મનોબંધન Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનોબંધન

મનોબંધન

એક ટુંકી વાર્તા

હિરેન કવાડ

પ્રસ્તાવના

આ મારી ચોથી એવી વાર્તા છે જે થોડી એબસર્ડ છે અને સાયકોલોજીકલ થ્રીલર છે. હું જાણુ છું આવી વાર્તાઓનો વાંચક વર્ગ અલગ જ હોય છે, આવી વાર્તાઓનો અર્થ સામાન્ય રીતે દરેક વાંચક પોત પોતાની રીતે સમજતા હોય છે. આશારાખુ છુ કે તમને ગમશે.

મનોબંધન

બેડની બાજુમાં પડેલ ઘડિયાળનું અલાર્મ વાગ્યુ. મોટા વિશાળ બેડ પર સફેદ રજાઈ ઓઢેલ એણે પોતાના લાંબા વિખરાયેલા કેશ સહિતનું માથુ રજાઈની બહાર કાઢ્યુ. એની આંખોમાં હજુ ઉંઘ હતી. એણે એના બેડ સામેની દિવાલ પર જોયુ. દિવાલની વચોવચ ધ્યાનસ્થ બુદ્ધની એક મોટી તસ્વીર હતી. એ તસ્વીરની આસપાસ બીજી ઘણી બધી તસ્વીરો હતી. એની નજર એક તસ્વીર પર ગઇ, જેમાં એક છોકરી પેરા ગ્લાઈડીંગ કરી રહી હતી. ત્યાંથી હટીને એની નજર બીજી તસ્વીર પર ગઇ જેમાં એક છોકરી મોટું બેગ પેક લઇને ટ્રેકીંગ કરી રહી હતી. એ જ વર્તુળમાં એની નજર બીજી એક તસ્વીર પર પડી જેમાં એક છોકરી કથક નૃત્યના પરિવેશમાં હતી. બીજી એક તસ્વીર જેમાં એ ગીટાર વગાડી રહી હતી. આગળ વધતા સહેંજ ઉપર એક તસ્વીર હતી જેમાં એક વ્યક્તિનો હાથ એ છોકરીના હાથમાં પરોવાયેલો હતો. ફરી એક ફોટો જેમાં એ જ છોકરી દરિયા કિનારે એકલી બેઠીને દરિયાને જોઇ રહી હતી. એક સુર્યાસ્તનો ફોટો જેમાં લાલ સુર્ય આથમી રહ્યો હતો છોકરી રંગહિન હતી. એણે ડાબી તરફ જોયુ. શોકેસમાં એવોર્ડ્સની લાઇન હતી. એ બેડમાંથી બહાર નીકળી. એ શોકેસ તરફ ચાલી. શોકેસ તરફ પહોંચવામાં જ હતી ત્યાં એને મહેસુસ થયુ કે એ આગળ નથી વધી શકતી. એણે જોયુ એના ડાબા પગમાં સાંકળ હતી. એણે પગને ખેંચ્યો પરંતુ સાંકળે ખખડ્યા સિવાય કોઇ ઉતર ન આપ્યો. એણે જોયુ પેલી દિવાલ જેના પર બધા ફોટાઓ હતા એ દિવાલ એનાથી દૂર જઇ રહી હતી. એ ગભરાવા લાગી. એની સાંકળ એને બેડની નજીક ખેંચી રહી હતી. એણે એવોર્ડસ ભરેલા શોકેસ તરફ તાકાત લગાવી પરંતુ એની સાંકળ ખેંચાઈ રહી હતી. એણે દૂર ભાગી રહેલી દિવાલ તરફ જવાનો પ્રયાસ કર્યો પરંતુ દિવાલ પૂર જડપે દૂર ચાલી ગઇ. અચાનક ચારે તરફ અંધારૂ થવા લાગ્યુ. ચારે તરફ હોર્ન, રોક મ્યુઝિક, ઘડિયાળના કાંટા અને અલાર્મના અવાજો શરૂ થઇ ગયા. એનું માથુ ભમરાવા લાગ્યુ. એ બેડ પર બેસી ગઇ. અવાજો વધુ તિવ્ર થતા ગયા. એણે પોતે બેડ પર પડીને પોતાનું માથુ તકીયામાં ભીંસી દીધુ. એણે ચાદર પોતાના માથા સુધી ખેંચી લીધી. બધા અવાજો ધીરે ધીરે શમવા લાગ્યા. માત્ર એક અલાર્મનો અવાજ વાગી રહ્યો હતો.

***

મોટા વિશાળ બેડ પર સફેદ રજાઈ ઓઢેલ એણે પોતાના લાંબા વિખરાયેલા કેશ સહિતનું માથુ રજાઈની બહાર કાઢ્યુ. એની આંખોમાં હજુ ઉંઘ હતી. એણે એના બેડ સામેની દિવાલ પર જોયુ. દિવાલની વચોવચ ધ્યાનસ્થ બુદ્ધની એક મોટી તસ્વીર હતી. એ તસ્વીરને ધ્યાનથી જોઇ રહી. એણે ઘડિયાળ સામે જોયુ સાડા નવ વાગ્યા હતા. બેડની બાજુમાં જ પડેલો એનો ફોન રણક્યો. ‘બોસ’ લખેલુ હતુ. એના ચહેરા પર અણગમતા ભાવો આવ્યા. એણે પ્રયાસપૂર્વક ફોન ઉપાડ્યો.

‘મમતા, આઇ ડોન્ટ વોન્ટ યુ ટુ બી લેટ ટુડે.’, સામેથી ભારે અવાજ આવ્યો.

‘ઓકે સર.’, મમતાએ નરમાઈથી જવાબ આપ્યો. એણે ફોનને ગુસ્સા સાથે નરમ બેડમાં જ ફેંક્યો. એ પોતાના નાઈટડ્રેસમાં જ ઉભી થઈ. એણે પેલા બુધ્ધવાળી દિવાલ સામે જોયુ, એણે નજર ફેરવીને ખાલી પડેલા બેડ તરફ નાખી. બે ઘડી એ શાંત બેડને જોઇ રહી. જાણે ત્યાં પણ એના કેટલાંય સપનાઓ વિખેરાયેલા હોય.

***

‘જલદી કરોના ભાઇસાબ’, એણે ટેક્સી ડ્રાઇવરને કહ્યુ.

‘મેમસાબ ટ્રાફીક તો દેખીયે, ઇસમે કહાં સે ચલાઉં’, ડ્રાઇવરે પાછળ ફરીને કહ્યુ. એને અચાનક પગમાં ખંજવાળ આવી, એ પોતાનો હાથ પગ તરફ લઇ ગઇ, પરંતુ એના હાથમાં લોખંડની સાંકળ આવી, એણે સાંકળ તરફ વધારે ધ્યાન ના દીધુ. જાણે એને સાંકળની આદત પડી ગઇ હોય. ફરી એનો ફોન રણક્યો. એના બોસનો જ ફોન હતો.

‘સર હું ટ્રાફીકમાં ફસાઈ છું.’, મમતાએ કહ્યુ.

‘હું પ્રોજેક્ટ લીડર શ્વેતાને બનાવી રહ્યો છું, યુ વિલ નેવર બી એબલ ટુ મેક ઇટ.’, બોસે કહ્યુ અને સામેથી જ ફોન કટ થઇ ગયો. મમતાના ચહેરા પર કોઇ જ ભાવ નહોતા. એ કારની બહાર જોઇ રહી. ફરી એને પગ પર ખંજવાળ આવી અને એના હાથમાં સાંકળ આવી.

***

‘વિકેન્ડનો શું પ્લાન છે મમતા?’, એક યંગ છોકરાએ મમતાની કેબીન પર ડોકાઈને કહ્યુ.

‘ખબર નહિં મિહિર.’, મમતાએ પોતાને સોંપાયેલુ કામ પૂરૂ કરવામાં જ ધ્યાન આપ્યુ.

‘હેવ અ લાઇફ મમતા.’, અણગમતા ભાવ સાથે મિહિર માત્ર આટલુ કહીને ચાલતો થઇ ગયો.

***

એ કમ્પ્યુટર ડુબેલી હતી. ઘડિયાળમાં રાતના સાડા દસ વાગ્યા હતા, પરંતુ હજુ એનું કામ પૂરૂ નહોતુ થયુ. ઓફીસમાં ત્રણ ચાર વ્યક્તિ સિવાય કોઇ નહોતુ. ઓફીસ બંધ થવામાં હતી. બટ હજુ મમતાનું કામ પૂરૂ નહોતુ થયુ.

‘મમતા, તારૂ કામ સેવ કરી લે.’, બોસે આવીને કહ્યુ.

‘સર, ટેન મિનિટ્સ. ડિપ્લોયમેન્ટ ઇઝ ઓલમોસ્ટ કમ્પ્લીટ.’, બોલીને મમતા ફરી કામમાં લાગી ગઇ. ડિપ્લોયમેન્ટ પત્યુ એટલે એને ઘણી રાહત મળી. એના ચહેરા પર થોડીક ખુશી આવી. એણે એનું કમ્પ્યુટર બંધ કર્યુ, બેગ પેક કર્યુ અને ઓફીસની બહાર નીકળી. ઝરમર આછો વરસાદ પડી રહ્યો હતો. મનમાં કેટલીય ઇચ્છાઓના તરંગો ઉઠ્યા. ફરી એના પગ પાસે કંઇક મહેસુસ થયુ. એની નજર પગ સાથે બંધાયેલી સાકળ પર પડી. એનો મોબાઇલ વાગ્યો. એણે મોબાઇલ સ્ક્રીન પર નજર કરી. સ્ક્રીન પર ‘મમ્મી’ ફ્લેશ થઇ રહ્યુ હતુ.

‘બોલ.’, મમતાએ કોલ રીસીવ કરીને કહ્યુ.

‘ક્યાં છે?’, સામેથી ગુસ્સામાં હોય એવો જવાબ આપ્યો.

‘બસ ઓફીસેથી છુટી. બોલ શું કામ હતુ?’, મમતાએ રૂડલી જ જવાબ આપ્યો.

‘તને કેટલી વાર કહ્યુ છે રાત્રે આટલે મોડે સુધી કામ નહિં કરવાનું.’,

‘મમ્મી તને મેં કેટલી વાર કહ્યુ, હું કોઇ ગામડામાં નથી રહેતી. હું વર્કિંગ વુમન છું. મોડે સુધી કામ કરવુ જ પડે.’, મમતા ફ્ર્સ્ટ્રેશનમાં જ ગુસ્સે થઇ ગઇ.

‘કામ જ કરતી હતી ને કે અમારૂ નામ રોશન કરતી હતી.’, સામેથી કટાક્ષનો સૂર આવ્યો. તરત જ એને લાગ્યુ કે પગે બંધાયેલી સાંકળ ખેંચાઈ રહી છે.

‘મમ્મી !’, એને દર્દ મહેસુસ થઇ આવ્યુ. મમતા ફોન પર ચીલ્લાઇ.

‘થોડો તો વિચાર કર બોલતા પહેલા.’, મમતા ગળગળી થઇને બોલી. જાણે કહેતી હોય આ સાંકળ છોડી આપો.

‘કહ્યુ હતુ અમારી સાથે રહે પણ કોઇ માનવા તૈયાર જ નથી.’, સામેથી આટલો અવાજ આવ્યો અને ફોન કટ થઇ ગયો. મમતાની આંખમાંથી આંસુ ટપકી પડ્યુ. એણે પગ પર ખંજવાળ્યુ. એના હાથમાં લોહી આવ્યુ. એણે પોતાનો હાથ રૂમાલથી સાફ કરી લીધો.

***

સાડા બાર વાગે એ પોતાના ફ્લેટ પર પહોંચી. એના પેટમાં એક અન્નનો દાણો નહોતો પડ્યો. એના મગજમાં વિચારોનું બવંડર હતુ. એણે ફ્રિજ ખોલ્યુ. મેગ્ગી એન્ડ બ્રેડ્સ પડી હતી. એણે મેગ્ગી બનાવવા મુકી. એ એના માથામાં ખંજવાળી રહી હતી. થોડી થોડી વારે એના પગ પર હાથ ચાલ્યો જતો હતો. પગ પર ચામડી નીકળી ગઇ હતી અને લોહી નીકળી રહ્યુ હતુ. એ મેગ્ગી બનાવવા મુકીને રૂમાં ગઇ અને ડિસ્કવરી શરૂ કરીને બેસી ગઇ. એના પર કોઇ એડવેન્ચરસ શો આવી રહ્યો હતો. એ કૂતુહલતાથી જોવા લાગી. એના પગ પરની ખંજવાળ બંધ થઇ ગઇ. એ પહાડો અને નદીઓ જોવામાં ડૂબી ગઇ. થોડીવાર પછી એને કંઇક ગંધ આવવા લાગી. અચાનક એને પગ પાસે સણકો ઉઠ્યો. એને યાદ આવ્યુ. એણે મેગી બનાવવા મુકી હતી. ફરી એના માથામાં વિચારો શરૂ થઇ ગયા. કિચનમાં જઇને જોયુ. મેગી પૂરી બળી ગયેલી હતી. એણે હડબડાહટમાં ચીસ પાડીને ગેસ બંધ કર્યો. એણે બીજું વાસણ લીધુ અને ફરી મેગી બનાવવા મુકી. આ વખતે એ પગ ખંજવાળતી ખંજવાળતી ત્યાંજ ઉભી રહી. એણે જડપ જડપમાં ખાધુ. ઓલમોસ્ટ એક વાગી ચુક્યો હતો. એ પોતાના ફ્લેટની ગેલેરીમાં ગઇ. ધીમો વરસાદ આવી રહ્યો હતો. એ કોઇને ઝંખી રહી હતી, પરંતુ કોઇ નહોતુ. એના હાથમાં સળવળાટ ઉપડી રહ્યો હતો. એના માથુ ભારે થઇ રહ્યુ હતુ, ફાટી રહ્યુ હતુ.

એણે વરસાદને મહેસુસ કરવા પોતાની આંખો બંધ કરી. પરંતુ એની સામે કોઇ જ સુંદર દ્રશ્યો ન આવ્યા. એને પોતાના ટેબલ પર પડેલ ફાઇલોનો જથ્થો દેખાણો, એ જ્યારે પણ સ્ટેજ પર નાચવા જતી હોય ત્યારે પગ મચકોડાઇ રહેલો દેખાણો, ગીટારના સ્ટ્રોક મારતા તુટી રહેલી સ્ટ્રીંગ દેખાણી, પહાડ ચડતા લપસી રહેલી એણે પોતાને જ જોઇ, એને ગુસ્સામાં બોલી રહેલી પોતાની મમ્મી દેખાણી, પોતાના પર્સમાં પૈસા માટે હાથ નાખતા વારે વારે બહાર આવી રહેલો ખાલી હાથ દેખાયો, એનાથી દૂર જઇ રહેલા પૂરૂષો દેખાયા. પરંતુ બધી જ વસ્તુમાં એક વસ્તુ કોમન હતી. એના પગ પર સાંકળ હતી. જે એને ખેંચી રહી હતી.

‘આઆઆઆઆ’, એણે આંખો ખોલીને દૂર સુધી ચીસ ફેંકી. વરસાદના અવાજમાં એનો અવાજ વિલીન થઇ ગયો. એ રડતા રડતા ગેલેરીમાં જ ઢળી પડી. એ ધ્રુસકે ધ્રુસકે રડી. પરંતુ પગમાં રહેલી સાંકળ એને બેડ તરફ ખેંચી રહી હતી. દિવસ રાતનું ચકરડુ એને બોલાવી રહ્યુ હતુ. એ જવા નહોતી માંગતી. એણે બધી જ તાકાત વરસી રહેલા વરસાદને જોવા માટે લગાવી. પરંતુ સાકળ બેડ તરફ ખેંચાઈ રહી હતી. બેડની બાજુમાં પડેલી આલાર્મ ઘડીયાળ એને જોર જોરથી હસતી દેખાઈ. એણે ગેલેરીની પાળ પકડી, પરંતુ સાકળનું બળ વધારે હતુ. અચાનક મોબાઇલમાં રીંગ વાગી. એણે જલદીથી ફોન ઉપાડ્યો.

***

‘હાઇ મમતા, આશા હિઅર.’, અચાનક સાંકળો ઢીલી થઇ. મમતાએ જડપથી પોતાને સ્વસ્થ કરી.

‘હાઇ, આશા.’

‘સાલી તને મળ્યે વર્ષો થ્યા. તારા શહેરમાં આવી છું ક્યાં છે તુ એડ્રેસ મોકલ.’, આશાએ કહ્યુ, મમતા સાંભળીને ખુબ ખુશ થઇ.

‘મોકલુ એડ્રેસ તને.’, મમતાએ હસતા હસતા કહ્યુ.

‘ચુડેલ જલદી મોકલ.’

‘હા’, ફરી મમતાએ હસીને કહ્યુ. તરત જ મમતાએ પોતાના ફ્લેટનું એડ્રેસ ટાઇપ કર્યુ અને આવેલા નંબર પર હસતા હસતા મોકલ્યુ. મમતાને અચાનક ખયાલ આવ્યો કે એ હમણાંજ હસી છે. એને ખુબ જ સારૂ લાગ્યુ. એ પોતાના રૂમમાં ગઇ એણે જડપ જડપમાં પોતાનો ફ્લેટ વ્યવસ્થિત કર્યો. એની જુની ફ્રેન્ડ આશાની એ આતૂરતાથી વાટ જોઇ રહી. ઘણા દિવસો પછી કોઇએ એની સાથે આવી રીતે વાત કરી હતી. એ ફ્રેશ થઇ ગઇ અને બેસીને થોડીવારમાં જ ‘ડિંગ ડોંગ’, બેલ વાગ્યો.

***

બન્નેના હાથમાં એક એક પેગ હતો. વર્ષો પહેલાના કિસ્સાઓ બોલાયા. બન્ને એ જીવાયેલી ખુશીઓને ઉખેળી. મમતાને ઘણુ સારૂ લાગી રહ્યુ હતુ. પરંતુ આશાને મમતાનો ચહેરો જોતા જ ખયાલ આવી ચુક્યો હતો મમતામાં કંઇક ખુંટે છે. બન્ને ખુશીઓના ભાવની ટોચ પર હતા. ત્યાંજ આશાએ અટકીને પૂછ્યુ.

‘એ બધી વાતને છોડ, પહેલા મને તારી પ્રોબ્લેમ કહે?’, આશાએ મમતાની આંખોમાં જોઇને કહ્યુ. મમતા એની આંખોમાં જોઇ રહી. મમતાને એના પગ પર ફરી ખંજવાળ આવી. એણે ત્યાં ખજવાળ્યુ. આશાની નજર પણ ત્યાં ગઇ.

‘ઇટ્સ ફાઇન.’, મમતા બોલી.

‘મને ખબર છે કંઇક તો પ્રોબ્લેમ છે.’, આશા બોલી. આશાએ ફરી મમતાની આંખમાં જોયુ અને એનો હાથ પકડ્યો.

‘હું રોજ ઉઠુ છું, ઓફીસ જાવ છુ, જમુ છું અને ઉંઘી જાવ છું, આઇ હેવ નો વન ટુ લવ, ઓલ આઇ એમ ડૂઇંગ ઇઝ ડાઇંગ. મારી લાઇફ બોરીંગ બની ગઇ છે. હું બંધાઈ ગઇ છું, હું જીવી નથી રહી, હું મરી રહી છું આશા.’, મમતા એક શ્વાસે બોલી ગઇ અને રડી પડી.

‘હેય, કામ ડાઉન’, આશાએ મમતાને ગળે લગાવી લીધી.

‘મારૂ બધુ જ પાછળ છુટી ગયુ છે, ડાન્સ, મ્યુઝિક, એડવેન્ચર, ધેર ઇઝ નો વન ટુ ગીવ લવ. મમ્મીની વાતો સાંભળીને હું ફ્રસ્ટ્રેટ થઇ ચુકી છું. આઇ હેવ માય લાઇફ, હું એના ટર્મ્સ પર ક્યાં સુધી જીવીશ? આઇ ડોન્ટ નો વોટ ટુ ડુ ઇન માય લાઇફ. આઇ લાઇક માય જોબ, આઇ હેવ મની. બટ હું ક્યાંય નથી જઇ રહી. આ રસ્તો સીધો સ્મશાન તરફ જઇ રહ્યો છે. હું મારી જાતને સાકળ સાથે બંધાઈને મરેલી જોવ છું.’, આશાએ મમતાના માથા પર હાથ ફેરવ્યો.

‘હેય લુક એટ મી.’, આશાએ મમતાનો ચહેરો બે હાથથી પકડ્યો.

‘યુ નીડ અ બ્રેક.’, આશા બોલી.

‘તુ ક્યાં સુધી છે અહિં.’, મમતાએ ધીમેંથી પૂછ્યુ.

‘મારે વહેલી સવારની ફ્લાઇટ છે.’, આશાએ મમતાની આંખોમાં પ્રેમથી જોઇને કહ્યુ.

‘મારે ફરી ટ્રેકીંગ કરવુ છે, ગાવુ છે બટ ધીઝ થીંગ્સ…’, મમતા ફ્રસ્ટ્રેશનમાં આગળ ના બોલી શકી.

‘ધેન ડુ ઇટ. ડોન્ટ વેઇટ. સાંકળો તારે જ છોડવી પડશે. આજ ટાઇમ છે મમતા’, આશાએ ફરી મમતાનો હાંથ ભીંસીને કહ્યુ.

‘શુડ આઇ લીવ એવરીથીંગ?’, મમતાએ મૃદુ સ્વરે કહ્યુ.

‘હા, થોડા સમય માટે તો ખરૂજ.’,

‘અહિં બધુ શું થશે? મમ્મી ના બોલશે.’, મમતાએ એક્સક્યુઝ આપી.

‘જે થવાનું હશે એ થશે જ. તુ જ કહે છે તારે કોઇના ટર્મ્સ પર લાઇફ નથી જીવવી. ડોન્ટ વેઇટ.’, આશાએ કહ્યુ.

‘થેંક્સ’, મમતાએ આશાનો હાથ પોતાની છાંતી પર ચાપતા આંખોમાં આંખો નાખીને કહ્યુ.

‘ઓલવેઝ વેલકમ.’, આશાએ મંદ સ્મિત સાથે કહ્યુ. મમતા આશાની થોડી નજીક આવી અને પોતાના હોઠ આશાના હોઠોને આશાના હોઠ સાથે સ્પર્શ કરાવ્યો. મમતાએ આશા સામે જોયુ. બન્નેની આંખો મળી.

‘વી કેન હેવ અ મેન, વિ આર નોટ ધીઝ.’, આશા ધીમેંથી બોલી. આ સહમતી હતી કે અસહમતી મમતા ના સમજી શકી. અત્યારે એનું શરીર કોઇને જંખતુ હતુ. મમતા ફરી પોતાના હોઠ આશાના હોઠ પર લઇ ગઇ. આ વખતે આશાએ કોઇ અવરોધ પેદા ના કર્યો. શાંત પડેલા બિસ્તર પર રોકાતા શ્વાસોના નિશાન હતા.

***

મમતાની આંખો ઉઘડી એની બાજુમાં કોઇ નહોતુ. એણે ઘડિયાળમાં જોયુ, સવારના સાડા દસ વાગ્યા હતા. આજે અલાર્મ વાગ્યુ નહોતુ. એણે સામે રહેલી દિવાલ તરફ જોયુ. દિવાલ ખાલી હતી. એની નજર એના પગ પર પડી. ત્યાં સાંકળ બંધાયેલી હતી. એણે લેપટોપ ઉઠાવ્યુ અને ટ્રેકિંગ ટ્રીપ બુક કરી. એણે જોયુ એની સાંકળ પીગળી રહી હતી. એણે પોતાના મુલાયમ પગ પર હાથ ફેરવ્યો. એના પગ પરના ઘાવ ધીરે ધીરે રૂજાઇ રહ્યા હતા. એણે બુદ્ધની તસ્વીર સામે જોયુ.

‘બુદ્ધમ્ શરમણ્મ્ ગચ્છામી.’,એ બબડી અને એણે આંખો બંધ કરી લીધી.

***

મોબાઇલમાં મધુર સંગિત વાગ્યુ. એણે પડખુ ફેરવ્યુ. પરંતુ મીઠુ સંગિત બંધ ન રહ્યુ. એણે મોબાઇલ હાથમાં લીધો અને અલાર્મને સ્નુઝ કર્યુ. ત્યાંજ પાછળથી એ ખેંચાઈ, એના ચહેરા પર સ્મિત આવ્યુ. એક મજબુત બાહોંએ એને સમાવી લીધી. એણે પોતાનો ચહેરો એ મજબુત છાતી પર રાખ્યો અને આંખો બંધ કરી. એના કપાળ પર હળવુ ચુંબન આવ્યુ. થોડીવારમાં ફરી મોબાઇલમાં સંગિત વાગ્યુ. એણે આલાર્મને સ્ટોપ કર્યુ. ફરી એ બેડ તરફ ખેંચાણી. એની નજર એની સામેની દિવાલ પર પડી. એની નજર બુદ્ધની તસ્વીરની આસપાસના ફોટોઝ પર પડી. એણે બાજુમાં સુતેલા યુવાનના હોઠો પર પોતાના હોઠ ચોંટાડ્યા, પેલા યુવાને પણ એ હોઠોનો સ્વિકાર કર્યો. એ પોતાના આવરણ રહિત શરીર પર ચાદર વિંટોળી ઉભી થઇને એ તસ્વીરો તરફ ચાલી. એણે પાછળની તરફ નીંચે જોયુ. સાકળ એના પગ સુધી પહોંચવા મથી રહી હતી. એણે પોતાનો પગ સાંકળો પર મુક્યો અને એને શાંત કરી. એણે દરેક તસ્વીર પર હાથ ફેરવ્યો. હાથ ફેરવતાની સાથે જ એના મનમાં પેરા ગ્લાઇડીંગ, ટ્રેકીંગ, નૃત્ય, સંગિત સુર્યાસ્ત, આનંદમાં રમતા દરિયાની પળો તાજી થઇ ગઇ.

આખરે એની આંખો બુદ્ધની શાંત તસ્વીર તરફ આવીને થોભી. એ બે ઘડી એને જોતી રહી. એણે તસ્વીર નીચે લખાયેલા વાક્ય ઉપર હાથ ફેરવ્યો, એના ચહેરા પર સ્મિત આવ્યુ અને બબડી. “Salvation is within”. બધી જ સાંકળો અદ્રશ્ય થઇ ગઇ.


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com