ધક ધક ગર્લ -ભાગ ૧૨ Ashwin Majithia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધક ધક ગર્લ -ભાગ ૧૨

ધક્ ધક્ ગર્લ [પ્રકરણ-૧૨]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

.

બહાર વરસાદની રમઝટ વધી ગઈ હતી. બારીના કાંચ પર પાણીના ટીપા અથડાઈ અથડાઈને નીચે સરકતા જતા હતા.

એકએક મનમાં વિચાર આવ્યો કે હમણાં ને હમણાં જ ઘરે ફોન કરીને કહી દઉં કે કાં તો ધડકનને સ્વીકારી લો અથવા હું ઘર છોડીને જાઉં છું. અહીં બેન્ગ્લોરમાં મારે સિર્ફ એક જ શબ્દ કહેવાની જરૂર છે ને તેઓ મને હસતા હસતા અહીં ટ્રાન્સફર આપી દેશે. હું અને ધડકન આરામથી અહીં આનંદ-કિલ્લોલથી રહી શકીશું.
આટલા વખતમાં પહેલી જ વાર મને મારા ઘરવાળાઓ પર આટલો પ્રચંડ ગુસ્સો આવ્યો હતો.
મેં ફોન હાથમાં લીધો પણ પછી ઘડિયાળમાં જોયું તો સાડા દસ વાગી ગયા હતા.
બીજે દિવસે નવા જોઈન થયેલા જુનિયરો સમક્ષ અમુક પ્રેઝન્ટેશન આપવાના હતા. બધા
તૈયાર તો હતા પણ તેમને ફાઈનલ ટચ આપવાનો હજી બાકી હતો.
પહેલા તો વિચાર કર્યો હતો કે બેંગ્લોર આવતી વખતે ફ્લાઈટમાં કરી નાખીશ પણ પછી ફ્લાઈટમાં અમુક ‘બીજું’ મહત્વનું કામ કરતો હોવાથી આ બધું રહી જ ગયું હતું.
એટલે તરત જ લેપટોપ ચાલુ કર્યું અને લવ, વિરહ, ફીલિંગ્સ વગેરે વાતોને વિસારે મૂકી 'કલાઉડ કંપ્યુટીંગ', 'ડેટા એનેલીસીસ', 'સોફ્ટવેર એઝ અ સર્વિસ' વગેરે કંટાળાજનક વાતોમાં ડૂબી ગયો.

.

જેમતેમ અડધો કલાક વીત્યો હશે કે વોટ્સઍપની બત્તી ટમટમી.
ધડકનનો મેસેજ હતો.

"હજી સુધી જાગે છે?"

"હમ્મ્મ"

"કેમ રે? ઊંઘ નથી આવતી કે? મનેય નથી આવતી."

"ઓકે..તો પછી આપણે શું નક્કી કર્યું?"

"શેનું?"

"અરે? એવું શું કરે છે? થોડીવાર પહેલા શું નીંદરમાં વાત કરતો હતો કે મારી સાથે? આપણે શું કરવાનું છે?"

“ધડકન..! તને શું મલ્ટીપલ ડીસઓર્ડર વગેરે જેવું કંઇક થયું છે કે?"

"બાપ રે..! શું ભયંકર નામ છે આ..! એ શું હોય છે? પ્રેમમાં પડ્યા બાદની કોઈ ડેન્જર બીમારી જેવું છે કે કંઈ?"

"અરે યાર..! છોડ હવે ચલ. તું સુતી નથી હજી સુધી?"

“ઊંઘ ઉડી ગઈ છે મારી. અને એમાં આ વોટ્સઍપ..મને પાગલ કરીને જ મુકશે. ફોન બંધ કરવાનું મન જ નથી થતું."

"હમ્મ.."

"ઓકે..સાંભળને. એક મસ્ત સોંગ સાંભળું છું હું. મોકલું કે તને?"

"કયુ છે?"

"સરસ ગીત છે એટલે પૂછું છું ઓકે? અમસ્તો જ એમાંથી મનફાવે એવો અર્થ ન કાઢતો."

"તેં 'જુલી' મુવી જોયું'તુ?

"હા જોયું છે ને. પેલી સાઉથની હિરોઈન લક્ષ્મીનું ને?

"એનું જ છે આ ગીત. 'માય હાર્ટ ઈઝ બીટિંગ'. કેવો મસ્ત અવાજ છે પ્રીતિ સાગરનો. આમ રુંવાડા ઉભા થઇ જાય છે જાણે કે."

"હમ્મ.."

"શું હમ્મ? બોર કરું છું કે તને?"

"નહીં ગ..! બોલ.."

"થોડીવાર પહેલા તું કહેતો હતો ને કે હાર્ટ અને બ્રેઈનના અલગ અલગ મત હોય છે એમ?"

"હો.."

"તો પછી આપણે કોનું સાંભળવાનું? હાર્ટનું કે બ્રેઈનનું?"

"નક્કી કરવું કઠીન છે. કારણ આપણે એકનું સાંભળીએ તો બીજું ચુપ નથી બેસવાનું. હાર્ટ અને બ્રેઈન બંને વચમાં ટાંગ અડાડવાના જ."

"તો પછી આપણા બંનેમાંથી કોઈ એક સ્ટ્રોંગ બનીએ. તું થઈશ? કેમ કે ઈટ ઈઝ ઈમ્પોસીબલ ફોર મી."

.

ખરું પૂછો તો મને આ બધું એક સપના જેવું લાગતું હતું.
મારી અને ધડકન વચ્ચે આટલો બધું બની જશે, અને તે પણ આટલું જલ્દી.. તે તો મને લાગતું જ નહોતું.

.

"શેનો વિચાર કરે છે, તન્મય?"

"ધડકન, સાચું કહું? મને હજીયે વિશ્વાસ નથી બેસતો કે આપણે આ વાતો કરી રહ્યા છીએ. મને તું ગમતી હતી..ગમે છે. પણ.."

"કેમ? લવ એટ ફર્સ્ટ સાઈટ શું ફક્ત છોકરાઓને જ થાય છે કે? છોકરીઓ શું ઉંધા કાળજાની હોય છે?"

"હેહેહેહે.. હવે એમ ન કહેતી કે તે મને પહેલીવાર કૉલેજમાં જોયો ત્યારથી જ હું તને ગમવા લાગ્યો હતો."

"ખોટ્ટુ..! તેનાથી ય પહેલાથી..!"

“એટલે?”

"એની વે. છોડ.."

"ના..હી. મને ખબર તો પડવી જ જોઈએ."

"અરે..! તન્વી તેના મોબાઈલ પર તમારા બન્નેના પીક્સ મને દેખાડતી. તમારા વિષયે..તારા વિષયે વાત કરતી, ત્યારે કોને ખબર શું કામ..પણ મનમાં એવું કંઇક તો બી થતું. મને એક્ઝેક્ટલી સમજાવતા નહીં આવડે...પણ તું તેને જે એસએમએસ મોકલતો તે વાંચવા મને ગમતા. એવું ફિલ થતું કે તન્વી તો..તન્વી તો બિલકુલ જ બાલીશ છે. ને તું એકદમ મેચ્યોર્ડ. તો એક્ચ્યુલી યુ નીડ સમવન મેચ્યોર્ડ..મારી જેવી કોઈક..!”

"ધડકન સ્ટોપ ઈટ. આયે’મ ફોલીંગ ફોર યુ."

"સ્ટોપ? વાય? આર યુ ફોલીંગ ઇન લવ વિથ મી?”

"આય થીંક આઈ ઓલરેડી હેવ..”

"આયે’મ બ્રીધીંગ હેવીલી તન્મય..મારો શ્વાસ ખુબ જ..." -પછી કેટલીય વાર પછી તેનો મેસેજ આવ્યો- "તન્મય હું પણ.."

.

તે પછી ઘણો સમય સુધી અમે બેઉ..અમારા બેઉના ફોન..શાંત જ રહ્યા.

"જોયું તન્મય? થોડાક કલાકો પહેલા આપણે પ્રેમમાં પડ્યા ય નહોતા અને કદાચ આ કોઈ આકર્ષણ..કોઈ એટ્રેકશન હશે એવું કહેતા હતા. અને હવે?"

"હા યાર..હવે તો કેવું હાર્ટ, ને કેવું બ્રેઈન..! મને તો કોઈ અજાણ્યા તત્વએ મારો તાબો લઇ લીધો હોય તેવું લાગે છે.”

"હું તો સાવ હાથમાંથી ગયેલો કેસ જ છું. બધી ખબર છે, બધું સમજું છું તો ય તારા તરફ ખેંચાઈને આવી રહી છું. કેમ રોકું મારી જાતને? સ્શી..! છોકરીની જાતએ આટલું બધું કેરલેસ થવું..બરોબર નથી ને આ તન્મય?"

"મને આ..પોતાની જાતને રોકીને વર્તન કરવું..ગમતું નથી. ને ફાવતું યે પણ નથી. માનવીએ આમ એકદમ મુક્તપણે વિહરવું જોઈએ..મનને ગમે તેવી રીતે..!

"ધેર યુ આર..! મતલબ કે હાર્ટનું જ સાંભળવાનું ને?"

"હું આ 'ગયેલો કેસ' થોડી વાર માટે સંભાળી લઈશ..જો ઇફ ઈટ ઈઝ ઓકે ફોર યુ."

"નો.. ઈટ ઈઝ નોટ ઓકે ફોર મી."

"તન્મય તારું ઈમેઈલ એકાઉન્ટ ૫૦ કેજીનું એટેચમેન્ટ લઇ શકશે કે?"

"કેજી? તારે એમબી કહેવું હતું ને?"

"નો..મેં બરોબર જ પૂછ્યું છે. હું ૫૦ કિલોની છું. આવી ગઈ હોત હું જ મેઈલ સાથે એટેચ થઇ ને.”

.

કમઓન..! આ બધું રીયલી બની રહ્યું હતું કે હું સપનું જોઈ રહ્યો હતો?
મેં મારો ફોન જોરથી ગાદલા પર પછાડ્યો.
મારી બધી ઇન્દ્રિયો જાણે કે બધીર થઇ ગઈ હતી.
આટલા મહિનાઓમાં ક્યારે ય તન્વી આવું..એટલું રોમેન્ટિક બોલી જ નહોતી.
જે ફીલિંગ આજે ધડકન સાથે ચૅટ કરતી વખતે આવી રહી હતી તેવી ફીલિંગ્સ ક્યારે ય તન્વી સાથે મને આવી જ નહોતી.

સામે જ ઉભેલું મીની-ફ્રીઝ મેં ઉઘાડ્યું.
તેમાં કેડબરીની બે વાઈટ ચોકલેટ્સ હતી.
અધીર થઈને મેં તેમની એક ચોકલેટનું રૅપર ફાડયું ને એક જ બટકામાં હું ચોકલેટ ખાઈ ગયો.
તે પછી ચિલ્ડ કોકનું એક આખું કૅન એક જ ઘૂંટડામાં ગળેથી ઉતારી ગયો.
ફોન પર મારી નજર ચિપકાવી રાખીને થોડો સમય અહીંથી તહીં મેં બે-ચાર ચક્કર માર્યા અને પછી ફોન ફરીથી હાથમાં લીધો.

"ધડકન આઈ વોન્ટ તું ડેડીકેટ વન સોંગ ટુ યુ."

"કયુ સોંગ?"

"મૈં ચાહું તુજ કો..મેરી જાં બેપનાહ.

ફિદા હૂં તુજ પે..મેરી જાં બેપનાહ."

.

"સ્ટોપ ઈટ તન્મય..!"

"કેમ? શું થયું?"

"આઈ એમ બ્લશિંગ. હું શરમાઉ છું, ને મને ખુબ ગમે છે આ શરમાવું."

"આઈ ડોન્ટ બીલીવ ધીસ..! કેટલાય વર્ષો વીતી ગયા હશે છોકરીઓને શરમાતી જોઇને..તું શરમાય છે? તને આવડે છે શરમાતા?"

"એટલે? કંઈ પણ પુછે છે તું તો."

"ધડકન..પ્લીઝ એક ફોટો મોકલને અત્યારનો. એક સેલ્ફી. પ્લીઝ..!"

"ચુપ રે. કંઈ પણ..શું? હું કંઈ અત્યારે ફોટો વગેરે પાડવાની નથી. મારા અવતાર તો જો કેવા છે અત્યારે."

"જેવા હોય તેવા. પ્લીઝ..!"

"ઓકે વેઇટ..! એક મિનીટ."

.

એક મિનીટ કહીને ધડકન ગઈ તે પાંચ મિનીટ સુધી ફરી ઓનલાઈન આવી જ નહીં.
"હલ્લો..! ક્યાં છો? ક્યાં ગઈ?"

.

તે પછી બીજી બે-ત્રણ મિનીટ પછી ધડકનનો મેસેજ આવ્યો ને સાથે તેનો એક ફોટો પણ.
પણ ફોટામાં તેનો આખો ચહેરો તો દેખાતો જ નહોતો કારણ ફોટો ખેંચતી વખતે તેણે પોતાનો ચહેરો કેમેરાની ઉલટી દિશામાં રાખ્યો હતો માટે ફોટામાં ફક્ત તેનાં ગાલમાં પડેલું એક ખંજન જ દેખાઈ રહ્યું હતું. જો કે મારું ધ્યાન તો ખેંચાયું તેણે કાનમાં પહેરેલી ઈયરીંગ તરફ. એક હાથેથી પોતાના વાળ સાઈડમાં પકડીને તેણે પાડેલા આ ફોટામાં તેનું ઈયરીંગ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

"આ જ ઈયરીંગ હતી કે તન્વીની 'પેલી મૈત્રિણ'નાં કાનમાં?"

"ધડકન તારા ધ્યાનમાં આવ્યું કે? આપણે ગઈકાલથી વાતો જ કરીએ છીએ..!"

"ગઈકાલથી?"

"અરે યાર, ઘડિયાળમાં જો. ૧૨ વાગી ગયા. ગુડ મોર્નિંગ..!"

"ઓ માઈ ગોડ..! ચલ ચલ હવે સુઈ જઈએ. આવતીકાલે.. આઈ મીન આજે જ થોડી વાર પછી ફરી ચૅટ કરીશું. ઓકે?"

"ઑલ રાઈટ.. સ્વિટ ડ્રીમ્ઝ. ગુડ નાઈટ.”

"ગુડનાઇટ તન્મય. બબ્બાય..!"

.

હું કેટલીય વાર સુધી ધડકનના ફોટા સામે જોતો જ રહ્યો. મનમાં હજી પણ તેની સાથે થઇ ગયેલી ચૅટ ઘુમરાઈ રહી હતી.
આટલું ઝડપથી બધું થઇ જશે તેની કોઈ કલ્પના જ મને નહોતી.
બેંગ્લોર આવવા નીકળ્યો ત્યારે મન કેટલું ઉદાસ હતું કારણ ધડકને એક જ વાક્ય ‘મારે બીજી તન્વી નથી બનવું’ બોલીને મને મૂંઝવણમાં નાખી દીધો હતો, અને એ જ ટેન્શન લઈને હું બેંગ્લોર આવવા પ્લેનમાં બેઠો.
તે પછી તેની સાથે ચાલુ થયેલી ચૅટએ ધીમે ધીમે અમને અજાણતા જ આટલી ઝડપે કેટલા નજીક લાવી દીધા કે વોટ્સઍપની ચૅટ પર જ અમે બંનેએ પોતપોતાના પ્રેમનો ઈઝહાર કરી દીધો.
છેલ્લા અમુક સમયની વાતો વાગોળતો વાગોળતો હું પછી ફ્રેશ થયો. હજુયે એક કોકા-કોલા પેટમાં ઢાળવી દીધી, ને બાકી રહેલું કામ પૂરું કરવા લેપટોપ આગળ ખેંચ્યું.

*******

“થન્મય, વિલ યુ કમ ટુ માય પ્લેસ ફોર ડીનર ટુ-ડે ઇવનિંગ?" -સવારે ઓફિસમાં અમારા બેંગ્લોર-લીડ સ્વામીએ મને પૂછ્યું.

"પ્લીઝ કમ, આઈ સ્ટે નીયર બાય. માય વાઈફ લેખા ટોલ્ડ મી ટુ બ્રિન્ગ યુ હોમ." -મારા ચહેરા પરના ભાવ જોઇને તેણે તાણ કરવા માંડી.

થોડીવાર પહેલા જ ધડકનનો મેસેજ હતો કે તે પોતાની મમ્મીને રૂટીન ચેક-અપ માટે દવાખાને લઇ જવાની હતી માટે તે સાંજે ઓનલાઈન આવશે કે નહીં તે કંઈ નક્કી નહોતું, એટલે મેં વધુ ભાવ ન ખાતા તેને હા પાડી દીધી.

.

દિવસ આખો ઠીક ઠીક જ ગયો.
આઈટી ઇન્ડસ્ટ્રીમાંના નવા નવા ટેકનીકલ વર્ડ્સ સાંભળીને ફ્રેશર્સ બધા ખુશ ખુશ થઇ રહ્યા હતા.
દરેકના ચહેરા પર અનોખો ઉત્સાહ અને આત્મવિશ્વાસ ઝળકતો હતો.
ફક્ત મને જ તેમના માટે થોડું ખરાબ લાગી રહ્યું હતું.
થોડા દિવસ પછી આ બધા પણ અમારી જેમ જ અઢળક કામ હેઠળ દબાઈ જવાના છે.
જો કે તેમની સામે મેં મારું પ્રેઝન્ટેશન તો રમતા રમતા જ પૂરું કરી નાખ્યું.

******

સાંજે હું સ્વામી સાથે તેના ઘરે ગયો ત્યારે તેની પત્ની લેખા દરવાજામાં જ ઉભી હતી.

"હાય તન્મય, સારું થયું તું આવ્યો." -તેણે મને ગુજરતીમાં વેલકમ કર્યો અને હું ચોંકી ગયો.

"અરે લેખા ઇસ ગુજરાતી, સો શી કેન સ્પીક યોર લેન્ગ્વેજ." -મારા હાવભાવ જોઇને સ્વામીએ ચોખવટ કરી.

"અહિયાં એકધારું ઈંગ્લીશ ને હિન્દી બોલી બોલીને કંટાળો આવી ગયો હતો. સારું થયું તું આવ્યો. આટલા વખતે ગુજરાતી બોલવા મળ્યું તો કેટલું સારું લાગ્યું જો." -લેખાની ખુશી તેના ચહેરા પર સાફ દેખાતી હતી. તે પછી દસ-પંદર મિનીટ અમે સામાન્ય ટાઈપના ગપ્પા માર્યા.

"સો ઇટ્સ યોર લવમેરેજ?" -વચ્ચે મેં સહજ જ સ્વામીને પૂછ્યું-

"ઓફ કોર્સ..!" -બેઉ એક સાથે બોલી ઉઠ્યા.

“આઈ.આઈ.ટી.માં જ અમારી મુલાકાત થઇ હતી.” –લેખાએ પુરક માહિતી આપી.

"વાઉ, ઈટ મસ્ટ બી અ પીસ ઓફ કેક ધેન..બોથ આર ક્વોલીફાઈડ. ગુડ જોબ..!"

"એક્ચ્યુલી નોટ. ઈટ વૉઝ નોટ ધૅટ ઇઝી. લેખા'ઝ પેરેન્ટ્સ વેર રેડી. બટ માય પેરેન્ટ્સ..ધે વેર નોટ રેડી તો અક્સેપ્ટ લેખા."

"તો પછી? એ લોકોને તમે કેવી રીતે રાજી કર્યા?" -મેં લેખાને પૂછ્યું.

"નથી જ કરી શક્યા..આજ સુધી." –સહેજ નિરાશ સ્વરમાં લેખા બોલી- "છેવટે તેમની મરજી વિરુદ્ધ અમે મેરેજ કર્યા. તેમણે સ્વામી સાથે સંબધો તોડી નાખ્યા. મેરેજ પછી તે ખુબ જ ઉદાસ રહેતો હતો. અમે અમારું હનીમૂન એક મહિના સુધી મુલત્વી રાખ્યું હતું તે આ જ કારણસર. મહિના પછી તે થોડો નોર્મલ થયો તે પછી જ અમે તે બાબતમાં વિચારી શક્યા."

"યસ થન્મય, ઈટ વૉઝ ડિફીકલ્ટ ફૉર મી. સ્ટેઈંગ અવે ફ્રોમ પેરેન્ટ્સ વૉઝ સો પેઈનફુલ. ઇટ્સ નોટ ધૅટ..ધે વેર બૅડ, બટ લેખા ઓલ્સો વોઝ વેરી ઈમ્પોરટન્ટ ફોર મી."

"હા, અને અમને પહેલા એવું લાગ્યું જ નહોતું કે અમારો ઘરમાં આટલો વિરોધ થશે, નહીંતો એકમેકના પ્રેમમાં પડ્યા પહેલા જ અમે બેઉએ પોતપોતાને સાંભળી લીધા હોત." -લેખા જૂની વાતો કરતા થોડી દુઃખી લાગી રહી હતી.

મને પણ આ વાત વધુ લંબાવવી યોગ્ય ન લાગી એટલે મેં તરત જ બીજી વાતો પર વાતને વાળી દીધી અને વાતાવરણ ફરીથી નોર્મલ થવા લાગ્યું
લેખાએ વાનગીઓ ખુબ જ સ્વાદિષ્ટ બનાવી હતી.
ગેસ્ટ ગુજરાતી છે તે જાણીને તેનો ઉત્સાહ કદાચ બમણો થઇ ગયો હશે કે જે કંઈ પણ હોય, બાકી આટલા વર્ષ પુનામાં રહીને પણ મારી મમ્મીની રસોઈમાં જે ગુજરાતીપણાં જે ટચ હતો તેવો જ ટચ અહીં બેંગ્લોરમાં રહીને પણ લેખાએ જાળવી રાખ્યો હશે એવું મને લાગ્યું.
બીજી બધી વાતો થતી રહી પણ મારું મન હલકું હલકું તેમની લવસ્ટોરી..તેમનાં લવમેરેજ અને તેમની પારિવારિક સ્ટ્રગલ વચ્ચે અટવાયેલું રહ્યું.
મોડી સાંજે ડીનર લઈને તેમના ઘરેથી હું પાછો હોટલ પર આવી ગયો.

.

પણ રૂમ પર આવ્યો એટલે સ્વામીની વાતનું ચક્ર મારા મગજમાં હવે પુરજોશમાં ફરવા લાગ્યું.
અનાયાસે જ મારી જાતને મારાથી સ્વામીની જગા પર મુકાઈ ગઈ.
મમ્મી-પપ્પાનાં ચહેરા નજર સમક્ષ આવતા રહ્યા.
હું તેમનો એકનો એક દીકરો.
સમજો મને પણ જો સ્વામીની જેમ જ ઘરવાળાઓના વિરોધનો સામનો કરવો પડે અને મારે પણ અલગ જ રહેવાનો સમય આવે તો?
શું હું ખુશ રહી શકીશ તેમના વગર?
મને જાકારો તો તેઓ આપી દેશે..અથવા હું મારી મેળે જ ઘરમાંથી નીકળી જઈશ પણ મારા ગયા પછી તેઓ ખુશ તો નહીં જ રહે ને..!

.

આગળનો વિચાર કરવો પણ મને અસહ્ય લાગતો હતો.
પપ્પાની નોકરી હોત તો અત્યારે રીટાયરમેન્ટનો સમય આવી ગયો હોત.
મમ્મીની તબિયત પણ અવારનવાર ડાઉન જ રહે છે.
જેમ મને એકલા રહેવાની ટેવ નથી તેમ તેઓ બંનેને પણ મારા વગર રહેવાની ટેવ તો નથી જ.
ધડકન માટે ઘર છોડતી વખતે પપ્પાનું પડી ગયેલું મોઢું શું હું જોઈ શકીશ?
મમ્મીની આંખના આંસુ શું મારાથી બર્દાશ્ત થશે?

.

બહુ બધું વિચિત્ર ભાસવા લાગ્યું હતું.

વોટ્સઍપમાં મેસેજ આવ્યાની બત્તી ટમટમતી હતી.
ધડકનનો ન વંચાયેલો મેસેજ તેમાં હતો.

મેસેજ વાંચ્યા વગર જ મેં ફોનને મારાથી દુર સરકાવી દીધો
અને ઓશીકામાં માથું ખોસીને હું શાંત પડી રહ્યો. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..