સ્ત્રી અને શિક્ષણ Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી અને શિક્ષણ

ઓશો રીરીઝ

શિક્ષણમાં ક્રાંતિ


૨. સ્ત્રી અને શિક્ષણ

હિરેન કવાડ


પ્રસ્તાવના

શિક્ષણ આજનો એક મૂળ મુદ્દો છે. બાળક પાંચ વર્ષનું થાય એટલે એને બાળમંદિર કે શાળામાં મુકી દેવુ જરૂરી છે? અત્યારે જે રીતે શિક્ષણ અપાય છે, એ જ શિક્ષણ પદ્ધતી જરૂરી છે? ખરેખર શિક્ષણ શું છે? અત્યારની શિક્ષણ પદ્ધતી કઇ રીતે બાળ માનસમાં વિકૃતીઓ રોપી રહી છે? આ બધા મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચિંતન એટલે ઓશોની શિક્ષણમાં ક્રાંતિ સીરીઝ.

એક બહુ જ જુનુ વાક્ય છે, બાળક એ આવતી કાલનું ભવિષ્ય છે. જો યુવા પેઢીને યોગ્ય શિક્ષણ ન મળ્યુ તો આવતી પેઢી ગુસ્સે ભરાવાની જ છે. એ અત્યારે દેખાઈ રહ્યુ છે. એક તરફ ઢગલાબંધ એન્જીનીયરો અને ડોક્ટરો પેદા થઇ રહ્યા, અને એના પછી પણ એ લોકો એન્જીનીયર કે ડોક્ટરોનું કામ તો નથી જ કરતા. જે કરે છે એ લોકોને સંતોષ નથી. તો શિક્ષણ પદ્ધતીમાં એવી તો કેવી ભુલો છે જે માણસની ઉત્ક્રાંતિમાં ભળી ગઇ છે? આવો એના પર હું અને તમે વિચાર કરીએ. પ્રસ્તુત કરી રહ્યો છે ઓશોના શિક્ષણ પરના વિચારો ઉપરના ચિંતનની સીરીઝ શિક્ષણમાં ક્રાંતિ. આશા રાખુ છું તમને ગમશે. તમે પણ તમારા વિચારો જણાવજો.


૨. સ્ત્રી અને શિક્ષણ

‘ફ્રેડરીક નીત્સ્ચ્યેએ કહ્યુ હતુ કે બુદ્ધ અને જીસસ સ્ત્રૈણ રહ્યા હશે. કારણ કે એમણે જે પ્રેમ અને કરૂણાની વાતો કરી છે. એ પૂરૂષોના ગૂણ નથી. એક અર્થમાં એમણે સાચી વાત કહી છે, જીવનના જે પણ સંબંધો માધુરીથી ભર્યા છે. જીવનની જે પણ સુંદર કલ્પના અને ભાવના છે એ સ્ત્રીનો અનિવાર્ય સ્વભાવ છે. મનુષ્યની સભ્યતા માધુરી અને સૌંદર્યથી ન ભરાઇ શકી, ક્રુર અને પૌરૂષી થઇ ગઇ, કઠોર અને હિંસક થઇ ગઇ અને અંતિમ પરિણામોમાં કેવલ યુદ્ધો આવતા રહ્યા એના પાછળ બે જ કારણો છે. ૧. સ્ત્રીના ગૂણોને કોઇ સન્માન ન આપવામાં આવ્યુ, અને ૨) સ્ત્રીએ પોતે પોતાના ગૂણો વિકસીત કરવા સક્રિય પ્રયત્નો કે ઉપાયો ન કર્યા. તમે જોયુ હશે કે કોઇ સ્ત્રી પૂરૂષોના ગૂણોમાં આગળ વધી જાય જેમ કે રાણી લક્ષ્મિબાઇ, તો આખા જગતમાં પ્રશંસા થશે કે રાણી લક્ષ્મિબાઇ ખુબ બહાદૂર અને વિર છે. પરંતુ ક્યારેય તમે એવુ સાંભળ્યુ છે કે કોઇ પૂરૂષ સ્ત્રીઓના ગૂણોમાં પ્રવિણતા મેળવે તો એનુ સમ્માન કરવામાં આવ્યુ હોય?’ – ઓશો.

ફેમીનીઝમ અને ઇક્વાલીટીનો ગાડરીયો પ્રવાહ શરૂ થયો છે. દરેક સ્ત્રીને થોડીક સમજ આવે કે એ ‘હું -ફેમીનીસ્ટ છું’ એમ કહેવા લાગે. થોડીક વધારે અધુરી સમજ હોય તો એમ કહે કે હું ‘ફેમીનીઝમમાં નહિં, ઇક્વાલીટીમાં માનું છું.’ મારે જે વાત કરવી છે એ ઓશોએ વર્ષો પહેલા કરી જ દીધી છે. કે શું ખરેખર એક સ્ત્રી અને પૂરૂષ સમાન બની શકે. બન્નેમાં કદી ઇક્વાલીટી લાવી શકાય ખરી? જો કદાચ દબાણ કરીને લાવવામાં આવે પણ તો એ સ્ત્રી ક્યાં સુધી સ્ત્રી જ રહે છે? સ્ત્રીનો અર્થ ક્યારેય નિર્બળ છે એવો છે જ નહિં. પરંતુ એ પૂરૂષ ફેમીનીઝમ અને ઇક્વાલીટીના નામે પૂરૂષ બનવા કેમ દોડે છે? સ્ત્રીને પોતાનું એક શરીર છે, એની પોતાની રચના છે અને પૂરૂષને પોતાનું શરીર છે અને એની પોતાની રચના છે. એ રીતે જ બન્નેનું મન વિકસીત થયેલુ છે. DNA પણ એ રીતે જ ઉત્ક્રાંતિના નિયમો મુજબ ઘડાયેલા છે તો આ ઇક્વાલીટી પાછળ દોટ શેની? સ્ત્રીએ પોતાનામાં કંઇ બદલવાનું છે જ નહિ, એ પોતાનામાં જ અનન્ય છે. એને પૂરૂષ જેવા કામો કરીને કે પૂરૂષોના કામો કરીને પોતાનું અભિમાન સંતોષવાનું કે પોતાને બહાદૂર દેખાડવાની જરૂર છે જ નહિં. એ પૌરૂષત્વ પામવા શામાટે દોડે છે? હા બદલાવની જરૂર છે પરંતુ એના અસ્તિત્વની રજને નહિ, આપણી સભ્યતામાં ઉભી કરેલી માન્યતાઓની. આ ચિંતન લેખ આખો સ્ત્રી અને એના શિક્ષણને સમર્પિત છે. ઓશોના અમુક વિચારો સાથે અમુક વખતે હું પણ સહમત નથી. પરંતુ ખાસ કરીને જ્યારે એ સ્ત્રી પર બોલે છે ત્યારે એના પર વિચારો કરવા જ રહ્યા. કારણ કે એના વિચારો પાછળ માત્ર કોઇ ભૌતિક કારણો નથી હોતા. માત્ર સ્ત્રીને એના શરીર રૂપે નથી જોવાતી. તો ચાલો ઓશોના વિચારોની સફર કરીએ.

ઓશો કહે છે, ‘સ્ત્રીઓ પૂરૂષથી બિલકુલ ભિન્ન છે, ન એમનો નિચા હોવાનો પ્રશ્ન છે, ન તો એમનો સમાન હોવાનો. અને જ્યાં સુધી સ્ત્રીઓ પોતાની આ ભિન્નતાનો કે અલગ વ્યક્તિત્વનો વિચાર નહિં કરે ત્યાં સુધી કાં તો એ પૂરૂષની દાસી રહેશે અથવા તો અનુયાયી હશે અને બન્ને સ્થિતી ખુબ ગંભિર છે.’

‘પશ્ચિમમાં સ્ત્રીઓએ વિદ્રોહ કર્યો છે, અને પરિણામ એ આવ્યુ છે કે સ્ત્રીઓ પૂરૂષો જેવા બનવાની હરીફાઈમાં પડી ગઇ છે. જેમ પૂરૂષો કરે છે, જેવા પૂરૂષો છે એવુ જ બની જવુ છે. જે શિક્ષા પૂરૂષોને મળે છે એ જ શિક્ષા સ્ત્રીઓને પણ મળવી જોઇએ. પૂરૂષોની નકલ કરવાની હોડમાં સ્ત્રીઓ હંમેશા બીજી કોટીની બનશે ક્યારે પ્રથમ કોટીની નહિં બની શકે. કારણ જે ગુણોની એ પ્રતિસ્પર્ધા કરવા જઇ રહી છે એ પૂરૂષોના સહજ ગુણો છે અને સ્ત્રીઓનો અસહજ ધર્મ છે. આવી સ્થિતીમાં સ્ત્રી જે થઇ શકતી હતી એનાથી વંચિત થઇ જશે.’

‘જે શિક્ષા પૂરૂષોને મળે છે, એ જ શિક્ષા સ્ત્રીઓને આપવામાં આવે એ એકદમ ખોટુ છે. પૂરૂષ ગણિત શીખે, વિજ્ઞાન શીખે. પરંતુ જરૂરી નથી કે સ્ત્રી એ જ શીખે જે પૂરૂષ શીખે. એને અસ્તિત્વએ સર્જનની અલગ જવાબદારીઓ આપેલી છે. આ જ હરીફાઈમાં સ્ત્રીએ સૌથી મોટી ગુમાવેલી વસ્તુ છે, સ્ત્રીનું માતૃત્વ. સ્ત્રીમાંનું સ્ત્રૈણપણુ નષ્ટ થઇ રહ્યુ છે, એ લગભગ પૂરૂષ જેવી થઇ રહી છે અને ખુશ પણ દેખાઇ રહી છે? પૂરૂષ અને સ્ત્રીના ચિતમાં મૂળનું અલગતા પણુ છે, જે સ્ત્રી અને પૂરૂષના આકર્ષણનું કારણ છે. જેટલી બન્નેમાં ભિન્નતા હશે એટલો જ બન્ને વચ્ચેનો પ્રેમ વધારે ગાઢ બનશે. પુરૂષની જેમ શિક્ષીત થવાથી સ્ત્રી નકલી પૂરૂષ બની જાય છે. અસલી સ્ત્રી નથી બની શકતી.’

‘અને આપણી શાળાઓ, આ શાળા અને કોલેજોમાં જે શિક્ષણ પુરૂષને આપવામાં આવે છે એ જ સ્ત્રીને આપવામાં આવે છે. જે એક્સરસાઇઝ પૂરૂષ કરે છે, એ જ સ્ત્રીને કરાવવામાં આવે છે, પૂરૂષ અને સ્ત્રીની કવાયત એક જ છે, આજે જ્યારે આપણે શરીરની ફીઝીયોલોજી વિશે આટલુ બધુ જાણતા હોવા છતા આ બધુ કરી રહ્યા છીએ. સ્ત્રીના શરીરના નિયમો અલગ છે, જે રમતો પૂરૂષો માટે બની છે એ સ્ત્રી માટે યોગ્ય નથી. આપણે સ્ત્રીમાંના કોઇ મૂળ તત્વનું ખુન કરી રહ્યા છીએ. પહેલાના લોકો પાગલ નહોતા. પૂરૂષો માટે એ લોકોએ વ્યાયામની વ્યવસ્થા કરી અને સ્ત્રીઓ માટે નૃત્ય. બન્નેનો મૂળભૂત હેતુ શારિરીક હતો. પરંતુ રીતો અલગ હતી. કવાયત હિંસા રોપે છે, જો સ્ત્રીઓને કવાયત કરાવવામાં આવશે તો પ્રેમ નષ્ટ થશે, ઘરો નષ્ટ થશે. સ્ત્રી સ્ત્રી રહેશે જ નહિં કારણ કે પૌરૂષીક રમતના લીધે સ્ત્રીના હોર્મોન્સમાં બદલાવ આવે છે. જે દેશોમાં જવાન સ્ત્રીઓને મિલિટરીમાં ટ્રેઇનીંગ આપવામાં આવી રહી છે એમના હોઠો ઉપર રૂંવાટી ઉગવાની શરૂ થઇ છે, એવુ રીસર્ચ કહે છે. એમને મુંછો આવવા લાગે છે. એમની હોર્મોનલ સીસ્ટમમાં બદલાવ આવ્યો છે. અને હવે તો સ્ત્રીઓના કપડા પણ પૂરૂષો જેવા થઇ રહ્યા છે. આપણને ખ્યાલ નથી કે જીવનની નાની નાની વાતો કેટલો મોટો તફાવત ઉભો કરે છે. જો કપડા સ્ત્રીના વ્યક્તિત્વને પ્રભાવિત કરતા હોય તો શિક્ષણ તો કરશે જ. શિક્ષણ સીધુ જ મન પર કામ કરે છે. આપણે જેવુ વિચારીએ છીએ એવા જ થઇ જઇએ છીએ.’

‘હું એકવાર નાના એવા ગામડાના સ્ટેશન પર રોકાયો હતો. મારી ગાડીને આવવામાં હજુ સમય હતો. ત્યારે જ એક વૃધ્ધ સ્ત્રીને લઇને કેટલાક લોકો આવી રહ્યા હતા. એના માથા પર પાટો બાંધેલ હતો. કદાચ એને કોઇકે માર્યુ હતુ. બે ત્રણ બીજી સ્ત્રીઓ પણ એની સાથે હતી. એ લોકો વૃદ્ધ સ્ત્રીને ક્યાંક બીજા મોટા નગરના દવાખાનામાં જઇ રહ્યા હતા એવુ લાગ્યુ. મેં પૂછ્યુ કે આ સ્ત્રીને કોણે માર્યુ? તો એમાંની એક સ્ત્રીએ કહ્યુ કે આને એકનો એક જ દિકરો છે અને એણે જ આને માથા પર મારીને લોહીલુહાણ કરી દીધી છે. આ તો બેહોશ થઇ ગઇ હતી. બીજી સ્ત્રીએ કહ્યુ કે આવા દિકરાઓ તો પેદા જ ન થાય તે સારૂ. પરંતુ ત્યારે જ પેલી વૃદ્ધ સ્ત્રીએ બોલી રહેલી સ્ત્રીના મોં પર હાથ રાખી દીધો અને કહ્યુ, “જો દિકરો ન હોત તો મને આજે મારત પણ કોણ?” દિકરાનું હોવુ જ મોટુ છે, એણે માર્યુ એ તો ખુબ નાની વાત છે. અને પેલી વૃદ્ધ સ્ત્રી કહેવા લાગી. “છોકરાવ જ છે હજુ સમજ કેટલી હોય? મારી દીધુ છે, કાલ સમજણ આવી જશે.” આ એક માંનું હ્રદય છે. જે ગણિતમાં નથી વિચારતુ, જે કોઇ વકિલ જેવુ નથી વિચારતુ. એ પ્રેમ અને આશાની ભાષા બોલે છે. અને આપણુ શિક્ષણ ગણિતની ભાષા શીખવાડે છે. એટલે જ સ્ત્રીઓની શિક્ષા અલગ હોવી જોઇએ. જેથી એની દ્રષ્ટિ ભિન્ન હોય.’

‘પૂરૂષોએ જે દૂનિયા બનાવી છે એ ખોટી સાબિત થઇ છે, એ સિદ્ધ થઇ ગયુ છે. પાછળના ૩૦૦૦ વર્ષોમાં ૧૫૦૦૦ તો યુદ્ધો થયા છે. માનસિક યુદ્ધો તો દરેક ક્ષણ ચાલી રહ્યા છે. શું એવો પ્રયત્ન ના થવો જોઇએ કે સ્ત્રીઓ પણ આ દૂનિયાને, સભ્યતાને બનાવવામાં પોતાનો ફાળો આપે? કે પછી એ પણ પૂરૂષોની નકલો કરીને સૈનિકોના વસ્ત્રો પહેરીને શહેરો પર બોમ્બ વર્ષા કરશે? દૂનિયાને નષ્ટ કરવામાં એકલા પૂરૂષો કાફી છે અને જો સ્ત્રીઓ પણ પૂરૂષો બનવા જશે તો મનુષ્ય જાતીનો અંત આવી જ જશે. પરંતુ સ્ત્રી ચાહે તો આ ગ્રહ પરની બધી હિંસા બંધ કરી શકે. પરંતુ એના માટે એક અલગ પ્રકારની સ્ત્રીનો જન્મ જરૂરી છે. પૂરૂષની નકલ નહિં.’

‘એક વાર ત્રણ મોટા દેશ અમેરિકા, રશિયા અને બ્રીટનના વડાને ભગવાને પોતાના પાસે બોલાવ્યા. ભગવાન ખુબ પીડાયેલા હતા કે મેં જે આદમી બનાવ્યો એણે દૂનિયાની શીં હાલત કરી નાખી. યુદ્ધો કર્યા, ઘટતુ હતુ તો એટમ બોમ્બ બનાવ્યા. એટલે એમણે વિચાર્યુ કે આ લોકોને જે જોઇતુ હોય એ આપી દઇએ અને એ લોકોને શાંત કરી દઇએ. ત્રણેય દેશના વડા ભગવાન સામે જઇને ઉભા રહ્યા. ઇશ્વરે કહ્યુ કે, જ્યારથી મેં આદમીને બનાવ્યો છે ત્યારથી મને ઉંઘ નથી આવી. હું પછી કંઇ બનાવી જ નથી શક્યો અને આદમીએ શું શું નથી બનાવ્યુ. હું તમને પૂછુ છું કે તમારે જોઇએ છે શું? આટલી બધી હત્યાઓ શામાટે? આટલો પરિશ્રમ શાંમાટે? અરબો ડોલર રોજ યુદ્ધ માટે ખર્ચવામાં આવે છે અને બીજી તરફ માણસ ભુખે મરી રહ્યો છે. હું તમને બધાયને એક એક વરદાન આપુ, પરંતુ આ બધુ બંધ કરી દો. અમેરિકાના રાષ્ટ્ર પતિએ કહ્યુ કે હે પ્રભૂ અમારી એક જ આકાંક્ષા છે, પછી અમારા પ્રત્યે કોઇ જ ફરિયાદ નહિં આવે. બસ આ વરદાન આપી દો કે પૃથ્વિ તો રહે પરંતુ પૃથ્વિ પર રૂસનું એક પણ નિશાન ન રહે. ઇશ્વરે બહુ વરદાન આપ્યા, પરંતુ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે કોઇ આવુ વરદાન માંગશે. ઇશ્વરે ડરથી રશિયાના પ્રતિનીધી તરફ જોયુ, જો અમેરિકા આવુ કહેતુ હોય તો રશિયા શું કહેશે? રશિયાના પ્રતિનીધીએ કહ્યુ, મહાનૂભાવ. અમને તો વિશ્વાસ જ નથી કે ઇશ્વર ક્યાંય હોય છે. મને તો ડર લાગે છે કે આજે વધારે જ શરાબ પી ગયો છું અને તમે દેખાવ છો અથવા તો આ સપનુ હોઇ શકે. અમે તો નક્કિ કરી લીધુ છે કે ઇશ્વર છે જ નહિં, તમે હોઇ કઇ રીતે શકો? પરંતુ છતા થઇ શકે કે અમે તમારી પૂજા ફરી શરૂ કરી દઇએ, અને ચર્ચોમાં ફરી તમારી મુર્તીઓ રાખી દઇએ. પરંતુ એક ઇચ્છા અમારી પૂરી થઇ જાય. પૃથ્વિ પર ભૂગોળ તો હોય, પરંતુ એના પર અમે અમેરિકાની કોઇ રેખા જોવા નથી માંગતા. બસ આટલુ થઇ જાય અમારો વિરોધ તમારાથી પણ નથી. અમે તમારી પણ પૂજા કરીશું. ભગવાને ઘબરાઇને બ્રિટન તરફ જોયુ, અને બ્રિટને જે કહ્યુ એ તો એનાથી પણ ઉંચુ હતુ. બ્રિટનના પ્રતિનીધીએ ભગવાનના ચરણોમાં માથુ ટેકવીને કહ્યુ કે ‘હે મહાપ્રભૂ, અમારી કોઇ જ ઇચ્છા કે આકાંક્ષા નથી. બસ આ બન્નેની આકાંક્ષા એક સાથે પૂરી થઇ જાય. અમારે બીજુ કંઇ જ નથી જોઇતુ. આ બન્નેએ જે માંગ્યુ છે એ પૂરૂ કરી દો.’

‘પૂરૂષે જે દૂનિયા બનાવી છે એ અહિં લઇ આવી છે. હિંસા સ્ત્રીઓનો સ્વભાવ નથી, એનો સ્વભાવ પ્રેમ છે. સર્જન છે. જ્યાં પણ પ્રેમ છે, દયા છે, કરૂણા છે ત્યાં સ્ત્રી છે જ. જે પણ મહાનપૂરૂષો હતા એ લોકોમાં સ્ત્રૈણ સ્વભાવ હતો જ. ગાંધી ઉપર તો કોઇ સ્ત્રીએ જ પૂસ્તક લખ્યુ છે ”ગાંધી મેરી માં” આ દૂનિયા બદલાઇ શકે જો સ્ત્રી નક્કિ કરી લે કે એને પૂરૂષો જેવા નથી બનવુ, એ સમજી લે કે એ પૂરૂષોથી ભિન્ન છે. અને ત્રીજીવાત સ્ત્રીનું શિક્ષણ, એનો વિચાર, એનું ચિંતન બધુ જ પૂરૂષોથી ભિન્ન હોવુ જોઇએ. પૂરૂષો જેવુ નહિં.’

‘એવુ ક્યાંક ન થઇ જાય કે આ દૂનિયામાં બે પ્રકારના પૂરૂષો હોય અને સ્ત્રીઓ રહે જ નહિ.’

***

ઓશોની ઉપરની બધી વાતોમાં હું પણ સહમત નથી. એનું તો એમ પણ કહેવુ છે કે સ્ત્રીએ પૂરૂષો જેવા કપડા ન પહેરવા જોઇએ. જેના કારણો અને તર્કો ગળે ઉતરે એમ નથી. પણ એણે જે સ્વભાવની વાત કરી એ ખુબ યોગ્ય લાગે છે. સ્ત્રીનો સ્વભાવ પ્રેમ છે. એટલે જ એ નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખી શકે છે. પૂરૂષમાં આટલી ધીરજ નથી. એટલે જ ઇશ્વરે ગર્ભ ધારણ શક્તિ પુરૂષને નથી આપી. પુરૂષ અભિમાન પ્રાધાન્ય છે, સ્ત્રી ઋજુતા પ્રાધાન્ય અને કરૂણા પ્રાધાન્ય છે.

ઓશો સ્ત્રી શિક્ષણની ખુબ સચોટ વાત કરે છે બે વ્યક્તિ અને એના ગુણો અલગ છે તો એમને એક પ્રકારનું શિક્ષણ આપવુ યોગ્ય નથી. એને પોતાને સાબિત કરવા કોઇ જ વિરતાના મેડલો મેળવવાની જરૂર નથી. એના માટે અલગ શિક્ષણ હોવુ જોઇએ જે સ્ત્રી ગુણોને પોષે. હાલ જે દેખાઇ રહ્યુ છે તે એ જ છે. હું ફેમીનીઝમનો વિરોધી નથી. સ્ત્રીને એના હકો મળવા જ જોઇએ. પરંતુ એ ખરેખર સ્ત્રીના હકો છે, એ પુરૂષ બનવા તરફ નથી જઇ રહી? સ્ત્રીની કોમળતા અને મૃદુતા જ એનુ સૌંદર્ય છે? શામાટે એને અનુકરણ કરીને પુરૂષ બનવુ છે? અહિં એવી કોઇ જ વાત નથી કે સ્ત્રીને એની મહત્વકાંક્ષાઓ પૂરી ન કરવી જોઇએ. એની પાસે ખુબ ઉર્જા છે જ. પૂરૂષ કરતા પણ વધારે ઉર્જા. પરંતુ જે શિક્ષણ અપાઇ રહ્યુ છે એનાથી એ ઉર્જાનો ઉપયોગ થાય છે ખરો?

કઠોર હંમેશા મૃદુતા તરફ જ આકર્ષાય છે. સ્ત્રીમાં સુંદરતા છે, એ સ્ત્રી છે એટલે જ પૂરૂષ એ તરફ આકર્ષાય છે. કઠોર સ્ત્રી તરફ પૂરૂષો આકર્ષાતા નથી એ વૈજ્ઞાનિક સત્ય છે. પ્લેટો કહે છે કે સુંદરતા નો વાસ જ્યાં મૃદુતા હોય ત્યાંજ છે. તો શું આપણા શિક્ષણે એ ઋજુતા ગુમાવવા પ્રોત્સાહન આપવુ જોઇએ? શું સ્ત્રી પોતાનામાં જ પૂર્ણ નથી? એને ઇક્વલ બનવાની જરૂર છે? એ અલગ છે એ પૂરતુ નથી? હા એને પ્રેમની જરૂર છે, એને મુક્તિની જરૂર છે, એ વાત યોગ્ય છે. પરંતુ જો સ્ત્રી એમ કહેતી હોય કે જો પૂરૂષો આ કરે તો અમે કેમ નહિં. કારણ કુદરતે સ્ત્રી પૂરૂષ બન્નેને ભિન્ન બનાવ્યા છે એટલે. હા સ્ત્રીને મુક્તતા મળવી જોઇએ, એ કોઇ પૂરૂષને દોષ આપીને નહિં. એ અસ્તિત્વની દેન છે એટલે. એના માટે જાગૃત થવાની જરૂર છે. સક્ષમ થવાની જરૂર છે. પરંતુ પુરૂષ બનવાની જરૂર નથી.

‘સ્ત્રીનું સૌદર્ય સ્ત્રી બની રહેવામાં જ છે.’


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com