યોગેશ પંડયા
સુધા
મારી જીંદગીમાં ચાર ભીંતો વચ્ચે રહી મૂરઝાઈ જવાનું,
લખ્યુ છે કયાં હવાની જેમ ખુલ્લે આમ લહેરાઈ જવાનું ? '
ટ્રેન ધીમી પડી.
માંડવગઢ આવી ગયુ હતુ
સુધાએ નીચે ઉતરવા માટે તૈયારી કરી.
સતત પાંચ કલાકની મુસાફરીએ તે થોડી થાકી પણ ગઈ હતી.
બેગ હાથમાં લઈ લીધી. પર્સ ખભે ભરાવી લીધુ. એણે બારીમાંથી જોયુંઃ ઉંચા ઉંચા ડુંગરો, ડુંગર ઉપર પથરાયેલા હારબંધ વૃક્ષો, ડુંગર ઉપર દેખાતા એક–બે મંદિરો, ફરકતી ધજાઓ, ડુંગર ઉપરથી નીચે આવતી પગદંડીઓ–
આથમતા સૂર્યપ્રકાશમાં સઘળુ સુંદર દેખાતુ હતુ ૧ અદભૂત હતુ ૧ આ રમણીય પરિસરને જોવામાં તલ્લીન થઈ ગઈ હતી. ત્યાં જ હળવા ધકકા સાથે ટ્રેન ઉભી રહી... માંડવગઢની રમણીય સૃષ્ટિમાંથી સુધા બહાર ખેંચાઈ... તે ઉભી થઈ. સામે પાંચ પાંચ કલાકથી બેઠેલ એક યુવતી કુ.નતાશા ગુપ્તા સાથે ઠીક ઠીક પરિચય થયો હતો. રસ્તો ખૂટી ગયો હતો વાતો વતાોમાં૧ અને દોસ્તીની નૂતન કૂંપળ પણ ફૂટી હતી.
સુધા 'થેન્કયુ વેરી મચ ગુડ બાય નતાશા' કહી સ્મિત કરીને નીચે ઉતરી ગઈ. ટ્રેન ઉપડી. પાંચ પંદર રડયા ખડયા મુસાફરો જ ઉતર્યા હોય એવુ લાગ્યું.
સ્ટેશનની બહાર ટાંગાવાળા ઉભા હતા–
'ચલીયે બહનજી, કહાં લે ચલુ' વોટરપાર્કસ, ઝૂ, કોઈ હોટેલ યા ફિર સરકીટ હાઉસ ? '
' નહીં આપકા શુક્રિયા–' કહેતી સુધાએ આમતેમ જોયું.
– આમ તો નંદિની સાથે વાણુીત થઈ ગઈ હતી. નંદિનીએ પત્રમાં લખેલુ હતુઃ હું ગાડી મોકલીશ. શોફર સ્ટેશને લેવા આવશે.'
સુધાએ આમતેમ જોયુ – એક ટાટાસુમો કાર ઉભી હતી. નેમ પ્લેટ પર 'સ્ટેટ સિમ્બોલ' પણ હતુ. – સુધા ઓળખી ગઈ. નંદિનીના પત્રો આવતા તે કાગળ ઉપર પણ આવુ જ સિમ્બોલ છપાયેલુ આવતુ. તે એ તરફ ગઈ. એક આધડ લાગતો માણસ ત્યાં ઉભો હતો.
'આપ હમારે પેલેસ કે મહેમાન' એ આગળ આવીને ઝૂકીને બોલ્યો : ' સુધા બહેનજી ? '
' હા . '
' બા સાહિબાને બતાયા થા. આપકો લેને કે લિયે હી આયા હું. 'આઈયે' કહી એણે વચલો દરવાજો ખોલ્યો. સુધા ગાડીમાં બેસી ગઈ. માંડવગઢ, રેલ્વે સ્ટેશનથી ત્રણેક માઈલ દૂર હતુ... અલબત, પંદર વીસ મીનીટમાં તેઓ પેલેસના દરવાજે પહોંચી ગયા...
– દરવાજે બે ગાર્ડ ઉભા હતા. ગાડી આવી કે તેઓ ઉભા થઈ ગયા. ગાડી આગળ ચાલી. દસ મીનીટમાં તેઓ પેલેસના અંદરના દરવાજે આવી ઉભા. ગાડી ઉભી રહી.
' આઈયે બહેનજી... ' ડ્રાયવરે નીચે ઉતરીને દરવાજો ખોલ્યો. સુધા નીચે ઉતરી. ગેઈટ ઉપર બે સંત્રી ભરી બંદુકે ઉભા હતા.
સુધાને આશ્ચર્ય લાગતુ હતુ. આટલી બધી કડક સુરક્ષા વ્યવસ્થા ? ૧ નંદિની ખરેખર અઢળક સુખના દરિયામાં મ્હાલતી હતી. કયાં એ નંદિની અને કયાં અત્યારનું વાતાવરણ–
– સુધા ભૂતકાળમાં ડૂબી ગઈ.
રાજગઢની વસ્તી ઠીક ઠીક કહી શકાય એવી હતી. પોલિટીકલ એજન્સી વખતે રાજગઢનો ગિરાસ હતો. નંદિનીના દાદાની ખુરશી ગોરા અમલદાર સાથે જ પડતી. અને એ વખતે નંદિનીના દાદાની જાહોજલાલી હતી. પણ એના દાદાનું અવસાન થયું. અને એ જ વેળા દેશમાં સ્વરાજ આવ્યું. નંદિનીના પિતાજીના મોટાભાઈ મોટાબાપુ પહેલેથી તો... અમસ્તાય દાદાના કહયામાં નહોતા. એમાં દાદા બાપુનું અવસાન થયું. પછી તો... કંઈ કહેવાનુ બાકી ન રહયું. બાપદાદાની જમીન વેચી મારી. આડા ધંધા, અવળી ભાઈબંધી પૈસો ખવાતો ગયો, ખોવાતો ગયો. મિલકત લૂંટાતી રહી, વેચાતી રહી....૧ અને આ બધુ જ હારી બેઠા. મુંબઈના વેપારીઓએ એ ગઢ વેચાતો લઈ લીધો. નંદિનીના પિતાજીને બહાર નીકળી જવુ પડયુ. એક વખત જયાં નોકરો ચાકરોની હા જી હા સંભળાતી, ગોરા અમલદારોની મોટરગાડીઓની ધમધમાટ હતી, આટલા પંથકની રૈયતની હરફર હતી એ ગઢ સૂનો તો પડી ગયો પણ એ પાડીને વેપારીઓએ ગોડાઉન કરી નાખ્યુ. છેવાડાના ઘરનું મકાન ભાડે રાખી, સૂર્યદેવસિંહે હાથબાવડા ઉપર રહી સહી પાંચ વિઘા જમીનની કટકો ઉપર ખેતી કરી. નંદિની, યુવરાજ અને વિરેન્દ્ર ત્રણ સંતાનોને સંસ્કારનું ભાથુ આપ્યુ. પણ સતત અભાવોમાં ઉછરતુ જીવન ગરીબીમાં ગુજરતી જીંદગી–
છતા પણ નંદિનીને તેનુ લેશ પણ દુઃખ ન હતુ. એ અજીબ છોકરી હતી. અલ્લડ હતી. બોલ્ડ હતી. બોલકણી હતી. અને વિશેષ તો નખરાળી હતી....
જે સમાજમાં કુંવારી ઉંમરની છોકરીઓને 'રજવાડી શિસ્ત' માં રહેવાનું હોય એ શિસ્તના બુરખાને તો નંદિનીએ કયાંય ફગવી દીધો હતો. એ હસતી કૂદતી, નાચતી, ગાતી કોયલ હતી.
'વાની મારી કોયલ–' સુધા એને કહેતી : 'જેવા લગત થયા કે ઘરચોળામાં સંતાઈને ઓઝલના ઓરડે પૂરાઈ જવાનું છે તારે૧ આ બધી છોકરમત સોંસરી નીકળવાની છે તારી. પછી બધી ખુશી યાદ આવશે. એના કરતા થોડી ગંભીર બનતા શીખ. જીંદગીની વાસ્તવિકતા સમજ. પેલો તને પૂરીને મર્યાદાનું તાળુ મારી દેશે ત્યારે આ બધી ખુશીઓ લૂંટાઈ જશે–'
' હું એવા વરતે પસંદ નહીં કરૂ સુધા, મારે માન મરતબો પૈસા પાર્ટી મિલકત ફિલકત સોના ચાંદીની ખેવના નથી. એ બધુ અમારેય હતુ. પણ એ તો બધુ તો હાથના મેલ જેવું. જેવુ જળમાં બોળો કે ઓગળીને ચાલ્યુ જાય–'
' ઓહો ૧ તો તુ કેવા વરને પસંદ કરીશ ? '
' જેની પાસે પૈસો ભલે ન હોય, પ્રેમ હોય ૧ ગરીબી ભલે હોય પણ ગંભીરતા ન હોય. સમૃધ્ધિ ભલે ન હોય, પણ એની આંખમાં સુખના સપના હોય. એ ભલે બે ટંક ખાલી બાજરાના રોટલા ને છાશ ખવરાવે એવો હોય પણ મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી થાય એવો હોય.... હું એવા છોકરાને પસંદ કરીશ.'
– પરંતુ ' માંડવગઢ સ્ટેટ ' ના રાજકુંવરનું માંગુ આવ્યુને સૂર્યદેવસિંહે તરતો તરત વધાવી લીધ. ઈન્દ્રવિજયસિંહ માત્ર એકવાર રાજગઢ આવેલો પણ શું સાયબી હતી ? ગામમાં મોટરગાડીઓની લંગાર લાગી ગયેલી. નંદિની અને ઈન્દ્રવિજય માત્ર બે પાંચ મીનીટ મળ્યા ન મળ્યાને નંદિનીના હાથમાં શ્રીફળ રૂપિયોને માથે એના નામની ચૂંદડી ઓઢાઈ ગઈ ૧
કોલેજ કરતી વખતની બહેનપણીઓ તો ઈન્દ્રવિજયનો રૂઆબ જોઈને ઠરી જ ગયેલી. માંડવગઢ સ્ટેટ હતુ ૧ રજવાડુ હતું... બસ ૧ ત્રણ મહિનામાં તો નંદિની પાનેતર ઓઢીને માંઢવગઢની મહારાણીય બની ગઈ–
– આઠ આઠ વરસોના વહાણા વાઈ ગયા.
પહુલા પત્રો આવતા પછી તો, સુધાના ય મેરેજ થઈ ગયા. પત્રો લખાતા બંધ થયાને પછી આવતાય બંધ થયા...
– આજે આઠ વરસે ... સુધાના પતિનું પોસ્ટીંગ ઈન્દોર થયુ હતુ અને સુધા આજે ઈન્દોર જઈ રહી હતી. વચ્ચે માંડવગઢ આવતુ હતુ. સુધાએ પત્રમાં લખ્યુ. સામે છેડેથી જવાબેય આવ્યો અને આજે – ' તેની વિચારધારા તુટી. 'આઈયે બહેનજી...' બે સ્ત્રીઓ બહાર આવી. સુધાએ કહયુઃ મુજે નંદિની'
'આઈયે–' તે સ્ત્રીઓ તેને હોલમાં લઈ ગઈ. સુધાને બેસાડી. સુધાએ દિવાલ પર નજર માંડી. જૂના તૈલચિત્રો, રાજવીઓની મઢેલી તસ્વીરો, ઢાલ, તલવાર, હરણના શિંગ... પ્રાણીઓના મહોરા, બિંબ, ચાકળા, તોરણ... મઢાયેલુ ટીંગાયેલુ હતુ. સુધા બધુ જોતી રહી. સામેના ખંડના બારણા ખૂલ્યા. સુધાએ ખૂલેલા બારણા તરફ જોયુ – ત્યાં એક બીજો મોટો ખંડ હતો. ત્યાંથી એક સ્ત્રી આવી તે યુવાન હતી. આવીને મીઠા અવાજે કહયુઃ ' બા સાહેબ અભી અભી આ રહે હૈ. લો પાની–'
તાસકમાં ચાંદીના પ્યાલામાં પાણી ભર્યુ હતુ. સુધાએ તે પીધું. પ્યાલો પાછો આપ્યો કે તે સ્ત્રી ટહુકી : 'આઈયે યહાં આ જાઈએ–'
સુધા ઉભી થઈ અને અંદરના ખંડમાં ગઈ. ત્યાં તેને બેસાડવામાં આવી. અહીંનો દેખાવ ભિન્ન હતો. મોટા મોટા ચાર દર્પણ હતા. સ્ત્રીઓના ચિત્રો હતા. કુદરતી દ્રષ્યો હતા. કાળા સિસમની લાકડાની ફ્રેમમાં મઢીને આ બધા ચિત્રો દોર્યા હતા૧ એ સ્ત્રી ચાલી ગઈ. શૂન્યાવકાશ સર્જાયો. સુધાને થયુ કે બાસાહેબ કયારે આવશે ? ૧
બરાબર વીસ મીનીટ પછી હવાની એક લ્હેરખી સુગંધોની પીંછી ફેરવી ગઈ. ઝાંઝરના આછા ઝણકાર સંભળાયા. સુધાએ વિહવળ થઈને જોયુ. તો, એક રાજકારણીના પોશાકમાં, ઠાઠમાં નંદિની આવી. એક મંદ સ્મિત કરીને 'નમસ્તે' બે હાથ જોડીને પછી સામે બેઠી સુધા તેને તાકી જ રહી. તેને તો હતુ કે નંદિની હમણા જ તેની પહેલાની ટેવ મુજબ દોડી આવીને એક–બે થપાટ મારી લેશે, ચીટીયા ભરી જશે. અને પછી બાથ ભરી જતી બોલશેઃ ' આ આઠ વરસે તને નંદુડી યાદ આવી ? અત્યાર લગી કયાં મૂઈ'તી ? ' પણ તેને બદલે –
' પાણી પીધુ ? ' એણે હળવે અવાજે પૂછયુ.
'હા. ' સુધાએ એકાક્ષરી જવાબ વાળ્યો.
'પત્ર મળી ગયો હતો ? '
' હા. એટલે જ અહીં સુધી આવી શકાયુ ૧ ' સુધા 'અહીં સુધી' ભાર દઈને બોલી. હસી : મારા હસબન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે. ગુજરાતમાંથી અહીં ઈન્દોર પોસ્ટીંગ થયુ છેુ. મારે જવાનુ થયુ. તયુ કે લાવ, નંદિનીને મળતી જાઉ...'
'સારૂ કર્યુ તમે આવ્યા...' નંદિનીએ મંદ સ્મિત કર્યુ. અને અડખે પડખે ખડે પગે ઉભેલી દાસીઓને આંખથી ઈશારો કર્યો. દાસીઓ બહાર જતી રહી.
'સુધાએ પૂછયુ : 'સોરી, મે આપને તુ કહીને બોલાવ્યા.'
' વાંધો નહીં. ડોન્ટ માઈન્ડ... આખરે તો એ જૂની ટેવ એમ કેમ જાય ? ' નંદિની હસી : વેલ તબિયત કેમ છે ? બાળ બચ્ચા ? '
'તબિયત સારી છે. એક બેબી છે એક બાબો છે. હાલમાં તો આ એના પપ્પાની બદલી થઈ છે એટલે મારા સાસુ સસરા ભેગા રહે છે. વેલ, આપને–'
'એક દિકરો છે'
'કયાં છે ?' સુધાની ઉત્સુકતા ખવધી પડી : ' મારે જોવો છે આપના '
' સોરી. એ અત્યારે નહીં મળી શકે. એ પ્લેહાઉસમાં હોય છે. '
' તો એના ડેડી ? ઈન્દ્રવિજયસિંહ'
' અહીં સ્ત્રીઓએ પુરૂષોને મળવાનો રિવાજ નથી.'
'સોરી.૧ સુધા અટકી ગઈ. કે નંદિનીએ પૂછયુ : 'શું લેશો ? ચા–કોફી શરબત ? '
' ચા ચાલશે.' સુધાએ કહયુ : 'તકલીફ–'
'ના ના એવી કોઈ વાત નથી' નંદિની હસી : 'તમારા માટે ચા બનાવવી એ તકલીફ કહેવાય ? ' તેણે બેલની સ્વિચ દબાવી. દાસી આવી. નંદિનીએ ચા લાવવાનો હુકમ કર્યો. દાસી ગઈ. નંદિનીએ કહયુ : 'કેમ ચાલે છે ?' 'એકદમ સરસ...' સુધાએ કહયુ : ' સારો પતિ મળ્યો છે. બે સંતાનો છે. ઘરનું ઘર છે. એક સ્કૂટર વસાવ્યુ છે. બે ટાઈમનો રોટલો ભગવાન આપી રહે છે. આમ સુખી છીએ પણ તમારી, જેટલા નહીં – '
' એ સારૂ છે.' નંદિની અચાનક ઉભી થઈ બારણા બંધ કર્યાને સુધાને આવીને બેસી પડી. :
' ઉંડો શ્વાસ લઈને બોલી : ' તુ સુખ કોને કહે છે સુધા ? આ ને સુખ કહે છે ? આ રજવાડી ઠાઠ, સંપતિ, મોટરકારના ઢગલા, નોકર, ચાકર આ સાયબી... આને તુ સુખ સમજે છે ? ના, સુધા આ અસલી સુખ નથી. નકલી છે. જેમ ચળકાટ ઝાંખો થાય એમ દિવસે દિવસે આ સાયબી ય ઝાંખી થઈ જાય છે. તને તો ખબર છે કે મારે આ સુખ જોઈતુ નહોતુ. મારે આની ઝંખના નહોતી. સુધુ, મારે આ ચાર દિવાલોમાં ચણાઈ જવુ નહોતું–'
' તો પછી તે તારા પિતાજીએ હા કેમ પાડી ?
રાજવી કુટુંબમાં દિકરીને પૂછવામાં નથી આવતુ સુધા. એ તો પારેવડી છે. એને એક પગે અને એક પાંખે દોરો બાંધી દેવામાં આવે છે. એ ન તો ચાલી શકે, ન તો ઉડી શકે – '
' તો પછી તારો સંસાર ... તારા શમણા–'
' એ વહે છે બસ આમ જ –' કહેતા તેની આંખોમાં એક–બે અશ્રુ બિંદુ બહાર ટપકી પડયા. સુધાએ ' અરે ગાંડી...' કહી પોતાના રૂમાલથી એ આંસુને લૂછી નાખતા કહયુ : ' તમે બહુ ઢીલા પડી ગયા નંદિનીબા–'
' શું કામ મારી મશ્કરી કરે છે સુધા ? બસ એકવાર નંદુ કહીને બોલાવ–'
'માત્ર નંદુ નહીં, મારી નંદુ બસ ?' એમ કહીને સુધાએ તેને હળવા આશ્લેષમાં લઈ લીધી.
સુધા કલાક જેવુ બેઠી.
' હું સાડા આઠની ટ્રેનમાં ઈન્દોર પહોંચવા માંગુ છુ.' સુધાએ. કહયુ.
'આજ રોકાઈ જાને–'
'રોકાઈ જાવ. પણ આજની રાત તુ મને આપી શકીશ.' એ નંદુ અને સુધુ આજની રાત પહેલાની જેમ એક જ પલંગમાં સૂઈ સુખ દુઃખની વાતો કરી શકશે.'
'સોરી૧ સુધા મારી જીંદગીની તમામ રાતો મે કોઈને નામે ગીરવી મૂકી દીધી છે.'
' તો બસ. હવે એક મારી વાત સાંભળ. તુ મારી સાથે અત્યારે ઈન્દોર ચાલી શકીશ ? '
' એ બદલ પણ સોરી૧ હું આ ઓઝલની અણિયાળી વાડ વીંધીને કયારેય નહીં નીકળી શકું. પણ એટલી ખાતરી આપુ છુ કે તને મન થાય ત્યારે નિઃસંકોચ આવતી રહેજે. તારી નંદુ હંમેશા તારો ઈન્તઝાર કરતી રહેશે...'
સુધા તેને થપથપાવીને ઉભી થઈ. નંદિની તેને મુખ્ય ખંડ સુધી મૂકવા આવી. અચાનક પીંજરમાં રહેલી મેના ટહુકી ઉઠી. સુધા એ સોનાના પીંજરને તાકી રહી. મેનાની જગ્યાએ તેને તો બસ...... નંદિની જ દેખાતી હતી૧૧૧૧