જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

મોજ – ૧૮ : ...એ ભાગ, આવ્યો !

છેલ્લે એ મોજ કરી કે,

( વહેલી સવારે ઉઠીને વાડીએ જવું – દાદાની ગામમાં બધા જોડે ઓળખાણ કરાવવી – વાડીએ જઈને કપાસ વીણવો – બા એ બનાવેલું ભાતું ખાવું – રસ્તામાં નહેરના વહેળાને કાંઠે બેસીને પાણીમાં મજા કરવી – દાદા સાથે ફરી ઘરે આવવું – દરરોજ રમાતી રમતોની હારમાળા રચાવી )

લગભગ દોઢેક મહિના પૂરા થવા આવ્યા. દસેક દિવસ રોકાઈને ફરી સુરત જવાનું હતું. ૧૦ મા ધોરણનું રિઝલ્ટ આવવાનું હતું. રોજની રાજા જેવી જીંદગી આ રજવાડાંમાં પસાર થઇ રહી હતી. સુરતથી પપ્પાનો ફોન આવ્યો. બાજુમાં રહેતા લક્ષ્મણ દાદાએ બૂમ નાખી.

“એ લાલા, તારા બાપાનો ફોન છે. દોડ્યો આવ જલ્દી !”

હું જમતા-જમતા ઉભો થયો અને બાજુની ખડકીમાં ગયો. ફોન પર વાત કરી. પપ્પાએ હવે મોજ સંકેલીને ઘરે પાછુ આવવા માટે અલ્ટીમેટમ આપી દીધું હતું.

બસ, હવે થોડા દિવસો જ બાકી રહ્યા હતાં. જો કે, હજુ દરરોજની મજા માણવા માટે જિયાફત ઉડાવવાની મજા આવતી હતી. અમે રોજ ખારાંમાં ક્રિકેટ રમવા જતા. ચૂનાના પાણીની ડોલ ભરીને જતા. તેનાથી બાઉન્ડ્રી બનાવતા. તેમાં એક દરજીનો છોકરો હતો. તેનું નામ સંજય. એ મને હંમેશા ‘પીટરસન’ કહીને જ બોલાવતો. તેને લીધે બાકીના બધા ‘પીટરસન’ કહીને જ સંબોધવા લાગ્યા. મને આ નામથી બોલાવવાના બે ફાયદા હતા.

૧) મારું નામ ‘કંદર્પ’ કોઈને બોલતાં નહોતું આવડતું.

૨) હું લેફટી હતો, પીટરસનની જેમ જ ! એટલે મારી બેટિંગ આવે ત્યારે ‘પીટરસન’ બોલે એટલે બધાને ખ્યાલ આવે કે આ લેફટી છે. તેથી ફિલ્ડિંગ ચેન્જ થઇ શકે.

રોજ ખારાંમાં રમીને અમે વેલજીકાકાના ગલ્લે પાણીની પરબે જતા. વેલજીકાકાની દુકાન આગળ ત્રણ મોટા ઓટલા હતા. તેના પર બધા બેસતા. કાઉન્ટર પર પડેલો પાણીનો જગ પરબમાંથી ભરીને વહેંચતા. તેમાં થયું એવું કે, વેલજીકાકા એ દિવસે દુકાન પર નહોતા. દુકાનનો બધો સમાન લેવા માટે ભાવનગર ગયેલા. તે દિવસે એની છોકરી હતી. તે ૧૧ કોમર્સમાં સોનગઢ ભણતી હતી. ઉનાળું વેકેશન હોવાને લીધે એ પણ વેલજીકાકાને મદદ કરવા દુકાને બેસતી. એ દિવસે નજર મળી ગઈ. સમગ્ર ગામમાં મેં એવી કોઈ છોકરી જોઈ નહોતી. જો કે, મને દેખાવડી છોકરી ને જોયા પછી આવી ફીલિંગ જ આવતી હતી. ગામમાં સિટી જેવું સ્ટ્રકચર નથી હોતું. ત્યાં બધું ઝટપટ થઇ જાય.

બસ, વચ્ચેની કોઈ વાર્તા જ નહિ. બીજે દિવસે એ ખારાંમાં આવી. અમારી જોડે ! અમે બાઉન્ડ્રી પાસે બેસીને વાતો કરી રહ્યા હતા. મને નામ પણ ખબર નહોતું. ગામનાં છોકરાઓ એ પણ તેને આટલી ‘હટ કે’ કદી જોઈ નહોતી.

“સોનગઢ જવા માંડી પછી આવી થઇ ગઈ. જો પહલેથી જ આવી દેખાતી હોય તો અમારી નજર મળ્યા વિના રહે નહિ.” આ વાક્ય દરેકના મોઢે હતું.

તકલીફ એ થઇ કે, ગામના મિત્રો કરતાં હું થોડો વધુ ઉજળો હતો. તેમાં અમારો ટાંકો ફીટ થઇ ગયો. ત્યારે કોઈ મોબાઈલ નહોતા આવ્યા કે ન હતાં નેટવર્ક !

મેં પહેલો પ્રશ્ન પૂછ્યો, “ક્યારે આવશે તારા પપ્પા ?”

“બાપા સાંજે ટાઢા પો’રે આવશે.” મનમાં થયું, વાંધો નહિ. ભાષા તો આમતેમ ચાલે. એ તો ગામડે રહેતા હોય ત્યારે એવું જ હોય.

“શું ભણે છે તું ?”

“૧૧ કોમર્સ.”

“ક્યાં ? બજુડમાં તો ૧૦ ધોરણ સુધી જ છે ને !”

“સોનગઢ જાઉં છું.”

મારી ગાડી પહેલેથી જ ફાસ્ટ ! તરત જ પૂછ્યું, “કોઈ બોયફ્રેન્ડ નથી ?”

“એવું બધું ન હોય, મારી-મારીને તોડી નાખે બાપા !”

“તો અહી કેમ આવી મારા જોડે ?”

“આજે ભાવનગર ગયા છે બાપા ! એટલે હંધુય થાય.”

“દુકાને કોણ બેસશે ?”

“અટાણે બા બેઠી હશે.”

“હું તો હવે થોડા દિવસ જ છું. આવતા અઠવાડિયે જતો રહેવાનો છું.”

“તો રોકા ‘ને મારી હાટુ !”

એ ય ફાસ્ટટ્રેક પર પોતાની નેરોગેજ ટ્રેઈન ખેંચી રહી હતી.

ત્યાં જ જોરમાં અવાજ આવ્યો.

“એય, પીટર...સન....”

મેં પાછળ ફરીને જોયું.

“અબે, ભાગ ! ભાગ...ભાગ !”

“કેમ શું થયું ?”

“ઓય, વેલજીની સોડી ! તું તા’ર ઘેર ઉપડ. તારો બાપ આવી ગ્યો.”

મારા મોં માંથી સુરતી નીકળી.

“એની મા ને ! માદર...” ત્યાં જ પેલીને બાજુમાં બેઠેલી જોઇને હું અટકી ગયો.

બધા ભાગ્યા. હું એકલો જ નહિ, મારી સાથે બીજા બધા ભાગ્યા. કોઈ એ સાઈકલ પકડી ને કોઈ દોડવા માંડ્યું.

“પણ, તમે બધા કેમ ભાગો છો ? આપણે રમ્યા કરો ને !”

ત્યાં ટોળામાંથી કોઈક બોલ્યું, “ઓલી ડોશી વાંહે પડી સે ! રમતા ‘તાં તઈં સુરિયાએ દડો વાંહેના ઘરમાં ઠોકયો. એ સીધો ભેંહને અડી ગ્યો. એમાં ભેંહ ઉભી થઈને ડોહી દૂધ દોતી ‘તી એની પાટું ઠોક્યું. ડોહીના કુલા ભાંગી નાખ્યા. એમાં અમે ભાગીએ છીએ.”

“તો એમાં આ વેલજીની છોકરીને ભગાવવાની શું જરૂર છે ?” પેલી બાજુમાં દોડતી-દોડતી સાંભળી રહી હતી.

સંજ્યો બોલ્યો, “રાજ્યો પાદરમાંથી પાણીના બાટલા ભરીને આવતો હતો તઈં એણે એના બાપને ભાળ્યો. વેલો ઘરે આવી ગ્યો એટલે વાડી ભણી જાય છે.”

“તો દોડો !”

માંડ કરીને બધા ઘરે સહી-સલામત પહોંચ્યા. સાંજે મીઠા પાન ખાવા માટે વેલજીકાકાના ગલ્લે મળ્યા ત્યારે તેની છોકરી પણ ત્યાં જ હતી. એ વખતે બધા જે હસ્યા છીએ એટલું ક્યારેય નહોતા હસ્યા.

અંતે, ઘરે જવાનો સમય આવી ગયો. લગભગ પોણા બે મહિના સુધી સતત ગામડાંના દરેક તત્વોનું રસપાન કર્યા પછી ઘરે જવાનું ગમતું નહોતું.

ગામડે ચોખ્ખાં દૂધની કમી નથી હોતી. રોજ હું દૂધ લેવા જતો. એક લોટો ભરીને દૂધ લાવવાનું. પૌષ્ટિક ખોરાક લઈને શરીર બરાબર જમાવ્યું હતું. તડકે રમતો રમીને ચહેરો અડદની દાળના ડબ્બામાં નાખીએ તો જડે નહિ એવો રંગીન ચમકીલો બની ગયો હતો. દુર્ભાગ્યે એ રંગ કાળો હતો. શર્ટના કૉલર સંપૂર્ણ ઘસાઈ ગયા હતા. પરસેવો વળવાને લીધે દરેક શર્ટની પીઠના ભાગનું કાપડ ઝળી ચૂક્યું હતું. દરેક પેન્ટના ગોઠણે એક-એક રફૂ લાગી ગયું હતું. દરેક પેન્ટ-શર્ટની હાલત બુડથલ થઇ ગઈ હતી. સ્લિવલેસ શર્ટની બાંહો ઉંચી કરીને જોઈએ તો હાથના બે અલગ-અલગ રંગો દેખાય. શર્ટની નીચેની ચામડીનો રંગ અદ્દલ સફેદ સુરતી ! રોજ-રોજ પેંડા મીઠાઈ તરીકે મળતાં. તેથી શારીરિક રચના જરા ગોળમટોળ થવા પામી હતી.

રાત્રે પાણી આવે ત્યારે વાડીમાં ગળાતો ધોરિયો, લીમડે બાંધેલી છાસ, તેની નીચે ઋષિતુલ્ય ઢોલિયો, ખડકીમાં ગાજતો મોંય-દાંડિયો, રોજ રાત્રે જોવાતી ગુજરાતી TV સિરિયલો, પાંચીકા અને અંતાક્ષરી, બા દ્વારા બનાવાતા સ્વાદિષ્ટ પકવાન, દાદાની બીક, ઓસરીમાં હિંચકતો હીંચકો, ડચકા ખાતો પંખો, છાસના બુઝારા પર બેઠેલી માખીઓ, સફેદ ઝળી ગયેલા કાપડા પર લીંબુના નિચોવાયેલા છોતરાં, ફળિયામાં ઉભેલ રીંગણી, લાલુ દાદાએ ઘડાવીને આપેલું પાટિયું, ફાટેલા મોજાનો દડો, પાન-ગલ્લાંની દુકાને પડેલા રબર, અજાણતાં ખવાયેલ તમાકુ ધરાવતો મસાલો, ફેક્ટરીની કૉલેટી, બાજરાના રોટલા, ભરેલા રીંગણનું શાક, ભેંસના આંચળે પીધેલું દૂધ, મોહનથાળની સુગંધ, દાદાનું પહેરણ અને ફાળિયું, બા નો ટપકીવાળો લાલ સાડલો, મેડીની ધારે દોડતી બિલાડી, નળિયામાંથી આવતું પ્રકાશનું કિરણ, લાલ દંતમંજનનો પાઉડર, લીમડાનું દાંતણ, હવાડે પાણી પીતાં ઢોર-ઢાંખર, સીમના કેડે ગાડું ચાલવાને લીધે થયેલ રસ્તાના બે ભાગ, ગોરસઆંબલી અને પરડાં, દાંતખાટી આમલી, છાણ પર ખૂંચવેલ સાંઠીકડું, ચોરે એકલી સળગતી ટ્યુબલાઈટ, પાદરમાં આવતા છકડોરિક્ષા, વાડીએ ચાલતા હળ, ડૂંડામાંથી દાણા કાઢતાં થ્રેશર, ખેતરના શેઢે ઉભેલ ખૂંટા અને સંતુષ્ટ હર્યું-ભર્યું ગ્રામ્ય જીવન.

આ બધું છોડીને જવાનું હતું. બા એ ખિસ્સામાં પચાસ રૂપિયા મૂક્યા. છેક, પાદર સુધી મૂકવા આવ્યા. દાદાનું બાયપાસનું ઓપરેશન કરાવ્યું ત્યારથી તેઓ થોડા ઢીલા પડી જતા હતા. કોઈ ઘરેથી જાય એટલે તેમની આંખોમાં પાણી આવી જ જતું. ચહેરો રતુંમડો થઇ જતો. છકડામાં બેસીને દાદા-બા ને ‘આવજો...’ કર્યું. અંતે, સવારી પાછી સુરત ફરી.

મમ્મી-પપ્પાને ઘણા સમય પછી જોઇને મજા ચહેરો ખીલી ઉઠ્યો. મમ્મી એ પહેલે જ દિવસે ઘસીને નહાવાનું કહ્યું. જે સામાન્ય રીતે દરેક મમ્મીની ટેવ હોય છે. તે જ દિવસે અમે લંગોટિયા મિત્રો એકઠાં થયા. એવું નક્કી કર્યું કે બીજે દિવસે અંબાજી મંદિરે ચાલીને જવું છે. લગભગ આઠ-નવ કિલોમીટર જેટલું ઘરેથી થાય. ફાઈનલ થયું.

સવારે વહેલા ચાર વાગ્યે ઉઠીને બધા રંગઅવધૂતના ખૂણે ભેગા થયા. ધીરે-ધીરે વરસાદ આવી રહ્યો હતો. જૂન મહિનો શરુ થઇ ગયો હતો. સ્કૂલો ખૂલી ગઈ હતી. અમારી એડમિશનની પ્રોસેસ થવાની હતી. રિઝલ્ટ બીજા દિવસે હતું. રિઝલ્ટ આવવાનું હતું, તેથી અંબાજી જવાનું નક્કી થયું હતું.

રસ્તામાં રસ્તો શોધતા હતા. મજાની પળો હતી. માત્ર અમુકે જ મંદિર જોયું હતું. વાતો કરતાં-કરતાં સવારે સાતેક વાગ્યા આસપાસ મંદિરે પહોંચી ગયા. પ્રસાદ લઈને તાપી તટે બેઠા. પરંતુ, મંદિરે ભીડ વધુ હોવાથી ત્યાંથી નીકળ્યા. રસ્તામાં અઠવાલાઇન્સ ચોપાટી આવી. બધાએ નક્કી કર્યું કે, અહી બેસીએ. ચોપાટી તાપી તટે હતી.

કેઝયુઅલ વાતો થવા લાગી. આવતી કાલના રિઝલ્ટની વાતો ચાલતી હતી. એ ચોપાટી અને તાપી તટ વચ્ચેનો પ્રદેશ વેરાન વિસ્તાર હતો. સવારમાં આઠેક વાગ્યે માત્ર બુઝુર્ગ વડીલો સિવાય અવરજવર નહોતી. એટલામાં જ એક કપલ અમારી આગળથી દાદર ઉતરીને ક્યાંક ગયું.

થોડીવારમાં જ તે કપલ તાપી તટે એક પથ્થર પર બેઠેલા દેખાયા. તેઓ ઝઘડી રહ્યા હોય તેવું લાગી રહ્યા હતા. કોલેજીયન મિત્રો હશે, તેવું અનુમાન લગાવ્યું. પરંતુ, ત્યાં જ તે છોકરી તે છોકરાને પીઠ પર મારવા લાગી. રડવા લાગી. તે છોકરાએ તેનો હાથ પકડી લીધો. હાથ પકડીને તેના આંસુ લૂછ્યા. બંને એકબીજાને ભેટી પડ્યા. તેમાં અમને મજા આવવા લાગી.

“એલા એય, આ બાજુ જો ! બરાબરના જામ્યાં છે.”

“ઓહોહો ... જોરદાર ! જુઓ બધા પેલી બાજુ, નજર કરો !”

એકસાથે બધા એ તરફ જોવા લાગ્યા. એટલામાં પ્રતિક બોલ્યો, “બધા એકસાથે ન જુઓ યાર ! એમને ખબર પડી જશે.”

“માઈ ગયું, ખબર પડે તો આપણે શું ?”

એટલી વારમાં જ એ બંને ઝાડી-ઝાંખરાની વચ્ચે રહેલી એક ઉજ્જડ ઓરડીમાં ગયા. એ ઓરડીમાં વરસાદી ઘાસ ઉગી નીકળ્યું હતું. તૂટેલી બારીમાંથી બંને અંદર કૂદ્યા.

તેમાં આ બંને અંદર જઈને એકબીજાને અચાનક કિસ કરવા લાગ્યા. તે લોકોને એવું હતું કે, અમને કોઈ નથી જોઈ રહ્યું. પરંતુ, એ બારીનું મોઢું અમારી નજર આગળ જ હતું. તેથી બધું જ દેખાઈ રહ્યું હતું. ધીરે-ધીરે એ છોકરા એ પેલી છોકરીના ડ્રેસના હૂક ખોલ્યા. પાછળથી અમને તેના અંત:વસ્ત્રો ચોખ્ખા દેખાઈ રહ્યા હતા. એ વખતે હ્યુમર ફ્રી માં મળી રહ્યું હતું. બધા મજાક ઉડાવી રહ્યા હતા. તેટલી વારમાં જ એક અભૂતપૂર્વ ઘટના બની. આજ સુધી અમે TV સ્ક્રીન પર જ ઉત્તેજિત દૃશ્યો જોયા હતા. આજે પહેલી જ વાર લાઈવ જોઈ રહ્યા હતા. એ છોકરાનું શર્ટ ઉતર્યું.

એવામાં જ કોઈક બોલ્યો, “એ નાખ્યો...”

“એ ...એ...એ...”

હવે એવું નક્કી કર્યું કે એકસાથે બધાએ બોલવું. પછી બધા એકસાથે બોલ્યા, “એ....નાખ્યો !”

તરત વાતાવરણ શાંત પડી ગયું. અમને એવું હતું કે એ બંને જતા રહ્યા. અમે ફરી અમારી મસ્તીમાં લાગી ગયા. એટલીવારમાં તો પેલો હાથમાં બેલ્ટ લઈને અમારી તરફ દોડ્યો. શર્ટના ઉપરના બટન ખુલ્લા હતા. પેન્ટની ચેઈન બંધ કરવાની ભૂલી ગયો હશે. તેમાં બિચારું જીન્સનું બટન આમ-તેમ થતું હતું.

“એય...ભાગ..ભાગ !”

“કેમ શું થયું ?”

“પેલો અડધું મૂકીને આપણી બાજુ દોડતો આવે છે. હાથમાં પટ્ટો લઈને આવ્યો છે.”

“એની મા ને ! ભાગો...”

બધા દોડ્યા. સાલા એ છેક ચોપાટીના દરવાજા સુધી દોડાવ્યા. કોઈક નાકની દંડી એ દોડ્યા. કોઈક ગાર્ડનમાં આમ-તેમ ભાગ્યા. કોઈક લપસણી પર છોકરું હાથમાં લઈને બેઠું. કોઈક બુઝુર્ગોના હાસ્યાસનમાં ઘૂસી ગયું. કોઈ સીધું જ દોડીને ચોપાટીના દરવાજાની બહાર ભાગ્યું.

છેવટે, બધા ચોપાટીના દરવાજા પાસેના અમુલ પાર્લર પાસે મળ્યાં. બધા હાંફતા હતા. ઘૂંટણ પર હાથ ટેકવીને બધા ઉભા હતા. તેમાં થોડીવાર રહીને પ્રતિક બોલ્યો, “અડી ગઈ.”

બધા એકસાથે હસ્યા. તેનો ચહેરો જોઇને બધા ખખડ્યાં. પ્રતિકને પટ્ટો બરાબર સ્પર્શી ગયો હતો.

“અલા એય, તું તો બધાથી પહેલા દોડીને ભાગ્યો હતો. તું જ પકડાઈ ગયો ?” એમાં પ્રતિકનું સ્પૂફ બની ગયું. એ પછી જે હસ્યા છીએ તેનો અંદાજ લગાવવો જ અઘરો છે. લગભગ આખો દિવસ આવું ચાલ્યું. છેલ્લા અમુક દિવસોમાં એવું બન્યું કે, હું ભાગતો જ રહ્યો. વેલજીકાકાની છોકરી, બજુડથી સુરત, સુરતથી અંબાજી અને અંબાજીથી આ અઠવાલાઇન્સની ચોપાટીમાં ! જો કે, આવી જ રીતે ૧૦ માં ધોરણમાં મહેનત કરી હતી. તેથી હવે રિઝલ્ટ પણ એ પ્રમાણે આવે તેવી આશા સેવાઈ રહી હતી.

બીજા દિવસે રિઝલ્ટનો દિવસ હતો. સ્કૂલના મેઈન ગેટ પર એક બોર્ડ મુકેલું હોય. જાગૃત વાલીઓ અને વિદ્યાર્થીઓ આ દિવસે પોતપોતાની સ્કૂલો અને ઘરની નજીક આવેલી સ્કૂલમાં ફરતા હોય. લગભગ ૧૦-૧૧ વાગ્યે આ બ્લેક-બોર્ડ પર ઉજળી મહેનતને પોતાના નામથી ત્રોફાવવાની કામગીરી શરુ થાય. કારણ કે, રિઝલ્ટની કૉપી તો એક-બે દિવસ પછી હાથમાં આવતી. તેથી સ્કૂલના કોઈક શિક્ષક રેન્કના આધારે ત્રણ નામ જાહેર કરે. તેમના નામ લગભગ એકાદ મહિના સુધી (સ્કૂલ શરુ થાય ત્યાં સુધી) રહે. જો ગુજરાત બોર્ડ કે શહેરમાંમાં સ્કૂલનો કોઈ છોકરો રેન્ક લાવ્યો હોય તો મોટા અક્ષરે તેનું નામ લખાય. સ્કૂલમાં મિડીયાકર્મી આવે. ઇન્ટરવ્યૂઝ લેવાય. સ્કૂલનું નામ શહેરમાં બોલાય. ત્યારબાદ, પર્સન્ટેજ મુજબ વિદ્યાર્થીઓ ફિલ્ડ નક્કી કરે.

આવું અમારી સાથે પણ થાય એવી અંદરથી ઈચ્છા તો હતી જ ! કારણ કે, અમારા ગ્રુપમાં બધાને લગભગ ૯૦+ પર્સન્ટેજ આવશે એ તો નક્કી જ હતું. રાજ્યમાં જે ૧૦ ટોપર્સનું લિસ્ટ આપતા હતા એ બોર્ડનું મહત્વ અને તેનો ચાર્મ જાળવી રાખતું હતું. બીજે દિવસે ન્યૂઝપેપર વાંચવાની મજા આવતી. ઇન્ટરવ્યૂ વાચવાની મજા આવતી. તેમાં વળી કોઈ શ્રમિક માં-બાપનો દીકરો/દીકરી ટોપ કરે તો આપણા મમ્મી-પપ્પા બાજુમાં બેસીને ટપારતા, ‘જુઓ, કોઈ સગવડ વિના આટલી મહેનત કરીને નંબર લઇ આવ્યો ગુજરાતમાં !’ બસ, આવી પરિસ્થતિઓ આસપાસ શરુ હતી. ઈન્ટરનેટ પર રિઝલ્ટ સવારે નવ વાગ્યે ડિક્લેર થાય. ઈન્ટરનેટ જેના ઘરે હોય ત્યાં અમે બધા મળતાં. રિઝલ્ટ જોઇને સ્કૂલે મળવાનું.

મને જે ચહેરો જોવાની ઘણા સમયથી ઈચ્છા હતી, એ આખરે દેખાયો. ક્રિષ્ના તેની ફ્રેન્ડ્સ જોડે ઉભી હતી. મારે ૮૯.૦૮ % હતા. બાકી દરેક (૮૫+) થી (૯૦+) વચ્ચે જ હતા. ક્રિષ્ના પાસે જઈને બધાને પર્સન્ટેજ પૂછ્યા. તેને પણ ૮૬ % હતા.

“શ્રુતિના ઘરે જઈને હું કૉલ કરીશ.” ક્રિષ્ના બોલી.

સ્કૂલેથી છૂટા પડ્યા. હું ઘરે ગયો. બપોરે ફોન આવ્યો. વાતો થઇ. મને ખ્યાલ હતો કે, ક્રિષ્ના બાયોલોજી ગ્રુપ જ લેશે. મારે મેથ્સ લેવાનું હતું. તેથી એક વાત નક્કી હતી કે, અમે બંને એટલિસ્ટ એક ક્લાસમાં તો નહિ જ આવીએ. સ્કૂલ ફેરવ્યા વિના રામકૃષ્ણ વિદ્યાભવનમાં જ સાયન્સમાં એડમિશન લેવાનું નક્કી થયું. હવે અમે સ્કૂલના સિનિયર હતા. ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ ! એટલે થોડો વટ પણ હોય. પહેલા દિવસે રેન્ડમ ક્લાસિફીકેશન હતું. ‘મેથ્સ’ અને ‘બાયોલોજી’ ગ્રુપ પ્રમાણે બે વર્ગોમાં અમે બધા ગોઠવાયા. પ્રશ્ન એ થયો કે, મેથ્સ ગ્રુપમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી. એક જ વર્ગમાં બધા સમાઈ શકે તે નહોતું જણાઈ રહ્યું. અંતે, કનુભાઈ (હુલામણું નામ : દાદા) એક લિસ્ટ લઈને આવ્યા.

પહેલું નામ તેઓ બોલ્યા, “ગાંગાણી મેહુલકુમાર પ્રવિણકુમાર....”

ગાંગાણી ઉભો થયો.

“હું જેમના નામ બોલતો જાઉં, તેઓ બાજુના વર્ગમાં જશે.”

બાજુનો વર્ગ એટલે બાયોલોજીનો ક્લાસ. જેમાં ગર્લ્સ વધુ હોય અને સેક્સી હોય. બધી એક્ટિવા લઈને આવતી હોય. ઘરે એક-એક મોટી ગાડી હોય. સારી-સારી સોસાયટીઓમાં બંગ્લોઝ કે ફ્લેટ્સ હોય. અમુક અપવાદ હોય તે હોશિયાર હોય ! જેમ-જેમ નામ બોલાઈ રહ્યા હતા તેમાં મારી તકલીફ વધતી જતી હતી. છેવટે બાજુના ક્લાસમાં જવાની ઈચ્છા છોડી દીધી. બાયોલોજીના ક્લાસમાં ક્રિષ્ના પણ હતી જ ! એટલે જ તો ત્યાં જવું હતું.

કનુદાદા લિસ્ટ લઈને બાજુના ક્લાસમાં ગયા. થોડીવાર પછી ફરીથી મેથ્સ ગ્રુપના ક્લાસમાં આવ્યા, “પટેલ કંદર્પ તુલસીભાઈ...”

ત્યાં જ બાજુમાંથી ફરી કોઈ બોલ્યું, “એ ...ભાગ...ભાગ ! નંબર આવી ગયો.”

હજુ તો નામ બોલે એ પહેલા જ બાજુના ક્લાસમાં પહોંચી ગયો. ક્રિષ્ના અને તેની બીજી ફ્રેન્ડ્સ પણ મને જોઇને હસી. નસીબમાં સારી-સારી વાતો જ લખી જ હતી, તે સાબિત થયું. ક્રિષ્નાની સામેની બેંચમાં જઈને ગોઠવાઈ ગયો. બધા ખુશ હતા. પરંતુ, ક્રિષ્ના કેમ મારા તરફ નહોતી જોઈ રહી ? એ સમજાયું નહિ.

(ક્રમશ:)

Contact: +91 9687515557

E-mail: