યોગેશ પંડયા
એવા રે મળેલાં મનનાં મેળ
કુંડળી આમતો સારી છે. ગુરૂ દેહભૂવનમાં પડયો છે. શુક્ર પણ બળવાન થઈને પરાક્રમ સ્થાનમાં છે પણ સપ્તમ સ્થાનમાં મંગળ પડયો છે એ મારી દ્રષ્ટિએ અનુચિત છે. છોકરાને મંગળદોષ છે. આપણી અમિષાને ય જો શનિ અથવા મંગળ હોત તો કુંડળી મળી જાત. આમાં આપણે આગળ વધવું એ અમિષાને માટે હાનિકારક છે... જયુભાઈ... છતાંય...'' હસુભાઈ ગોર, છોકરાના જન્માક્ષર જયુભાઈના હાથમાં પાછા આપતાં વળી બોલ્યા : ''હું તો ત્યાં સુધી કહું છું કે રાહુ કેતુ સારા. નડે નહીં. પણ મંગળ જરાય નહીં સારો. મંગળવાળા છોકરા સાથે પરણીને તો કેટલીય છોકરીઓ દુઃખી દુઃખી થઈ ગઈ છે એ જોયાના દાખલા મારી નજર સામે છે...''
''પણ છોકરો દેખાવડો છે. અતિ સુંદર છે. આમેય સાત–આઠ હજારનો તો પગાર છે...''
'શું કરે છે?'
'એક ફેકટરીમાં એન્જિનિયર છે.'
'એ સાચી વાત પણ ધારો કે ફેકટરી બંધ થઈ જાય તો–'
'એવું ન બને. હજી તો એ ફેકટરીની બીજી બ્રાંચ ખૂલે છે. ફેકટરીનો માલ અહીંથી ફોરેનમાં એક્ષ્પોર્ટ થાય છે...'
'ધંધો ઈ ધંધો, જયુભાઈ ૧ આપણે આપણી દિકરીને ખાડામાં ન નાંખી દેવાય. ફેકટરી ઈ ફેકટરી૧ સરકારી નોકરી તો નહીં ને? ભલે હું તો કહું છું કે, બે હજારનો પગાર ઓછો હોય પણ નોકરી ઈ નોકરી૧પગારમાંથી તો નથી જાવનાને?
'હા ઈ સાચું...''તો પછી આને જવા દો૧ અમથુંય મારૂં મન માનતું નથી. તમને મારી ઉપર તો વિશ્વાસ છે ને?'
'અરે, ગળા સુધી...'
'તો બસ આપણી દિકરીના નસીબ કયાં ખુટી ગયા છે. કાલ સવારે બીજું મળી રહેશે...'
અને જયુભાઈ ગયા. અમિષા રાહ જોઈને બેઠી હતી. પરંતુ પપ્પાના નિર્ણયથી તેને પોતાનો હૈયાનો નિર્ણય પણ ફેરવી નાખવો પડયા. નહિતર અમિત તો છેક હૈયાના તળ સુધી ઉંડે ઉતરી ગયો હતો : એના ઝુલ્ફાદાર વાંકડિયા વાળ, બદામી આંખો, આછી આછી દાઢી અને ઓફીસર જેવું વ્યકિતત્વ પોતાને એક જ નજરમાં ગમી ગયો હતો છતાં, હૈયા ઉપર પત્થર મુકીને એને ના કહી દેવાની હતી. કારણ, પપ્પાના કહેવા પ્રમાણે જન્માક્ષર મળતા નહોતા. પણ પપ્પાએ આશ્વાસન આપતાં કહયું હતું કે, 'બેટા તું ચિંતા ન કરતી કાલ સવારે એનાથીય વધુ સારૂં માગું આવશે...'
અને વાત સાચી પડી. ગયા ડીસેમ્બરમાં ફઈબાની દિકરી પૂજાના લગ્નપ્રસંગે ગયેલાં ત્યારે જાનમાં આવેલા એક છોકરાની મમ્મીની નજરમાં અમીષા ચડી ગયેલી. શોધખોળ કરતાં કરતાં એ આવી પહોંચ્યા.
અમિષા અને કેતૂરની મૂલાકાત ગોઠવાઈ. છોકરો એક સરકારી કચેરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. સાડા પાંચ જેવું મળતું હતું પણ જયુભાઈ જાણી લીધું હતું કે એના સિવાય પણ છોકરાને સાઈડ ઈન્કમ રહેતી હતી૧ કારણ કે મા દિકરો બંને પોતાની મારૂતિકાર લઈને અમિષાને જોવા આવ્યા હતા.
અમિષા અને કેતૂરે એકબીજાને જોઈ લીધા.
નિર્ણય વડીલો ઉપર છોડવાનો હતો.
'બોલો આપનો શું વિચાર છે?' છોકરાની મમ્મીએ જયુભાઈ અને શારદા બહેનને પૂછયું.
'છોકરા–છોકરી એકબીજાને પસંદ હોય તો અમને કયાં વાંધો છે?'
'તમે પૂછી જુઓને, અમને તો બધું બોલાવીને પૂછી લીધું હતું. જો કે અમિષાએ 'ઠીક છે... ગમે છે'' કહી મૂક સંમતિ આપી દીધી હતી. શારદા બહેને એ વાત છાની રીતે જયુભાઈને પહોંચાડી દીધી હતી. છોકરાના મમ્ભમીના તરતોતરતના નિર્ણયથી જયુભાઈ થોડા મુંઝાઈ તો ગયા પણ એણે તોડ કાઢતાં કહયું : ''પણ અમે જરા ઘર બર જોવા માટે આવીએ તો ?''
'અરે, આવો આવો ખુશીથી આવો. કયારે આવો છો, બોલો.'
'બે–ત્રણ દિવસ પછી આવી જઈશું.'
'આજે ગુરૂવાર છે. કાલે મારે એક પ્રસંગમાં જવાનું છે. તમે શનિવારે અથવા રવિવારે આવી જ જાવ..' કહી, એણે કેતૂરને સરનામું અને ફોન નંબર આપી દેવા જણાવ્યું. કેતૂરે સરનામુ – ફોન નંબરની વિગતો આપતા જણાવ્યું : 'તમે ફોન કરીને આવજો...'
'હા અમે રવિવારે આવીશું. પણ તમે એક કામ કરોને, આવતી કાલે તમારા જન્માક્ષર મોકલી શકો?'
'ઓહ યસ... કાલે મોકલી આપીએ...'
'તો અમે જરા મેળવી લેશું. આ તો જરા...'
'કોઈ વાંધો નહીં વડીલ૧ જન્માક્ષર તૈયાર જ છે. આજે જ આંગડીયામાં મોકલી આપશું. કાલે મળી જશે...' કહી મા દિકરો ગયા.
શુક્રવારે સવારે અંયડીયામાં જન્માક્ષર મળી ગયા. પણ જન્માક્ષર જોઈને હસુગોર અડધા ઉભા થઈ ગયા : 'ભારે કરી, જયુભાઈ...'
'કાં કેમ છે?'
'બધું સારૂં છે. સૂર્ય ઉચ્ચનો છે પણ રાહુથી દ્રષ્ટ છે. એટલે સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ થવાના સોએ સો ટકા ચાન્સીસ છે. હું તો ત્યાં સુધી કહું છું કે , ડીસમીસ પણ થાય...'
'ઓહ, તો હવે–'
'આપણે દિકરીને કુવામાં ન નખાય...'
'પણ અમને બધાને ગમ્યું છે. આમ પણ સારૂં છે. નણંદ, દિયર કોઈ છે નહી. છોકરો એકલો છે. એ અને એની મમ્મી... અમે છાની રીતે તપાસ કરાવી હતી ઘરના ઘર છે...'
'એ બધી વાત સાચી પણ આ ભગો છે એનું શું કરવું?'
'કાંઈ થાય નહીં.'
'ના.'
'તો?'
'જવા દો–બીજું આનાથી સારૂ મળી રહેશે...'
કેતૂર પણ હાથથી ગયો.
મહીના દોઢ મહીના પછી છેક મુંબઈથી માગું આવ્યું. છોકરો એક જાણીતા પ્રતિષ્ઠિત સાપ્તાહિકમાં હતો. પત્રકાર હતો. અને ઉગતી પત્રકાર પેઢીમાં તેનું નામ હતું. છોકરાએ પોતાનો ફોટોગ્રાફસ, જરૂરી વિગતો અને જન્માક્ષર પણ મોકલ્યા હતા. જયુભાઈના બન.વી દવારા આ પ્રસીઝર થઈ હતી. તે દિવસે સાંજે, જયુભાઈ જન્માક્ષર લઈને હસભાઈ પાસે બતાવવા લઈ જતા હતા ત્યાં શારદા બહેને કહયું : 'જન્માક્ષર જો ન ો મળે એવું હોય તો કાંઈક જપ–તપ–વિધિ કરવાની થતી હોય તો કરાવી નાખજો. હવે તો આપણી દીકરી ચેરાઈ ગઈ છે....'
'હા..હા... હું પુછી લઈશ...' કહી જયુભાઈ ગયા. હસુભાઈએ જન્માક્ષર જોયા ગણતરીઓ મુકી અને વેઢા ગણ્યા. પળ–બે પળ, પાંચ પળ કુંડળી સામે જો રહયા અને લમણે હાથ મૂકયો.
જયુભાઈ ધીરજ ન ધરી શકયા અને બોલી ઉઠયા : 'કેમ લાગે છે?'
'કાળસર્પ દોષ છે. પિતૃદોષ પણ છે. પરાક્રમ સ્થાનમાં શુક્ર સાથે કેતુ પડયો છે ને બુધ સાથે રાહુ પડયો છે. કેતુ જેની સાથે હોય એવા કામમાં સાથ આપે. તમે જાણો છો કે શુક્ર વાણી વિલાસ, વૈભવ અને પોૈરૂષત્વકારક ગ્રહ છે. પણ કેતુ સાથે છે. છોકરો, આડી લાઈનનો હોય.'
'ઓહ...'
'હજી આગળ કહું છું તમને.'
'કહો...'
'બુધ અભિવ્યકિતનોકારક છે પણ સાથે રાહુ છે. રાહુ તુંડ મિજાજી છે. છોકરો પત્રકાર છે. પત્રકારનો સાચો ધર્મ છે, શાસકોની નબળાઈ પ્રત્યે લાલબતી ધરવી, વહીવટકર્તાઓના વહીવટમાં જે કચાશ છે તેને લોકો આગળ પેશ કરવી અને જે કંઈ ઘટના ઘટતી હોય એનું સત્ય બયાન રજુ કરવું૧ પણ આ જાતકની કુંડળીમાં બુધ સાથે રાહુ પડયો છે એ કંઈક નવીન કરાવી નાખે. કૈંક એવા અણધાર્યા નિવેદન કરાવે જેને લીધે પાછળથી કેટલાય દૂરગામી નેગેટીવ પરિણામો આવે. અને આમેય કુંડળીમાં કાળસર્પ દોષ છે એટલે આર્થિક રીતે એ કયારેય ઉંચો ન આવે. આપણે આપણી દિકરીને હાથે કરીને શું કામ દુઃખી કરવી જોઈએ.'
જયુભાઈ નિરાશ થઈ ઘેર આવ્યા ત્યારે શારદાબેન ઘરે નહોતા. અમિષા બારણું બંધ કરીને છોકરાનો ફોટો ચોરીછૂપીથી જોઈ રહી હતી. છોકરો ભલે પત્રકાર હતો સિધ્ધાંતવાદી હશે એમ અમિષાએ ધાર્યું હતું પણ એની નિર્દોષ આંખો જોતાં એમ પણ લાગ્યું કે એ પોતાને જરૂર સાચવી શકશે. એવી શ્રધ્ધા હતી. પણ જયુભાઈએ ઘરે વાત કરી કે, છોકરો આઉટ લાઈનનો છે. ત્યારે તેને જયુભાઈ ઉપર તો ઠીક પણ હસુભાઈ ગોર ઉપરતો પૂરેપૂરી રીસ ચડી ગઈ હતી. તેને થયું કે પોતાની જીંદગીનો નિર્ણય કરનાર પોતે નથી., મમ્મી પપ્પા પણ નથી પણ હસુભાઈ છે. અને હવે એ હસુભાઈના નિર્ણય ઉપર પોતાની જીંદગી મઝધાર વચ્ચોવચ્ચ ઝોલા ખાતી હતી.
દિવસો પ્રવાહી બની પસાર થતાં રહયા. બે અઢી વરસ નીકળી ગયાં. ત્રીસીને આંગણે પહોંચેલી અમિષાના ચહેરા ઉપર ઉતરતી જતી જુવાનીએ થોડી ઝાંખપ લાવી દીધી હતી.એ સમય દરમિયાન બીજા ત્રણ ચાર છોકરા જોવા આવી ગયા હતા. પણ આ બધાની સરખામણી સોૈથી પહેલાં આવેલા છોકરા અમિત સાથે થઈ જતી હતી. છેલ્લે જે બે ત્રણ છોકરાઓ જોવા આવ્યા હતા એતો પોતાને જ નહોતા ગમ્યા એટલે એના જન્માક્ષર હસુભાઈ પાસે બતાવવા જવાની પોતે જ, પપ્પાને ના પાડી દીધી હતી.
એવામાં ચોમાસુ આવ્યું. વરસાદ ધોધમાર તુટી પડયો. હમણાં અમિષા ભરતગૂંથણના ડિપ્લોમા કોર્ષમાં જોડાઈ હતી.એક દિવસ સાંજે કલાસમાંથી છુટી નવરંગપુરા બસ સ્ટોપ પર ઉભી હતી. વરસાદ ધોધમાર ચાલુ હતો. એ બસની રાહ જોઈ રહી હતી કે એક કાર તેની પાસે આવીને અટકી ગઈ. કાચ નીચે ઉતારી અને બારણુ ખુલ્યું. તેણે જોયું તો એ અમિત હતો. અમિતે હસીને કહયુ : ''ચાલો ઘેર મૂકી જાઉ એ બાજુ જ જાઉં છું...'' એ અવશપણે ખેંચાઈને આગળની સીટ ઉપર જ બેસી ગઈ... કાર ચાલુ થઈ. કેસેટ પ્લેયર ઉપર કોઈ વરસાદી ગીત વાગતું હતું. કાર ધીરે ધીરે જઈ રહી હતી૧
'શું કરો છો?' અમિતે હસીને કહયું. 'બસ એમજ ૧' તે માંડ બોલી શકી : ભરતગૂંથણ ડીપ્લોમા કરૂં છુ....'
'લગ્ન નથી કર્યા?'
'ના.'
'તો પછી ?'
'બે ચાર માગા આવ્યા. જન્માક્ષર ન મળ્યાં?'
'તમે જયોતિષમાં માનો છો ?'
'ના. પણ મમ્મી પપ્પા...'
'તમને હું પસંદ હતો ને ?'
અીમષાએ નજર નીચે ઢાળી દીધીઃ 'હા...'
'તો પછી શું કામ ના પાડી એ કહેશો ?'
'જન્માક્ષર'
'જન્માક્ષરને મૂકો એક તરફ૧ ખરેખર તો મનના મેળ થવા જરૂરી છે. જન્માક્ષર મળે પણ મન ન મળે એ શું કામનું ?ગ્રહે ગ્રહને મેળવવા કરતાં તમારા વડીલોએ આપણા એકબીજાના હૃદયે હદયને મેળવી જોયું હોતતો આપણે આંગણે એકાદ ફુલડું પણ ખીલી ગયું હોત...' અમિતે કહી દીધું : 'મને ખબર હતી કે હું તમોને પસંદ હતો. તમે પણ મને એટલાં જ પસંદ...' કહી અટકયો અને પછી કહી નાંખ્યું : 'હજીય તમારી ઈચ્છા હોય તો તૈયાર જ છું... ચાલો, ગાડી તમારા ઘરે લઈ લઉ...'
અમિષા ઘડીભર કશુ બોલી ન શકી અને પછી કહી નાખ્યું : 'ગાડી કયાંય લેવી નથી સીધા કોર્ટે જ લઈ લ્યો. હું આ પહેર્યે કપડે તમારી સાથે આવવા તૈયાર છું...' અમિત હસી પડયો. ગાડીને ટર્ન આપ્યો. ગાડી ઘર તરફ જવાના બદલે કોર્ટ તરફ દોડવા લાગી...૧૧૧