણ વખત તેઓ મુંબઈ જતાં હતાં. જમાઈ નારાયણ તથા પુત્રી પાર્વતીને જોઈને માતા-પિતા ખુશ થતાં રહેતાં હતાં. સુનંદા મુંબઈના સ્વચ્છંદી વાતાવરણમાં ઊછરી હતી. એ પણ વર્ષ દરમિયાન મુંબઈથી ધૂળિયા આવતી રહેતી હતી. નારાયણ અને પાર્વતી બંને ઘરખર્ચ પૂરો કરવા નોકરી કરતાં હતાં. નારાયણ પોતાની ખૂબસૂરત સાળી પ્રત્યે આકર્ષાયો હતો. પાર્વતીની ગેરહાજરીમાં બંનેના આડા સંબંધો બંધાઈ ગયા. પરિસ્થિતિ એવી સર્જાઈ કે એ સુનંદા પાછળ લગભગ પાગલ બની ગયો હતો. પણ બંને બેહદ ચાલાક હતાં. પાર્વતીને એમનાં આડા સંબંધો વિશે રજમાત્ર પણ શંકા નહોતી આવી. એ બંને પૂરેપૂરા હવસખોર હતાં અને હવસ સંતોષવાના એકબીજાનાં પૂરક હતાં. વાસના પાછળ આંધળી ભીંત બનેલી સગી નાની બહેને મોટી બહેનના સુખી જીવનમાં ભયંકર આગ ચાંપી હતી. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ એમાં આડખીલીરૂપ પુત્રી અને પત્ની હતાં. એ બંનેને માર્ગમાંથી ખસેડ્યા પછી જ તેઓની ઈચ્છા પાર પડે તેમ હતી. છેવટે નારાયણે યોજના ઘડી કાઢી. એ બજારમાંથી પતરાની નવી બેગ ખરીદી લાવ્યો. પાર્વતીની ગેરહાજરીમાં એણે પુષ્પાને ગળું દબાવીને મારી નાખી. પુત્રી તથા પતિ મુંબઈ જવાના છે એ વાત પાર્વતી જાણતી હોવાથી એણે માતા-પિતા માટે લાડુ બનાવીને ડબ્બામાં ભરી દીધા હતા ને એ ચપટો, ગોળ ડબ્બો ઢીંગલી સાથે જ પેટીમાં અગાઉથી મૂકી દીધો હતો. બપોરે જમીને પાર્વતી પાછી નોકરી પર ચાલી ગઈ. એ પછી નારાયણે પુત્રીને મારી નાખીને એના મૃતદેહને પેટીમાં મૂકી દીધો હતો ને પછી પોતાના એક ઓળખીતા પાનવાળાને ત્યાં એમ કહીને મૂકી આવ્યો કે, ‘મારે મુંબઈ જવું છે. બજારમાં થોડું કામ છે એ પતાવીને સ્ટેશને જતી વખતે લેતો જઈશ.’ પછી એણે બજારમાં તથા ઘેરથી પૈસા એકઠા કર્યા અને પાનવાળાને ત્યાંથી “ફ્લાઈંગ હોર્સ”ના લેબલવાળી માચીસ ખરીદી અને ત્યાર બાદ સ્ટેશને પહોંચી મુંબઈ-ધૂળિયા-મુંબઈ કંપાર્ટમેન્ટમાં એટેન્ડન્ટને પોતાની ટિકિટ બતાવીને આઠ નંબરની સીટ પર બેસી ગયો. એની સામે શાહ પરિવાર બેઠો હતો. શ્રીમતી શાહે એનો વ્યગ્ર ચહેરો જોયો હતો અને એકાદ-બે વખત તો એને આટલી બધી બીડી ફૂંકવા બદલ ટોક્યો પણ હતો. શાહ દંપતીના પુત્ર નીતિને તેને સીટ નીચે મૂકેલી બેગ તરફ અવારનવાર ડોકિયું કરતો જોયો હતો.

ત્યાર બાદ નારાયણને મુંબઈ લઈ જવામાં આવ્યો. પતિના કરતૂત જાણીને પાર્વતીના અફસોસનો પાર ન રહ્યો. એ બિચારી ભલી-ભોળી ને નિર્દોષ સ્ત્રી કપાળ કૂટતી જ રહી ગઈ. જયદેવે મુંબઈ આવતાં પહેલાં ધૂળિયા ખાતે રહેતા શાહ પરિવારને ઘેર જઈને અન્ય કુટુંબીજન પાસેથી શાહ પરિવાર મુંબઈમાં ક્યાં ઊતર્યો છે એનું સરનામું લીધું હતું. સીટ નંબર છ અને સાતવાળા બંને મુસાફરો જી.કે. કર્વે અને રામારામ સપ્રે – આ બંનેને પણ એણે ધૂળિયા ખાતે જ શોધી કાઢ્યા. જોગાનુજોગ તેઓ પણ મુંબઈથી ધૂળિયા ખાતે પોતાને ઘેર પાછા ફર્યા હતા. એ બંનેએ ધૂળિયા પોલીસ-સ્ટેશનમાં જ નારાયણને ઓળખી બતાવ્યો હતો અને જરૂર પડ્યે તેમણે કોર્ટમાં જુબાની આપવાની પણ જયદેવને ખાતરી આપી હતી.

આટલું કર્યા પછી જ જયદેવે પોતાના સાથીઓ સાથે ધૂળિયા છોડ્યું હતું. મુંબઈ પહોંચ્યા બાદ શાહ પરિવાર જેમને ત્યાં મહેમાન તરીકે ઊતર્યો હતો એમના ઘરે તે પહોંચી ગયો. નારાયણને એણે સાથે જ રાખ્યો હતો. એ પરિવારે પણ નારાયણને ઓળખી કાઢીને ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે આ જ માણસ અમારી સામે આઠ નંબરની સીટ પર ધૂળિયાથી દાદર સુધી સાથે હતો. નારાયણની તલાશીમાં ચારસો રૂપિયા રોકડા, લાલ ધાગાની બીડી અને “ફ્લાઈંગ હોર્સ” લેબલની માચીસ ઉપરાંત એણે જે દુકાનમાંથી બેગ ખરીદી હતી તે દુકાનનો, એનું નામ લખેલો કેશમેમો મળી આવ્યો હતો. બધાં પુરાવાઓ એકઠા કરી એ ભલા અને પરગજુ સી.આઈ.ડી. ક્રાઈમબ્રાંચ-મુંબઈના ઈન્સ્પેક્ટર જયદેવે નારાયણને વી.ટી. રેલવે-પોલીસને સોંપી દીધો અને પોતાની ફરજ બજાવ્યાનો સંતોષ માન્યો.

પોલીસે ચાર્જશીટ તૈયાર કરીને નારાયણ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દીધી.

અન્ય સાક્ષીઓની સાથે સાથે બેગ વેચનાર દુકાનમાલિક તેમ જ પાન-બીડી વેચનાર તથા એની બેગ સાચવનાર પાનવાળાએ પણ નારાયણને ઓળખી બતાવીને તેની વિરુદ્ધમાં સજ્જડ જુબાની આપી દીધી હતી. જ્યારે સુનંદાએ પોતે કશું જ જાણતી હોવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો.

પ્રત્યક્ષ રીતે કોઈ પુરાવો નહીં હોવાથી એને શંકાનો લાભ મળ્યો અને તે છૂટી ગઈ, જ્યારે નારાયણને કારાવાસની સજા ફરમાવામાં આવી.

***

- કનુ ભગદેવ

(Kanu Bhagdev/Facebook)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED