રહસ્યજાળ-(14) બીજી ભૂલ Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યજાળ-(14) બીજી ભૂલ

બીજી ભૂલ...!

વિશાળગઢ શહેરના સરદાર જયસિંહ રોડ પર આવેલ એક આલીશાન ઇમારતના ફ્લેટના બેડરૂમમાં સૂતેલી સુરેખાની ઊંઘ ટેલિફોનની ઘંટડીના અવાજથી ઊડી ગઈ. ઊંઘમાં ખલેલ પહોચવાને કારણે એ ધૂંધવાઈને ઊભી થઈ અને સામે દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોયું. રાતના ૧૧ ને ૨૦ મિનિટ થઈ હતી.

‘હલ્લો....’ એણે ટેલિફોનનું રિસીવર ઊંચકીને કાને મૂકતાં ઊંઘભર્યા અવાજે કહ્યું.

‘ભાભી....’ સામે છેડેથી અનિતા દેસાઈનો પરિચિત સ્વર તેને સંભળાયો, ‘અત્યારે ક-ટાઈમે ફોન કરવા બદલ માફ કરજો. વાત એમ છે કે સુનિલ હજુ ઘેર નથી આવ્યો. તેથી મને ખૂબ જ ચિંતા થાય છે. જો અજિતભાઈ જાગતા હોય તો તેમને પૂછી જુઓ કે સુનિલ સ્ટોર પરથી ઘેર આવવા માટે ક્યારે નીકળ્યો હતો ?’

‘એ બંને કદાચ નીચે સ્ટોરમાં જ હશે.’ સુરેખા પોતાના ખાલી પલંગ તરફ નજર કરતાં બોલી, ‘કદાચ હિસાબકિતાબ કરતા હશે.’

‘ભાભી, તમને તકલીફ તો પડશે...પણ જરા નીચે જઈને સુનિલને કહો કે કમ સે કમ મને ફોન તો કરી દેવો જોઈએ ને ?’

‘હું નીચે જઈને તપાસ કરું છું. તમે ફોન ચાલુ રાખજો.’ આટલું કહી, રિસીવર સાઈડ પર મૂકીને સુરેખા દરવાજા તરફ આગળ વધી ગઈ.

સુનિલ દેસાઈ તથા સુરેખાનો પતિ અજિત મરચંટ સાથે જ ફ્લેટની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ખૂબ જ વિશાળ અને અદ્યતન જનરલ સ્ટોર ચલાવતા હતા. મુંબઈના ‘અકબરઅલીઝ’ જેવા આ શોરૂમમાં જીવનજરૂરિયાતની બધી ચીજવસ્તુઓ મળી રહેતી હતી. શોરૂમના પાછળના ભાગમાં સુનિલ તથા અજિતની ચેમ્બરો ઉપરાંત મોટું ગોડાઉન પણ હતું, જ્યાં ચીજવસ્તુ ભરેલાં કબાટો પડ્યાં હતાં. શોરૂમની ઉપરનાં ભાગમાં જ આવેલા એક ફ્લેટમાં સુરેખા અને અજિત રહેતાં હતાં. જ્યારે સુનિલ પોતાની પત્ની અનિતા સાથે થોડે દૂર આવેલ ચંદન સોસાયટીમાં રહેતો હતો.

સીડી ઉતરીને સુરેખા શોરૂમની ઓફિસમાં પહોંચી. ઓફિસની લાઈટો ચાલુ હતી, પરંતુ સુનિલ પોતાની ચેમ્બરમાં નહોતો. સુરેખા તેને શોધવા માટે બહાર નીકળવા જતી હતી ત્યાં જ અચાનક એની નજર ટેબલ નીચેથી દેખાતા બે પગ પર પડી. એણે નજીક જઈને જોયું તો ટેબલ નીચે સુનિલનો મૃતદેહ પડ્યો હતો ! એનું માથું ફાટી ગયું હતું અને વસ્ત્રો લોહીથી ખરડાયેલાં હતાં. આ બિહામણું દ્રશ્ય જોઈને સુરેખા એકદમ હેબતાઈ ગઈ. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી અને માથું ભમવા લાગ્યું. ખુરશીનો ટેકો લઈને માંડ-માંડ એણે પોતાની જાત પર કાબૂ મેળવ્યો. એણે જોયું તો સુનિલની ચેમ્બરમાં રહેલા કબાટનો દરવાજો ઉઘાડો હતો. જમીન પર થોડા કાગળો વેરવિખેર હાલતમાં પડ્યા હતા. પહેલી નજરે લૂંટનો મામલો લાગતો હતો.

ક્યાંક લૂંટારાઓ સુનિલનું ખૂન કરી કબાટમાંથી રોકડ માલમત્તા લઈને તો નથી નાસી છૂટ્યા ને...? સુરેખાએ વિચાર્યું – જો એમ જ હોય તો પોતાનો પતિ અજિત ક્યાં છે ? – એ પણ સુનિલની સાથે જ શોરૂમમાં હતો.

‘તું અહીં શું કરે છે ?’ સહસા એના કાને પોતાના પતિ અજિતનો કર્કશ અને રોષભર્યો અવાજ અથડાયો.

સુરેખાએ ગભરાઈને ગરદન ફેરવી તો પાછળના દરવાજેથી અજિત અંદર આવતો દેખાયો. એણે પોતાના હાથમાં ટુવાલ વચ્ચે લપેટેલી કોઈક વસ્તુ પકડી રાખી હતી. અત્યારે કાળઝાળ રોષથી એનો ચહેરો તમતમતો હતો.

‘આ...આ જોયું તમે ?’ સુરેખાએ સુનિલના મૃતદેહ તરફ સંકેત કરતાં પૂછ્યું.

‘એની વાત જવા દે ને મેં પૂછ્યું એનો જવાબ આપ.’ સુરેખાના સવાલ પ્રત્યે ધ્યાન આપ્યા વગર જ અજિતે પૂછ્યું, ‘તું અહીં નીચે શા માટે આવી હતી ?’

જવાબમાં સુરેખાએ તેને અનિતાના ફોન વિશે જણાવી દીધું અને પછી ઉમેર્યું, ‘હું સુનિલની તપાસ કરવા માટે આવી હતી, પરંતુ એ તો અહીં મરેલો પડ્યો છે. લૂંટારાઓ એનું ખૂન કરી, લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હોય એવું લાગે છે.’

‘મને પણ એમ જ લાગે છે.’ અજિત મૃતદેહ પર ઊડતી નજર ફેંકી ઉઘાડા કબાટ સામે જોતાં બોલ્યો, ‘તેઓ બધું જ લૂંટી ગયા છે. હિસાબકિતાબની ડાયરી પણ નથી રહેવા દીધી. ખેર, તેં અહીં કોઈ ચીજવસ્તુને સ્પર્શ તો નથી કર્યો ને ?’

‘ના...’ સુરેખાએ જવાબ આપ્યો.

‘ઠીક છે...તું ઉપર જા...હું પોલીસને ફોન કરું છું.’

‘આપણે અનિતાને પણ આ બનાવની જાણ કરવી પડશે ને ?’ સુરેખાએ પગથિયાં ચડતાં-ચડતાં ભયભીત અવાજે કહ્યું.

‘તું એ પંચાતમાં શા માટે પડે છે ? પોલીસ પોતે જ તેને જાણ કરી દેશે. અને સાંભળ....’ અજિત તેને ટોકતાં બોલ્યો, ‘પોલીસ આવે ત્યારે તું શું કહીશ ?’

‘મેં જે કંઈ જોયું છે એ સાચેસાચું જણાવી દઈશ.’

‘એનાથી ઊલટું પોલીસ આપણને જ હેરાન કરી મૂકશે. સાંભળ, પોલીસ પૂછે તો તારે માત્ર એટલું જ જણાવવાનું છે કે અનિતાનો ફોન આવ્યો ત્યારે હું પણ ઉપર તારી સાથે બેડરૂમમાં સૂતો હતો.’

‘પણ તમે તો....’

‘ભાષણ બંધ કાર તારું.’ અજિત વચ્ચેથી જ તેને અટકાવીને કર્કશ અવાજે બોલી ઊઠ્યો, ‘અને મેં કહ્યું છે એટલું જ યાદ રાખ.’

સુરેખા ચૂપચાપ ઉપર બેડરૂમમાં ચાલી ગઈ. આ દરમિયાન સામે છેડેથી ફોનનો સંપર્ક કપાઈ ગયો હતો. રિસીવર ક્રેડલ પર મૂકીને એ સૂવાનો પ્રયાસ કરવા લાગી. પરંતુ રહી રહીને અણી નજર સામે સુનિલનો લોહીલુહાણ મૃતદેહ તરવરી ઊઠતો હતો. પલંગ પર પડખાં ફેરવતી સુરેખાને સમજાતું નહોતું કે ખરેખર લૂંટ ચલાવવાના હેતુથી લૂંટારાઓએ સુનિલને મારી નાખ્યો છે કે પછી આ એના પતિ અજિતનું કોઈ ષડયંત્ર છે ? આ મામલામાં અજિતનું વર્તન એને અજુગતું લાગતું હતું. શોરૂમના હિસાબમાં અજિતે ઘણા ગોટાળા કર્યા હતા એ વાત સુરેખા જાણતી હતી. આ બાબતમાં અજિત તથા સુનિલ વચ્ચે ઘણી વખત બોલાચાલી પણ થઈ ચૂકી હતી. કદાચ સુનિલે અજિતને કબાટમાંથી હિસાબની ડાયરી તફડાવતો જોઈ લીધો હોય અને એટલા માટે અજિતે તેને મોતને ઘાટ ઉતારી દીધો હોય એ બનવાજોગ છે. બાકી તો આંધળો માણસ પણ હિસાબની ડાયરી તથા ચલણી નોટોના બંડલો વચ્ચેનો ફરક સમજી શકે છે. ઉપરાંત લૂંટારાઓને તો માત્ર રોકડ રકમમાં જ રસ હોય છે. હિસાબની ડાયરીનું તેમને શું કામ હોય ? તો પછી અજિતે ભારપૂર્વક એવું શા માટે જણાવ્યું કે લૂંટારાઓ હિસાબની ડાયરી પણ લઈ ગયા છે. ક્યાંક એ ખોટું તો નથી બોલતો ને ? સુરેખા પોતાના પતિ અજિતને બહુ સારી રીતે ઓળખતી હતી. એ માત્ર ખોટો જ નહીં, સાથે સાથે દગાબાજ અને ક્રૂર સ્વભાવનો પણ હતો. સુનિલ તો માત્ર એનો બિઝનેસ-પાર્ટનર જ હતો. બાકી અજિતનું ચાલે તો પોતાનો સ્વાર્થ સાધવા માટે પોતાની લાઈફ-પાર્ટનર એટલે કે પત્નીનું ખૂન કરતાં પણ અચકાય તેમ નહોતો. પત્ની હોવા છતાંય એણે ક્યારેય સુરેખા સાથે પ્રેમાળ પતિ જેવું વર્તન નહોતું કર્યું. સુરેખા પણ રોજેરોજના કંકાસથી કંટાળીને એની સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કરી ચૂકી હતી. પરંતુ એના દિલોદિમાગમાં અજિતનો ભય એટલી હદે ઘર કરી ગયો હતો કે ઈચ્છા હોવા છતાંય આજ સુધી એની સાથે છૂટાછેડા નહોતી લઈ શકી. બલ્કે અજિતના દરેક ખોટા કામ પ્રત્યે તેને આંખ આડા કાન કરવા પડ્યા હતા. પરંતુ આજે તો તે અજિત પોતાની ક્રૂરતાની તમામ હદ ઓળંગી ગયો હતો. એણે પોતાના જ બિઝનેસ-પાર્ટનર સુનિલનું ખૂન કરી નાખ્યું હતું.

શું અજિતનો આવો ગંભીર ગુનો ઢાંકવા માટે હંમેશની જેમ આ વખતે પણ પોતાને આંખ આડા કાન કરવા પડશે ?

તરત જ એના અંતરમનમાંથી નકારત્મક જવાબ મળ્યો, ના...હવે પોતે અજિતના ગુનામાં ભાગીદાર નહીં બને. એની આંખોમાં દ્રઢ નિશ્ચયની ચમક ફરી વળી. પછી કશુંક વિચારી, પલંગ પરથી ઊતરીને તે દબાતે પગલે સીડી તરફ આગળ વધી ગઈ. હવે પોતાનો પતિ સ્ટોરમાં શું કરે છે એ તે જોવા માગતી હતી. એણે જોયું તો અજિત ખૂણામાં પડેલા એક કબાટના ગુપ્ત ખાનામાં કશુંક મૂકતો હતો. કબાટનું આ ગુપ્ત ખાનું અજિતે થોડા દિવસો પહેલાં જ બે નંબરના નાણા તથા હિસાબની ડાયરી છુપાવવા માટે બનાવ્યું હતું. દરવાજાની ઓટમાં ઊભેલી સુરેખાનો સમગ્ર દેહ પરસેવાથી ભીંજાઈ ગયો હતો. કબાટનો દરવાજો બંધ કરીને અજિત પોતાની ચેમ્બરમાં ચાલ્યો ગયો. થોડી પળો બાદ સુરેખાના કાને ટેલીફોન ડાયલ કરવાનો અવાજ અથડાયો. અજિત કદાચ પોલીસને ફોન કરતો હતો.

સુરેખા દરવાજાની ઓટમાંથી નીકળીને ચૂપચાપ દબાતે પગલે ગુપ્ત ખાનાવાળા કબાટ પાસે પહોંચી ગઈ. એણે કબાટ ઉઘાડીને ગુપ્ત ખાનામાં નજર કરી તો તેને ટુવાલમાં લપેટેલી કોઈક વજનદાર વસ્તુ દેખાઈ. એણે ટુવાલને સહેજ ઉઘાડી જોયો. તેમાં લોહીથી ખરડાયેલી એક હથોડી જોતાં જ એના દેહમાં ભયપૂર્ણ ધ્રુજારી ફરી વળી. કદાચ આ હથોડી વડે જ અજિતે સુનિલના માથા પર પ્રહાર કરીને એનું મોત નિપજાવ્યું હતું. અજિત જ સુનિલનો ખૂની છે એ વાતમાં હવે તેને રજમાત્ર શંકા નહોતી રહી.

એ જ વખતે પગરવ સાંભળીને સુરેખા ચમકી ગઈ. એણે પીઠ ફેરવીને જોયું તો સામે જ અજિત રોષથી તમતમતા ચહેરે ઊભો હતો અને આજ્ઞેય નજરે તેની સામે તાકી રહ્યો હતો.

‘તું પાછી અહીં શા માટે આવી ?’ એણે રોષભેર પૂછ્યું.

‘ગભરાટને કારણે મને ઊંઘ નહોતી આવતી.’ સુરેખાએ ભયભીત અવાજે કહ્યું.

અજિતે આગળ વધીને કબાટનો દરવાજો બંધ કર્યો અને પછી સુરેખાની ગરદન તરફ પોતાના બંને હાથ લંબાવતાં બોલ્યો, ‘તો પછી અહીં આવ જાસૂસની દીકરી...હું તને હંમેશને માટે સુવડાવી દઉં.’

અજિતની વાત સાંભળી સુરેખાનું કાળજું કંપી ઊઠ્યું. હમણાં જ પોતે બેભાન થઈને ઢળી પડશે એવું તેને લાગ્યું. પછી એણે રડમસ અને કરગરતા અવાજે કહ્યું, ‘મ...મને માફ કરી દો.’

‘જો તારા મગજમાં કોઈ આડોઅવળો વિચાર આવ્યો હોય તો હમણાં જ તેને કાઢી નાખ, નહીં તો હું તને પણ મોતને ઘાટ ઉતારી દઈશ.’ અજિત બંને હાથે એની ગરદન પકડીને ધીમેથી દબાવતાં બોલ્યો, ‘આ વખતે તો હું તને જવા દઉં છું. પરંતુ પોલીસ પૂછે તો મેં કહ્યું છે એ પ્રમાણે જ તારે જુબાની આપવાની છે, સમજી...?’ કહીને એણે તેની ગરદન છોડી દીધી.

સુરેખા ભયથી હકારમાં માથું હલાવીને પાછી ઉપર ચાલી ગઈ. થોડી વાર પછી પોલીસ સાયરનનો અવાજ તેને સંભળાયો. અર્થાત્ પોલીસનું આગમન થઈ ચૂક્યું હતું. સુરેખા ધબકતા હ્યદયે પલંગ પર સૂતી રહી. નીચે સ્ટોરમાં પોલીસ શું કરે છે એ જોવા જવાની તેની હિંમત નહોતી ચાલતી. અલબત્ત, એટલું તો તે સમજતી જ હતી કે અજિત પોલીસને ભરમાવતો હશે.

બે કલાક પછી સબ-ઇન્સ્પેકટર સોરાબજી અજિતને લઈને ઉપર આવ્યો. સુરેખા ગભરાઈને પલંગ પર બેઠી થઈ ગઈ.

સોરાબજીએ આટલી મોડી રાત્રે તકલીફ આપવા બદલ દિલગીરી વ્યક્ત કરી અને પછી નમ્ર અવાજે બોલ્યો, ‘મેડમ...! મિસ્ટર અજિતે મને જણાવ્યું છે કે આ બનાવને કારણે તમને ખૂબ જ આઘાત લાગ્યો છે. પરંતુ તેમ છતાંય મારી ફરજ પાસે લાચાર બનીને હું તમને બે-ચાર સવાલો પૂછવા માગું છું.’

‘પૂછો...શું પૂછવું છે તમારે ?’ સુરેખા ધીમેથી બોલી.

‘આ બનાવની તમને કેવી રીતે ખબર પડી ?’ સોરાબજીએ પૂછ્યું.

‘અમે બંને સૂતાં હતાં ત્યાં જ સુનિલની પત્ની અનિતાનો ફોન આવ્યો. એ ફોન પર પોતાના પતિ વિશે પૂછતી હતી. હું તેને ફોન ચાલુ રાખવાનું કહીને સુનિલને જાણ કરવાના હેતુથી નીચે સ્ટોરમાં ગઈ. સ્ટોરમાં પહોંચીને મેં જોયું તો સુનિલની ચેમ્બરના કબાટનો દરવાજો ઉઘાડો હતો અને સુનિલ નીચે જમીન પર...’

‘મૃતદેહ જોયા પછી તમે શું કર્યું ?’ સોરાબજીએ વચ્ચેથી જ તેને અટકાવીને પૂછ્યું.

‘કંઈ નહીં...! મને લાશ જોઈને ચક્કર આવી ગયા હતા. મારા પતિ મને ટેકો આપીને ઉપર લઈ આવ્યા હતા.’

‘અનિતાનો ફોન કેટલા વાગ્યે આવ્યો હતો ?’

‘રાત્રે અગિયાર ને વીસ મિનિટે...ફોન મેં જ રિસીવ કર્યો હતો. ફોનની ઘંટડીનો અવાજ સાંભળીને મારા પતિની ઊંઘ પણ ઊડી ગઈ હતી. એટલે તેઓ પણ - સુનિલ હજુ સુધી ઘેર શા માટે નથી ગયો – એની તપાસ કરવા માટે મારી પાછળ પાછળ જ સ્ટોરમાં આવ્યા હતા.’

‘થેંક યૂ, મેડમ !’ સોરાબજી પોતાની ડાયરી બંધ કરતાં બોલ્યો, ‘હાલતુરત તો આટલું પૂરતું છે. જરૂર પડશે તો ફરીથી તમને તકલીફ આપવા આવીશ.’ આટલું કહીને તે ચાલ્યો ગયો.

અજિત તેને વળાવીને બેડરૂમમાં આવ્યો ત્યારે થાકેલો અને સહેજ ચિંતાતુર લાગતો હતો. વસ્ત્રો બદલીને સુરેખાની બાજુમાં સૂતાં એ બોલ્યો, ‘તેં બરાબર જ જુબાની આપી છે. પોલીસને આપણા પર સહેજ પણ શંકા નથી આવી. તેમણે સુનિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.’

સુરેખા ચૂપ જ રહી. થોડી વારમાં જ અજિત નસકોરાં ગજાવતો સુઈ ગયો, જ્યારે સુરેખાને કેમેય કરીને ઊંઘ નહોતી આવતી. રહી રહીને એના મગજમાં એક જ વિચાર આવતો હતો કે એક ખૂની સાથે પોતે કેવી રીતે આખું જીવન પસાર કરશે ? પોલીસને કેવી રીતે જણાવવું કે ખૂની બીજું કોઈ નહીં પણ અજિત જ છે ? પોતે તો પોલીસને એવી જુબાની આપી છે કે ખૂનના સમયે અજિત પોતાની સાથે જ બેડરૂમમાં હતો.

*

બીજે દિવસે સવારે સુરેખાની ઊંઘ ઊડી ત્યારે નવ વાગ્યા હતા. અજિત ક્યારનોય ઊઠીને નીચે સ્ટોરમાં ચાલ્યો ગયો હતો. ઉઠતાવેંત જ સુરેખાનું મગજ ફરીથી વિચારે ચડી ગયું. છેવટે પોલીસ પાસે જઈને સાચી હકીકત જણાવી દેવાના નિર્ણય પર એ આવી. અજિતથી હંમેશને માટે છુટકારો મેળવવાનો આ એક જ ઉપાય હતો. પરંતુ સૌથી મોટી મૂંઝવણ પુરાવાની હતી. અજિત વિરુદ્ધ પુરાવો લીધા વગર પોલીસ પાસે જવું નકામું હતું. પછી અચાનક તેને ખૂનમાં વપરાયેલું હથિયાર એટલે કે અજિતે ટુવાલમાં લપેટીને કબાટના ગુપ્ત ખાનામાં છુપાવેલી હથોડી યાદ આવી. જો આ હથોડી પોલીસને સોંપી દેવામાં આવે તો અજિતને સહેલાઈથી ખૂની તરીકે પુરવાર કરી શકાય તેમ હતો. પછી તેને યાદ આવ્યું કે અજિત દરરોજ બપોરે બારથી દોઢ વાગ્યા દરમિયાન ચેક કે ડ્રાફ્ટ જમા કરાવવા માટે બેંકમાં જાય છે અન આ સમયગાળા દરમિયાન પોતે કબાટમાંથી હથોડી લઈને પોલીસ પાસે જઈ શકે તેમ છે.

સુરેખાએ ઘડિયાળમાં સમય જોયો. બાર વાગવામાં થોડી મિનિટોની જ વાર હતી. એ ઝપાટાબંધ તૈયાર થઈને સડક તરફ ઉઘડતી બારી પાસે બેસી ગઈ. થોડી વાર પછી એણે અજિતને સ્ટોરમાંથી બહાર નીકળીને બેંક તરફ જતો જોયો. અજિતે દ્રષ્ટિમર્યાદા ઓળંગી કે તરત જ એણે નીચે પહોંચી કબાટના ગુપ્ત ખાનામાંથી ટુવાલ સહિત હથોડી કાઢીને પોતાની બેગમાં મૂકી અને કબાટને યથાવત્ રીતે બંધ કરીને બહાર નીકળી ગઈ.

વીસેક મિનિટ પછી તે પોલીસસ્ટેશનમાં સબ-ઇન્સ્પેકટર સોરાબજી સામે બેઠી હતી. અત્યારે ઇન્સ્પેકટર રાજકુમાર પણ ત્યાં હાજર હતો. (ઇન્સ્પેકટર રાજકુમાર પણ કનુ ભગદેવની નવલકથાઓમાં આવતું ચપળ અને બાહોશ પાત્ર છે. આ પાત્રને લઈને પણ એમણે ઘણી કહાણીઓ લખી છે.) સોરાબજી રાજકુમારને સવારે જ સુનિલના ખૂનની વિગતો જણાવી ચૂક્યો હતો.

સુરેખાએ તેમને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા બાદ બેગમાંથી ટુવાલ સહિત હથોડી કાઢીને ટેબલ પર મૂકી દીધી. રાજકુમારે તરત જ એક સિપાહીને બોલાવીને હથોડી પરથી આંગળાની છાપ તથા લોહીના ગ્રુપના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપી. પછી સુરેખાની જુબાની લેવાઈ ગયા બાદ સોરાબજીને ઉદ્દેશીને એણે કહ્યું, ‘તું હમણાં જ બે સિપાહીઓને લઈને જા અને અજિતને પૂછપરછ માટે અહીં બોલાવી લાવ.’

સોરાબજી બે સિપાહીઓ સાથે રવાના થઈ ગયો અને એક કલાકમાં જ અજિતને લઈને આવી ગયો. આ દરમિયાન રાજકુમારની સુચનાથી સુરેખા સોરાબજીની કેબિનમાં ચાલી ગઈ હતી.

હવે રાજકુમારે અજિતની પૂછપરછ શરૂ કરી. એના એક સવાલના જવાબમાં અજિત ભોળાભટાક અવાજે બોલ્યો, ‘આપની બહુ મોટી ગેરસમજ થાય છે, સાહેબ...! સુનિલનું ખૂન થયું ત્યારે હું સ્ટોરમાં જ નહોતો.’

‘મિસ્ટર અજિત, કાલે રાત્રે તમે તમારી જુબાનીમાં એમ જણાવ્યું કે તમે તમારી પત્ની સાથે બેડરૂમમાં સૂતા હતા. પરંતુ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે એ વખતે તમે તમારા બેડરૂમમાં નહોતા. તમારી પત્ની તમારા ભય તથા દબાણને વશ થઈને ખોટું બોલી હતી.’

રાજકુમારની વાત સાંભળીને પળભર માટે અજિતના ચહેરા પર ગભરાટ છવાયો. પરંતુ પછી તરત જ પોતાની જાત પર કાબૂ મેળવીને એણે કહ્યું, ‘આપની વાત સાચી છે. હું ખોટું બોલતો હતો. એટલું જ નહીં, મારી પત્નીને પણ ખોટું બોલવા માટે મેં લાચાર કરી હતી. પરંતુ એ જુઠાણું મેં કોઈકની આબરૂ બચાવવા માટે જ ચલાવ્યું હતું. વાત એમ છે કે કાલે રાત્રે હું મારા ભાગીદાર સુનિલની પત્ની અનિતા સાથે એના જ બેડરૂમમાં હતો. આપને મારી વાત પર ભરોસો ન બેસતો હોય તો આપ અત્યારે જ આ બાબતમાં અનિતાને પૂછીને ખાતરી કરી શકો છો.’

‘સોરાબજી...’ રાજકુમાર બોલ્યો, ‘તારી ચેમ્બરમાં બેઠેલા મેડમને રજા આપી દે અને અનિતાને ત્યાં જઈને મિસ્ટર અજિતની વાતની ખાતરી કરી આવ.’

સોરાબજીએ પોતાની ચેમ્બરમાં બેઠેલી સુરેખાને વિદાય કરી દીધી અને પછી અનિતાને પૂછપરછ કરવા માટે ચાલ્યો ગયો. અજીયને રાજકુમારે પોતાની પાસે જ રોકી રાખ્યો હતો.

સુરેખા મનોમન રાહત અનુભવતી, ખુશ થતી પોતાના ફ્લેટ પર પહોંચી ગઈ. અજિત હવે નહીં બચે એ વાતની તેને પૂરી ખાતરી હતી. જિંદગીમાં આજે પહેલી જ વાર તે માનસિક રીતે હળવાશ અનુભવતી હતી.

ફ્લેટ પર પહોંચ્યા પછી તે ટી.વી. પર ફિલ્મ જોવામાં મશગૂલ બની ગઈ. થોડી વાર પછી અચાનક કોઈકનો પગરવ સાંભળીને તે એકદમ ચમકી ગઈ. પગલાંના અવાજને તે ઓળખી ચૂકી હતી. એ અવાજ અજિતનો હતો ! પોલીસે અજિતને પકડી લીધો હતો તો પછી તે અહીં કેવી રીતે પહોંચી ગયો એ તેને કંઈ ન સમજાયું. ભયથી બેબાકળી હાલતમાં એણે આગળ વધીને ટેલિફોનનું રિસીવર ઊંચક્યું અને પોલીસનો નંબર ડાયલ કરવા લાગી.

એ જ વખતે અજિત તેની સામે આવીને ઊભો રહી ગયો. એનાં કઠોર ચહેરા પર ખોફનાક સ્મિત ફરકતું હતું. સુરેખા ભયથી ધ્રુજી ઊઠી. એના હાથમાંથી રિસીવર છટકી ગયું.

‘ત...ત...તમે ?’ એણે કંપતા અવાજે પૂછ્યું, ‘તમને તો પોલીસે પકડી લીધા હતા ને ?’

‘હા...પરંતુ હું નિર્દોષ પુરવાર થવાથી મને છોડી મૂક્યો. શું મારા છૂટી જવાથી તને આનંદ નથી થયો ?’

‘ખૂબ જ આનંદ થાય છે.’ સુરેખાએ નંખાઈ ગયેલા અવાજે કહ્યું.

અજિતે તરત જ આગળ વધીને તેના વાળ પકડીને ખેંચતાં કહ્યું, ‘તું ખોટું બોલે છે. મારાથી છુટકારો મેળવવાની તારી યોજના નિષ્ફળ ગઈ એટલે તને તો ઊલટું દુઃખ થતું હશે. પોલીસને તારી કોઈ વાત પર ભરોસો ન બેઠો.’

‘પ...પ્લીઝ, મને માફ કરી દો.’ સુરેખા કરગરતા અવાજે બોલી. પરંતુ અજિતના રાઠોડી હાથના પંજા અજગરી ભરડાની માફક સુરેખાની ગરદન ફરતે વીંટળાઈ ગયા અને હાથનું દબાણ વધતું ગયું. સુરેખાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એની આંખોના ડોળા પડળમાંથી બહાર ધસી આવ્યા. થોડી પળોમાં જ તે અજિતના હાથમાં કપાયેલા વૃક્ષની જેમ ઝૂલવા લાગી. એ મૃત્યુ પામી હતી.

પરસેવે રેબઝેબ બની ગયેલા અજિતે રાહતનો ઊંડો શ્વાસ ખેંચ્યો. હવે તે સુરેખાના મૃતદેહને કેવી રીતે ઠેકાણે પાડવો એનો વિચાર કરતો હતો ત્યાં જ અચાનક ડોરબેલનો અવાજ સાંભળીને એ ચમક્યો. એણે સુરેખાના મૃતદેહને દરવાજાની બાજુમા ગોઠવ્યો અને અત્યારે કોણ હશે એનો વિચાર કરવા લાગ્યો. કદાચ અનિતા આવી હશે. અનિતાના આગમનની કલ્પના કરતાં જ એના હોઠ પર સ્મિત ફરકી ગયું. હવે પોતે કશીયે અડચણ વગર અનિતા સાથે રહી શકશે.

પરંતુ કલ્પનાને છેડે હંમેશા અસત્ય જ નીકળે છે. દરવાજો ઉઘાડતાં જ એના હોઠનું સ્મિત અદ્રશ્ય થઈ ગયું અને તેનું સ્થાન ગભરાટે લઈ લીધું. એની સામે ઇન્સ્પેકટર રાજકુમાર અને સોરાબજી ઊભા હતા.

‘મિસ્ટર અજિત...’ રાજકુમાર કશીયે ઔપચારિકતા વગર ગંભીર અવાજે બોલ્યો, ‘અમે તમારી પત્નીને થોડી પૂછપરછ કરવા માગીએ છીએ.’

‘ક...કેવી પૂછપરછ...?’ અજિતના ગળાનો કાકડો જોરથી ઊંચોનીચો થયો.

‘મિસ્ટર અજિત, સુનિલનું ખૂન થયું એ વખતે આ ફ્લેટમાં તમારી પત્ની સુરેખા સિવાય બીજું કોઈ નહોતું. તમે તો અનિતાની સાથે હતા. હવે સુરેખાને કદાચ અનિતા સાથેના તમારા અનૈતિક સંબંધોની ખબર પડી ગઈ હોય અને તમને ખૂનના આરોપસર ફસાવવા માટે એણે જ નીચે સ્ટોરમાં જઈને ચૂપચાપ સુનિલને મોતને ઘાટ ઉતારી દીધો હોય એ બનવાજોગ છે.’ આટલું કહીને બંને ફ્લેટમાં દાખલ થઈ ગયા.

પરંતુ અંદર પ્રવેશતાં જ તેમને સુરેખાનો મૃતદેહ જોવા મળ્યો. હવે અજિત પાસે ગુનાનો એકરાર કરવા સિવાય છૂટકો નહોતો. ગિરફ્તાર થયા પછી એણે કરેલો ખુલાસો આ મુજબ હતો:

બનાવની રાત્રે નવ વાગ્યે જ્યારે અજિત અને અનિતા, અનિતાને ઘેર બેડરૂમમાં સાથે જ હતાં ત્યારે એ બંનેના અનૈતિક સંબંધોથી બિલકુલ અજાણ એવો સુનિલ અચાનક જ વહેલો ઘેર આવી ચડ્યો હતો. એણે અજિત તથા અનિતાને શરમજનક હાલતમાં જોઈ લીધાં હતાં એટલે આ સંજોગોમાં એ ચૂપ નહોતો બેસવાનો. સુનિલ પોતાને બદનામ કરી નાખશે એટલું જ નહીં, પોતાનો બિઝનેસ પણ ખોરવાઈ જશે એવો ભય લાગતાં અજિતે બેડરૂમના પાછલા દરવાજેથી નીકળી રોષભર્યા ચહેરે ડ્રોઈંગરૂમમાં સોફા પર બેઠેલા સુનિલના માથા પર પાછળથી હથોડી ઝીંકીને તેનું ખૂન કરી નાખ્યું અને પછી અનિતાને ઉદ્દેશીને બોલ્યો – “હું કારમાં સુનિલના મૃતદેહને મૂકીને ઠેકાણે પાડવા જાઉં છું. તું રાત્રે અગિયાર વાગ્યા પછી સુરેખાને ફોન કરીને પૂછજે કે સુનિલ ક્યાં છે. ત્યાં સુધીમાં હું સુનિલના મૃતદેહને ઠેકાણે પાડી બેડરૂમમાં જઈને સુરેખાની બાજુમાં સુઈ ગયો હોઈશ. તારા ફોન પછી હું સુરેખાને સમજાવી દઈશ કે એણે પોલીસને શું કહેવાનું છે. સુરેખાની જુબાની જ આપણને બંનેને બચાવવા માટે પુરતી થઈ રહેશે.” પરંતુ રસ્તામાં ક્યાંય સુનિલના મૃતદેહને ઠેકાણે પાડવાનો મેળ ન પડતાં એણે તેને શોરૂમમાં લાવીને લૂંટારાઓ દ્વારા સુનિલનું ખૂન થયાનો દેખાવ ઊભો કરી નાખ્યો. પરંતુ તે બધું પતાવીને ઉપર પહોંચે એ પહેલાં જ અગિયાર ને વીસ મિનિટે અનિતાનો ફોન આવતાં સુરેખા સુનિલની તપાસ માટે નીચે સ્ટોરમાં જઈ પહોંચી.

ત્યાર બાદ શું બન્યું એ વાચકો જાણે છે. આ સમગ્ર બનાવમાં સૌથી વધુ કફોડી હાલત અનિતાની થઈ ગઈ. એ ન તો પતિની બનીને રહી શકી કે ન તો પ્રેમીની...!

***