ગપ્પાં (Gappan) (પ્રકરણ-09) Anil Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગપ્પાં (Gappan) (પ્રકરણ-09)

પ્રકરણ : ૯

‘વર્ષો પહેલાંની વાત છે. ત્યારે સમગ્ર પૃથ્વી પર માત્ર અંધારું જ હતું. અજવાળું કોઈએ જોયું સુધ્ધાં નહોતું. જોવાની વાત તો દૂર પણ અજવાળું કે પ્રકાશ એટલે શું તે પણ કોઈને ખબર નહોતી ! જોકે ‘અજવાળું’ કે ‘પ્રકાશ’ એવા શબ્દો જ એ વખતે અસ્તિત્વમાં નહોતા ! બધા અંધારામાં જીવવાથી ટેવાયેલા હતા. નવાઈની વાત તો એ છે કે તે વખતે પણ માનવજાતિની શરૂઆત થઈ ગઈ હતી, બોલો !’

કલ્પો કેવું ગપ્પું મારવા જઈ રહ્યો છે તેની પર તરંગ બરાબરની મીટ માંડીને બેઠો હતો.

‘હા હા સાચી વાત છે. પહેલાં તો લાઇટ આવી જ નહોતી ને... બધે અંધારું જ હતું.’ શૌર્યએ કલ્પેનને ટેકો આપતા કહ્યું.

“અરે ખાલી લાઇટ નહીં, હું તો સૂરજ અને ચંદ્ર પણ નહોતા એ સમયની વાત કરું છું શૌર્ય !”

ભોંદુએ ફરી પેટ ખંજવાળ્યું. આ બંને શું કરવા બેઠા છે તે તેને સમજાતું નહોતું.

“ સૂરજ અને ચંદ્ર એ બધું તો છેક માનવજાતિનો ઉદભવ થયો તેનીય પહેલાંથી છે, અને સૂરજ-ચંદ્ર નહોતા ત્યારે ધરતી પણ નહોતી. માનવજાતિની તો વાત ક્યાંથી આવે? સાલો આ બી હથોડાછાપ છે. ક્યાં ક્યાંથી વાતો લાવીને ક્યાં ક્યાં જોડે છે.” તરંગ વિચારમાં પડ્યો હતો. કશું બોલવાને બદલે ‘અચ્છા એમ વાત છે !’ એવું કહીને વિચારવા લાગ્યો કે જોઈએ આ કલ્પો શું ગપ્પું મારે છે.

“અચ્છા તો સૂરજ અને ચંદ્ર પણ નહોતા ત્યારથી આપણી ધરતી અસ્તિત્વ ધરાવે છે એમ ને ? સરસ... સરસ... પછી આગળ ?’ આયુએ વાત આગળ વધારવા કહ્યું.

તે વખતે મારા દાદાના દાદાના દાદાના દાદાના દાદા... એમ લગભગ અમારી હજાઆઆઆરો પેઢીઓ પહેલાંની પેઢી અસ્તિત્વ ધરાવતી હતી.

‘અંહં... હજારો પેઢી પહેલાંની વાઆઆઆઆઆત !’ બોલીને જિગાએ ‘વા’ શબ્દને લંબાવીને બે હાથ એ રીતે હવામાં પહોળાં કર્યા કે બધા હસી પડ્યા. “બહુ સરસ, બહુ સરસ, તારી હજારો પેઢીઓનો તને ખ્યાલ છે એ કેટલી આનંદની વાત છે.” બોલતા બોલતા આયુ જોર જોરથી હસવા લાગ્યો.

“જુઓ ભાઈ, આપણે શરત બક્યા છીએ, એટલે વાતવાતમાં આ રીતે અમથી અમથી મજાક કરીશું તો એ પણ શરતભંગ જ ગણાશે.” કલ્પેને થોડા અકળાઈને કહ્યું.

“અરે, આમાં ક્યાં મજાક આવી, મેં તો ખાલી તેની વાતમાં હાએ હા જ રાખી છે.’ જિગાએ બચાવ કર્યો.

“એ ટોપી... એમાં આવા નખરાં કરવાની શી જરૂર છે ?” શૌર્યએ મોં ઉછાળતા કહ્યું. વાત થોડી જીભાજોડી પર આવી ગઈ. પણ ત્યાં જ ભોંદુ બોલ્યો, “હહહહ... આપણે શરતને વળગી રહીએ ને વાત આગળ વધારીએ. હવે પછી આવું નહીં કરવાનું, ધ્યાન રાખજો. મજાક નહીં.” બધાએ આ વાત માન્ય રાખી ને વાત આગળ વધી.

“એ વખતે ગામમાં માંડ થોડી ઘણી વ્યક્તિઓ વસતી હતી. આઠદસ ઝૂંપડાં તો માંડ માંડ હતાં. એ વખતે તારા પણ...” કલ્પેને તરંગ સામે આંગળી કરી. “દાદાના દાદાના દાદાના દાદાના દાદા... એટલે કે તારી પણ હજારો પેઢીઓ પહેલાના વડવાઓ હાજર હતા.”

“મારા ?”

“હા, હા, તારા.” વાત સાંભળીને તરંગની આંખો ચમકી. ‘આ બબૂચક શું વાત કરી રહ્યો છે ? કહેવા શું માંગે છે ?’ તે મનમાં ને મનમાં બબડ્યો.

“હું તારી આંખમાં ડોકાતો પ્રશ્ન વાંચી શકું છું, તરંગ !” કલ્પેને સાહિત્યિક ભાષામાં ટોણો માર્યો.

પોતાના મનમાં બોલેલી વાત કલ્પેન સાંભળી ગયો હોય તેમ તરંગ ઝંખવાણો પડી ગયો.

“પણ દોસ્ત. આ સાવ સાચ્ચી વાત છે. મારા દાદાના દાદાના દાદાના દાદાએ... મને ટાઇમ-સેટેલાઇટથી આ દૃશ્ય આખું બતાવેલું. વિશ્વમાં કશું જ અદૃશ્ય થતું નથી, બધું અહીંનું અહીં જ રહે છે. હવે તો મોબાઈલ આવી ગયા. કૉમપ્યુટરમાં આપણે કોઈને મેઇલ સેન્ડ કરીએ તો મેઇલ પહેલાં ક્યાં જાય ?’

‘જેને સેન્ડ કર્યો હોય તેને...’ શૌર્યએ ઝાડપભેર જવાબ આપ્યો.

‘ખોટું.’

“એ પહેલાં સર્વરમાં જાય... ક્લાઉડમાં જાય... પછી સામેની વ્યક્તિને મળે.”

“પણ, એને ને આને શું લેવાદેવા?” આયુએ પ્રશ્ન કર્યો.

“હંમ્‌... કહું છું... કહું છું... થોડી ધીરજ તો રાખો. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં જે બની ગયું, જે ઘટનાઓ ઘટી ગઈ તે બધું જ સમયના ક્લાઉડમાં પડેલું છે. તેને જોતા આવડવું જોઈએ. મને એ આવડે છે.”

“અચ્છા પછી આગળ શું થયું એ કહે.” તરંગે વાતને મૂળ મુદ્દા પર લાવવા કહ્યું.

“હંમ્‌... તો એ વખતે માંડ ધરતી પર આઠ દસ ઝૂંપડાંઓ હતાં. બધા હળીમળીને રહેતા. દિવસે જંગલમાં જઈને શિકાર કરતા અથવા તો ફળફળાદી લાવતા અને સાંજે ઘરે આવીને સૂઈ જતા. મારા પિતૃઓનું ખોરડું અને તારા પિતૃઓનું ખોરડું સામસામે જ હતું. ખાલી વચ્ચે નેશનલ હાઇવે આવતો ’તો એટલું જ! હાઇવે ક્રોસ કરે એટલે તરત જ એકબીજાના ઘરે પહોંચી શકાતું.”

“સાલું જ્યારે સૂરજ-ચંદ્ર પણ નહોતા, સાવ અંધારું હતું ત્યારે માનવજાતિ હતી, વળી આ એની હજારોમી પેઢી, વળી એના દાદાએ એને સેટેલાઇટ થ્રુ ક્લાઉડમાં પડેલું બધું બતાવ્યું અને એય ઓછું હોય તેમ એ સમયમાં નેશનલ હાઇવે ક્યાંથી આવી ગયો ? સાલો હરામી કઈ રીતનું ગપ્પું મારે છે કંઈ સમજાતું નથી.” ભોંદુ પણ મનોમન ગોથે ચડ્યો હતો. પણ એ તેની અમ્પાયર તરીકેની ભૂમિકામાં અકબંધ રહી પ્રશ્નોની પોટલી મનમાં જ બાંધી રાખી બધું સાંભળી રહ્યો હતો.

તરંગનું દિમાગ થોડું ઘૂમવા લાગ્યું. અત્યાર સુધી એને એમ લાગતું હતું કે ગપ્પાં મારવામાં તેને કોઈ મહાત કરી શકે તેમ નથી. પણ કલ્પેન જે રીતે બધી વાતો કરી રહ્યો હતો તેનાથી તે પણ થોડો ચકરાવે ચડી ગયો હતો.

“તો તો આપણી ઓળખાણ યુગો જૂની છે દોસ્ત !” કહીને વાતના મૂળ પકડવા માંગતો હોય પોતાના તૂટેલા દાંત પર જીભ ફેરવી.

“હા, હું તને એ જ કહેવા માગું છું. એટલે તો આપણી બંનેની બરાબરની જામશે.” કલ્પેન પણ મલક્યો.

“હહહહ... ઓલરેડી જામી ગઈ છે, પછી આગળ શું થયું એ કહે ને...”

“થાય શું ? એ વખતે મનોરંજનનાં કંઈ સાધનો તો હતાં નહીં. એટલે બધાં જાતે જ અમુક રમતો ઉપજાવી કાઢતા.”

“કેવી રમતો ?” શૌર્યએ પૂછ્યું.

“પથ્થર દૂર ફેંકવાની રમત... પાણીમાં તરવાની રમત... ઝાડ કૂદવાની રમત... ઝાડ પર લાંબા સમય સુધી ઊંધા લટકી રહેવાની રમત વગેરે વગેરે વગેરે... પણ નવાઈની વાત એ છે કે આવી સ્પર્ધાઓ થતી તોય મારા વડવા દાદા ક્યારેય આ સ્પર્ધામાં ભાગ જ ન લેતા. એ ભલા ને એ ભલા ને એમનું કામ ભલું.”

“તારા જેવા જ ડફોળ હશે તે ક્યાંથી ભાગ લે.” તરંગ મનમાં બોલ્યો.

“પણ એક દિવસની વાત છે. ગામના બધા લોકો પાદરે બેઠા હતા. બેઠા બેઠા બીડીઓ પીતા હતા. બીડીઓ પીતાં પીતાં પથ્થર ફેંકવાની સ્પર્ધા વિશે વાત કરી રહ્યા હતા. તે વખતે મારા દાદા એક બાજુ શાંતિથી બેઠા બેઠા તેમનો પ્રિય હુક્કો ગગડાવતા હતા. મારા દાદાને આમ એકલા બેઠેલા જોઈને બધાએ કહ્યું કે, ‘અરે ભાઈ તમે કેમ આમ એકલા બેઠા છો ? તમે તો ક્યારેય કોઈ સ્પર્ધામાં ભાગ પણ નથી લેતા ભલા માણસ... કેમ આવું કરો છો ? ક્યારેક તો ભાગ લો...’

મારા દાદાએ તેમની વાત સાંભળી ન સાંભળી કરી. તે મૂછમાં મલક્યા ને પાછા પોતાની મોજમાં હુક્કો ગગડાવવા લાગ્યા. મારા દાદાનું આવું વર્તન જોઈ બધાને નવાઈ લાગી. પણ બધા ઇચ્છતા હતા કે મારા દાદા એકાદ વખત તો પથ્થર ફેંકવાની સ્પર્ધામાં ભાગ લે જ લે. બધાએ ફરી તેમને વિનંતી કરી. પણ મારા દાદાએ નમ્રતાથી ના પાડી દીધી. ના પાડી એટલે બધાએ વધુ જીદ કરી. એમાંય ખાસ તારા દાદા તો જીદે જ ચડી ગયા કે આ વખતે તો તમે પણ સ્પર્ધામાં ભાગ લો. મારા દાદા તો ના જ પાડતા રહ્યા. તેમણે તારા દાદાને કહ્યું કે, ‘ભાઈ તમે દર વખતે પથ્થર દૂર ફેંકવામાં પહેલા નંબરે આવો છો. તો તમે જ રહોને એમાં મને વચ્ચે ન લાવશો. હું તમતમારે અહીં બેઠો બેઠો જોઉં છું.’ પણ હવે તો ગામના બધાએ એકસૂરે અવાજ કાઢ્યો કે આ વખતે તો તમારે ભાગ લેવાનો જ છે. મારા દાદાય પોતાની વાતમાં અડીખમ. ના એટલે ના.

“હારવાની બીકે મારો બેટો રમવાની ના પાડે છે.” અચાનક તારા દાદાના મોંમાથી વેણ સરી પડ્યું.

“ભાઈ, મને કોઈ એવી હારવાની કે જીતવાની બીક નથી. હું તો એવું જ ઇચ્છું છું કે તમે પહેલાં નંબરે જ આવો.”

“એ તો હું આવવાનો જ છું.”

“સરસ. તો પછી મને અહીં જ બેસી રહેવા દો ને. હું જોયા કરીશ તમારી રમત.”

“ખાલી જોયા શું કામ કરો છો. તમે પણ ભાગ લો ને.”

“પણ પછી તમારો પહેલો નંબર નહીં આવે ને !”

“અહીંથી ઊભા થવાની પણ ત્રેવડ તમારામાં નથી ને તમે પહેલાં નંબરે આવશો એમ ?” ટોણો મારતા હોય તેમ તારા દાદાએ મજાક ઉડાવી.

“રહેવા દો ભાઈ. તમને જ અફસોસ થશે.”

“બહાનાં તો સારાં બનાવો છો તમે. સ્પર્ધામાં સામેલ થવાની જરાકે હિંમત નથી ને સપનાં તો પહેલાં નંબરે આવવાના જુઓ છો.”

આવું સાંભળીને મારા દાદા ખાલી હળવું હસ્યા. પોતાના હાથમાં રહેલા હુક્કાની એક લાંબી કસ મારી. ઊંચે આભમાં જોયું અને પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમણે જોયું તો રમતમાં વપરાતો પેલો પથ્થર સામે જ પડ્યો હતો. એ પથ્થર પણ કેવો ! નાનો સુનો પહાડ જ જોઈ લ્યો ! આવડા મોટા પહાડ જેવા પથ્થરમાં એક તરફ હથોડીના નાનકડા હાથા જેવો હાથો હતો. લગભગ ફૂટ દોઢ ફૂટનો હશે. પથ્થરના આ નાનકડા હાથાને આધારે પહાડ જેવડા આ પથ્થરને વધારે સારી રીતે પકડી શકાતો હતો. મારા દાદાએ એક લાંબો શ્વાસ લીધો અને પ્રભુ રામ ધનુષ ઉપાડવા જતા હોય તેમ તે પથ્થર પાસે ગયા. તેમણે તારા દાદા સામે નજર નાખી. “ભાઈ હજી કહું છું, રહેવા દો.”

“પથ્થર દૂર ફેંકવાની તો વાત દૂરની છે, તમે એને ઊંચકી પણ નહીં શકો. બેઠાં બેઠાં હુક્કો ગગડાવો ને ફાંકા માર્યા કરો. આ કામ તમારું નહીં.” કહીને તારા દાદા જોરથી હસ્યા.

હવે હદ થઈ ગઈ હતી. મારા દાદાને લાગી આવ્યું. હનુમાન ગદા પકડતા હોય તેમ મારા દાદાએ આ પહાડ જેવડા પથ્થરનો નાનકડો હાથો પકડ્યો. પથ્થર ઊંચકીને તારા દાદા સામે જોતા કહ્યું,

“ઓહ... આ તો સાવ હળવા ફૂલ જેવો લાગે છે.”

બધાના મોં આશ્ચર્યથી પહોળા હતા. તારા દાદા પણ એકીટશે જોઈ રહ્યા હતા. મારા દાદા પથ્થર ઉપાડીને હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યા. બે-ચાર ડગલાં આગળ દોડ્યા અને પછી હાથ ફેરવી ફેરવીને એવો પથ્થર ઊછાળ્યો... એવો પથ્થર ઊછાળ્યો... એવો પથ્થર ઊછાળ્યો... કે શું કહેવું. સનનનન કરતો જાણે કોઈ મોટો પહાડ આભમાં છૂટ્યો હોય એમ પથ્થર છૂટ્યો. જોતજોતામાં તો પથ્થર આભમાં ક્યાંયનો ક્યાંય દૂર જતો રહ્યો. બધા જોતા જ રહી ગયા. થોડી વારમાં તો એ પથ્થર આકાશમાં અદૃશ્ય થઈ ગયો. અમુક લોકો તો વિચારમાં પડી ગયા કે સાલો આવડો મોટો પહાડ આકાશમાં આટલે દૂર ગયો ક્યાં ? બેપાંચ મિનિટ તો બધા સન્ન થઈને આભમાં ને આભમાં જ જોતા રહ્યા. આંખો પર નેજવું કરીને બધા આભ ફંફોસવા લાગ્યા. પણ મારા દાદા તો પાછા બેસી ગયા પોતાની જગ્યાએ અને એયયયયય... મોજથી હુક્કો ગગડાવવા લાગ્યા ! આમને આમ પાંચ-સાત મિનિટ થઈ ગઈ. પણ ન તો પથ્થર પડવાનો ક્યાંય અવાજ આવ્યો કે ન તો પથ્થર દેખાયો. બધા જ વિચારમાં પડી ગયા હતા કે પથ્થર ગયો ક્યાં ?

બરાબર આઠેક મિનિટ થઈ એટલે મારા દાદાએ ડાબો હાથ ઊંચો કર્યો અને હાથમાં પહેરેલી ઘડિયાળમાં જોયું.

ભોંદુને થયું કે સાલું એ વખતે ઘડિયાળ ક્યાંથી આવી ?

“તેમણે જોયું કે ઘડિયાળમાં આઠ મિનિટ અને એક સેકન્ડ થઈ હતી. તરત જ તેમણે પોતાની આંખ ચપ્પ દઈને બંધ કરી દીધી. જેવી આંખ બંધ કરી કે ત્યાં જ આઠ મિનિટ ને બે સેકન્ડે અચાનક આભમાંથી પ્રકાશનો મોટો ધોધ ધરતી પર પડ્યો. ઘડીકવાર તો બધાની આંખો અંજાઈ ગઈ. બધાએ ચપોચપ પોતાની આંખો મીંચી દીધી. એકાએક આંખ પર પડેલો પ્રકાશ કોઈ જીરવી ન શક્યું. પ્રકાશમાં કોઈ પોતાની આંખો ખુલ્લી નહોતી રાખી શકતા. કેમકે અગાઉ ક્યારેય આવો પ્રકાશ કોઈએ જોયો, સાંભળ્યો કે અનુભવ્યો નહોતો. બધા સાવ હક્કા બક્કા થઈ ગયા હતા. શું થઈ ગયું એ જ કોઈને સમજાતું નહોતું. પણ ત્યારેય મારા દાદા તો પોતાની જગ્યાએ બેઠા બેઠા એયયયયય... ને આંખો બંધ કરીને શાંતિથી હુક્કો ગગડાવતા હતા. બધાએ પોતાના આંખો પર હાથ મૂકી દીધા હતા. આંખો પર હથેળી ઢાંકેલી હાલતમાં જ બધાએ મહામહેનતે ધીમે ધીમે પોતાની આંખો ઊઘાડી. આંખ પર દાબેલી આંગળી સહેજ આઘીપાછી કરીને તિરાડમાંથી તેમણે નજર કરી તો આજુબાજુનું બધું જ ચોખ્ખું તેમને દેખાવા લાગ્યું હતું. બધાએ આભમાં જોયું તો આકાશમાં એક કાણામાંથી પ્રકાશનો ધોધ નીચે પડતો હતો. લોકો એ કાણા સામે જોવા જાય તો બધાની આંખો અંજાઈ જતી હતી.

મારા દાદા મલક્યા ને બોલ્યા. “ભાઈ, હવે આ પથરો ક્યારેય પાછો નહીં આવે, એ તો આભમાં કાણું પાડીને આરપાર નીકળી ગયો છે આરપાર !”

તારા દાદા તો બોઘા જેવું મોં કરીને મારા દાદા સામે જોઈ રહ્યા હતા. શું બોલે ? બસ તે દિવસથી આખી દુનિયામાં અજવાળું પડવાનું ચાલું થયું. આજે એ કાણાને લોકો સૂરજ તરીકે ઓળખે છે ! મારા દાદાએ પથરો ફેંક્યાને લગભગ આઠેક મિનિટ પછી ધરતી પર અજવાળું આવ્યું ’તું. ત્યારથી એ કાણામાંથી અજવાળાને ધરતી પર આવતા આઠેક મિનિટ જેટલો સમય લાગે છે.”

“લાયો... લાયો... લાયો... હો બાકી... ” શૌર્ય ઊછળી પડ્યો.

“બસ, પછી તો તારા દાદાની એવી વલે થઈ ગઈ કે એ તો મારા દાદાને કહેવાનું જ ભૂલી ગયા. એમને તો એમ થયું કે મેં આને કહીને બહુ મોટી ભૂલ કરી નાખી. તે મનોમન પછતાવા લાગ્યા. તેમનું તો જાણે નાક જ કપાઈ ગયું.”

તરંગ પણ ઘડીક તો શું કહેવું શું ન કહેવું એની વિમાસણમાં પડી ગયો. તે મૌન થઈ ગયો. આવું ઢંઘધડા વગરનું ગપ્પું સાંભળીને તેનું માથું ભારે થઈ ગયું હતું. આભમાં તો ઠીક પણ તેના મગજમાં કોઈએ કાણું પાડી દીધું હોય એવું તેને લાગતું હતું. તેણે એક લાંબો શ્વાસ લીધો અને ઊંચે આકાશમાં જોયું.

‘જોઈ લે... જોઈ લે... મારા દાદાએ આવડા મોટા આકાશમાં કાણું પાડીને લોકોને સૂરજ આપ્યો છે સૂરજ !’ કલ્પેને કહ્યું.

“હં... સાચી વાત છે.” તરંગ ગંભીર રીતે મલક્યો.

‘તો પછી સાચી જ વાત હોય ને... કલ્પો કંઈ એમ ઓછો ગાંજ્યો જાય એવો છે.’ શૌર્યએ કહ્યું.

“હવે આપણે શું કહીશું તરંગ ?” આયુષ્ય ચિંતામાં પડી ગયો. તરંગે તેની સામે જોયું. તે ન હસ્યો કે ન તો ચિંતામાં પડ્યો. તેના હાવભાવ એમ ને એમ જ રહ્યા. તેણે ફરી આકાશમાં જોયું.

“હહહહ... હવે તારો વારો છે તરંગ.”

“હંમ્‌.. મને ખ્યાલ છે.”

“તો હવે ચાલુ કર, જોઈએ તારામાં કેટલો દમ છે.” કલ્પેનને પણ ઇંતેજારી હતી કે મારા આ ગપ્પાની સામે તરંગ કઈ રીતે ટકી શકે છે.

“હંમ્‌...” તરંગ કંઈક વિચારતો હોય તેમ તેના અડધા તૂટેલા દાંત પર જીભ ફેરવવા લાગ્યો. જાણે એ દાંતમાંથી જ કોઈ નવો વિચાર બહાર ન કાઢવાનો હોય !

“ચાલ ચાલ જલદી કર, નહીંતર ટાઇમ પૂરો થઈ જશે. દસ મિનિટ જ છે, આપણી પાસે...” કલ્પેનનું આવું ગપ્પું સાંભળીને આયુ પણ હવે થોડો ચિંતાતુર હતો.

તરંગ હજી એમ ને એમ જ તૂટેલા દાંત પર જીભ ફેરવી રહ્યો હતો.

“હહહહ... ટાઈમ જતો જાય છે હોં તરંગિયા...”

ભોંદુની વાત સાંભળી તરંગે માત્ર માથું હલાવ્યું, આંખો બંધ કરી અને બોલ્યો, “હંમ્‌... તો મારે પણ એ જ સમયની વાત કરવી છે, જે સમયની વાત તેં કરી કલ્પા.”

“ઓહો.. !” કલ્પેને નેણ ઊંચાં કર્યાં.

“હા.”

“શું વાત છે, જરા અમને તો કહે.” શૌર્યએ કહ્યું.