Rahasyjaal - 5 books and stories free download online pdf in Gujarati

રહસ્યજાળ-(૫) કીમિયાગર

પ્રસ્તાવના

ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ રહસ્યકથા લેખક શ્રી કનુ ભગદેવ અંગે કહેવાની કંઈ જરૂર લાગતી નથી. એમની કલમ જ એમનો મોટામાં મોટો પરિચય છે. આશરે ૪૦૦ ઉપરાંત રહસ્યકથાઓ લખી ચૂકેલા આ ખમતીધર લેખકનો ગુજરાતી સાહિત્યમાં આજે પણ દબદબો છે.

ગુજરાતનાં પ્રખ્યાત દૈનિક ‘દિવ્યભાસ્કર’ તથા રાજકોટથી પ્રગટ થતાં ‘ફૂલછાબ’માં આજ થી ઘણા સમય પહેલા પ્રગટ થઈ ચુકેલી ટુંકી રહસ્યકથાઓ અહીં ફરીથી ઈ-બુક સ્વરૂપે આકાર પામી રહી છે ત્યારે હર્ષની લાગણી અનુભવું છું.મારા આ પ્રયાસ માટે ‘માતૃભારતી’નો અહીં આભાર વ્યક્ત કરું છું.

તો વાંચકમિત્રો, તૈયાર થઈ જાઓ કનુ ભગદેવની ‘રહસ્યજાળ’માં ગૂંથાવા માટે.

આપના અમુલ્ય અભિપ્રાય(રીવ્યુ) આપવાનું ચૂકશો નહીં.

- પરમ દેસાઈ (સંકલન કર્તા)

મો. ૮૪૬૯૧૪૧૪૭૯

કીમિયાગર...!

મુંબઈના ચર્ચગેટ સ્ટેશનની સામે આવેલા સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ દહાણુકરની ઓફિસમાં ફરજ બજાવતા ગણપુલે નામના સદગૃહસ્થ સવારે અગિયાર વાગ્યે ફ્લોરા ફાઉન્ટન સ્થિત યુ.કો.બેંકમાં જવા માટે પગપાળા નીકળીને માનવ-મહેરામણથી ઉભરાતી સડકની ફૂટપાથ પરની ભીડમાં સામેલ થઈ ગયા. બેંક માંથી ચેક વટાવી, રકમ મેળવીને તેઓને ત્યાંથી જુના કસ્ટમ હાઉસમાં એ રકમ જમા કરાવવાની હતી.

થોડી વારમાં જ તેઓ બેંકમાં પહોચી ગયા ને ચેકની સામે ટોકન મેળવીને પોતાનો વારો આવે એની રાહ જોતાં કેશિયરની સામે પડેલી બેંચ પર બેસી ગયા.

થોડી વાર પછી તેમનો વારો આવ્યો. ચેક બે લાખ ચાલીસ હજાર રૂપિયાનો હતો.

કેશિયર ઝપાટાબંધ નોટોનાં બંડલો ગણીને ગણપુલેને આપ્યા. જેમાં સો રૂપિયાવાળી અને હજાર રૂપિયાવાળી નોટોના બંડલો સામેલ હતાં.

કાઉન્ટર પર જ ગણપુલેએ એક પછી એક બંડલો બ્રીફકેસમાં મૂકી દીધાં. ત્યાર બાદ બ્રીફકેસ બંધ કરી તેઓ બેંકમાંથી બહાર નીકળ્યા અને બેલાર્ડ પીયરમાં જવા માટે આગળ વધ્યા.

તેઓ ફાઉન્ટન નજીકની સડક ક્રોસ કરીને ફિરોઝશા મહેતા રોડના ખૂણા પર પહોચ્યા. ટ્રાફિક સિગ્નલ પાસે તેમને થોભવું પડ્યું. તેમના જમણા હાથમાં બ્રીફકેસ હતી. ગ્રીન લાઈટ મળતાં જ તેઓ ભીડ વચ્ચે સડક ક્રોસ કરવા લાગ્યા અને પછી કોણ જાણે શું થયું કે એમની પાછળ ચાલનાર રાહદારીઓ એમનાથી આગળ નીકળીને પીઠ ફેરવ્યા બાદ તેમની સામે વિચિત્ર નજરે જોતાં-જોતાં આગળ વધ્યા.

શરૂઆતમાં તો ગણપુલેને આમાં કશુંય અજુગતું લાગ્યું નહીં, પણ આ ક્રમ લગાતાર ચાલુ રહ્યો એટલે એમને લાગ્યું કે જરૂર પોતાની સામે જોવાનું કંઈ કારણ હશે. લાગણીશીલ સ્વભાવનાં હોવાથી તેઓની મનોવ્યથાનો પાર ન રહ્યો. શું હશે ને શું નહીં...? શા માટે આ લોકો પોતાની સામે જુએ છે એ તેમને નહોતું સમજાતું.

અચાનક એમની પાછળથી એક અપ ટુ ડેટ સૂટેડ-બૂટેડ, સુંદર ચહેરો ધરાવતો યુવાન એમની સામે ઊભો રહ્યો અને ખૂબ જ નમ્ર અને વિવેકશીલ અવાજે કહ્યું, ‘સાહેબ, તમારા આ ઊજળા, દૂધ જેવા સફેદ શર્ટ પર, ખભાની પાછળ કંઈક ગંદો પદાર્થ ચોંટ્યો છે. એને સાફ કરી નાખો તો સારું...!’

ગણપુલે એકદમ ચમક્યા.

હે ભગવાન...જરૂર રસ્તામાં જ ક્યાંક ઉપર રહેનારાઓમાંથી કોઈકે કંઈક ફેંક્યું લાગે છે. આવી હાલતમાં કસ્ટમ હાઉસ કેમ જવું...? લોકો પોતાને માટે શું ધારશે...?

એમણે પોતાનો એક હાથ પીઠ પાછળ લંબાવ્યો. દુર્ગંધયુક્ત, ચીકણો માવા જેવો પદાર્થ એમનાં આંગળાંને ખરડાવી ગયો.

એમની આકુળવ્યાકુળ નજર ચારે તરફ ફરી વળી.

પેલો યુવાન હજુ પણ તેમની સામે સહાનુભૂતિથી તાકી રહ્યો હતો. ગણપુલેની મનોવ્યથા પારખીને એણે કહ્યું, ‘કસ્ટમ હાઉસમાં નળ છે. ત્યાં જઈને શર્ટ સાફ કરી નાખો...!’

ગણપુલેને એની સલાહ વ્યાજબી લાગી. એમણે હકારમાં માથું હલાવ્યું. યુવાનનો આભાર માન્યો અને કહ્યું, ‘કસ્ટમ હાઉસ મોટું છે ત્યાં...’

‘ચાલો, હું તમને નળ બતાવું છું.’

‘તમારો ખૂબ જ આભાર, ભાઈ...’

‘વાંધો નહીં, કાકા... આ તો મારી ફરજ છે અને આમેય મારે પોતાને પણ કામ હોવાથી કસ્ટમ હાઉસમાં જવું છે.’

થોડી જ વારમાં બંને કસ્ટમ હાઉસનાં એ ભાગમાં પહોંચી ગયા કે જ્યાં ટોઈલેટ, યુરિનલ, બાથરૂમ વગેરેની સગવડ હતી તેમ જ નળ પણ હતાં.

ગણપુલેએ બ્રીફકેસ એક પીપ પર મુકીને શર્ટ ઉતાર્યું અને શર્ટનો ગંદો થયેલો ભાગ નળના પાણીથી સાફ કરવાની શરૂઆત કરી.

એ જ વખતે એક બીજો માણસ એમની બાજુના નળમાં હાથ ધોવા લાગ્યો.

ગણપુલેએ શર્ટને બરાબર સાફ કર્યા પછી ફરીથી પહેરી લીધો અને બ્રીફકેસ લેવા માટે પીપ તરફ હાથ લંબાવ્યો. એમનાં ભારે આશ્ચર્ય વચ્ચે ત્યાંથી બ્રીફકેસ ગુમ થઈ ગઈ હતી. આંખના પલકારામાં આ બનાવ બની ગયો હતો.

બે-પાંચ પળ માટે તો એમનું હ્યદય ધબકારા ચૂકી ગયું.

એમના ચહેરા પર ગભરાટ છવાયો અને કપાળ પરથી પરસેવાની ધાર નીતારવા લાગી.

‘હું લૂંટાઈ ગયો...હું લૂંટાઈ ગયો...મારા લાખો રૂપિયા...હે ભગવાન...મારી બ્રીફકેસ ક્યાં ગઈ...?’ એમનાં મોંમાંથી ભયાનક ગભરાટ ની બૂમ નીકળી ગઈ.

એ વખતે બાથરૂમમાં મોજુદ પાંચ-છ માણસો એમને ઘેરી વળ્યા અને શું થયું તે વિશે પૂછતાં ગણપુલેએ ત્રૂટક ત્રૂટક અવાજે પોતાની આપવીતી કહી સંભળાવી.

આ દરમિયાન પેલો ભલો દેખાતો યુવાન ત્યાંથી ગુમ થઇ ગયો હતો.

ગણપુલેએ બાથરૂમમાં મોજુદ લોકો સમક્ષ એના પર પોતાની શંકા પણ વ્યક્ત કરી.

‘તો તો સાહેબ, જરૂર એ જ હોવો જોઈએ...!’ એક જણે કહ્યું.

‘દેખાવમાં એ કેવો હતો...?’ બીજાએ પૂછ્યું.

‘કેટલી ઉંમરનો હતો ને એણે કેવા કપડાં પહેર્યાં હતાં...?’ ત્રીજાએ સવાલ કર્યો. ગણપુલે કશો જવાબ આપે તે પહેલાં જ બંદૂકમાંથી છુટેલી ગોળીની જેમ ચોથો અવાજ આવ્યો, ‘એ બધું તો ઠીક છે...પણ બ્રીફકેસમાં રૂપિયા કેટલા હતા...?’

આ બધા સવાલોની સામે ગણપુલેની મતિ એકદમ મૂંઝાઈ ગઈ, ત્યાં જ સલાહરૂપી પાંચમી ગોળી છૂટી,

‘ભલા માણસ, આટલી મોટી રકમ સાથે હતી તો તમે ટેક્સી શા માટે ન કરી...? આવું જોખમ લઈને ચાલતા જવાય...? તમેય યાર ખરા લોભિયા લાગો છો...!’

આવી વ્યર્થ વાતોમાં દસ મિનિટનો સમય પસાર થઈ ગયો. છેલ્લા બાકી રહી ગયેલા માણસે કહ્યું, ‘તમે બધા નાહક જ સવાલ-જવાબ પૂછીને સમયનો વ્યય કરો છો. તાબડતોબ પોલીસમાં ફરિયાદ નોંધાવી દો અને શકમંદ વ્યક્તિનું વર્ણન આપી દો.’

ગણપુલેએ હાંફળા ફાંફળા પલટન રોડ પોલીસ સ્ટેશને પહોંચીને પોતાની આપવીતી જણાવ્યા બાદ ફરિયાદ લખાવી દીધી.

ક્રાઈમ બ્રાંચને પણ સમાચાર મળતાં ઇન્સ્પેકટર ડિસોઝા, દક્ષિણકર, ડી.સી.સાને, જાદવ અને આ જાતનાં ગુનેગારોને પકડવાનાં નિષ્ણાત મનાતા પાંડુરંગે ગણપુલે ને પૂછપરછ કરી.

પોલીસ-તપાસ શરૂ થઈ ગઈ.

આ પ્રકારની ગુનાખોરી આચરતા જેટલા બદમાશો મુંબઈમાં હતા એ સૌને ક્રાઈમ બ્રાંચે અટકમાં લીધા.

ચાર-પાંચ દિવસમાં વીસેક જેટલા બદમાશો પકડાયા અને એમાંથી જ કોઈક આ લૂંટમાં સામેલ હોવાની શક્યતા હતી. એ સૌને અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી, પરંતુ કંઈ સફળતા મળી નહીં.

આ દરમિયાન સબ-ઈન્સ્પેક્ટર પાંડુરંગ હજુ પણ રડ્યાખડ્યા રહી ગયેલા ગુનેગારોની શોધમાં હતો. એણે મુંબઈના કેટલાય લત્તાઓમાં પોતાનાં ખાસ ખાસ બાતમીદારોને કામે લગાડી દીધા હતા.

આનું પરિણામ પણ સારું આવ્યું. એક બાતમીદારે એને સમાચાર આપ્યા કે કુર્લા પાઈપલાઈન વિસ્તારમાં કેળાં વેચનારી એક સ્ત્રી આજકાલ છુટ્ટા હાથે પૈસા વાપરે છે.

પાંડુરંગે કેળાં વેચનારી પર ખાનગી વોચ ગોઠવી દીધી.

તપાસમાં જાણવા મળ્યું કે પ્રતાપ નામના એક યુવાનની આ કેળાંવાળી રખાત છે અને એને ત્યાં પ્રતાપ આવ-જા કરે છે.

કેળાંવાળીના ઠાઠમાઠ જોઇને ક્રાઈમ બ્રાંચના ઓફિસરોને એના પર મજબૂત શંકા આવી. તેઓ સૌ કુર્લા પહોંચીને કોઈને શંકા ન આવે તેમ પ્રતાપ વિશે તપાસ કરતાં રહ્યા.

પ્રતાપ વિશે ચોક્કસ બાતમી મળતાં જ એક દિવસ અચાનક મધ્યરાત્રિએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ કુર્લામાં આવેલા “પરમાર હાઉસ” પર ત્રાટક્યા અને પ્રતાપની ધરપકડ કરી. પ્રતાપ જ “પરમાર હાઉસ”નો માલિક હતો અને એનું આખું નામ પ્રતાપ પરમાર હતું.

ગણપુલેએ કરેલા અપ ટુ ડેટ યુવાનનું વર્ણન આબેહૂબ પ્રતાપને મળતું આવતું હતું.

ચાર દિવસની લગાતાર પૂછપરછ પછી પણ પ્રતાપે હોઠ ઉઘાડ્યા નહીં.

તેઓ નિરાશ થઈને તેને છોડી મુકવાના હતા ત્યાં જ એક બાતમીદારે માહિતી આપી કે કેળાંવાળી ઉડન છૂ થઈ ગઈ છે, એટલે પ્રતાપને છોડવાને બદલે ક્રાઈમ બ્રાંચના ઓફિસરોએ એના પર ચૌદમું રતન અજમાવ્યું.

તરત જ પ્રતાપની જીભ ખૂલી ગઈ. એણે ગુનો કબૂલી લીધો, પરંતુ આ ગુનો એણે જે રીતે કર્યો એ સાંભળી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પણ હેરત પામી ગયા.

***

પ્રતાપ અને તેના સાથીદારોની ટોળીમાં બધાં જ રજપૂત હતા. પ્રતાપ અત્યંત બુદ્ધિશાળી હોવા ઉપરાંત એનું વ્યક્તિત્વ સામા માણસને આંજી નાખે એવું પ્રભાવશાળી હતું. સાથે જ તે મિષ્ટભાષી હતો. કામ કરવાની એની પાસે પોતાની આગવી રીત હતી, કસ્ટમ હાઉસની તેની પાસે પૂરેપૂરી માહિતી હતી, ત્યાં કેવા કેવા માણસો આવે છે અને તેઓમાંથી કોણ કોણ કસ્ટમ હાઉસમાં એક્સાઈઝ ડ્યુટીની રોકડ રકમ જમા કરાવે છે...આવી બધી વિગતોનું એ બારીકાઈથી નિરક્ષણ કરતો રહેતો હતો.

એની નજરમાં ગણપુલે મહાશય આવી ગયા. તેઓ ક્યાં કામ કરે છે તે એણે તેમનો પીછો કરીને જાણી લીધું. જે દિવસે એણે ગણપુલેની બનાવટ કરીને બ્રીફકેસની ઉઠાંતરી કરી એના બે દિવસ પહેલાંથી એ તેમના પર ચાંપતી નજર રાખતો હતો. કસ્ટમ હાઉસથી થોડે દૂર ઊભા રહીને તે તથા તેના સાથીદારો ગોઠવાઈ જતાં હતા. એટલે જે દિવસે ગણપુલે પોતાની ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારથી જ એમનો પીછો શરૂ થઈ ગયો, પણ ગણપુલે કસ્ટમ હાઉસમાં જવાને બદલે બેંકમાં જશે એવી કલ્પના પ્રતાપે નહોતી કરી. છતાં એણે તેમનો પીછો છોડ્યો નહીં. પોતાનાં સાથીદારોને બરાબર પાઠ ભણાવીને તે પણ ગણપુલેની પાછળ યુ.કો. બેંકમાં પ્રવેશી ગયો.

નોટોના બંડલોને બ્રીફકેસમાં ગણપુલેને ભરતા જોઇને એના મોંમાંથી લાળ ટપકી પડી. ઉતાવળા પગલે બહાર નીકળીને એણે પોતાનાં સાથીઓને કઈ રીતે કામ કરવું એ સમજાવી દીધું.

તેઓ સૌ થોડે થોડે અંતરે ઊભા રહી ગયા.

ગણપુલેને બેંકમાંથી બહાર નીકળીને કસ્ટમ હાઉસ તરફ જતા જોઈને પ્રતાપ સમજી ગયો કે તેઓ રકમ જમા કરાવવા જાય છે.

પ્રતાપ એમની પાછળ પડી ગયો. સમગ્ર બનાવથી તદ્દન બેખબર રહેલા ગણપુલેને પોતાની પાછળ ધસી આવતી આફતની સહેજ પણ કલ્પના નહોતી. તેઓ શાંતિથી ચાલ્યા જતાં હતા.

ટ્રાફિક સિગ્નલ પાસે જેવા ગણપુલે ઊભા રહ્યા કે તરત જ પ્રતાપે પોતાના એક સાથીને સંકેત કર્યો. એ સાથી ગુપચુપ દબાતે પગલે ગણપુલેની પાછળ પહોંચી ગયો અને ખૂબ જ સિફતપૂર્વક તેમના ડાબા ખભા પર ધીમેથી મોં વાટે પિચકારી છોડી દીધી. એના મોંમાં સડી ગયેલા ગ્લુકોઝ બિસ્કુટનો લોંદો હતો.

ત્યાર બાદ તરત જ એ બદમાશે ગણપુલેની આગળ પહોંચી પીઠ ફેરવીને વિચિત્ર નજરે એમની સામે જોયું. આગળ વધતો વધતો તે હજુ પણ એવી ને એવી નજરે ગણપુલે સામે જોઇને આગળ વધતો રહ્યો.

પ્રતાપના અન્ય સાથીદારોએ પણ આમ જ કર્યું.

ત્યાર બાદ ગણપુલેને અકળાયેલા જોઈને પ્રતાપ મેદાનમાં આવ્યો અને એમને શર્ટ સાફ કરી નાખવાની ઓફર કરી...આશ્વાસનના બે શબ્દો કહ્યા અને કસ્ટમ હાઉસમાં આવેલા નળ પાસે લઈ ગયો.

બિચારા ગણપુલેને તો આ માણસ ખૂબ જ ભલો અને પરગજુ લાગ્યો હતો.

પ્રતાપને ગણપુલે સાથે કસ્ટમ હાઉસમાં પ્રવેશતો જોઈને એના સાથીદારો અગાઉથી જ બાથરૂમમાં પહોંચી ગયા અને હાથ-મોં ધોવાનું નાટક શરૂ કરી દીધું. પછી જયારે ગણપુલે વોશબેસિન પાસે શર્ટના ડાઘા સાફ કરતા હતા ત્યારે એક બદમાશ તેમની બાજુમાં હાથ-મોં ધોવા લાગી ગયો હતો. ગણપુલેનું સમગ્ર ધ્યાન શર્ટ સાફ કરવામાં રોકાયેલું છે એ જોઇને પ્રતાપ ધીમેથી બ્રીફકેસ ઊંચકીને દબાતે પગલે બાથરૂમમાંથી બહાર નીકળી ગયો.

પાછળથી બ્રીફકેસ ગુમ થયેલી જોઈને ગણપુલેના ગળામાંથી ગભરાટભરી ચીસ નીકળી પડી.

પ્રતાપને સહીસલામત નાસી છૂટવાનો સમય મળે એટલા માટે બાથરૂમમાં મોજુદ પ્રતાપના સાથીઓએ ગણપુલેને ઘેરી લીધા અને તેમને પૂછપરછ શરૂ કરી દીધી.

અને બન્યું પણ એમ જ...! તેમણે દસેક મિનિટ સુધી ગણપુલેને બાથરૂમમાં જ અટકાવી રાખ્યા. આ દરમિયાન પ્રતાપ કસ્ટમ હાઉસમાંથી નીકળીને સડક પર પહોંચી ગયો. જ્યાં એનો એક સાથીદાર ખાલી ટેક્સી ઊભી રખાવીને તૈયાર ઊભો હતો. એ ટેક્સીમાં બેસીને પ્રતાપ ત્યાંથી વંજો માપી ગયો.

ગણપુલે જયારે પલટન રોડ પોલીસસ્ટેશને ફરિયાદ લખાવતા હતા ત્યારે પ્રતાપ કુર્લા સ્થિત પોતાની રખાત કેળાંવાળી કે જેનું નામ ચંપા હતું, એને ઘેર પહોંચી ગયો હતો.

એનાં સાથીદારો પણ તેની પાછળ પાછળ ત્યાં પહોંચી ગયા.

પ્રતાપના હાથમાં બે લાખ ચાલીસ હજારનો દલ્લો આવી ગયો હતો. ભરી સડક પર એણે જે ષડયંત્ર સફળતાપૂર્વક પાર પાડી બતાવ્યું હતું એનાથી સમગ્ર મુંબઈ શહેરમાં ચોરે ને ચૌટે એની જ ચર્ચા થતી હતી.

પ્રતાપે લૂંટની રકમમાંથી પોતાનાં સાથીદારોને તેમનો ભાગ આપી દીધો, જે લઈને સૌ પોતપોતાને રસ્તે પડી ગયા.

***

ઉપરોક્ત બનાવ બાદ પ્રતાપ મુંબઈમાં જ રોકાઈ ગયો. આટલી મોટી રકમ હાથમાં આવ્યા પછી તે ચંપા સાથે મોજ-મસ્તી કરવા માગતો હતો.

ચંપા કેળાં વેચવાનું બંધ કરીને ઠાઠ-માઠથી પ્રતાપ સાથે રહેવા લાગી. એનો આ ઠાઠ જોઈને જ ઈન્સ્પેક્ટર પાંડુરંગને તેના પર શંકા ઊપજી હતી. એણે આપેલી માહિતીને આધારે જ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ પ્રતાપને પકડ્યો હતો.

પ્રતાપે ગુનો કબૂલતાં જ તેને હાથકડી પહેરાવીને કુર્લા લઈ જવામાં આવ્યો. લૂંટની રકમ પોતે ચંપાને ઘેર છુપાવી છે એવું એણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ સમક્ષ કબૂલ્યું હતું.

એણે ચંપાના ઘરમાં છુપાવેલી રકમ કાઢી આપી, જે આશરે પિસ્તાળીસ હજાર રૂપિયા હતી.

ત્યાર બાદ પ્રતાપે આપેલી માહિતી ના આધારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ એ જ રાત્રે થાણામાં રહેતા પ્રતાપના એક સગાને ત્યાં દરોડો પાડ્યો, ત્યાં પ્રતાપના ત્રણ સાથીદારો મળી ગયા. એ ઘરમાંથી તેમણે લગભગ સવા લાખ રૂપિયા કબજે કર્યા.

પ્રતાપના બીજા સાથીદારો નાસીને સતારા પાસે આવેલા “ખર્ડા” નામના ગામમાં ચાલ્યા ગયા હતા. તેમને ઝડપવા માટે બે અધિકારીઓ અને પાંડુરંગ તરત જ રવાના થઈ ગયા.

ખર્ડામાંથી એ બંને પણ ઝડપાઈ ગયા. તેમની પાસેથી લગભગ સાઠ હજાર રૂપિયા મળ્યા.

આ આખીયે ટોળકીને પકડવામાં વીસ દિવસ લાગ્યા હતા. આ દરમિયાન ટોળીના સભ્યોએ દસેક હજાર રૂપિયા વાપરી નાંખ્યા હતા. બાકીના બે લાખ ત્રીસ હજાર રૂપિયા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ કબજે કર્યા હતા.

આ મામલામાં બે વાતો ખાસ અગત્યની હતી.

પહેલું, પ્રતાપના બધાં સાથીદારો તેના સગાઓ જ હતા. બીજા બધા તો ઠીક, ખુદ એના પિતાનો પણ એમાં સમાવેશ થઈ જતો હતો.

બીજું, મુંબઈમાં અગાઉ પણ આવા કેટલાય બનાવો બન્યા હતા, પરંતુ અગાઉ બનેલા બનાવોમાં પોલીસ લૂંટારાઓને પકડ્યા પછી તેમની પાસેથી એક રૂપિયો પણ પાછો નહોતી મેળવી શકી. પકડયેલા લૂંટારાઓએ જેલમાં જવાનું કબૂલ્યું હતું પણ પૈસા પાછા નહોતા આપ્યા, પરંતુ ગણપુલેના કેસમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ગુનેગારો પાસેથી બે લાખ ત્રીસ હજાર રૂપિયા પાછા મેળવ્યા હતા.

ત્યાર બાદ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ચંપાને પણ શોધી કાઢીને તેની જુબાની લીધી.

બધા પુરાવાઓ એકઠા કર્યા પછી તેમણે ગુનેગારો વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજુ કરી દીધું. કેસનો ચુકાદો આવી ગયો. બધા ગુનેગારોને નામદાર કોર્ટે છ મહિનાથી માંડીને બે વર્ષ સુધી જેલની સજા ફરમાવી.

આ મામલામાં ગણપુલેની બે ભૂલ થઈ હતી.

પહેલું, તેમણે આટલી મોટી રકમ લઈને સડક પર પગપાળા નહોતું જવું જોઈતું. યુ.કો. બેંકમાંથી કસ્ટમ હાઉસ સુધી તેઓ મિનિમમ ભાડામાં ટેક્સી દ્વારા પહોંચી શક્યા હોત. થોડું ટેક્સીભાડું ખર્ચીને તેઓ આટલા મોટા જોખમમાંથી બચી જાત.

તેમણે બીજી ભૂલ શર્ટ પર ડાઘ જોઈને કરી. આ ડાઘથી તેમણે ભોંઠપ અનુભવવી નહોતી જોઈતી કે શરમાવું નહોતું જોઈતું. પોતાની પાસે મોટી રકમ છે એ વાત મગજમાં રાખીને તેમણે સાવચેત રહેવું જોઈતું હતું.

(ઉપરનો બનાવ તદ્દન સાચો છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા વગેરે શહેરોના વેપારીઓ અવારનવાર આ જાતની ચાલાકી અને ચાલબાજીનો ભોગ બનીને પોતાની માલમત્તા ગુમાવી બેઠા હોવાના સમાચારો અખબારમાં આપણે વાંચીએ છીએ. જો તેઓ પૂરતી સાવચેતી રાખે તો ગણપુલે જેવી કફોડી હાલત થવામાંથી બચી જાય એમાં કોઈ શંકા નથી.) - કનુ ભગદેવ ( Kanu Bhagdev/Facebook)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED