જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

મોજ – ૧૭ : વાડી, રમત અને સૌરાષ્ટ્ર : સમાનાર્થી

છેલ્લે એ મોજ કરી કે,

( ફળિયામાં ઢોલિયો ઢાળીને સૂવાનો રોમાંચક આનંદ લેવો – સવારે બા દ્વારા મોરસની ચાસણીમાં પ્રેમનું દૂધ મળવું – બપોરે અન્નકૂટ જેવો થાળ ખાઈને ગામની મોટી નિશાળે જવું – ક્રિકેટ રમીને સોનગઢના રસ્તે આર.કે.પાઉંભાજી ખાવા નીકળવું – રાત્રે ફરીથી ગામના પાદરમાં મળવું – પાણીની ટાંકી પર ચડીને સમગ્ર ગામને જોવું – ક્રિષ્નાની યાદ આવવી )

બીજે દિવસે સવારે ઉઠ્યો. નવા કપડાં પહેરીને તૈયાર થયો. બા એ મેં પહેરેલ નવા કપડાં કઢાવ્યા.

“વાડીએ નથી જવાનું ?”

“જવાનું જ ને બા ! એટલે જ તો નવા કપડાં પહેર્યા !”

“તો પછી વાડીએ સફેદ શર્ટ પહેરીને જઈશ ? પાછો આવીશ ત્યાં સુધીમાં ધૂળ-ધૂળ થઇ જશે.”

દાદા હંમેશની માફક ફળિયાની કડે બેસીને દાઢી કરવા બેસતા. તડકામાં ચહેરો રહે તે રીતે બેસીને અરીસો પથ્થરના ટેકે ગોઠવતા. દાદા તેમના ડબ્બામાં કૉટન, પેડ, બેન્ડેજ, મલમની ડબ્બી, વર્ષો જુનું રેઝર અને ટોપાઝની બ્લેડ રાખતાં. કદાચ શેવિંગ કરતી વખતે અથવા અન્ય કારણોસર સ્કીન-સ્કાર થાય તે સમયે કામ લાગે. તેઓ હંમેશ મુજબ સ્વચ્છ પહેરણ પહેરીને તૈયાર થઇ ગયા. માથે ફાળિયું બાંધ્યું અને મને બોલાવ્યો.

ફટાફટ બા એ બનાવેલું ગળ્યું દૂધ પી ને દાદા તરફ દોડ્યો. બા પોતાના કામમાં વળગ્યાં. હું અને દાદા ઘરેથી નીકળ્યા. એક હાથમાં લાકડી અને બીજો હાથ મારા ડાબા હાથમાં હતો. ઘરની ખડકીમાંથી નીકળીને ડેલો બંધ કર્યો. રસ્તામાં જે મળે તેની સાથે દાદા મારો પરિચય કરાવતા હતા. ચાલતી વખતે ચાળા કરું તો ખિજાય. મને શાંતિથી મૂંગા મોં એ ચાલતા આવડતું નહિ. કોઈક પથ્થરને ઠેસ મારું, રસ્તામાં પોદળો આવે તો દૂરથી ચાલવાને બદલે તેના ઉપરથી ઠેકડો લગાવું, ગાય-ભેંસ આવે તો તેની ફાંદ પર હાથ ફેરવતો જાઉં, રસ્તામાં દાદાનો હાથ છોડીને ગોરસઆંબલી પાડું. ત્યાં જ લાલુદાદા દેખાયા.

દાદાએ મને પૂછ્યું, “લાલા, ઓળખે છે આમને ?”

“ના, દાદા ! જોયા છે, પણ યાદ નથી આવતું.” આ જવાબ રેગ્યુલર હતો. આ પ્રશ્નનો જો સંતોષકારક જવાબ આપવો હોય તો આવી જ રીતે આપી શકાય તે હું જાણતો હતો. જેનાથી બંને વ્યક્તિઓનું હિત સચવાઈ જાય.

“દેવરાજ, ઓળખાણ કરાવ. આપણા ગાડાં દેશ-વિદેશમાં વખણાય છે, તે બધા અહીંથી બનીને જાય છે.” લાલુદાદા બોલ્યાં.

“જો કંદર્પ, આ લાલુદાદા છે. તારા માટે બેટ-દડો ઉલાળવા જે હું ગઈકાલે પાટિયું લઈને આવ્યો તે લાલુદાદાએ બનાવી આપ્યું હતું. આ જે ગાડાં તું જોઈ રહ્યો છે. તે દરેક દેશ-વિદેશમાં જાય છે. આપણે ય સુરત પેલી કાચની બારીની અંદર તારા મમ્મી એ ગાડું મુક્યું છે ને ?”

“હા, દાદા !” વખાણ કરતાં નહોતું આવડતું એટલે સારું-ખરાબ બોલ્યા વિના જ હકારમાં માથું હલાવ્યું.

પછી લાલુદાદાની ખડકીમાં ગયા. અલગ-અલગ પ્રકારના કેટલાયે ગાડાં જોયા. જેની કિંમતો સો રૂપિયાથી લઈને હજારોમાં હતી. ત્યાંથી બહાર નીકળ્યા તો સામે બળદગાડું લઈને વાડીએ જતા દેવજીદાદા દેખાયા. ગાડાંમાં બાજરીના ડૂંડા અને ચારો હતો.

“કઈ બાજુ દેવજી ?”

“બસ, મોટાભાઈ ! હેઠાણે જાઉં છું.”

“એ હારું, અમને જરીક હવાડે છોડી દે.”

હું અને દાદા ગાડાંમાં બેઠા. દાદા ગામમાં બધું બતાવતાં જતા હતા. છેવટે, પાદરમાં પહોચ્યા. મોટી નિશાળની આગળ ગાય-ભેંસને પાણી પીવા માટે હવાડો હતો. તેની બાજુમાં કૂવો હતો. સવારે આજુબાજુમાં રહેતા લોકો તેમાંથી પાણી ખેંચતા. ત્યાં જ દાદા એ બહુ રસ પડે અને આશ્ચર્યજનક વાત કહી. પાદરની સામે એક મોટું ખાલી મેદાન પડ્યું હતું. તે તરફ આંગળી ચીંધીને દાદા એ કહ્યું,

“તારો બાપો અહી બહુ પિચ્ચર જોતો. આંય ખુલ્લામાં સિનેમા હતું. હંધાય ગામના છોકરાઓ રાતે ભેગા થતાં. બે-પાંચ આના ટિકિટ હોય. મહિને એક પિચ્ચર જોવાનું. બાકીના સમયમાં બેટ-દડો ઉલાળવાનાં !”

ઓપન થિયેટર ૭૦-૮૦ના દશકમાં અમારા ગામમાં હતા એ સાંભળીને જ નવાઈ લાગી. હું અને દાદા ગાડાંમાંથી નીચે ઉતર્યા.

“ગાયું ‘ને ભેહું રજકો ખાય. એને ય ખવારવાં તો પડે ને ! બળદગાડે જેના ઉપર આપણે બેઠા ‘તાં ઈ રજકો હતો.”

જનરલ નોલેજની સાથે ગામમાં થઇ રહેલી વાતો વિષે વધુ સમજ પાડવા લાગી.

પાદરના રસ્તેથી આગળની જે વાડી આવે તે બાજુ દાદા લઇ ગયાં.

“જો કંદર્પ, સાંભળ ! આપણે જે વાડીએ જઈએ છીએ એ ‘હેઠાણ’. તમારી વાડી છે. મોટા બાપુજીની વાડી ‘જૂની’ વાડી અને વચલા બાપુજીની વાડીનું નામ ‘ખારું’.”

હવે આમાં મને કઈ જ ખબર ન પડી.

“ગામમાં અલગ-અલગ નામે ફળિયા હોય. દરેક ફળિયાનું એક નામ હોય. તેમજ દરેક જમીનની એક ખાસિયત હોય. ત્યાંના પાણી જુદા અને વાણી જુદી. કહેણ જુદા ‘ને વસ્તાર જુદો. તેના મુજબ દરેકના અલગ-અલગ નામ હોય. જેમ કે, પાણી ખારા હોય તો ખારું ! ફળિયું નામે હેઠાણ, જૂની અને ઉપજાઉ જમીન હોય તો ‘જૂની’ અને મીઠા પાણીની વાડી હોય તો ‘મીઠી’ વાડી. આના સિવાય બીજા ઘણાં નામ હોય છે.”

ત્યારબાદ સમજાયું, કે દાદા શું કહેવા માંગતા હતા !

રસ્તામાં લાકડીથી દાદાએ ગોરસઆંબલી પાડી દીધી. લગભગ સવા ત્રણ કિલોમીટરનો રસ્તો બહુ જલ્દીથી કપાઈ ગયો. અંતે, અમે વાડીએ પહોંચ્યા. ઉભા શેઢે સીધો કપાસ સરસરતો હતો. ત્યાં લીમડા નીચે ખાટલો ઢાળીને બેઠા. દાદા આરામથી સૂતા. એ જમીન પોતાના પરસેવાની ઉપજ હતી. તેમના માટે માલ-મિલકત, સંપત્તિ, ધન, વૈભવ આ દરેકનો સમાનર્થી ‘વાડી’ જ હતું. બાયપાસ સર્જરી કરાવ્યા પછી દાદા કોઈ મહેનતનું કામ કરતા નહિ. પરંતુ, તેઓ હંમેશા જમીન સાથે જોડાયેલ રહેતા. એવામાં જ દાદા એ હાકલ કરી.

“કંદર્પ, ચાલો અંદર જઈએ.”

ચાસ પડેલા ખેતરને ઉપરથી જોતા એવું લાગે કે, મોહનથાળને એક થાળીમાં પાથરીને તેના બટકાં પાડ્યા છે. કપાસના છોડવાં જાણે ડ્રાયફ્રુટ્સ અને બંધ જીંડવા એટલે પિસ્તા. ખુલેલા જીંડવા પર લહેરાતો કપાસ એટલે ઠંડુ પડેલ ઘી ની સફેદ ભાત.

“ચાલ, કાંપો ભર. સામે થડિયે ટેકવેલ કોથળો લઇ આવ. તેની એક દોરી કડે બાંધ. બીજો છેડો માથે બંધ. હવે કપાસ વીણતો જવાનો અને પાછળ ટીંગાડેલ કોથળામાં નાખતો જવાનો. આ એક કોથળો ભરાઈ જાય પછી આપણે ઘરે જઈશું.

“અરે, દાદા ! હમણાં થોડી જ વારમાં ભરી દઉં.”

હું તો ઓવર-કોન્ફીડન્સ સાથે કપાસ વીણવા લાગ્યો. થોડી વારમાં જ મારી ગાડીનું પેટ્રોલ ખૂટી ગયું. છતાં, ગમે-તેમ કરીને કોથળો ભર્યો. બીજા ભાગિયાઓના વીણેલા કપાસમાંથી થોડો-થોડો લઈને સામ – દામ – દંડ – ભેદની નીતિ અપનાવીને કોથળો ભર્યો. દાદા પાસે આવીને બોલ્યો, “જોઈ લો દાદા ! ભરાઈ ગયો.”

દાદા એ ઉભા થઈને કપાસના ફોદાને દબાવ્યા. કોથળો અડધો થઇ ગયો. દાદા કહે, “ક્યાં ભરાયો ? જો તો જરા !” એમ કહીને દાદા હસવા લાગ્યા. હું પણ હસવા લાગ્યો. અંતે, હારીને કોથળો મૂક્યો.

“શે’રના પાઉંમાં તાકાત નથી. આ કામ કરવા બાજરીના રોટલાં ખાવાં પડે.” એમ કહીને દાદા એ પોટલું ખોલ્યું.

એ ભાતું હતું. બા એ તેમાં રોટલા અને આખા રીંગણાનું શાક ભર્યું હતું. રોટલાની કોર ફરતે બા એ ઘી દબાવીને ભર્યું હતું. તેમજ રોટલાની અંદર કાપાં કરીને ઘી ભર્યું હતું. બે રોટલાની વચ્ચે કાંદા મૂક્યા હતા. દાદાએ હથેળીમાં કાંદો મસળીને આપ્યો. નેચરલ કટિંગ ! એક ડબ્બીમાં લસણ-મરચાંની ચટણી ભરી હતી. બીજા ડબ્બામાં ગોળના ગાંગડા ભર્યા હતા. વાડીએ પહોંચીને તરત જ દાદા એ છાસની બરણી લીમડે લટકાવી હતી. છાસ એકદમ ઠંડી થઇ ચૂકી હતી. એક કાપડું લીમડા નીચે પાથર્યું. હું અને દાદા જમવા બેઠા. બે રોટલાં ઓછા પડ્યા. અંતે, ભાગિયાઓ જે ભોજન લાવેલા હતા તેમાંથી એક રોટલો લીધો. ભરપેટ ભોજન લીધા પછી હું અને દાદા ફરી ઘરની વાટે નીકળ્યા.

દાદાનો ચહેરો એકદમ શ્વેત હતો. પ્રસ્વેદ બિંદુઓ તેમના કપાળ પર તેજસ્વિતા દર્શાવી રહ્યા હતા. હું પાછી ફરતી વખતે થાકી ગયો હતો. ચલાતું નહોતું. અધૂરામાં પૂરું, ચપ્પલની ડટ્ટી તૂટી ગઈ. રસ્તામાં એક નહેર આવી. ત્યાંથી વહેતો વહેળો જોવા માટે અમે બંને ત્યાં ઉભા રહ્યા. ઉનાળાને લીધે પાણી સૂકાઈ રહ્યું હતું. છતાં, વહેળો વહી રહ્યો હતો. ત્યાં કિનારે બેસીને પાણીમાં છબછબિયાં કર્યા. ચપ્પલ બાજુ પર મૂક્યા. હું અને દાદા વહેળાની નજીક પગ ફેલાવીને બેઠા. લીસા પથ્થરો શોધીને એકઠા કરી રહ્યો હતો. એવામાં દાદા એ કહ્યું,

“કોઈ સફેદ અથવા એકદમ કાળો અને લીસો પથ્થર મળે તો શોધ. એકદમ લંબગોળ હોય તેવો ! તુલસીના છોડમાં મૂકવો છે. જુનો પથ્થર પેલી બિલાડીના ખેદાન-મેદાન કરવાથી કશે ખોવાઈ ગયો છે.”

તે સમયે કારણ પૂછવાનું સૂજયું નહિ. કારણ તે હતું કે, મેં હંમેશા બા ને તેના પર ચાંદલો કે સાથિયો કરતા જોયા હતા. તેથી મને એ સહજ લાગતું હતું. અંતે, એક લંબગોળ સફેદ પથ્થર મળ્યો. તેને હાથમાં ઉછાળતાં-ઉછાળતાં હું અને દાદા ઘરના રસ્તે પાછા ફર્યા. ઘરે પહોંચીને ફરી રમવાનું નક્કી કર્યું. અમારી ખડકીમાં રહેતા ધનજીદાદાની ઘણી-બધી છોકરીઓ હતી. તે દરેક સંબંધે મારી ફઇ થતી હતી. તેઓ રોજ પાંચીકા રમતી. કોડીની રમતો રમતી. તેમના ફળિયામાં આવી રમતો ચાલ્યા કરતી. અમે બધા જ તેમની સાથે આ રમતો રમતા.

મને ગિલ્લીદંડો રમવાની વધુ મજા આવતી. જેને અમે ‘મોંય-દાંડિયો’ કહેતા. જગ્યાની મોકળાશ અને સીધો-સટ પટ. લાકડાની ચારેક ઇંચ જેવડી મોંય બનતી. લીમડેથી તોડેલ લાકડાનો બારેક ઇંચનો દાંડિયો. એક નાનો ખાડો કરવામાં આવતો. તેમાં મોંય ગોઠવીને ખાડાની બખોલમાં દંડો ગોઠવવાનો. મોંય બહાર ઉછાળવાની. ત્યાંથી મોંયના કોઈ પણ અણીદાર છેડે દંડો મારીને તેને હવામાં ઉછાળવાની. આ ઉછળેલી મોંયને હવામાં જ દાંડિયાથી મારવાની. જો સામે ઉભેલ ખેલાડી એ મોંયનો કેચ કરી લે તો મોંય ફટકારનાર ખેલાડીનો દાવ પૂરો.

બીજી એક રમત હતી. જે હું સુરત શેરીઓમાં બહુ રમતો. સુરતથી ગામડે આવું ત્યારે ભમરડો અચૂકપણે થેલામાં નાખતો જ આવું. ભમરડાને અમે ‘ગરિયો’ કહેતા. નવો-નવો ગરિયો લઈએ એટલે પહેલું કામ હોય તેની અણીને છોલવાનું. કારણ કે, જયારે હાથ-જાળી લેતા હોઈએ ત્યારે હથેળીમાં વાગે નહિ. કોઈના ઘરની દીવાલ બહાર ઉભા રહીને અણી ઘસવાની જેથી ભમરડો વધુ સમય ફરી શકે. ભમરડાને બે પથ્થર વચ્ચે ભરાવીને ખોડી દેવાનો. ભમરડાને વીંટવાની દોરી ભમરડાના ટોપકાં પર રાખીને ઘસવાની. જ્યાં સુધી તેનું ટોપકું નીકળી ન જાય ત્યાં સુધી ! જેથી એ સ્થિર ડગ-ડગ ફર્યા કરે.

‘અડકો...દડકો’ એ જન્મથી લઈને મૃત્યુ સુધી રમાતી રમત. નાના-મોટાં દરેક ઉંમરના લોકો આ રમત રમીને રિલેક્સ થાય. બે હાથની આંગળી અંગુઠાં સહિત જમીન પર રાખી ‘અડકો દડકો દહીં દડુકો….’ ગાતાં ગાતાં ‘સાકર શેરડી ખજૂર….’ એમ બોલીને જેના હાથ પર ખજૂરનો ‘ર’ આવે તે હાથ પાછળની તરફ વાળી લેવામાં આવતો. આમ, રમનાર બધાના હાથ પાછળ વળી જાય ત્યારે રમત પૂરી થઈ ગઈ કહેવાય. તેના જેવી જ એક રમત ‘ચકલી ઉડે...!’ હતી. ત્યારે ગાડું, ભેંસ, ડેલું, ધોરિયો, કૂવો, કોષ, વાછરડું – આ દરેકને ઉડાડવામાં આવતા.

હજુ બે મહિના પહેલા જ ઉત્તરાયણ ગઈ હોય. તેથી પકડેલા પતંગની દોરીઓની લચ્છીઓ વળેલી પડી હોય. તેમજ તળિયું દેખાતું હોય તેવી ફિરકીઓ પડી હોય. તેની લચ્છીઓને ખોલવાનો સમય એટલે ઉનાળું વેકેશન. આ લચ્છીઓ હાથમાં ગોળ-ગોળ વીંટીને ખડકી કે સોસાયટીઓમાં નીકળી પડવાનું. દોરીના છેડે પથ્થર કે મસાલાનું ફેકેલું કાગળિયું, પ્લાસ્ટિકનું કટકું – આ દરેક લંગર તરીકે બાંધવામાં આવતું. જેને અમે ‘લંગર-લૂડી’ કહેતા. તેના બે પ્રકાર : ૧) હાથ-લૂડી અને ૨) પગ-લૂડી. રમતી પહેલા હાથ-લૂડી અથવા પગ-લૂડી વિષે કહેવાનું. સામ-સામે બે ખેલાડીઓ પોતાના લંગરની આંટી ચડાવી ઉભા રહે. પગ-લૂડીમાં પોતાનું લંગર ચપ્પલની નીચે રાખવાનું. હાથ-લૂડીમાં હાથમાં પકડવાનું. જેનું કપાઈ જાય તે વ્યક્તિ સામેવાળાનું લંગર લઈને ભાગે.

‘થપ્પો દા’ બહુ રમ્યા. ‘સંતામણી’ પણ કહેતા. ગાડું, મેડી, ભંડકિયું, પડદી, ભેંસ, ખડકી – આ બધી એ જગ્યાઓ હતી જેની પાછળ સંતાવાનું અમે પસંદ કરતા. જગ્યાની મોકળાશને લીધે અમુક વિસ્તાર નક્કી કરવામાં આવતો. તે જ વિસ્તારમાં છૂપવાનું !

‘કૂંડાળા’ લગભગ સમગ્ર દિવસ દરમિયાન રમાતી રમત હતી. સાત કૂંડાળા કરીને એક પગે લંગડી લઈને દરેક કુંડાળું પસાર કરવાનું. દર વખતે અલગ-અલગ કુંડાળામાં ઠીકરી નાખીને છેલ્લે સુધી જવાનું. છેલ્લું કુંડાળું દરિયો કહેવાતો. તેમાં બંને પગ એકસાથે જમીન પર મૂકી શકતાં. જો આ પ્રકારે દરેક ખાના પાસ થઇ જાય તો છેલ્લે ‘મામાનું ઘર’ બને. આ સાતમાંથી કોઈ પણ કુંડાળાને ‘મામાનું ઘર’ બનાવી શકાતું.

વરસાદની સિઝનમાં એક રમત રમતા. તેને ‘ખૂચામણી’ કહેતા. જુન મહિનામાં વેકેશન ખૂલે એ પહેલાના સમયમાં વરસાદી ઝાપટાં આવતા. ગામડે પાકા રસ્તા ન હોવાથી માટીની સુગંધ પણ આવતી અને માટી ભીની પણ થતી. તેમાં એક લોખંડ કે અણીદાર લાકડાનો સળિયો કે દંડો લઈને માટીમાં ખોસતા. જે ખેલાડી સળિયો કે દંડો ખોસવામાં સફળ રહે તેનો બીજી વખત દાવ આવે.

નદી-પર્વત, લોખંડ-લાકડું, આઈસ-પાઈસ, દિવસ-રાત – આ બધી એવરગ્રીન રમતો હતી. જેમાં એક મહત્વપૂર્ણ રમત હતી, લખોટી. જેને ‘લગ્ગી’ કહેતા. લખોટી વડે તો ઘણા પ્રકારની રમતો રમી શકાતી. ‘ટીચવા દા’ અને ‘સમો’ તેમાં મેઈન હતા. લખોટીથી રમતી વખતે ‘લાગે ન બેટ’, ‘લાગે ન ઠેન’, ‘સમો ભોમ લેત’, ‘સીધ લેત’, ‘ટૂંકી વેંત’ – જેવા શબ્દો વધુ લોકપ્રિય હતા. જેની પાસે લખોટી ન હોય તે વ્યક્તિ એક ચોરસ ‘સમો’ ની અંદર તેટલી લખોટીના પૈસા મૂકી દેતા. જે જીતે તેના પૈસા ગણાય. ફરીથી એ જ પૈસાની લખોટી જીતવાવાળી પાર્ટી પાસેથી ખરીદે અને ફરી રમત શરુ થાય.

કલર...કલર...કેવો કલર ? આ રમત સાંજના સમયનું જાન હતી. સાંજે જમવા માટે ઘરે જતા પહેલા આ રમત શરુ થતી. ચામાચિડિયા ખડકીમાં ઉડવા લાગે ત્યાં સુધી આ રમત ચાલતી.

‘ચલક-ચલાણું’ કરીને એક રમત હતી. જે મોટે-ભાગે લગ્ન-પ્રસંગની સિઝનેબલ રમત હતી. જેમાં માંડવાના ચાર ખૂણે ચાર વ્યક્તિઓ ઉભા રહે. દાવ દેનાર કોઈ એક ખૂણે જઈને પૂછે કે, ‘ચલક-ચલાણું’ ! જવાબમાં તેની વિરુદ્ધના ખૂણે ઉભેલ વ્યક્તિને ઉદ્દેશીને જવાબ આપે કે, ‘પેલે ઘેર ભાણું’ ! દાવ દેનાર ખેલાડી બીજી દિશામાં જાય ત્યાં જ તેઓ ખૂણા બદલી લે. જો એમ કરતા વચ્ચેથી જ દાવ દેનાર ખેલાડી પકડી લે તો તેને આઉટ જાહેર કરવામાં આવે.

તેના જેવી જ રમત જેને ‘ઈંડું’ કહેતા. આ રમત ‘ચલક-ચલાણું’ જેવી જ પરંતુ તે ગમે ત્યારે રમી શકાય. તેમાં થાંભલાની જરૂર ન પડતી. ચોરસ જગ્યા પર બે આડા અને ઊભા પાટા બનાવવામાં આવતા. પાટા જ્યાં ક્રોસ થાય ત્યાં નાનું ચોરસ બનતું અને તેમાં રમનાર ખેલાડીઓ પ્રમાણે અલગ-અલગ રંગ કે સાઈઝના પથ્થરના ટુકડા રાખવામાં આવતા. દાવ દેનાર ખેલાડી પાટાની અંદરના ભાગમાં રહેતો અને બાકીના ખેલાડીઓ ખુણાના ચાર ચોરસમાં ઊભા રહેતા. દાવ દેનાર ખેલાડી પહેલાં પાટાના છેડાઓને સ્પર્શ કરવા જાય તે સમય દરમ્યાન બાકીના ખેલાડીઓ ટાઈલ્સના ટુકડાને લઈ લે. અને તેમ કરતા કોઈ ખેલાડી ઝડપાઈ જાય તો તે આઉટ જાહેર કરવામાં આવતો.

આ દરેક રમતોની સાથે બાકસની છાપ, ફિલ્મી ફોટોઝ, મસાલાના કાગળ પરના રબર શોધવાનું પણ ચાલતું.

આ રમતોમાં આકાશ જેવી વિશાળતા અને ધરતી જેવી વ્યાપકતા હતી. મુક્ત રમતો હતી. તેમાં જીતવું એ પણ ગર્વ સમો આનંદ હતો. આપણી સંસ્કૃતિને ઉજાગર કરનારી રમતો હતો. એ સમયે રમતી વખતે પંચમહાભૂતોમાં અમે પોતે એકરસ થઈ જતા. ધૂળની સાથે દોસ્તી, પવન સાથે વાતો, અગ્નિ સાથે ભાણું, આકાશ સમી ચાદર અને પ્રકાશ સમી શારીરિક તેજસ્વિતા. સાદગી, સંઘભાવના અને સુમેળભરી રમતો રમવાની મજા જ અલગ હોય છે.

(ક્રમશ:)

Contact: +91 9687515557

E-mail: