Rahasyjaal - 12 books and stories free download online pdf in Gujarati

રહસ્યજાળ-(૧૨) ૧૪, જુલાઈની ગોઝારી રાત

૧૪, જુલાઈની ગોઝારી રાત...!

(સત્ય ઘટના પર આધારિત)

આ બનાવ ભરૂચ શહેરનો છે. શહેરની જી.એન.એફ.સી. માં નોકરી કરતો સુરેશ કંપનીની જ નર્મદાનગર સ્થિત કૉલોનીની ૨૪ નંબરની શેરીમાં પોતાનાં કુટુંબ સાથે રહેતો હતો. એ મીષ્ટભાષી, વિવેકી, સીધો-સાદો, માયાળુ સ્વભાવનો હતો. કોઈને તેની સામે કશીયે ફરિયાદ નહોતી. આજુબાજુમાં બધાં સાથે તેને સારા સંબંધો હતા. ૧૪મી જુલાઈ ૧૯૯૩ના રોજ એણે પોતાને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાની ખુશાલીમાં પાડોશીઓને મીઠાં મોં કરાવ્યા હતાં. એટલું જ નહીં, રાત્રે પોતે પોતાની પત્નીને તેડવા માટે રાજકોટ જવાનો છે, એમ જણાવીને ઘરનું ધ્યાન રાખવાની ભલામણ પણ કરી હતી.

આ વાતને પાંચ દિવસ વીતી ગયા. ૧૯મીની સવાર ખૂબ જ અકળામણભરી લાગતી હતી. એ દિવસે કૉલોનીના રહેવાસીઓએ ભયંકર દુર્ગંધ અનુભવી. દુર્ગંધ એટલી તીવ્ર હતી કે અમુક લોકોને તો ઊલ્ટી જેવું થવા લાગ્યું. આ દુર્ગંધ ક્યાંથી આવે છે એની તપાસ કરતાં તે સુરેશના બ્લોકમાંથી આવતી હોવાનું જણાયું. પરંતુ બ્લોકના દરવાજા પર તાળું મારેલું હોવાને કારણે અંદર જઈ શકાય તેમ નહોતું. છેવટે પોલીસને જાણ કરતાં સબ-ઇન્સ્પેકટર કડીવાલાએ આવીને પંચની હાજરીમાં સુરેશના ઘરનું તાળું તોડાવી નાખ્યું. બારણું ઉઘડતાં જ કડીવાલા અને સિપાહીઓ બે ડગલાં પાછળ ખસી ગયા. તેમણે જોયું તો પલંગ પર પગથી માથા સુધી ચાદર ઓઢીને કોઈક સૂતું હતું. ચાદર ખસેડ્યા બાદ મૃતદેહને ઓળખતાં જ સૌ ઘડીભર સ્તબ્ધ બની ગયા. કારણ કે તે સુરેશનો હતો ! મૃતદેહ સડી ગયો હતો અને તેમાં કીડા પડી ગયા હતા. મૃતદેહના માથા પર થયેલા પ્રહારથી નીકળેલું લોહી પલંગ પર સુકાઈ ગયું હતું. સુરેશનાં મૃત્યુને ઘણો સમય વીતી ગયો છે તે મૃતદેહ તથા પલંગની હાલત પરથી સ્પષ્ટ થઈ જતું હતું.

કડીવાલાને પૂછપરછમાં જાણવા મળ્યું કે સુરેશ એકદમ સરળ પ્રકૃતિનો હતો. તેને કોઈની સાથે ક્યારેય બોલાચાલી કે ઝઘડો નહોતા થયાં. ૧૪મી તારીખે એણે પોતાને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાની ખુશાલીમાં પાડોશીઓને મીઠાઈ આપી હતી. એટલું જ નહીં, રાત્રે પોતે પોતાની પત્નીને તેડવા માટે રાજકોટ જવાનો છે, એવું જણાવીને ઘરનું ધ્યાન રાખવાની ભલામણ પણ કરી હતી. બીજે દિવસે સુરેશના ઘર પર તાળું મારેલું જોઈને તે રાજકોટ ગયો છે એમ સૌએ માન્યું. પરંતુ એના બદલે ૧૯મીએ તેમને સુરેશનો મૃતદેહ જોવા મળ્યો.

કડીવાલાએ પોલીસ ફોટોગ્રાફર, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેને બોલાવ્યા. ફોટોગ્રાફરનું કામ પત્યા પછી એણે બારીકાઈથી રૂમનું નિરીક્ષણ કર્યું. રૂમમાં એક સ્ટૂલ પર પડેલી એશ-ટ્રેમાં બ્રિસ્ટોલ સિગારેટના ચાર ઠૂંઠા ઉપરાંત કાચના બે ખાલી ગ્લાસ પડ્યાં હતાં. કડીવાલાએ રૂમાલની મદદથી, તેના પરથી આંગળાની છાપ ન ભૂંસાય એ રીતે ગ્લાસ ઊંચકીને સુંઘ્યા તો એણે વ્હીસ્કીની ગંધ અનુભવી. જેના પરથી કડીવાલાએ એવું પરિણામ તારવ્યુ કે ૧૪મી તારીખની રાત્રે સુરેશે ખૂની સાથે બેસીને શરાબ પીધો હતો. પછી નશાને કારણે સુરેશ જ્યારે ભાન ગુમાવી બેઠો, ત્યારે ખૂની એના માથા પર કોઈક બોથડ પદાર્થ વડે પ્રહાર કરી, તેને મોતને ઘાટ ઉતારી, બહારથી ઘરનાં દરવાજાને તાળું મારીને આરામથી ચાલ્યો ગયો હતો. સુરેશ રાજકોટ જવાનો હતો, પરંતુ નહોતો જઈ શક્યો એ ત્યાં પડેલી તેની સૂટકેસ તથા સૂટકેસમાં ભરેલ વસ્ત્રો વગેરે પરથી સ્પષ્ટ થઈ જતું હતું.

કડીવાલાએ જાતે જ ફરિયાદી બનીને ફરિયાદ નોંધ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તથા ગ્લાસ વગેરે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને મોકલી આપ્યાં. સુરેશના મૃત્યુના સમાચાર ખાનગી રાખીને રાજકોટથી તેની પત્ની તથા સાસુ-સસરાને ભરૂચ તેડાવ્યાં. આ દરમિયાન પોસ્ટમોર્ટમ તથા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના રિપોર્ટ આવી ગયા હતા. પોસ્ટમોર્ટમના રિપોર્ટ મુજબ કોઈક બોથડ પદાર્થના ઘાથી સુરેશનું મૃત્યુ થયું હતું. ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના રિપોર્ટ પ્રમાણે બેમાંથી એક ગ્લાસ પર સુરેશના, જ્યારે બીજા ગ્લાસ પર કોઈક અજાણ્યા શખ્સના આંગળાની છાપ હતી. સિગારેટના ઠૂંઠાં પરથી મળેલ આંગળાની છાપ પણ અજાણ્યા શખ્સની જ હતી.

સુરેશની પત્ની તથા તેનાં માતા-પિતા સુરેશના મૃત્યુના સમાચારથી લગભગ બેહોશ જેવાં થઈ ગયા. છેવટે સુરેશના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવ્યા. પરંતુ ખૂનીનો ક્યાંય પત્તો નહોતો. ખૂનીના સગડ મેળવવા માટે કડીવાલા પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરતા હતા. તપાસ કરતાં-કરતાં અચાનક તેમને એક કડી મળી ગઈ. કૉલોનીના ટાઉન શોપિંગ સેન્ટરના માલિકે જણાવ્યું કે – ‘૧૪મી જુલાઈએ સુરેશભાઈ પચ્ચીસેક વર્ષના એક યુવાન સાથે અહીં આવ્યા હતા. આવનાર યુવાન પોતાનો સંબંધી હોવાનું સુરેશભાઈએ કહ્યું હતું.’ ત્યાર બાદ એણે એ યુવાનના દેખાવનું વર્ણન પણ જણાવ્યું. વર્ણનના આધારે કડીવાલાએ સુરેશનાં પાડોશીઓને પૂછપરછ કરી, પરંતુ આવા વર્ણનવાળા કોઈ યુવાનને સુરેશના પાડોશીઓએ અગાઉ ક્યારેય નહોતો જોયો.

આ દરમિયાન સુરેશના અંતિમ સંસ્કાર પછી એની પત્ની પોતાના માતા-પિતા સાથે રાજકોટ ચાલી ગઈ હતી.

શરૂથી અંત સુધી વિચારતાં કડીવાલાને લાગ્યું કે એ અજાણ્યા યુવાનને અહીં કોઈ ઓળખતું નથી. એનો અર્થ એવો થયો કે તે બહારગામથી આવ્યો હશે અને સુરેશને મળવા માટે પહેલાં તેની ફેક્ટરી પર ગયો હશે. જો એવું હોય તો ફેક્ટરીના મુલાકાતી રજીસ્ટરમાં જરૂર તેની નોંધ હોવી જોઈએ. એમણે તરત જ જી.એન.એફ.સી.માં જઈને ૧૪મી તારીખે સુરેશને મળવા માટે કોણ-કોણ આવ્યું હતું, તેની મુલાકાત રજિસ્ટર તપાસીને માહિતી મેળવી અને એ દિવસે સુરેશને મળવા આવનાર એક શખ્સના નામ-સરનામા પર નજર પડતાં જ એમની આંખો ચમકી ઊઠી. તેમણે એ શખ્સનું નામ-સરનામું લખી લીધું અને પોતાના ઉચ્ચ અધિકારીઓ કે બીજા કોઈને જાણ કર્યા વગર ભરૂચથી જૂનાગઢ આવ્યા અને ત્યાંથી કેશોદના શેરગઢ ગામમાં રહેતા હસમુખ વાંઝાને અટકમાં લઈને ભરૂચ પાછા પહોંચી ગયા. આ હસમુખ રાજકોટમાં અગાઉ સુરેશના સસરાને ત્યાં નોકરી કરી ચૂક્યો હતો.

કડીવાલાએ સૌથી પહેલા હસમુખના આંગળાંની છાપ લેવડાવીને ગ્લાસ તથા સિગારેટના ઠૂંઠાં પરથી મળેલ આંગળાંની છાપ સાથે તેની સરખામણી કરીને તાબડતોબ રિપોર્ટ આપવાનું ફિંગરપ્રિન્ટ એક્સપર્ટને જણાવ્યું. ત્યાર બાદ તેમણે પોલીસસ્ટેશનમાં પહેલાં તો હસમુખને નરમાશથી પૂછપરછ કરી, પરંતુ હસમુખના સતત ઇન્કારથી કંઈ જ ન વળતાં હવે એમને કઠોર વલણ અપનાવ્યું.

‘હું ફરીથી આપને કહું છું સાહેબ...!’ હસમુખના અવાજમાં કારમી સ્વસ્થતા અને ચહેરા પર પૂરેપૂરી બેફિકરાઈ હતી, ‘કે હું કોઈ દિવસ ભરૂચ આવ્યો નથી. તેમ સુરેશ નામના કોઈ માણસને ઓળખતો પણ નથી ! શંકાના આધારે આપ મને અટકમાં લઈ શકો છો....પણ કોઈ જાતના આધાર કે પુરાવા વગર ખૂની તરીકેનો આરોપ મુકો એ કાયદા વિરુદ્ધ છે... !’

‘એમ....? લે, કર વાત....! મને તો કાયદાની ખબર જ નહોતી ભાઈ હસમુખ...!’ કડીવાલાએ ઠાવકા અવાજે કહ્યું, ‘વાંધો નહીં... હું અહીં એક સજ્જનને બોલાવું છું, એની મુલાકાતથી તને ચોક્કસ આનંદ થશે... !’

‘જરૂર બોલાવો સાહેબ....!’ મીંઢા હસમુખે સ્મિત ફરકાવતાં જવાબ આપ્યો.

કડીવાલાએ એક સિપાહીને મોકલીને ટાઉન શોપિંગ સેન્ટરના માલિકને બોલાવી લીધો અને હસમુખ તરફ સંકેત કરતાં પૂછ્યું, ‘આ મહાનુભાવને તમે ક્યારેય જોયા છે...?’

‘હા, સાહેબ....!’ શોપિંગ સેન્ટરના માલિકે તરત જ જવાબ આપ્યો, ‘તેઓ ૧૪મી તારીખે સાંજે સુરેશભાઈ સાથે મારા શોપિંગ સેન્ટર પર આવ્યા હતા અને બ્રિસ્ટોલ સિગારેટનું પેકેટ ખરીદ્યું હતું !’

‘હું તમારી દુકાને આવ્યો હતો એમ તમે કહો છો ?’ હસમુખ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘પરંતુ હું તો તમને આજે પહેલી વાર જોઉં છું. દુકાનની વાતતો એક તરફ રહી, હું તો અગાઉ આ શહેરમાં પણ ક્યારેય નથી આવ્યો. બાકી રહી વાત સુરેશની....તો હું સુરેશને...’

વાક્ય પૂરું થાય એ પહેલાં જ કડીવાલાના રાઠોડી હાથનો જોરદાર તમાચો એના ગાલ પર ઝીંકાયો. સાથે જ તેમની લીંબુની ફાડ જેવી તેજસ્વી આંખો, મદારીની મોરલી પર જેમ સાપની ફેણ મંડાય એટલી સ્થિરતાથી હસમુખના ચહેરા સામે જડાઈ ગઈ.

કડીવાલાનો દુર્વાસામુનિ જેવો ક્રોધથી ભરપુર ચહેરો જોઇને હસમુખની છાતીના પાટિયાં આઉટ થઈ ગયાં. એનો ઘડી પહેલાંનો બેફિકરાઈભર્યો ચહેરો સાવ ઉતરી ગયો અને પછી તો કારમા ભયથી એ સર્વાંગે ધ્રુજી ઊઠ્યો.

એ જ વખતે સિપાહીએ આવીને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટનો રિપોર્ટ કડીવાલાના હાથમાં મૂક્યો. રિપોર્ટ વાંચીને કડીવાલાના ચહેરા પર સફળતાભર્યું સ્મિત ફરકી ઊઠ્યું. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સુરેશને ત્યાંથી મળેલ ગ્લાસ તથા સિગારેટનાં ઠૂંઠાં પરથી લેવાયેલ આંગળાંની છાપ હસમુખની જ હતી.

કડીવાલાએ ફિંગરપ્રિન્ટનો રિપોર્ટ હસમુખને વંચાવ્યો અને પછી પૂછ્યું, ‘બોલ, હવે શું કહેવું છે તારે...? હજુ પણ તારે એ જ વાતનો કક્કો ઘૂંટવો છે કે તું સુરેશ નામના કોઈ માણસને નથી ઓળખતો...! તું ક્યારેય ભરૂચ નથી આવ્યો.... તેં સુરેશનું ખૂન નથી કર્યું... !’

રિપોર્ટ વાંચ્યા પછી હસમુખના રહ્યાસહ્યા હોશ પણ ઊડી ગયા.

ગુનો કબૂલ કર્યા સિવાય હવે એની પાસે બીજો કોઈ ઉપાય નહોતો.

‘હા...હા...સ...સાહેબ !’ એ કંપતા અવાજે બોલ્યો, ‘સુરેશનું ખૂન મેં જ કર્યું છે...!’

‘કેમ....? શા માટે....?’ કહીને કડીવાલાએ પોતાના રાઈટરને સંકેત કર્યો.

રાઈટર હસમુખની જુબાની નોંધવા લાગ્યો.

‘સાહેબ...!’ હસમુખ પોતાના ગુનાની કબૂલાત કરતાં બોલ્યો, ‘આજથી ચારેક વર્ષ પહેલાં સુરેશ રાજકોટ આવ્યો ત્યારે અમારી મુલાકાત થઈ હતી. સમય જતાં અમે બંને જીગરજાન મિત્રો બની ગયા હતા અને એકબીજાનાં સુખદુઃખમાં ભાગ લેતા હતા. દોઢેક વર્ષ પહેલાં સુરેશને પૈસાની જરૂર પડતાં મેં તેને થોડા દિવસ માટે વીસ હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા. થોડા દિવસને બદલે મહિનાઓ વીતવા લાગ્યા, પરંતુ સુરેશ મને પૈસા પાછા આપવાનું નામ જ નહોતો લેતો. તે દર વખતે જાતજાતનાં બહાનાં કાઢીને મને ટાળી દેતો હતો. મારે પૈસાની જરૂર હોવાથી એકાદ મહિના પહેલાં મેં ફોન પણ સુરેશ પાસે કડક ઉઘરાણી કરી. પરંતુ આ વખતે પણ એણે – આજે મોકલું છું.... કાલે મોકલું છું... – એમ કહીને એક મહિનો કાઢી નાંખ્યો. સુરેશના ઉડાઉ જવાબથી હું ખૂબ જ ત્રાસી ગયો હતો. છેવટે ઘણું વિચાર્યા પછી મેં અહીં રૂબરૂ આવવાનું નક્કી કર્યું. આ વખતે હું કોઈ પણ ભોગે પૈસા લઈને જ જવા માગતો હતો. હું કેશોદથી હાથા વગરની એક વજનદાર કુહાડી ખરીદીને ૧૪મી તારીખે ભરૂચ આવ્યો. પહેલાં હું તેની ફેક્ટરી પર ગયો, પરંતુ તે રજા પર હોવાથી ન મળ્યો. બપોરે અમારી મુલાકાત થઈ. સાંજ સુધી અમે સાથે જ ફર્યા. રાત્રે અમે સુરેશને ઘેર આવ્યા. શરાબની બોટલ મારી બેગમાં જ હતી. અમે બંનેએ શરાબ પીવાનું શરૂ કર્યું. સુરેશ પ્રસંગોપાત્ત જ શરાબ પીતો હોવાને કારણે તેને તરત જ નશો ચડ્યો. મેં સુરેશ પાસે રકમની માંગણી કરી તો લાજવાને બદલે એ ગાજ્યો...! એટલું જ નહીં, એણે મારા ગાલ પર તમાચો મારીને મને પોતાના ઘરમાંથી નીકળી જવાનું કહ્યું. સુરેશના આવા અપમાનજનક વર્તનથી મારા ક્રોધનો પાર ન રહ્યો. મેં તરત જ કુહાડી કાઢીને ઉપરાઉપરી બે-ત્રણ ઘા સુરેશના માથા પર ઝીંકી દીધા. સુરેશ તરત જ પલંગ પર ઢળી પડ્યો અને બે-ત્રણ મિનિટ તરફડીને મૃત્યુ પામ્યો. ત્યાર બાદ મેં ત્યાં જ પડેલી ચાવી વડે કબાટ ઉઘાડીને તેમાંથી રોકડ રકમ, ઘરેણાં વગેરે કાઢીને મારી બેગમાં મૂક્યાં. કુહાડી મૂકી. પછી હાથ-મોં ધોઈ, બહાર નીકળી, ઘરને તાળું મારીને હું રાતોરાત કેશોદ પહોંચી ગયો. કોઈએ મને સુરેશને ઘેર જતો કે ત્યાંથી બહાર નીકળતો જોયો નહોતો એટલે પોલીસ મારા સુધી નહીં પહોંચી શકે એની મને પૂરી ખાતરી હતી...! પણ....’ વાત અધૂરી મૂકીને હસમુખ પશ્ચાતાપથી નીચું જોઈ ગયો.

‘સાંભળ, હસમુખ...!’ જાણે લોખંડ સાથે કાનસ ઘસાતી હોય એવા અવાજે કડીવાલાએ કહ્યું, ‘તારી જેમ જ દરેક ગુનેગાર પોતાની જાતને ખૂબ જ ચાલાક માનીને, પોલીસ એના સુધી ક્યારેય નહીં પહોંચી શકે એવા ભ્રમમાં રાચતાં હોય છે. પરંતુ કાયદાના લાંબા હાથ એક ને એક દિવસ ચોક્કસ જ તેની ગરદન સુધી પહોંચી જાય છે. અને જયારે ગુનેગારનો ભ્રમ તૂટે છે ત્યારે તેની પાસે પશ્ચાતાપ સિવાય બીજું કશુંય નથી રહેતું.’

***

- કનુ ભગદેવ

(facebook.com/Kanu Bhagdev)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED