બસ…ગુસ્સો આવે છે. Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ…ગુસ્સો આવે છે.

બસ…ગુસ્સો આવે છે.

આ લેખ મેં લખવાની શરૂઆત કરી એ સમયનો છે. આજે હું આ ભાષા વાપરું નહી. આજે આટલો ગુસ્સો છે પરંતુ મારો ગુસ્સો દેખાડવાનો તરીકો બદલાઈ ગયો છે. આજે ઘણું બદલાઈ ગયું છે, બસ મારા ગુસ્સો આવવાના કારણ હજુ એના એ જ છે!:

હવે ગુસ્સો આવે છે. સાચે જ. હા...મને ખબર છે કે મારી આસપાસની દુનિયાની સારવાર કરતા ટાઈમ લાગશે, અને મને એ પણ ખબર છે કે એ સારવાર માટેના ડોક્ટર બનવાની પ્રોસેસમાં મારે કઈ બળી-બળીને જીવવાનું નથી. મારે ગમે તે ભોગે ખુશ રહેવાનું છે, પણ શું કરું? આ બોગસીયા માણસોને જોઇને, એમના તળિયે બેસી ગયેલા વિચારોને સ્પર્શીને મને ગુસ્સો આવી જાય છે. મારી આંગળીઓ આ બધું લખતી સમયે ધ્રુજી જાય છે. જુઓ...મારી આંખોમાં પાણી ભરાઈ આવ્યું છે. હવે તો મારે તમને કહેવું જ પડશે. મારા હૃદયમાં હું બધું જ સંઘરી નહી શકતો. તમને હું મારા ગુસ્સાના કારણો કહું છું. પ્લીઝ સુધરવાની શરૂઆત કરજો. કારણકે તમે નહી સુધરો તો હું તો ઠીક, પણ મારી પછીની પેઢી ફગાવી દેશે તમને.

મને ગુસ્સો આવે છે જ્યારે કોઈ અંબોડા વાળી બાઈ મને મારો પગાર પૂછે છે. જ્યારે કોઈ ઓટલે બેઠેલો વડીલ મારી સામે જોઇને મારું એનાલિસિસ કરવાની શરૂઆત કરે છે. જયારે હું વધુ પગાર કહું તો મને સારી-સારી વાતો કરવા લાગે છે ત્યારે ગુસ્સો આવે છે. થાય છે કે હજુ કરિયરના શરૂઆતના વર્ષોમાં જ મારી સફળતા-ફેલ્યોર નક્કી કરનારા તમે કોણ? તમે પગાર જોઇને માણસોને રીસ્પેક્ટ આપો છો? થું. આખા સમાજને રોગ લાગ્યો છે.

મને ગુસ્સો ત્યારે આવે છે જ્યારે એમાંથી જ કોઈ વડીલ કહે છે: અલ્યા, હવે કમાવા માંડ્યો. હવે લાડવા ક્યારે ખવરાવવા છે? સાલું હૃદય એ ટાઈમે વિચારે છે: હજુ તો લવ પણ નહી થયો, તો લગ્ન કેમ કરવા? કેટલું બાળક જેવું છે મારું હૃદય! સાલાઓ મારા અંગત જીવન વિષે કેમ આટલી ચિંતા કરે છે. મારા બંગાળી દોસ્તો ૨૮-૨૯ વરસે લગ્ન કરે છે. પગ પર ઉભા રહીને. બાપા પાસેથી રૂપિયા ન માંગવા પડે ત્યારે. હું કેમ આટલા જલ્દી લગ્ન કરું?

સાલું લગ્ન તો ઠીક...પણ ગુસ્સો ત્યારે આવે છે જયારે મારી જેવા યુવાનો સમાજના નિયમોને લીધે પ્રેમ કરી નથી શકતા. મારે એન્જીનીરીંગ કોલેજની ઘણી ફ્રેન્ડ છે. એ બધી આજકાલ ઘરે અમારી દોસ્તીની વાતો કહી નથી શકતી. અમે બધા મળીયે ત્યારે અલગ રંગો હોય છે અને ઘરે પણ અલગ! પપ્પાને કહી નથી શકતી- કે હું મારા દોસ્તને મળવા જાઉં છું. ખોટું બોલવું પડે છે. અમે બજાર વચ્ચે હગ નથી કરી શકતા. હગ ના કરી શકે એ દોસ્તી પણ આ વડીલોની જેમ નકામી છે. ગાર્ડનમાં મારા બીજા ફ્રેન્ડ નિરાંતે બેસી નથી શકતા. કહે છે- ત્યાં આવતા પેલા લોકો અમને ધુરે છે! પોલીસ દંડા લે છે. ગુસ્સો ત્યારે આવે છે જયારે- અહી રેપ થઇ જાય છે, ખૂન થઇ જાય છે ત્યારે પોલીસ સમયસર પહોચી નથી શકતી, પણ કિસ થાય ત્યાં દંડો લઈને આવી ગઈ છે. હવે તેમાં તમે સાયકોલોજી ના લાવતા. આ મારો ગુસ્સો છે.

ગુસ્સો ત્યારે આવે છે જયારે કોઈ મને પૂછે છે- કઈ બ્રાંચમાં એડમીશન લઉં? છોકરાના બાપા ફોન કરીને પૂછે છે: શેમાં ભવિષ્યમાં સારું છે? મારું હૃદય એ ટાઈમે ચિંતા કરે છે: સાલું...આ બધાને દિલનો અવાજ સાંભળતા કોણ શીખવશે? ફૂંકી-ફૂંકીને જીવનારા જ અત્યારે મારા ગુસ્સાનું કારણ છે. અરે યાર...ઉડવા દો એને. માળા માંથી બચ્ચું બહાર નીકળે ત્યારે કોઈને પૂછે છે- કેવી રીતે ઉડું? પડશે. છોલાશે. સમજશે. ઉભું થશે. દોડશે. ઉડશે. બસ...

ખરેખર...જયારે લોકો કચરો ફેંકે ત્યારે ચીડ ચડે છે મને. જયારે કોઈ બુક્સ ના વાંચે ત્યારે એવા માણસોની બુદ્ધિની દોસ્તીમાં મારું માથું ભમી જાય છે. જયારે કોઈ બ્રેક-અપ થયેલું કપલ વિચારી-વિચારીને પ્રેમ કરવા લાગે ત્યારે રાડો નાખવાનું મન થાય છે: સાલાઓ...ડરો છો શેના? પ્રેમ તો જીવ્યો હોય તો એક દિવસ મરે પણ ખરો. ફરી પ્રેમ કરો બીજું શું? આ પ્રેમ બાબતે તો મારા ગુસ્સાના હજાર કારણો છે: ગુસ્સો ત્યારે આવે છે જયારે કોઈ કપલ ડેમમાં પડે છે. જયારે ગુજરાતી છાપાઓમાં ‘પ્રેમી-પંખીડા’ શબ્દ લખાય છે. જયારે પેલીને કોઈ ભગાડીને લઇ જાય છે. આતે કઈ રીત છે? મારી વાત સોનાના કાગળ પર લખીલો: ભાગીને કરેલા લગ્ન કે પ્રેમ મર્યા પછી જીવતા નહી જ થાય. જો ત્રેવડ હોય તો બુઢાઓને સમજાવો. બંને જ્ઞાતિને સમજાવો. ‘ટુ-સ્ટેટ્સ’ ની જેમ કરો. લવ નીડ્સ ટાઈમ એન્ડ પેશન્સ. તમે એક મહિનામાં પ્રેમ કર્યો, અને બીજે મહીને લગ્નનું કેમ વિચારો છો? ડોબાઓ...વરસ જવાદો. પ્રેમની કસોટી થવા દો. જો વ્હેમમાં નહી હો તો લગ્ન માત્ર ફોર્માલીટી જ છે. જીવનભર સાથ કેમ નિભાવવો એ ખબર પડી જશે.

મને ગુસ્સો ‘જોણ બાબતે’ વધુ આવે છે. તમે છોકરીનું શોપિંગ કરવા જાઓ છો? નાલાયકની જેમ તમારા ટર્મ્સ એન્ડ કંડીશન કેમ મુકો છો? આજકાલ તો ભણેલા છોકરાઓ પણ પોતાના બાકીના જીવનની પાર્ટનરને દસ-વીસ મિનિટના ઈન્ટરવ્યુંમાં જાણી લે છે! જાણે છોકરીને હાયર કરતા હોય એમ કહે- તારે ઘરે કામ પણ કરવું પડશે! તબલો કામ? એને એમ પૂછો- કે તારો ફ્યુચર પ્લાન શું છે? પેશન શું છે? તારે શું બનવું છે? કેવી જોબ કરવી છે? એને સમજાવો કે દોસ્ત...આપણે એકબીજાને વધુ જાણીએ પછી જ આપણો નિર્ણય વડીલોને કહીએ. એકબીજાને ચોખ્ખી વાતો કરો. છાતી ખોલીને બધું કહો. ઈમ્પ્રેસ કરવાની ટ્રાય ના કરો. એક્સપ્રેસ કરો. આમેય તમે એરેન્જ મેરેજવાળા ક્યારેય પ્રેમ તો કરી નથી શક્યા. જે હતું એ વન સાઈડેડ હતું. પેલીને તો ખબર પણ ન હતી. હવે એરેન્જ મેરેજ જ ભાગ્યમાં છે તો દોસ્ત...તું ચડી ખરીદવા નથી આવ્યો. ચડી સાઈઝ અને કલર જોઇને લઇ લેવાય. છોકરી નહિ. મને ગુસ્સો ત્યાં આવે છે જયારે છોકરીઓ પણ સીતા બની જાય છે.

કેટલી વાતો કહું? સાલાઓ તમે ના ગમતી જોબ કેમ કરો છો? યાર...અંદરનો અવાજ સાંભળોને પ્લીઝ. દુનિયા આંધળી-બહેરી છે એમ સમજીને જ જીવોને પ્લીઝ. કેમ અત્યારે પૈસાને ટાર્ગેટ કરો છો? એકસલેન્સ ચાહો. યુવાનીમાં જીવનનું ફ્યુઝન-ફિશન ના કર્યું તો ૩૦ પછીની ઉંમર પૈસા અને નામ કમાવા જ જશે. પછી એક દિવસ તમે વડીલો બની જશો. મારા જેવો કોઈ યુવાન લખવાની ક્ષમતાને લીધે ખુલ્લેઆમ કહી શકશે. બાકીતો આ મારા શબ્દો નથી. આખી પેઢી અંદરથી બળી રહી છે. મીઠો ગુસ્સો આવે એવી સ્થિતિ છે. વાંચો. વિચારો. પ્રયોગ કરો જીવન સાથે. ખુબ ટુકું જીવન છે. દુનિયાની યાદશક્તિ એથીયે ટૂંકી છે. બસ ત્યારે- સૌને ખુશ કરવા જશો તો જો પેલી કાળી કુતરી દેખાય છે? એવા હાલ થશે. યાદ રાખજો- રૂપિયા ખુબ મહત્વના છે. પણ ખુબ જ નહી. યુવાની તો કેરેક્ટર ઘડવાની ઉંમર છે. એમાં જે ફાવ્યા એ સચિન બને છે, બાકીના શ્રીશાંત બની જાય છે. બધું થશે. નિરાંત રાખો. આપણે યુવાનોએ આ વડીલો કરતા વધુ સુધરવાની જરૂર છે. ક્યારેક તમને પણ કહીશ.

અને યાર...બોલો. બદલાવો સ્થિતિને. આમ સામે તો જુઓ. પેલા વૃક્ષોને કુદરત દર ત્રણ –ચાર મહીને ખંખેરીને પરિવર્તન આપી દે છે. કુદરતને સ્થિરતા ક્યાં ગમે છે. સ્થિર પાણીમાં વાસ આવશે. ભવિષ્યમાં વડીલ બનશો તો કોઈ મારા જેવો કોસે એ પહેલા યુવાનીમાં ભાથું ભરીલો.